8554 Views
Dhola Maru, ઢોલા મારુની વાર્તા, ઢોલા મારુની અમર લોકકથા, Gujarati story Dhola Maru, dhola maru gujarati moovie, dhola maru love story, amar prem katha Dhola maru, હોથલ પદમણી અને ઓઢો જામ – ઝવેરચંદ મેઘાણી, શેણી વિજાણંદ – ઝવેરચંદ મેઘાણી, નાગમતિ- નાગવાળો – ઝવેરચંદ મેઘાણી,
ઢોલા મારુની વાર્તા | Dhola Maru story
ઢોલા મારુ એ રાજસ્થાનની અમર લોકકથા છે. અહી બાળકો અને કિશોરો સમજી શકે તેવી ભાષામાં મુકવામાં આવી છે. આ લોકકથા પરથી ગુજરાતીમાં ફિલ્મ પણ બનેલી છે. આશા છે આપ સૌને આ વાર્તા પસંદ આવશે જ.
આ રાજસ્થાની અમર લોકકથા છે. રાજસ્થાનમાં નરવરગઢ નામનું એક નગર હતું. ત્યાંના રાજાને એક કુંવર હતો. કુંવરનું નામ હતું ઢોલો. કુમાર જ્યારે ત્રણ વરસનો થયો ત્યારે એનું સગપણ મારવાડના એક રાજ્યના રાજાની કુંવરી મારુદેવી સાથે થયું હતું. સગપણ તો થઈ ગયું હતું પણ આણું હજુ સુધી વાળ્યું ન હતું.
પોતાનું સગપણ થયું છે , એ વાતની ઢોલાને તો ખબર જ ન હતી. ઢોલાના બાપાની એવી સખત આજ્ઞા હતી કે સગપણ બાબતની જરા સરખી પણ વાત કુંવર ઢોલાને કાને ન જાય. એને એ બાબતની વાત કરનારને ફાંસીની સજા કરવી એવો હુકમ હતો. તમને કુતૂહલ થશે કે, રાજાએ એવો હુકમ કેમ કર્યો હશે ?
જ્યારે રાજકુમાર ઢોલાની જાન લઈ રાજા જતો હતો ત્યારે વચ્ચે જંગલ આવતું હતું. જાન એ જંગલમાં થઈ પસાર થતી હતી. એ વખતે રસ્તાની પાસેના એક ટેકરા ઉપર એક વાઘણ પોતાના બચ્ચાને ધવડાવતી હતી. વાઘને જોઈ રાજાએ તીર છોડયું. વાઘણને બદલે બચ્ચું વિંધાયું અને થોડીવાર તરફડી મરણ પામ્યું. પોતાના વહાલા બચ્ચાને મરેલું જોઈ વાઘણ કલ્પાંત કરવા લાગી. અને તેણે દુઃખી અવાજે રાજાને કહ્યું : “રાજા ! આજે તો હું તને જીવતો જવા દઉં છું. પરંતુ જ્યારે તું તારા આ કુમારનું આણું કરવા જઈશ તે વખતે હું તારા કુમારનો જાન લઈશ. એ રીતે મારું વેર વાળીશ.
આ બીકને લઈ કુંવર ઉંમરલાયક થયો છતાં રાજા આણું કરવા જતો ન હતો. મારુના બાપે આણા માટે ઢોલાના બાપને ઘણા સંદેશા મોકલ્યા પણ ઢોલાનો બાપ કંઈ જવાબ આપતો ન હતો. આ બાજુ મારુ પણ ઉંમરલાયક થઈ હોવાથી લાચારીથી એના બાપે એનો વિવાહ બીજે કરવાનું નક્કી કર્યું.
વિવાહની તૈયારીઓ થવા લાગી. રાજમહેલ શણગારાવા માંડયો આનંદની શરણાઈઓ વાગવા માંડી. શહેરના લોકો આનંદ મનાવવા લાગ્યા. સૌને મન આનંદ હતો. ફકત આનંદ ન હતો એકલી મારુદેવીને ! એ તો છાનું છાનું એકલી ચોધાર આંસુએ રડતી હતી. એમ કરતાં લગ્નના દિવસ નજીક આવવા માંડ્યા.
એક દિવસ મારુ જરુખે બેઠી હતી. એટલામાં એની નજર એક મેવાડી આદમી ઉપર પડી. એને કંઈક આશા બંધાણી. એણે પેલા માણસને બોલાવ્યો માન આપી બેસાડ્યો અને કહ્યું : ” બાબા ! ક્યાંથી આવો છો ?
“બાસાહેબ ! નરવરગઢથી આવું છું. ”વેપારીએ નમ્રતાથી જવાબ દીધો.
“બાબા ! ત્યારે મારું કામ કરી દેશો ? પરંતુ હું તમને કહું એ વાત છાની રાખજો.”
કોઈને નહિ કહું , ખુશીથી કહો રાજકુમારી ! એવું તે શું અગત્યનું કામ છે ? ”
“બાબા ! આટલી મારી ચિઠ્ઠી તમારા રાજકુમાર ઢોલાને જરૂરથી પહોંચાડશો એવી મારી વિનંતી છે.”
” લાવો , રાજકુમારી ” એટલું કહી પત્ર લઈ વેપારી ચાલતો થયો.
નરવરગઢ આવ્યા પછી રાજકુમારને પત્ર પહોંચાડવો કેમ ? જો આ વાત રાજાને કાને જાય , તો રાજા જરૂર ફાંસીએ લટકાવે. વેપારી તો દ્વિધામાં પડ્યો પણ હતો હિંમતબાજ. તેણે ગુપ્ત રીતે એ પત્ર ઢોલાને પહોંચાડ્યો. પત્ર વાંચતાં જ ઢોલા વિચારમાં પડી ગયો. બધી પરિસ્થિતિની જાણ થતાં જ તેણે એ વખતે જ પ્રતિજ્ઞા કરી, ‘ગમે તેમ કરીને હું આણું કરવા તો જઈશ જ. ‘
ઢોલાએ પિતા પાસે જઈ મારવાડ જવાની અને પોતાની પ્રતિજ્ઞાની વાત કરી રાજા સમજી ગયા કે , હું ઘણીએ ના કહીશ છતાં ઢોલા ગયા સિવાય રહેશે નહિ. એટલે તેમણે કચવાતે મને રજા આપી. પિતાને નમન કરી , પોતાના હંમેશના સાથી કાળા ઊંટ ઉપર સવાર થઈ ઢોલો મારવાડને રસ્તે રવાના થયો. સાથે કોઈ નોકર – ચાકર પણ લીધો નથી કાળું ઊંટ ઢોલાના સસરા તરફથી દાયજામાં મળેલું હતું.
ઢોલાને પોતાના સસરાનું ગામ કઈ દિશામાં આવેલું છે તેનું ભાન ન હતું, પણ કાળું ઊંટ તો એ બાજુની તસુએ તસુ જમીનનું ભોમિયું હતું. એ તો તેજ ઝડપથી ચાલવા લાગ્યું જાણે હવામાં પક્ષી ન ઊડતું હોય ! રસ્તામાં ઢોલાને એક જાદુગરણીનો ભેટો થયો. ઢોલાનું રૂપ જોઈ એની સાથે પરણવાનો એને વિચાર થયો.
તેણે રાજકુમારને રોકવા જાળ રચી. પોતાની જાદુઈ શક્તિથી તેણે ઢોલાને મોહ પમાડવા માટે જાત જાતની અને ભાતભાતની કીમતી ભેટો રજૂ કરી. હીરા – મોતીના ઢગલા કર્યા , પરંતુ કાળું ઊંટ તો જાણે આ જાદુગરણીની ચાલાકી સમજી ગયું હોય અને જાણે કંઈ દેખતું ન હોય એમ ઝડપથી ચાલ્યું જ જાય છે પોતાનું કંઈ ચાલ્યું નહિ તેથી નિરાશ થઈ તે પાછી વળી.
કાળું ઊંટ ઢોલાને સહીસલામત લઈ આગળ વધવા લાગ્યું. એમ દડમજલ કરતાં ઢોલો કાળા ઊંટ સાથે પોતાના સસરાના ગામે પહોંચ્યો. કાળા ઊંટને જોતાં જ લોકોએ રાજકુમાર ઢોલાને ઓળખી લીધો. ઢોલાને આવેલો જોતાં જ સૌને આનંદ થયો. રાજકુમારીના વિવાહની તૈયારીઓ બંધ પડી. રાજકુમારી મારુ , જે મહેલમાં ઢોલાને ઉતારો આપ્યો હતો ત્યાં ગઈ. ઢોલો પણ મારુ ને જોઈ રાજી થયો.
ઢોલાએ પોતાના રાજ્યમાં જવાની ઉતાવળ કરવા માંડી. મારુના બાપે તેને થોડા દિવસ રોકવા આગ્રહ કર્યો. પણ ઢોલો માન્યો નહિ. એટલે રાજાએ દુઃખી દિલે વિદાય આપી , મારુના બાપે ખૂબ પહેરામણી આપી. મારુની સાથે તેની સખીઓ પણ જવા તૈયાર થઈ. મારુએ સૌને સમજાવી પણ બે – ચાર તો ન જ માની. તેમણે સાથે આવવાની હઠ પકડી. મારુએ તેમને સાથે લીધી.
સૌએ મારુને ભાવભીની વિદાય આપી. કાળા ઊંટ ઉપર ઢોલો ને મારુ બેઠાં. બીજાં ઊંટો પર મારુની સખીઓ – દાસીઓ હતાં. બધાં નરવરગઢ તરફ ચાલ્યાં. એમ બધો કાફલો ચાલ્યો જાય છે. અઘોર જંગલ આવ્યું અને જે સ્થળે ઢોલાના પિતાએ વાઘણના બચ્ચાને માર્યું હતું તે સ્થળ નજીક આવ્યું.
રાણી મારુદેવીને તરસ લાગી. સાથેનો પાણીનો જથ્થો ખલાસ થઈ ગયો હતો. આ રણપ્રદેશમાં પાણી ક્યાંથી લાવવું ? કાફલામાં ઢોલા સિવાય બીજો કોઈ પુરુષ ન હતો. ઢોલાને માથે ધર્મસંકટ આવ્યું. બધાંને સાવધ રહેવાનું કહી ઢોલો જીવ કઠણ કરી પાણીની શોધમાં નીકળ્યો.
બળબળતા બપોર હતા. રેતીના મોટા વંટોળિયા ઊડતા હતા. ગરમ લૂ વરસી રહી હતી. આ સૌ સંકટોને વટાવતો ઢોલો પાણીની શોધમાં આગળને આગળ જાય છે. એટલામાં તેણે વાઘણની ગર્જના સાંભળી. ઢોલો પોતાનાં હથિયાર તૈયાર કરવા જાય છે , એટલામાં ઓચિંતી વાઘણે તરાપ મારી. વાઘણના એક જ પંજાએ ઢોલાના રામ રમી ગયા. વાઘણે પોતાના પ્યારા બાળના ખૂનનો બદલો આમ વાળ્યો !
જેની તહેનાતમાં સેવકો ખડેપગે તૈયાર હોય એવો ઢોલો આજ આ રણપ્રદેશમાં એકલો અટૂલો મરેલો પડયો છે એની સાર – સંભાળ લેનાર પણ કોઈ નથી. ઢોલાને ગયે ઘણો સમય વીતી ગયો છતાં તે પાણી લઈને આવ્યો નહિ. જેથી મારુ અને તેની સખીઓ ચિંતા કરવા લાગી અને એ બધાં ઢોલો જે તરફ ગયો હતો એ દિશામાં જવા લાગ્યાં.
થોડે દૂર જતાં જ તેમને લોહીલૂહાણ હાલતમાં મરેલો ઢોલો દેખાયો. આ બધું જોતાં જ મારુ મૂર્છા ખાઈ જમીન પર ઢળી પડી અને એની સખીઓ રડવા લાગી. એવામાં ખડખડ હસતી પેલી જાદુગરણી આવી. એને ખબર ન હતી કે , ઢોલાની રાણી આવી રૂપવાન હશે ? સખીઓના ઉપચારથી મારુ ભાનમાં આવી.
જાદુગરણી તેની પાસે જઈ કહેવા લાગી : “રાજકુમારી ! જો તું મને ઢોલાની સાથે પરણવાનું વચન આપે , તો હું તેને મારી જાદુઈ શક્તિથી જીવતો કરું. ” રાજા જીવતો રહેશે ,
જાદુગરણીના શબ્દો સાંભળી મારુ અંતરથી હરખાઈ. તેણે વિચાર્યું , તો હું સૌભાગ્યવતી ગણાઈશ. મારો ચુડો અખંડ રહેશે. હું એને જોઈને રાજી રહીશ. એ જીવતા નહિ હોય તો મારો સંસાર સૂનો જ છે ને !
“મારુએ જાદુગરણીને વચન આપ્યું. જાદુગરણીએ ઢોલાને પોતાની શક્તિથી સજીવન કર્યો. ઢોલો આળસ મરડીને બેઠો થયો. મારુ અને તેની સખીઓના આનંદનો પાર ન રહ્યો. ઢોલાને જોઈ જાદુગરણી તો આનંદથી નાચવા અને કૂદવા લાગી. અને મારુની સામે લાંબા લાંબા હાથ કરી કહેવા લાગી , ‘ હું ઢોલાની રાણી બનીશ. ‘
મારુએ વચન આપ્યું હતું. એથી તે બિચારી ચુપચાપ એના શબ્દો સાંભળી રહી. એટલામાં અચાનક કાળું ઊંટ ભડક્યું અને તેણે સખત પાટુ પેલી જાદુગરણીને માર્યુ. જાદુગરણી ત્યાં ને ત્યાં જ મરણ પામી. જાદુગરણીના ઓચિંતા મરણથી આફત દૂર થઈ. એને મરેલી અને ઢોલાને સાજો સમો જોઈ સૌનાં હૈયા આનંદથી નાચી ઊઠયાં. રાજકુમાર ઢોલો , રાણી મારુ અને તેની સખીઓ એ બધો રસાલો નરવરગઢ આનંદથી પહોંચી ગયો.
ઢોલાને અને મારુને જોઈને રાજાનો હરખ માતો જ ન હતો. તેણે સારું મહુરત જોવડાવી ઢોલાને ગાદીએ બેસાડયો.
આ વાર્તાને આપ FB, tweeter , Pintrest, વગેરે પર અહીથી 👇 Share કરી શકશો. કોઇપણ મિત્રોને copy કરવાની અનુમતિ નથી. Amarkathao – અમરકથાઓ.
Pingback: हार की जीत | બાબા ભારતી અને ડાકુ ખડગસિંહ ની અનોખી વાર્તા. - AMARKATHAO
Pingback: શેણી વિજાણંદ ની વાર્તા | sheni vijanand history - AMARKATHAO
Pingback: ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ - AMARKATHAO
Pingback: દસ્તાવેજ : વચનને ખાતર ભાઇ બહેનની જેમ રહેતા દંપતિ ની પ્રેમકથા - AMARKATHAO
Pingback: બત્રીસ પૂતળી - 18 મી પૂતળી મોહિનીની વાર્તા - AMARKATHAO