2479 Views
ક્રિકેટના કામણ હાસ્યકથા એ બકુલ ત્રિપાઠીનો હાસ્યલેખ છે, તેમના હાસ્ય લેખોમાં સચરાચરમાં, વૈકુંઠ નથી જાવું, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી, બકુલ ત્રિપાઠીનું બારમું છે. Cricket na kaman Bakul Tripathi Hasylekh, Cicket comedy.
ક્રિકેટના કામણ હાસ્યકથા
અજબ છે ક્રિકેટનાં કામણ ! આપણે ત્યાં ક્રિકેટમેચના દિવસોમાં ચારેબાજુ ક્રિકેટ-ક્રિકેટ થઈ રહે છે. હોટેલોમાં , રેસ્ટોરાંઓમાં , શાળાઓમાં , કોલેજોમાં , ઑફિસોમાં , બજારોમાં , ઘરની બહાર , ઘરની અંદર ઠેરઠેર ક્રિકેટ જ ક્રિકેટ ! કોણ આઉટ થયું , કોણ રમતમાં છે , કેટલો સ્કોર થયો , કેટલી ઓવર , એ જ ચર્ચાઈ રહે છે. સૌ એકબીજાંને સ્કૉર પૂછતા હોય છે.
હમણાં બપોરે એક દિવસ મારે બૅન્કમાં જવાનું હતું. બાર વાગ્યા પહેલાં પહોંચવાનું હતું. મારી પાસે ઘડિયાળ ન હતું. મેં બસસ્ટેન્ડ પર જોડે ઊભેલા ભાઈને પૂછ્યુ : “કેટલા થયા ? ”
એણે કહ્યું : “ એકસો ને સત્તાવન ! ”
“નહીં નહીં , ઘડિયાળમાં કેટલા થયા એ પૂછું છું. ”
“સવા અગિયારે એકસો સત્તાવન થયેલા. ” એણે જવાબ આપ્યો ! “
” ક્રિકેટનો સ્કૉર નહીં , ઘડિયાળમાં અત્યારે કેટલા વાગ્યા છે એ પૂછું છું , મહેરબાન. ” મેં જરા મોટેથી કહ્યુ.
“કહું સાહેબ ! એકસો ને ત્રેસઠ ! કિશનસિંગે છગ્ગો લગાવ્યો સાહેબ ! છેલ્લા ખબર છે ! ” એક બૂટ પૉલિશવાળો છેક પાસે ઊભેલો તે હોંશભેર બોલી ઊઠ્યો !
મેં ટાઇમ જાણવાનો પ્રયત્ન માંડી વાળ્યો !
બસ આવી , હું બસમાં ચઢયો. મહાત્મા ગાંધી રોડની ટિકિટ લઈ છાપું જોતો બેઠો. બેત્રણ બસસ્ટેન્ડ ગયાં ને એક પેસેન્જ૨ ચઢયો. કહે , ” આપણાવાળા જીતે એ વાતમાં માલ નહીં. ”
કંડક્ટર કહે , ” હજી આશા છે , બીજા સવાસો થતાં વાર કેટલી ? ”
પેસેન્જ૨ કહે , ” રન રસ્તામાં પડ્યા હશે ? ”
કંડક્ટર કહે , ” વારું લખી રાખો , આપણે જીતીએ છીએ. આઠ – દસ છગ્ગા લગાવવામાં વાર કેટલી ? “
“ના થાય.”
“થવાના સાહેબ…”
“થયા હવે !”
“ કહું છું થવાના , થવાના ને થવાના. કાનેટકર ફૉર્મમાં છે.”
“ના થાય. ત્રણસો ના થાય ! ”
મેં છાપામાંથી માથું ઊંચું કર્યું ત્યારે બસ મારે ઊતરવાનું હતું તેનાથી બે સ્ટેન્ડ આગળ નીકળી ગયેલી !
“ અરે ભાઈ કંડક્ટર , ગાંધી રોડ ઊભી નહીં રાખી ?”
“ સૉરી સાહેબ ! ” કહી ટન ટન કરીને એણે બસ ઊભી રાખીને મને છેક ત્રીજા સ્ટેન્ડ ઉતાર્યો ને તરત બસ અને ચર્ચા , ચાલુ કર્યા.
“લખી રાખો , શું કહ્યું મેં ? આપણે જીતીએ છીએ. ત્રણસો થયા સમજો ! ”
અમર_કથાઓ
ટીવી અને રેડિયો આ દિવસોમાં સૌનાં લાડકાં બની જાય છે.
કેટલાક લોકો ડબ્બાની સામે જ બેસી રહે છે.
અમારા એક મિત્ર છે. તે ઑફિસમાં રેડિયો- સેટ પર માથું ઢાળીને , કાન – સરસો રેડિયો દબાવીને રેડિયાનું લગભગ ઓશીકું બનાવીને કોમેન્ટરી સાંભળ્યા કરે છે ! એક બાજુ માથું રાખીને થાકે છે ત્યારે બીજા કાનસરસો રેડિયો દબાવીને રેડિયોમાં કાન ખોસી દે છે.
કેટલાક ટીવીને લગભગ ચોંટીને બેસી જાય છે !
અને બીજા એક મિત્ર આનંદીલાલ હોટેલવાળા છે. એમની હોટેલનું નામ છે આનંદી – વિલાસ. તે ક્રિકેટના દિવસોમાં મોટો ગુલાબનો હાર મંગાવી રાખે છે , ખાસ્સો વીસ – પચ્ચીસ રૂપિયાનો. જો ‘ આપણાવાળા ‘ મેચ જીતે છે તો ટીવીને દબદબાપૂર્વક હાર પહેરાવે છે ! દીવો કરે છે , મૅચના દિવસોમાં એમના ટીવી સેટ આગળ અખંડ દીવો બાળે છે એ ! આરતી ઉતારવાનું જ બાકી રાખે છે ! મૅચ જિતાય છે તો આસપાસમાં સૌને મીઠાઈ વહેંચે છે.
-અને જો ‘ આપણાવાળા ’ હારે છે તો … તો એ પેલા ગુલાબના હારના ફુરચેફુરચા કરી કરીને ફેંકી દે છે ! અરે , એકવાર તો એમણે ટીવી સેટને લાફો પણ લગાવી દીધેલો. જોકે તેને હાર – જીત જોડે સંબંધ નહોતો , પણ વચ્ચે કંઈ વિદ્યુતપ્રવાહની ખામીને લીધે દોઢ મિનિટ ટીવી અટકી પડેલુ ત્યારે ચિઢાઈને એમણે ધડ દઈને ટીવી સેટને ઉપરાઉપરી બે તમાચા લગાવી દીધેલા !
ટીવી તરત ચાલુ થઈ ગયેલું !
અમારા એક પરમસુખભાઈ છે. એ ટેસ્ટ મૅચના દિવસોમાં પરમ ગરમ રહ્યા કરે છે ! ટીવી જોતા હોય ત્યારે કોઈએ અવાજ નહીં કરવાનો ! છોકરાને નિશાળે મોકલી દે છે. નિશાળ બંધ હોય કે છોકરાં નિશાળે જવાની ના પાડે તો એમના સાળાને ત્યાં , છોકરાંનાં મોસાળે મોકલી દે છે. એમણે એક પોપટ પાળ્યો છે તે આ દિવસોમાં વચ્ચે ટૅ ટૅ કરે એટલે એને “ ચૂપ ચૂપ ! ” કર્યા કરતા ! પણ પોપટને કૉમેન્ટરીમાં રસ લેતો ન કરી શક્યા એટલે પાંજરુ પડોશીને ત્યાં મૂકી આવે છે, મૅચના દિવસોમાં.
અરે , પત્ની વચ્ચે બોલે કે ભીંત પરનું ઘડિયાળ ટકોરા વગાડે તોપણ એમને ધ્યાનભંગ થાય છે ! અલબત્ત , પત્નીને અને ઘડિયાળને એ પડોશીને ત્યાં તો નથી મૂકી આવતા ; પણ ચાવી તો નથી જ આપતા ઘડિયાળને, આ દિવસમાં ! અને પત્નીને હજી ” ચૂપ ! ચૂપ ! ” કહ્યા કરે છે.
“અરે , હું કહું છું … ” એમનાં પત્ની ધીમેથી કહેતાં હોય છે.
“ચૂઉઉઉ……પ ! ”
“ કહું છું ચા થઈ ગઈ છે. ”
“અવાજ નહીં ! અવાજ નહીં ! કહું છું અ … વા …. જ નહીં ! ”
” પણ આ ચા … “
” વચ્ચે બોલવાનું બંધ કરશો પ્લીઈઈઈ …ઝ. “
“નહીં બોલું ! આ તો કહેતી’તી કે ચા … ”
” લો ! ” એ મિત્ર કપાળ કૂટે છે. ” લો ! કર્યો ને ધબડકો ! ચંદ્રચૂડ આઉટ થઈ ગયો ! મેં કહ્યું ‘ તું કે ઘોંઘાટ ન કરો ! ધોંધાટ ન કરો ! પણ કોણ સાંભળે છે ! આ પરિણામ જોયું ? ચંદ્રચૂડ આઉટ ! ક્લીન બૉલ્ડ !”
” પણ તે આઉટ થયો તે કંઈ મારે લીધે ? ” પત્ની બિચારી ગણગણે છે.”
“ના ! ” એ મિત્ર ગર્જી ઊઠે છે : ” ના ! મારે લીધે ! તમારે લીધે નહીં , મારે લીધે ! બસ ? હવે મહેરબાની કરીને જરા શાંત રહેશો ? પ્લીઝ કહું છું , પ્લીઝ પ્લીઝ પ્લીઝ જરા મૅચ જોવા દેશો ? અરેરે ! આ ઘરમાં કોઈ શાંતિથી મૅચ પણ નહિ જોવા દે ! ”
“ સારું ચા રસોડામાં ઢાંકી રાખું છું. ”
” ઢાંકવી હોય તો ઢાંકી રાખો , ઢોળવી હોય તો ઢોળી દો ! હં ..? શું કહ્યું ? ચા ? તે લાવ ને ! રાહ શેની જુએ છે ? અરેરે , આ ટેસ્ટમાં કશાયનું ઠેકાણું નહીં ? એક બાજુ આ બૂડથલો વિકેટ પર વિકેટ ગુમાવી રહ્યા છે અને બીજી બાજુ તું પણ મોંમાંથી ઓચરતી નથી કે ભઈ ચા ઠંડી થઈ જાય છે , પી લો ! અરેરે , શું થયું છે તમને બધાંને ! “
” હું તો ક્યારનીય કહું છું.”
“અવાજ નહીં ! અવાજ નહીં ! કહું છું અવા … જ નહીં ” એ ગર્જી ઊઠે છે. અવાજ નહીં કરો !”
અમરકથાઓ
બીજા એક પડોશી છે અમારા , નામે મનુભાઈ ગુગલી. એ ( ગુગલી એમની અટક નથી પણ નામ પડી ગયું છે ગુગલી , મનુભાઈ ગુગલી ) કદી મૂંગા મૂંગા મૅચ જોતા નથી. કોમેન્ટેટરની કોમેન્ટરી જોડે જ એમની પોતાની કૉમેન્ટરી પણ ચાલુ જ હોય !
“મૂરખનો સરદાર છે ! જા ભજિયાંની દુકાન માંડ , ભજિયાંની દુકાન ! ક્રિકેટ રમવા નીકળ્યા છે !” એ ગરમ થઈને ટીવી સામે ત્રાટક કરીને બોલી રહ્યા હોય છે.
“શું થયું , મનુભાઈ ?”
“ગધેડો ! ગધેડો છે ! ગધેડો ! પૂરેપૂરો ગધેડો ! ”
” પણ કોણ ? ”
” ગધેડો .. ”
” પણ કોણ ગધેડો ? ”
“આ મુકુંદ ! કવરમાં છે !”
” શું કર્યું એણે ? ”
“ અરે શું નથી કર્યું એમ પૂછો ! “
” તો એમ પૂછીએ ! શું નથી કર્યું મુકુંદે ? ”
” કેચ ગુમાવ્યો ! કૅચ ગુમાવ્યો !!! ‘ હું એમ પૂછું છું કે આવાઓને ટેસ્ટની ટીમમાં લેતા શા માટે હશે ? ના , ના , ક્રિકેટ ના આવડતું હોય તો શેરીમાં જઈને ગિલ્લીદંડા રમો ગિલ્લીદંડા ! અહીં શું કામ છે તમારું ” એ ટીવી સામે જોઈને વાણીપ્રવાહ વહેવડાવી રહ્યા હોય ,
“ક્રિકેટના મેદાન પર કામ શું છે તમારું ? શા માટે ટીમની આબરૂ ખરાબ કરવા બેઠા છે ? રમતાં નથી આવડતું તો ક્રિકેટ રમવા શું કામ આવો છો ? .હેં ? .. હેં ? … શું થયું ? શું થયું ….
તાળીઓના ગડગડાટ સંભળાય છે અને મનુભાઈ ગુગલી ચમકે છે . “ શું થયું ? કોનો બૉલ હતો ? શું થયું ? ”
” મુકરજીએ ચોગ્ગો ફટકાર્યો. ”
” એમ ? … વાહ બેટા વાહ , વાહ રે મુકરજી વાહ ! આનું નામ રમત કહેવાય ! નામ રાખ્યું આપણી ટીમે તો , મરદ છે મરદ ! આ મુકરજી ! મરદનો બચ્ચો છે ! “
” પણ આગલી ઇનિંગમાં મુકરજી ચાર રનમાં બૅક ટુ પેવેલિયન થઈ ગયેલો ! ”
” તે હશે ! … ઍક્સિડંટ , બેડ લક … બાકી એ ખેલાડી ગજબનો છે. મુકરજી એટલે મુકરજી ! અદ્ભુત છે ! … હૈ ? શું … થયું ? શું … થયું ? શું થયું ? શું … ? “
” મુકરજી ક્લીન બૉલ્ડ ! “
” થઈઈઈ રહ્યું ! મરી ગયા આપણે ! કર્યો ને ધબડકો ! આઉટ થઈ ગયા ! ધોકઈણું પકડતાં આવડે નહિ તે ક્રિકેટ રમવા નીકળ્યા છે ! આ લોકોનુ શું કરવું જોઈએ ખબર છે ? ”
“શું કરવું જોઈએ ?”અમે ધડકતા હૃદયે પૂછીએ.
” મૂરખાઓને દશ વરસ ક્રિકેટ રમવાની બંધી કરવી જોઈએ ! ખબરદાર , બેટાઓ ક્રિકેટ રમ્યા છો ! ખબરદાર બૅટને અડ્યા પણ તો ! જાઓ , ગિલ્લીદંડા રમો , ગિલ્લીદંડા !”
આંખો મનુભાઈની ચકળવક ! મિજાજ ગરમ ! ઘડીકમાં આંખમાંથી અમી વરસે , જાણે ટીવીને ચસચસતું આલિંગન આપી બેસશે. ઘડીકમાં ત્રીજું નેત્ર હોય તો ખોલીને ટીવીને બાળીને ભસ્મ કરી નાખે એવો ગુસ્સો ! … વળી પાછા કંઈ સારા સમાચાર આવે કે મનુભાઈ ગુગલી કૂદે , સોફા પર ! ખરાબ સમાચાર આવતાં જાણે હોસ્પિટલના કૉરિડૉરમાં હોય એમ ઘરમાં આંટા મારવા માંડે છે. કોઈ સારું રમે છે તો વળી ઊભા થઈ જાય છે , કૂદે છે , તાળીઓ પાડી ઊઠે છે , જોડે બેઠેલાને વળી ધબ્બો લગાવે છે. ગીતો ગાવા મંડી પડે છે. દરેક ખેલાડીને લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરી દે છે ! ક્યાં સુધી ? વળી પાછા કંઈક ખરાબ સમાચાર આવે ત્યાં સુધી !
“ગધેડો ! “
“કોણ ? “
“કોમેન્ટેટર.”
“એણે કેચ ગુમાવ્યો ? “
” ના ! બફાટ કર્યો ! હમણાં સાડત્રીસમી ઓવર ચાલતી હતી અને એટલામાં ઓગણચાલીસમી કેવી રીતે આવી ગઈ ? ”
“સાડત્રીસમી વહેલી ઘરે ચાલી ગઈ હશે ! ”
“નહીં , નહીં , ઊભા રહો. બરાબર હોં ! ઓગણચાલીસમી જ ચાલે છે. આડત્રીસમી ઓવરના ત્રીજા બૉલે કરમારકર આઉટ થયો બરાબર ! તે પછી ચાર બૉલ થયા. ચતુર્ભુજના ચોત્રીસ અને ઝીંબેકરના બેંતાલીસ … ટોટલ ? ચોરાણું ? હેં ? તો પેલો બોત્તેર કેમ ઠોક્યા કરે છે ? ”
“બધાંનું ગણિત કંઈ તમારા જેવું પાકું હોય છે, મનુભાઈ ?”
“ના , ના , પણ ચોત્રીસ અને બેતાલીસ મળીને છોત્તેર થાય કે બોત્તેર ? ” મનુભાઈ ઉશ્કેરાઈ જાય છે. ટીવી બંધ કરી દે છે. રૂમમાં આંટા મારવા મંડી પડે છે. પત્નીને ધમકાવી નાખે છે. નાના બાબાને બહાર કાઢી મૂકે છે. આંટા મારતાં સ્ટુલને ઠેસ વાગવાથી ફ્લાવરવાઝ ગબડી પડે છે. મનુભાઈ બબડ્યાં કરે છે , ” બોત્તેર થાય જ કેમ ? હાઉ ઇઝ ધેટ ? ઇમ્પોસિબલ ! ઇમ્પોસિબલ ! ”
થોડીવારે એ કૂદે છે . “ બાય ! ચાર બાયના ?
” કઈ બાઈ ? કોની બાઈ ?”
“ચાર બાયરન ! ”
“ કવિ બાયરન તો એક જ હતો. ”
“બોત્તેર ને ચાર બાયના ! છોત્તેર થયા ! ટોટલ મળી ગયો !”
મનુભાઈ ગુગલી ફરીથી ટી.વી. ચાલુ કરે છે , ગોઠવાય છે. ડોકું ધુણાવવા માંડે છે અને વળી પાછા ગર્જી ઉઠે છે.
” ગધેડો ! “
કેટલાક કૉમેન્ટરી શોખીનો અમારા ગુગલીભાઈની જેમ કોમેન્ટરીમય થઈ જાય છે તો એક બીજા મિત્ર પ્રભુદાસ – એ કૉમેન્ટરી ચાલતી હોય ત્યારે બીજી વાતો કર્યા કરતા હોય છે. પંદર વર્ષ પહેલાં ક્રિકેટમૅચ કેવી રમાતી. તે વખતે તેલના ભાવ કેવા રિઝનેબલ હતા , અને ભજિયાં કેવાં સરસ મળતાં , એ ભજિયાં કેવા , આજકાલની પાઉભાજીને ટક્કર મારે એવાં થતાં , એમના પડોશવાળા લાલભાઈને લીલાં મરચાંનાં ભજિયાં નહોતાં ભાવતાં , એ લાલભાઈ ભટમાસ્તરની છોકરીને લઈ કેવો ભાગી ગયેલો, અને પ્રેમીપંખીડાં છેક દહેરાદૂનથી પકડાયેલાં. એક બાવાએ લાલભાઈના મોટાભાઈ ચીમનલાલને કેવું માદળિયું મંતરી આપેલું આ બધી વાતો એ ક્રિકેટમેચ જોતાં જોતાં કહે અને કોઈ કહે ” પ્રભુદાસ તમારે આ બધી વાતો જ કરવી છે તો ટીવી બંધ કરો ને ? ”
તો કહે , ” ટીવી બંધ શાના કરીએ ? મૅચ જોવી છે , કેમ વળી ? “
-ને પછી રમત આગળ ચાલે એટલે પ્રભુદાસ શરૂ કરે- લાલભાઈ શેર – સટ્ટામાં કેવી રીતે કમાયેલા અને પછી ભટ્ટમાસ્તરની છોકરી પાછળ ખુવાર થઈને કેવી રીતે દેવાળું ફૂંકેલું એની વાત !
કેટલાક વળી ટીવી જોતાં કે રેડિયો સાંભળતાં શરતો લગાવ્યા કરે છે. “ બોલ ! મૅચ ડ્રૉમાં જાય છે. લાગી સો સોની ?” કે “ સેંચુરી કરતાં પહેલાં તાંબેકર આઉટ થઈ જાય છે. લાગી પચાસપચાસની ! “
અને પછી શરત હારે છે એટલે ” મેં એવું ક્યાં કહેલું ? મેં તો આમ નહીં પણ તેમ કહેલું કહીને ફરી જાય છે”
મારા એક વડીલ હતા. એ મને યાદ છે. વિનુ માંકડના જમાનામાં કૉમેન્ટરી સાંભળતાં સાંભળતાં રેંટિયો કાંતતા !
કેમ ?
તો કે ક્રિકેટની વિદેશી રમત એ સમયનો બગાડ છે. એટલે કૉમેન્ટરી સાંભળતાં સાંભળતાં પણ રાષ્ટ્રભાવના ખાતર રેંટિયો ફેરવવો જોઈએ જેથી વખતનો બગાડ ન થાય !
✍ બકુલ ત્રિપાઠી [ ‘ ગોવિંદે માંડી ગોઠડી’માંથી ] અમર_કથાઓ
મિત્રો પોષ્ટ અંગે આપનો પ્રતિભાવ અવશ્ય આપશો.
શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ
આવ ભાણા આવ ધોરણ 7 | શાહબુદ્દીન રાઠોડ
શાહબુદ્દીન રાઠોડનાં જોક્સ – નટા જટાની જાત્રા 1 Best Jokes
ખૂબ ખૂબ આભાર તમારો..આ હાસ્યનિબંધ છેલ્લા કેટલાક સમય થી સોધી રહ્યો હતો! અભ્યાસક્રમો બદલાઈ જવાથી મળવા ખૂબ મુશ્કેલ હતા પણ આજે તમારી મદદ થી મને મળી શક્યો. Thank You So Much🙏
wel come