Skip to content

જડ ભરત કોણ હતા ? શા માટે બધા એને જડભરત કહેતા ? વાંચો અનોખી કથા

જડ ભરત કોણ હતા ? શા માટે બધા એને જડભરત કહેતા ?
3728 Views

મિત્રો “આ તો સાવ જડ ભરત છે” એવુ આપણે ઘણીવાર સાંભળ્યુ હશે પણ આ જડભરત કોણ હતા ? શા માટે બધા એને જડ ભરત કહેતા ? આ કથા જાણવા સમજવા જેવી છે. શ્રીમદ્દ ભાગવત

જડ ભરત ( એક મહાજ્ઞાની ) ( ભાગ -૧ )

પુરાણોમાં પૃથ્વીને સાત દ્વીપોમાં વિભાજીત કરેલ છે. તેમાંનો એક જંબુદ્વિપ છે. જમ્બુદ્વીપનાં એક ખંડનાં રાજા તરીકે આદિનાથ ઋષભદેવ હતા. ઋષભદેવને અનેક પુત્રો હતા, તેમાં ભરત સૌથી મોટા અને ગુણવાન પુત્ર હતા.

ઋષભદેવ આત્મજ્ઞાની હતા. વર્ષો સુધી સુશાશન ચલાવ્યા બાદ પોતાના સૌથી મોટા પુત્ર ભરતને રાજગાદી સોંપીને તેઓ પરમહંસ દિગંબર અવસ્થામાં સર્વસ્વનો ત્યાગ કરીને નીકળી પડ્યા.

ત્યારબાદ મહાજ્ઞાની ભરતજીએ વર્ષો સુધી પ્રજાધર્મનું પાલન કરતા રાજ્ય ચલાવ્યું. પણ ઉતરાવસ્થામાં ધીરે ધીરે તેનું ચિત સંસાર માંથી સંન્યાસ તરફ જવા લાગ્યું. અને એક વેળાએ રાજકાજમાંથી મુક્તિ લઈ તેઓ જંગલમાં નીકળી પડ્યા. પુલ્હાશ્રમમાં ગંડકી નદીના કિનારે એક આશ્રમ બનાવીને ભરતજી એકાંતમાં સાધના કરતા. દિવસે ને દિવસે તે ઈશ્વર પ્રેમમાં ખોવાવા લાગ્યા, હવે તો બાહ્ય પૂજા પણ છૂટી ગઈ. હવે નિરંતર આનંદમાં ડૂબી જવા લાગ્યા.

પરંતુ એક દિવસ વહેલી સવારે એક ઘટના ઘટી. ભરતજી નિત્યકર્મ કરીને ગંડકી નદીનાં જળપ્રવાહ પાસે બેઠા બેઠા પ્રણવ (ઓમકાર )નો જાપ કરતા હતા. તે જ સમયે એક હરણી તરસથી વ્યાકુળ થઈને નદીમાં પાણી પીવા આવી. હજુ તે પાણી પી રહી હતી ત્યાં જ સિંહની ભયંકર ગર્જના સાંભળી. હરણી ખૂબ ડરી ગઈ અને જીવ બચાવવા નદી પાર કરવા માટે જોરથી છલાંગ લગાવી. પણ હરણીનાં પેટમાં ગર્ભ હતો. અત્યંત ભયના કારણે છલાંગ મારતી વખતે તેનો ગર્ભ સ્ત્રવી ગયો અને ગર્ભ નદીના પ્રવાહમાં પડ્યો. ગર્ભ સ્ત્રાવ, સિંહનો ભય અને લાંબી છલાંગની મહેનત અને પોતાના સમૂહથી છૂટી પડી ગઈ હોવાના વિયોગ, આ બધા કારણે તે એક ગુફામાં જઈ પડી અને ત્યાં જ મૃત્યુ પામી.

આ સમગ્ર દ્રશ્ય ભરતમુનીએ જોયું. તેનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. નદીમાં તણાઈ જતા હરણીના બચ્ચા (મૃગ શાવક ) ને જોઇને તેને દયા આવી અને નદીમાં પડીને તેઓએ તે માં વિનાના બચ્ચાને ઊંચકી લીધું અને પોતાના આશ્રમમાં લઇ આવ્યા.

જડ ભરત
ભરતજી હરણબાળની સંભાળ

ધીરે ધીરે મૃગબાળ પ્રત્યે ભરતમુનીની મમતા વધતી ગઈ. અને મમતા ધીરે ધીરે આસક્તિમાં રૂપાંતર થવા લાગી. હવે ભરતમુની હંમેશા હરણબાળની ખાવા પીવાની વ્યવસ્થા, તેને હિંસક પશુઓથી બચાવવા, તેને લાડ લડાવવા અને તેની ચિંતામાં જ ડૂબેલા રહેવા લાગ્યા. ધીરે ધીરે સાધનાના વિવિધ કર્મો છૂટવા માંડ્યા. અને અંતે સાધના સાવ બંધ પડી ગઈ. પછી તો આખો દિવસ અને રાત માત્ર ને માત્ર મૃગબાળની જ સંભાળ અને તેની ચિંતામાં વ્યસ્ત થઈને ડૂબી ગયા. ભરતમુની આસક્તિની જાળમાં ઊંડા ને ઊંડા ઉતરતા જ ગયા.

સૂતા, બેસતા, હરતા ફરતા, ભોજન કરતા એમ દરેક સમયે તેનું ચિત મૃગબાળમાં જ બંધાયેલ રહેતું. વનમાં ફળો લેવા જાય તો પણ મૃગબાળને સાથે લઇ જતા અને રાત્રે પણ પોતાની પાસે જ સુવડાવતા. અને વળી વચ્ચે વચ્ચે ઉઠીને જોઈ લેતા કે મૃગબાળ સાથે જ છે ને ? કોઈ તેને ઉઠાવીને લઇ નથી ગયું ને ??

કોઈ વાર મૃગબાળ એકલું જંગલમાં આસપાસ ચાલ્યું જતું અને કેટલોય સમય આવે નહિ તો તે વિરહથી વ્યાકુળ થઈને શોધવા નીકળી પડતા. જાણે પોતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય તેવા ચિંતાતુર થઇ જતા.

શરીર છોડવાનો સમય ( મૃત્યુ) આવી પહોંચ્યો ત્યારે પણ તેનું મન તો મૃગબાળમાં જ આસક્ત હતું. ભરતમુની ની અંતિમ અવસ્થામાં મૃગબાળ તેની પાસે પુત્રની જેમ શોકાતુર બેઠું હતું. હવે આ મૃગબાળ નું શું થશે ? તેવા સતત ચિંતનમાં મૃગબાળમાં અત્યંત આસક્ત ભરતમુનીનું શરીર છૂટી ગયું.

કહેવાય છે કે એટલે ભરતમુનીને અન્ય જન્મમાં મૃગનું શરીર પ્રાપ્ત થયું. પણ તેની સાધનાનાં પ્રતાપે પૂર્વજન્મની તેની સ્મૃતીનો નાથ થયો ન હતો. તેણે મનોમન વિચાર્યું કે ભૂલ શું થઈ ? મૃગબાળ ને નદીમાંથી બચાવ્યું તે ભૂલ ? કે મૃગબાળને આશ્રમમાં આશ્રય આપ્યો તે ભૂલ ? પણ તરત સમજાયું કે ભૂલ થઇ અતિ મમતા અને તેમાંથી ઉત્પન થયેલ અત્યંત આસક્તિ.

પોતાને મૃગશરીર પ્રાપ્ત થવાનું કારણ સમજાતા તેમને ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યો. તેને થયું “અરેરે સંસારની આસક્તિ છોડીને હું જંગલમાં આવ્યો. અને અહી સાધના છોડીને એક મૃગબાળમાં અત્યંત આસક્ત થઇ ગયો.”

આ પૂર્વ જન્મની સ્મૃતિનાં કારણે મૃગશરીર રૂપી ભરતમુનીનાં હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. અને તેણે પોતાની માતા મૃગીનો ત્યાગ કરીને પોતાની સાધના ભૂમિ પુલ્હાશ્રમમાં આવી ગયા. અને ત્યાં આવીને મૃગયોની પૂર્ણ થવા માટે કાળની રાહ જોવા લાગ્યા. અને અંતિમ અવસ્થામાં ગંડકીનદીમાં શરીરનો અડધો ભાગ ડૂબાડેલ રાખીને જાગૃતિપૂર્વક મૃગશરીરનો ત્યાગ કર્યો.

જડ ભરત ( એક મહાજ્ઞાની ) ( ભાગ -2)

પહેલા ભાગમાં આપણે જોયું કે રાજર્ષિ ભારત રાજપાટ છોડીને જંગલમાં ગયા. પણ ત્યાં મૃગબાળમાં અત્યંત આસક્ત થઈ ગયા અને બીજા જન્મમાં મૃગ તરીકે જન્મ પામ્યા. બાદમાં આ વાતની પ્રતીતિ થતા તેઓને પશ્ચાતાપ થયો ને મૃગ શરીરનો સભાન અવસ્થામાં ત્યાગ કર્યો. હવે આગળ…


અંગીરસ ગોત્રમાં એક ગુણવાન બ્રાહ્મણ હતા. તેમને 2 પત્નીઓ હતી. મોટી પત્નીથી તેમના જ જેવા નવ વિદ્યાવાન પુત્રો થયા તથા નાની પત્નીથી એક પુત્ર અને એક પુત્રી એમ જોડિયાં બાળકો જન્મ્યાં. જોડિયા બાળકોમાં જે પુરુષ-બાળક હતો તે પરમ ભાગવત રાજર્ષિશ્રેષ્ઠ ભરત જ હતા. તેઓ મૃગશરીરનો પરિત્યાગ કરીને અંતિમ જન્મમાં બ્રાહ્મણ થયા હતા – એમ મહાપુરુષોનું કહેવું છે.

આ જન્મમાં પણ ઈશ્વર કૃપાથી પોતાની પૂર્વજન્મની સ્મૃતિ રહેવાને કારણે, તેઓ વળી પાછું કોઈ આધ્યાત્મ યાત્રામાં કોઈ વિઘ્ન આવી ન પડે – એવી આશંકાથી, પોતાનાં સ્વજનોના સંગથી પણ ઘણા ડરતા હતા; અને હરહંમેશ તેનું મન બ્રહ્મના અનુસંધાનમાં જ જોડાયેલ રહેતું. બીજાઓની દૃષ્ટિમાં પોતાને પાગલ (ઉન્મત્ત), જડ, અંધ અને – બધિર-સ્વરૂપે દેખાડતા હતા. આથી જ લોકો તેને “જડભરત” કહેતા.

પિતાએ પાગલ જેવા લાગતા આ નાના પુત્રનો પણ ઉપનયનસંસ્કાર કર્યો. જોકે ભરતજીની તો ઇચ્છા ન હતી, તોપણ ‘પિતાનું કર્તવ્ય છે કે પુત્રને ઉપદેશ આપવો” તેવા શાસ્ત્ર-વિધાન અનુસાર તે પિતાએ તેમને આવશ્યક કર્મોનો – ઉપદેશ આપ્યો. પરંતુ ભરતજી તો પિતાજીની સામે જ તેમના ઉપદેશથી વિરુદ્ધ આચરણો કરતા હતા. પિતા ઇચ્છતા હતા કે તેમને વેદના અધ્યયનનો આરંભ કરાવી દઉં; પરંતુ ચાર મહિનાઓ સુધી ભણાવતા રહ્યા તોપણ – ભરતજીએ વેદનું અધ્યયન ન કર્યું કે ન ગાયત્રીમંત્ર યાદ કર્યો.

જોકે ભરતજીની ઇચ્છા ન હતી, આમ હોવા છતાં પણ પોતાના આ પુત્રમાં તેમને આત્મવત્ અનુરાગ હતો. તેથી પુત્રને સારી રીતે ઉપદેશ આપવો જોઈએ’ – એવા અનુચિત આગ્રહ (હઠ)થી તેને શૌચ, વેદાધ્યયન, વ્રત, નિયમ તથા ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચર્યાશ્રમના આવશ્યક નિયમોનો ઉપદેશ આપતા જ રહ્યા. પરંતુ પુત્રને સુશિક્ષિત જોવાનો તેમનો મનોરથ હજીય પુરો થવા પામ્યો ન હતો અને તેવાંમાં જ ભરતજી નાના હતા ત્યારે જ માતા પિતાનું અવસાન થયું. આમ ભરતજી માતાપિતાના બંધનમાંથી મુક્ત થાય.

મહાજ્ઞાની હોવા છતાં ભરતજી બહારથી અજ્ઞાની અને જડબુદ્ધિ તરીકે જ વર્તતા હતા. એ એક અવધૂત બનીને જ રહેતા.

ભરતજીના ભાઈઓ કર્મકાંડને સૌથી શ્રેષ્ઠ સમજતા, તેઓ બ્રહ્મજ્ઞાનરૂપ પરાવિદ્યાથી સાવ અજ્ઞાત હતા; તેથી તેમને ભરતજીના પ્રભાવની પણ જાણ હતી નહીં, તેઓ તેમને સાવ મૂર્ખ (જડબુદ્ધિ) સમજતા હતા.

તેથી પિતાજીના પરલોકગમન પછી તેમણે ભરતજીને જડબુદ્ધિ અને મૂર્ખ માનીને ભણાવવાનો આગ્રહ છોડી દીધો. ભરતજીને માન-અપમાનનો કોઈ ખ્યાલ ન હતો. જ્યારે તેમને સાધારણ નરપશુ, ઉન્મત્ત, જડ કે બધિર કહીને બોલાવતા ત્યારે તેઓ પણ તે મુજબ જ બોલવા લાગતા. કોઈ પણ તેમની પાસે કંઈ પણ કામ કરાવવા ઇચ્છતું તો તેઓ પોતાની ઇચ્છા મુજબ જ કરતા.

તેમનામાં દેહાભિમાન જ હતું નહીં. તે સતત આત્મભાવમાં જ જીવી રહ્યા હતા.

વેઠરૂપે, મજૂરીરૂપે, માગવાથી કે વગર માગ્યે જે થોડું-ઘણું, સારું કે ખરાબ અન્ન તેમને મળી જતું તે જ, જીભના સ્વાદને સહેજ પણ લક્ષમાં લીધા વિના ખાઈ લેતા. અન્ય કોઈ કારણે નહીં નીપજનારું, સ્વતઃસિદ્ધ, કેવળ જ્ઞાનસ્વરૂપ આત્મજ્ઞાન તેમને પ્રાપ્ત થઈ ગયું હતું; તેથી ઠંડી-ગરમી, માન-અપમાન વગેરે દ્વંદ્વોને લીધે થતાં સુખ-દુઃખ વગેરેમાં તેમને દેહાભિમાનનું સ્ફુરણ થતું ન હતું. તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને આંધી વખતે સાંઢની જેમ નગ્ન પડ્યા રહેતા હતા. તેમનાં બધાં જ અંગો હ્રષ્ટપુષ્ટ અને માંસલ હતાં.

તેઓ જમીન પર જ પડ્યા રહેતા સંહનના હતા, ક્યારેય તેલ વગેરે શરીરને સજાવવાના પદાર્થોનો ઉપયોગ કરતા ન હતા અને ક્યારેય સ્નાન પણ કરતા ન હતા, એનાથી તેમના શરીરે મેલ જામી ગયો હતો. તેમનું બ્રહ્મતેજ ધૂળથી ઢંકાયેલા મૂલ્યવાન મણિની જેમ છુપાઈ ગયું હતું. તેઓ પોતાની કમરમાં એક ચીંથરું લપેટેલા રહેતા હતા. તેમનું યજ્ઞોપવીત (જનોઈ) પણ ઘણું જ મેલું થઈ ગયું હતું. તેથી અજ્ઞાની માણસો ‘આ તો કોઈ દ્વિજ છે!” ‘આ કોઈ અધમ બ્રાહ્મણ છે.’ – એવું કહીને તેમનો તિરસ્કાર કરતા કર્મવતનતપ રહેતા હતા. પરંતુ તેઓ એનો કોઈ ખ્યાલ નહીં કરતાં સ્વચ્છંદપણે વિચરતા હતા.

બીજાઓની મજૂરી કરીને પેટ-ગુજારો કરતા જોઈને જ્યારે તેમને તેમના ભાઈઓએ ખેતરના ક્યારા સરખા કરવાના કામમાં લગાડવા ત્યારે તેઓ તે કામ પણ કરવા લાગ્યા, પરંતુ તેમને એ વાતનું કર્યું જે ધ્યાન ન હતું કે તે ક્યારાઓની જમીન સમતલ છે કે ઊંચી- નીચી અથવા તે વધુ છે કે ઓછી. તેમના ભાઈઓ તેમને ચોખાની કણકી, ઓસામણ, ભૂસું, સડેલા અડદ કે પછી વાસણોમાં ચોંટેલા દાઝી ગયેલા અન્નનો પોપડો જે કંઈ પણ આપતા તેને જ તેઓ અમૃતતુલ્ય માનીને ખાઈ લેતા.

એક વખતની વાત છે, ડાકૂઓના સરદારે પુત્ર(પ્રાપ્તિ)ની ઇચ્છાથી ભદ્રકાળીને મનુષ્યનો બલિ આપવાનો સંકલ્પ કર્યો. તેણે જે નરપશુ બલિ આપવા માટે પકડી મંગાવ્યો હતો તે છટકીને નાસી ગયો. તેને શોધવા માટે તેના સેવકો ચારે તરફ દોડ્યા, પણ અંધારી રાતે મધ્યરાત્રિના સમયે તેનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. તે જ સમયે નસીબજોગે અચાનક જ તેમની નજર જડ ભરત પર પડી, કે જે વીરાસનમાં બેઠા બેઠા પ્રાણીઓથી ખેતરની રખેવાળી કરી રહ્યા હતા. તે લોકોએ જોયું કે આ માણસ તો ઘણાં સારાં લક્ષણોવાળો છે, આનાથી અમારા માલિકનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જશે. આમ વિચારતાં તેમનાં મુખ આનંદથી ખીલી ઊઠ્યાં અને તેઓ તેમને દોરડાંઓથી બાંધીને ચંડિકાના મંદિરમાં લઈ ગયા.

ત્યારબાદ તે ચોરોએ પોતાની રીત-રસમ મુજબ વિધિપૂર્વક તેમનો અભિષેક કર્યો અને સ્નાન કરાવીને તેમને કોરાં વસ્ત્રો પહેરાવ્યાં. તથા વિવિધ પ્રકારનાં આભૂષણો, ચંદન, માળા, તિલક વગેરેથી શણગારીને સારી રીતે ભોજન કરાવ્યું. પછી ધૂપ, દીપ, માળા, ફળ વગેરે ઉપહાર- સામગ્રી સહિત આપવાના બલિદાનની વિધિ પ્રમાણે ગાન, સ્તુતિ અને મૃદંગ તેમ જ ઢોલ વગેરેનો મહાન ધ્વનિ કરતાં કરતાં તે નરપશુને ભદ્રકાળીની સામે માથું નીચું કરાવીને બેસાડ્યો. એ પછી લુંટારાએ તે નરપશુના લોહીથી દેવીને તૃપ્ત કરવા માટે દેવીમંત્રોથી મંત્રેલું એક તીક્ષ્ણ ખડ્ગ ઉપાડ્યું.

જડભરત ને બચાવ્યા
જડભરત ને બચાવ્યા

પણ કહેવાય છે કે એ જ સમયે ભદ્રકાળીની મૂર્તિ ચિન્મયી થઈ ગઈ. મા એ ડાકુઓના સરદાર અને તેના માણસોને ભગાડી મુક્યા અને તેણે જડભરત ને બચાવ્યા. આમ જડભરતની રક્ષા થઈ. અને તે પોતાના ગામ પરત ફર્યા.

આ સમગ્ર ઘટનામાં ભરતજી અચળ રહ્યા કારણ કે તેમની દેહાભિમાનની ગ્રંથી છૂટી ગઈ હતી.

જડ ભરત ( ભાગ -3)

એકવાર સિંધુ દેશના રાજા રહૂગણ પાલખીમાં બેસીને તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા કપિલમુનિના આશ્રમમાં જઈ રહ્યા હતા. થાકી જવાથી પાલખી ઊંચકનાર કહારોનાં સરદારને એક વધુ કહારની જરુર પડી. નદીકિનારે બેસેલ હૃષ્ટપુષ્ટ માંસલ અને યુવાન એવા જડભરત પર કહારોની નજર પડી કહારોના સરદારે જડભરતને પકડીને પાલખી ઊંચકવા માટે વળગાડી દીધા. મહાત્મા ભરત આનાકાની કર્યા વિના રાજાની પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા.

રસ્તામાં કોઈ જીવ પગ નીચે ન આવી જાય તેથી ભરતજી એક ફૂટ જેટલી જગ્યા બરાબર જોઇને ચાલતા હતા અને તેથી અન્ય કહારોની ચાલ સાથે તેની રીધમનો મેળ ખાતો ન હતો. અને પાલખી વાંકીચૂકી થઇ જતી હતી. આ જોઇને રાજા રહૂગણે કહારોને કહ્યું “ અરે! કહારો બરાબર ચાલો, પાલખી વાંકીચૂકી કેમ કરો છો ?”

જડભરતને પકડીને પાલખી ઊંચકવા માટે વળગાડી દીધા.
જડભરતને પકડીને પાલખી ઊંચકવા માટે વળગાડી દીધા.

કહારોને ડર લાગ્યો કે રાજા કોઈ સજા નાં કરે. આથી તેઓએ કહ્યું “મહારાજ, અમે તો યોગ્ય રીતે જ ચાલીએ છીએ પણ આ નવો આવેલ કહાર બરબાર ચાલતો નથી, એટલે આવું થાય છે”

રાજાને થયું કે આ એક નવા કહારનાં કારણે તેની અસર બીજા કહારો પર પણ થશે અને ધીરે ધીરે બધા પોતાની ચાલ બગાડશે. આથી રાજાએ કહારરૂપે રહેલ ભરતજીને વ્યંગપૂર્વક કહ્યું “અરે ભાઈ, તું થાકી ગયો લાગે છે. તું એકલો જ આખી પાલકી ઊંચકીને ચાલતો લાગે છે. તારું શરીર પણ ખાસ સશક્ત અને હૃષ્ટપુષ્ટ નથી. ઘડપણે તને ઢીલો પાડી દીધો લાગે છે.”

આવો ટોણો મારવા છતાં ભરતજીને ખોટું લાગ્યું નહિ. અને તે પોતાની ધૂનમાં જ ચાલતા હતા. અને પાલખી હજુ પણ સીધી ચાલતી ન હતી. આથી રાજાએ ક્રોદ્ધમાં આવીને કહ્યું “ભાઈ આ શું છે ? તગડો છો છતાં મરેલાની માફક કેમ ચાલે છે ? શું તું જીવતો જ મરી ગયો છો ? હું તને મારીશ.”

પણ ભરતજી પર તેની કોઈ અસર નાં થઇ અને ભરતજી ને રાજાના અજ્ઞાન પર દયા આવી. આથી ભરતજી બોલ્યા “રાજન,તમે કહ્યું હું તગડો છું, પણ તે તો શરીરનો ધર્મ છે, આત્માનો નહિ. તમે મને કહો છો કે હું જીવતો મુવા જેવો છું. તો રાજન, આ આખું જગત જ જીવતા મુવા જેવું છે. તમે કહ્યું કે હું તને મારીશ. પણ તમે કોને મારશો ? પાલખી ઊંચકનાર અને પાલખીમાં બેસનાર વચ્ચે કોઈ ભેદ નથી. તે માત્ર દેહદ્રષ્ટિથી ભેદ છે. આથી કોઈ રાજા નથી, કોઈ સેવક નથી. રાજન, માત્ર તમારી અવિધ્યાને કારણે તમને આવો ભેદ દેખાય છે. બાકી તો બધું બ્રહ્મમયી જ છે.”

આટલું કહીને ભરતજી મૌન થઇ ગયા અને પાલખી ઊંચકીને ચાલવા લાગ્યા. આ સંભાળતા જ રાજા વિચારમાં પડી ગયો અને પોતાનો અહંકાર છોડીને તે તરત પાલખી માંથી નીચે ઉતાર્યો અને ભરતજીના ચરણમાં પડી ક્ષમા માંગવા લાગ્યો અને બોલ્યો “આપ કોણ છો ? આપ દતાત્રેય જેવા કોઈ અવધૂત છો ? હું આત્મજ્ઞાન માટે જ કપિલમુની પાસે જઈ રહ્યો હતો. મને તો આપ જ કપિલમુની લાગો છો.

મને કહો “ આ જગતમાં એકમાત્ર શરણ કોનું લેવું ? પરમતત્વને કેવી રીતે પ્રાપ્ત કરવું ? હું આ સંસારની ભવાટવીમાં ભટકી રહ્યો છું. મને માર્ગ બતાવો “

આ સંભાળીને ભરતજી કહે છે “રાજન, આ સંસાર એક અરણ્ય છે તેથી તેને ભવાટવી કહેવાય છે. આપણા જેવા જીવ સમૂહો વ્યાપારી છે. આ સમૂહ ભવાટવીમાં પ્રવેશે છે. ત્યારે અરણ્યના લુંટારાઓ (કામ,ક્રોધ, મોહ, લોભ, આસક્તિ વગેરે) આ જીવ સમૂહને ત્રાસ આપે છે અને લૂંટી લે છે. અને જીવસમૂહને જરા પણ શાંતિ મળવા દેતા નથી. અને મન રૂપી લુંટારો નવી નવી યોજના બનાવીને ફસાવે છે. માટે હે રાજન, જ્ઞાનની ખડગ વડે લુંટારાઓને મારી નાખ અને અનાસક્ત બનીને ભવાટવીમાં આવતા વિવિધ કંટકોરૂપી માર્ગને પાર કરી લે”

ભરતમુની - રાજા રહૂગણ
ભરતમુની – રાજા રહૂગણ

ભાગવતનાં પાંચમાં સ્કંધમાં આ ભવાટવી અને ભરતમુની –રાજા રહૂગણનાં પ્રશ્નોતરનું વિગતવાર ખૂબ સરસ વર્ણન આપેલ છે. આમ ભરતજીએ રાજાના તમામ શંશયો દૂર કર્યા અને રાજાનું અજ્ઞાન દૂર કરીને આત્મબોધ કરાવ્યો. કહેવાય છે આ રાજા રહૂગણ એટલે જ એ મૃગબાળ કે જેમાં ભરતજી એક જન્મમાં આસક્ત થઇ ગયા હતા. આ જન્મમાં હવે બંનેનું કલ્યાણ થઈ ગયું.

આભાર.

– વિવેક ટાંક

( સંદર્ભ – શ્રીમદ્દ ભાગવત )

Aghor Nagara Vage Book 2 | હિમાલયના સિદ્ધ યોગી સરયુદાસ

કઠપૂતળીનો ઇતિહાસ અને રોચક વાતો

વીર વચ્છરાજ ( વાછરા દાદા ) નો સંપુર્ણ ઇતિહાસ

3 thoughts on “જડ ભરત કોણ હતા ? શા માટે બધા એને જડભરત કહેતા ? વાંચો અનોખી કથા”

  1. Pingback: શક્તિમાતાની પ્રાગટ્ય કથા અને ઈતિહાસ ભાગ 3 | Shakti Mata Patdi - AMARKATHAO

  2. Pingback: ભોજા ભગત | ભોજલરામ બાપાનો સંપુર્ણ ઇતિહાસ Bhoja bhagat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *