Skip to content

શેણી વિજાણંદ ની વાર્તા | sheni vijanand history

શેણી વિજાણંદ
8640 Views

શેણી વિજાણંદ ની વાર્તા, શેણી વિજાણંદના દુહા, શેણી વિજાણંદ ઝવેરચંદ મેઘાણી – સૌરાષ્ટ્રની રસધાર, શેણી વિજાણંદ પિક્ચર, શેણી વિજાણંદ ના ગીત, શેણી વિજાણંદ નાટક, શેણી વિજાણંદનો ઇતિહાસ, સૌરાષ્ટ્ર ની અમર પ્રેમકથાઓ, Sheni vijanand story in gujarati wikipedia, sheni vijanand story in gujarati pdf, sheni vijanand history, sheni vijanand lok varta,

શેણી વિજાણંદ – બાળપણાની પ્રીત

શેણી વિજાણંદ અમરકથા

“વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભીંત,
પડદેથી વાતું કરે, બાળપણની પ્રીત.”

માવતરે નાનપણમાંથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચારી ચારીને પેટવડિયે ઊછરતો હતો. ગીરના ડુંગરામાં આથડતાં એની અવસ્થા વધતી જતી હતી. પણ એ નમાયા છોકરાને ઘસીચોળીને નવરાવનાર-ધોવરાવનાર કોઈ નહોતું. એના માથામાં જુઓ પડતી અને રઝળુ છોકરો મોટો થાતાં થાતાં એ રીતે પોતાનાં ખરાં રંગરૂપ ખોઈ બેઠો હતો.

કોઈ ભેરુબંધ વિનાના એકલા આથડતા એ છોકરાએ આખરે એક સંગાથી હાથ કરી લીધું: ગીરની વનસ્પતિમાં ભમી ભમીને એક તૂંબડાના વેલા પરથી ગોળ મોટાં બે તૂંબડાં ઉતાર્યાં. પવનની લહેરે લહેરે જેના પોલાણમાંથી દિવસરાત કોઈ ગેબી સૂર વગડ્યા કરતા એવા એક વાંસની પાંચ કાતળીઓનો કટકો કાપી લીધો. વાંસને બેય છેડે તૂંબડાં પરોવીને છોકરાએ તે ઉપર તાર અને તાંત્યો બાંધ્યાં. કોઈ ઝાડવાના થડમાંથી ઝરતો રસ લાવીને એ જંતર (વાજિંત્ર) ઉપર ચોપડી દીધો. ઉપર મોરપિચ્છનો ગુચ્છો લગાવ્યો.

એવું રૂપાળું બીન બનાવીને જ્યારે પહેલી વાર એ છોકરાએ જંતરના તાર ઉપર પોતાની આંગળીઓ ફેરવી, તે વખતે એ વાંસ અને તૂંબડાંના પોલાણમાં કોઈ જુગ જુગનું જૂનું સંગાથી બેઠું હોય ને સામા હોંકારા દેતું હોય, એવા સૂરો સંભળાયા. થોડા દિવસે તો છોકરાએ જંતરને ખંભે ઉપાડીને ફક્ત હૈયાની જ ઉકલત પ્રમાણે આંગળીઓ ચલાવી; ઝાડવે ઝાડવે, ઝરણે ઝરણે ને ગીરને ગાળે ગાળે ગીતો બેસાડવાનું આદરી દીધું.
જંતર ઉપર અજબ ઝડપે એનો હાથ બેસી ગયો. છત્રીસે રાગરાગણીઓ એની સામે હાથ જોડીને ઊભાં રહ્યાં:

“જંતર મોટે તૂંબડે, બત્રીસે ગમે,
છત્રીસ લવણ રમે, વિજાણંદને ટેરવે.”

[મોટાં તૂંબડાંવાળું એ બીન: એમાં બત્રીસ તો ગમા ગોઠવેલા: અને એમાંથી છત્રીસ જુદી જુદી રાગણીઓ વિજાણંદનાં ટેરવાંનો સ્પર્શ થતાં કલ્લોલ કરી રમવા લાગે છે.]
અમરકથાઓ

ગીરથી થોડું ઢૂંકડું ગોરવિયાળી નામે એક ગામ આવેલું છે. કોઈ કોઈ વાર પોતાની ભેંસોને ઘોળીને વિજાણંદ આ ગોરવિયાળી ગામમાં આવતો. પહેલી વાર જ્યારે એ આવ્યો ત્યારે ગામને પાદરે કૂવાકાંઠે જઈને એણે પનિયારીઓને કહ્યું: “પાણી પાશો?”

બેમાંથી એક પનિયારી હજુ કુમારિકા હતી, કુમારિકાએ આ પાણી માગનારા છોકરાની સામે જોયું. જોતાં જ ઘડો સિંચીને કાઢ્યો હતો તે પણ એણે ઢોળી નાખ્યો. જરાક મોં મચકોડ્યું. પોતાની સંગાથણને કહ્યું: “બીન, ઈને પાણી પાજે. મું તો ઈનો વહરો રૂપ ભાળેને ફાટે મરાં, બાઈ!”

એટલું બોલી એ રૂપ-નીતરતી કુમારિકા પોતાના ગોરા અંગ ઉપરની કાળી કામળી મથરાવટીએથી મોખરે તાણી લઈ, માથે બેડું મૂકી, ઉતાવળે ગામ તરફ ચાલતી થઈ. પાછળથી બીજી પનિયારીએ સાદ દીધો, “ભણેં શેણીબા! તોળી ગાગર કાળમખો કાગડો બોટતો સૅ!”

વિજાણંદે તરત એ બાઈને કહ્યું: “અરે બાઈ! માણસ કરતાં કાગડો તો ચડિયાતા રૂપવાળો ખરો ને! કાગડો આખું બેડું બોટે છે પણ મને ખોબો પાણી પાતાંયે ઈનો જીવ નો હાલ્યો? હશે!”

તરસ્યો છોકરો પાણી પીને ગામમાં ગયો. ગામમાં વેદો ગોરવિયાળો નામે મોટો માલધારી પરજિયો ચારણ વસે છે. વેદાને આંગણે ત્રણસો ભેંસો દૂઝે છે. પ્રભુના ચારેય હાથ એ ચારણને માથે છે. એ વેદા ગોરવિયાળાની ડેલીએ જઈને વિજાણંદે પોતાનું જંતર ટીંગાડી વિસામો કર્યો. વેદા ગઢવીએ બાળકને આદરમાન દીધાં.

રાતે વાળુ કરતાં કરતાં વિજાણંદે એરંડિયા તેલના દીવાને ઝાંખે ઝાંખે અજવાળે પીરસવા આવનારી કન્યાને ઓળખી: કૂવાને કાંઠે મને કદરૂપો કહીને પાણી પાયા વિના ચાલી નીકળેલી છોકરી તે આ પોતે જ: વેદાની સાત ખોટની એક જ દીકરી: બાપ એને વારે વારે ‘શેણી! બેટા શેણી!’ કહીને સાદ કરે છે. ઠીક,જીતવા! વેદાની દીકરી મને ભિખારીને પાણી ન પાય એનો ધોખો હોય કાંઈ! ક્યાં હું નમાયો, નબાપો, નિર્ધન ને ક્યાં બાદશાહી બગીચાની ડોલર કળી!

વાળુ કરીને સહુ ફળીમાં ચંદ્રને અજવાળે ખાટલા ઢાળી બેઠાં છે. ઉનાળાની રાત, એટલે આભ જાણે હીરે મઢાઈ ગયું છે. શીતળ પવન ઝાડવાંની ડાળીઓ સાથે ભાતભાતના ગેલ કરી રહ્યો છે. અને એમાં પોતાની પાંચ ભેંસોએ વીંટી લીધેલા ખાટલા ઉપરથી વિજાણંદે જંતરને ખંભે લઈ બજાવવાનો આદર કર્યો.

વાજિંત્રના પોલાણમાં પોઢેલી કોઈ વનદેવી પોતાના ભેરુનાં સુંવાળાં ટેરવાં અડતાંની વાર જ જાગીને પોતાના વીતકોની વાતો કરતી હોય તેવા વિલાપના સૂર સંભળાવા લાગ્યા. દીકરા વિહોણી માતા રોતી હોય, પિયુ-વિજોગણ અબળા રોતી હોય,ભાઈવછોઈ બહેન ઝંખતી હોય, પ્રભુએ ત્યેજેલો ભક્ત વલવલતો હોય, અને ધણી વિનાનાં ઢોર ધા દેતાં હોય એવા ધ્વનિ નીકળવા લાગ્યા. વચ્ચે વચ્ચે વાજિંત્રના તારમાંથી મીંડના સૂર નીકળતા તો સાંભળનારા સહુને કલેજે ન કહેવાય, ને ન સહેવાય તેવું કંઈ કંઈ થાવા લાગ્યું. હાથમાં હોકા હતા તેની ફૂંકો લેવાતી બંધ થઈ, કૂતરાએ ભસવું છોડી દીધું, ભેંસો વાગોળતી અટકી ગઈ અને વેદાના ઘરની અંદરથી જાણે એક નિ:શ્વાસ નીકળ્યો હોય તેવો અવાજ સંભળાણો:

“જંતર વાયું જે, આંગણિયે આવીને,
કાળજ કરવતીએ, વાઢી ગિયો વિજાણંદો.”

વેદા ગઢવીને મોહ લગાડીને વિજાણંદ ચાલી નીકળ્યો. પણ પછી તો વારેવારે એને નોતરાં મળવા લાગ્યાં. જંતર લઈને વારંવાર વિજાણંદ ગોરવિયાળી આવ-જા કરવા લાગ્યો: એવી કંઈ કંઈ ભાંગતી રાતોમાં ભીંતની આડશે બેઠેલી કન્યા શેણીના જીવતરની નૌકાના સઢ ચિરાતા ગયા. અને —

“ગમે ગમે ગોઠડી, નવ તાંત્યુંમાં નેહ,
હૈયામાં હલકેહ, વિજાણંદનાં તૂંબડાં.”

[ એ વાજિંત્રનો પ્રત્યેક ગમો ગાતો ગાતો જાણે કે શેણીની સાથે ગુપ્ત ગોઠડી કરી રહ્યો હતો, નવે તાંતો જાણે શેણીની સાથે જ સ્નેહ બાંધતી હતી. ને બીનનાં તૂંબડાં ઘેરા પડછંદા પાડીને જાણે એકલી શેણીના હૈયામાં જ હલકાં દેતાં હતાં.]

જેને કદરૂપો કહીને, અને જેનાં મોંથી બી જઈને કૂવાને કાંઠેથી શેણી ભાગી નીકળી હતી, તેનું ગુપ્ત સ્વરૂપ હવે શેણીએ એના ગુણભર્યા સંગીતમાં નીરખ્યું. નીરખીને ગાંઠ વાળી લીધી કે બીજા બધા તો ભાઈ-બાપ છે. ચારણની દીકરી મોંએ ચડીને કોઈને પોતાના મનની વાત કરી ન શકી. નેસડામાં કોઈ સરખી સહિયર નથી. ઘરમાં કોઈ બહેન-ભોજાઈ નથી.

ગામમાં સ્ત્રી-પુરુષો શેણી આઈને જોગમાયાનો અવતાર કરી જાણતાં. શેણી આઈએ અખંડ કુમારિકા રહેવાનો નિરધાર કર્યો છે એમ સહુને ખબર હતી. બાપને તો સ્વપ્નેય ધારણા નહોતી કે આવા કદરૂપા જુવાન ઉપર પોતાની લાડકી દીકરીનું દિલ ચોંટી શકે. ફક્ત એક વિજાણંદે જ શેણીની નીચી ઢળતી આંખોમાં ને થરથર ધ્રૂજતા હોઠમાં પ્રીતની છાની વાત વાંચી લીધી હતી.

એવી એક રાતનો ચોથો પહોર ચાલે છે. વિજાણંદની વીણાના સ્વર-છંટકાવમાં આખો દાયરો નીતરી રહ્યો છે. જોરથી શ્વાસ લીધે પણ પાપ બેસે એવી રાગરાગિણીઓની ઊંડી જમાવટ રાતના હૈયા ઉપર થઈ ગઈ છે. ઓરડામાં દીવાની દિવેટે મોગરો ચડી ગયો છે, તેને ખેરવવા ઊઠવાને પણ એ ઓરડાની ઓથમાં બેસી રહેલી કન્યાનું મન નથી કબૂલતું. બગાસું પણ આવ્યા વગર આખી રાત નીકળી જાય છે.

પ્રભાતે વેદા ગોરવિયાળાએ દાયરો ભરી, કસુંબો લેવરાવી, વિજાણંદને કહ્યું: “ભાણેજ! ઘણા દી તેં અમને મોજ કરાવી. આજ તો હવે તારી મોજનો વારો છે. આ મારા ઘરમાં આટલી ગાયું-ભેંસુ છે, રિદ્ધિ-સિદ્ધિ છે, એમાંથી તને મોજ આવે તે ચીજ માગી લે, ભાણેજ!” અમર_કથાઓ

વિજાણંદે માથું ધરતી તરફ ઢાળી દીધું. ઓરડામાં શેણીના હૈયે શ્વાસ સમાતા નથી. કાળજું ફડક ફડક થાય છે. કોણ જાણે ચારણ શી ચીજ માગશે!

“કેમ ભા! કેમ માથું નીચું ઢાળી દીધું?”

“મામા! શું માગું? રિદ્ધિસિદ્ધિની અબળખા નથી રહી. ભેંસું પણ હું સાચવી શકું એટલી તો જગદંબાએ દીધી છે. હવે ભાર કોના સારુ વેંઢારું?”

“વિજાણંદ! માગી લે, હું કહું છું. મારી મોજ મારી જાય નહિ. મને અસદ્ગતિ મળે. માગી લે ઝટ.”

“પણ હું માગીશ ઈ તમથી નહિ દેવાય, મામા!”

“હું મારી દેહ વેચીને પણ તારો સવાલ પૂરો કરીશ. આંચકો ખા મા. માગી લે, ન આપું તો દેહ પાડી નાખું.”

“મામા! એક જ માગણી કરું છું: શેણીનો હાથ….”

સાંભળતાં જ વેદા ગઢવીના મુખ પરથી સોળે કળાઓ સંકેલાઈ ગઈ. હથેળીમાં કસુંબાની અંજલિ ભરેલી તે ધરતી પર ઢોળી નાખી. કપાળે પરસેવાનાં બિન્દુ બાઝી ગયાં. કોચવાઈને વેદાએ કહ્યું: “છોકરા,માગવાની રીતે માગવું જોઈએ.
તેં આજ મારું મૉત બગાડ્યું: વેદાની સાત ખોટની દીકરી તારા જેવા ભટકતા ભિખારીને મળે, જેને નથી માવતર, કે નથી એકેય કૂબો?”


“કાંઈ નહિ, મામા, મારી ભૂલ થઈ.”

એટલું જ કહી, જંતર ખભે ઉપાડીને ગરીબડે મોંએ વિજાણંદ ખાધાપીધા વગર ચાલી નીકળ્યો, અને આખા ચારણ દાયરાએ વેદા ગઢવી ઉપર પીટ પાડવાનું આદર્યું: “વેદા ગઢવી, ભણેં વેણ પાળવો નૂતો તો વેણ દીધો કેવા સાટુ ? ચારણ તોરે આંગણે નિસાસો નાખેંને હાલે નીકળ્યો ઈ ખબર છે ? તોળું ધનોતપનોત નીકળેં જીસે.”

વિમાસણ કરીને વેદાએ કહ્યું: “પાછો વાળી લાવો એને.”

પાદરથી વિજાણંદને પાછો વાળી આવ્યા. વેદો ફરી વાર બોલ્યો:“ભણેં ભરવાડા, મોળી સાત ખોટ્યની શેણી ઈ એમ નો મળે; શેણીનું કાંડું જોતું હોય તો જા: નવચંદરિયું ભેંસ્યું એક સો ને માથે એક, ભેળિયું કરી લે આવ્ય; એક વરસની અવધ્ય દેતો સાં. પોર બરાબર આ જ તથ્યે જો નો પોગાય, જો એક દીનું મોડું થાય, તો જાણજે કે આ ભવમાં શેણીનું મોંયે જોવા નૈ મળે. નીકર એક વરસની અવધ્યમાં આવેંને એક સો એક નવચંદરિયું મોળે ખીલે બાંધે જાજે, અને ખુશીથી શેણીને હથવાળે પરણતો જાજે. છે કબૂલ?”

“કબૂલ છે, મામા!”

એટલું કહીને વિજાણંદ વળી નીકળ્યો. પોતાની પાંચ ભેંસો હતી તેને બચ્ચીઓ ભરી ભરીને કોઈક ઓળખીતા નેસમાં મોકલી દીધી. પાંચેયની સામે હાથ જોડીને બોલ્યો: “મારી માતાજિયું! ડુંગરામાં નિરાંતે ચરજો. હું હમણાં આવું છું. વરસને વીતતાં વાર નહિ લાગે, અને પછી તમારાં ખાણ નીરનારી, ગોરસડાં મેળવનારી, પાડરું પાળનારી ને વલોણાં ગજવનારી શેણી આપણે ઘેર આવશે. રૂડા ઘર બાંધીને નદી કાંઠે ક્યાંક રે’શું. કોચવાશો મા, હો!”

ભેંસોની આંખોમાંથી મોટે ટીપે આંસુડાં ચાલ્યાં જાય છે. વિજાણંદની પણ છાતી ભરાઈ આવી. પણ એ તો હિંમતભેર ચાલી નીકળ્યો. એને તો ખાતરી હતી કે ‘મારું જંતર જે નેસડામાં જઈને વગાડીશ. ત્યાંથી પાંચ પાંચ નવચંદરી ભેંસો શું મને નહિ મળે? એવા વીસ નેસડાં તો પાંચ મહિનામાં ફરી વળીશ.’

વિજાણંદ ચાલી નીકળ્યો. ઝૂરતી શેણી જંગલના તેતરને વીનવે છે કે હે ગણેશ પંખી, તું મારા પિયુની આડો ડાબી બાજુએ ઊતરજે કે જેથી અપશુકન સમજીને એ પાછો વળે. ફરી વાર શેણીએ પોકાર કર્યો:

“હરણા તારી ડોકમાં, ઘડાવું ઘૂઘરમાળ,
સોને મઢાવું શીંગડી, વિજાણંદ પાછો વાળ્ય!”

[હે હરણ, તું ડાબી બાજુ ઊતરીને વિજાણંદને અપશુકન દે, તો હું તારે કંઠે ઘૂઘરમાળ પહેરાવીશ, તારી શીંગડીઓ સોને મઢાવીશ.]

નેસડે નેસડે જઈને વિજાણંદ ગળતી રાતનું જંતર બજાવે છે અને માનવીની આંખોમાંથી નીંદર ઉડાડી મૂકે છે. પ્રભાતે પ્રભાતે ભરદાયરામાં વિજાણંદને ભેટ આપવાની વાતો થાય છે. પણ નવચંદરી ભેંસોનું નામ પડતાં નેસવાસીઓ લાચાર બની જાય છે. ચાર ચાર પગ ધોયેલા: પૂંછડાને છેડે ધોળા વાળ: અક્કેક આંચળ ધોળો: લલાટમાં ધોળું ટીલું: મોં ધોળું: અક્કેક આંખ ધોળી: એવાં નવ નવ શ્વેતરંગી ચંદ્ર-ચિહ્નોવાળી ભેંસો તે નવચંદરી કહેવાય. એવી ભેંસો ક્યાંઈક મળે છે, ને ક્યાંઈક નથી મળતી. નવમાંથી એક પણ ઓછું ચાંદું તો ચાલે તેમ નથી.

વિજાણંદની ગણતરી ખોટી પડી. પાંચ-પાંચની ધારણા હતી ત્યાંથી એક-એક પણ માંડ માંડ નીકળી. મળી તેમ તેમ હાંકીને વિજાણંદ ભમવા લાગ્યો. આઘે આઘે નીકળી ગયો. કેટલો દૂર નીકળી પડ્યો છે તેનું ભાન ન રહ્યું. ખાવુંપીવું, બધું જ વિજાણંદ વીસરી ગયો છે. દિવસ ને રાત જંતર ઉપર જ ટેરવા ફરે છે, અને ‘નવચંદરી ભેંસો’ એટલો જ મોંમાંથી સવાલ પડે છે.

ગીર વટાવીને વિજાણંદ બરડામાં, હાલારમાં, ઝાલાવાડમાં જ્યાં જ્યાં કોઈ નવચંદરીના સમાચાર મળે ત્યાં ત્યાં રઝળે છે. દિવસ પછી દિવસ અને પછી તો પહોર પહોરની ગણતરી કરે છે. એમ કરતાં એક વરસમાં થોડા જ દિવસ ઓછા રહ્યા. વેદાએ આપેલી અવધ ચાલી આવતી હતી.
વાટ જોવાનો છેલ્લો દિવસ હતો. અષાઢ બેસી ગયો. જગત પર વર્ષાનો ઉગમ થયો.

“વરસ વળ્યાં વાદળ વળ્યાં, ધરતી નીલાણી,
(પણ) એક વિજાણંદને કારણે, શેણી સુકાણી”.

[વરસ પાછું વળ્યું. વાદળાં પણ બરાબર બાર માસની મુદતે હાજર થઈ ગયાં. પૃથ્વી એ સહુના પુનર્મિલન થકી નીલી વનસ્પતિનાં જોબનરંગે હસી-ઉલ્લસી ઊઠી. હાય! એ બધાં તો લીલુડાં બન્યાં, કેમ કે મિલનનું સુખ પામ્યા; સુકાઈ શોષાઈ સળગી ગઈ એક માત્ર શેણી, કારણ કે એને એકલીને જ વિયોગ રહ્યો, વહાલા વિજાણંદનો.]

તે દિવસે ગોરવિયાળી ગામને પાદરે પાણી સીંચતી પનિયારી શેણી ગામેગામ ભણીથી ચાલ્યા આવતા લાંબા લાંબા કેડા ઉપર મીટ માંડીને જોયા કરે છે કે ક્યાંય વિજાણંદ આવે! ક્યાંય એક સો એક નવચંદરીઓનું ખાડું ગોરજના ડમ્મર ઉડાડતું આવે! ક્યાંય જંતરના સંદેશા લઈને પવનની લહેરીઓ આવે!

જો આવે તો આજ આ કૂવાકાંઠે પેટ ભરી ભરીને પીએ એટલું પાણી પાઉં; એની એકસો ને એક નવચંદરીઓને પણ મારે હાથે બેડાં સીંચી સીંચીને પાણી ધરવ કરાવું; લાંબો પંથ કરીને આવતા પિયુડાને માથાબોળ નવરાવું; એનાં લૂગડાં આ ઓઝત નદીની ધોળી ધૂળમાં ઘસીને ઊજળાં દૂધ જેવાં કરી સુકાવું: તે દિવસે પાણી પાયું નહોતું એનો બદલો વાળી દઉં! પણ વિજાણંદ તો દિવસ રોળ્યકોળ્ય રહ્યો છતાં આવતો નથી. પાદરથી નીકળતી ઓઝત નદીને શેણી પોકાર કરે છે કે —

“ચડ ટીંબા ચડ ટીંબડી, ચડ ગુંદાળી ધાર,
ઓઝત, ઉછાળો લઈ, વિજાણંદ પાછો વાળ.”

દિવસ આથમ્યો, આશા ઓઝત કાંઠે મૂકીને શેણી બેડું ભરી ઘેર ગઈ. જઈને જુએ છે તો વેદો ચારણ હરખઘેલો થઈને બેઠો છે.

“બાપ શેણી!” વેદો બોલ્યો: “હવે અટાણે લાપસીનાં આંધણ મેલજે, હો ગીગી! ઈ કાળમુખો નસેં પોગ્યો ને આપણે ઊગર ગાં! અ ર ર ર! મોળી હંસલી જીમી ગીગી ઈ કાગડાને હાથ જાત, મોળો મૉત બગડત! મૂક્ય, બેટા, ઝટ લાપસીનાં આંધણ મૂક્ય.”

આંસુડે પલાળેલા લોટની લાપસી કરીને દીકરીએ બાપને ખવરાવી. ખાઈપીને બાપ તો ઘસઘસાટ ઘોંટ્યો, પણ શેણી શે સુખે સૂએ? આખી રાત પવનમાં કમાડ ભભડે તો ઝબકે છે કે ઓ વિજાણંદ આવ્યો! પવનના સુસવાટામાં જાણે કે વિજાણંદની વીણા રોતી લાગે છે, ને પલવાર ઝોલું આવતાં જ સ્વપ્નમાં વિજાણંદને ઠપકો દેવા લાગે છે કે અરે ભૂંડા! રસ્તે આટલો બધો ખોટીપો! કોણ કામણગારું તને મળ્યું’તું?

શેણી વિજાણંદ પિક્ચર
શેણી વિજાણંદ photo – જંતરવાળો જુવાન


આખી રાત અજંપામાં ગાળી, પ્રભાતે ઊઠીને શેણીએ પોતાનું પોટલું બાંધ્યું. બાપુની પાસે હાથ જોડીને બોલી: “બાપુ! ડમણી જોડાવી દેશો?”

“કાં, બાપ? કીસેં જાવો છે?”

“હેમાળે ગળવા!”

“અરર! દીકરી! ગાંડી થે ગી! આવડી અવસ્થાએ વેરાગ કીસેથી આદો! ભણેં બાઈ, હવે તું બી મા. હવે આપણી ભે માતર ટળે ગી. હવે તોરા સાટુ હું સારો ઠેકાણો જોવા નીકળતો સાં. હેમાળે ગળવા તે જવાય,મારા ઓધાર?”

“બાપુ!’ શેણીએ ધરતી ખોતરતાં ખોતરતાં સંભળાવ્યું: “બાપુ,હવે આ બધી આશા મેલી દ્યો. હવે તો —”

“વિજાણંદની વરમાળ, બીજાની બાંધું નહિ,
ચારણ હોય લખ ચાર, (એને) બાંધવ કહી બોલાવીએ.

તે દિવસે બાપને જાણ થઈ કે દીકરી તો વિજાણંદના નામની જ માળા ફેરવે છે! બાપુએ બહુ સમજાવી. છેલ્લે જવાબ વાળી દીધો: “હવે તો, બાપુ, એ આવે કે ન આવે: હવે અવધ પૂરી થઈ. ને હવે તો મળશું હેમાળાના ખોળામાં, નીકર આવતે અવતાર. હવે મારો મારગ રોકશો મા.”

ગામનાં માણસો હજાર-હજાર વાતો કરીને મનાવવા લાગ્યાં કે “બીન! રોકાઈ જા, હજી એ આવશે.”

“આવી રહ્યો, બાપ! હવે આવીને શું મોં દેખાડે?”

કોઈ બોલ્યું: “અરે ગીગી, વાવડ કઢાવીએ.”

સાંભળી સાંભળીને શેણીએ કહ્યું: અરેરે માનવીઓ, હવે આવી રીતે મને દરેક જણ જુદી જુદી શિખામણો શું મોં લઈને આપો છો? એટલું બધું ડહાપણ હતું ત્યારે વિજાણંદને તે દિવસે પાછો કાં ન વાળ્યો?

ડમણીમાં બેસીને અઢાર વરસની શેણી ચાલી નીકળી. માર્ગે અલકમલકની સીમો વીંધતી જાય છે અને વિયોગે વલવલતી જાય છે:

“મારગકાંઠે મઢી કરું, લઉં જોગણના વેશ,
ગોતું દેશવિદેશ, (કોઈ) વાવડ દ્યો વિજાણંદના.”

માર્ગે ભાલ પ્રદેશ આવ્યો. ગામડાની બજારે નીસરીને શેણી સાદ પાડતી જાય છે કે ઓ ભાઈઓ!

(કોઈ) જંતરવાળો જુવાન, ભાલમાં ભૂલો પડ્યો,
(હું) સગડે પાડું સાદ, (મને) વાવડ દ્યો વિજાણંદના.

“હા, હા, બાઈ, થોડા દી પહેલા જ એવો એક જુવાન આંહીં નીકળેલો; નવચંદરી ભેંસોના વાવડ પૂછતો હતો.” એમ માણસો પત્તો દેવા લાગ્યા.

“દેખાવ કેવો હતો?”
જવાબ મળે છે —માથા પર લાલ ફેંટો હતો. સહેજ શ્યામ રંગ હતો. હજી હમણાં જ ઓલી બજારમાં હાલ્યો જાતો હતો.
“કઈ દશ્યે ઊતર્યો?”

“નવચંદરીની ભાળ લેતો આમ ઉપલા મલકમાં ચાલ્યો ગયો લાગે છે, બાઈ!”

સાંભળીને ત્યાંથી શેણી પગપાળી દોડવા લાગે છે. ઓ જાય! ઓ ચાલ્યો જાય! એમ માણસો એંધાણી દેતાં જાય તેમ તેમ તો જલદી એને ઝાલી લેવા માટે વેગથી આગળ વધવા દોડે છે, પણ એનાથી કેટલુંક દોડાય?

શેણી વિજાણંદ લોકવાર્તા
શેણી વિજાણંદ લોકવાર્તા


એમ અરધી ઘેલી બનીને પંથ કાપતી કાપતી સતી શેણી હિમાલયનાં ચરણોમાં પહોંચી, આશા છોડીને ઉપર ચડવા લાગી. તીર્થતીર્થ કરતી કરતી ઊંચાં શિખરોમાં દાખલ થઈ. ઋષિમુનિઓની ધૂણીઓ આઠે પહોર ધખી રહી છે; આલેક આલેક! અને ઓમકારના અઘોર નાદ શિખરે શિખરથી પડછંદા બોલાવે છે:

અપ્સરાઓ સ્નાનક્રીડા કરવા આવતી હોય તેવાં સરોવરો હિલોળા ખાઈ રહ્યાં છે: મઢીએ મઢીએ ભગવાંધારી ને કાં ભભૂતધારી તપસ્વીઓનાં પહોળાં ગળાં હોકારા દઈ રહ્યાં છે. એવા જાગતાજીવતા હિમાલયની લીલી, રાતી, પીળી ને ગુલાબી એવી અઢાર ભાર વનસ્પતિમાં થઈને વાઘ-વરૂની ત્રાડો સાંભળતી શેણી થાક્યા વિના ચાલી જ ગઈ. મઢીઓ મેલી; માનવી મેલ્યાં; વનસ્પતિ મેલી ને વાઘ-વરૂ મેલ્યાં; અને ક્યાં આવી?

જ્યાં ચારેય દિશાએ બરફના ડુંગરા છે: જ્યાં ઉપરથીયે બરફ વરસે છે: નીચેનાં નીર પણ જ્યાં ઠરીને હિમ થઈ ગયાં છે: સૂરજનો તાપ જ્યાં ડોકિયુંયે કરતો નથી: એવી અઘોર એકાંતમાં અઢાર વરસની કંકુવરણી ચારણ્યનાં પગલાં પડ્યાં. ત્યાં શેણી હેમાળો ગળવા બેઠી.

બેઠી, ઘણો સમય બેઠી, પણ શરીર ગળતું કાં નથી? પાંડવો સરીખાનાં લોખંડી હાડ જ્યાં ઓગળી ગયાં, ત્યાં આ માખણ જેવી નાની-શી દેહડી કાં લોઢાની માફક સાબૂત રહી છે?

“હે બાપ હેમાળા! હે મોક્ષપુરીના દ્વારપાળ! હે સતી પાર્વતીના પિતા! હુંય તારી દીકરી થઈને તારે ખોળે સમાવા આવી છું. મારાં એવાં તે શાં ઘોર પાતક દીઠાં કે મને તારા પાષાણોથીયે વધુ કઠોર હૈયાની માનીને તરછોડી? આવડી વેદના આ બરફ ચિતામાં બેઠી બેઠી ક્યાં સુધી ખમીશ?મને ઝટ તારા શરણમાં લે.”

જવાબમાં જાણે હિમાલય સામા હોકારા દેવા લાગ્યો: “બેટા, તું બાળકુંવારી કહેવાય. એકલું આંહીં કોઈ ઓગળી શકે નહિ, અને તારા અંતરમાં બીજું માનવી બેઠું છે! જા બાપ, પરણીને પછી બેલડીએ ગળવા આવજે.”

“હવે તો પાછી ફરી રહી! પાછી જઈને ક્યાં ગોતું? પંથભૂલ્યો એ જંતરવાળો હવે મને ક્યાં ભેટે? હે બાપ! રામચંદ્રજીએ જાનકીજીની પૂતળી કરીને જગન-ટાણે પડખે બેસાડેલી: તો હુંય મારા સંકલ્પના સ્વામીનું પૂતળું કરીને આંહીં જ પરણી લઉં છું.”

“હેમાળે શેણીનાં હાડ, ગળિયાં નવ ગાળ્યે,
(પછી) કાસનાં પૂતળ કરે, પરાણે પરણી ઊતર્યાં.”

‘કાસ’ અર્થાત્ દર્ભનું પૂતળું કરીને શેણીએ એમાં વહાલા વિજાણંદનો સંકલ્પ મૂક્યો. પૂતળાને પોતાની ગોદમાં બેસાડીને અગ્નિના કુંડ સરીખા એ શિખરને ચાર આંટા દીધા અને પછી પૂતળાને ખોળામાં લઈ શેણી બરફમાં બેસી ગઈ. આગ લાગી હોય તેવી રીતે અંગ ઓગળવા લાગ્યું. પગમાંથી લોહી શોષાય છે. ઘડી પહેલાં જે પગમાંથી કંકુવરણી કાંતિ ફૂટતી હતી, તે પગ શ્યામ પડી ગયા, પગમાંથી પ્રાણ જાતા રહ્યા. જોતજોતામાં તો ગોઠણ સુધીનાં હાડકાં પણ ગળીને પાણી થઈ ગયાં. ત્યાં તો ડુંગરનાં છેટાં છેટાં શિખરોમાંથી ‘શેણી! શેણી! શેણી!’ એવા શબ્દો સંભળાણા.

‘અરે, આ મારા નામના સાદ કોણ દ્યે છે?’

‘ફટ રે ફટ જીવ! હજુયે એના ભણકારા! હે અભાગિયા જીવ! હવે ચીંથરાં ન ફાડ.’

ત્યાં તો ફરી વાર ‘શેણી! શેણી! શેણી!’ એવા સાદ ઢૂકડા સંભળાણા.

“શેણી! શેણી! શેણી!” — સાદ ઢૂકડા ને ઢૂકડા આવવા લાગ્યા અને સામે ડુંગરા પડઘા દેવા લાગી પડ્યા: ‘શેણી! શેણી! શેણી!’

કામળી સંકોડીને શેણીએ બરફની ભેખડોમાંથી સામે જવાબ વાળ્યો: “હાલ્યો આવ! હાલ્યો આવ! હાલ્યો આવ!”

અવાજને એંધાણે એંધાણે એક આદમી દોડ્યો આવે છે. પથરામાં ઠોકરો ખાતો, પડતો, લોહીલુહાણ થતો, ને છતાં પણ પાછો ઊઠીને કાયા ખંખેરી દોડતો, ભર્યે શ્વાસે ચાલ્યો આવે છે. મોંમાં ‘શેણી! શેણી! શેણી!’સિવાય બીજો શબ્દ નથી.

બરફની ઊંચી દીવાલોવાળા એ ગાળામાંથી, ઝાંખે ઝાંખે અજવાળે જેમ કોઈ બે ઓળા પડ્યા હોય તેમ બંનેએ એકબીજાને નિહાળ્યાં; જંતરવાળો જુવાન નીચે ભેખડ ઉપર: અને હાડગાળતી શેણી ઊંચે બરફના કુંડમાં.

દૂબળા પડી ગયેલા અવાજે શેણી બોલી: “ચારણ! આવી પહોંચ્યો?”

“પહોંચ્યો છું, મારા પ્રાણ! એક જ દિવસનું મોડું થયું. પણ તારા બાપને એકસો ને એક પૂરી નવચંદરિયું ગણી દીધી છે, શેણી! હવે હાલો હાલો, ઓઝતને કાંઠે ખોરડાં કરીએ.”

“હવે તો વૈતરણીને કાંઠે ખોરડાં કરશું, વહાલા!”

“શેણી! ઓ શેણી! શું થયું?”

ઉપરથી પડછાયો બોલે છે:

હે મહામૂલા વિજાણંદ, મારાં હાડકાં ગોઠણગોઠણ સુધી તો આ હિમાલયમાં ઓગળી ગયાં. માટે હવે તો, હે મહામૂલા વહાલા, તું પાછો વળીને ઘેર ચાલ્યો જા.

“પગ ઓગળી ગયા? ફિકર નહિ! —”

ઊભી થા, પાછી વળ, ઓ વેદાની પુત્રી, તું લૂલી થઈ ગઈ હોઈશ તોપણ હું તને કાવડમાં બેસારી, મારી કાંધ પર ઉપાડી, અડસઠે તીર્થોની યાત્રા કરાવીશ. પાછી વળ, ઓ પ્રાણાધાર, પાછી વળ!

“ના, વિજાણંદ! હવે પાછી નહિ વળું —

“વળું તો રહું વાંઝણી, મૂવા ન પામું આગ,
આલુકો અવતાર, વણસાડ્યો વિજાણંદા!”

“પાછી વળ! પાછી વળ!” એવા પોકાર ઊઠ્યા.

“હવે હું તારા કામની નથી રહી, વિજાણંદ! કેમ કે હવે
તો મારું પોણા ભાગનું શરીર ગળી ગયું છે. હવે તું ફોગટ મહેનત કર્યા વિના પાછો વળી જા.

ફરી વાર એ ધુમ્મસઘેરી ભેખડ પરથી દૂબળો અવાજ આવ્યો:“પણ ચારણ! છેલ્લી એક ઝંખના રહી ગઈ છે. મરતાં મરતાં એક વાર તારું જંતર સાંભળવું છે.

“વિજાણંદ, જંતર વગાડ, હેમાળો હલકું દિયે,
મોહ્યા માછલમાર, માછલિયું ટોળે વળે.”

“એક વાર બજાવી લે.”

ખંભેથી બીન ઉતારીને ચારણે ટેરવાં ફેરવ્યાં. ઝાંખે અજવાળે વાજિંત્રના સૂર રડવા લાગ્યા. અંધારું કંપી ઊઠ્યું. હિમાલય પહાડ હોંકારા દેવા લાગ્યો. દૂર દૂર નીચાણે સરોવરમાં જાળ નાખતા મચ્છીમારો થંભી ગયા, અને માછલીઓ એ ગીત સાંભળવા ટોળે મળીને પાણી ઉપર પોતાના ચળકતાં મોં રાખી ઊભી રહી.

વાજિંત્ર વાગે છે: અને ગીતને તાલે તાલે બરફમાંથી ‘રામ! રામ! રામ! રામ!’ એવા જાપ બોલાય છે. જાપ જપાતા રહ્યા ને જંતર બજતું રહ્યું. એક તરફથી રામનામના અવાજ ધીરા પડવા લાગ્યા. બીજી તરફથી જંતરના તાર વધુ ને વધુ જોરથી ઝણેણાટી દેવા લાગ્યા. આખરે રામનામના ઉચ્ચાર અટકી ગયા ને ભેખડ ઉપરથી એક ધડાકો થયો. બેભાન જંત્રીના હાથમાંથી જંતર નીચે પછડાયું.

“જંતર ભાંગ્યું જડ પડી, ત્રૂટ્યો મોભી ત્રાગ,
વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ.”

[વાજિંત્ર પટકાઈ ગયું. અંદર ચિરાડ પડી ગઈ. એનો મુખ્ય તાર તૂટી પડ્યો. વેદા ચારણની પુત્રી શેણીના પ્રાણ ચાલી નીકળ્યા; એટલે હવે વીણાનો બજાવનાર પણ સૂર કાઢતો અટકી ગયો.]

✍ ઝવેરચંદ મેઘાણી.. – www.amarkathao.in

લેખકની નોંધ 👇
[કેટલાક ચારણો એમ કહે છે કે શેણીને વિજાણંદ ઉપર પ્રીતિ હોવાની વાત બનાવટી જ છે, શેણી તો જોગમાયાનો અવતાર હતી અને એણે તો પોતાના પિતાને બાલ્યાવસ્થાથી જ કહી રાખેલું કે ‘મારો સંબંધ કરશો જ નહિ’ તેથી પોતે વિજાણંદથી બચવા માટે જ હિમાલય નાસી ગયેલી.

મેં તો આ વાર્તામાં બંને પક્ષનો પ્રેમ હોવાની હકીકત સ્વીકારી છે, તે આ પ્રાચીન દુહાઓ પરથી. ન પરણવાનો નિશ્ચય હોવા છતાં પણ શેણીને વિજાણંદ પર વહાલ ઊપજ્યું, એ તો ઊલટું એની પ્રીતિની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરે છે. અને આવા પરમ પવિત્ર પ્રેમાવેશથી તો એનું સતીપણું અથવા જોગમાયાપણું ઊલટું વધુ ઉજ્જ્વળ બને છે. બીજી અનેક ચારણ સતીઓ પણ પરણેલી હતી જ.]

Sheni vijanand Gujarati full movie (શેણી વિજાણંદ)

🌺 આ પણ વાંચો 👇

👉 હોથલ પદમણી – અમર પ્રેમકથા

👉 ઢોલા મારુ ની વાર્તા

👉 ભાઇબંધી – સાચી મિત્રતાની અનોખી સત્યઘટના

👉 નાગમતી અને નાગવાળાની અનોખી પ્રેમકથા

👉 વીર વિક્રમ અને અજબ ચોર

👉 રાજા ભરથરી ની સંપુર્ણ કથા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *