Skip to content

સત્તાવીસમી પૂતળીની વાર્તા – બુદ્ધિમાન કોણ ?

1885 Views

સત્તાવીસમી પૂતળી તરૂણીએ રાજા ભોજને સિંહાસન પર બેસવા જતાં અટકાવી તેણે વિક્રમ રાજાના પરાક્રમની અને ઉદારતાની નવી વાર્તા કહેવી શરૂ કરી.

સત્તાવીસમી પૂતળીની વાર્તા – સિંહાસન બત્રીસી

મુગલદેશમાં ઉત્તમચંદ નામનો એક કરોડપતિ રહે. તેને ચાર દીકરા હતા. એકનું નામ શતબુદ્ધિ, બીજાનું નામ સહસબુદ્ધિ, ત્રીજાનું લક્ષબુદ્ધિ અને ચોથાનું નામ કરોડબુદ્ધિ. આ ચારે પુત્ર આજ્ઞાપાલક હતા.

એક દિવસ આ કરોડપતિ શેઠ માંદા પડ્યા, ને તેમને પોતાનો અંતકાળ જણાયો. એટલે તેમણે પોતાના ચારે પુત્રોને બોલાવ્યા ને કહ્યું : “દીકરાઓ! હવે હું બે-ત્રણ દિવસથી વધારે જીવવાનો નથી. તમે મારા મરણ પછી મારી બધી મિલકત દાનમાં વાપરજો. ઘરબાર, ખેતીવાડી કશું જ રહેવા દેશો નહિ, મેં તમારે માટે ચાર કીમતી રત્નો સાચવી રાખ્યાં છે. તે રત્નો પૂજાખંડમાં દાટ્યાં છે. મારા મૃત્યુ પછી તે રત્નો કાઢીને દરેક જણ એક-એક વહેંચી લેજો. તમે બધા સંપીને રહેજો. કુસંપથી કુટુંબની બરબાદી થાય છે.”

ચારે દીકરાઓએ પિતાજીની આજ્ઞા મુજબ કરવાનું વચન આપ્યું.  એટલે શેઠને શાંતિ થઈ. તેઓ બે-ત્રણ દિવસ પોતાના દીકરાઓ સાથે આનંદમાં રહ્યા ને બાદ મૃત્યુ પામ્યા. ચારે દીકરાઓએ બાપ પાછળ બધું જ દયાદાન કરી દીધું.

સવા મહિનો થયા પછી ચારેય દીકરાઓએ ભેગા મળીને પેલાં રત્નો ખોદી કાઢ્યાં. પરંતુ ચાર નહિ પણ ત્રણ જ નીકળ્યાં બધા ઓ જોઈ નવાઈ પામ્યા. ચારે ભાઈઓને એકબીજા પર શંકા થવા લાગી. કારણ આ વાત ફક્ત ચાર દીકરાઓ જાણતા હતા. તેઓ એકબીજાની સામું જોવા લાગ્યા, પણ ખાતરી વગર ચોર કોને કહેવો ? અંદર અંદર કુસંપ ન થાય તે માટે ચારેયે વિક્રમ રાજા પાસે જઈ સલાહ અને ન્યાય મેળવવાનું નક્કી કર્યું.

બીજે દિવસે ચારે ભાઈઓ ઉજ્જયિની આવ્યા. રાત પડી હતી એટલે તેમણે રાતવાસો નગર બહાર કરવાનું જ વિચાર્યું. આ વખતે રાજા વિક્રમ નગરચર્ચા જોવા નીકળેલા. તેઓ ચારે ભાઈઓ જ્યાં સૂતા હતા, તેની થોડેક દૂર ઊભા રહ્યા અને છુપાઈને ચારે ભાઈઓની વાતો સાંભળવા લાગ્યા. તેમને ચારે ભાઈઓની વાતો પરથી લાગ્યું કે તેઓ બુદ્ધિમાન છે.

સવાર થતાં ચારે ભાઈઓ દરબારમાં આવ્યા, ને પોતાની સઘળી હકીક્ત કહી સંભળાવી. રાજાએ ચારે ભાઈઓને આશ્વાસન આપી કહ્યું : “તમે થોડા દિવસ મારે ત્યાં મહેમાન બની રહો, હું તમારો ન્યાય જરૂર કરી આપીશ. તમે આજના દિવસની ફરિયાદનો ન્યાય કરો. ચારેયે ભાઈઓએ દરેક ફરિયાદનો યોગ્ય ન્યાય આપ્યો. રાજાને તેમના ન્યાયથી ખૂબ જ સંતોષ થયો. તેમણે ચારે ભાઈઓની બુદ્ધિનાં વખાણ કરવા માંડ્યા.

ચારે ભાઈઓ દરરોજ દરબારમાં આવતા ને ન્યાય ચૂકવતા. આ બાજુ રાજાને ચિંતા થવા લાગી કે ચારે ભાઈમાંથી કોણ ચોર હશે ? ચોરને શોધવો કઈ રીતે ? છેવટે તેમણે કંઈક યુક્તિ વિચારી કાઢી. તેમણે એક વાર્તા ઉપજાવી કાઢી ને તે દરેક ભાઈને અલગ અલગ સમયે સંભળાવવાનું નક્કી કર્યું.

સૌ પ્રથમ રાજાએ મોટા દીકરાને વાત કહેવા માંડી:

એક રાજા હતો. તેને ચાર બુદ્ધિમાન કુંવરો હતા. એક દિવસ રાજાએ આ ચારેય કુંવરોની બુદ્ધિની કસોટી કરવા તે ચારેયને પોતાની પાસે બોલાવ્યા. એક કુંવરને કહ્યું: “લે આ તલવાર, તારી માના પેટમાં હળવેથી મારીને અહીં આવી જા.”

પછી બીજા છોકરાને સળગતી મશાલ આપી કહ્યું: “આ મશાલ વડે તું રાજમહેલના સભામંડપને સળગાવી અહીં આવી જા.”

ત્રીજાને ઝેરનો પ્યાલો આપ્યો ને કહ્યું: “આ ગટગટાવી જા.” ચોથા કુંવરને ચાર રત્નો આપી નદીમાં ફેંકી આવવા કહ્યું.

ચારેય કુંવરો આજ્ઞાપાલક હતા, તેથી તેઓ કંઈ પણ દલીલ કર્યા વગર પોતાને કામે લાગી ગયા.

પહેલો કુંવર સીધો તેની માતાના ખંડમાં ગયો ને સૂતેલી માના પેટમાં હળવેથી કટાર ખોસી કે તરત પેટમાંથી પાણી નીકળવા લાગ્યું. કુંવરની માતા ઘણા સમયથી કોઈ અસાધ્ય રોગથી પીડાતી હતી. પેટમાંથી પાણી નીકળી જતાં તેને આરામ થયો.

બીજો કુંવર રાજમહેલના સભામંડપમાં જઈને છત ઉપર સળગતી મશાલ ઘરી કે તરત લાકડાનો મજબૂત પાટકો મોટા અવાજ સાથે નીચે પડ્યો. તે સાથે પાટકામાં છુપાવેલ સોનામહોરો પણ નીચે પડી. કુંવરે આ બધી સોનામહોરો ભેગી કરી લીધી.

ત્રીજો છોકરો પોતાને આપેલ ઝેરનો પ્યાલો આંખો મીંચીને ગટગટાવી ગયો. તે પીતાની સાથે એના શરીરમાં થતી બળતરા મટી ગઈ. તે મર્યો નહિ.

ચોથા કુંવરે પિતાએ આપેલ ચાર રત્નોને લઈ નદીએ ગયો. તેને વિચાર આવ્યો કે ઘડપણમાં બાપની બુદ્ધિ બગડી તો નથી ને ! આવાં કીમતી રત્નોને તો કંઈ નદીમાં ફેંકાતા હશે? તેણે રત્નોને નદીમાં ફેંક્યાં નહિ. તે ચાર રત્નો લઈને એક ઝવેરી પાસે ગયો ને તેની કિંમત અંકાવી તો તે ખોટા જણાયાં. એવા કાચના ટુકડાને નદીમાં નાખે કે ન નાખે તે સરખું જ હતું. તેથી તે મહેલે જતો રહ્યો.

ચારેય ભાઈઓને પિતાજીની ચતુરાઈ પર ખૂબ માન ઊપજ્યુ. વિક્રમ રાજાએ આ એક જ વાર્તા વારાફરતી ચારે ભાઈઓને કહી સંભળાવી. પછી દરેકને પૂછ્યું : “આ ચારેય કુંવરોમાં બુદ્ધિમાન કોણ?”

કરોડબુદ્ધિએ કટાર મારનાર કુંવરને શાણો, લક્ષબુદ્ધિએ આગ લગાડનાર કુંવરને કહ્યો, સહસબુદ્ધિએ ઝેર પીનાર કુંવરને સમજુ કહ્યો જ્યારે શતબુદ્ધિએ રત્નો નદીમાં ન નાખનારને ચતુર કહ્યો.

રાજાએ તેનું કારણ પૂછ્યું ત્યારે એણે જણાવ્યું કે “એ જાણતો હતો કે રત્નો ખોટા છે. કદાચ જો આ રત્નો કીમતી હોત તો બીજા ભાઈઓની જેમ આજ્ઞાપાલનમાં નુકસાન વેઠવું પડત. તેના બીજા ત્રણે ભાઈઓની અણવિચાર્યા આજ્ઞાપાલન કરવાથી કંઈક અજુગતું બને તો મુશ્કેલીમાં મુકાવું પડે. માટે તે ત્રણેય કુંવરો શાણા ન ગણાય.”

વિક્રમ રાજાએ દરેકનો અભિપ્રાય જાણી લીધો પછી તેમની પાસેથી રત્ન મેળવવાનું કામ એક દાસીને સોંપ્યું.

એક દિવસ દાસી શતબુદ્ધિને પોતાને ઘેર લઈ ગઈ અને વાત વાતમાં કહેવા લાગી. “કુંવરજી, તમે તો બહુ ચતુર અને બુદ્ધિશાળી છો. તમારા માટે ધન કમાવવું અઘરું નથી. તો તમને વધારે ધન કમાવવું કેમ ગમતું નથી ? મને તમારા ઉપર ખૂબ જ લાગણી છે, એટલે કહું છું કે તમે મારી સાથે જંગલમાં ચાલો. એક જગ્યાએ જમીનમાં ખૂબ જ ઊંડે ધન દાટેલું છે.

શતબુદ્ધિ તો વગર મહેનતે ધન મળતું સાંભળી તે તો વગર વિચાર્યે દાસી જોડે જવા તૈયાર થઈ ગયો. દાસી અને શતબુદ્ધિ બંને રાતે અંધારામાં જંગલમાં ગયા. અધવચ્ચે જતાં દાસીએ કંઈક વસ્તુ ઉછાળી ને ફેંકી, તો તેનો પડવાનો જોરથી અવાજ થતાં શતબુદ્ધિ બોલ્યો: “શું પડ્યું?

દાસીએ કહ્યું: “મારા ઘરની ચાવી પડી ગઈ છે.”

બંને જણા અંધારામાં આમતેમ ફાંફાં મારવા લાગ્યાં, પણ ચાવી મળી નહિ. એટલે દાસી બોલી : “આજે હું હીરાનો હાર પહેરવાનું ભૂલી ગઈ. જો તે હોત તો તેના ઝગમગાટના અજવાળે ચાવી શોધી કાઢત.

આ સાંભળી શતબુદ્ધિએ ઓટીમાંથી એક રત્ન કાઢ્યું. રત્નના ઝગમગાટથી થોડું દેખાવા લાગ્યું. શતબુદ્ધિએ તે રત્ન દાસીને આપ્યું. દાસી તે રત્ન હાથમાં લઈ ચાવી શોધતી શોધતી દૂર નીકળી ગઈ અને પછી રત્ન પોતાની મુઠ્ઠીમાં છુપાવી દીધું. જેથી તરત અંધકાર થઈ ગયો. તે ચતુર દાસી આ તકનો લાભ લઈ સીધી મહેલે આવી અને તે રત્ન વિક્રમ રાજાને આપ્યું. રાજાએ તેનો ખૂબ આભાર માન્યો.

જ્યારે આ બાજુ શતબુદ્ધિ અંધકારમાં અથડાતો, કૂટાતો બૂમો પાડવા લાગ્યો, પણ કાંઈ જવાબ મળ્યો નહિ. છેવટે કંટાળીને તે પોતાના ભાઈઓ પાસે આવી ગયો. પણ રત્ન ગુમાવ્યાની વાત કોને કહે! મનમાં ને મનમાં તે પસ્તાવા લાગ્યો.

થોડા દિવસ પછી એક દિવસ વિક્રમ રાજાએ આ ચારે ભાઈઓને કહ્યું: “તમે આજની રાત મારા મહેલમાં રહો અને મારું રક્ષણ કરો” ચારે ભાઈઓએ એક એક પહોરનો વારો બાંધ્યો. સૌથી પહેલો વારો શતબુદ્ધિનો હતો. તે ખુલ્લી તલવારે વિક્રમ રાજાના દરવાજે પહેરો ભરતો ઊભો રહ્યો. તે સમયે એક સાપ રાજાના શયનખંડમાં પ્રવેશવા જાય તે પહેલાં જ શતબુદ્ધિએ તલવાર વડે તેના ટુકડા કર્યા અને તેને એક પોટલીમાં ભરી પલંગ નીચે મૂક્યા વળ્યો. તે સમયે ઓચિંતી રાજાની આંખ ઊઘડી ગઈ. તેમણે શતબુદ્ધિને પોતાના પલંગ પાસે ઉઘાડી તલવાર સાથે જોયો. તેમને થયું કે શતબુદ્ધિ તેમને મારી નાખવા માગતો હશે! પણ હું બચી ગયો.

થોડી વાર પછી સહસબુદ્ધિનો વારો આવ્યો. એટલે શતબુદ્ધિ જતો રહ્યો. રાજાએ ગુસ્સામાં આવીને સહસબુદ્ધિને કહ્યું: “શતબુદ્ધિ મને મારી નાખવા મારા પલંગ પાસે આવ્યો હતો, પણ હું નસીબજોગે બચી ગયો. જા ! તું હમણાં શતબુદ્ધિનું માથું કાપીને અહીં લઈ આવ.”

સહસબુદ્ધિએ શાંતિથી કહ્યું : “હે રાજન ! આમ ઉતાવળિયું પગલું ન ભરો. ઘણી વાર તેનું પરિણામ ખરાબ આવે છે. ધીરજ રાખો. હું તમને એક અવિચારી કામ કરનારની વાત કહું છું તે ધ્યાનથી સાંભળોઃ

એક રાજાનો કુંવર પ્રધાનપુત્ર સાથે ખૂબ જ રખડ્યા કરે, તે રાજકાજમાં કંઈ ધ્યાન આપે નહિ. એક દિવસ રાજાએ તેને ઠપકો આપ્યો, એટલે તે ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાનો માનીતો પોપટ લઈને મહેલમાંથી નીકળી પડ્યો અને પ્રધાનપુત્ર સાથે નગર બહાર નીકળી પડ્યો.

બંને મિત્રો ચાલતાં ચાલતાં એક જંગલમાં આવ્યા. રસ્તામાં રાજકુંવરને ખૂબ તરસ લાગી, એટલે પ્રધાનપુત્ર તેને એક ઝાડ નીચે બેસાડી પોતે પાણી શોધવા ગયો. તેને પાણી લઈ આવતાં ખૂબ વાર લાગી. રાજકુંવર પાણી વગર તરફડ્વા લાગ્યો. એવામાં એક આશ્ચર્ય થયું. કુંવર જે વડ નીચે સૂતો હતો, તે વડ ઉપરથી પાણી જેવું કંઈ ટપવા માંડ્યું.

Best Gujarati Kavita Pdf

100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ

કુંવરે તે એક પાત્રમાં ઝીલી લીધું. થોડી વારમાં તો આખું પાત્ર ભરાઈ ગયું. કુંવર જેવું તે પાણી પીવા જાય તે પહેલાં જ પોપટે પાંખની ઝાપટ મારી તે પાણી ઢોળી નાખ્યું. કુંવર ખૂબ ગુસ્સે થઈ ગયો. કુંવરે ફરીથી પાત્ર ભર્યું તો પોપટે પાછું તે ઢોળી નાખ્યું. હવે તરસ્યા કુંવરનો ગુસ્સો આસમાને ચડી ગયો. તેણે ક્રોધાવેશમાં આવી પોપટને પકડી તેની ડોક મરડી નાખી.
www.amarkathao.in

એવામાં પ્રધાનપુત્ર ક્યાંયથી ચોખ્ખું પાણી લઈને કુંવર પાસે આવ્યો તો તેની પાસે મરેલો પોપટ જોયો. તેણે કુંવરને પૂછયું: “આ પોપટને કોણે મારી નાખ્યો?

કુંવરે કહ્યું: “મેં મારી નાખ્યો, તેણે બે વખત મારું પાણી ઢોળી

નાખ્યું.”

પરંતુ અહીં પાણી આવ્યું કેવી રીતે ?” પ્રધાનપુત્ર બોલ્યો

કુંવરે કહ્યું : “અચાનક આ ઝાડ ઉપરથી પાણીની ધાર થઈ.

પ્રધાનપુત્રે ઉપર જોયું. તો વડની એક ડાળ ઉપર સમડી એક મોટો અજગર ઉપાડી લાવેલી અને તેનું પેટ ચીરેલું હતું. તેને થયું કે જરૂર આ પાણી અજગરના પેટનું જ હોવું જોઈએ. જો આ પાણી કુંવરે પીધું હોત તો તે ચોક્કસ રામશરણ થઈ ગયો હોત. પોપટે તો કુંવરનો જીવ બચાવ્યો.

તેણે રાજકુંવરને આ બધી વાત કરી. કુંવરને સાચી વાતની ખબર પડતાં ખૂબ જ પસ્તાવો થયો.

માટે હે રાજન ! વગર વિચાર્યું ઉતાવળિયું પગલું ભરવાથી ક્યારેક માઠું પરિણામ આવે છે.”

પછી લક્ષબુદ્ધિનો વારો આવ્યો તેને પણ રાજાએ સહસબુદ્ધિને કરેલી વાત કરી, લક્ષબુદ્ધિએ પણ રાજાને અનેક દૃષ્ટાંતો સંભળાવી શાંત પાડ્યા. તેના પછી કરોડબુદ્ધિનો વારો આવ્યો. તેણે પણ રાજાને ઘણાં સુંદર ઉદાહરણો આપ્યાં.

સવાર પડતાં ચારે ભાઈઓ રાજા પાસે આવ્યા. શતબુદ્ધિએ રાજાને પલંગ નીચે પડેલી પોટલી ખોલી બતાવી, તેમાં સાપના કટકા હતા. તેણે રાજાને બધી વિગતવાર વાત કહી. રાજાને શતબુદ્ધિ ઉપર ખૂબ માન ઊપજ્યુ. તેમણે ચારે ભાઈઓને ઈનામ આપી નવાજ્યાં.

હવે રાજાએ ચારે ભાઈઓને રત્ન વહેંચી આપવાનો વારો આવ્યો. તેમણે દાસીએ આપેલું રત્ન ખજાનામાંથી મંગાવી ચારે ભાઈઓને બતાવ્યું કે દરેકને એક-એક રત્ન વહેંચી આપ્યું.

ચારે ભાઈઓએ ચોથા રત્ન વિશે માહિતી માગી ત્યારે રાજાએ કહ્યું : “તમને ચારેયને એક-એક રત્નની જરૂર હતી, તે પૂરી થઈ ગઈ. હવે આ બાબતે વધારે પૂછપરછ કરવાની જરૂર નથી. તમતમારે ગામમાં જઈને રોજગાર કરી સુખી થાવ.” ચારેય ભાઈઓ રત્નો લઈ વિક્રમ રાજાનો આભાર માની ગામ પાછા ફર્યા.

તરૂણીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “હે ભોજ રાજા ! વિક્રમ રાજા જેવા બુદ્ધિશાળી અને ચતુર રાજા જ આ સિંહાસન પર બેસી શકે.”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

Also Read –

25 મી પૂતળી જોગણની વાર્તા – સિંહાસન બત્રીસી

ચોવીસમી પૂતળીની ચતુર કન્યા અને વેશ્યાની વાર્તા

32 પૂતળી – ચોવીસમી પૂતળીની ચતુર કન્યા અને વેશ્યાની વાર્તા

1 thought on “સત્તાવીસમી પૂતળીની વાર્તા – બુદ્ધિમાન કોણ ?”

  1. Pingback: બત્રીસ પૂતળી - 28મી પૂતળી વિક્રમચરિત્રની વાર્તા - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *