Skip to content

મળેલા જીવ નવલકથા – પન્નાલાલ પટેલ | Malela Jiv 1941

મળેલા જીવ નવલકથા - પન્નાલાલ પટેલ
11894 Views

પન્નાલાલ પટેલ ગુજરાતી નવલકથા મળેલા જીવ, Malela jiv gujarati novel, મળેલા જીવ પુસ્તક, ગુજરાતી નવલકથા મળેલા જીવ, પીળા રૂમાલની ગાંઠ, મળેલા જીવ ના પાત્રો, મળેલા જીવ ફિલ્મ, મળેલા જીવ પન્નાલાલ પટેલ, મળેલા જીવ નવલકથા Download pdf, મળેલા જીવ pdf, પન્નાલાલ પટેલ નવલકથા pdf, માનવીની ભવાઈ pdf downland, Malela jiv gujarati novel, madela jiv, મળેલા જીવ ebook,

મળેલા જીવ નવલકથા – પન્નાલાલ પટેલ

પુસ્તક પરિચય – મળેલા જીવ

લેખક : પન્નાલાલ પટેલ

પ્રકાશન વર્ષ: ૧૯૪૧

આ પ્રેમકથા પન્નાલાલ પટેલની સીમાસ્તંભ પ્રમુખ નવલકથા છે.
ગુજરાતી સાહિત્યમાં દિવો લઈને ફંફોસો તોપણ આવી પ્રેમકથા (નવલકથા) હાથ નહિ લાગે એવું કહું તોપણ દંભ નહિ.

પુસ્તકની પ્રસ્તાવના વિશે વાત કરું તો આ પુસ્તકની પ્રસ્તાવના ઝવેરચંદ મેઘાણી સાહેબે લખી છે. પ્રસ્તાવના મેઘાણી સાહેબે એટલી તો સચોટ રીતે તૈયાર કરી છે કે વાંચ્યા બાદ તો વાર્તા વાંચવાની તાલાવેલી વધી જ જાય.  પુસ્તકમાં વાર્તાકારે વાપરેલી તળપદી ભાષા અને વચ્ચે ક્યાંક ક્યાંક લખેલા દોહરા વાચકને આપણી લોકબોલી અને લોકસાહિત્યમાં પણ રસ જન્માવવા મદદરૂપ બને છે અને વાચકને વાર્તા સાથે જકડી રાખે છે.

શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત પ્રસ્તાવના એ પુસ્તકમાં સમાપનમાં જે વાક્ય લખ્યું છે એ ટાંકું છું,

” માનવીઓ ! આ ધરતીની સુવાસ તો માણો ! માનવીનું અહીં ઉઘાડું મુકાયેલું મન તો નિહાળો ! “

અરેબિક સાહિત્યમાં પ્રેમની (love) સાત અવસ્થાઓ વિશે વર્ણન મળે છે : આકર્ષણ, મોહ, પ્રેમ, વિશ્વાસ, ભક્તિ ( સમર્પણ ), દિવાનગી અને … મોત. આ સાતેય અવસ્થાઓ આ નવલકથામાં આપ જોઈ શકશો.

મળેલા જીવ – પાત્ર પરિચય

કાનજી – ઉધેડિયા ગામમાં મોટાભાઈના પરિવાર સાથે રહેતો પટેલ ખેડૂત યુવાન.

જીવી – બાજુના જોગીપરા ગામમાં રહેતી વાળંદ પરિવારની યુવતી

હીરો – કાનજી નો મિત્ર અને સુખ-દુઃખનો સાથી

ભગત – ગામના સૌથી શાણા અને અનુભવસમૃદ્ધ વ્યક્તિ

ધૂળો – કાનજીના ગામનો પગે જરાક ખોડ વાળો વાળંદ યુવાન

જીવી ડોશી : ધૂળાની મા

મળેલા જીવ કથાસાર (1941)

મળેલા જીવ નવલકથા – પન્નાલાલ પટેલ

ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે.

તેથી પ્રિયતમા નજર આગળ રહે એ હેતુથી કાનજી જીવીને ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને દીધેલા કૉલથી બંધાઈને અને એના પ્રત્યેની અંતરની લગનીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે; પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી નૈતિક સચ્ચાઈથી આત્મસંયમ જાળવે છે પણ પછી જીવીનું દુ:ખ જોઈ ન શકતાં ગામ છોડી જાય છે.

જીવી અને કાનજી એ વેઠેલી વ્યથાઓ અને તડપને વ્યક્ત કરતા લેખક લખે છે: .

“શીદ મેલ્યું ‘લ્યા ઝરમર કાળજું !

 ભૂલ્યો ભૂલ્યો ભલા ભગવાન !”

એક હૈયામાં ઉઠેલી લાગણીઓને લીધે જ કાનજી અને જીવીને અનેકગણું સહેવું પડ્યું અને હૈયાની લાગણીઓને લીધે જ તો આખીયે વાર્તા ઘડાઈ હતી.

દુ:ખ અસહ્ય બનતાં જીવી આત્મહત્યા કરવા ઝેર ભેળવીને રોટલો ઘડે છે તે એની ગેરહાજરીમાં પડોશણ અજાણતાં ધૂળાને પીરસે છે, જે એનું મોત નોતરે છે. જીવી લોકાપવાદનો ભોગ બને છે. ખુદ કાનજી પણ એના પર વહેમાય છે. એ આઘાતથી શોકમગ્ન જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. એ આઘાતથી જીવી ઉદભ્રાન્ત બની જઈ બેહાલ થાય છે.

=====================
“ભૂલી જવાશે કો અભાગિયાં,
ભૂલી જવાશે પ્રીતની રીત;
નહીં રે ભુલાય એક આટલું 
કોક દન કરી ‘તી પ્રીત”
=====================

📚 પીળા રૂમાલ ની ગાંઠ – હરકિસન મહેતા

📚 દરિયાલાલ નવલકથા – ગુણવંતરાય આચાર્ય

જીવી હવે સાવ ગાંડી થઇ ગામમાં ફરે છે અને ભગત નામનો કાનજીનો મિત્ર જીવીને લઈને દેવ બાવજી ને ત્યાં સંઘમાં લઇ જાય છે અને ત્યાથી છેવટે કાનજી તેને શહેર લઈ જાય છે.

મોટાભાઈના કુટુંબ પ્રત્યેના કર્તવ્યભાનથી પોતાના પ્રેમનો ભોગ આપતો, પ્રિયતમ ‘પરને સોંપી’ એ પછી એના સંસારથી રાખવું જોઈતું અંતર રાખતો અને વખત આવ્યે પોતાનાં હિતની કે સમાજની પરવા કર્યાં વગર જીવીને લેવા હાજર થઈ જતો કાનજી માત્ર પ્રેમી નહિ, જીવન વિશે ઊંડી સમજ ધરાવતી જવાબદાર વ્યક્તિ તરીકે પણ ધ્યાન ખેંચે છે;

તો જીવી નિર્ભેળ અતલ પ્રેમમાં ઊંડે ઊતરી ગયેલી નારી તરીકે ચિરસ્મરણીય બની રહે છે. એમનાં મન:સંચલનોનું ઝીણવટભર્યું, વિસ્મયકારી આલેખન આ કથાનો આસ્વાદ્ય અંશ છે. સૂધબૂધ ખોઈ બેઠેલી જીવી અને તમામ દ્વિધાઓમાંથી મુક્ત કાનજી દ્વારા એનો સ્વીકાર, કથામાં આવતા આ વળાંકો વસ્તુત: પ્રેમનું સચ્ચાઈભર્યું સૂક્ષ્મ રૂપ જ વ્યક્ત કરે છે. એથી એમાં શ્રદ્ધા અને સાહસનું બળ ઉમેરાય છે.

કાનજી અને જીવી ઉપરાંત કથામાં આવતું ભગતનું પાત્ર પણ યાદગાર છે. એ ગ્રામસમાજના એક ભાગરૂપ છે. કથામાં આ ગ્રામસૃષ્ટિનો સંચાર પણ છે. એના લોકમાનસનું, જીવનવ્યવહારનું અને લેખકના વતન એવા ગુજરાતનું ઈશાનિયા પ્રદેશની પ્રકૃતિનું નિરૂપણ વાસ્તવનિષ્ઠ હોવા સાથે કલાત્મક પણ છે. ભાષાને જરૂર પડ્યે કાવ્યમય બનવા દઈને પણ લેખકે તેને કથનક્ષમ રાખી છે. એનું તળપદું પોત કથામાં સાદ્યન્ત ફરફરતું રહ્યું છે.

શું અદભુત વાર્તા! કાનજીનો પ્રેમ અને તેની મજબુરીઓ, જ્યારે કાનજી માટે બધું ત્યજીને દોડી આવતી જીવી. બે માણસ કદી એકબીજામાં એટલા ઓતપ્રોત કેવી રીતે થઇ શકે કે પોતાના આજુબાજુના તમામ વાતવરણને ભૂલી જાય. પોતના દુ:ખ અને પડતી તકલીફને ન ગણકારે. અત્યારની પેઢીને કદાચ આ નવલકથાનો સાર સમજવામાં જરૂર તકલીફ પડશે , પણ જે લોકો આઝાદી વખતના આપણા સમાજની સંકુચિત બુદ્ધીને ઓળખતા કે જાણતા હશે, તે કાનજી અને જીવીના પ્રેમ અને પરિસ્થિતિને જરૂર મહેસુસ કરી શકશે. આજના આધુનિક યુગમાં પ્રેમીયુગલોએ પોતાના પ્રેમને સાર્થક બનાવવા આ રચનાને વાંચવી જોઇએ

ગામડાના માનવી અને તેમની સામાન્ય બુદ્ધિ, પણ તેમની અદભુત સહનશક્તિ, દરિયા જેવું તેમનું વિશાળ દિલ, તેમનો કપટરહિત નિસ્વાર્થ નિર્મળ પ્રેમ અને ગમે ત્યાં મળી આવતા સ્વાર્થી લાલચુ લોકો. આ બધાનું આલેખન પન્નાલાલ પટેલે ખુબજ અદભુત રીતે કર્યુ છે.

પુસ્તકના સૌથી છેલ્લા પાને જયારે કાનજી જીવીને લઈને જાય છે ત્યારે મિત્ર ભગતના મોઢે બહુ સુંદર વાત સાથે વાર્તા સમાપ્ત થાય છે

” વાહ રે માનવી! તારું હૈયું! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘુંટડા !”

મળેલા જીવ - પન્નાલાલ પટેલ
મળેલા જીવ પુસ્તક – પન્નાલાલ પટેલ

મળેલા જીવ નવલકથા વિશે વધુ

મળેલા જીવની પ્રથમ આવૃત્તિ ૧૯૪૧માં પ્રકાશિત થઈ હતી, ત્યારબાદ તેની અન્ય આવૃત્તિઓ ૧૯૪૪, ૧૯૪૭, ૧૯૫૦, ૧૯૫૬, ૧૯૬૦, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૬૯, ૧૯૭૩, ૧૯૭૭, ૧૯૮૪, ૧૯૮૬, ૧૯૯૧, ૧૯૯૩, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૪ અને ૨૦૧૬માં પ્રકાશિત થઈ હતી.

સુન્દરમે આ નવલકથાની પ્રશંસા કરતા લખ્યું છે કે, ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે.

સૌરાષ્ટ્રના જાણીતા વર્તમાનપત્ર ‘ ફૂલછાબ ‘ ના વાચકો માટે ભેટ પુસ્તક તરીકે આપવા મેઘણીજીના આગ્રહથી પન્નાલાલ પટેલે માત્ર 24 જ દિવસમાં લખી આપેલ આ નવલકથાની આજે કંઈ કેટલીય આવૃત્તિ થઈ ચૂકી છે. હિંદી, પંજાબી, કન્નડ અને અંગ્રેજી વગેરે ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો છે. એટલું જ નહીં, ચાહકોને તો યાદ જ હશે કે આ નવલકથા પરથી હિંદીમાં ‘ ઉલ્ઝન ‘ , ગુજરાતીમાં ‘ મળેલા જીવ ‘ અને કન્નડ માં ‘ જન્મુદા જોડી ‘ નામે ફિલ્મો પણ બની છે. ગુજરાતી નાટયજગતના જાણીતા દિગ્દર્શક શ્રી નિમેષ દેસાઈ અને ટીમે આ નવલકથાનું નાટયરૂપંતર પણ કરેલું.

🌼 પુસ્તક સમીક્ષા – અમર કથાઓ
=============================

📚 માનવીની ભવાઈ ભાગ 1 – પન્નાલાલ પટેલ

📚 માનવીની ભવાઈ ભાગ 2 – ભૂખી ભુતાવળ


મળેલા જીવ ‘ નવલકથા ઉંમરના અલગ અલગ પડાવ પર જ્યારે પણ વાંચીએ, દર વખતે કૈંક નવું આપી જાય છે. આ પ્રણય નવલ વાંચતા કેટલાક શાશ્વત પ્રશ્નો મનમાં ઉદ્દભવે. જેમનું મિલન દોહ્યલું હોય એવા બે વ્યક્તિઓ જ કેમ પ્રેમમાં પડે છે? આ જગત અને ઇશ્વર ( જો હોય તો ) પણ પ્રેમીઓને આટલા કનડતા કેમ હશે?

પ્રેમમાં એવું તો શું થઈ જાય છે કે સ્વાર્થ અને સ્વબચાવ જેવી મૂળભૂત લાગણીઓ ભૂલીને પ્રેમી પોતાના પ્રિયપાત્ર પાછળ ન્યોછાવર થઈ જાય છે? એ કયું તત્વ છે જે પ્રેમદશામાં માનવીની અંદરથી તેનું શ્રેષ્ઠ સ્વરૂપ બહાર લાવે છે? લૈલા મજનૂ, હીર રાંઝા, શિરી ફરહાદ, રોમિયો જુલિયેટની કથા સદીઓ વીતવા છતાં કેમ માત્ર સ્થળ, કાળ અને નામના ફેરફાર સાથે પુનરાવર્તન પામ્યા કરે છે?

તમે પણ વાંચો આ નવલકથા અને જુઓ તમને આ પ્રશ્નોના શું જવાબ મળે છે? નીચે ટાંકેલ અને કાનજીના મુખે લેખકે મૂકેલ દુહો અને ભગતના મુખે અંતમાં બોલતો એક સંવાદ કદાચ જવાબો તરફ કોઈક ઈશારો કરે અથવા કોઈ નવો પ્રશ્ન ઊભો કરે તેમ પણ બને.

” ભલા રચ્યાં રે ઊંડા આભલાં,
દન દન ના જુદાં ચાંદ,
ફરતો મેલ્યો રે ગગન દીવડો,
મારી ધરતીના લઉં રે ગુમાન…”

“સર્જ્યું એમાંય ભલું માનવી,
તારી કલાની કલગી સમાન,
શીદ મેલ્યું ‘ લ્યા ઝરમર કાળજું,
ભૂલ્યો ભૂલ્યો ભલા ભગવાન !”

“પેદા કર્યો તે ઈશ ભલે કર્યો,
ભલે રાખ્યાં ખાન ને પાન,
પણ શી રે જરૂર હતી પ્રીતની?
ભૂંડા! કાચા તાંતણે બાંધ્યા જાન !”

-કાનજી

“વાહ રે માનવી, તારું હૈયું! એક પા લોહીના કોગળા, તો બીજી પા પ્રેમના ઘૂંટડા !”

-ભગત


ટૂંકમાં કહું તો ‘મળેલા જીવ’ એટલે જેને વાંચતા વાંચતા આપણો જીવ અધ્ધર થઈ જાય એવી એક ગામડાની પ્રેમગાથા જે કુલ ૨૨ પ્રકરણમાં વણાયેલી છે. જેમાં પોતાના પ્રિયપાત્રને પરિવારથી છૂપાઈને મળવાનો હરખ પણ છે અને પોતાના પ્રિય પાત્રને લોકલાજે અને સમાજના ડરથી કોઈ બીજાને સોંપી દેવાની વેદના પણ છે.  આ નવલકથા મારી પુસ્તકાલયમાં અને મારા હ્રદયમાં કાયમી પ્રથમ સ્થાને જ રહેશે.

મળેલા જીવ નાટક તરીકે ખુબ ભજવાયુ જાણવા જેવી માહિતી

મળેલા જીવ નાટક
મળેલા જીવ નાટક

{૧} શ્રી પન્નાલાલ પટેલ દ્વારા લિખિત  ગુજરાતી નવલકથા “મળેલા જીવ”નુ  ૧૯૫૦માં શ્રી શશિકાંત નાણાવટીએ  નાટ્ય રૂપાંતર કર્યુ હતુ.. ૩-૧૨-૧૯૫૦માં જવનિકા થિયેટર દ્વારા તેની પ્રથમ ભજવણી થઈ હતી, જેનુ દિગ્દર્શન  શ્રી હરકાંત શાહે કર્યુ હતું. નાટક અમદાવાદની ટેક્ષટાઇલ કોન્ફરન્સમાં ભજવાયુ અને  ત્યાર બાદ સૌરાષ્ટ્રના ધાંગધ્રા ,સુરેન્દ્રનગર અને લીમડી જેવા શહેરોમાં રજૂ થયુ હતું. 

ડૉ. ઇન્દુભાઇ પટેલ ( કાનજી), કલા શાહ (જીવી) 
હરકાન્ત શાહ ( ભગત), પી ખરસાણી ( ધુળિયો -હજામ) વગેરે કલાકારોએ પાત્રને ન્યાય આપ્યો હતો અને
રામકુમાર રાજપ્રિય એ સંગીત આપ્યુ હતું.

{૨} નવેમ્બર ૧૯૫૫માં ટાઉન હોલમાં શ્રી હરકાન્ત શાહના દિગ્દર્શનમાં ” રંગમંડળ” દ્વારા આ નાટકની રજૂઆત થઈ ત્યારે બોક્સ ઑફીસ પર એક નવો જ રેકોર્ડ સર્જાયો હતો.. ઇતિહાસમાં આ કદાચ પ્રથમ વાર હશે કે જેમાં નાટ્ય રસિકોએ આટલો રસ દાખવ્યો હતો..

શ્રેષ્ઠ નાટ્યકર્તા જયંતિ દલાલ, હીરાલાલ ભગવતી, નિરૂભાઇ દેસાઇ જેવા અનેક વિષેશજ્ઞો આ નાટકના રિહર્સલ દરમ્યાન ઉપસ્થિત રહેતા હતા અને તેમનું માર્ગદર્શન આપતા હતા.. બોમ્બે ગવર્મેન્ટ દ્વારા સંયોજીત મુંબઈ રાજ્ય નાટ્ય સ્પર્ધામાં આ નાટક ભજવાયુ ત્યારે નાટકે  ૩જુ ઇનામ જીત્યુ હતુ. તેમજ ધુળીયા ઘાંયજાના પાત્રમાં પી ખરસાણીએ  પણ પારિતોષિક જીત્યુ હતુ.

{૩} ત્યાર બાદ  જવનિકાના નેજામાં હરકાન્ત શાહના દિગ્દર્શન પ્રોડક્શન હેઠળ “મળેલા જીવ ”  ફરી એક વાર ભજવાયું.

પ્રેમાભાઇ હૉલ , ટાઉનહૉલમાં શૉ કર્યા બાદ તેમણે   અમદાવાદ-મિરઝાપુરમાં કસ્તુરભાઇ બ્લોક પાછળ ઓપન એર થ્રીડાયમશનલ થીયેટર બનાવ્યુ.  ગુજરાતી  રંગભૂમિના  ઇતિહાસમાં  આ  સૌથી  નવતર  પ્રયોગ  હતો.  તે સમયે  કે.પી શાહ ( કાનજી),  કોકિલા શાહ (જીવી),  એઝરા ક્રિશ્ચિયન (ભગત),  બાબુ રાજા(ધુળિયો) ,  નરેન્દ્ર ત્રિવેદી (હીરાભાઇ)  ઉપરાંત  બેબી અલ્મેકર, લિના શેઠ, વિહંગીની મહેતા, 
જયંતી પટેલ,  પ્રવીણ દવે, ઘનશ્યામ કુસુમગર  વગેરે કલાકારોએ  વિવિધ પાત્રો નિભાવ્યા હતા.

સંગીત સંચાલક રામકુમાર રાજપ્રિય હતા. આ નાટકની ભજવણી સૌરાષ્ટ્ર ,સુરત, બરોડા, નડિયાદ, બોમ્બે અને ગુજરાતના અનેક નાના શહેરોમાં થઈ.આ નાટક પ્રથમ વાર ભજવાયુ ત્યારે શ્રી પન્નાલાલ પટેલ પોંડીચેરી હ્તા. તેમણે આ નાટક જવનિકાના ઓપન એર થિયેટરમાં ૧૯૫૬ના નવેમ્બરમાં જોયુ. તેઓ એટલા તો ખુશ થઈ ગયા કે નાટકના કલાકારોને સંબોધીને કહ્યુ હતું  ” અરે ભાઇ , તમે તો મારા કાનજી અને જીવીને જીવતા કરી  દીધા”. ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી બલવંતભાઇ મહેતાએ પણ પ્રેમાભાઇ હૉલમાં આ નાટક જોયુ હતુ.

જ્યારે  જવનિકા દ્વારા ઓપન એર થિયેટરમાં આ નાટક ભજવાતુ હતુ ત્યારે  અમદાવાદના ઘી કાંટા રોડના એલ.એન. થિયેટરમાં ગુજરાતી ચલચિત્ર “મળેલા જીવ” પ્રદર્શિત થયુ હતું.  ફિલ્મના સમગ્ર યૂનિટ કે જેમાં દિગ્દર્શક મનહર રસકપૂર,  હીરો મનહર દેસાઇ, હીરોઇન દીના ગાંધી,  ચાંપશીભાઇ નાગડા નો સમાવેશ થયો હતો..

ફેબ્રુઆરી ૧૯૫૭માં ભારતિય સાહિત્ય સંઘ (અમદાવાદ) દ્વારા  આ નાટકનુ પુસ્તક પ્રગટ થયુ હતુ.
૧૭મી સપ્ટેમ્બર ૧૯૬૦માં આ નાટક અમદાવાદ , બરોડા અને રાજકોટ્ના ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પરથી પણ પ્રસારિત થયુ હતું.

[૪]  કેટલાક વર્ષો બાદ ફરીથી આ નાટક ભજવ્યુ રંગમ થિયેટરે (અમદાવાદ). દિગ્દર્શક હતા રમણીક જાની અને ભગવત જાની.સંગીત સંચાલક હતા રામ ચૌહાણ અને અરવિંદ જોષી. રમણિક દેસાઇ, રામ દવે ,દિનકર પંડ્યા, ભગવત જાની, પુર્ણિમા પારેખ તેમજ અન્ય કલાકારોએ પાત્ર ભજવ્યા હતા.

[૫]   ઓગસ્ટ ૧૯૬૦માં આ નાટક બોમ્બે બિરલા માતુશ્રી ભવનમાં ભજવાયુ . નિર્દેશક હતા અતિ પ્રતિષ્ઠિત  નાટ્ય કલાકાર તેમજ ફિલ્મ અભિનેતા પ્રતાપ ઓઝા તેમજ દિગ્દર્શક હતા પી.ખરસાણી.
સંગીત સંચાલક હતા ભાનુભાઇ ઠાકર ,  નૃત્ય નિર્દેશન સંભાળ્યુ હતુ દિના પાઠક  (ત્યાર પછી દિના ગાંધી) અને ઉદયન બ્રહ્મભટ્ટે.

કલાકારો હતા- નાટ્ય જગતના  અતિ લોકપ્રિય  કલાકાર તેમજ ફિલ્મ અભિનેતાઅરવિંદ પંડ્યા (કાનજી), તરલા મહેતા (જીવી) , ચંપક લાલા (ભગત),
પી. ખરસાણી (ધુળિયો), પ્રતાપ ઓઝા ( હીરાભાઇ), દેવયાની દેસાઇ (નાની ડોશી) તેમજ અન્ય.  ગીતકાર હતા પિનાકીન ઠાકોર, હરીન દવે અને કાંતિ અશોક.

{૬} ૧૧મી નવેમ્બર ૧૯૬૨માં સ્વ. નિરુભાઇ ત્રીવેદી કે જેમણે જવનિકાના “મળેલા જીવ”ના અનેક શૉમાં હીરાભાઇ , તેમજ જવનિકાના બીજા પણ નાટકોમાં પાત્ર ભજવ્યા હતા, તેમના સ્મ્રૃતિ ફંડ નિમિત્તે આ નાટક ભજવાયું.

(૭) યુનિયન ટ્રેડર્સ અને જવનિકા થિયેટરના બેનર હેઠળ  ૩૧ ઓગસ્ટ ૧૯૬૯માં  આ નાટક ટાઉન હૉલમાં ભજવાયુ . દિગ્દર્શક હતા હરકાન્ત શાહ અને એઝરા ક્રિશ્ચિયન.સંગીત સંચાલન કર્યુ ભાઇલાલ બારોટે. કલાકારો હતા અરૂણ દત્ત વ્યાસ (કાનજી ), કલા શાહ (જીવી) તેમજ જવનિકાના અન્ય કલાકારો.

(૮) ફરી એક વાર ૪૨ વર્ષ બાદ ૩જી જુલાઇ ૨૦૧૧ના રોજ આ નાટક જયશંકર સુંદરી હૉલમાં કોરસના બેનરમાં ભજવાયુ. દિગ્દર્શક છે નિમિષ દેસાઇ  તેમજ સંગીત સંચાલન પણ તેમણે જ સંભાળ્યુ છે. કલાકારો છે પૂજા  સોની (જીવી ), શોનક વ્યાસ (કાનજી) , પાર્થ રાવલ ( ધુળિયો),  પ્રકાશ જોષી (ભગત),  ગોપાલ બારોટ (હીરાભાઇ), અનુપમા શુક્લ (નાની ડોશી)  ઉપરાંત રાહી પંડ્યા હેતલ મહેતા ભાવેશ સુતરિયા, પ્રકાશ ભાટિયા શિવાની નાયક, ભૌમિક નાયક,  આનંદ ઠક્કર, યશ મોદી, ૠતુજા પટેલ , અભય સોની, નિમિષ દેસાઇ અને અન્ય.

૧૯૫૦થી ૧૯૬૯ સુધીમાં લગભગ ૧૨૩ વાર આ નાટક ભજવાયું. આ સમય દરમ્યાન  ૫ કાનજી ( ડૉ. ઇન્દુભાઇ પટેલ, મહેન્દ્ર પાઠક, કે.પી શાહ, અરવિંદ પંડ્યા અને અરૂણ દત્ત વ્યાસ ), ૪ જીવી ( અનુપમા સુતરિયા, કલા શાહ, કોકિલા શાહ, તરલા મહેતા), ૫ ભગત (હરકાન્ત શાહ , મોહન ઠક્કર, એઝરા ક્રિશ્ચિયન, ચંપક લાલા અને ભગવત જાની), ૩ ધુળીયા (પી ખરસાણી, બાબુ રાજા અને દિનકર પાઠક) અને ૭  નાની ડોશી ( વસુંધરા દેસાઇ, કલા શાહ, વસુમતી ,ચારુ પટેલ, દેવયાની દેસાઇ અને સાવિત્રી રાવલ) જેવા કલાકારોએ ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો 👇 અમરકથાઓ

📚 અઘોર નગારા વાગે ભાગ 1 – અદ્ભુત સંતોનાં દર્શન

📚 અઘોર નગારા વાગે book – અઘોરી કાપાલિકની જાળમાં

📚 અઘોર નગારા વાગે 2 – યોનિપૂજા

ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ
ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ click કરો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *