Skip to content

સિંહાસન બત્રીસી : 17 મી પૂતળીની અમરફળની વાર્તા

અમરફળની વાર્તા : સિંહાસન બત્રીસી
1651 Views

આજે સિંહાસન બત્રીસીમાં વાંચો સતરમી પૂતળીની અમરફળની વાર્તા, આગળની કોઇપણ વાર્તા વાંચવાની બાકી હોય તો પોસ્ટની નીચેથી લીંક મળી જશે. બત્રીસ પૂતળીની વાર્તા, sinhasan batrisi, mena popat ni varta, batris putali full story in gujarati.

17 મી પૂતળી : અમરફળની વાર્તા

સત્તરમે દિવસે ભોજ રાજા જેવા સિંહાસન પર બેસવા જાય છે, ત્યાં સિંહાસનમાંથી સત્તરમી પૂતળી ‘પંકજનયની’ એ તેમને સિંહાસન પર બેસવા જતાં અટકાવી બોલી : “હે રાજન ! આ સિંહાસન વિક્રમ રાજાનું છે અને તેના જેવો રાજવી જ આ સિંહાસન પર બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાના દયાળુપણાની નવી વાર્તા કહેવી શરૂ કરી.

એક દિવસ વિક્રમ રાજા ઉજ્જયિની નગરીની બહાર આવેલા શિવાલયમાં પૂજન કરીને બહાર આવેલ વડ નીચે થોડી વાર બેઠા. તે વડ ઉપર એક મેના અને પોપટ વાતો કરતાં હતાં. વિક્રમ રાજા નીચે બેઠા બેઠા તે બે પંખીની વાતો ધ્યાનથી સાંભળવા લાગ્યા.

મેનાએ પોતાના પતિને દુખી જોઈને પૂછ્યું: “હે નાથ ! આજે તમે આટલા દુ:ખી કેમ લાગો છો ? તમારે માથે એવું તે શું દુ:ખ આવી પડ્યું? મને તમારા દુ:ખનું કારણ જણાવો.”

ત્યારે પોપટે કહ્યું : “હે મેના ! હું મારા મિત્ર મોહનના દુ:ખે દુ:ખી છે. તે આજે મહાદુ:ખમાં આવી પડ્યો છે. જ્યારથી તેના દુખની વાત સાંભળી છે ત્યારથી મને ખાવાનું પણ ભાવતું નથી.”

મેનાએ પૂછ્યું: “તમારા મિત્ર મોહનને એવું તે શું દુ:ખ છે તે મને જણાવો.”

પોપટ બોલ્યો : “આજે સવારમાં નસીબજોગે મને મારો મિત્ર મોહન પોપટ મળ્યો. અમે બંને લગભગ ઘણાં વર્ષો પછી મળ્યા હોવાથી મારા હરખનો પાર ન રહ્યો. મેં એના કુશળ સમાચાર પૂછ્યા ત્યારે તે તો ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો. મેં તેને ખૂબ જ સાંત્વન આપ્યું અને તેને રડવાનું કારણ પૂછયું ત્યારે તેણે પોતાના દુ:ખની વાત કરી.

ઉત્તરમાં હિમાલય પર્વતની જોડે ભાતભાતનાં ઝાડ-પાન ઊગે છે, ને ત્યાં અસંખ્ય જાતજાતનાં પંખીઓ વસે છે. એ વનમાં એક સરોવરને કાંઠે હું રહેતો હતો. એક દિવસ મારે ત્યાં એક સુંદર પોપટ આવ્યો હતો. મેં તેને દસેક દિવસ સુધી મારા ઘેર રાખ્યો હતો. મેં તેની બહુ સરભરા કરી. તે મારી મહેમાનગતિ પર ખુશ થઈ ગયો. તેણે જતી વખતે મને એક ફળ આપ્યું ને કહ્યું : “આ અમરફળ છે. જે આ ફળ ખાશે, તે અમર બની જશે. મેં વિચાર્યું કે મારે અમર થઈને શું કામ છે? માટે કોઈ ધર્માત્માને આપું.

મારા દેશનો રાજા ધર્મી, ઉદાર અને પવિત્ર છે. તેના રાજમાં કોઈપણ પશુ-પંખીનો શિકાર કરવાની મનાઈ છે. અહીં મનુષ્ય પશુ-પંખી બધાં આનંદથી રહે છે. તેમણે પશુ-પંખીઓ માટે પાણીની પરબડીઓ અને ખાવા માટે દાણા-પાણીની પણ સગવડ કરી છે. તેમણે સોળ જોજનનું વન બનાવ્યું છે. તે વનમાં બધાં પંખીઓ રહે છે. આવા રાજાને જો આ અમરફળ આપું ને અમર બનાવું તો જગત પર મોટો ઉપકાર થાય. આવો વિચાર કરી હું ફળ લઈ રાજદરબારમાં ગયો. રાજાએ મારું સ્વાગત કર્યું. મેં તેમને અમરફળ આપીને તેનો મહિમા કહ્યો.

રાજા તો અમરફળનો મહિમા સાંભળી ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે મને પોતાને ત્યાં ભોજન કરાવ્યું અને મારી સારી આગતાસ્વાગતા કરી. મેં ઘેર આવીને બધાં પંખીઓને આની વાત કરી, ત્યારે બધાએ કહ્યું: “તેં આ ભૂલ કરી.”

આ બાજુ રાજાએ વિચાર્યું કે હું એકલો અમરફળ ખાઈને શું કરું? મારા સગાં-સંબંધીઓ જો મારી પહેલાં મૃત્યુ પામે તો મારે તો પાછું દુ:ખનું દુ:ખ જ ! માટે લાવને ! આ અમરફળને રાજબાગમાં વાવી દઉં, જેથી એ ઝાડ ઉપર ઘણાં અમરફળ લાગશે અને એ બધાં ખાઈને અમે બધાં અમર બનીશું.

આ રીતે વિચાર કરીને રાજાએ અમરફળ ખાધું નહિ પણ રાજબાગમાં વાવ્યું અને તેની દેખરેખ માટે એક અલગ માળી પણ રાખ્યો. સમય પસાર થતાં આ ઝાડ ઉપર બીજાં અસંખ્ય ફળો ઊગ્યાં. માળીએ રાજાને ફળ ઊગ્યાની વધામણી આપી. રાજા તો ઝાડ ઉપરથી ફળ પડવાની રાહ જોવા લાગ્યા. થોડા જ દિવસોમાં ઝાડ ઉપરથી એક અમરફળ નીચે પડ્યું. માળી તેને લઈને રાજમહેલમાં આવ્યો ને ફળ રાજાને સુપરત કર્યું.

રાજા દરબારમાં આ ફળ લાવ્યા અને બધા દરબારીઓને આ ફળ બતાવી કહ્યું: “આ ફળ કોને આપવું? કોઈએ જવાબ આપ્યો નહિ. છેવટે રાજાએ જ નક્કી કર્યું કે આ ફળના સાત ટુકડા કરી યોગ્ય વ્યક્તિને વહેંચી દેવા. રાજાએ અમરફળના સાત ટુકડા કર્યો ને પહેલો ટુકડો રાજગોરને, બીજો પોતાના કુંવરને અને બીજા પાંચ ટુકડા પોતાના પાંચ પ્રધાનોને આપ્યા.

બધાએ તે ફળ હોંશે હોંશે ખાધું, પણ આશ્ચર્યની વાત તો એ બની ગઈ કે જેવું અમરફળ બધાએ ખાધું કે થોડી વારમાં તો તેઓ બધા બેભાન થઈને નીચે ઢળી પડ્યા. આખા રાજદરબારમાં હાહાકાર થઈ ગયો રાજાએ તરત જ પોતાના રાજવૈદ્યને તેડાવ્યા. તેમના ઘણા પ્રયત્ન છતાં કોઈ ભાનમાં આવી શક્યું નહિ. રાજા તો ખૂબ જ ગુસ્સે થઈ ગયો.

રાજાએ તરત જ હુકમ કર્યો કે પેલા મોહન પોપટને હમણા ને હમણાં હાજર કરો. એણે જ આ અમરફળ આપ્યું હતું. જે ખરેખર નિષ્ફળ છે. જેના ખાવાથી આજે બધાની આવી દશા થઈ ! મેં બિચારા પંખીઓ માટે વન વસાવ્યાં અને તેણે મારા ઉપકારનો બદલો આવો અપકારથી વાળ્યો. હમણાં ને હમણાં આખું વન, સળગાવી મૂકો, પરબડીઓ તોડી નાખો.

મોહન પોપટ કાંપતો કાંપતો દરબારમાં હાજર થયો. તેણે રાજાનો હુકમ સાંભળ્યો હતો. તે રાજાના પગ પકડી બોલ્યો : “ રાજન ! આ ફળ મને બીજા એક પોપટે આપ્યું હતું અને તેણે મને આ અમરફળ કહીને આપ્યું હતું. મેં સારા માટે આ ફળ તમને આપ્યું, પણ મને આની શી ખબર? જો હું આરોપી હોઉં તો તમે મને મારી નાખો, પરંતુ એકના વાંકે અનેકને શિક્ષા ન કરો. જો મારા મનમાં પાપ હોત તો હું અહીં પાછો આવત જ શા માટે ? માટે આ લોકોમાંથી કોઈ મરી ન જાય ત્યાં સુધી કોઈ ઉતાવળિયું પગલું ભરશો નહિ.”

ત્યારે રાજાએ કહ્યું: “હે પોપટ ! આ સાતે બેભાન થયેલાને ફરી ભાનમાં લાવવા માટે તું કોઈક એવી વસ્તુ લઈ આવ કે જેથી હું તારી ભૂલ માફ કરી દઈશ.”

મોહન પોપટના દુખની વાત પૂરી કરતા પોપટે કહ્યું: “મોહન પોપટે રાજાને એવી ઔષધિ લાવી આપવાનું વચન આપ્યું છે. પરંતુ તેનું આ કાર્ય વિક્રમ રાજા જ પૂરું કરી શકે તેમ છે. હવે આ વિક્રમ રાજાને ખોળવા ક્યાં ? તેથી હવે મોહન પોપટ હિંમત હારી ગયો છે, ને આપઘાત કરવાનું વિચારે છે.

મેના-પોપટની આ વાત નીચે બેઠેલ વિક્રમ રાજા સાંભળતા હતા. તેમને મેના-પોપટની વાતમાં પોતાનું નામ સાંભળી. મોહન પોપટ પર દયા આવી. તેઓ ઊભા થઈને બોલ્યા : “હે પંખીઓ, હું પોતે જ વિક્રમ રાજા છું. તમારી વાત સાંભળી છે. હવે તમે તમારા દુખી મિત્ર મોહનને મારી પાસે લઈ આવો, એટલે તેને હું જરૂર મદદ કરીશ.”

પોપટ ઊડીને થોડી વાર પછી તેના દુ:ખી મિત્ર મોહન પોપટને લઈ વિક્રમ રાજા પાસે આવ્યો. વિક્રમ રાજાએ પોપટને કહ્યું : “તેં જે રાજાને અમરફળ આપ્યું છે તે રાજા પાસે મને લઈ જા. હું તારું દુખ જરૂર દૂર કરીશ. તારે હવે આપઘાત કરવાની જરૂર નથી.”

મોહન પોપટ વિક્રમ રાજાને લઈ રાજાના દરબાર આગળ ગયો. પણ પોતે સાથે ન ગયો અને મહેલ બહાર બેસી રહ્યો. વિક્રમ રાજા એકલા દરબારમાં ગયા અને રાજાને કહ્યું : “હે રાજન ! તમારા રાજ્યમાં પંખીઓને આટલું દુખ કેમ છે, તેની મને સમજ પડતી નથી. મને વનનાં પંખીઓનું દુ:ખ જોયું જવાતું નથી.”

આટલું સાંભળતા તો રાજાને ગુસ્સો ચડ્યો. તે બોલ્યો : તમને પંખીઓની દયા આવે છે. માણસની નહિ કેમ? જો તમે પંખીઓનું પાપકૃત્ય જાણશો તો તમને પણ એના પ્રત્યે તિરસ્કાર થશે.

વિક્રમ રાજાએ પૂછયું : “પાપ? પંખીઓએ એવું તે શું પાપ કૃત્ય કર્યું છે કે જેથી તેમની ઉપર તિરસ્કાર ઊપજે ?

રાજાએ કહ્યું : “એક પોપટ મને એક ફળ અમરફળ કહીને આપ્યું પરંતુ તે ફળ તો વિષફળ નીકળ્યું. જેને ખાવાથી મારો પુત્ર, રાજગોર અને બીજા પાંચ પ્રધાનો એમ કુલ સાત જણા મરી ગયા. આ પંખીઓ માટે મને પણ પહેલાં ખૂબ જ લાગણી હતી, પરંતુ તેમના આવા કૃત્ય બદલ મને હવે તેમની ઉપર તિરસ્કાર ઉપજ્યો છે. એટલે તો મેં આખા વનનો નાશ કરવાનું કહ્યું છે.”

માઈક્રોફિક્શન વાર્તાઓ
માઈક્રોફિક્શન વાર્તાઓ

વિક્રમ રાજાએ રાજાને આશ્વાસન આપી કહ્યું : “મને ત્રણ દિવસનો સમય આપો. હું ત્રણ દિવસમાં આ બધાને ભાનમાં લાવી દઈશ. તમે ફક્ત ત્રણ દિવસ માટે શાંતિ રાખો. જો હું ત્રણ દિવસમાં આ સાતે સૂતેલાને બેઠા ન કરું તો મારે માથે ગૌહત્યાનું પાપ!”

રાજા તો આ સાંભળી એકદમ આભો બની ગયો. હવે તેને વિક્રમ રાજાની વાતમાં કંઈક વિશ્વાસ બેઠો. તેથી તેણે ત્રણ દિવસની મહેતલ આપી.

આમ રાજાને આશ્વાસન આપી વિક્રમ રાજા સરોવરને કાંઠે જઈ હરસિદ્ધ માતાનું સ્મરણ કર્યું. જ્યારે માતાજી તેમની પર પ્રસન્ન થયાં ત્યારે વિક્રમ રાજાએ પૂછ્યું: “હે દેવી! પોપટે રાજાને આપેલ અમરફળને ખાનાર કેમ બેભાન થઈ ગયા?

માતાજીએ કહ્યું : “હે રાજન ! આ રાજા લોભી છે. પોપટે તો રાજાને અમરફળ જ આપ્યું હતું, પરંતુ તેના લોભને ખાતર તે ફળ વિષફળ બની ગયું છે. આ રાજાએ અમરફળ પોતે ન ખાતાં તેનું ઝાડ ઉગાડ્યું અને તેનો લાભ બધા માણસોને આપવાનું વિચાર્યું પરંતુ બન્યું એવું કે આ અમરફળના ઝાડની થોડે દૂર એક મણિધર સાપ રહેતો હતો. તે દરરોજ બહાર આવતાં – જતાં આ ઝાડના થડને ઝેરી દંશ મારતો જતો,

પરિણામે આખું ઝાડ ઝેરી બની ગયું અને તેનાં ફળો પણ ઝેરી બની ગયા. તે ફળના સાત ટુકડા સાત વ્યક્તિઓએ ખાતાં, તેમનાં શરીરમાં ઝેર ચડવાથી તેઓ બેભાન થઈ ગયા. આમાં બિચારા પોપટનો કોઈ વાંક નથી. આ મણિધર સાપ અહીંથી એક જોજન દૂર કદમના ઝાડ હેઠળ રહે છે. આ સાપની એક દાઢમાં ઝેર તો બીજી દાઢમાં અમૃત છે. જો એ અમૃતવાળી દાઢ વડે એ ઝાડને ડંસે તો પેલું વિષફળ પાછું અમૃત બને.

તમે એ મણિધર નાગ પાસે જઈ વિનંતી કરો કે તે આ ઝાડનું બધું ઝેર ચૂસી લે. પછી તમે તે ઝાડ પરથી એક અમરફળ તોડીને તેના સાત ટુકડા સાતેય જણને ખવડાવશો તો સાતેય ભાનમાં આવી જશે.” આમ કહી માતાજી અંતર્ધ્યાન થયાં.

રાત્રે જ વિક્રમ રાજા માળી પાસેથી ફૂલોની છબ લઈને તે અમરફળના ઝાડ પાસે આવ્યા અને આજુબાજુ ફૂલો વેરી દીધાં. ફૂલોની સુવાસથી મણિધર નાગ તેના રાફડામાંથી બહાર આવ્યો વિક્રમ રાજાએ મણિધર નાગને પ્રણામ કર્યા અને કહ્યું : “હે નાગરાજ ! તમે આ અમરફળના ઝાડનું ઝેર ચૂસી લો તો સારું.”

મણિધર નાગે કહ્યું: “હે રાજન ! જ્યારથી મેં અમૃતફળના વૃક્ષને ડંખ દીધો ત્યારથી મારા શરીરમાં ઠંડક વળી છે પણ જો એ ઝેર ફરીથી મારા શરીરમાં આવે તો મને આખા શરીરે અગન બળે.”

વિક્રમ રાજાએ કંઈક વિચારીને કહ્યું : “હે નાગરાજ ! તમે ઝાડમાંથી ઝેર ચૂસી મને દંશ મારજો, જેથી બધું ઝેર મારા શરીરમાં ફેલાઈ જશે અને તમારી બળતરા પણ મટી જશે. કારણ મારો દેહ અમૃત જેવો શીતળ છે, એથી તમને ઠંડક થશે.” સાત જણને બચાવવા ખાતર હું મરવા તૈયાર છું.

મણિધર નાગે વિક્રમ રાજાની શરત પ્રમાણે અમરફળનાં ઝાડ પાસે જઈને તેનું બધું ઝેર ચૂસી લીધું ત્યાં તો તેનું આખું શરીર બળું બળું થઈ રહ્યું. વિક્રમ રાજાએ તરત જ પોતાનું શરીર નાગ આગળ ધરી દીધું. નાગે તરત જ વિક્રમ રાજાને ડંશ દીધો અને ત્યાંથી ચાલતો થયો.

હવે વિક્રમ રાજાના શરીરમાં ઝેર ફેલાવાથી તેમને ખૂબ જ બળતરા થવા લાગી. તેમણે તરત જ વીર વૈતાળનું અને હરસિદ્ધ માતાનું સ્મરણ કર્યું. તરત હરસિદ્ધ માતા અને વૈતાળ હાજર થયાં. વિક્રમ રાજા તો બેભાન થઈને ઢળી પડ્યા હતા. રાજાને જોઈ માતાજીએ કહ્યું: “હે વીર વૈતાળ! તું અત્યારે જ હિમાલય પર્વત પરથી ઝેર ઉતારવાનો મણિ લઈ આવ.”

વૈતાળ તરત મણિ લેવા ઊપડી ગયો. આ બાજુ રાજબાગની રખેવાળી કરતાં માળીની નજર વિક્રમ રાજા પર પડી. તે રાજા પાસે આવ્યો. પરંતુ તેણે વિક્રમ રાજાને બેભાન હાલતમાં પડેલા જોયા. તે એમ સમજ્યો કે આ માણસે પણ ઝેરી અમરફળ ખાધું ને તેથી બેભાન થઈ ગયો. તેણે તરત પોતાના રાજાને આની ખબર આપી.

થોડી વારમાં તો રાજબાગમાં રાજા સહિત અનેક માણસો ત્યાં દોડી આવ્યા. રાજાને થયું કે “જે માણસ પંખીઓની દયા ખાવા આવ્યો હતો, તે જ બેભાન થઈને પડ્યો છે. સારું થયું તે મરી ગયો નથી તે એ જ લાગનો હતો.

આખા ગામમાં વિક્રમ રાજાની મશ્કરી થવા લાગી. હવે દેશમાં રાજાને રોકનારું કોઈ રહ્યું નહિ. તેણે આખા વનને સળગાવી મૂકવાનો હુકમ કર્યો.

એવામાં વૈતાળ હિમાલય પરથી મણિ લઈ આવ્યો ને અદેશ્ય સ્વરૂપે વિક્રમ રાજાના મુખમાં મણિ મૂકી દીધો, કે તરત જ રાજાનું બધું જ ઝેર મણિએ ચૂસી લીધું. ઘડીકમાં તો વિક્રમ રાજા સ્વસ્થ થઈ ગયા. આ ચમત્કાર જોઈ બધા લોકો દંગ રહી ગયા.

પછી વિક્રમ રાજાએ કહ્યું : “હે રાજન ! હવે આ ઝાડનાં ફળ વિષફળ નથી, પણ અમૃતફળ છે. હવે તે જેને ખવડાવવામાં આવશે તે આયુષ્યના બળિયા બનશે અને બેભાન બનેલા માણસને તેનો એક ટુકડો ખવડાવવાથી તે તરત જ ભાનમાં આવી જશે.”

રાજાને વિશ્વાસ આવ્યો નહિ, તેથી તેણે ખાતરી કરવા માટે વિક્રમરાજાને કહ્યું: “તમે પહેલા એક ફળ ખાઓ.” વિક્રમ રાજાએ તરત જ એક ફળ તોડાવીને હોંશે હોશે ખાધું ને તેમનામાં વધુ તરવરાટ આવી ગયો, પછી વિક્રમ રાજાએ બીજું એક અમરફળ તોડીને તેના સાત ટુકડા કર્યા અને તે સાતેય ટુકડા લઈ રાજદરબારમાં આવ્યા અને તેમના હાથે જ સાતેય બેભાન થયેલા માણસોને ખવરાવ્યા. થોડી વારમાં તો તે સાતેય માણસો ભાનમાં આવી ગયા અને તે પહેલાં કરતાં વધુ પ્રફુલ્લિત લાગતા હતા.

એવામાં માળી એક બીજું તૂટી પડેલું અમરફળ રાજાને આપી ગયો. વિક્રમ રાજાએ આ ફળ દરબારના કોઈપણ વૃદ્ધ માણસને ખાવા માટે આપવાનું કહ્યું. રાજાએ દરબારમાં રહેલા એક વૃદ્ધને આ અમરફળ ખવડાવ્યું કે તરત જ તે નવયુવાન બની ગયો. હવે પેલા રાજાને વિક્રમ રાજા પ્રત્યે માન ઊપજ્યુ અને તેણે ગમે તેવા અપશબ્દો બોલવા બદલ માફી માગી અને તેમની ઓળખાણ આપવા કહ્યું.

વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી ત્યારે પેલો રાજા રાજાને નમી પડ્યો. બધાએ વિક્રમ રાજાનો જય જયકાર બોલાવ્યો. પછી વિક્રમ રાજાએ પેલા રાજાને કહ્યું: “મોહન પોપટ જે ફળ તમને આપ્યું હતું તે અમરફળ જ હતું, પરંતુ તમે તમારા લોભને કારણે ઘણાં ફળ કરવા તેને વવડાવ્યું. તેથી જ આવું પરિણામ આવ્યું. તમે તો મોહન પોપટનો ઉપકારનો બદલો અપકારથી વાળવા તૈયાર થયા.”

પેલા રાજાને પોતાના વર્તન બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેણે તરત જ મોહન પોપટને પોતાના દરબારમાં બોલાવ્યો અને તેને રહેવા માટે રાજબાગમાં સુંદર માળો બનાવી આપ્યો. તેણે પંખીઓ માટે ફરીથી દાણા-પાણીની સગવડ કરી દીધી. વિક્રમ રાજા ત્યાંથી ઉજ્જયિની નગરીમાં આવ્યા. લોકોએ તેમના આ પરાક્રમની વાત જાણી ત્યારે બધાના આનંદનો પાર ન રહ્યો.

‘પંકજનયની’ પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “હે ભોજ રાજા ! વિક્રમ રાજા આવા પરદુઃખભંજન ને દયાળુ હતા. તેના જેવા રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકશે.”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

Also Read : 18 મી પૂતળી મોહિનીની વાર્તા

સોળમી પૂતળીની વાર્તા

મિત્રો અહી ગણેશ સ્થાપનાથી કન્યાવિદાય સુધીના લગ્નગીતોનું સુંદર કલેક્શન મુકવામાં આવ્યુ છે. તમામ ગીતો લખેલા છે..
આપણી સંસ્કૃતિ અને વારસો છે લગ્નગીતો તો વધુમાં વધુ બહેનો સુધી આ કલેક્શન પહોચે અને લુપ્ત થતો વારસો જળવાય એ હેતુ છે.. (અહી ક્લીક કરો)

Best Gujarati lagna geet
Best Gujarati lagna geet

4 thoughts on “સિંહાસન બત્રીસી : 17 મી પૂતળીની અમરફળની વાર્તા”

  1. Pingback: બત્રીસ પૂતળી - 18 મી પૂતળી મોહિનીની વાર્તા - AMARKATHAO

  2. Pingback: 23મી પૂતળીની જાદુઈ ગોટકાની વાર્તા - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *