8028 Views
Panchatantra ni varta in Gujarati pdf, પંચતંત્રની 75 વાર્તાઓ pdf download, Panchtantra ni Varta pdf, મહેનત વાર્તા, જાદુઈ વાર્તાઓ, બોધદાયક વાર્તા, બોધ વાર્તા ગુજરાતી, વાઘ અને શિયાળ ની વાર્તા, પંચતંત્ર ની રચના કોણે કરી ?, પંડિત વિષ્ણુ શર્મા, પંચતંત્ર ગુજરાતી વાર્તા, પંચતંત્ર ગુજરાતી વાર્તા pdf, પંચતંત્રની 75 વાર્તાઓ pdf, મિત્રભેદ, હિતોપદેશની વાર્તાઓ pdf, ત્રણ માછલી ની વાર્તા, જાદુઈ વાર્તા
સિંહ અને ઉંદર – Panchatantra ni varta1
મધ્ય ભારતમાં નંદનવન નામે એક મોટું જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો. તે આખો દિવસ આરામ કરતો અને રાત્રે શિકાર કરતો. પોતાનું પેટ ભરાઈ જાય પછી કોઈ જીવને ન મારે.
એક દિવસ બપોરના સમયે સિંહ પોતાની ગુફામાં આરામ કરતો હતો. એ સમયે ત્યાં એક ઉંદર આવી ચઢ્યો અને પોતાના સ્વભાવ મુજબ ખોરાક માટે આમતેમ દોડાદોડી કરવા લાગ્યો. અન્ન શોધવામાં તે એટલો બધો તલ્લીન હતો કે એને તે પણ ભાન ન રહ્યું કે આ સિંહની ગુફા છે અને પોતે સિંહના શરીર પર દોડાદોડી કરે છે.
સિંહ પોતાના શરીર પર અચાનક સળવળાટ થતાં જાગી ગયો અને જોયું તો એક ઉંદર તેના શરીર પર દોડાદોડી કરતો હતો. તેણે જરા ઘુરકિયું કર્યું, અને ઉંદર ભાગી ગયો. થોડીવાર પછી પાછો ફરીથી સિંહના શરીર ઉપર દોડવા લાગ્યો. છેવટે સિંહ ગુસ્સે થઈ ગયો અને તરાપ મારીને ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો. ઉંદર બિચારો ધ્રૂજવા લાગ્યો. તે સિંહને કરગરવા લાગ્યો ” હે મહારાજ! મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું હવે તોફાન નહિ કરું. હું તો નાનકડું પ્રાણી છું મને મારીને તમારીએ ભૂખ ભંગશે નહીં. મારો આટલો ગુનો માફ કરશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહિ ભૂલું. કોઈ આપત્તિના સમયે હું તમને જરૂર કામ આવીશ.”
સિંહ તેની વાત સાંભળી હસવા લાગ્યો. તેને થયું કે,આ નાનકડો ઉંદર મને શું મદદ કરવાનો? છેવટે સિંહે ઉંદરને છોડી મૂક્યો. પછી ઉંદર ફરી સિંહની ગુફામાં જવાની હિંમત કરતો નહિ.
થોડા દિવસ પછી અચાનક એક દિવસ સિંહ શિકાર કરીને પોતાની ગુફા તરફ આવી રહ્યો હતો. એ ગુફા નજીક આવ્યો ત્યાં જ શિકારીએ બિછાવેલ જાળમાં ફસાઈ ગયો. સિંહે જાળમાંથી બહાર નીકળવા ખૂબ જ ધમપછાડા કર્યા, ગર્જનાઓ કરી, પણ તે બહાર આવી શક્યો નહિ. જેટલો તે જાળમાંથી છટકવા પ્રયત્ન કરતો તેટલો વધુ ફસાતો.
સિંહની ગર્જનાઓ સાંભળીને ઉંદર પોતાના દરમાંથી બહાર આવ્યો અને જોયું તો સિંહ જાળમાં ફસાઈ ગયો હતો. તે સિંહની પાસે આવ્યો અને બોલ્યો” મહારાજ! તમે ચિંતા ન કરો. હું હમણાં તમારી આ જાળ તોડી નાખું છું.”
આમ કહી ઉંદર તો પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપવા મંડી પડ્યો. થોડી જ વારમાં તો ઉંદરે આખી જાળ કાપી નાખી અને સિંહ જાળમાંથી મુક્ત થઈ ગયો. સિંહ નાનકડા ઉંદરના કામથી ખૂબ રાજી થઈ ગયો. તે આજ સુધી ઉંદરને તુચ્છ ગણતો હતો. આજે તેને સમજાઈ ગયું કે એ તુચ્છ ઉંદરે એનો જીવ બચાવ્યો હતો. તેણે ઉંદરનો ખૂબ આભાર માન્યો. ત્યાર પછી બંને મિત્રો બની ગયા.
moral – વિષ્ણુ શર્મા આ કથાનો બોધ અપતાં કહે છે ” આ સંસારમાં કોઈને પણ તુચ્છ ન ગણવા. ક્યારેક તુચ્છ કે નાના માણસો પણ આપણું ઘણું મોટું કાર્ય કરી આપે છે.”
સિંહને ઉઠાડ્યો – Panchatantra ni varta 2
એક ખેડૂત કસબામાંથી ખરીદી કરીને પોતાને ગામ જઈ રહ્યો હતો. એણે પોતાનાં બાળકો માટે જલેબી બંધાવી હતી. રસ્તે ચાલતાં ચાલતાં એને જલેબી ખાવાનું મન થયું. એણે તો ચાલતાં ચાલતાં જ પછેડીના છેડે બાંધેલું જલેબીનું પડીકું ખોલ્યું અને અંદરથી એક જલેબી કાઢી. પણ તેની સાથે બીજી જલેબી ચોંટી રહેલી તે નીચે ધૂળમાં પડી ગઈ તેનો અફસોસ કરતો કરતો આગળ ચાલવા માંડ્યો.
હવે ત્યાં ઝાડ પર બેઠેલી એક સમડીએ પેલી જલેબી જોઈ. અળસિયું સમજીને એણે ઝપટ મારી જલેબીને ચાંચમાં પકડી અને ઊડવા માંડી. અને બાજુના જંગલમાં ઘુસી ગઈ. ત્યાં એક ઝાડ પર બેસીને એ જલેબી ખાવા ગઈ. પણ એને ભાવી નહિ. એટલે એણે નીચે ફેંકી દીધી અને એ પાછી ઊડીને દૂર ક્યાંક નીકળી ગઈ.
હવે બે-ત્રણ માખીઓ એ જલેબી પર બેઠી અને તેનો મીઠો રસ ખાવા લાગી. ત્યાં જ ત્યાં એક સિંહ આવ્યો અને એ જલેબીના ટુકડા પર જ લાંબો થઈ બેસી ગયો. જલેબીના ટુકડા એના દેહ નીચે દબાઈ ગયા.
માખીઓએ સિંહને કહ્યું, ‘મહારાજ ! આપના શરીર નીચે અમારો ખોરાક દબાઈ ગયો છે. જરા ઊઠો ને !
‘શું ? તમારે ખાતર હું ઊઠું ? જા…જા હવે ! બીજું કંઈ ખાઈ લો.
‘મહારાજ ! એ અમારું ભાવતું ભોજન છે. માંડ માંડ આ જંગલમાં મળ્યું છે. અમને ખાવા દોને !’ માખીઓએ તો સિંહને વિનંતી કરી.
‘અરે, બે ટકાની માખીઓ, શું કચકચ કરો છો ! ઘડીક જંપવાયે દેતાં નથી. ભાગો અહીંથી. નહિ તો તમારા બાર વગાડી દઈશ.’ સિંહ તો ગુસ્સે થઈ ગયો અને માખીઓને ઉડાડી મૂકી પણ માખી જેનું નામ. તેઓને થયું, આ સિંહ એના મનમાં સમજે છે શું ? અભિમાન તો રાજા રાવણનુંય નથી રહ્યું. ત્યારે આ તો સિંહ છે. એને બતાવી આપવું જોઈએ કે, તું માને છે એવાં તુચ્છ અમે નથી. ભલે અમારું શરીર નાનું રહ્યું.
અને માખીઓ તો સિંહના નાક પર, મોં પર જઈને બેઠી. એક માખી સિંહના કાનમાં ગણગણવા લાગી. સિંહ માથું હલાવી હલાવીને કંટાળ્યો… પછી નાક ઘસવા લાગ્યો… કાન ઘસવા લાગ્યો… મોં ઉઘાડબંધ કરવા લાગ્યો… પણ માખી ધીરજથી લાગી જ રહી. સિંહને હેરાન કરતી જ રહી. સિંહ અત્યંત કંટાળી ગયો અને થાકી ગયો.
ન તો માખી ભાગી જતી હતી… ન તો મરતી હતી… એણે માખીઓને કહ્યું, ‘ભાઈસાબ ! બહુ થયું. લો હું હાર્યો અને ઊઠ્યો. ખાઓ તમારાં બત્રીસ પકવાન.’ કહીને સિંહ ઊભો થયો અને એ જગ્યા છોડીને ચાલતો થયો.
માખીઓ તો આનંદથી નાચી ઊઠી. અને ફરી જલેબી ખાવા મંડી પડી.
‘હે કુમારો ! નાના માણસો પણ કોઈ વાર પોતાની વિશિષ્ઠ શક્તિને લીધે વધુ શક્તિશાળી ઠરે છે. માટે તેમની શક્તિને ઓછી ન આંકવી.’
મગર અને વાંદરો – Panchatantra ni varta 3
એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે.
મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં. મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે – રોજ આવાં મીઠાં જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે! તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં!
મગર કહે – તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય?
મગરીએ જીદ કરી કહ્યું – જો તમે કાળજું નહિ લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ. નછૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા મીઠાં જાંબુ ખાધાં પછી મગર બોલ્યો – વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ.
વાહ! ચાલો, તમારો આટલો પ્રેમ છે તો…ના કેમ પડાય! એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો.
મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોએ વળગ્યા. અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી.
મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઊડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢયો.
વાંદરો કહે – મગરભાઈ! તમે પણ ખરાં છો! તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતીને! મારું કાળજું તો હું આજે જ સાફ કરીને ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ!
મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતાં વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે – મૂરખ મગર! કાળજું તે કંઈ ઝાડ પર મુકાતું હશે? તું તો દગાખોર છે! ભાઈબંધને દગો દેવા તૈયાર થયો? જા હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહિ અને મારે પણ જાંબુ ખાવા નથી એમ કહી વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો.
બે ની લડાઈ માં ત્રીજો ફાવે – પંચતંત્રની વાર્તા 4
ઘોર જંગલમાં ઘણાં હિંસક પ્રાણીઓ રહેતાં હતાં. એમાં એક વાર એક દીપડો શિકાર માટે જઈ રહ્યો હતો.
રખડી રખડીને થાક્યો, પણ એકે શિકાર ન મળ્યો. ત્યાં અચાનક એની નજર એક મરેલાં હરણ પર પડી. એ જોઈને એના મોંમાં પાણી આવી ગયું. આમે હરણનું માંસ તો તેને ખૂબ જ ભાવતું. તે તો રાજીનું રેડ બની ગયું. અને દોડ્યું, હરણ પાસે. પરંતુ એ હરણ પાસે પહોંચ્યું ત્યાં જ એક રીંછ પણ હરણ પાસે પહોંચી ગયું. બન્ને સાથે જ હરણ પાસે પહોંચી ગયા.
દીપડો કહે, ‘હરણ મેં પહેલાં જોયું અને હું પહેલો એની પાસે પહોંચ્યો છું. માટે એ મારું ભોજન છે. માટે રીંછડા, તું ભાગ !’
રીંછ કહે, ‘અરે દીપડા, હરણને મેં પહેલાં જોયું. હું પહેલાં એની પાસે પહોંચ્યો અને તું શાનો હક કરે છે ? તું ભાગ અહીંથી !’
આમ રીંછ ને દીપડો ઝગડવા માંડ્યા. ઝગડતાં ઝગડતાં બન્ને મારામારી પર આવી ગયાં. અને એવા લડ્યાં, એવા લડ્યાં કે લોહીલુહાણ થઈ ગયાં. બન્ને એક તરફ ઢળી પડ્યાં. લડવાની તો શું, ઊભા થવાની પણ બન્નેમાં શક્તિ ન હતી. બન્ને પડ્યા પડ્યા હાંફી રહ્યાં હતાં.
ત્યાંથી એક શિયાળ નીકળ્યું. તેણે જોયું તો એક મરેલું હરણ પડ્યું હતું. તેની એક બાજુ ઘાયલ રીંછ પડ્યું છે અને બીજી બાજુ ઘાયલ દીપડો. બન્ને લોહીલુહાણ થઈને હાંફતાં હાંફતાં પડ્યાં છે. એ સમજી ગયું કે આ હરણ માટે બન્ને લડીલડીને ઢસ થઈ ગયાં છે. ખસવાનીયે શક્તિ બન્નેમાં બચી ન હશે. શિયાળ તો ધીરેથી હરણ પાસે ગયું અને તેને મોંથી પકડી ખેંચવા લાગ્યું. તે દૂર સુધી હરણને ખેંચતું લઈ ગયું. ન તો એને રીંછ રોકી શક્યું કે ન તો દીપડો એને રોકી શક્યો. બન્ને લાચાર બનીને શિયાળને જતું જોઈ રહ્યાં. પોતાના પ્રિય ભોજનને જતું જોઈ રહ્યાં.
Moral – ‘હે કુમાર ! બેની લડાઈમાં ત્રીજો ફાવે તે આનું નામ.’
વાઘનો ખજાનો – પંચતંત્રની વાર્તા 5
રતનપુર ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. સવારથી સાંજ સુધી એ ભિક્ષાવૃત્તિ કરતો. પરંતુ કુટુંબનું પૂરું નહિ કરી શકતો. બાળકોને ખવડાવ્યા પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી અડધુંપડધું ખાઈને સૂઈ જતાં. કોઈ પ્રસંગ હોય ત્યારે જ તેઓને ભરપેટ જમવા મળતું.
પોતાની દરિદ્રતાથી બ્રાહ્મણ ખૂબ જ કંટાળી ગયો હતો. આથી તેણે પરગામ જવા વિચાર કર્યો. બ્રાહ્મણીને પણ થયું કે, પરગામ જવાથી જગ્યા બદલાશે અને કદાચ નસીબનું પાંદડું ફરે તો બે પૈસા પતિ કમાઈ લાવશે.
સારું મુહૂર્ત જોઈને બ્રાહ્મણ ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં એ એક જંગલમાં આવ્યો. ત્યાં એક મોટું પિંજરું પડેલ હતું અને અંદર એક વાઘ આંટા મારી રહ્યો હતો. વાઘની નજર બ્રાહ્મણ પર પડી. તે મસ્તક ઝુકાવી બ્રાહ્મણને કહેવા લાગ્યો :
‘પ્રણામ ! મહારાજ ! ક્યાં જઈ રહ્યા છો ?’
‘બાજુના શહેરમાં.’ બ્રાહ્મણે જવાબ આપ્યો.
‘મારું એક કામ ન કરો ?’
‘શું ?’
‘એક શિકારી મને આમાં પૂરી ગયો છે. હવે એ આવવાની તૈયારીમાં જ હશે. એ આવશે એટલે મને મારી નાખશે. તમે દયા કરીને આ પિંજરું ખોલી નાખો, જેથી હું મારા પ્રાણ બચાવી શકું.’
‘ના, ભાઈ ! તારું પિંજરું ખોલું અને તું બહાર નીકળ્યા પછી મને જીવતો છોડે કે ?’ બ્રાહ્મણે જવા માટે પગ ઉપાડ્યો.
‘અરે, મહારાજ ! મારી પૂરી વાત તો સાંભળો !’
બ્રાહ્મણ અટકી ગયો.
‘તમે મને છોડશો તેના બદલામાં હું તમારો જીવ લઉં એવો નગુણો નથી. મારી પાસે એક ખજાનો છે. તે હું તમને આપી દઈશ.’
ખજાનાની વાત સાંભળી બ્રાહ્મણના પગ અટકી ગયા.
તેને થયું, ખજાનો મળી જાય તો આગળ જવું મટશે.
શાંતિથી મારું કુટુંબ ખાઈ-પીને લહેર કરશે અને એ માટે આ વાઘને આ પિંજરામાંથી બહાર કાઢવાનું જોખમ તો ઉઠાવવું જ રહ્યું. એ પીગળી ગયો.
એણે કહ્યું, ‘સારું. હું તને બહાર કાઢવા તૈયાર છું. પણ પછી તું મને મારી તો નહિ નાખે ને ?’
‘મારો વિશ્વાસ કરો, ભૂદેવ ! બ્રહ્મહત્યાનું પાપ વહોરીને હું કયા ભવે છૂટવાનો હતો !’
લાલચને વશ થયેલા તે બ્રાહ્મણે લાંબો વિચાર ન કર્યો અને પિંજરાનું બારણું ખોલી નાખ્યું. તે સાથે જ વાઘ બહાર કૂદી પડ્યો. પિંજરું નાનું હોવાથી તેનું શરીર જરા અકડાઈ ગયું હતું. એટલે બહાર નીકળીને એણે બે-ત્રણ આળસ મરડી. અને પછી એણે બ્રાહ્મણ સામે જોયું. પેટમાં કકડીને ભૂખ લાગી હતી. સામે માનવદેહ હતો. હવે કેમ રહેવાય ! વાઘે શિકારી નજરે બ્રાહ્મણ સામે જોઈ તરાપ મારવાની તૈયારી કરી.
બ્રાહ્મણ તેની આંખ જોઈને સમજી ગયો કે, વાઘ તેના પર કૂદવાની તૈયારી કરે છે. ‘અરે ભાઈ ! મને તારી નિયત બદલાયેલી લાગે છે. તું મને મારી તો નહિ નાખે ને ! મને પહેલાં ખજાનો બતાવ.’
‘મહારાજ ! હું બહુ ભૂખ્યો છું. મને ક્ષમા કરો. તમે સામે છો એટલે હવે મને કંઈ યાદ આવતું નથી. બસ ભૂખ યાદ આવે છે.’
બ્રાહ્મણે વિચાર્યું, આ વાઘ પર વિશ્વાસ કરીને મેં ઘણી ભૂલ કરી. પણ હવે શું થાય ? આ નિર્જન જંગલમાં કોઈ છે નહિ જે મારી મદદ કરે. ત્યાં એની નજર એક શિયાળ પર પડી. તે એ બન્નેને આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. એના મનમાં આશા જાગી. એણે શિયાળને બૂમ મારી : ‘ઓ શિયાળભાઈ ! જરા અહીં આવો ! અમારો એક ન્યાય કરી આપો ને !’
વાઘ ચમક્યો. શિયાળ ! ચાલો બે ભોજન મળશે. તેણે પણ શિયાળને આવકાર આપ્યો. શિયાળ નજીક આવ્યું. એટલે બ્રાહ્મણે પોતાની વાત કરી અને કહ્યું, ‘શિયાળભાઈ ! અમારો ન્યાય કરો. આ વાઘે મને વાત થયા મુજબ ખજાનો આપવો જોઈએ ને !’
શિયાળ સમજી ગયું કે, આ વાઘે બિચારા આ ગરીબ બ્રાહ્મણને ફસાવ્યો છે. એને બચાવવો જોઈએ. શિયાળે કહ્યું, ‘અરે ભૂદેવ ! તમારી મતિ ફરી ગઈ લાગે છે ! તમે બન્ને મને બનાવતા લાગો છો. આટલા નાના પિંજરામાં કંઇ આ વાઘ સમાઈ શકે !’
વાઘને થયું, ‘કમાલ છે ! હું આ પિંજરામાં હતો એ વાત સ્વીકારવા જ શિયાળ તૈયાર નથી !’ વાઘ જરા મૂર્ખ હતો. એ કહે,
‘અરે ! મૂર્ખ શિયાળ ! હું તને હમણાં જ બતાવું છું કે હું આ પિંજરામાં કેવી રીતે હતો ? કહીને વાઘ પિંજરામાં ઘૂસ્યો. તે જ ક્ષણે શિયાળે બ્રાહ્મણને ઈશારો કર્યો. અને તે જ ક્ષણે બ્રાહ્મણે પિંજરાનો દરવાજો બંધ કરી દીધો. વાઘ એકદમ ઉછળ્યો. પણ પિંજરાના બંધ દરવાજા સાથે અથડાઈને નીચે પડ્યો.
‘વાઘમામા ! હવે હું માનું છું કે, તમે આ પિંજરાંમાં સમાઈ શકો છો.’
‘તો હવે મને બહાર કાઢોને !’
બ્રાહ્મણ કહે, ‘ના, ભાઈ ! મારે ખજાનોયે જોઈતો નથી અને તને બહાર પણ કાઢવો નથી. તારા જેવો દગાબાજ તો પિંજરામાં જ સારો.’ પછી બ્રાહ્મણે શિયાળનો આભાર માન્યો અને બન્ને ચાલતાં થયાં.
વાઘ પોતાની મૂર્ખાઈ પર પિંજરામાં પંજા પછાડવા લાગ્યો.
Moral – ‘હે કુમારો ! અજાણી જગ્યાએ ભયનો સો વાર વિચાર કરવો. એવું અવળું સાહસ ન કરવું જે આપણા માટે ઘાતક બની જાય.’ – અમરકથાઓ
વધુ પંચતંત્રની વાર્તાઓ વાંચવા અહી ક્લીક કરો
Pingback: 101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ | Best Gujarati bal varata pdf collection - AMARKATHAO
Pingback: Panchtantra ni Best varta in Gujarati pdf | પંચતંત્રની 75 વાર્તાઓ - AMARKATHAO