2557 Views
સિહાસન બત્રીસી (બત્રીસ પૂતળી) ની વાર્તામાં આજે વાંચો ચૌદમી પૂતળી મૃગનયની ની વાર્તા, મિત્રો અમરકથાઓ વેબસાઈટ પર મુકવામાં આવેલી કોઇ પણ પોસ્ટને શોધવા માટે Menu અને search વિભાગનો ઉપયોગ કરો. 13 મી પૂતળીની વાર્તા 👈
સિહાસન બત્રીસી – ચૌદમી પૂતળીની વાર્તા
ચૌદમે દિવસે ચૌદમી પૂતળી ‘ મૃગનયની’એ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતા અટકાવી , પછી વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી :
વિક્રમ રાજાના પ્રધાનનો પુત્ર સેતુબંધ રામેશ્વરની જાત્રાએ ગયો. તેને રામેશ્વર ખૂબ જ ગમી ગયું અને તેણે છ મહિના ત્યાં રહેવાનું નક્કી કર્યુ. તેઓ આખો દિવ મંદિરોમાં દર્શન કરે અને ભગવાનનું નામ લે.
આ બાજુ પ્રધાનની પત્ની પુત્રની ચિંતા કરવા લાગી. તે એક દિવસ વિક્રમ રાજાના દરબારમાં આવી રડવા લાગી અને બોલી : “ રાજન ! મારો પુત્ર રામેશ્વર ગયાને ઘણા દિવસો થઈ ગયા, પરંતુ તે હજુ સુધી પાછો ફર્યો નથી. ”
રાજાએ પ્રધાનની પત્નીને આશ્વાસન આપ્યું ને તેમને છ મહિનામાં પાછો લાવી આપવાનું વચન આપ્યું.
બીજે દિવસે રાજાએ વેશ – પરિવર્તન કરી , પોતાના ઘોડા પર બેસી , રામેશ્વર તરફ પ્રયાણ કર્યું. રાજાએ રામેશ્વર પહોંચીને પ્રધાનપુત્રની શોધખોળ શરૂ કરી, પણ ક્યાંય તેમનો પત્તો લાગ્યો નહિ. છેવટે રાજા થાકીને એક વાડીમાં આવીને બેઠા. અમરકથાઓ
વાડીમાં રાજાએ એક દુર્બળ માણસને જોયો અને રાજાને તેમાં પ્રધાનપુત્રની ઝાંખી થતી લાગી.
રાજાએ દુર્બળ માણસની પાસે જઈને પૂછ્યું “ ભાઈ, તમે કોણ છો ? તમે અહીં કેમ પડ્યા રહ્યા છો ? ”
દુર્બળ માણસે કહ્યું : “હું ઉજ્જયિનીના વિક્રમ રાજાના પ્રધાનનો પુત્ર છું. ”
રાજાએ પણ પોતાની ઓળખાણ આપી. પોતાના રાજાને જોતાં જ તે રાજાને ભેટી પડ્યો.
રાજાએ તેમને પોતાનું શરીર આવું દુર્બળ થવાનું કારણ પૂછ્યું.
તે બોલ્યો : “મહારાજ , આજથી પંદર દિવસ પહેલા મેં એક અદ્ભુત દૃશ્ય જોયું. સમુદ્રમાંથી સુવર્ણનૌકા બહાર આવી. તેમાં એક ઝળકતું ઝાડ હતું. આ નૌકામાંથી એક રૂપસુંદરી બહાર આવી અને વાડીમાંથી ફૂલ વીણીને તે ગૂંથી પાછી નૌકાને હંકારી મૂકી : બસ, ત્યારથી હું એ દૃશ્ય ફરી જોવા માટે દરરોજ જાગું છું. હું એ સુવર્ણનૌકા અને અપ્સરા જેવી રૂપસુંદરીના વિજોગે દુર્બળ જેવો થઈ ગયો છું. તેની વાત સાંભળી વિક્રમ રાજાને પણ અદ્ભુત દૃશ્ય જોવાની ઇચ્છા થઈ. તે પણ આ પ્રધાનપુત્ર જોડે વાડીમાં રહેવા લાગ્યા.
એક દિવસ પ્રધાનપુત્રને નિદ્રા આવી ગઈ, પરંતુ રાજા તો જાગતા જ પડ્યા રહ્યા હતા. મધરાત થતાં – સમુદ્રમાંથી ફરી ઝગમગાટ થયો. થોડીવારમાં એક રૂપસુંદરી સુવર્ણનૌકા લઈને આવી. રાજા તો એ નૌકામાં રહેલા ઝાડનો ઝળકાટ જોઈને નવાઈ પામ્યા. તે સુંદરી વાડીમાં આવીને ફૂલો વીણવા લાગી. લાગ જોઈને રાજા અદ્રશ્યરૂપે નૌકામાં છુપાઈ ગયા.
થોડીવારમાં સુંદરીએ ફરી નૌકાને હંકારી મૂકી નૌકા પાણીમાં સડસડાટ કરતી એક ખડક આગળ ઊભી રહી. તે સુંદરી નૌકામાંથી ઊતરી એક ગુફામાં પ્રવેશી.
વિક્રમ રાજા પણ અદૃશ્ય રૂપે તેની પાછળ પાછળ ગુફામાં ગયા. ગુફામાં મોટો મહેલ હતો. પેલી સુંદરી મહેલના હીંડોળાખાટ પર બેઠી કે તરત જ વિક્રમ રાજાએ તેની આગળ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું.
રૂપસુંદરી તો કોઈ અજાણ્યા પુરુષને જોઈને ગભરાઈ ગઈ. તેણે હિંમત કરીને પૂછ્યું : “ભાઈ, તમે કોણ છો ? અહીં કેમ આવ્યા ? આ તો રાક્ષસનો મહેલ તે બહાર ગયો છે. જો તમને એ જોશે તો કાચો ને કાચો ખાઈ જશે. માટે અહીંથી ચાલ્યા જાઓ. ”
વિક્રમ રાજાએ રૂપસુંદરીને પોતાની ઓળખાણ આપીને કહ્યું : “હું ગમે તેવા રાક્ષસથી ડરું તેવો નથી પરંતુ તમે રાક્ષસના મહેલમાં ક્યાંથી ? ”
આ વાર્તા આપ www.amarkathao.in પર વાંચી રહ્યા છો.
સુંદરીએ વિક્રમ રાજાને પોતાની ઓળખાણ આપતાં કહ્યું : “હું રામાવતી નગરીની રાજકુંવરી છુ આ રાક્ષસ મને મહેલમાંથી ઉપાડી લાવ્યો છે. આ બધી સુખસાહ્યબી અને સુવર્ણનૌકા બધું રાક્ષસનું છે. પણ મને અહિથી બહાર નિકળવાનો કોઇ માર્ગ મળતો નથી. આ રાક્ષસને કોઇ પહોચી શકતુ નથી. કે એને કોઇ મારી શકતુ નથી.”
વિક્રમ રાજા બોલ્યા : “હે કુંવરી ! આ રાક્ષસનું મોત કેવી રીતે થાય તે કહો ! ”
કુંવરી બોલી : “ હે રાજન ! રાક્ષસને માર્યા પછી તમારે મને તમારી નગરીમાં રાખવી પડશે. જો આ વચન આપો તો હું તમને એના મોતનો ભેદ બતાવું. ”
વિક્રમ રાજાએ વચન આપ્યું એટલે કુંવરી બોલી : “મલયાચલ પર્વત પર ચંદનનાં વૃક્ષ છે. દરેક વૃક્ષની ડાળે ફૂંફાડા મારતા નાગ રહે છે. તમે એ ચંદનનો શરીરે લેપ કરો, તો તમે રાક્ષસને મારી શકશો. ”
વિક્રમ રાજાએ તો વીર વૈતાળનું સ્મરણ કરી, વૈતાળની મદદથી મલયાચલ પર્વત પરથી ચંદનનાં વૃક્ષ પરથી ચંદન લાવી તેનો શરીરે લેપ કર્યો અને તે ફરીથી ગુફામાં આવી ગયા. જ્યારે રાક્ષસે ગુફામાં કોઈ અજાણ્યા પુરુષને જોયો કે તરત જ તેને મારવા ખડગ ઉઠાવ્યું.
રાજાએ પણ તરત જ પોતાની તલવાર વડે રાક્ષસની સામે ટક્કર ઝીલી તેને મારી નાખ્યો.
વિક્રમરાજા કુંવરી અને ધનનો ભંડાર લઈને સુવર્ણ – નૌકામાં બેઠાં. વિક્રમ રાજાએ કુંવરીને પ્રધાનપુત્રની વાત કરી, બંને જણ નૌકા લઈ વાડી આગળ આવ્યાં.
પ્રધાનપુત્ર તો સુવર્ણનૌકા અને કુંવરીને જોતાં રાજી ગયો. તેને રાજા પર ઈર્ષા આવી. તેની દાનત બધું પડાવી લેવાની હતી. એટલે તેણે પાગલ બનવાનો ઢોંગ કર્યો.
રાજા તેને નૌકામાં બેસાડી ઉજ્જયિની લાવ્યા.
પ્રધાનપુત્રને કહ્યું : “તમે નૌકામાંથી ઊતરી તમારા ઘેર જાઓ તમારી માતા તમારી રાહ જુએ છે. ”
પ્રધાનપુત્ર બોલ્યો : “ રાજન ! મને આ કુંવરી સાથે લગ્ન કરાવી આપો અને આ નૌકા તેમજ બધી ધનદોલત મને આપો, તો હું આ નૌકામાંથી નીચે ઊતરું. ”
રાજાએ તેને સવારે દરબારમાં આવવાનું કહ્યું અને ત્યાં તેની ઇચ્છા પૂરી થશે તેમ જણાવ્યું. પછી પ્રધાનપુત્ર પોતાના ઘેર ગયો અને પોતાની માતાને મળ્યો.
સવાર થતાં જ બધા દરબારમાં આવ્યા.
રાજાએ પ્રધાનપુત્રનાં લગ્ન રૂપસુંદરી સાથે કરાવી આપ્યાં. તેને સુવર્ણનૌકા તેમજ બધાઁ જ ધનદોલત આપી દીધી.
વિક્રમ રાજાની આવી ઉદારતા અને વચનપાલકતા જોઈ પ્રજાજનો રાજાની વાહવાહ કરવા લાગ્યા.
‘ મૃગનયની ’ પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “ હે ભોજ રાજા ! વિક્રમ રાજા જેવો પરાક્રમી ને ઉદાર રાજા જ આ સિંહાસન પર બેસી શકશે. ”
આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.
ક્રમશઃ – પંદરમી પૂતળીની વાર્તા 👇👇
(⚠ આ આખી સિરીઝ લેખકની અનુમતિથી મુકવામાં આવતી હોય અન્ય કોઇપણ જગ્યાએ copy કરવાની સખત મનાઇ છે. આપ ફક્ત share કરી શકો છો. છતા પણ આવી બાબત ધ્યાને આવશે. તો copy right ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.)
typing – અમર કથાઓ
❤ ગણેશ સ્થાપનાથી કન્યાવિદાય સુધીના લગ્નગીતોનુ કલેક્શન
Pingback: સિંહાસન બત્રીસી - 13 મી પૂતળીની વાર્તા - AMARKATHAO
Pingback: Batris Putli All stories in gujarati pdf book | 32 પૂતળીની વાર્તાઓ સંપુર્ણ - AMARKATHAO