7434 Views
આ લેખમાં અમરેલી જિલ્લામાં આવેલ અનોખા ટાપુ શિયાળબેટનો (Shiyalbet) નો ઐતિહાસિક અને ભૌગોલિક પરિચય મેળવીશુ. – Introduction to Shiyalbet.
પ્રાચીન સમયમાં સિંહલદ્વિપ તરીકે ઓળખાતું નગર એટલે આ શિયાળબેટ. હાલમાં અમરેલી જિલ્લાનાં જાફરાબાદ તાલુકામાં આવેલો એક ટાપુ છે.
શિયાળબેટ ગામ પોતાનો આગવો અને અનેરો ઈતિહાસ ધરાવે છે. ચાવડા વંશજોની રાજધાની રહેલું આ ગામ પીપાવાવ પોર્ટબંદરથી માત્ર ૫ કિ.મી. જ દૂર આવેલું છે.
શિયાળબેટ સાથે જોડાયેલી કથા.
પ્રાચીન સમયમાં આ સિંહલદ્વિપ નામની નગરીમાં રાજા કનકસિંહનું શાસન હતું. આ રાજાને ખૂબ જ સુંદર અને બુધ્ધિશાળી પુત્રી હતી. સુંદર અને બુધ્ધિશાળી હોવાનું તેને ભારે અભિમાન. બત્રીસ લક્ષણો અને બુધ્ધિચાતુર્યથી ભરેલા પોતાનાં સવાલોનાં જવાબ આપે એવા રાજકુમાર સાથે જ લગ્ન કરવાની તેની જિદ હતી. પણ શરત એ હતી કે જે રાજકુમારીનાં સવાલોનાં જવાબ ન આપી શકે એને કેદ કરવામાં આવતા.
રાજકુમારીનાં સવાલોનાં જવાબ જે કોઈ ખોટા આપતું તો તેવા રાજકુમારોને બંદી બનાવીને જેલ હવાલે કરાતા. આવા તો એમણે ૯૯૯ જેટલા રાજકુમારોને કેદ કરેલા. એમ કહેવાય છે કે આ કેદી રાજકુમારો પાસે એમણે અસંખ્ય વાવો ખોદાવડાવી હતી જેમાંથી આજે પણ તેનાં અવશેષો શિયાળબેટમાં જોવા મળે છે.
આવી જ એક ઘટનામાં તાલધ્વજ ( હાલનું તળાજા શહેર ) નાં ધણી વીર એભલવાળાએ તેના ભાણેજ અને જુનાગઢનાં રાજા રા’કવાટને આ સ્થળેથી બંદીવાનમાંથી છોડાવવા યુધ્ધ કરેલું. જેમાં એભલવાળાએ તેના ભાણેજને મુક્ત કરાવીને રાજા તથા રાજકુવરીનો વધ કર્યો હતો.
આ ટાપુનાં દરિયાકિનારા પર એક મીઠા પાણીનું ઝરણું છે. સમુદ્રની ભરતીનાં ખારાપાણી તેના પર ફરી વળે છે તેમ છતાં આ ઝરણાનું પાણી મીઠું જ રહે છે. આ ઝરણાને ‘‘ ગુપ્તગંગા ’’ તરીકે ઓળખવામાં આવે છે. વાવની વાત આવી એટલે યાદ આવ્યું કે અહીં શિયાળબેટમાં એક થાનકી વાવ કરીને વાવ આવેલી છે. આ વાવ વિશે એવી લોક માન્યતા સાંભળવા મળે છે કે જે સ્ત્રીઓ પોતાનાં બાળકોને સ્તનપાન ન કરાવી શકતી હોય (દુધ ન આવવું) તેવી સ્ત્રીઓ પોતાનું ઉપવસ્ત્ર ઉતારીને આ થાનકી વાવમાં બોળે તો તેમની આ સમસ્યા દૂર થાય છે.
શિયાળબેટમાં ગંગાતળાવ નામનું પ્રાચીન તળાવ આવેલુ છે. અહી ગુરુ ગોરખનાથની પ્રાચીન ગુફા આવેલી છે. કહેવાય છે કે રૂક્ષ્મણીજીને બંગડીઓ બાંધી ગુરુ ગોરખનાથ શિયાળબેટમાં આ જગ્યાએ આવીને સાધના કરી હતી. આ જગ્યાએ બેસીને જઇ શકાય એવું સાંકડું પ્રવેશદ્વાર છે.
આ સિવાય ગણપતિ તેમજ હનુમાનજીના મંદિર પણ છે. જૈન ધર્મનાં નેમીનાથ તથા પાર્શ્વનાથની પ્રાચીન મૂર્તિઓ પણ છે. ગંગા તળાવની પાસે જ ચેલૈયાનો ખાંડણીયો આવેલ છે. કહેવાય છે કે શેઠ શગાળશા અને ચંગાવતી શેઠાણીએ પોતાનાં એકનાં એક પુત્ર ચેલૈયાને આ ખાંડણીયામાં ખાંડેલો. તેમની ભક્તિનાં પારખા કરવા આવેલા ભગવાનને જમાડેલા.
શિયાળબેટ સાથે જોડાયેલ ચેલૈયાની કથા
જેની કથા કંઈક એવી છે કે એક વખતે લક્ષ્મીજીની જીદના કારણે શેઠ સગાળશા અને ચંગાવતી શેઠાણીની ભક્તિની પરીક્ષા લેવા કૃષ્ણ ભગવાન પોતે રક્તપીતિયા સાધુનો વેશ ધારણ કરીને ગામનાં પાદરે આવ્યા શેઠ – શેઠાણીને એવી ટેક હતી કે કોઈપણ સાધુ બ્રાહ્મણને પહેલા જમાડવા અને પછી જ ભોજન આરોગવું. સમય પણ ચોમાસાનો હતો. ત્રણ – ચાર દિવસથી ભારે વરસાદનાં કારણે કોઈ સાધુ બ્રાહ્મણ મળ્યા નહીં. ત્યારે કોઈએ આ રક્તપીતિયા સાધુ વિશે શેઠને આવીને વાત કરી.
શેઠ સગાળશા જાતે જ તેમને ટોપલામાં બેસાડીને પોતાનાં ઘરે તેડી લાવ્યા. એમનું સ્વાગત કર્યું. ભાવથી સુંદર રસોઈ તૈયાર થઈ. શેઠાણી થાળ લઈને આવ્યા ત્યારે સાધુએ થાળનો ઘા કરતા કહ્યું , ‘‘ખીર રોટલી અમે જમતા નથી, નથી અન્નનો આહાર, માજન લોકો, અમે માંસનાં આહારી, એમ બોલિયાં કિરતાર. ’’
ધર્મપરાયણ વણિકને ત્યાં માંસ તો પાપરૂપ ગણાય. પણ અતિથિ ભૂખ્યા જાય તો પોતાની ટેક ભાંગે. આખરે શેઠ પોતે તુરત જ ગુપ્ત રીતે કસાઈવાડે જઈને માંસ લઈ આવ્યા. મનમાં કોઈપણ સુગની ભાવના વગર માંસ રાંધીને શેઠાણીએ સાધુ મહારાજને થાળ પીરસ્યો.
પણ સાધુએ થાળ આરોગ્યો નહીં ને ગુસ્સાથી બોલ્યાં, “ અમે રે માટી માણસની જમીએ, પર માટી ન પ્યાર, અઘોર પંથમાં રહેવું અમારે , ખેલ ખાંડાની ધાર. ”
શેઠ – શેઠાણી તો આવું સાંભળી સ્તબ્ધ થઈ ગયા. પોતાની ખરી કસોટી થઈ રહી છે, એવું વિચારી આખરે માણસનું માંસ પણ લાવી દેવા ‘ હા ’ પડાઈ. પણ ફરીવાર મુંજવણ વધી કે જો પોતાનું માંસ અતિથિને ખવડાવીએ તો સાધુને જમાડે કોણ ? અને બીજું કોઈ મરવા માટે તૈયાર થાય નહીં. છેવટે પોતાનાં એકનાં એક પુત્ર – ચેલૈયાને મારવાનો નિર્ણય થાય છે. શેઠ – શેઠાણીની પરીક્ષા લેવા આવેલા રક્તપીતિયા સાધુનાં વેશમાં તો ખુદ ઈશ્વર જ હતા. તેથી ચેલૈયાને પણ ડરાવવામાં આવ્યો. પણ ચેલૈયો ખાનદાન માતાપિતાનો પુત્ર ડગ્યો નહીં.
ઉલ્ટાનો કહે છે ” ભાગુ તો મારી ભોમકા લાજે, ભોરિંગ જીલે ન ભાર. ” આખરે ચેલૈયાને મારીને ખાંડણીયામાં ખાંડીને રાંધીને ખવડાવવા શેઠાણી સાધુ તરફ થાળ ધરે છે.
ફરી સાધુ નાટક કરે છે ને કહે છે , ‘‘ અમે વાંજિયાનાં ઘરનું ખાતા નથી. ’’
ત્યારે ચંગાવતી કહે છે કે અમે વાંજિયા નથી, મારા ઉદરમાં સાત માંસનો ગર્ભ છે. જે હુ મારુ પેટ ચીરીને આપને બતાવું છુ.
અને પોતે પોતાના ઉદરમાં રહેલા બાળક પર કટારનો ઘા કરવા જાય છે ત્યારે ઈશ્વર પ્રગટ થાય છે.
પછી તો ચેલૈયાને જીવનદાન આપે છે. શેઠ સગાળશા અને ચંગાવતી શેઠાણીની ભક્તિથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. અને વરદાન માંગવાનું કહે છે. ત્યારે શેઠ સગાળશા એટલું જ માંગે છે કે હે ભગવાન તમે જેવી કસોટી અમારી લીધી એવી કસોટી હવે પછી બિજા કોઇની ન લેશો.”
આ પણ વાંચો👉 અમરેલીનાં સંત મહાત્મા મૂળદાસજી👈
આ ઐતિહાસિક ઘટના જે ખાંડણિયા સાથે જોડાયેલ છે તે ખાંડણિયો – ચેલૈયાનાં ખાંડણિયા તરીકે શિયાળબેટમાં આજે પણ ઈતિહાસની સાક્ષી પૂરે છે. તમને થશે કે ચેલૈયાની વાત તો જુનાગઢ જિલ્લાનાં બિલખા ગામ સાથે પણ જોડાયેલી છે.
પરંતુ આ ઘટના બન્યા પછી શેઠ – શેઠાણી બિલખા જતા રહ્યા હોય એવું બની શકે. એનો પુરાવો તમે જ્યારે બિલખા જાવ ત્યારે ત્યાં સગાળશા શેઠનાં ડેલામાં ‘‘ મુળ શિયાળબેટનાં વતની ’’ એવું લખાયેલું છે. તેના પરથી તારવી શકાય.
શિયાળબેટનો ભૌગોલિક પરિચય.
પીપાવાવ પોર્ટથી દક્ષિણે અને જાફરાબાદ થી 25 નોટીકલ માઈલ દૂર શિયાળબેટ આવેલુ છે.
હાલમાં અહીની મોટા ભાગની વસતિ કોળી સાગરખેડુની છે. જેઓ 8 મહિના દરિયાખેડુ તરીકે જાફરાબાદ અને આસપાસના દરિયા વિસ્તારોમાં વિતાવે છે. 98 હેક્ટરમાં ફેલાયેલ શિયાળબેટ ચારે તરફથી અરબી સમુદ્રથી ઘેરાયેલ છે.
ગુજરાતનો આ એક એવો વિસ્તાર છે જ્યાં માત્ર દરીયાઈ માર્ગે હોડી કે બોટ દ્વારાજ જઈ શકાય છે.
આ શિયાળબેટનો પણ આગવો ઈતિહાસ છે.
‘કાઠિયાવાડ ગેઝેટીયર’ મુજબ ઈ.સ. 1216માં શિયાળ બેટ ચાવડાઓ અને મહેરોને હસ્તક હતો. તે પછી ઈ.સ. 1664 થી 1684 દરમ્યાન જુનાગઢ રાજ્યમાં ફોજદાર સરદારખાને અહીં ચુસ્ત બંદોબસ્ત મૂકી ચાવડાઓ મહેરો દ્વારા થતી ચાંચીયાગીરી ખતમ કરી હતી. પરંતુ પોર્ટુગીઝોએ દીવ સર કરતાં તેમની નજર શિયાળબેટ પર પણ પડી.
મુસ્લિમ શાસન દરમ્યાન અહીં સવાઈ પીર અને ગેબનશાહની દરગાહો બની. કાઠિયાવાડ ગેઝેટ તથા ગુજરાત રાજ્ય ગેઝેટ કહે છે તેમ અહીંના જૈન અને હિંદુ મંદિરો ત્યારે પોર્ટુગીઝો અથવા મુસ્લિમોએ તોડી પાડ્યા હોવા જોઈએ. 7 ફેબ્રુઆરી 1531 ના રોજ પોર્ટુગીઝ નાયક નૂનો દ કુન્હા એ, અહીંના રાજા જયારે બીજે યુધ્ધમાં વ્યસ્ત હતા ત્યારે અહીં ભારે આક્રમણ કરી શિયાળ બેટ જીતી લીધો હતો. ઈ.સ. 1739 માં પોર્ટુગીઝ શાસનનાં પતનની શરૂઆત થતાં પોર્ટુગીઝોએ શિયાળબેટમાં સત્તા વિસ્તારવા માટેનો વિચાર માંડી વાળી દીવને બચાવવાં નિર્ણય કર્યો.
પીપાવાવ પોર્ટ શિયાળબેટથી ખૂબ નજીક છે. વળી અહીંથી અલ્ટ્રાટેક સિમેંટ કંપનીની જેટી પણ નજીક છે. શિયાળબેટ જવા પીપાવાવ પોર્ટની પાસેથી નાનકડી જગ્યાએથી હોડીઓમાં બેસીને જવું પડે છે. શિયાળબેટની પૂર્વથી દરિયાઈમાર્ગે મુંબઈ અને બાકીની દિશાઓએથી વલસાડ અને વેરાવળના દરિયાકાંઠા સુધી જવાય છે. શિયાળબેટમાં પૂર્વ તરફ ઉભા રહી દરીયા તરફ નજર કરતા અફાટ જળરાશિ અને સફર કરતા જહાજો ખૂબ સુંદર દ્રશ્ય ખડું કરે છે.
શિયાળબેટની પૂર્વ દિશાએથી દરિયાઇ માર્ગે મુંબઇ અને વલસાડ બાજુ અને બાકીની દિશાએથી વેરાવળના દરિયાકાંઠાઓ સુધી જવાય છે. શિયાળબેટની નજીક પીપાવાવ અને સિમેન્ટ ઉદ્યોગની જેટીઓ આવેલી છે. શિયાળબેટમાં હ્રદય 2016 સુધી લાઇટ ન હતી. એટલે તેને અંધારિયા ટાપુ તરીકે પણ ઓળખવામાં આવતો. આ અગાઉ લાઇટ માટેના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા જે નિષ્ફળ ગયા હતા. છેવટે આનંદીબેન પટેલનાં સમયગાળા દરમિયાન દરિયામાં કેબલ પાથરીને લગભગ 18 કરોડનાં ખર્ચે લાઈટ પહોચાડવામાં આવી હતી.
ગુજરાતી સાહિત્યમાં ધ્રુવ ભટ્ટ લીખીત નવલકથા ‘સમુદ્રાન્તિકે’ મા પણ શિયાળબેટનો ઉલ્લેખ કરેલો છે.
શિયાળબેટ ચારેતરફ દરિયાથી ભલે ઘેરાયેલ પ્રદેશ હોય પણ અહીંના કુવા અને વાવના પાણી નારિયેળના પાણી જેવા મીઠાં છે. આવું જોઇએ ત્યારે એમ થાય કે કુદરતની આ કરામત આગળ આપણે માનવો કેવા વામણા છીએ.
મિત્રો આ લેખ અંગે આપનાં મંતવ્યો આવકાર્ય છે. કોઇપણ વિશેષ માહિતી હોય તો અમને મોકલી શકો છો. આ લેખને આપ share કરી શકો છો. copy કરી અન્યત્ર ઉપયોગ કરતા પહેલા પરવાનગી લેવી જરુરી છે.
આવા રસપ્રદ અન્ય લેખ વાંચો. 👇👇
હાજી કાસમ તારી વીજળી રે.. (👈Click)
બર્મ્યુડા ટ્રાયેંગલ નું રહસ્ય. – (👈Click)