Skip to content

માનચતુર અને ધર્મલક્ષ્મી – સરસ્વતીચંદ્ર નવલકથા ગોવર્ધનરામ ત્રિપાઠી

માનચતુર અને ધર્મલક્ષ્મી - સરસ્વતીચંદ્ર નવલકથા
6917 Views

માનચતુર અને ધર્મલક્ષ્મી – ગોવર્ધનરામ ત્રિપાઠી ‘સરસ્વતીચંદ્ર’, ભાગ ૨જો. સરસ્વતીચંદ્ર ભાગ ૧ pdf, સરસ્વતીચંદ્ર સીરીયલ, સરસ્વતીચંદ્ર નવલકથા pdf, સરસ્વતીચંદ્ર ભાગ 2 pdf, નવલકથાના પ્રકાર, આકાર નવલકથા, કુમુદ, કરણઘેલો નવલકથા pdf, ગુજરાતી નવલકથા, Saraswatichandra novel pdf in Gujarati, Std 12 manchatur ane dharmlakshmi

માનચતુર અને ધર્મલક્ષ્મી – સરસ્વતીચંદ્ર

ગુણસુંદરી સુવાવડમાં સ્વાભાવિક રીતે ખાટલાવશ રહી. સૌએ પોતપોતાનું કામ તે વખતમાં ઉપાડી લીધું અને બે ચાર દિવસ તે કામ સારી રીતે ચાલ્યું; પણ ધીમે ધીમે ગૃહયંત્રનાં સર્વ ચક્ર શિથિલ પડ્યાં અને એ યંત્રની સંભાળ રાખનારીની ખોટ અને કિંમત જણાવા લાગી. પ્રથમ તો ઘરનાં સર્વ માણસને પોતાપોતાની બાબતમાં જરી જરી અગવડ લાગવા માંડી. માનચતુરની સરભરા ઓછી થઈ કારણ સરભરા કરનારને બીજા કામમાં ગુંથાવું પડ્યું. એટલું જ નહીં પણ એ સરભરા પર દેખરેખ રાખનારી સુવાવડમાં પડી અને તેની ચતુરાઈ, ધીરજ, મોંની મીઠાશ અને અંતરનું વહાલ, વગેરે દેખાડનાર કોઈ રહ્યું નહીં અને ડોસો અકળાવા લાગ્યો. ઘરનાં કામમાં વાદ થવા લાગ્યો અને સુવાવડીની પણ સંભાળ એવી જ રહેતી. ધર્મલક્ષ્મીથી હેરોફેરો થતો નહીં અને જરી જરી હેરોફેરો ગુણસુંદરી સારું કરતી, પરંતુ પોતાની દેવસેવામાં હરકત પડવાથી એ હેરોફેરો કોઈ વખત થતો નહીં; અને સૌનું કામ તે કોઈનું નહીં એમ થતાં સુવાવડીનું ખાવાપીવાનું પણ મોડું-વહેલું થતું; એટલું જ નહીં, પણ તેના બાળકની પણ સંભાળ લેવાતી નહીં.

એક પ્રસંગ એવો બન્યો કે માનચતુરનું ઔષધ બપોર થતાં સુધી કોઈએ તૈયાર કર્યું નહીં. જમવાની વાત તો થાય શાની? અને ડોસો આકળો થઈને લાકડી લઈ છાનોમાનો ઘરમાં સર્વ શું કરે છે તે જોવા ફરવા લાગ્યો. પ્રથમ તો વિદ્યાચતુરની મેડીએ ચડ્યો. વિદ્યાચતુર પોતે બહારથી આવેલો પણ ભૂખ લાગવાથી પલંગમાં સૂઈ રહ્યો હતો અને ઊંઘી ગયો હતો. તેના પલંગ ૫૨ માંકડની હાર હતી, ચાદર મેલી થઈ ગઈ હતી, અને મેડીમાં વાસીદાનો કચરો એકઠો થયેલો. સૌને ગાળો દેતો ડોસો નીચે ઉતર્યો અને રસોડે ગયો તો દુઃખબા રસોઈ કરવા નહાઈ હતી અને સૌ તૈયાર જેવું હતું પણ શાક સમાર્યા વિના પડી રહેલું, અને સામું જોઈ દુઃખબા પણ બેસી રહેલી. ડોસો વધારે ક્રોધમાં આવી ત્યાંથી ચાલ્યો અને પરસાળ ભણી ગયો તો ત્યાંની મેડીમાંથી ગાનચતુરનું ગાયન સંભળાયું અને નીચે ચંડિકા હીંચકા પર સુતી હતી. તેની સાથે હાથમાં સાવરણી લઈ ચંચળ વાત કરતી હતી; તે બેમાંથી કોઈએ વાતના રસમાં ડોસાને દીઠો નહીં. ગજાર ભણી જાય છે તો સુંદર બિચારી એકલી. ઘડીમાં સુવાવડીનું ઔષધ તૈયાર કરે અને ઘડીકમાં ઘોડીયામાંના બાળકની સંભાળ રાખે, અને ગુણસુંદરી ખાટલામાં સૂતી સૂતી ભુખે પેટ દાબતી સુંદરને સૂચના આપે.

ક્રોધ હતો તેમાં દયા ઉમેરી ડોસો પરસાળ બહાર નીકળ્યો તો અગાશીમાં છોકરાં ધક્કામુક્કી કરે; ઘરનું બારણું ઉઘાડું તેમાં આવી શેરીનું કુતરું જીભ કહાડી હાંફતું હાંફતું ઉભેલું, અને – બારણે સામે કુવો હતો ત્યાં પાણી ભરવા ગયેલો ચાકર કોઈની સાથે ગપાટા મારે. ડોસો કુતરાને હાંકી, બારણું વાસી ધર્મલક્ષ્મીની ઓરડી ભણી ગયો. ડોસી દેવસેવામાં હતાં. દહાડો ઘણો ચડ્યો હતો તેથી દેવના દીવામાંથી ઘી અને વાટ બે થઈ રહ્યાં હતાં. દીવા ઘેર ગયો હતો, અને દહેરાસર પરના પાટીયા પર ડોશી રૂ, ઘી, અને દીવાસળી શોધતાં હતાં અને ડોસો બારણામાં ઊભો હતો તેના ભણી એની પૂંઠ હતી. સૌની રીસ ડોસાએ ડોસી ઉપર કહાડી. બોલ્યા ચાલ્યા વિના વગર નહાયલા ડોસાએ દહેરાસરના પાલખાને અડકી બધા દેવ ઉપાડી લીધા અને પોતાનો ધસારો માલમ ન પડે એવી રીતે નીકળી જઈ ઘરના ટાંકા આગળ જઈ તેમાં દેવને પધરાવવા વિચાર કર્યો પણ કાંઈક વધારે શાંત વિચાર થવાથી તેમાં ન નાખતાં પાણી પીવાની ગોળીમાં બધા દેવને નાંખી દઈ છાનોમાનો પોતાને ઠેકાણે જઈ સુઈ ગયો અને શું તાલ થાય છે તે જોવા લાગ્યો.

ડોસીને દીવાસળી જડી અને તેણે દીવો પ્રગટાવ્યો અને પાલખા પાસે દીવો મૂકે છે તો દેવ ન મળે. ડોસીના દિલમાં ત્રાસ પડ્યો અને ચમકી પાલખાની તળે તથા ચારે પાસે શોધવા લાગ્યાં. ભક્તિવાળી ડોસીને સમજણ ન પડી કે આ શો ચમત્કાર થયો. ડોસી દેવસેવાની ઓરડી બહાર આવ્યાં પણ ત્યાં કોઈ હતું નહીં. ‘બારણું ઉઘાડી અંદર આવી દેવને કોઈ છાનુંમાનું ચોરી તો નહી ગયું હોય? મારું ધ્યાન બીજી પાસ હતું’ –આ વિચાર થતાં વધારે ફાળ પડી અને બારણું ઉઘાડે તો ડોસાએ કહાડી મૂકેલો કુતરો ઉભેલો અને કુવે ચાકર ગપાટા મારે. ‘કોઈ ઘરભણી આવ્યું હતું?’ એમ ચાકરને પૂછ્યું અને ધમકાવી તેને ઘરમાં બોલાવ્યો. ઘરમાં પાછાં ફરી અકળાઈ બૂમ પાડી. “ચંચળ! ચંચળ! આ જોને મારા દેવ ક્યાં ગયા?” બૂમ સાંભળી હાથમાં સાવરણી ઝાલી ચંચળ આવી, તેની પાછળ ચંડિકા, તેની પાછળ સુંદર, બીજી પાસથી દુ:ખબા, અને ઘરનાં છોકરાં સૌ આવી ચોકમાં ભરાઈ ગયાં. પૂછાપૂછ અને શોરબકોર થઈ રહ્યો. એક પાસથી ગાવાનું બંધ કરી ગાનચતુર આવ્યો અને બીજી પાસેથી વિદ્યાચતુર સફાળો જાગી દાદર પરથી ઉતર્યો.

દેવ ક્યાં ગયા તે વિશે ઉપરાઉપરી પ્રશ્નો અને ઉત્તર થવા લાગ્યા અને સૂચનાઓ તથા શોધાશોધ થઈ રહી. દુઃખબા કહે કોઈ છોકરાં દેવને રમવા લઈ ગયાં હશે. ચંચળ અને ગાનચતુરને એમ વિચાર થયો કે ઉંદર તાણી ગયા હશે, વિદ્યાચતુર કહે ‘પાલખામાંથી ગરબડી ગયા હશે–આસપાસ ફરી શોધો.’ છેવટે ડોસો આંખો ચોળતો ચોળતો લાકડી પર ટેકી બહાર આવ્યો અને ગુસ્સે થઈ બોલ્યો. ‘આ શું તોફાન માંડ્યું છે? ઘરમાં ન કોઈને ખાવાની ચિંતા ને ન કોઈને ખવરાવવાની ચિંતા. એક વાગી ગયો ત્યાં સુધી જાણે ઘરમાં બૈરું જ ન હોય તેમ નથી કોઈ પૂછતું કે ખાવાની કેટલી વાર છે અને નથી કોઈ કહેતું કે જમવા ઉઠો!’ વિદ્યાચતુર કહે “પિતાજી, માતુશ્રીને દેવ નથી જડતા તેની આ ભાંજગડ છે. અચિંત્યા પાલખામાંથી ક્યાં ગયા તે જણાતું નથી.”

માનચતુર-દેવ એના જડવાના હશે તો જડશે ને નહી જડવાના હોય તો નહીં જડે, પણ આ બધા જીવતા પરમાત્માના પેટની ચિંતા ફિકર હોય કે ન હોય? એવી ચિંતા ન રાખે તેના પર તે દેવ ન કોપતા હોય તો કોપે અને દહેરાસર વાસેલું હોય તેમાંથી અદૃશ્ય થાય તો ઉઘાડા પાલખાનું શું પૂછવું? ચાલ, દુઃખબા અમને જમાડ તરત; એને તો દેવ જડશે ત્યાં સુધી લાંઘણો કરવી પડશે.

ડોસીને એક દુઃખમાં બીજું દુઃખ આ વચન સાંભળવાનું આવ્યું. કઠોર તીક્ષ્ણ વચન અને તેમાં પણ ઇષ્ટદેવનો તિરસ્કાર; આ સાંભળી ચારપાસ અને પોપચે કરચલીઓવાળી આંખમાં ધર્મલક્ષ્મીને આંસુ ભરાયાં, અને કાન ઉપર હાથ દેતી દેતી બોલી, “અરેરે, આવાં નાસ્તિક વચન ન બોલતા હો તો શું થાય? સતજુગમાં દેવની સેવા કર્યાનું ફળ છે તેથી વધારે ફળ કળજુગમાં દેવસેવા કરાવ્યાનું છે. આ અવતાર આટલું આટલું દુઃખ તમે ખમો છો અને હું ખમું છું ને આવતે અવતારે પણ ખમવું છે? આપણે તો એક બીજાનાં પુણ્ય-પાપનાં ભાગીયા છીએ. તમારાથી થતું નથી ને મારે હાથે થવા દેતા નથી! બળ્યું આ પેટ ને બળ્યા આ ધોળા વાળ! પેટે દેવની નિંદા કરાવી ને ધોળા વાળે પણ દેવનું સ્મરણ ન કરાવ્યું! દેવસેવાનું પુણ્ય હશે તો આ છોકરાં પણ સારાં ઉઠશે. કંઈ તો વિચાર કરો. દુઃખબા! ચંચળ! ચંડીવહુ! આ તમારા પાપને લીધે મારે આ વચન સાંભળવાં પડ્યાં! નાની વહુ ઘરમાં હરતી ફરતી હોય તો મારે આ વખત ન આવે!—તમે મહીનો માસ ૫ણ ઘરની સંભાળ ન રાખી શક્યાં–ચંચળ! દેવ ક્યાં ગયા તે હું સમજી છું, તારા બાપનો સ્વભાવ તને ખબર છે, જા. એમને અને સૌને જમાડ, મારે તો દેવ જડે ત્યાં સુધી જમવું નથી.” આંખે આંસુ ન માય એમ રોતાં રોતાં ડોસી દેવના પાલખા આગળ બેસી રોયાં અને આખરે પાલખા આગળ નાક લીટીઓ તાણી દેવને કાલાવાલા કરવા લાગ્યાં; “મહારાજ, ક્ષમા કરો. એમના કર્યાં સામું જોશો નહીં—એમનું પાપ મને આવજો ને મારું પુણ્ય એમને જજો ! પણ ક્ષમા કરો!”

ઘરમાંનું સર્વ મંડળ ભરાયું હતું તેમાં સૌની સાથે લડતો લડતો ડોસો સૌને ધમકાવવા લાગ્યો, દુઃખબા સામે આંખો કહાડવા લાગ્યો, ચંચળ સામે ઓઠ કરડવા લાગ્યો, ચંડિકા સામે દાંત પીસવા લાગ્યો, ગાનચતુર સામે ચાળા કરવા લાગ્યો, ચાકર સામે દૂરથી હાથ ઉગામવા લાગ્યો; વિદ્યાચતુર ઉપર પક્ષપાત દેખાય નહીં માટે તેની પૂંઠ કરી તેને ન દેખતો હોય તેમ ઊભો, સુંદરગૌરીના સામું જોયું નહીં; અને ઘરની અવ્યવસ્થા બાબત પોતે જેટલું સુતાં સુતાં જોયાં કર્યું હતું અને જેટલાં જેટલાં જેનાં અપલક્ષણ હતાં તે તે તેમને સૌને ધમકાવી ધમકાવી કહી બતલાવ્યાં અને ગાળો ઉપર ગાળો દીધી. આખરે સુંદરગૌરીને ગુણસુંદરીની તપાસ રાખવા ગજારમાં મોકલી દીધી અને ચંડિકાને તથા પોતાની બે દીકરીઓને લાકડી ઉગામી ઘર બહાર કહાડી મુકી સાંકળ દઈ ગાનચતુરને હુકમ કર્યો કે “આપણે સૌને સારું જમવાનું તૈયાર કર—રાંડોને તો આમજ ઘટે.” વિદ્યાચતુર નાનપણમાંથી પરદેશ રહેલો એટલે પિતાનું આવું ઉગ્ર સ્વરૂપ જેવાનો વારો તેને આજ જ આવ્યો, અને આશ્ચર્યથી આભો બની, હડપચીએ હાથ દઈ શું કરવું કે કહેવું તે ન સૂઝવાથી દિગ્મૂઢ જેવો બની પોતે ઉભો હતો ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો. બહાર લોકો ભરાઈ ગયા અને બારણાં હચહચાવી મૂક્યાં.

નાટક વધી ગયું જોઈ, ડોસો હાથમાં નથી એવું સમજી, આખરે ડોસી દેવમંદિર છોડી પાછાં બહાર આવ્યાં. આંસુ લોહી નાંખ્યાં. મહાદેવના ગુણ તપોધન જાણે તેમ ડોસાનો સ્વભાવ વર્તી જનારી ડોસીને પોતાનો સ્વભાવ બદલવો પડ્યો. ધર્મ અને આચાર ઉભયને ઠેકાણે વ્યવહારને આગળ કરવામાં આગ્રહ ધરનારો પતિનો સ્વભાવ છે અને એ સ્વભાવ સમુદ્રના મોજા પેઠે અત્યારે ઉછાળા મારી રહ્યો છે, તેના સામા થવા કરતાં તેને વશ થવાથી તેના હેલારાનું બળ ઓછું લાગશે એ ભાન ડોસીને આવ્યું. એ ભાન આવવાની સાથે ડોસીની સ્વાભાવિક બુદ્ધિ સ્વચ્છ બની, ડોસાના વચનમાં સત્ય હતું તે સમજાયું, ઘરની અવ્યવસ્થા દૃષ્ટિ આગળ તરવા લાગી, તેનો ઉપાય પોતાના જ હાથમાં આવે એવો હતો, તેને લીધો, હૃદયને શાંત કર્યું, મુખ ગંભીર કર્યું, કુટુંબનું હિત જાળવવું એ પણ એક ધર્મ છે એ વિચાર થયો, એ ધર્મ સાચવવાથી ઘણાં જીવને સુખ થાય છે એ દેખાયું, ઘણાં જીવનું કલ્યાણ થાય એવા ધર્મને સર્વ ધર્મથી મોટો કેમ ન ગણવો એ પ્રશ્ન મનમાં ઉભો થયો, સર્વ સૃષ્ટિ જેને વહાલી છે અને સૌ સૃષ્ટિના સુખને ભરનાર વિશ્વંભર તેને એ જ ધર્મ સૌથી વહાલો હોવો જોઈએ એવી શ્રદ્ધા થતાં તે ધર્મમાં પ્રવૃત્તિ થઈ અને એ ધર્મની ઉત્સાહી ડોસી દેવનું દુઃખ ભૂલી પતિદેવ ભણી ચાલી; ઘરની અવ્યવસ્થા, પતિનાં વચન, ઘરબહાર જામી જતો ફજેતીને ખેલ, અને કુટુંબનાં સર્વ મંડળનું દુઃખ–આ સર્વ સરોવરમાંથી નીકળતી કુટુંબ વત્સલતાના પવિત્ર પ્રવાહમાં ડોસીની બુદ્ધિ નહાવા લાગી, અને નદી સમુદ્ર પાસે જતાં પોતાને પટ વધારે વધારે પહોળો કરે તેમ પતિની પાસે જતી જતી અને પતિની ઈચ્છા જાણી વળતી વળતી ડોસી પોતાના અંતઃકરણને વધારે વધારે ઉદાર કરવા લાગી, તેનામાં થયેલ ફેરફાર તેને આવતી જોતાં જ તેનો પતિ સમજી ગયો. ડોસાને મનનો અર્થ મનમાં સિદ્ધ થયો જણાયો.

ડોસી નાનપણથી ધર્મસંસ્કારનું બંધન પામી હતી. પુરુષો કરતાં સ્ત્રી જાતિમાં કેટલાંક ગુણ વધારે વિકાસ પામે છે, અને પુરુષ કરતાં તેમની બુદ્ધિ–તેમનાં શરીર પેઠે–વહેલી પક્વ થાય છે, તેનું ધર્મલક્ષ્મી એક દૃષ્ટાંત હતું. છેક નાનપણમાંથી તેના હૃદય ઉપર જે જે સંસ્કાર પડતા તે તરત એ ગ્રહી લેતી. એના બાપ ધર્માધ હતા અને તેના ઘરમાંથી ધર્મના સંસ્કાર ધર્મલક્ષ્મી પર કુમળી વયમાંથી જ વજ્રલેપ થયા હતા. એનું દશેક વર્ષનું વય હતું ત્યારે તે શેરીની સર્વ કન્યાઓમાં ધર્મલક્ષ્મી જેવું બીજું કઈ ધર્મિષ્ઠ ગણાતું ન હતું. એનામાં સારી બુદ્ધિ છતાં આ ધર્મસંસ્કાર જડ થાત અને એ છેક ધર્માંધ બનત તો તેના ઘર પ્રમાણે કાંઈ નવાઈ ન હતી, પણ માનચતુરના ઘરમાં ગયા પછી એને, માનચતુરને દેશપરદેશ નોકરીમાં આથડવું પડતું, તેની સાથે ફરવાનું થતું અને પરદેશમાં ધર્મલક્ષ્મીના સંસ્કાર સાચવવા કઠણ હતા. તેમાં વળી માનચતુરનો સ્વભાવ ઉગ્ર હતો એટલે ગૃહિણીને વખત જોઈ ગીત ગાવાં પડતાં હતાં.

આ પતિને સ્વભાવ વેઠવો એ તરવારની ધાર ઉપર ચાલવા જેવું હતું, અને કન્યાવયમાંથીજ ઈશ્વરે સૂક્ષ્મ બુદ્ધિ આપી ન હતે તો ધર્મલક્ષ્મીનો પતિ સાથે એક રાગ થાત જ નહીં. લોક એવું કહેતા કે “આવા માનચતુરનો મિજાજ ધર્મલક્ષ્મી જ જાળવે – બીજી હોય તે એના ઘરમાં પળવાર પણ ટકવા ન પામે.” ધર્મિષ્ઠ છતાં ધર્માંધ ન બની, દુર્વાસા જેવા પતિના ઘરમાં વૃદ્ધાવસ્થાપર્યંત રહી શકી, અગ્નિ જેવા પતિની પ્રીતિ મેળવી છેવટ સુધી સાચવી શકી અને તેના ઉપર પોતે પ્રીતિ રાખી શકી, અને વળી તે સર્વ સાથે પોતાના ધર્મસંસ્કાર છેવટ સુધી જાળવી રહી; આ સર્વ અદ્‌ભુત પરિણામ ધર્મલક્ષ્મીની શુદ્ધ વત્સલતા, પૃથ્વી જેવી ક્ષમા, વિષ્ણુ જેવી શાંતિ, સૂક્ષ્મ બુદ્ધિ, અને ઉંચી કુલીનતા તે સર્વનું દુર્લભ ફળ હતું. એ સર્વ ગુણોનો આ પ્રસંગે આવિર્ભાવ થતો વિદ્યાચતુરે આજ પ્રથમ જ જોયો અને એ જોતાં જોતાં આ ગુણવાળી માતાથી પોતાનો જન્મ છે એ વિચારથી એનું હૃદય ગર્વ વડે ફૂલવા લાગ્યું.

ડોસો ક્રોધથી રાતો થયો હતો અને તેનાં અવયવમાત્ર કંપતાં હતાં. તેની આંખમાં લોહી તરી આવ્યું અને કપાળે ભૃકુટી ચડી આવી, –જાણે નરસિંહાવતાર પ્રકટ થયો. દેવને થયેલા અપમાનથી ડોસીને તીવ્ર વેદના થતી હતી એટલે બળાત્કાર કરતાં પણ તેના મુખ પર સ્મિત તો ન ફરકી શક્યું, પણ એ પોતાની વેદના ઢાંકી અને પતિનો ક્રોધ શમાવવા ચાલી. તેનું શરીર વૃદ્ધ ૫ણ બાંધી દડી જેવું હતું. ધીમાં પણ સ્થિર પગલાં ભરી, ગંભીર આકાર ધરી, તે પતિ પાસે આવી. તેનું વૃદ્ધ હૃદય ધડકતું દેખાતું હતું, દાંતના આધાર વગરના ગાલ અંતરના વિકારથી ભરાવા લાગ્યા દેખાયા, જુવાનીના તેજ વિનાની પણ બુદ્ધિની તીવ્રતાએ અંદરથી ચળકતી આંખ ઉપર પાણીનું પડ બંધાયું અને નિષ્કલંક ધોળા કેશ નીચે કેશ જેવીજ વાંકીચૂકી કરચલીઓ ભરેલા ગોરા કપાળ ઉપર પરસેવો વળ્યો તેણે સૌભાગ્ય ચિહ્નનું કુંકુમ ભીનું કરવા માંડ્યું.

‘હા, હું તમારો ભાવાર્થ સમજી, હું શું કરું? મારો સ્વભાવ છે તે દેવસેવામાં ચિત્ત પરોવાય છે ત્યારે ઘરસેવા પર રહેતું નથી. મારો વાંક હું કબુલ કરું છું, પણ આટલો બધો કોપ ન ઘટે-ત્રણ જણીઓને બહાર કહાડી તે ઘરફજેતી થાય છે ને લોક બારણે ભરાયા છે.

ડોસી ધીમે ધીમે ચાલી અને બારણું ઉઘાડી ત્રણેને ઘરમાં બોલાવી લીધી. ડોસો દ્વાર ભણી જોઈ રહ્યો, અને લોકને ધમકાવી કહાડી, બારણું બંધ કરી પાછો આવ્યો.

‘જા! દેવને પાણીની ગોળીમાંથી કહાડી લે! આજ તો ગોળીમાં નાંખ્યા, પણ હવે ભૂખે મારીશ તો કુવામાં નાંખીશ.” ડોસો વિકરાળ અને રાતીચોળ આંખો કરી બોલ્યો. એના ક્રોધને શમતાં શમતાં કલાક લાગતો હતો. ડોસી બિચારી પાણી ભરેલી ગોળીમાં હાથ ઘાલી દેવને લઈ આવી–બીજા બધામાંથી કોઈને ડોસીનું એટલું કામ કરવું ન સૂઝ્યું, દેવને દહેરાસરમાં લઈ જઈ અશ્રુપાત કરતાં કરતાં છાતી સરસા ચાંપી, પાછા પાલખા ૫ર ૫ધરાવી, ઘરકામમાં વળગી અને આજથી ધર્મલક્ષ્મીની દેખરેખ નીચે આ ઘરને સંસાર પાછો ઠેકાણે આવી રસ્તે પડ્યો દેખાયો, પણ દેવને અપવિત્ર સ્થળે નાંખ્યા તે વાતનો ડંખ ડોસીના દિલમાંથી મરણ સુધી ગયો નહીં.

(‘સરસ્વતીચંદ્ર’, ભાગ ૨જો)

આ પણ વાંચો 👇

🍁 મળેલા જીવ – પન્નાલાલ પટેલ

🍁 માનવીની ભવાઈ (ભુખી ભુતાવળ) – પન્નાલાલ પટેલ

🍁 માનવીની ભવાઈ (જીવ્યા મુઆના છેલ્લા જુહાર) – પન્નાલાલ પટેલ

🍁 પીઠીનું પડીકું – પન્નાલાલ પટેલ

1 thought on “માનચતુર અને ધર્મલક્ષ્મી – સરસ્વતીચંદ્ર નવલકથા ગોવર્ધનરામ ત્રિપાઠી”

  1. Pingback: ગુજરાતી સાહિત્યની Best 101 વાર્તાઓનો સંગ્રહ | Gujarati Varta Pdf - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *