2682 Views
આજે Batris putali ni varta મા વાંચો 12 મી પૂતળીની વાર્તા. સિંહાસન બત્રીસીમા અગાઉ એકથી અગિયાર પૂતળીની વાર્તાઓ અમરાથાઓમા મુકી છે, જો આપે ન વાંચી હોય તો નીચે તમામ ભાગની લિંક મુકી છે, અને Amarkathao મા આગળના તમામ ભાગ મુકવામા આવશે તો ફોલો કરી લેશો જેથી આપને નોટીફિકેશન મળી જાય.
Batris putali ni varta – ભાગ 12
બારમે દિવસે રાજા ભોજ પાછા સિંહાસન પર બેસવા જાય છે ત્યાં સિંહકા” નામની પૂતળી તેમને સિંહાસન ઉપર બેસતા અટકાવી બોલી : “હે રાજન ! જો જો, તમે આ સિંહાસન પર બેસતા નહિ. આ સિંહાસન પર તો વિક્રમ રાજા જેવો દયાળુ, ભલો અને પરાક્રમી રાજા જ બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી
એક દિવસ રાજા વિક્રમ સભા ભરીને બેઠા હતા. ત્યાં કેટલાક જાત્રાળુઓનું ટોળું ફરતું ફરતું ઉજ્જયિનીમાં આવ્યું. જાત્રાળુઓ કાશીથી ગંગાજળની કાવડો ભરીને વૈજનાથ મહાદેવને ચડાવવા જતા હતા. રસ્તામાં ઉજ્જયિની નગર આવતું હતું. જાત્રાળુઓએ વિક્રમ રાજાનાં ખૂબ જ વખાણ સાંભળ્યા હતા, એટલે તેઓ રાજાનાં દર્શન કરવાની ઇચ્છાથી રાજદરબારમાં આવ્યા. રાજાએ તેઓનો ભારે આદરસત્કાર કર્યો. રાજાની સરભરાથી જાત્રાળુઓ આનંદ પામ્યા. રાજાએ તેમની પાસેથી તીર્થસ્થાનો વિશે ઘણી વાતો સાંભળી.
થોડો સમય રોકાઈ જાત્રાળુઓએ રાજાની વિદાય લીધી. તેમના ગયા પછી રાજાએ વિચાર કર્યો કે, હું પણ અડસઠ તીરથ જાત્રા કરવા જાઉં. તેમણે રાજપાટ પ્રધાનને સોંપી, યાત્રાળુનો વેશ ધરી, ખભે કાવડ લઈ નીકળી પડ્યા.
તેઓ દરેક તીર્થસ્નાન ને દેવદર્શન કરતાં કરતાં કર્ણાટક દેશમાં આવી ચડ્યા. ત્યાં એક ગામ હતું. રાજા ગામમાં ગયા. ગામના ચોકમાં એક ગરીબ વાણિયાની દુકાન હતી. રાજાએ તેની દુકાને કાવડ દૂર મૂકીને આરામ કરવા બેઠા. તેણે વાણિયા પાસે પાણી માગ્યું. તેમણે પાણીથી મોઢું ધોયું, અને પછી પીધું. એટલામાં તો પેલા વાણિયાની દુકાને ઘરાકોનો દરોડો પડ્યો. થોડી વારમાં તો તેનો બધો માલ વેચાઈ ગયો. તેને સારો એવો વકરો થઈ ગયો.
વાણિયાને થયું કે “જરૂર આ પરદેશીના પગલે જ આજે તેને સારો એવો વકરો થયો, અને તેનો ઘણા સમયનો સંગ્રહેલો બધો માલ વેચાઈ ગયો” તેણે પરદેશીને નમન કરી કહ્યું : “અતિથિદેવ! તમે યાત્રાળુ લાગો છો, વળી થાકેલા પણ લાગો છો. તેથી મારે ઘેર ચાલો હું આપની સેવા કરીશ.”
“ભલે.” કહી રાજા વાણિયાના ઘેર ગયા. વાણિયાએ ઘરનાં માણસોને બધી વાત કરી. વાણિયાએ તથા ઘરના સર્વેએ રાજાની ખૂબ જ આગતાસ્વાગતા કરી. વિક્રમ રાજાને તેણે ચાર દિવસ વધારે રહેવા ભલામણ કરી. રાજાએ તેની વિનંતીને માન આપ્યું. આ દિવસોમાં વાણિયાનો ધંધો ખૂબ જ ધમધોકાર ચાલતો રહ્યો. આ ચાર દિવસોમાં તો વાણિયાને સારી એવી કમાણી એકઠી થઈ ગઈ.
આ વાણિયાને એક દીકરી હતી. તે હવે પરણવાલાયક થઈ હતી, પરંતુ તે એકે મુરતિયાને પસંદ કરતી ન હતી. તેથી તેની ભાભીએ મહેણું માર્યું કે “એ તો વાણિયાને નહિ પણ વીર વિક્રમરાયને પરણશે ને રાણી થઈને પાન ચાવશે ! નણંદ આ સાંભળી ગઈ. તેને ખોટું લાગ્યું. તે રીસમાં બોલી:
નિશ્ચે વર વિક્રમને વરું, નહિતર હું કુંવારી મરું,
વિક્રમ વિના પુરુષ જે જાત, તે મારે માડીજાયો ભાત.
આ વાત વિક્રમ રાજા ચુપચાપ સાંભળી ગયા. તેમને થયું કે આ લોકોને મારી અસલિયતની ખબર પડે તે પહેલાં જ મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. એટલામાં એક કૌતુક થયું. મધરાત થતાં વાણિયાની દીકરી ઘર ઉધાડી બહાર નીકળી. રાજા પણ એની પાછળ પાછળ ગયા. છોકરી સીધી કૂવા કાંઠે ગઈ. જ્યાં એ કુવામાં પડવા જાય છે, ત્યાં રાજાએ આડો હાથ ધર્યો. રાજાએ પૂછ્યું: “અરે છોકરી! શા માટે કૂવામાં પડે છે? તારે એવું તે શું દુખ આવી પડ્યું છે ? તું મને સાચી હકીક્ત જણાવ, નહિ તો તને બહ્મહત્યાનું પાપ છે.”
છોકરીએ કહ્યું : “અરે ભલા માણસ ! તું વળી અહીં કેમ આવ્યો? મને મરવા દે! મારા નસીબમાં મોત જ લખાયું છે, મને ભાભીએ મહેણું માર્યું છે કે ‘તું રાજા વીર વિક્રમને પરણવાની છે?’ મેં પણ ગુસ્સામાં ને ગુસ્સામાં પ્રતિજ્ઞા લઈ લીધી કે ‘વરું તો વિક્રમને જ વરું.’ હવે તમે જ કહો કે મારી આ પ્રતિજ્ઞા શું પૂરી થવાની છે? રાજા વિક્રમરાય શું મારી જેવી છોકરીને પરણવા કંઈ નવરા બેઠા છે ? એટલે હું કૂવે પડીને મરું એમાં જ મારું હિત છે.”
આમ કહી વાણિયાની દીકરી ફરી કૂવામાં પડવા તૈયાર થઈ. વિક્રમ રાજાએ વિચાર્યું કે, જો આને મારી ઓળખાણ નહિ આપું તો તે વણમોતે મરી જશે, અને તેની હત્યાનું પાપ મને લાગશે. એટલે તેમણે કહ્યું: “કુંવરી! તું જેને પરણવા માગે છે, તે રાજા વિક્રમ હું છું. હું અત્યારે જાત્રાળુનો વેશ લઈને અડસઠ તીર્થની જાત્રાએ નીકળ્યો છું. વિરામ કરવા માટે જ તારે ત્યાં ચાર દિવસ રોકાયો છું.” આ સાંભળી છોકરી તો રાજી રાજી થઈ ગઈ.
રાજાએ કહ્યું: “મારે હજી ઘણાં તીર્થોની જાત્રા કરવાની બાકી છે, માટે હું પાછા ફરતી વખતે તારી સાથે લગ્ન કરી તને ઉજ્જયિની નગરીમાં લઈ જઈશ”
પરંતુ તે કન્યા તો હઠ લઈને બેઠી કે “તમે અત્યારે જ મારી સાથે ગાંધર્વવિવાહ કરો. મને ઋતુદાન આપો.”
છેવટે કુંવરીની હઠ આગળ રાજાને નમતું મૂકવું પડ્યું અને તેની સાથે ગાંધર્વવિવાહ કરી ઋતુદાન આપ્યું. રાજાએ વણિકકન્યાને એક પત્ર અને એક હજાર સોનામહોર આપી.
સવાર થતાં પહેલાં જ બંને પોતપોતાના સ્થાનકે આવી સૂઈ ગયાં. સવાર પડતાં વિક્રમ રાજાએ વાણિયાના ઘેરથી વિઘય લીધી અને પાછા ફરતી વેળાએ આવવાનું કહ્યું.
વિક્રમ રાજા અનેક તીર્થોની જાત્રા પૂરી કરીને ઉજ્જયિની પહોંચી ગયા અને પાછ રાજકાજમાં લાગી ગયા.
સમય પસાર થતાં વાણિયાની પુત્રી ગર્ભવતી બની. તેણે વિક્રમ રાજા સાથે લગ્ન કર્યા હતાં એ વાત તેણે કોઈને કહી ન હતી. આખા ગામમાં આ વાત જાહેર થઈ ગઈ ને બધે એની નિંદા થવા માંડી. મા-બાપે પણ તેને કલંકિત માની ઘરમાંથી કાઢી મૂકી. પરંતુ તે કન્યા બહાદુર ને ટેકીલી હતી. તેણે નિશ્ચય કર્યો કે ‘સાચાને સૂરજ સાખિયો!’ તે તો પત્ર અને એક હજાર સોનામહોરો લઈ ગામ બહાર આવેલ મંદિરમાં રહેવા લાગી. નવ માસ પૂરા થતાં તેણે એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. સૂરજના જેવું એનું તેજ હતું.
એક દિવસ વાણિયાની પુત્રી છોકરાને રમાડતી મંદિરને ઓટલે બેઠી હતી. તેવામાં એક જોષી મહારાજ મંદિરનાં દર્શન કરવા આવ્યા. તેમણે પેલા છોકરાની હસ્તરેખા જોઈ ભવિષ્ય ભાખ્યું કે, “આ છોકરાને રાજયોગ છે. તેના બધા ગ્રહો બળવાન છે. તેના હાથમાં રાજવીની રેખાઓ છે. તે ભવિષ્યમાં મહાપરાક્રમી રાજા બનશે.” આમ કહી જોષીએ વણિક પુત્રીને કહ્યું: “દીકરી ! આ છોકરાનું નામ વૃષભ રાશિનું પાડજે.”
વણિક કન્યાએ છોકરાનું નામ ‘વિક્રમચરિત્ર’ પાડ્યું. વિક્રમ રાજાએ આપેલ સોનામહોર વડે તે પોતાના પુત્રને લઈને એક નગરમાં રહેવા લાગી. પુત્ર સાત વર્ષનો થતાં તેણે તેને પાઠશાળામાં ભણવા મૂક્યો. વિક્રમચરિત્ર ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાને લીધે તે પાઠશાળાનો વડો વિદ્યાર્થી બન્યો.
સમય પસાર થતાં વિક્રમચરિત્ર ચૌદ વર્ષનો થયો. એક દિવસ પાઠશાળામાં એક વિદ્યાર્થી સાથે તકરાર થઈ. તે વિદ્યાર્થીએ વિક્રમચરિત્રને ‘નબાપો’ કહ્યો. વિક્રમચરિત્રને આ સાંભળી ખૂબ જ માઠું લાગ્યું તે આખા રસ્તે વિચાર કરતો આવ્યો કે બધા છોકરાઓને બાપ છે ને મારે કેમ નથી ? એ તો ઘેર આવી માને પૂછ્યું: “મા! આજે મારા એક સાથીએ મને નબાપો કહ્યો. શું મારે બાપ નથી ?”
ઓચિંતા દીકરાનાં આવાં વચનો સાંભળી મા તો ડઘાઈ ગઈ. તેને થયું કે “આજે બાર વર્ષે દીકરાએ તેને આ પ્રશ્ન કર્યો છે. તેણે વિક્રમચરિત્રને પેલો કાગળ આપ્યો. વિક્રમચરિત્રે તે કાગળ વાંચ્યો. કાગળ વાંચતા વાંચતા તેનું મન આનંદમાં આવી ગયું. તે બોલ્યો : “મા! હું ખરેખર ભાગ્યશાળી છું કે વિક્રમ રાજા જેવા પરાક્રમી રાજા મારા પિતા છે. મા, હવે મને તેમને મળવાની ઇચ્છા થઈ છે માટે તમે આશીર્વાદ આપો કે હું મારા પિતાને જઈને મળી શકુ.
માની રજા મળતાં વિક્રમચરિત્ર પોતાના ઘોડા ઉપર સવાર થઈ ઉજ્જયિની નગરીમાં પહોંચ્યો. ઇન્દ્રપુરી જેવી ઉજ્જયિની નગરી જોઈ તે ખુશ થઈ ગયો. તે નગરીના દરવાજા નજીક પહોંચ્યો, પણ કંઈક વિચાર આવતાં તે મહેલે ન ગયો અને નગર બહાર આવેલ એક વાડીમાં ગયો ને ઝાડ નીચે આરામ કરવા બેઠો.
એવામાં તેણે વાડીમાં એક માલણને જોઈ. તેને થયું કે ‘રાજદરબારમાં જતી-આવતી માલણ દ્વારા મારું કામ પૂરું થશે.’ આમ વિચારી તેણે માલણને કહ્યું : “બહેન ! હું પરદેશી છું. મને થોડ દિવસ તમારે ઘેર આશરો આપો” આમ કહી તેણે પચીસ સોનામહોર માલણના હાથમાં મૂકી દીધી. માલણ તો સોનામહોર જોઈ રાજી રાજી થઈ ગઈ. તેને થયું કે, ‘પરદેશી જરૂર માલદાર છે’ એમ સમજી તેણે કહ્યું: “ભાઈ ! તમારે જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ ખુશીથી રહો.” આમ કહી તે પરદેશીને પોતાને ઘેર લઈ ગઈ.
ઘેર જઈ માલણે પરદેશીને પ્રેમથી જમાડ્યો. તેના રહેવા માટે સગવડ કરી આપી. વિક્રમચરિત્ર જમ્યા પછી આખા નગરમાં ફરી પાછો આવ્યો ને આરામ કર્યો. તે બે દિવસ સુધી માલણને ત્યાં આરામથી રહ્યો અને માલણના મોંએ વિક્રમ રાજાની બધી વાતો સાંભળી.
ત્રીજા દિવસે માલણ ફૂલ ચૂંટી રાજાને આપવા જતી હતી ત્યારે વિક્રમચરિત્રે તેને રોકી બીજી પાંચ સોનામહોર આપીને કહ્યું : “બહેન ! તમે આજે મારું એક કામ કરશો ?
માલણ સોનામહોર જોઈ રાજી થઈ ગઈ. તે તરત કામ કરવા તૈયાર થઈ. વિક્રમચરિત્રે એક કાગળ લખીને માલણના હાથમાં આપ્યો ને કહ્યું : “બહેન, તારે આ કાગળ ગમે તે રીતે રાજાના હાથમાં પહોંચાડવાનો છે.”
માલણ તો ફૂલની સાથે એ કાગળને લઈ રાજમહેલમાં ગઈ ને સિફતથી રાજાના અગત્યના કાગળો ઉપર આ કાગળ મૂકી દીધો.
થોડી વારમાં રાજાએ પોતાના કાગળો લીધા. તેમાં સૌ પ્રથમ ઉપરનો કાગળ લીધો અને વાંચ્યો. તેમાં લખ્યું હતું:
‘સ્વસ્તિશ્રી ઉજ્જયિની નગરી મધ્યે શ્રી વિક્રમરાયને માલુમ થાય કે જે ઉજ્જયિની રાજના અમે ધણી છીએ. માટે એ અમને સોંપી દો નહિ તો…
આજ ન આપો કાલ બમણો લઉં,
તેનો દંડ રાજા પ્રજાને ન દઉં.
કાગળ વાંચતા વાંચતા રાજા વિચારમાં પડી ગયા. તેમને થયું કે ‘જરૂર આ કોઈ બહારવટિયાનું જ કામ લાગે છે. તેનો આ કાગળ છે.
રાજાએ તરત સભા ભરી અને આ કાગળની વાત જાહેર કરી અને કહ્યું : “આ બહારવટિયાને વહેલી તકે પકડી લાવવાનો છે. બોલો, તમારામાંથી કોણ તૈયાર છે?”
સભામાં હાજર રહેલા કોઈપણ આ કાર્ય માટે તૈયાર થયા નહિ. રાજા વિક્રમ મંત્રી અને સેનાપતિ વગેરે ચોતરફ જોવા લાગ્યા. પણ કોઈ ઊઠતું ન હતું. કેટલીક વાર પછી સહદેવ અને મૂળદેવ નામના બે ભાઈઓ ઊભા થયા. તેઓએ આ પડકાર ઝીલી લીધો. તે જોઈ રાજા ખુશ થયા અને તેમને મોં માગ્યું ઈનામ આપવાનું વચન આપ્યું.
રાજાએ તે પછી ઢેરો પિટાવી દીધો કે ‘નગરમાં રાત્રિ દરમિયાન કોઈએ પણ બહાર નીકળવું નહિ. જે નીકળશે તેને ચોર ગણી ઠાર મારવામાં આવશે.
માલણે આ સમાચાર વિક્રમચરિત્રને આપ્યા. વિક્રમચરિત્રે તો પહેલેથી બધી યોજના કરી રાખી હતી. તેણે સહદેવ અને મૂળદેવને બરાબર હંફાવવાની તૈયારી કરી રાખી. અડધી રાત થતાં વિક્રમચરિત્ર પોતાની યોજના પ્રમાણે સ્ત્રીનો વેશ લઈ, સોળ શણગાર સજીને પૂજાનો થાળ લઈ રુમઝુમ કરતો ચાલી નીકળ્યો.
આ બાજુ સહદેવ અને મૂળદેવે પણ બહારવટિયાને પકડવા માટે યોજના કરી રાખી. તેમણે આ માટે નગરના દરવાજે લાકડનું એક યાંત્રિક છટકું બનાવી બેઠા હતા, જેથી બહારવટિયાને સહેલાઈથી પકડી શકાય.
થોડી વાર થતાં વિક્રમચરિત્ર સ્ત્રીનો વેશ ધારણ કરી નગરના દરવાજે આવ્યો. સહદેવ-મૂળદેવે તેને રોક્યો ને પૂછ્યું : “એ બાઈ ! રાજાનો હુકમ સાંભળ્યો નથી કે શું? અડધી રાતે આમ થાળ લઈને કયાં જાય છે ?
વિક્રમચરિત્રે સ્ત્રીની જેમ લહેકો કરી કહ્યું: “મારે રોજ રાત્રે શિવજીની પૂજા કરવાનું વ્રત છે. પણ રાજાના હુકમને કારણે આજે મારી સાથે કોઈ આવ્યું નથી. તેથી એકલી હું પૂજન કરવા જાઉ છું.”
બંને ભાઈઓ તો તેને ખરેખર સુંદરી માની બેઠા. બંને જણા તેના પર મોહિત થઈ તેની સાથે વાતો કરવા લાગ્યા. વિક્રમચરિત્રે પણ નયનબાણ મારી બંનેને એવા તો ઘાયલ કરી દીધા કે તેમને તેમની ફરજનું ભાન પણ રહ્યું નહિ.
બંને ખૂબ મોજમાં આવ્યા ત્યારે સુંદરીએ કહ્યું : “તમે આમ અડધી રાતે કેમ બહાર નીકળ્યા છો?
બંને ભાઈઓ એકીસાથે બોલી ઊઠ્યા : “અમે એક બારવટિયાને પકડવાનો પડકાર ઝીલ્યો છે. મારો બેટો હાથમાં આવે એટલી વાર છે.”
સ્ત્રી બોલી: “એવા મોટા બહારવટિયાને તમે બંને કેવી રીતે પકડી શકશો ?
બંને ભાઈઓ બડાશમાં બોલ્યા : “અરે ગમે તેટલો મોટો બહારવટિયો હોય પણ તે અમારા હાથમાંથી છટક્વાનો નથી. અમે તેના માટે આ છટકું ગોઠવી ને બેઠા છીએ. એ આવે એટલી વાર.”
સ્ત્રી બોલી: “શું આ લાકડાના છટકામાં તો કાંઈ માનવી સપડાતો હશે ! આ તો ન માન્યમાં આવે તેવી વાત છે !”
બંને ભાઈઓ બોલ્યા : “આ લાકડના છટકામાં બે પગ નાખવાના ને જોરથી આ ગુપ્તકળો દબાવવાની.”
સ્ત્રીએ કહ્યું: “આ તો માનવામાં નથી આવતું.”
સહદેવે કહ્યું: “બે તો શું પણ ચાર પગ ને ચાર હાથ પણ તેમાં આવી જાય.”
આમ કહી બંને જણાએ પોતાના હાથ-પગ લાકડાના છટકામાં મૂક્યા, કે તરત જ વિક્રમચરિત્રે થાળ હેઠે મૂકી જોરથી ગુપ્તકળો દબાવી દીધી. બંને ભાઈઓના મોઢામાંથી રાડ ફાટી ગઈ.
સ્ત્રીવેશમાં રહેલા વિક્રમચરિત્રે કેડથી કટારી કાઢીને જોરથી કહ્યું: “મૂરખાઓ! જેને તમે પકડવા બેઠા છો, તે બહારવટિયો હું જ છું. હવે તમારાં લાગ્યાં તમે ભોગવો” બંને ભાઈઓની તો સ્થિતિ ખરાબ થઈ ગઈ. તેઓનાં મોં વિલાઈ ગયાં. તેમને તડપતા રાખી વિક્રમચરિત્ર અટ્ટહાસ્ય કરતો માલણના ઘેર ગયો અને વેશ બદલી સૂઈ ગયો.
સવાર થતાં રાજાએ સહદેવ-મૂળદેવની ખરાબ દશા જોઈ. સભામાં ફરી બહારવટિયાને પકડવાનો પડકાર કર્યો, અને તેને પકડી લાવનારને મોટું ઇનામ આપવાનું જાહેર કર્યું.
આ વખતે લલો અને ફતો નામના બે ભાઈઓએ આ પડકાર ઝીલ્યો. તે બંને ભાઈઓ કંદોઈ હતા. તેઓ બુદ્ધિશાળી અને હિંમતવાન હતા. રાજાએ ફરી ઢંઢેરો પિટાવ્યો કે સૂરજ આથમ્યા પછી કોઈએ ઘરની બહાર નીકળવું નહિ અને જે નીકળશે તેને ઠાર મારવામાં આવશે.”
માલણે આ વાત ઘેર આવી વિક્રમચરિત્રને કરી. સંધ્યા થતાં ઉજ્જયિનીની બજાર સૂની પડી. તે વખતે વિક્રમચરિત્રે એક ગામડિયાનો વેશ ધારણ કરી ઘરમાંથી બહાર આવ્યો ને આ કંદોઈ ભાઈઓને ત્યાં ગયો. બારણે તાળું મારેલું જોઈ તે બૂમો પાડવા લાગ્યો :
“ઉધાડ ભાઈ! લાગી ભૂખડી, લો દામ ને આપો સુખડી.”
અંદરથી લલો-ફતોએ કહ્યું : “અલ્યા, અત્યારે કોણ છે ? જલદીથી ઘર ભેગો થઈ જા. તને રાજાના હુકમની ખબર નથી કે બહાર નીકળનારને ઠાર મારવામાં આવશે!”
“અરે બાપા, હું તો એક ગામડિયો છું. મને રાજાના હુકમની શી ખબર પડે? હું તો ભૂખ્યો હતો, એટલે કંઈક ખાવાના હિસાબે અહીં આવી ચડ્યો. ભૂખથી આખી રાત જશે નહિ, માટે દયા કરી મને સુખડી આપો. જે પૈસા થાય તે લો”
લલો-ફતો બોલ્યા : “રાજાનો હુકમ છે, એટલે દુકાન ઉઘાડીએ તો મરવું પડે”
વિક્રમચરિત્ર કહ્યું : “એક રસ્તો છે. જાળીમાંથી મને સુખડીનું પડીકું આપો, હું પૈસા બહારથી જ આપી દઈશ.”
લલા-ફતાનું મન લલચાયું. તેમને થયું કે દુકાન ઉધાડ્યા વગર જ ઘરાકી થતી હોય તેમાં ખોટું શું છે? વળી ગામડિયા પાસેથી મોં માગ્યા પૈસા પણ મળી શકશે.’ આ વિચારે તેમણે સવાશેર સુખડી જોખી પડીકું બાંધ્યું. જાળીનું એક બારણું જરાક ઉધાડી એક ભાઈએ સુખડીનું પડીકું બહાર આપવા અને બીજાએ પૈસા લેવા માટે જેવા બહાર હાથ કાઢ્યા કે તરત વિક્રમચરિત્રે બંનેના હાથ પકડી કચકચાવી જાળી સાથે બાંધી દીધા.
હું જ બહારવટિયો” આમ કહી હસતો હસતો તે માલણને ઘેર આવી નિરાંતે સૂઈ ગયો.
સવાર પડતાં રાજાએ લલા-ફતાની તપાસ કરાવી તો તે બંનેને જાળી સાથે બાંધેલા દીઠ. સૈનિકો તે બંનેને છોડી રાજદરબારમાં લાવ્યા. બંને ભાઈઓએ રાજાને બધી હકીક્ત કહી જણાવી. બંનેની વાત સાંભળી રાજા ચિંતામાં પડ્યા. તેમને શું કરવું એની કશી સૂઝ પડી નહિ. તેમને હવે બીજો કોઈ માર્ગ દેખાયો નહિ. એટલે તેમણે ફરી સભા ભરી પડકાર ફેંક્યો. આ વખતે કોઈની હિંમત ચાલી નહિ આખરે એક ગુણાકાએ આ પડકાર ઝીલી લીધો.
રાજાએ ફરી ઢંઢેરો પિટાવ્યો. એટલે સાંજ પડતાં તો આખી નગરી સૂનકાર થઈ ગઈ. મધરાત થતાં વિઝ્મચરિત્રે સિપાઈનો વેશ લીધો અને સીધો જ ગુણકાને ઘેર ગયો. ત્યાં જઈ હાંફતો હાંફતો બોલ્યો : “ચાલો જલદી ચાલો! બહારવટિયો પકડાઈ ગયો છે, તમને તેડાવ્યાં છે.”
“હે!” ગુણકા બોલી, “ક્યાં છે?”
“ચાલ બતાવું.” કહી ગુણકાને સાથે લઈ તે ચાલ્યો. વિક્રમચરિત્ર તેને એક ઘર્મશાળામાં લઈ ગયો, અને કહ્યું: “આની અંદર બધા તમારી રાહ જુએ છે, જાઓ, જલદીથી અંદર જાઓ.”
ગુણકા જેવી ધર્મશાળામાં દખલ થઈ કે તરત વિક્રમચરિત્રે બહારથી દરવાજો બંધ કરી દીધો. પછી બારીમાંથી કહ્યું : “મને ઓળખ્યો નહિ ! હું જ બહારવટિયો છું” આમ કહી તે ચાલ્યો ગયો.
સવાર થતાં રાજાને ખબર પડી કે બહારવટિયાએ ગુણકાને પણ ધર્મશાળામાં કેદ કરી છે. ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમને થયું કે, આ બહારવટિયો કોઈ સામાન્ય બહારવટિયો નથી. હવે તેને માટે કોઈ પડકારની જરૂર નથી. હવે તેને પકડવા માટે મારે જવું જોઈએ. તેણે સભામાં જાહેર કરી દીધું કે “આજે રાત્રે હું બહારવટિયાને પકડવા નીકળીશ.”
માલણે આ વાત વિક્રમચરિત્રને જણાવી અને સાથે એ પણ જણાવ્યું કે, “વિક્રમ રાજા સૌ પ્રથમ હરસિદ્ધ માતાના મંદિરે જશે. તે પછી આગળ પગલાં ભરશે.”
મધરાત થતાં વિક્રમ રાજા હરસિદ્ધ માતાના મંદિરે ગયા. વિક્રમચરિત્ર પણ તેની પાછળ પાછળ ગયો. વિક્રમ રાજા હરસિદ્ધ માતાના મંદિરે જઈ સ્તુતિ કરવા લાગ્યા ને બોલ્યા : “માતાજી! મને બહારવટિયાને પકડવાની શક્તિ આપો” આમ કહી રાજાએ આશીર્વાદ માગ્યા અને સમાધિ ચઢાવીને બેઠા. વિક્રમચરિત્રે મંદિરે આવી હળવેથી કમાડ બંધ કરી, સાંકળ ચડાવી દીધી અને તિરાડમાંથી અંદર શું બને છે તે જોવા લાગ્યો.
અંદર વિક્રમ રાજા સમાધિ પૂરી કરી દેવી સમક્ષ પ્રાર્થના કરવા લાગ્યા : “હે માતા ! મારી લાજ હવે તમારા હાથમાં છે. જો મને આ વખતે મારા કાર્યમાં જશ નહિ મળે તો પ્રજામાં મારી હાંસી થશે ને અપકીર્તિ થશે.”
આ સાંભળી બહાર ઊભેલા વિક્રમચરિત્રને થયું કે ‘હવે મોકો સારો છે પિતાની સમક્ષ જાહેર થવાનો’ તે તરત જ દરવાજા ઉઘાડી મંદિરમાં વિક્રમ રાજા સમક્ષ જાહેર થયો. તેને જોતાં જ વિક્રમ રાજાને કુદરતી વહાલ આવ્યું. તેમણે કહ્યું: “હે ભાઈ ! તું કોણ છે અને આમ મધરાતે મંદિરમાં શા માટે આવ્યો છે?
વિક્રમચરિત્ર કહ્યું : “રાજન ! આપ જેને શોધવા માટે આકાશપાતાળ એક કરી રહ્યા છો, જેને શોધવા માટે આજે તમારે માતાજીની સહાય લેવી પડી, તે બહારવટિયો હું જ છું. હું આજે આપના શરણે આવ્યો છું.”
વિક્રમચરિત્રનાં આવાં વચનો સાંભળી રાજાને તેના ઉપર વધારે મમતા જાગી. તેણે પ્રેમથી પૂછ્યું: “તું મોઢા પરથી તો બહારવટિયો લાગતો નથી, તારા મુખ ઉપર તો રાજવંશી તેજ ચમકતું લાગે છે. તું તારી સત્ય હકીક્ત મને જણાવ.”
વિક્રમચરિત્રે પેલો કાગળ રાજાને આપ્યો. રાજાએ દીવાના ઝાખા પ્રકાશમાં આ કાગળ વાંચ્યો અને તેને પોતાનો આખો ભૂતકાળ યાદ આવ્યો. તેઓ પોતાના પુત્ર વિક્રમચરિત્રને બાથમાં લઈ ભેટી પડ્યા ને બોલ્યા : “બેટા ! તુંય મારા જેવો પરાક્રમી નીકળ્યો.”
તેઓ વિક્રમચરિત્રને રાજમહેલે લઈ ગયા. વિક્રમચરિત્રે બધી હકીક્ત રાજાને કહી સંભળાવી. બીજે દિવસે રાજાએ રાજદરબારમાં સભાજનો આગળ તેની ઓળખાણ કરાવી અને તેની માતાને પણ રાજમહેલમાં તેડાવી લીધી. પછી બંનેને રહેવા માટે એક અલગ મહેલ આપ્યો. વિક્રમચરિત્ર બુદ્ધિશાળી હતો. તે રોજ રાજદરબારમાં જઈ રાજકાજમાં ભાગ લેવા લાગ્યો. આથી વિક્રમ રાજાને ઘણો આનંદ થયો.
સમય પસાર થતો રહ્યો. એક દિવસ વિક્રમ રાજાના દરબારમાં એક વાણિયો આવ્યો અને દુખી અવાજે બોલ્યો : “અન્નદાતા ! મારે ઘેર ઘણી માનતા-બાધાઓ પછી એક પુત્રનો જન્મ થયો છે, પરંતુ તેનો જન્મ થતાં જ અમારા ગામના કૂવા, વાવ, તળાવનાં નીર ખૂટી ગયાં છે. અત્યારે અમારા ગામમાં દુકાળ પડ્યો છે, તેથી ગામના લોકો તેને વગોવે છે. આ માટે મેં એક જોષી જોડે જોવડાવ્યું તો તે કહે છે: “આ તો કુદરતના કોપને લીધે છે, પરંતુ જો ગામ બહાર આવેલા તળાવમાં કોઈ બત્રીસલક્ષણાનો ભોગ અપાય તો જ મેઘરાજા પ્રસન્ન થાય અને નદીનાળા ઉભરાય” હું આવા બત્રીસલક્ષણા પુરુષની શોધમાં અહીં આવ્યો છું.”
વિક્રમ રાજા બોલ્યા: “ભાઈ ! હું બત્રીસલક્ષણો કહેવાઉં છું. જો મારા ભોગથી મેઘરાજા પ્રસન્ન થતા હોય તો હું મારો ભોગ આપવા તૈયાર છું.”
વાણિયો બોલ્યો : “અન્નધતા ! આ નહિ બની શકે. કારણ ‘લાખ મરજો, પણ લાખનો પાલનહાર ન મરજો.’ હું તમારા જેવા પરમાર્થીનો ભોગ નહિ આપું” આ સાંભળી રાજા મૂંઝવણમાં મુકાયા. ત્યાં તો વિક્રમચરિત્ર બોલી ઊઠ્યો : “મહારાજ ! હું પણ બત્રીસ લક્ષણો કહેવાઉં છું. હું મારો ભોગ આપવા તૈયાર છું. તમે ચિંતા ન કરો” કુમારની વાત સાંભળી વિક્રમ રાજાની ચિંતા ઓછી થઈ. તેમણે કુમારને ધન્યવાદ આપ્યા.
વાણિયાની ખૂબ આનાકાની છતાં પણ વિક્રમચરિત્ર અને રાજા વાણિયાની સાથે તેના ગામમાં ગયા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે ‘તળાવને કિનારે આજે બત્રીસલક્ષણા પુરુષનો ભોગ આપવાનો છે.
આખું ગામ તળાવની આસપાસ ભેગું થઈ ગયું. થોડી વારે જોષી મહારાજ બધાને લઈ તળાવમાં આવ્યા. તળાવના મધ્ય ભાગમાં વિક્રમચરિત્રને ઘૂંટણિયાભેર બેસાડ્યો. પછી મંત્રોચ્ચાર સાથે વિક્રમચરિત્રની બલિની તૈયારી થઈ ગઈ. વિક્રમ રાજા તલવારથી વિક્રમચરિત્રના મસ્તકનું બલિ આપવા જાય છે, ત્યાં તો તળાવમાંથી શીતળામાં પ્રક્ટ થયાં અને બોલ્યાં : “લોહીનું એક ટીપું પણ જો તળાવમાં પડશે તો પણ તમારું કાર્ય સિદ્ધ થશે.”
વિક્રમ રાજા તથા વિક્રમચરિત્રે શીતળામાને નમન કર્યું. પછી વિક્રમચરિત્રે પોતાની ટચલી આંગળી છેદી તેમાંથી લોહીની ધારા તળાવમાં પાડી કે તરત તળાવમાંથી પાણીની ધારા નીકળવા લાગી. આ ચમત્કાર જોઈ બધા સ્તબ્ધ બની ગયા.
થોડી વારમાં તો ગામના નદી, તળાવ, વાવ, કૂવા બધાં પાણીથી ભરાઈ ગયાં. ત્યાંની પ્રજાએ વિક્રમ રાજા અને વિક્રમચરિત્રનો જય જયકાર બોલાવ્યો. બધાએ તેમને ઘણા ઘણા આશીર્વાદ આપ્યા.
વિક્રમ રાજા પોતાના પુત્ર વિક્રમચરિત્રને પાછા હેમખેમ લઈ ઉજ્જયિનીમાં પાછા આવ્યા ત્યારે પ્રજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
સિંહકા પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “હે ભોજ રાજા ! વિક્રમ રાજા આવા પરગજુ અને પ્રજાહિત માટે સ્વજનોનો ભોગ આપવાની તત્પરતાવાળા હતા. તેમના જેવા રાજા જ આ સિંહાસન પર બેસી શકે” આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.
નીચે તમામ ભાગની લીંક મુકેલી છે, જેના પર ક્લીક કરીને આપ વાંચી શકશો.
સિંહાસન બત્રીસી | બત્રીસ પૂતળીની વાર્તા ભાગ 1
સિંહાસન બત્રીસી પ્રથમ પૂતળીની વાર્તા : વિધાતાના લેખ
“સિંહાસન બત્રીસી” બીજી પૂતળીની વાર્તા ભાગ 3
“સિંહાસન બત્રીસી” ચોથી અને પાંચમી પૂતળીની વાર્તા ભાગ 5
“સિંહાસન બત્રીસી” છઠ્ઠી પૂતળી : અબોલા રાણીની વાર્તા ભાગ 6
વીર વિક્રમ અને સિંહાસન બત્રીસી સાતમી અને 8 મી પૂતળીની વાર્તા
વીર વિક્રમ રાજા અને સિંહાસન બત્રીસી : નવમી પૂતળીની વાર્તા
32 પૂતળી ની વાર્તા – “સિંહાસન બત્રીસી” દસમી પૂતળીની વાર્તા
વીર વિક્રમ અને સિંહાસન બત્રીસી 11 મી પૂતળીની વાર્તા