Skip to content

Sindbad Jahaji Ni Safar 4

Sindbad Jahaji Ni Safar 4
4172 Views

આ ભાગમાં વાંચો Sindbad Jahaji Ni Safar 4. સિંદબાદની સફર-૪. જો અગાઉના એકથી ત્રણ ભાગ વાંચવાનાં બાકી હોય તો પહેલા એ વાંચો અહીથી 👇

Sindbad Jahaji Ni Safar – 2

Sindbad Jahaji Ni Safar – 3

Sindbad Jahaji Ni Safar 4

સિંદબાદની ચોથી સફર

પરિવારના બધા સભ્યો આવી બેઠા. થોડી વારે હિંદબાદ પણ આવ્યો. એટલે સિંદબાદે પોતાનીચોથીસફરનીવાત શરૂ કરી.

‘‘ત્રણ સફર દરમ્યાન મને ખૂબ કીર્તિ અને ધન મળ્યાં હતાં. થોડા દિવસ આરામ કર્યો. ફરી મારું મન દરિયાઈ સફર કરવા ઉત્સુક બન્યું. મારી દશા પાણી બહાર તડપતી માછલી જેવી હતી. ઊંચે આકાશમાં ઊડતા પંખીને પિંજરે પુરાવું ન ગમે તેમ ઘરમાં પુરાઈ રહેવાને બદલે મેં એક નવી સફરની તૈયારી કરી.
કસાયેલ બહાદુર અને સાહિસક સાથીદારોને લઈ એક જહાજમાં વેપાર માટેનો સામાન ભરી અમે મહિનાઓ સુધી જુદાં જુદાં બંદરોએ વેપાર કરતા આગળ વધતા દૂર જતા હતા.

એક દિવસ નાના એવા એક ટાપુ પાસે અમે આવી પહોંચ્યા. દરિયાનો કિનારો ખૂબ શાંત હતો. આરામ કરવા અમે બધા કિનારે ગયા. અમે થોડો આરામ કર્યો ને બેટની આગળની જગ્યા જોવા દૂર નીકળ્યા.

અમે થોડુંક આગળ વધ્યા ત્યાં એક મોટો સફેદ ગોળો હોય એવું કશુંક દેખાયું. અમે બધા કુતૂહલથી એની પાસે દોડી ગયા. એ રૉક પક્ષીનું ઇંડું હતું એ તો અમને પછીથી ખબર પડી. એ તાજું તાજુ જ સેવાયેલું હતું. અમારામાંના એકે એના ઉપર બાજુમાંથી પથ્થર લઈ માર્યો. એ સાથે જ એ ઇંડું ફૂટ્યું.

ઈંડું ફૂટતાં જ તિરાડમાંથી મોટા ભાલા જેવી પક્ષીની ચાંચ નીકળી. પક્ષીનું બચ્ચુ ઇંડાના કોચલામાંથી બહાર નીકળવા મથતું લાગ્યું. ઇંડામાંથી બચ્ચું બહાર આવ્યું. તે બહાર આવ્યું તે સાથે જ અમારા બીજા સાથીદારોએ પોતાના ધારદાર હથિયારથી બચ્ચાને ઘાયલ કર્યું.

બચ્ચાના ઘાયલ થવાની સાથે જ અમારા ઉ૫૨ અમારા આફતનાં વાદળાં ઘેરાયાં. અમે ન ધારેલી આફત આવી પડી. અમે ઉપર નજર કરી તો બે જોરાવર રૉક પક્ષી પાંખો વીંઝતાં નીચેની તરફ આવી રહ્યાં હતાં.
અમે તેમના હુમલાથી બચવા દોડીને જહાજ ઉપર ચઢી ગયા.

અમારા ઉપર જાણે કોઈ મોટી પાંખોવાળા જહાજે હુમલો કર્યો હોય તેમ રૉક પક્ષી મોટા રીંછ જેવડી પથ્થરની શિલાઓ પોતાના મજબૂત પંજામાં પકડી લાવી અમારા જહાજ ઉપર ઝીંકવા લાગ્યાં.

રૉક પક્ષીની આ જોડીએ ઉપરાઉપરી શિલાઓ ઝીંકી તેથી અમારું જહાજ તૂટી ગયું.
પોતાના બચ્ચાના મોતનું વેર તેઓએ અમારું જહાજ તોડીને વાળ્યું હતું. જહાજનાં પાટિયાં છૂટાં પડવાથી મારા સિવાય મારા બધા સાથીઓ સાગરને તળિયે ડૂબ્યા.

મારા સારા નસીબે મારા હાથમાં એક પાટિયું આવ્યું ને તેની મદદથી હું માંડ બચીને બે એક દહાડે નજીકના બીજા ટાપુ પર જઈ પહોંચ્યો.

આખો ટાપુ વૃક્ષોના ઝુંડથી ભર્યો ભર્યો હતો. થોડું આગળ ચાલતાં એક નાના ખડક ઉપર શરીરે વેલા અને માથે પાંદડાંનો મુગટ વાળો એક વૃદ્ધ વનવાસી બેઠેલો જણાયો. તેણે મને ઇશારાથી બોલાવ્યો. તે શરીરે સાવ સુકલકડી હતો. તેના માથાના વાળ સાવ ધોળા હતા. દાઢી પણ વિચિત્ર પ્રકારની લાંબી હતી.
હું જેવો તેની પાસે ગયો કે તરત તે મારા પર કૂદ્યો. હું તેનો સામનો કરું તે પહેલાં એ મારી પીઠ પર ચઢી ગયો ને બોલ્યો, ‘ અરે ઓ તગડા જુવાન ! હું કહું તેમ કરવા માંડ. મને તારી પીઠ પર બેસાડી સામેના પહાડ પાસે લઈ જા ! ‘

પછી તેણે કહ્યું, ‘ ત્યાં ફળોનાં ઝાડ છે, મને કકડીને ભૂખ લાગી છે. ચાલ જલદી દોડવા માંડ. ‘

મને થયું ‘ ઘરડા માણસને મદદરૂપ થવામાં વાંધો નથી. ’ તેથી હું તેને ઊંચકી લઈ ગયો. અમે ફળોનાં ઝાડ પાસે પહોંચ્યા. તેણે મારા ખભે બેસીને જ ઝાડ પરથી ફળ તોડીને ખાધાં.

મેં કહ્યું, ‘ અરે, ઓ બુઢ્ઢાજી ! ફળ ખાધાં. હવે નીચે ઊતરો. ’ મારા બોલવાની સાથે જ એણે નીચે ઊતરવાને બદલે પોતાના હાથ અજગરની માફક મારી ગરદન ફરતા ભીંસ્યા અને પગની આટી મારીને મારા પેટને સખત દબાવ્યું.

થોડીવારમાં શ્વાસ રૂંધાવાથી હું બેભાન થઈ જમીન પર ગબડી પડ્યો.
થોડા સમય પછી જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે પણ તે બુઢ્ઢો મારા પર ચીટકીને જ પડેલો હતો. મારા પેટ ઉપર લાતો મારી તેણે મને પરાણે ઊભો કર્યો.

આખો દિવસ તેણે તેની ઇચ્છા મુજબ મને ફેરવ્યો. રાત્રે પણ તેણે મને ઊંઘવા ન દીધો. આ ગળેપડુ બુઢ્ઢા પાસેથી કેમ છૂટવું એ જ મારે માટે પ્રશ્ન થઈ પડ્યો.

એક દિવસ મને એક સૂકું તુંબડું મળી આવ્યું. તુંબડું મારા હાથમાં આવતાં આ બુઢ્ઢાની હેરાનગતિમાંથી કેમ છૂટવું એની યુક્તિ પણ સૂઝી આવી.

આજુબાજુ દ્રાક્ષના વેલા હતા તેના પરથી દ્રાક્ષ તોડી મેં તુંબડામાં ભરી. તે કોહવાઈને દારૂ બની ગયો. હું તે થોડો ચાખું તે પહેલાં એ બુઢ્ઢાએ મારા હાથમાંથી તુંબડું ઝૂંટવી લીધું. પછી એમાંથી દારૂ એકી શ્વાસે ગટગટાવી ગયો. તુંબડાનો બધો દારૂ તેના પેટમાં જવાથી તે લથડિયાં ખાવા લાગ્યો. દારૂની અસર જેમ જેમ વધતી ગઈ તેમ તેમ એની મારા શરીર પરની પકડ ઢીલી પડી. તરત મેં તેને બાજુના મોટા ખાડામાં ઉછાળીને પટક્યો. તેને પોતાની જાતનું કોઈ ભાન રહ્યું ન હતું.

બુઢ્ઢો પડતો – આખડતો ખીણ તરફ દોડી ગયો. પથ્થરની ધાર પરથી તેનો પગ લપસ્યો ને જઈ પડ્યો ઊંડી ખીણમાં. હું તેની બલામાંથી છુટકારો પામ્યો હતો.

હું ત્યાંથી પાછો વળી પહાડની કિનારીએથી ઊતરી નીચે મેદાન તરફ વળ્યો. ત્યાં સાગર – કિનારો મળી ગયો ને હું આનંદ પામ્યો. તે દરમ્યાન એક જહાજ પાણી લેવા લાંગર્યું હોય એમ મારી નજરે પડ્યું. એના ખલાસીઓ કિનારા પર ટહેલતા હતા. તેમને મારી વીતકની વાત કરી ને મને તેમની સાથે જહાજમાં લેવા આજીજી કરી.

તેઓ અચરજ પામતાં બોલ્યા, ‘તમે ખરેખર નસીબદાર છો કે એ બુઢ્ઢા ‘ સમુદ્રના બાપ’ની નાગચૂડમાંથી છૂટ્યા ને બચ્યા છો. આજ સુધી કોઈ એની નાગચૂડમાંથી બચવા પામ્યું નથી ! જો તે ખરેખર મરી ગયો હોય તો તમારા હાથે બહુ મોટું કામ થયું છે. હવે આ ટાપુ ઉપર જતાં સૌને જૂથમાં જવું પડે છે તે એકલદોકલ પણ ફરી શકશે. ’

ખલાસીઓ મને તેમના જહાજમાં સાથે લેવા સંમત થયા. પણ સાથે એક શરત મૂકી કે, ‘ આ ટાપુ પર નાળિયેર ખૂબ થાય છે તો એમાંથી બને એટલાં વધુ ભેગાં કરીને અમને મેળવી આપો. બદલામાં અમે પૈસા પણ આપીશું અને જહાજમાં પણ સાથે લઈ લઈશું. તમે અમારી સાથે રહી વેપાર પણ કરી શકશો. ’

નક્કી થયા મુજબ હું પણ એ લોકોની સાથે નાળિયેરીના વનમાં જવા રવાના થયો.
અમે મેદાન ઓળંગી પહાડ પાસે પહોંચ્યા. પહાડ ઓળંગી અમારે નાળિયેરીના વનમાં જવાનું હતું. એ પહાડ સીધો અને લપસણો હતો. પણ મને તેના પર ચડવાની એક સાંકડી પગદંડી જડી ગઈ. જો પગ લપસે તો સીધા દરિયામાં જઈને પડાય તેવું હતું. પણ તેવું કંઈ થયું નહિ. અમે પહાડની ટોચે પહોંચી ગયા નીચે નાળિયેરીનું ગીચ વન દેખાતું હતું. અમે વન તરફ જવા લાગ્યા.

રસ્તામાં આવતા ખતરનાક અજગર ને ઝેરી વીંછીઓથી બચતાં અમે નાળિયેરીના વનમાં પહોંચી ગયા. ખરી મુશ્કેલી હવે જ શરૂ થઈ. નાળિયેરીઓ પર નાળિયેર તો હતાં પણ વાંદરાઓનું એક જંગી ટોળું નાળિયેરી પર ચઢી કૂદાકૂદ કરતું હતું.

નાળિયેરી પરથી નાળિયેર નીચે શી રીતે ઉતારવાં એ મોટો પ્રશ્ન થઈ પડ્યો. પ્રથમ તો અમારે એ જંગલી વાંદરાંઓનો સામનો કરવાનો આવ્યો. પોતાના વિસ્તારમાં અમને પ્રવેશતાં અટકાવવા તેઓ તોફાને ચડ્યાં. અમે આગળ વધીએ કે વાંદરા વાંદરી કૂદતાં આવી અમને નસાડવા બધા જ પ્રયત્નો કરવા લાગ્યાં. નાળિયેરીઓ બહુ ઊંચી હતી. તેના ઉપર ચડી નાળિયેર પાડવાં મુશ્કેલ હતાં.

આથી અમે આજુબાજુમાથી લીલા વાંસના સોટા કાપી અમે વાંદરાંની પાછળ પડ્યા. તે ગભરાઈને નાળિયેરી પર ચડી ગયાં.
મેં માટીના ગોળા બનાવી વાંદરાં તરફ ફેંકવાનું શરૂ કર્યું. મારી એ યુક્તિ ફળી ને નકલખોર વાંદરાં ઝાડ ઉપરથી નાળિયેર તોડી તોડી અમારી તરફ ફેંકવા લાગ્યાં.

મારી સાથેના બધા લોકો ખૂબ ખુશ થઈ ગયા. પોતાની સાથે લાવેલા બધા કોથળા નાળિયેરથી ભરી દીધા. આખો દિવસ આ રીતે નાળિયેર ભેગાં કરી સાગરિકનારે મોટો ઢગલો કર્યો.

નાળિયેરના કોથળા ઊંચકી ઊંચકી અમે થાકી ગયા હતા. અમને બધાને કકડીને ભૂખ લાગી હતી. અમારાંમાના બેત્રણ સાથીદારો જંગલમાંથી શકરિયાં જેવાં કંદમૂળ ઉખાડી લાવ્યા. અમે અગ્નિ પેટાવી તેમાં શેકવા નાખ્યાં. બીજા સાથીદારો એક મોટો મધપૂડો ઉપાડી લાવ્યા. કપડાથી ગાળી મધને ખાલી નાળિયેરની કાચલીઓમાં ભરી લીધું. લીલાં નાળિયેર પણ આગમાં શેકી તેનું કોપરું મધ સાથે ખાધું.

બધાને મધ સાથે કંદમૂળ બહુ ભાવ્યાં. આજુબાજુના જંગલમાંથી ઘણી જાતનાં ફળો વીણી લાવેલા તે પણ પેટ ભરીને ખાધાં, પછી પાણીના બદલે અમે નાળિયેરનું પાણી જ પી લીધું. થોડી વાર બધાએ આરામ કર્યો . પછી બધા કાગડોળે રાહ જોવા માંડી કે ક્યારે જહાજ આ તરફ આવે અને એમાં અમને લઈ જાય.

સૂરજ આથમવાની તૈયારી હતી . છેવટે અમારી ધીરજ ફળી. ઢળતી સાંજે દૂરથી જહાજ આવતું દેખાયું. ઝાડની મોટી ડાળીને છેડે એક મોટું કપડું બાંધી હલાવી હલાવીને જહાજવાળાનું ધ્યાન ખેંચ્યું. જહાજના લોકોની નજર પડી ને જહાજ અમારા તરફ ફંટાયું.

અમે આતુરતાપૂર્વક એની રાહ જોઈ. થોડા વખતમાં જ જહાજ આવી પહોંચ્યું. એક નાળિયેરી નીચે ખભે કોથળા સાથે હું ઊભો હતો. મારા સાથીઓ દોડી ગયા અને એ જહાજના ખલાસીઓને મળ્યા. જહાજમાંના ઘણાં મારા નામથી પિરચિત હતા. જહાજનો એક આગેવાન વેપારી મને ઓળખી ગયો ને બોલ્યો, ‘ તમારા જેવા નેકદિલ માણસ સાથે અમને વેપાર કરવો ગમશે. તમને બે પૈસા વધારે આપવામાં હું કંજૂસાઈ નહિ કરું. તમારી સાથે વેપાર કરવો એને હું મારું ખુશનસીબ માનીશ. ’

અમારા બધાનાં નાળિયેર તેણે ભારે કિંમત આપી ખરીદી લીધાં. બદલામાં અમને ખૂબ ધન મળ્યું. હું મારો ભાગ લઈ હવે આ સૌ સાથે બગદાદ પાછો ફરવા આગળ વધ્યો.

રસ્તામાં ઘણાં બંદરોએ વેપાર કરતો, મારી ધંધાની કુશળતાથી ખૂબ સંપત્તિ કમાતો મારા વતન બગદાદ આવી ગયો.

બગદાદ આવી મેં વેપાર કરી અઢળક સંપત્તિ મેળવી હતી. તેમાંથી મારા નફાનો દસમો ભાગ ગરીબ લોકોને ખેરાત કરી દીધો.

હું નાનો હતો ત્યારે મારા પિતાના મુખે હિંદુસ્તાન વિશે ઘણી વાતો સાંભળેલી. તેમણે મને ખાસ કહેલું કે, ‘ બેટા , ભવિષ્યમાં જો તારે હિંદુસ્તાન જવાનું થાય તો એ પવિત્ર ભૂમિ પર પગ દેતાં પહેલાં એ ભૂમિને નમન કરજે. એ પવિત્ર સંત ફકીર ને ઓલિયાઓની ભૂમિ છે. ત્યાંના લોકો ખૂબ અતિથિ – પ્રેમી, ધાર્મિક અને પ્રામાણિક હોય છે. ‘

પહેલી મુસાફરીએ હું હિંદુસ્તાન જવા નીકળેલો. પણ મારી એ યાત્રા અધુરી રહેલી માટે ફરી તે તરફ જવા નવી સફરની તૈયારી શરૂ કરી દીધી. ’

સિંદબાદ પોતાની ચોથી સફરની વાત પૂરી કરીને બોલ્યા , ‘ આ સફરની વાત કરવામાં ખાસું મોડું થઈ ગયું છે. આવતી કાલે હું તમને મારી પાંચમી સાહસભરી સફરની વાત કરીશ. હવે વધુ કહીશ તો કૂકડો બોલે ત્યાં સુધી જાગવાનું થશે માટે જાઓ બધાં સૂઈ જાઓ ; કાલે પાછાં આવજો ને મારી પાંચમી સફરની વાત સાંભળજો. ’

પછી એણે દર વખતની જેમ આ વખતે પણ હિંદબાદના હાથમાં થોડી સોનામહોરો મૂકી અને વળતા દિવસે આવવાનું કહી સૌને વિદાય આપી.

Best Gujarati stories, Best Gujarati books, Vikram vaital, Sinhasan batrisi, Alif laila stories, Old textbooks stories, motivation story, childhood memoires, poems , Gujarati kavitao, Ukhana, general knowledge માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહેશો.

1 thought on “Sindbad Jahaji Ni Safar 4”

  1. Pingback: Sindbad Ni Safar 3 | Alif Laila - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *