2239 Views
વિક્રમ રાજાની ગૌસેવાની વાર્તા – બાવીસમે દિવસે ભોજ રાજા મુહૂર્ત જોવડાવી જેવા સિંહાસન પર બેસવા જાય છે ત્યાં બાવીસમી પૂતળી સુભગા એ ભોજ રાજાને સિંહાસન ઉપર બેસવા જતાં અટકાવી બોલી : “હે રાજન ! આ સિંહાસન ઉપર બેસશો નહિ. આ તો પરદુખભંજન વિક્રમ રાજાનું છે. તેના જેવા ઉદાર અને પરાક્રમી રાજા જ તેના ઉપર બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરોપકાર અને પરાક્રમની નવી વાર્તા કહેવી શરૂ કરી.
વિક્રમ રાજાની ગૌસેવાની વાર્તા
એક દિવસ વિક્રમ રાજા પોતાના દરબારમાં બેઠા હતા. ત્યાં એક વૃદ્ધ રાજગોર આવ્યા ને કહ્યું : “મહારાજ, મારે કાશીએ જવું છે.”
ઘણી ખુશીથી” કહી વિક્રમે તેને ખર્ચ માટે ઘણી સોનામહોરો આપી. રાજગોરે રાજાનો આભાર માની જતાં જતાં કહ્યું : “મહારાજ ! આપ તો દાતા અને ધર્મને જાણનારા છો, તો પણ ગાય, બ્રાહ્મણ, પીપળો અને તુલસીને કદી ભૂલશો નહિ તેમનું મહત્વ-મહિમા વધારજો.”
બ્રાહ્મણ, તુલસી, પીપળો, ગાય ને બીજી ગંગ
એથી અદકું બીજું નથી, તેનો કરજો સંગ.
રાજાએ આજ્ઞા માથે ચઢાવી. ગોર મહારાજ તો જાત્રાએ નીકળી પડ્યા. રાજાએ તરત જ આખા રાજ્યમાં પાંચ હજાર પીપળા વાવ્યા, ઘેર ઘેર તુલસીવન ઊભા કર્યા, ઠેર ઠેર ગૌશાળાઓ બાંધી. ગૌચરો કાઢ્યાં ને ગાયોની અનેક પ્રકારે સેવા કરવા માંડી.
એવામાં માગશર મહિનો આવ્યો. તેની ચોથ ને સોમવારનો દિવસ આવ્યો. તે દિવસે રાજાએ શિવના મંદિરે જઈ શિવપૂજા કરી બ્રાહ્મણોને જમાડ્યા. પછી એ મહેલ તરફ આવવા નીકળ્યા, ત્યાં રસ્તામાં ક્ષિપ્રા નદીને કાંઠે એક ગાયને દુખથી ભાંભરતી સાંભળી, એટલે રાજા એ દિશામાં ચાલ્યા. પાસે જતાં એક ગાયને કાદવમાં ખૂંપેલી જોઈ. ગાય બિચારી કાદવમાંથી બહાર નીકળવા માટે બરાડતી હતી, પણ કેમે કરી બહાર નિકળાતું ન હતું.
રાજાએ ગાયને બહાર કાઢવા ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ એકલા ફાવી શક્યા નહિ, તેથી તેમણે રસ્તે જતા ચાર માણસોની આ માટે મદદ માગી અને તેમની સહાયથી ગાયને કાદવમાંથી બહાર કાઢી, તેને પોતાને મહેલે લઈ ગયા. ગાયને ઊના પાણીએ નવડાવી ધોવડાવી શરીર સાફ કર્યું. પછી તેને સરસ ઘરેણાં પહેરાવ્યાં અને રોજ તે ગાયની સેવા કરવા લાગ્યા. ગાયનો શ્વેત રૂપાળો દેહ, નાની નાની શીંગડીઓ ને ભાવ ભરેલી આંખો જોઈ રાજા મુગ્ધ થઈ જતા. દરરોજ ગાય સવારે ચરવા જતી અને સાંજ પડતા ઘરે આવી જતી.
આમ રાજાની ગૌસેવાના વખાણ છેક ઇન્દ્ર રાજાના દરબારમાં થયા. રાજા ઇન્દ્રથી મૃત્યુલોકના માનવીનાં વખાણ સહન થયાં નહિ. તેમણે વિક્રમ રાજાની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. આ માટે તેમણે સ્વર્ગની કામધેનુ ગાયને બોલાવીને કહ્યું: “તું મૃત્યુલોકમાં જા અને વિક્રમ રાજાને સતમાંથી ચુકાવ.”
કામધેનુ ઇન્દ્ર રાજાની ઇચ્છા પૂરી કરવા માટે તરત જ ઉજ્જયિની નગરી બહાર આવેલા તળાવ આગળ આવીને વાઘનું સ્વરૂપ ધારણ કરી આંટા મારવા લાગી. વિક્રમ રાજાની ગાય પણ ફરતી ફરતી તળાવ આગળ ચરવા આવી કે તરત જ વાઘ તેને ધસી ફાડી ખાવા જાય તે પહેલાં જ નાનકડી ગાય કરગરીને કહેવા લાગી :
“મને મારશો નહિ. વિક્રમ રાજાને મારા વગર ચાલતું નથી. તેઓ મને નહિ જુએ તો ખૂબ જ કલ્પાંત કરશે વળી તેમના કુંવરને પણ મારી સાથે ખૂબ જ માયા છે. તે પણ મારા વગર રહી નહિ શકે, માટે તમે મને એક વાર તેમની પાસે જવા દો. થોડી વારમાં તમારા ભક્ષણ માટે હું અહીં આવી પહોંચીશ” પરંતુ વાધ તેની વાત માનવા તૈયાર થતો નહોતો.
આ બાજુ અંધારું થવા આવ્યું છતાં ગાય પાછી મહેલે આવી નહિ એટલે વિક્રમ રાજાને ચિંતા થવા લાગી. તેઓ ગાયને જાતે જ શોધવા નીકળ્યા. તેઓ શોધતાં શોધતાં તળાવ પાસે આવી પહોંચ્યા. પોતાની ગાય પાસે વાઘને જોતાં જ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું: “હે વાઘ ! તું મોટો વનનો રાજા થઈ આ બિચારી ગાયને મારી નાખવા તૈયાર થયો છે? હિંમત હોય તો મારી સામે આવ.”
વાઘે કહ્યું : “કોણ ? પરદુઃખભંજન વિક્રમ રાજા! તમે મારો કોળિયો ઝૂંટવીને મને દુખી નહિ કરો, એવી મને ખાતરી છે. હું અને મારું કુટુંબ આઠ દિવસથી ભૂખ્યાં છીએ. આજે માંડ આ ગાય મળી છે.”
વાઘના શબ્દો સાંભળી રાજા વિચારમાં પડી ગયા. શું કરવું તે સમજાતું ન હતું. થોડીક વાર વિચાર કરી રાજા બોલ્યા: “હે વાઘ ! ખરેખર જો તને બહુ ભૂખ લાગી હોય તો મને મારીને ખાઈ જા.”
વાઘ બોલ્યો : “તારા એકલાના માંસથી અમારાં ત્રણે જણાનું પેટ શી રીતે ભરાય ? મહેરબાની કરી મને આ ગાયનો શિકાર કરવા દો.”
રાજા બોલ્યા: ‘જો તને બહુ જ ભૂખ લાગી હોય તો હું મારી રાણી અને કુંવરને પણ અહીં થોડી વારમાં જ લઈ આવું. અમને ત્રણેયને ખાવાથી તો તારું પેટભરાઈ જશેને ?
વાઘ કંઈ કહે તે પહેલાં જ વિક્મ રાજા પોતાના મહેલ તરફ ચાલી નીકળ્યા અને થોડી વારમાં પોતાની રાણી અને કુંવર સાથે વાઘ પાસે આવી પહોંચ્યા ને બોલ્યા: “હે વાઘ! હવે તું તે ગાયને છોડી દે અને ખુશીથી વારાફરતી અમારા ત્રણેનો શિકાર કરી તારું પેટ ભર.”
વાઘે મનુષ્યનો શિકાર કરવાની ના પાડી, એટલે વિક્રમ રાજાએ વાઘને વચન આપ્યું હોવાથી તલવાર વડે પોતાને હાથે જ પોતાનું મસ્તક કાપવા ગયા, ત્યાં તો કોઈએ અદશ્ય રીતે રાજાનો હાથ પકડી લીધો. રાજાએ જોયું તો તેની સામે વાઘની જગ્યાએ ગાય ઊભી હતી. તેણે રાજાને કહ્યું : “હે રાજન! હું ઇન્દ્ર રાજાની કામધેનુ ગાય છું. હું તમારી ઉદારતાની પરીક્ષા કરવા માટે વાઘના સ્વરૂપે આવી હતી. તમારી ભાવનાથી હું ખૂબ જ ખુશ થઈ છું, તમારી ઇચ્છા હોય તે માગો.”
વિક્રમ રાજાએ કહ્યું “તમારી કૃપાથી મારી પાસે બધું છે. મારે કશું જોઈતું નથી.” છતાંય કામધેનુ ગાયે તેમને કહ્યું: “હે રાજન! તમારી પાસે રહેલ ગાય પણ અમારા કામધેનુ વંશની જ છે. આ ગાય ચમત્કારિક છે. તેના દૂધમાંથી બનાવેલ ઘીને જો રક્ત પિતીયાને ખવડાવવામાં આવે તો તેનો ગમે તેટલો જૂનો રોગ મટી જશે. તેના દૂધમાંથી બનાવેલ માખણ જો અંધની આંખમાં આંજવામાં આવે તો તે દેખતો થશે. તેના છાણ-મૂત્ર પણ ઘણા રોગ મટાડી શકશે. તમે આ ગાયની સંભાળ રાખજો.” આમ કહી કામધેનુ ગાય અદૃશ્ય થઈ ગઈ.
www.amarkathao.in
વિક્રમ રાજા પોતાના પરિવાર તેમજ ગાયની સાથે મહેલમાં પાછા આવ્યા. તેમણે ગાયના દૂધનું ઘી – માખણ બનાવીને અનેક રોગીઓના રોગ મટાડવા માંડ્યો.
એક દિવસ વિક્રમ રાજા પોતાના દરબારમાં બેઠા હતા, ત્યાં એક ગરીબ બ્રાહ્મણ આવ્યો. તે રાજાને નમન કરીને બોલ્યો : મહારાજ ! હું કાશીએ કરવત મુકાવા જાઉં છું. એ માટે તમારી રજાચિઠ્ઠી આપો. કારણ મેં સાંભળ્યું છે કે કાશીએ કરવત મુકાવા જતાં પહેલાં રાજાની રજાચિઠ્ઠીની જરૂર હોય છે. માટે તમારી પાસે તે લેવા આવ્યો છું. માટે કૃપા કરી મને ચિઠ્ઠી કરી આપો.”
બ્રાહ્મણની વાત સાંભળી રાજાને ઘણું દુખ થયું તેને થયું કે મારા નગરમાં આ બ્રાહ્મણને એવું તે શું દુઃખ છે કે તેને આજે કરવત મુકાવા જવું પડે છે ? તેઓ બ્રાહ્મણને એકાતમાં લઈ ગયા ને પછી પૂછ્યું: “હે ભૂદેવ ! તમારે માથે એવું તે શું દુખ આવી પડ્યું કે કાશીએ કરવત મુકાવા જવું પડે છે?
બ્રાહ્મણ બોલ્ય: “મહારાજ! હું કનકકુંડમાં રહું છું. હું કુંવારો બ્રાહ્મણ છું. મને પરણવાના ઘણા કોડ છે. પરંતુ મારી પાસે ધન નથી. વળી મારા ઘરનાં સભ્યો માંદા-રોગી છે. મારા પિતા બંને આંખે આંધળા છે. મારી માને આખા શરીરે કોઢ છે, જ્યારે મારી એક વિધવા બહેન છે, તે અપંગ છે. મારે ત્રણેને પાલવવા પડે છે. એટલે કોઈ મને કન્યા આપતું નથી. એટલે મારાં માતા-પિતાએ મને પરદેશ જઈને પરણવાનું કહ્યું.
હું પરણવા માટે કન્યા શોધવા પરદેશ નીકળી પડ્યો. રસ્તામાં એક નગર આવ્યું. હું ત્યાંના રાજમહેલ આગળથી નીકળ્યો. મહેલના ઝરૂખામાં રાજાની કુંવરી ઊભી હતી. તે ખૂબ જ રૂપાળી હતી. તેને જોઈને મારું મન લલચાયું અને તરત જ મેં તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. મેં લોકો પાસેથી જાણ્યું હતું કે આ નગરનો રાજા ખૂબ જ પુણ્યશાળી અને દયાળુ છે. મને થયું કે જરૂર તે મારું દુખ સાંભળી તેની કન્યા મારી સાથે પરણાવશે. એ આશાએ હું રાજમહેલમાં ગયો અને રાજાને મારી દુખદ કહાની કહી સંભળાવી.
રાજાએ મારી ઉપર દયા ખાઈને સો સોનામહોરો આપી. પરંતુ મેં તે લેવાની ના પાડી ત્યારે રાજાએ કહ્યું: “હે ભૂદેવ! તમારે શું જોઈએ છે? જે જોઈએ તે માગી લો” હું તો તરત જ બોલી ઊઠ્યો : “હે રાજન! જો તમે મને કંઈક આપવા જ માગતા હોવ તો તમારી કુંવરીનો હાથ મારા હાથમાં સોંપો. હું તમારી કુંવરી સાથે લગ્ન કરવા ઇચ્છું છું.”
આ સાંભળી આખી સભા ખળભળી ઊઠી, પરંતુ રાજાએ શાંતિથી કહ્યું “ભલે ! હું મારી કુંવરી તમારી સાથે પરણાવાતૈયાર છું. પરંતુ આ માટે તમારે કુંવરીની પ્રતિજ્ઞા પૂરી કરવી પડશે. તેણે એવી પ્રતિજ્ઞા લીધી છે કે તેની પસંદગીની ત્રણ ચીજો જે લાવી આપે તેની સાથે હું પરણીશ. ત્રણ ચીજમાં એક ઇંદ્રાણીનો હાર, બીજો શેષનાગની સ્ત્રીની કાનની ઝાલ અને ત્રીજું બત્રીસલક્ષણા પુરુષનું મસ્તક” આ ત્રણે વસ્તુઓ તમે જો લાવી આપો તો કુંવરી તમારી સાથે પરણવા તૈયાર થઈ જશે.”
હું રાજાને એક વર્ષનો સમય આપી ત્યાંથી ચાલી નીકળ્યો પરંતુ આ ત્રણે ચીજો મારાથી લાવી શકાય તેમ નથી. એટલે જ હું કંટાળીને હવે કાશીએ કરવત મુકાવા જાઉં છું અને તે માટે તમારી રજાચિઠ્ઠી લેવા આવ્યો છું.
વિક્રમ રાજાએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું: “હું ભૂદેવ! તમે એક મહિનો મારા મહેલમાં રોકાઈ જાવ, હું તમને એક મહિનામાં ત્રણે વસ્તુઓ લાવી આપીશ, અને તમને એ રાજાની કુંવરી સાથે જ પરણાવીશ.”
આમ કહી રાજા વિચારવા લાગ્યા કે હવે આ બ્રાહ્મણનું દુખ કેવી રીતે દૂર કરવું ? તેઓને કંઈ ન સૂઝતાં તેઓ હરસિદ્ધ માતાના મંદિરે ગયા અને તેમને પોતાની મુશ્કેલીની વાત કરી. માતાજીએ પ્રસન્ન થઈ કહ્યું: “આ ત્રણે વસ્તુઓ મેળવવા અપાર કષ્ટ ભોગવવું પડશે. ઇન્દ્રાણીનો હાર લેવા માટે તમારે ઈન્દ્રયજ્ઞ કરવો પડશે. જ્યારે ઇન્દ્ર રાજા પ્રસન્ન થઈ તમને વરદાન માગવા કહે ત્યારે તમે ઇન્દ્રાણીના હારની માગણી કરજો.
પછી શેષનાગની સ્ત્રીની કાનની ઝલ માટે તમારે એક કુંડ બનાવીને તેમાં દસ હજાર મણ કઢેલું દૂધ ભરવું પડશે. દૂધમાં સાકર, બદામ, પિસ્તા, ચારોળી, કેસર વગેરે તેમાં નાખવાના. પછી શેષનાગનો મંત્ર ભણજે, જેથી તે આવીને દૂધ હોંશે હોંશે પી જશે અને તમારા પર પ્રસન્ન થઈને તમને વરદાન માગવા કહે ત્યારે તમે તેની સ્ત્રીની કાનની ઝાલ માગજો. જે તમને વિના સંકોચે આપી દેશે. પરંતુ ત્રીજી વસ્તુ બત્રીસલક્ષણા પુરુષનું મસ્તક તો તમારે પોતે જ આપવું પડશે” આટલું કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા.
વિક્રમ રાજા માતાજીને નમન કરી પોતાને મહેલે આવ્યા. પછી બીજે દિવસે તરત જ ઈન્દ્રયજ્ઞનો આરંભ કર્યો. ઇન્દ્રયજ્ઞ પૂરો થયો કે તરત જ ઇન્દ્રદેવ વિક્રમ રાજા ઉપર પ્રસન્ન થયા અને તેમણે રાજાને કંઈક માગવા કહ્યું. ત્યારે વિક્રમ રાજાએ ઇન્દ્રાણીનો હાર માગ્યો. ઇન્દ્ર રાજાએ પોતાના વચન મુજબ તરત જ ઇન્દ્રાણીનો હાર લાવી આપ્યો.
પછી વિક્રમં રાજાએ પોતાના મહેલના ચોગાનમાં મોટો યજ્ઞકુંડ બનાવ્યો અને તેમાં હરસિદ્ધમાતાના કહ્યા પ્રમાણે દૂધ ભર્યું અને શેષનાગનો મંત્ર ભણ્યો કે તરત જ શેષનાગ હાજર થયા. તેમણે યજ્ઞકુંડનું દૂધ પીને રાજા ઉપર પ્રસન્ન થયા. તેમણે રાજાને મનવાંછિત વસ્તુ માગવા કહ્યું ત્યારે વિક્રમ રાજાએ શેષનાગ પાસે તેમની સ્ત્રીના કાનની ઝાલ માગી. શેષનાગે થોડી વારમાં જ પોતાના સ્ત્રીના કાનની ઝાળ લાવીને રાજાને આપી.
વિક્રમ રાજાએ એ બંને વસ્તુઓ પોતાને ત્યાં રહેતા બ્રાહ્મણને આપીને કહ્યું : “ત્રીજી વસ્તુ હું લગ્નમંડપમાં આપીશ” ત્યારે બ્રાહ્મણે કહ્યું : “મહારાજ ! લગ્નમંડપમાં કકાચ આ વસ્તુ હાજર નહિ થાય તો ?” વિક્રમ રાજાએ તેને પોતાની ઉપર વિશ્વાસ રાખવાનું કહ્યું.
બ્રાહ્મણ તે બંને વસ્તુઓ લઈને રાજકુંવરી પાસે ગયો ને તેને બે વસ્તુઓ આપી. રાજકુંવરી અને રાજા આ બંને વસ્તુઓ જોઈ નવાઈ પામ્યા. તેમને થયું કે જરૂર આ બ્રાહ્મણ કોઈ મહાન માણસ લાગે છે. તેમણે બ્રાહ્મણ પાસે ત્રીજી વસ્તુની માગણી કરી, ત્યારે બ્રાહ્મણે કહ્યું: “હું ત્રીજી વસ્તુ લગ્નમંડપમાં હાજર કરીશ.”
રાજાએ તરત લગ્નની તૈયારી કરવા માંડી બ્રાહ્મણે વિક્રમ રાજાને લગ્નનો દિવસ જણાવી દીધો, જેથી વિક્રમ રાજા તે ત્રીજી વસ્તુ આપવા આવે.
લગ્નને દિવસે રાજકુંવરી ને બ્રાહ્મણ લગ્નમંડપમાં ગોઠવાયા. હવે હસ્તમેળાપનો સમય થયો, એટલે કુંવરીના પિતાએ કહ્યું : “હવે બત્રીસલક્ષણા પુરુષનું મસ્તક હાજર કરો.” બ્રાહ્મણ મૂંઝાયો, તેને થયું હવે અત્યારે બત્રીસલક્ષણાનું મસ્તક ક્યાંથી લાવું? તેણે આમ તેમ નજર કરવા માંડી, પણ ક્યાંય વિક્રમ રાજા નજરે ન પડ્યા. બ્રાહ્મણને થયું કે આના કરતાં તો કાશીએ જઈ કરવત મુકાવ્યું હોત તો સારું ત્યાં તો અદેશ્ય સ્વરૂપમાં રહેલા વિક્રમ રાજાએ કહ્યું : “મસ્તક હાજર છે તલવાર કોણ ચલાવે છે? જેને માથું જોઈતું હોય તે સામે આવીને તલવાર વડે ઉતારી લે” આટલું કહેતાં વિક્રમ રાજા પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા.
એકાએક કોઈ દેવાંશી નરને વચમાં પ્રગટ થયેલો જોઈ બધા અચરજ પામ્યા. કુંવરીના પિતાએ કહ્યું: “શું હમણાં આપે તલવાર ચલાવવાનો હુકમ કર્યો હતો? તમે બત્રીસલક્ષણા છો?
વિક્રમ રાજાએ કહ્યું : “હા, હું બત્રીસલક્ષણો છું” હવે તમે જલદીથી મારુ મસ્તક ઉતારી લગ્નવિધિ પતાવી દો.”
રાજા આ સાંભળી વિચારમાં પડી ગયા. તેમને થયું કે જરૂર આ વિક્રમ રાજા જ છે. જે પારકાના દુખે દુખી થાય, પોતાનો ભોગ આપે તેણે કહ્યું : “તમે પરદુઃખભંજન વિક્રમ રાજા ખરા ને?”
વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી, એટલે કુંવરીના પિતા છોભીલા પડી ગયા. તેઓ તરત જ વિક્રમ રાજાને પગે પડી માફી માગી અને પોતાની કુંવરીને તે બ્રાહ્મણ સાથે પરણાવી અને તેને કન્યાદાનમાં અઢળક દ્રવ્ય ને ઝવેરાત આપ્યું.
બ્રાહ્મણ કુંવરીને લઈને પોતાને ઘેર આવ્યો. ઘરવાળા તો બધા રાજી રાજી થઈ ગયા, પરંતુ કુંવરીએ જોયું તો ઘરનાં સર્વે રોગી હતા. તે દુઃખી થઈ ગઈ. તેણે બ્રાહ્મણને કહ્યું : “તમે હમણાં જ વિક્રમ રાજા પાસે જાવ અને આપણા દુઃખની વાત કરો.”
બ્રાહ્મણ તરત વિક્રમ રાજા પાસે ગયો અને કહ્યું: “મહારાજા, તમે મને લગ્ન તો કરાવી આપ્યાં, પરંતુ મારાં માતા-પિતા અને બહેનને જોઈને મને ખૂબ જ દુખ થાય છે. માટે હવે તમે મને તમારી ગાયના દૂધમાંથી બનાવેલ માખણ, ઘી અને છાણ-મૂત્ર આપો, જેથી હું તે ત્રણેનો રોગ મટાડી શકું.”
રાજાએ બ્રાહ્મણને પોતાની કામધેનુ ગાય જ આપી દીધી અને કહ્યું : “હે ભૂદેવ! આ ગાયના દૂધમાંથી બનાવેલ માખણ તારા પિતાજીને આંજજે, જેથી તે દેખતા થશે, તારી માતાના શરીરે ઘી લગાડવાથી તેમનો કોઢ મટી જશે અને ગાયનું છાણ-મૂત્ર તારી અપંગ બહેનને લગાવવાથી તે સાજી થઈ જશે.” આમ કહી રાજાએ બ્રાહ્મણને ગાય ને બીજી સોનામહોરો પણ આપી.
બ્રાહ્મણ તે ગાયને ઘેર લઈ ગયો અને વિક્રમ રાજાની સૂચના મુજબ કરતાં તેનાં માતાપિતા અને બહેનનાં દુખ દૂર થયાં. ઘરમાં ઘણો આનંદ થયો. આમ સુભગા પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “હે ભોજ રાજા ! વિક્રમ રાજા જેવો ઉદાર અને ખેલદિલીવાળો રાજા જ આ સિંહાસન પર બેસી શકશે.”
આમ કહી પૂતળી આકાશમાં સરરર કરતી ઊડી ગઈ.
બત્રીસ પૂતળી – 21મી પૂતળીની રાજકુંવરીની વાર્તા
અલાદીન અને જાદુઈ ચિરાગ – અરેબિયન નાઇટ્સ book 1
Pingback: 23મી પૂતળીની જાદુઈ ગોટકાની વાર્તા - AMARKATHAO
Pingback: 32 પૂતળી - ચોવીસમી પૂતળીની ચતુર કન્યા અને વેશ્યાની વાર્તા - AMARKATHAO