Skip to content

32 પૂતળી – ચોવીસમી પૂતળીની ચતુર કન્યા અને વેશ્યાની વાર્તા

ચોવીસમી પૂતળીની ચતુર કન્યા અને વેશ્યાની વાર્તા
2433 Views

આજે બત્રીસ પૂતળીમા વાંચો ચતુર ભદ્રા અને વેશ્યાની વાર્તા. ભદ્રાની સુવાવડને સવા મહિનો થયો એટલે વેશ્યાએ તેને કહ્યું હવે તારી સુવાવડ પતી ગઈ, હવે તું ઘરાકોને રીઝવવા માંડ મેં તને અત્યાર સુધી બેઠે બેઠાં ખવડાવ્યું છે, તેનું વળતર હવે તું ચૂકવી આપ.”

ચતુર ભદ્રા અને વેશ્યાની વાર્તા

ચોવીસમે દિવસે જેવા ભોજ રાજા મુહૂર્ત જોઈ સિંહાસન ઉપર બેસવા જાય છે, ત્યાં ચોવીસમી પૂતળી સંકટહરણાએ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતાં અટકાવી બોલી : “હે રાજન ! થોભો. આ સિંહાસન પર તો વિક્રમ રાજા જેવો પરાક્રમી અને પરદુઃખભજન રાજા જ બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી :

રંગપુર નગરમાં રતનચંદ નામે એક શ્રીમંત વણિક વૈભવથી રહેતો હતો. તેને હીરાલક્ષ્મી નામે સદગુણી અને સુશીલ પત્ની હતી. તેને એક પુત્ર અને પુત્રી હતાં. પુત્રનું નામ લાલચંદ અને પુત્રીનું નામ લક્ષ્મી હતું આ રતનચંદ શેઠ પાસે અઢળક સંપત્તિ હતી. તેના પુત્ર અને પુત્રી બંને ખૂબ જ સુખ-સાહ્યબીમાં ઉછર્યા. રતનચંદ શેઠે બંનેને ખૂબ ભણાવ્યાં-ગણાવ્યાં.

ધીરે ધીરે લાલચંદ અને લક્ષ્મી બંને ઉમરલાયક થઈ ગયાં, એટલે રતનચંદ શેઠે પહેલા લક્ષ્મી માટે સારો મુરતિયો શોધી પરણાવી દીધી, પછી તેમણે લાલચંદ માટે કન્યા શોધવા લાગ્યા, પરંતુ તે તો પરણવાની જ ના પાડતો હતો. તેણે કહ્યું: “સ્ત્રી જાતે બેવફા હોય છે. હું લગ્ન કરવા માગતો નથી.”

શેઠ-શેઠાણી બંનેએ પોતાના પુત્રને ખૂબ જ સમજાવ્યો ને કહ્યું: ભાઈ! તું જે કન્યાને પસંદ કરીશ તેની સાથે અમે તારાં લગ્ન કરીશું તું તારી આ જીદ છોડી દે.”

લાલચંદે કહ્યું: “પિતાજી! તમે મને બહુ આગ્રહ કરો છો, તેથી તમારા આગ્રહને વશ થઈ હું લગ્ન કરીશ, પરંતુ તમારે મારી એક શરત માનવી પડશે.” પિતાજીએ પૂછતાં લાલચંદે કહ્યું : “પિતાજી હું એક દોહો લખી આપું અને જે આ દોહાનો યોગ્ય પ્રત્યુત્તર વાળે તેની સાથે જ હું લગ્ન કરીશ.” પિતાજીએ તેની શરત મંજૂર કરી ત્યારે લાલચંદે એક દોહો લખીને પોતાના પિતાને આપ્યો.

કર ડાબામાં કામિની, સંગ વીંઢાળે સૂંઢ

જેમ કિરણ દિનકર તણા, રાખી શકે તે કુણ ?

રતનચંદ શેઠે આ દુહાની ચિઠ્ઠી રામશંકર ગોરને આપી અને બધી વિગત કહી જણાવી. રામશંકર ગોર તો આ ચિઠ્ઠી લઈને ઊપડ્યો. ગામે ગામ, શેરીએ શેરી, ઘેર ઘેર એમ ચારે દિશામાં એ ફર્યો પણ કોઈએ એના દુહાનો પ્રત્યુત્તર વાળ્યો નહિ. છેવટે તે નિરાશ થઈને પોતાને ગામે આવવા નીકળ્યો. રસ્તામાં નારણપુર નામે એક નગરમાં આવ્યું. ત્યાં નગર બહાર પનઘટ પર ઘણી સ્ત્રીઓ પાણી ભરતી હતી. ત્યાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ નગરના કપૂરચંદ શેઠને ત્યાં પંદર વર્ષની ભદ્રા નામની એક ચતુર કન્યા છે. તેના માટે હાલ મુરતિયાની તપાસ થઈ રહી છે.

રામશંકર ગોરને થયું કે કાચ આ ચતુર કન્યા દોહાનો પ્રત્યુત્તર વાળી શકે. તેમણે છેલ્લે એક વાર ફરી પ્રયત્ન કરવાનો વિચાર કર્યો. તેઓ કપૂરચંદ શેઠને ઘેર ગયા અને તેમના કુશળતાના સમાચાર પૂછયા. શેઠે તેમનો સત્કાર કરીને પરદેશમાં ફરવાનું કારણ પૂછયું. ત્યારે ગોરે કહ્યું :

“રંગપુર નગરના રતનચંદ શેઠના દીકરા લાલચંદે મને એક દોહો લખીને આપ્યો છે, જે કન્યા આ દોહાનો પ્રત્યુત્તર વાળે તેને પરણું એવી લાલચંદની ટેક છે. એ દોહાને લઈને હું ગામે ગામ ફર્યો, પણ એ દોહાનો પ્રત્યુત્તર આપનાર કોઈ કન્યા મળી નથી. મેં જાણ્યું છે કે તમારે પણ પંદર વર્ષની ભદ્રા નામની એક ચતુર કન્યા છે એટલે અહીં હું આવ્યો છું.”

કપૂરચંદ શેઠે તરત પોતાની કન્યા ભદ્રાને બોલાવીને ગોરની દોહાની વિગત જણાવી. ભદ્રાએ કહ્યું “લાવો ગોર મહારાજ! એવો તે કેવો અટપટો દોહો છે, કે જેને કોઈ ઉકેલી શક્યું નથી? મને ચિઠ્ઠી બતાવો, હું પ્રયત્ન કરી જોઉ.”

ગોરે તરત જ તે ચિઠ્ઠી ભદ્રાને આપી. ભદ્રાએ તો આવા ઘણાયે દોહા ઉકેલી નાખ્યા હતા, તેથી આ દોહો વાંચતાની સાથે તે બોલી: “ઓહો ! આમાં વળી નવું શું છે ?” આમ કહી તેણે આ મુજબ પ્રત્યુત્તર આપ્યો:

સંગ રહે સુખે ફરો, છેક ધીરને છાપ

મન અંકુશ હાથી રખે, પોતે આપો આપ.

ગોર આ પ્રત્યુત્તર લઈ પોતાને ગામે આવ્યો, ને સીધો જ રતનચંદ શેઠને ત્યાં ગયો ને કહ્યું : “શેઠ! આ દોહાનો પ્રત્યુત્તર નારણપુર નગરના કપૂરચંદ શેઠની દીકરી ભદ્રા ભામિનીએ વાળ્યો છે. હું આ દોહા માટે ગામે ગામ, નગરે નગર ફરી વળ્યો, પણ તે કોઈ ઉકેલી શક્યું નહિ.

જ્યારે આ કન્યા એવી તો ચતુર છે કે તેણે આ દોહો વાંચતા તરત જ તેનો પ્રત્યુત્તર વાળી આપ્યો. વળી આ કન્યા રૂપે-રંગે પણ સુંદર છે.” આમ કહી તેમણે દોહાના પ્રત્યુત્તરની ચિઠ્ઠી શેઠને આપી. શેઠે તે કાગળ લાલચંદને આપ્યો લાલચંદે આ દુહો વાંચ્યો. તે તો હર્ષઘેલો થઈ ગયો. ઉત્તર યોગ્ય હતો. કન્યા ચતુર છે એવી તેને ખાતરી થઈ ગઈ. તેણે તેની સાથે લગ્ન કરવા કબૂલ કર્યું.

રતનચંદ શેઠે ગોરને રેશમી પાઘડી, ગરમ શાલ અને પંદર સોનામહોરો આપી રાજી કર્યા અને પોતે નારણપુરના કપૂરચંદ શેઠને ત્યાં ગયા અને તેમની દીકરી ભદ્રા સાથે પોતાના દીકરાનું વેવિશાળ નક્ક કરી દીધું. પછી રતનચંદ શેઠે આખા નગરમાં ખોબલે ખોબલે ખારેકો વહેંચી અને સગાવહાલાને શુકનનો કંસાર જમાડ્યો.

બંને પક્ષે લગ્નની તડામાર તૈયારી થવા માંડી. જોતજોતામાં લગ્નનો શુભ દિવસ આવ્યો. શેઠ-શેઠાણી માટે તો જાણે સોનાનો સૂરજ ઊગ્યો. રતનચંદ શેઠે તેમના દીકરા લાલચંદના લગ્ન ભદ્રા સાથે ખૂબ જ ધામધૂમથી કર્યા. કપુરચંદ શેઠે જાનને ત્રણ દિવસ રોકી ભાતભાતનાં પકવાન જમાડ્યા. ચોથા દિવસે શેઠ કન્યાને વળાવવાની તૈયારી કરતા હતા, ત્યાં લાલચંદે પોતાની પત્ની ભદ્રભામિનીને કહ્યું : “તમારે હમણાં અહીં પિયર રહેવાનું છે, ત્યારે હું તેડાવું ત્યારે તમે આવજો.”

ભદ્રભામિનીએ કહ્યું : “આમ કેમ?”

લાલચંદે કહ્યું : “કેમ, એ તમે વિચારી લેજો.” ભદ્રા તરત સમજી ગઈ કે મારા પતિ હજી પણ મારી પરીક્ષા લેવા માગે છે. તે શાંત રહી. જાન વહુ વગર પાછી વળી. રતનચંદ શેઠને આ બાબતે ઘણું દુખ થયું, પરંતુ પુત્રની આગળ તેઓ કશું બોલી શક્યા નહિ.

થોડા દિવસ પછી લાલચંદે પિતાજીને કહ્યું: “પિતાજી! મેં એક બાધા રાખી છે, માટે તે બાધા હું પૂરી કરીને આવું, પછી મારી પત્નીને લઈ આવીશ.” પિતાજીએ તેને જાત્રા જવા માટે રજા આપી. લાલચંદ જાત્રાએ નીકળી પડ્યો. રસ્તામાં તેણે વેશપલટો કરી નાખ્યો અને ચહેરાનો રંગ પણ બદલી નાખ્યો. પછી તે નારણપુર નગરમાં આવ્યો અને પોતાના સસરા કપૂરચંદ શેઠની દુકાને જઈને બેઠો. એના બેસવાથી એ દિવસે શેઠને બહુ સારો વકરો થયો. એટલે શેઠે ધાર્યું કે આ કોઈ નસીબદાર માનવી છે. શેઠે એને પૂછયું: “ભાઈ તમે કોણ છો. ને કયાંથી આવ્યા છો?”

લાલચંદે કહ્યું: “મારું નામ દુર્બળશા. હું એક ગરીબ વાણોતર છું. હું રંગપુર નગરમાં રતનચંદ શેઠને ત્યાં વાણોતર હતો, પણ શેઠ સાથે મેળ ન ખાતાં મેં તેમની નોકરી છોડી દીધી અને કામની શોધમાં ફરતો ફરતો અહીં આવ્યો છુ.”

લાલચંદે ચહેરા ઉપર એવો ફેરફાર કરી નાખ્યો કે કપૂરચંદ શેઠ પણ તેને ઓળખી શક્યા નહિ. કપૂરચંદ શેઠે કહ્યું: ભલે, તમે મારે ત્યાં રહો બોલો શું પગાર લેશો?

દુર્બળશાએ કહ્યું : “શેઠ! પહેલાં તમે મારું કામ જુઓ, પછી પગાર ઠરાવજો.”

આ સાંભળી કપૂરચંદ શેઠ વધુ ખુશ થઈ ગયા. તેઓ દુર્બળશાને પોતાને ઘેર લઈ ગયા અને પોતાની દીકરીને કહ્યું : ભદ્રા! આપણા ઘેર આ નવો વાણોતર આવ્યો છે. તે તારા સસરાના ઘરનો છે. તે આજથી આપણે ત્યાં નોકરીએ રહ્યો છે.”

ભદ્રાએ આ નવા વાણોતરને પગથી માથા સુધી નીરખી લીધો. તે પોતાના પતિ લાલચંદને ઓળખી ગઈ. તેને થયું કે જરૂર મારા પતિ આ વેશમાં મારી પરીક્ષા કરવા આવ્યા છે. તે હાલ ચૂપ રહી. તેણે વિચાર્યું કે હવે શું થાય છે તે જોયા કરું.

દુર્બળશાએ તરત જ ગામમાં એક મકાન ભાડે રાખી એશઆરામથી રહેવા લાગ્યો. તે છૂપી રીતે પોતાની પત્નીનું ધ્યાન રાખવા લાગ્યો, પરંતુ તેને વાંધા પડતું કંઈ જોવા મળ્યું નહિ. દુર્બળશા પાસે ઘણા પૈસા હતા, એટલે તે આરામથી જીવવા લાગ્યો.

થોડા દિવસો થયાં કે આ નગરમાં એક રૂપો વણઝર પાંચ લાખ પોઠો લઈને આવ્યો. આ પોઠોમાં કીમતી માલ ભરેલ હતો. દુર્બળશા તરત જ શેઠજી પાસે ગયો ને બોલ્યો : “શેઠજી! ઘેર બેઠા ગંગા આવી છે. આપણા નગરમાં એક રૂપો વણઝારો પાંચ લાખ પોઠો લઈને આવ્યો છે. બોલો, તમે કહો તો બધી પોઠો આપણે લઈ લઈએ.”

કપૂરચંદ શેઠે કહ્યું: “દુર્બળશા ! આટલી બધી પોઠો ખરીદવી મારા ગજા બહારની વાત છે. વધુમાં વધુ પાંચસો પોઠો ખરીદી લઈએ.”

પણ દુર્બળશાને એકસામટું કમાઈને શેઠને પોતાની આવડત બતાવવી હતી, તેથી તે પોતાને ઘેર ગયો સુંદર વસ્ત્રો પહેરી રૂપા વણઝારા પાસે ગયો ને બોલ્યો : “ભાઈ મારે પાંચ લાખ પોઠો લેવી છે, માટે ભાવ વાજબી કહે.”

રૂપાએ દુર્બળશાને પોસાય તેવી રીતે ભાવ વાજબી કરી આપ્યો. બંને વચ્ચે સોદો નક્કી થયો. દુર્બળશાએ બાનામાં રૂપાને પોતાની હીરા મટેલી પોંચી આપી કહ્યું : “લો, આ પોંચી, કાલે નગરમાં માલ ઉતારશો એટલે પૈસા આપી પોંચી લઈ લઈશ.”

રૂપાએ જોયું તો પોંચી આશરે નવ લાખ રૂપિયાની હતી. તેણે પ્રેમપૂર્વક બાના તરીકે સ્વીકરી. પછી દુર્બળશા કપૂરચંદ શેઠ પાસે ગયો ને કહ્યું : “શેઠજી! રૂપા વણઝારાની પાંચ લાખ પોઠનો સોદો નક્કી કર્યો છે. બાનું પણ આપી દિધું છે.

આ સાંભળી કપૂરચંદ શેઠના તો હોશકોશ ઊડી ગયા. તેમણે ગભરાતા કહ્યું : “ભાઈ ! સોદો તો નક્ક કર્યો, પણ આટલી મોટી રકમ આપણે ચૂક્વીશું કેવી રીતે ? તું તો મારી આબરૂને લાંછન લગાડવા બેઠો છે.”

દુર્બળશાએ શેઠને કહ્યું : “તમે સહેજ પણ ગભરાશો નહિ. તમારી આબરૂને સહેજ પણ લાંછન નહિ લાગે. તમતમારે બધું શાંતિથી જોયા કરો.”

www.amarkathao.in

એટલામાં પોઠો નગરમાં આવી, પોઠો જોઈ નગરના બધા વેપારીઓ પોતપોતાને ખપનો માલ લેવા દોડ્યા, પણ રૂપાએ બધાને જવાબ આપી દિધો કે, બધો માલ દુર્બળશાએ ખરીદી લીધો, એટલે માલ માટે તેમને મળો.”

આ સાંભળી વેપારીઓ હસવા લાગ્યા. તે રૂપા વણઝારાને પૈસાની બાબતમાં પૂછવા લાગ્યા, ત્યારે રૂપા વણઝારાએ બધાને શાંતિથી કહ્યું: “પૈસાની કોઈ ચિંતા કરવા જેવી નથી, પૈસા તો મને ક્યારનાય મળી ગયા.”

આ સાંભળી બધા વેપારીઓ સડક થઈ ગયા. બધાને થયું કે હવે માલ નહિ મળે તો વેપાર શાનો કરીશું? આમ વિચારી તેઓ ચિંતામાં પડ્યા અને ઉપાય શોધવા લાગ્યા. ગામના બધા વેપારીઓ કપૂરચંદ શેઠ પાસે ગયા અને થોડા માલની માગણી કરવા લાગ્યા, ત્યારે વચમાં જ દુર્બળશા બોલી ઊઠ્યો : “ભાઈઓ, આ બધો માલ તો રંગપુર મોકલી દેવાનો છે અને ત્યાંથી સીધો બંગાળા મોકલવાનો છે, એટલે અમે શી રીતે આપી શકીએ?

વેપારીઓની રહી સહી આશા પણ ફોગટ ગઈ. આખા મહાજને ભેગા થઈ ઘણી વિનંતી કરી, ત્યારે દુર્બળશા અહેશાન કરતો હોય તેમ માલ આપવા તૈયાર થયો અને વધુ કિંમતે બધાને માલ વેચી દીધો. આમ એક દિવસમાં કપૂરચંદ શેઠને સારો એવો નફો થઈ ગયો. તેઓ દુર્બળશા ઉપર ખૂબ જ ખુશ થઈ ગયા. દુર્બળશાએ રૂપા વણઝારાની પાસેથી પોતાની પોંચી લઈ તેના નાણાં ચૂક્વી દીધાં.

દુર્બળશાની હોશિયારી અને હિંમતનાં આખા નગરમાં વખાણ થવા લાગ્યાં. રૂપાએ પણ દુર્બળશાનો ઘણો આભાર માન્યો કારણ તેણે ઝડપી સોદો કરી ઝડપી માલનો નિકાલ કરી, તેને ચોખ્ખો નફો કરી દીધો હતો. રૂપા વણઝારાની પાસે હવે માલ નહોતો, તેથી માલ વેચવાની ચિંતા નહોતી, એટલે લાલચંદે તેને કહ્યું તમે થોડાક દિવસ આ નગરમાં રોકાઈ જાવ ને મારે ત્યાં મહેમાનગતિ માણો.”

રૂપો વણઝારો દુર્બળશાને ત્યાં રોકાઈ ગયો. બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. એક દિવસ દુર્બળશા રૂપા વણઝારાને લઈને કપૂરચંદ શેઠને ત્યાં ગયો. રૂપા વણઝારાએ ભદ્રાને જોઈ. તે તેના ઉપર મોહી પડ્યો. તેણે દુર્બળશાને કહ્યું મિત્ર! તું માગે તે હું તને આપું. તું કોઈપણ હિસાબે ભદ્રા મને મળે તેમ કર. એક રાત તે મારે ત્યાં આવે તેમ ગોઠવ. તે માટે હું લાખો રૂપિયા ચૂકવવા તૈયાર છું.

દુર્બળશાને લાગ્યું કે હવે ભદ્રાની પરીક્ષાનો સમય આવી ગયો છે. એટલે એણે ભદ્રાની માને કહ્યું: “શેઠાણી! તમને સોનાની ખાટ પર બેસવા મળે ને હીરાનો ગાલીચો પોઢવા મળે, તો તમને કેવું લાગે ?” શેઠાણી તો સોનાની ખાટ અને હીરાના ગાલીચાનું નામ સાંભળી રાજી રાજી થઈ ગયાં. તેમણે કહ્યું: “આ કેવી રીતે મળશે?

ત્યારે દુર્બળશાએ કહ્યું : “શેઠાણી ! રૂપા વણઝારાની નજર તમારી દીકરી ભદ્રા ઉપર પડી છે. ભદ્રા એક રાત માટે એના ત્યાં જાય તો તે પોતાની અઢળક સંપત્તિ તમારા ચરણોમાં ધરી દેશે.”

શેઠાણી વિચારમાં પડી ગયાં. એક બાજુ તેમને અઢળક સંપત્તિનો મોહ ને બીજી બાજુ દીકરીનો પતિવ્રતા ધર્મ ! પણ ધનના લોભી માનવી ધર્મકર્મ જોતાં નથી.

તેણે બીજે દિવસે ભદ્રાને કહ્યું : “આજે રાત્રે આપણે ત્યાં રૂપો વણઝારો આવવાનો છે. તેની તારે સારી રીતે આગતાસ્વાગતા કરવાની છે. ભદ્રા લાલચંદની આ યોજના સમજી ગઈ. તેણે વિચાર કરીને કહ્યું : “ભલે.”

શેઠાણીએ ખુશ થઈને દુર્બળશાને જવાબ દઈ દીધો. દુર્બળશાએ રૂપાને વાત કરી. રાત પડતાં જ રૂપો વણઝરો બનીઠનીને કપૂરચંદ શેઠની હવેલીએ ગયો. દુર્બળશા પણ કૌતુક જોવા હવેલીમાં છાનોમાનો સંતાઈ ગયો. સોળે શણગાર સજીને ભદ્રભામિની રૂપાની વાટ જોતી બેઠી હતી.

રૂપો હરખાતો હરખાતો ભદ્રભામિનીના ઓરડામાં દાખલ થયો. ભદ્રાએ કહ્યું : “પધારો! પલંગ પર બિરાજો.”

રૂપો પલંગ પર બેઠો, એટલે ભદ્રાએ મીઠાઈનો થાળ ધર્યો ને કહ્યું: “પહેલાં મારે તમારું સ્વાગત કરવું જોઈએ”

રૂપો તો ભદ્રાને જોઈને ખુશ ખુશ થઈ ગયો. તેણે હોંશે હોંશે બધી મીઠાઈ ખાઈ ગયો. પણ મીઠઈમાં ભદ્રાએ ઘેનની દવા ભેળવેલી હતી, એટલે થોડી વારમાં જ રૂપાને કેફ ચઢ્યો, એની આંખો ઘેરાવા માંડી અને એ પલંગમાં જ લાંબા હાથ-પગ કરી મોં ફાડીને પડ્યો. પછી ભદ્રા ત્યાંથી ચાલી ગઈ.

સવાર થતાં રૂપો ભાનમાં આવ્યો. તેને ખબર પડી કે ભદ્રાના સતીત્વનો ભંગ કરવાની બૂરી ઇચ્છા કરી, તેનું પરિણામ બૂરું જ આવ્યું. ધન ગયું, માલ ગયો અને લાખ ટકાની આબરૂ ગઈ. તેને પાર વગરનો પસ્તાવો થયો અને તે કોઈને પણ કહ્યા વગર ઘરમાંથી ભાગી છૂટ્યો. પરંતુ રૂપાના મનમાં ભદ્રાના જ વિચારો ધૂમ્યા કરતા હતા. તેને થયું કે જો આવી પત્ની મારે હોત તો મારો બેડો પાર થઈ જાત. આ ભવે નહિ તો આવતા ભવે ભદ્રા મળશે એમ વિચારી તે કાશીએ કરવત મુકાવા નીકળી પડ્યો.

હજી દુર્બળશાની પરીક્ષા પૂરી થઈ નહોતી. તેણે હજી એક બીજી યુક્તિ અજમાવી જોવાનું નક્કી કર્યું. એક દિવસ દુર્બળશા એકાંત જોઈ ભદ્રા પાસે ગયો ને ધીમેથી કહ્યું : “ભદ્રા ! તે રૂપાની માગણી કબૂલ કરી હતી, તેવી રીતે આજે મને લાભ આપે તો હું મારી બધી મિલકત તને આપી દઉં મને તારા વિના ચેન પડતું નથી.”

ભદ્રા ચાલાક અને હિંમતવાન સ્ત્રી હતી. તેણે રાજીખુશીથી દુર્બળશાની માગણી બૂલ કરી અને રાત્રે મળવાનું ઠરાવ્યું.

રાત પડી. થોડી વારમાં દુર્બળશા રૂપાળાં કપડાં પહેરી બનીઠનીને આવ્યો.

ચતુર ભદ્રા પોતાનો વેશ બદલી જોગણી જેવું ભયાનક રૂપ લઈને બેઠી હતી. માથે મુગટ, કપાળે સિંદૂરની આડ, છૂટા વાળ, કંકુવાળી હથેલીઓ, એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ઉઘાડી તલવાર પકડેલી.

દુર્બળશા જેવો ઓરડામાં દાખલ થયો ને ભદ્રાને જોગણીનું રૂપ ઘરેલ જોઈને તેના છક્કા છૂટી ગયા. તે તો ભદ્રાની માફી માગી ત્યાંથી ચાલતો થયો.

હવે દુર્બળશા એટલે કે લાલચંદને કોઈ જાતની શંકા રહી નહિ. તે કપુરચંદ શેઠની રજા લઈ રંગપુર ગયો અને પોતાના પિતાને કહ્યું: “મારી જાત્રા પૂરી થઈ ગઈ છે. હવે હું મારી પત્ની ભદ્રાને તેડવા જાઉં.”

રતનચંદ શેઠે પોતાના દીકરા લાલચંદને અનુમતિ આપી, એટલે બીજે દિવસે લાલચંદ શણગારેલી વહેલ જોડીને સાસરે ઊપડ્યો. તે થોડા દિવસમાં નારણપુર નગરમાં આવી પહોંચ્યો. ઘણા દિવસે પોતાના જમાઈને આવેલા જોઈને વીરચંદ શેઠને ખૂબ જ આનંદ થયો. ભદ્રા પણ પોતાના પતિ પાછા આવેલા જોઈ રાજી રાજી થઈ ગઈ.

વીરચંદ શેઠે જમાઈની ખૂબ જ આગતાસ્વાગતા કરી, લાલચંદે સસરાને ત્યાં થોડા દિવસ મહેમાનગતિ માણી, ભદ્રાને લઈને પોતાના નગર તરફ આવવા નીકળ્યો.

લાલચંદ વહેલ હાંકતો હતો, જ્યારે ભદ્રા પડદા ઢાળીને વહેલમાં બેઠી હતી. લાલચંદે વહેલને રંગપુર નગર તરફ પૂરપાટ હંકારી મૂકી. વહેલ ભરજંગલમાં આવી હશે કે અચાનક ભદ્રાના પગમાંથી ઝાંઝર નીકળી ગયું. ભદ્રાએ વહેલ ઊભી રખાવી, પણ વહેલ એટલી પૂરજોશમાં હતી કે ઊભી રાખતામાં તો પડેલા ઝાંઝરની જગા ઘણી દૂર રહી ગઈ.

લાલચંદ વહેલમાંથી નીચે ઊતર્યો અને વહેલના ચીલે ચીલે ઝાંઝર શોધવા લાગ્યો, પરંતુ ઝાંઝર રસ્તામાં પડ્યું રહ્યું હોય તો મળે ને ? તેને તો એક લૂંટારાએ ઉઠાવી લીધું હતું.

લૂંટારાએ જોયું કે વહેલને હાંકનાર ઝાંઝરની શોધમાં ખૂબ દૂર નીકળી ગયો છે. આ તકનો લાભ લઈ તે વહેલની નજીક ગયો અને પડદામાં હાથ નાખી ભદ્રાને ઝાંઝર આપ્યું. ભદ્રાને થયું કે ઝાંઝરપોતાના પતિ લાલચંદે આપ્યું હશે. પછી લૂંટારો ઝડપથી વહેલ ઉપર ચડ્યો અને વહેલને મારી મૂકી.

www.amarkathao.in

લાલચંદને ઝાંઝર ન જડ્યું એટલે તે નિરાશ થઈને પાછો ફર્યો. પરતુ જુએ છે તો વહેલ ગુમ! તેણે ઘોર જંગલમાં ભદ્રા, ભદ્રા કહી બૂમો પાડવા લાગ્યો, પણ કોઈ જવાબ મળ્યો નહિ. તેણે આખા જંગલમાં ઘણી બૂમો પાડી, પણ તેને પોતાની ભદ્રા મળી નહિ. છેવટે તે નિરાશ થઈ ગયો. તેને પોતાની પત્નીના વિયોગથી ઘણું દુખ થયું. પોતાના વર્તન બદલ તેને ઘણો પસ્તાવો થયો. તેણે ભદ્રા આ ભવમાં નહિ પણ આવતા ભવમાં મળે તેમ વિચારી તે કાશી તરફ કરવત મુકાવા નીકળી પડ્યો.

આ બાજુ લૂંટારાએ વહેલને પોતાની ગુફા આગળ ઊભી રાખી. ભદ્રા અચાનક પોતાની સામે કોઈ અજાણ્યા પુરુષને જોતા ગભરાઈ ગઈ. તેને તો સ્વપ્નમાં પણ ખબર નહિ કે વહેલને હંકનાર બીજો પુરુષ છે. તેણે તે લૂંટારાને કહ્યું : “ભાઈ ! તમારે જે જોઈએ તે લઈ લો, પરંતુ મને રંગપુર નગરમાં પહોંચતી કરો. હું મારે સાસરે આજે પહેલી વાર જ જાઉં છું. મારા સસરા રંગપુર નગરના મોટા શેઠ છે. જો તમે મને સહીસલામત ત્યાં પહોંચતી કરશો તો મારા સસરા પાસેથી તમને ભારે ઇનામ અપાવીશ.”

લૂંટારો બોલ્યો: “અત્યાર સુધી મેં ઘણી લૂટો કરીને ઘણું ધન ભેગું કર્યું છે. હવે મારે ધનની જરૂર નથી, પણ તારા જેવી સુંદરીની મારે જરૂર છે. તું મારી સાથે આ જંગલમાં આનંદથી રહે. હું તને કોઈ વાતે દુખી કરીશ નહિ.”

ભદ્રાએ લૂંટારાને ઘણો સમજાવ્યો, પણ લૂંટારો એકનો બે ન થયો, તે ભદ્રાને બળજબરીથી પોતાની કરવા માગતો હતો. ત્યાં જ રંગપુર નગરનો રાજા શિકારની શોધમાં ફરતો ફરતો અહીં આવી ચડ્યો અને તેણે ગુફા બહાર પોતાના નગરના રતનચંદ શેઠની વહેલ ઊભેલી જોઈ. રાજા કંઈ વિચારે તે પહેલાં જ ભદ્રાની બચાવો બચાવોની ચીસો સંભળાઈ. રાજા તરત જ ગુફામાં દાખલ થયો અને લૂંટારાને પડકાર્યો.

લૂંટારો રાજાને તરત જ ઓળખી ગયો એટલે ત્યાંથી ભાગી ગયો. પરંતુ આ લૂંટારાના મનમાંથી ભદ્રાની સ્મૃતિ ખસતી નહોતી, તે તો થોડા જ સમયમાં તેના પર એવો મોહી ગયો હતો કે તેને હવે ધનમાં સહેજ પણ રસ રહ્યો નહિ. તેને થયું કે હવે ભદ્રા વગર પોતે જીવી શકે તેમ નથી, અને આ જન્મમાં તેને ભદ્રા મળી શકે તેમ નથી. કારણ પોતે લુંટારો હતો. એટલે તેણે આવતે ભવે ભદ્રા મળે તે વિચારે તે કાશીએ કરવત મુકાવા માટે નીકળી પડ્યો.

હવે રાજા ભદ્રાને જોઈને તેના રૂપ ઉપર મોહાંધ બન્યો. તેણે મનમાં જ ભદ્રાને પોતાની પટરાણી માની લીધી. ભદ્રાએ રાજાને પોતાની સઘળી વિગત કહી જણાવી, એટલે રાજાએ તેને પોતાના ઘેર પહોંચતી કરશે. એમ કહી ભદ્રાને પોતાના ઘોડા ઉપર બેસાડી મહેલ પર લાવ્યો. પછી તેણે ભદ્રાને કહ્યું: “ભદ્રા આ નગરનો રાજા છું. હું તારી સાથે લગ્ન કરીને તને મારી પટરાણી બનાવવા ઇચ્છું છું. તને મારે ત્યાં શેઠ કરતાં વધુ સુખ-સાહ્યબી મળશે. માટે તું અહીં રોકાઈ જા.”

ભદ્રાને થયું કે, અત્યારે હું રાજાના તાબામાં છું, એટલે કાંઈ કરી શકું તેમ નથી. મારે આ રાજા પાસે યુક્તિથી કામ લેવું પડશે. તો જ મારું શિયળ સચવાઈ રહેશે.”

તેણે રાજાને કહ્યું : “હે મહારાજા ! મને તમારી સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ મને લૂંટારાએ પકડી હતી, તે વખતે મેં ભગવાન શિવજીના એકાંત પૂજનના વ્રતની બાધા રાખી હતી. માટે પહેલાં આ બાધા પૂરી થાય પછી હું તમારી સાથે લગ્ન કરીશ.”

રાજા ભદ્રાની વાત સાથે સંમત થયો. તેણે તરત પૂજનની સામગ્રી તૈયાર કરાવી અને ભદ્રાને શિવાલયમાં લઈ ગયો. રાજાએ બધી દાસીઓને ખાનગીમાં સાવધ કરી દીધી. ભદ્રા પૂજનની સામગ્રી લઈને એકલી શિવાલયમાં ગઈ ને પોતે એકાંતમાં પૂજન કરશે. આમ કહી તેણે શિવાલયના દરવાજા બંધ કરી દીધા. રાજા અને દાસીઓ બધા શિવાલયની બહાર બેસી રહ્યા.

ભદ્રાએ શિવજીને બે હાથ જોડી ખરા હ્રદયથી પ્રાર્થના કરી કે, હે ભોળાનાથ ! આજ સુધી હું મારું શિયળ બચાવતી આવી છું. આજ મારી લાજ તમારા હાથમાં છે. આમ કહી તે શિવલિંગ ઉપર જોરથી માથું પછાડવા લાગી કે તરત જ શિવલિંગ સહેજ ખરું ખસ્યું. ભદ્રા આ જોઈ નવાઈ પામી. તેણે શિવલિંગને પકડી ખસેડવા પ્રયત્ન કર્યો કે તરત જ શિવલિંગ એકદમ ખસી ગયું અને તેની જગ્યાએ ભોંયરામાં જવાનો ગુપ્ત માર્ગ દેખાયો. ચતુર ભદ્રા આને શિવજીની કૃપા માની તેમનું નામ લઈ ભોંયરામાં ઊતરી, શિવલિંગને બરાબર ગોઠવી ગુપ્ત માર્ગે સડસડાટ ચાલી નીકળી.

ભોંયરાનો માર્ગ રતનચંદ શેઠની હવેલીના પૂજાખંડમાં પડતો હતો. ભદ્રા ત્યાં સુધી આવી પહોંચી. તેણે હિંમત કરીને ગુપ્ત દ્વારને હડસેલ્યું તો એક મોટો ગોખલો દેખાયો. તેમાંથી તે હવેલીના પૂજાખંડમાં આવી. ત્યાં પોતાના સાસુ-સસરા ભગવાનનું ધ્યાન ધરીને બેઠાં હતાં.

ભદ્રા હિંમત કરી સાસુ-સસરા સમક્ષ આવી અને પોતાની સાથે બનેલી સઘળી હકીક્ત કહી જણાવી.

રતનચંદ શેઠ અને શેઠાણીને એક બાજુ વહુના આગમનનો હર્ષ અને બીજી બાજુ પોતાના પુત્રવિયોગનું દુખ તેઓ બોલી ઊડ્યાં : “વાહ રે ભગવાન ! તારી લીલા પણ અપાર છે.” પછી ભદ્રાએ સાસુ-સસરાને આશ્વાસન આપી કહ્યું “તમે ચિંતા કરો નહિ, તે ગમે ત્યાંથી પાછા ઘેર આવી જશે.”

બીજી બાજુ બહુ વાર થઈ છતાં ભદ્રા મંદિરમાંથી બહાર નીકળી નહિ એટલે દાસીઓ અને રાજા ચિંતા કરવા લાગ્યા. તેમણે શિવાલયનો દરવાજો ખૂબ જ ખખડાવ્યો, પણ દરવાજો કોઈએ ખોલ્યો નહિ. રાજાના હુકમથી દરવાજો તોડી નખાવ્યો. અને અંદર જઈને જોયું તો ભદ્રાનો ક્યાંય પત્તો લાગ્યો નહિ. રાજા ખૂબ જ નિરાશ થઈ ગયો. તેને પોતાની ખરાબ હરકત બદલ ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. પરંતુ રાજાના મનમાં ભદ્રા વસી ગઈ હતી, હવે તેમને આ સંસારમાં ચેન પડે તેમ ન હતું, એટલે તેઓ આવતા ભવે ભદ્રા મળશે તેમ વિચારી કાશીએ કરવત મુકાવા ચાલી નીકળ્યા.

આમ એક સ્ત્રીની પાછળ રૂપો વણઝારો, લૂંટારો, રાજા અને લાલચંદ એમ ચાર જણા કાશીએ કરવત મુકાવવા ગયા. અહીં કરવત મૂકે તે પહેલાં કરવત મુકાવનારે પોતાના મનની ઇચ્છ જાહેર કરવી પડે.

પહેલા રૂપા વણઝારાએ કહ્યું: “મને મારા મિત્ર દુર્બળશાએ ભદ્રા નામની સ્ત્રી દેખાડી, એ સ્ત્રીને પામવા માટે મરવું છે.”

આ સાંભળી લાલચંદ બોલી ઊઠ્યો “અરે રૂપા ! એ દુર્બળશા હું પોતે જ. ભદ્રા તો મારી સ્ત્રી છે. તેને હું વહેલમાં બેસાડી ઘેર જતો હતો કે રસ્તામાં તેના પગનું ઝાંઝર લેવા ગયો કે કોઈ મારી વહેલ જ હાંકી ગયું.

આ સાંભળી લૂંટારો બોલ્યો : “અરે ભાઈ ! એ વહેલને હાંકી જનારો હું છું. હું તે સ્ત્રી ઉપર મોહાંધ થયો કે રંગપુરના રાજાએ તેને આવી બચાવી લીધી.”

આ સાંભળી રાજાએ કહ્યું: “એ રંગપુરનો રાજા હું છું. મેં તે સ્ત્રીને મારી પટરાણી બનાવવા વિચાર્યું, પરંતુ તેણે કહ્યું: મારે શિવજીની બાધા છે, માટે એકાંતમાં મહાદેવજીની પૂજા કરવી છે. મેં તેને શિવાલયમાં એકલી મોકલી. તે ત્યાંથી અલોપ થઈ ગઈ.”

આ સાંભળી લાલચંદ ખુશ થઈ ગયો. તેણે કહ્યું : રાજાજી! ભદ્રા તેની સહીસલામત જગ્યાએ પહોંચી ગઈ છે. શિવાલયમાંથી મારી હવેલી સુધીનો ગુપ્ત માર્ગ છે, એટલે તે મારે ઘેર જ ગઈ હોવી જોઈએ.”

ચારે જણા આનંદ પામ્યા. દરેકને પોતાના વર્તન બદલ ખૂબ પસ્તાવો થવા લાગ્યો. રાજાએ કાશીમાં જ ભદ્રાને પોતાની પુત્રી, રૂપા અને લૂંટારાએ ભદ્રાને બહેન તરીકે માની લીધી અને બધા લાલચંદ સાથે રંગપુર નગરમાં આવ્યા અને ત્રણે જણને લઈ લાલચંદ પોતાને ઘેર આવ્યો. બધાએ ભદ્રાને જોઈ પરમ સંતોષ થયો. બધાએ પોતાના વર્તન બદલ ભદ્રાની માફી માગી અને સૌ પોતપોતાને ઘેર ગયા. પછી લાલચંદ અને ભદ્રા સુખચેનમાં દિવસો ગુજારવા લાગ્યા.

થોડા દિવસ પછી લાલચંદ વેપાર અર્થે જવા નીકળ્યો. તે પંદર વહાણોમાં જાત જાતનો માલ ભરાવીને ધરિયાઈ માર્ગે જઈ રહ્યો હતો, ત્યાં રસ્તામાં એક બેટ આગળ વહાણ થંભ્યુ.  લાલચંદ તે બેટ ઉપર ફરવા ગયો. ત્યાં તેને એક બોલતા હંસ-હંસલી મળ્યાં. તે સમયે શરદપૂનમની રાત હતી. બંને જણા મનુષ્યની ભાષામાં વાત કરતા હતા કે “આજે શરદપૂનમની રાત છે ને સ્વાતિ નક્ષત્ર છે. આજે જે સ્ત્રીને ગર્ભ રહેશે તેને પુત્રપ્રાપ્તિ થાય અને તે એવો પુત્ર મેળવે કે જેને છીંક આવે ત્યારે તેના નાકમાંથી મોતી ખરે.”

આ સાંભળી લાલચંદે લાંબો નિસાસો નાખ્યો. આ જોઈ હંસે લાલચંદને કહ્યું: “હે ભાઈ! તું અમારી વાત સાંભળી શા માટે નિસાસો નાખે છે? તારે એવું તો શું દુખ છે?”

લાલચદે કહ્યું : “હે હંસરાજ ! તમારા મોંએ મેં આજની રાતનો મહિમા સાંભળ્યો અને મને મારી પત્નીનો વિયોગ થવા લાગ્યો. જો અત્યારે હું તેની પાસે હોત તો કેવું સારું!

લાલચંદની વાત સાંભળી હંસને દયા આવી. તેણે કહ્યું : “ભાઈ! તું ક્યાં રહે છે અને કોનો દિકરો છે?”

લાલચંદે કહ્યું: “હું રંગપુર નગરના રતનચંદ શેઠનો દીકરો છું.” હંસે લાલચંદને પોતાની પીઠ ઉપર બેસવા કહ્યું ને થોડી જ વારમાં તેને રતનચંદ શેઠની હવેલીએ અગાશીમાં ઉતાર્યો. લાલચંદ પોતાની પત્ની ભદ્રાને મળ્યો અને સઘળી હકીક્ત કહી જણાવી. પોતાના પતિને આવી રીતે ઓચિંતા આવેલા જોઈ ભદ્રાની તો ખુશીનો પાર ન રહ્યો. બંને જણા આખી રાત આનંદમાં પસાર કરી અને સવાર થતાં પહેલાં લાલચંદ પાછો હંસની પીઠ ઉપર સવાર થઈ ચાલી નીકળ્યો.

આ બાજુ લાલચંદના સહવાસથી ભદ્રા ગર્ભવતી થઈ. બે-ત્રણ મહિના થયા એટલે ઘરના સૌને આ વાતની જાણ થઈ. બધા ભદ્રા સામે તિરસ્કારની નજરે જોવા લાગ્યા. ભદ્રાએ ઘરના સર્વેને બધી વાત કરી, છતાં તેની વાત કોઈએ માની નહિ. રતનચંદ શેઠ ભદ્રાને કલંકિની ગણી પિયર મોકલી દીધી.

કપૂરચંદ શેઠે પણ ભદ્રાની વાત જાણી ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમણે પણ ભદ્રાને આવી હાલતમાં પોતાને ઘેર ન રાખી. હવે ભદ્ર રઝળતી થઈ ગઈ. કોઈ તેનું કહ્યું સાચું માનવા તૈયાર ન હતા.

ભદ્રા રખડતી-રઝળતી જંગલમાં આવી ચડી. ત્યાં તળાવના કાંઠે તે એક ઝુંપડી બાંધીને રહેવા લાગી. થોડા દિવસ પસાર થયા કે ત્યાંથી રૂપો વણઝારો પોતાની પોઠો લઈને પસાર થયો. તેણે આવા ભરજંગલમાં ઝૂંપડી જોઈને ત્યાં મુકામ કર્યો. તેણે ઝૂંપડીમાં ભદ્રાને જોઈ નવાઈ પામ્યો. ભદ્રાએ રૂપા વણઝારાને પોતાના દુખની વાત કરી.

રૂપાએ ભદ્રાને બહેન માની હતી, એટલે તેણે ભદ્રાને પોતાની પોઠમાં સામેલ કરી દીધી. આ પોઠમાં કેટલીક વણઝારીઓ પણ હતી. વણઝરીઓને આ ગમ્યું નહિ. ભદ્રા રૂપાળી હતી અને પાછી ગર્ભવતી હતી, એ જોઇને તેમને થયું કે આવી બાઈ આપણી સાથે ન શોભે! આમ વિચારી તેમણે ભદ્રાને ક્યાંય વિદાય કરી દેવાનું વિચાર્યું.

વણઝારાની પોઠો ફરતી ફરતી ઠગપુર પાટણ નામે ગામમાં આવી. આ ગામમાં વેશ્યાવાડો હતો. બધી વણઝારીઓ ભેગી થઈ ગામમાં ફરવા નીકળી ને સાથે ભદ્રાને પણ લીધી. વણઝારીઓની આગેવાન વણઝારીએ ભદ્રાને ફોસલાવીને વેશ્યાવાડમાં લઈ ગઈ અને ભદ્રાને પાંચસો સોનામહોરમાં વેચી દીધી. પછી બધી વણઝારીઓ રૂપા વણઝારા પાસે આવી ને બોલી : “ભદ્રા અમારી સાથે ગામમાં ફરવા આવી હતી, પરંતુ તે અમારાથી નજર બચાવી નાસી ગઈ.” આ જાણી રૂપાને ઘણું દુખ થયું, પણ કરે શું!

આ બાજુ ભદ્રા વેશ્યાના ઘરમાં આવી ગઈ. તે વેશ્યા ભદ્રાને ફોસલાવવા માંડી. તે ભદ્રાને અનીતિના માર્ગે જવા મજબૂર કરવા લાગી ત્યારે ભદ્રા બોલી “હું બે જીવવાળી સ્ત્રી છું. મને બાળક થઈ જવા દો, પછી હું તમને અઢળક દ્રવ્ય કમાઈ આપીશ.”

વેશ્યાને ભદ્રાની હાલત પર દયા આવી તે થોડા દિવસ શાંત રહી. ભદ્રાએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. હંસે કહ્યું હતું તેમ આ બાળકને જ્યારે પણ છીંક આવતી ત્યારે એક-એક રત્ન ખરતું હતું. આથી ભદ્રાની પાસે રત્નો એકઠા થવા માંડ્યાં. ભદ્રાએ આ વાત વેશ્યાને જણાવી નહિ.

ભદ્રાની સુવાવડને સવા મહિનો થયો એટલે વેશ્યાએ તેને કહ્યું હવે તારી સુવાવડ પતી ગઈ, હવે તું ઘરાકોને રીઝવવા માંડ મેં તને અત્યાર સુધી બેઠે બેઠાં ખવડાવ્યું છે, તેનું વળતર હવે તું ચૂકવી આપ.”

ભદ્રાએ વેશ્યાને કહ્યું: “બહેન, હું ઉચ્ચ ખાનદાનની પતિવ્રતા સ્ત્રી છું. મને તમે આ ધંધામાં લગાડો નહિ. હું તમને એમને એમ તમારું વળતર ચૂકવી આપીશ.” પરંતુ વેશ્યા માની નહિ. તે ભદ્રા ઉપર ગુસ્સે થઈ ગઈ. એક દિવસ વેશ્યાએ ખિજાઈને એક દાસી મારફત ભદ્રાના બાળકને જંગલના ગોઝારા કૂવામાં ફેંકી દેવાનું કહ્યું. દાસી દયાળુ હતી. આવા નાના કુમળા બાળકને કૂવામાં નાખતાં તેનો જીવ ચાલ્યો નહિ તે બાળકને કૂવા કાંઠે મૂકી આવીને વેશ્યાને કહ્યું: “મેં એ બાળકને કૂવામાં નાખી દીધો.”

હવે બન્યું એવું કે એ જંગલમાં એક રાક્ષસ રહેતો હતો. તે ફરતો ફરતો કૂવા પાસે આવી પહોંચ્યો. તેણે કૂવાની પાળે એક નાના બાળકને રમતો જોયો. તેને દયા આવી. તે બાળકને લઈને પોતાની ગુફામાં ગયો અને તેને દૂધ પીવડાવી ઉછેરવા લાગ્યો.

સવાર પડતાં ભદ્રએ પોતાના બાળકને ન જોયો, તે ચોધાર આંસુએ રડવા લાગી. તેણે વેશ્યાને પોતાના બાળક વિશે પૂછયું ત્યારે તે બોલી : “તારા બાળકને તો કૂવામાં નાખી દીધો. આ સાંભળી ભદ્રા છાતીફાટ રૂદન કરવા લાગી.

હવે તે ગમે તે રીતે આ વેશ્યાના સકંજામાંથી ભાગી છૂટવાની તક શોધવા લાગી. એવામાં નસીબજોગે ત્યાં એક ભાટ ફરતો ફરતો આવી ચડ્યો. તે દૂહા-છંદ લલકારી ઉજ્જયિની નગરીના પરદુખભંજન વિક્રમ રાજાના ગુણગાન ગાવા લાગ્યો. આ સાંભળી ભદ્રાને થયું કે આ ભાટ મારફત મારા દુખની વાત વિક્રમ રાજાને પહોંચાડું. તેણે તરત જ ભાટને પોતાની પાસે બોલાવ્યો અને પોતાના દુઃખની વાત એક કાગળ પર લખી તે ભાટને આપ્યો અને તેને ભેટ રૂપે એક રત્ન આપ્યું. ભાટ તો રત્ન જોઈ ખુશ થઈ ગયો.

ભાટ તો તે કાગળ લઈ ઉજયિની તરફ રવાના થઈ ગયો. તે ત્રણ દિવસે ઉજયિની આવ્યો. તેણે પેલો કાગળ વિક્રમ રાજાને આપ્યો. રાજાએ આ કાગળ વાંચ્યો. તેમને ભદ્રાની દુખદ કહાની વાંચી આંખો ભીની થઈ ગઈ. તેઓ તરત ભદ્રાનું દુખ દૂર કરવા માટે વિચારવા લાગ્યા.

તેમણે બીજે દિવસે વેશપલટો કરી પોતાના ઘોડા પર સવાર થઈ ઠગપુર પાટણ આવ્યા ને પોતાની ચતુરાઈથી વેશ્યાનું ઘર શોધી કાઢ્યું. વિક્રમ રાજાના ગળામાં કીમતી હીરાનો હાર હતો. તે જોઈ વેશ્યા લલચાઈ. તેણે રાજાની ખૂબ જ મીઠાશથી આગતા સ્વાગતા કરીને તેમને બેસાડ્યા. વેશ્યા રાજા આગળ નખરા કરવા લાગી. પણ વિક્રમ રાજા મક્કમ રહ્યા, એટલે વેશ્યાએ તેમનું ચિત્ત લગાડવા કહ્યું: “તમે ખૂબ થાકેલા લાગો છો, માટે આપણે શાંતિથી બેસી સોગઠાંની રમત માંડીએ.”

વિક્રમ રાજાએ કહ્યું: “હું સોગઠા રમવા તૈયાર છું, પરંતુ તારે મારી એક શરત માનવી પડશે. જો તું જીતે તો હું તને મારો હીરાનો હાર આપીશ અને હું જીતુ તો તારા ઘરમાંની જે સ્ત્રીને પસંદ કરું તે મને સોંપી દેવાની.” વેશ્યા મંજૂર થઈ.

બાજુના ખંડમાં બેઠેલી ભદ્રાએ રાજા અને વેશ્યાની વાતચીત સાંભળી. તે સમજી ગઈ કે જરૂર અહીં નવો આવનાર માણસ પરોપકારી વિક્રમ રાજા જ હોવા જોઈએ. તે હર્ષઘેલી બનીને હવે શું થાય છે તે જોવા લાગી.

વિક્રમ રાજા અને વેશ્યાની રમત શરૂ થઈ. વિક્રમ રાજાએ વેતાળની મદદથી વેશ્યાને સોગઠાંબાજીમાં હરાવી દીધી. વેશ્યા વચનથી બંધાઈ હતી, તેથી તેણે વિક્રમ રાજાને કહ્યું: “મારા ઘરમાં ઘણી સ્ત્રીઓ છે, તેમાંથી તમને પસંદ પડે તે લઈ જાઓ.”

“મારે ભદ્રા નામની સ્ત્રી જોઈએ છે.” આમ કહી રાજાએ વેશ્યાને પોતાની ઓળખાણ આપી. વેશ્યા તો વિક્રમ રાજાનું નામ સાંભળીને પાણી પાણી થઈ ગઈ. તે રાજાને પગે પડીને માફી માગવા લાગી. રાજાએ ભદ્રાના બાળક વિશે પૂછ્યું ત્યારે વેશ્યાએ કહ્યું: “તે તો મેં એક દાસ મારફત કૂવામાં નંખાવી દીધું” વિક્રમ રાજાએ તે દાસીને બોલાવીને કહ્યું: “બહેન! ભદ્રાનું બાળક ક્યાં છે?” દાસી વિક્રમ રાજાને જોઈ ગભરાઈ ગઈ. તે રાજા આગળ સાચું બોલી ગઈ. તેણે કહ્યું : “અન્નદાતા ! મેં ભદ્રાના બાળકને કૂવામાં નાખ્યો નથી, પરંતુ તેને કૂવા થાળે રમતો મૂકીને આવતી રહી.”

વિક્રમ રાજા તરત ભદ્રા તથા તે દાસીને લઈ કૂવા થાળે આવ્યા, પણ ત્યાં બાળક શાનું હોય ? તેને તો રાક્ષસ લઈ ગયો હતો. રાજાએ ભદ્રાને પોતાનો છોકરો સહીસલામત પાછી સોંપવાનું વચન આપી, તેને પોતાને મહેલે લઈ આવ્યા. પછી વિક્રમ રાજાએ હરસિદ્ધ માતાને યાદ કર્યા. મા તેમની ઉપર પ્રસન્ન થયાં ત્યારે રાજાએ ભદ્રાના બાળક વિશે પૂછ્યું ત્યારે માતાજીએ કહ્યું: “તે બાળક એક રાક્ષસના કબજામાં છે વિક્રમ રાજાએ વૈતાળની મદદથી તે રાક્ષસનો સંહાર કરીને બાળક મેળવ્યું ને તેને ભદ્રાને સોંપ્યું. ભદ્રા પોતાના બાળકને સહીસલામત જોઈને રાજીરાજી થઈ ગઈ.

બીજી બાજુ લાલચંદ જાવાથી વર્ષો પછી પુષ્કળ કમાણી કરીને પોતાને વતન પાછો ફરતો હતો, ત્યાં દરિયામાં પુષ્કળ વાવાઝેડું આવતાં તેનાં બધાં વહાણો પાયમાલ થઈ ગયાં. તે એક પાટિયાના સહારે તરતો તરતો કિનારે આવી પહોંચ્યો. તે અથડાતો-ફટાતો પોતાના નગર રંગપુરમાં આવ્યો. ત્યાં તેને ખબર પડી કે તેની પત્નીને ગર્ભ રહેવાથી શેઠ-શેઠાણીએ ઘરમાંથી કાઢી મૂકી.

 પછી તેના માતા-પિતા પણ ધંધામાં ઘણું નુકસાન થતાં આ ગામ છોડી બીજે ક્યાંય ચાલી ગયાં. લાલચંદ પોતાનાં માતા-પિતા અને પત્નીની શોધ કરવા ઠેર ઠેર ભટકવા લાગ્યો. તે ફરતો ફરતો ઉજ્જયિનીમાં આવી પહોંચ્યો. ત્યાં પણ ઘણી શોધખોળ કરી, છતાં કોઈનો પણ પત્તો લાગ્યો નહિ. તે ખૂબ નિરાશ થઈ ગયો. તેણે મહાકાળીના મંદિરમાં જઈ કમળપૂજા કરવાનો નિશ્ચય કર્યો.

મધરાતનો સમય હતો. રાજા વિક્રમ મહાકાળીની પૂજા કરવા મંદિરમાં આવ્યા, એવામાં એમણે મંદિરમાં બૂમ સાંભળી : “હું ભગવાન મહાકાળ! તારા ચરણોમાં આ મસ્તક સ્વીકારજે !”

આ સાંભળી વિક્રમ રાજા તરત મંદિરમાં દોડ્યા અને પૂછયું : “ભાઈ ! તારે માથે એવું તે શું દુખ આવી પડ્યું કે આજે મરવાનું પસંદ કર્યું?”

લાલચંદ વિક્રમ રાજાને તરત ઓળખી ગયો. તે રાજાને પગે પડ્યો ને પોતાની સઘળી હકીક્ત કહી જણાવી ને પોતાની પત્ની ભદ્રાને માતા-પિતાથી વિખૂટા પડતાં, અંતે તેણે મરવાનું પસંદ કર્યું.

રાજાને લાલચંદની કહાની ને ભદ્રાની કહાની એક લાગી. તે લાલચંદને પોતાને મહેલે લઈ આવ્યા અને તેનો ભદ્રા સાથે મેળાપ કરાવ્યો. બંને પતિ-પત્ની એકબીજાને જોઈને વળગી પડ્યાં. પછી ભદ્રાએ લાલચંદને પોતાના બાળક આપ્યો. લાલચંદ પોતાના બાળકને જોઈને ખુશીથી પાગલ થઈ ગયો. પરંતુ તેને માતા-પિતા યાદ આવતાં પાછો તે ઉદાસ થઈ ગયો. વિક્રમ રાજાએ વૈતાળની મદદથી લાલચંદનાં માતા-પિતાને પણ શોધી કાઢ્યાં, અને બધાંનો ઉજ્જયિનીમાં ભેટો કરાવી આપ્યો. આખું કુટુંબ ભેગું થતાં તેમણે વિક્રમ રાજાનો ઘણો ઉપકાર માન્યો.

વિક્રમ રાજાએ આખા કુટુંબને અઢળક ધન-સંપત્તિ આપી તેમના નગર રંગપુર મોકલી આપ્યા.

વાર્તા પૂરી કરતાં સંકટહરણા પૂતળી બોલીઃ “હે ભોજ રાજા! આવા પરોપકારી તમે થઈ શકો તો જ આ સિંહાસન ઉપર બેસી શકો.”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

આ વાર્તા પણ વાંચો : – 25 મી પૂતળી જોગણની વાર્તા – સિંહાસન બત્રીસી

23મી પૂતળીની જાદુઈ ગોટકાની વાર્તા

ગૌસેવાની 22 મી પૂતળીની વાર્તા

રાજકુંવરીની વાર્તા

બત્રીસ પૂતળી – 21મી પૂતળીની રાજકુંવરીની વાર્તા

18 મી પૂતળી મોહિની ની વાર્તા

બત્રીસ પૂતળી – 18 મી પૂતળી મોહિનીની વાર્તા

2 thoughts on “32 પૂતળી – ચોવીસમી પૂતળીની ચતુર કન્યા અને વેશ્યાની વાર્તા”

  1. Pingback: 25 મી પૂતળી જોગણની વાર્તા - સિંહાસન બત્રીસી - AMARKATHAO

  2. Pingback: 26 મી પૂતળીની વાર્તા - બત્રીસ પૂતળી - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *