2107 Views
સિંહાસન બત્રીસી (બત્રીસ પૂતળી) ની વાર્તાઓમાં આજે વાંચો- 13 મી પૂતળી માદલીની વાર્તા. Sinhasan batrisi ની આગળની તમામ વાર્તાઓ amarkathao માં મુકવામાં આવશે. જો આગળના કોઈ ભાગ વાંચવાના બાકી હોય તો નીચે લિંક મુકેલી છે.
તેરમે દિવસે ભોજ રાજા જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં માદલી નામની પૂતળી તેમને સિંહાસન ઉપર બેસતાં અટકાવી બોલીઃ “હે રાજા ભોજ ! આ સિંહાસન પર બેસશો નહિ તેની ઉપર તો વિક્રમરાજા જેવા રાજવી જ બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી.
સિંહાસન બત્રીસી – 13 મી પૂતળીની વાર્તા
એક દિવસની વાત છે. રાજા દરબાર ભરીને બેઠા છે. તેમાં મોટા મોટા જ્ઞાનીઓ, પ્રધાનો, પંડિતો, શૂરવીરો અને રાજના ચતુર પુરષો હાજર હતા. ત્યાં વિક્રમ રાજાએ કહ્યું: માનવીને શું કરવાથી સુખ મળે?
બધા અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. એક પંડિતે કહ્યું: “સત્ય બોલવાથી સુખ મળે.” બીજાએ કહ્યું: સુપાત્રને દાન કરવાથી સુખ મળે” ત્રીજાએ કહ્યું: ઉદ્યમ કરવાથી સુખ મળે” ચોથાએ કહ્યું ઈશ્વરની ભક્તિ કરવાથી સુખ મળે તો વળી પાંચમા પંડિતે કહ્યું “લક્ષ્મી હોય તો સર્વ સુખ મળે.”
પહેલાં તો બધાના મત જુદા જુદા પડ્યા. પણ અંતે કેટલીક ચર્ચા પરથી નક્કી થયું કે લક્ષ્મીથી જ સર્વ સુખ મળે છે.
વિક્રમ રાજાએ પાંચમા પંડિતને કહ્યું : “તમારી વાત ખરી છે, પણ એ બતાવો કે શું કરવાથી અખૂટ લક્ષ્મી મળે?”
પાંચમા પંડિતે કહ્યું : “ વિષ્ણયજ્ઞ કરીને સાગરદાન કરવાથી લક્ષ્મી મળે”
રાજાએ પૂછયું: “સાગરદાન એટલે શું? તે શી રીતે થાય ?
તે પંડિતે કહ્યું : “આ યજ્ઞ કરનારે પોતાનું સર્વસ્વ દાન કરી પહેરેલ કપડે ઘરની બહાર નીકળી જવું પડે છે.”
રાજાને આ યજ્ઞ કરવાની ઇચ્છા થઈ. તેણે પંડિતોને પોતાની ઈચ્છા જણાવી, એટલે પંડિતો બોલ્યા : “અન્નદાતા, ધર્મના કામમાં ઢીલ શી?” અને તાબડતોબ યજ્ઞની તૈયારી શરૂ કરી દીધી. તેમણે વિષ્ણુયજ્ઞનો આરંભ કર્યો. તેમણે આખા નગરને શણગારાવ્યું. મોટા મોટા ઋષિઓ અને બ્રાહ્મણોને તેડાવ્યા. ગણપતિજીનું સ્થાપન કર્યું,
ગંગાજળના કળશ ભર્યા. વાયુ, યમ, અગ્નિ અને અરુંણ આમ ચારે દેવોનું આવાહન કર્યું. નવગ્રહનું પૂજન કર્યું, બ્રહ્મા, વિષ્ણુને મહેશને અર્ધ્ય આપ્યા. ચોસઠ જોગણીઓનો ભોગ આપ્યો. આખું નગર જાણે ભક્તિના રંગે રંગાઈ ગયું. રાજાએ આખા નગરને જમાડી, છૂટે હાથે દાન-પુણ્ય કરી યજ્ઞ પૂરો કર્યો.
હવે સાગરદાન કરવા માટે રોજાએ એક વૃદ્ધ પંડિતને સાગરને તેડવા મોકલ્યા. એણે સાગરકિનારે જઈ મંત્રોચ્ચાર કરી સાગરદેવને પ્રસન્ન કર્યા. સાગરદેવ મનુષ્યનું રૂપ ધારણ કરીને બહાર આવ્યા. પંડિતે કહ્યું: “હે સાગરદેવ ! તમને વિક્રમ રાજાને ત્યાં પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપવા આવ્યો છું. તેનો તમે સહર્ષ સ્વીકાર કરો.”
સાગરદેવ બોલ્યા : “ભૂદેવ ! મારાથી ત્યાં આવી શકાય નહિ. જો હું રાજા પાસે આવું તો મારા આશ્રયે રહેલા કરોડો જીવો તરફડીને મરી જાય, માટે તમે જ વિક્રમ રાજાને અહીં મળવા મોકલો.”
સાગરનો આવો જવાબ સાંભળી વૃદ્ધ પંડિત ગુસ્સે થઈ ગયા અને બોલ્યા: “હે સાગરદેવ ! હું તમને સામે પગલે તેડવા આવ્યો છું અને તમે આવવાની ના પાડો છો? તમે વિક્રમ રાજાનું અપમાન કરો છો. જે રાજાએ વિષ્ણુયજ્ઞ કરી પોતાનું સર્વસ્વ દાન કર્યું છે તે રાજાની તમને જરાય કિંમત નથી ? વિક્રમ રાજા તમારું આવું અપમાન સહન નહિ કરે.”
એટલે સાગરને રીસ ચઢી. તે ગુસ્સે થઈને બોલ્યા : “ગમે તેમ પણ હું સાગર છું, ને રાજા વિક્રમ એક માનવી છે. મૃત્યુલોકનો માનવી ગમે તેવો મહાન હોય, પણ તે મારી તોલે ન આવે. જો તેને ગરજ હોય તો મારી પાસે આવે, હું કોઈને ત્યાં જતો નથી.”
આ બાજુ વિક્રમ રાજા પોતાનું સર્વસ્વ દાન કરી મહેલમાંથી નીકળતા હતા, ત્યાં જ આ વૃદ્ધ પંડિતે આવીને કહ્યું : “મહારાજ ! સાગરે આવવાની ના પાડી અને કહ્યું :
ગમે તેવો પણ માનવ તું, કેમ આવું તારે દેશ હું?
રત્નાકર તો મારું નામ, કરું અણચિંતવ્યાં હું કામ,
સર્વ સરિતાનો હું ભરથાર, મારાં પ્રાક્રમ અપરંપાર.
વિક્રમ રાજા પોતે સાગર પાસે આવ્યા ને તેમને પ્રણામ કર્યા અને કહ્યું : “સાગરદેવ! તમે મારું આમંત્રણ પાછું કેમ ઠેલ્યું ?”
સાગરદેવ વિક્રમ રાજા સામે પોતાની બડાઈની વાતો કરવા લાગ્યા. તેમણે વિક્રમ રાજાને ગુસ્સામાં ને ગુસ્સામાં ન કહેવામાં વચનો કહ્યાં.
આવાં અભિમાનનાં વચન સાંભળીને વિક્રમ રાજાને ક્રોધ ચડ્યો. એ રોષભર્યા અવાજે બોલ્યા : “હે સાગરદેવ ! દેવોએ તમારાં રત્નો કાઢી લીધાં ત્યારે અગત્યે તમારું આચમન કર્યું ત્યારે અને રામના વાનરોએ તમારા ઉપર પાળ બાંધી ત્યારે, તમારું પરાક્રમ ક્યાં ગયું હતું?
વિક્રમના આવાં વચન સાંભળી સમુદ્ર વધારે ગુસ્સે ભરાયા અને તેમનો ક્રોધ એટલો બધો વ્યાપી ગયો કે દરિયામાં પવન-પાણીનું પ્રચંડ તોફાન મચાવી દીધું. અને તે જોરજોરથી ઘુઘવાટા કરવા લાગ્યા.
આ જોઈ વિક્રમ રાજાએ વિચાર્યું કે “સાગર સીધી રીતે માને તેમ નથી. તેને પાઠ ભણાવવો જ પડશે.’ આમ વિચાર કરી તરત રાજાએ હરસિદ્ધ માતા અને વીર વૈતાળનું ધ્યાન ધર્યું અને તેમને યાદ કર્યા. તેઓ તરત હાજર થયાં. રાજાએ વૈતાળ પાસે સૂર્યદેવને સંદેશો મોકલી વિનંતી કરી કે સોળે કળાએ તપે, સંદેશો મળતા સૂર્યદેવ એટલું બધું તપ્યા કે પ્રચંડ ગરમીથી સાગરનું પાણી બળીને ઓછું થવા લાગ્યું. બીજી બાજુ હરસિદ્ધ માતાના કહેવાથી વાયુદેવે જળ ઉડાડવા માંડ્યું અને થોડી વારમાં તો સમુદ્રનું તળિયું દેખાવા લાગ્યું.
સાગરમાં રહેલા અસંખ્ય જીવ-જંતુઓ તરફડવા લાગ્યાં. સાગર તો ત્રાહી ત્રાહી પોકારી ગયો. થોડી વારમાં તો તેનો બધો ગર્વ ઊતરી ગયો. તેઓ તરત સ્વરૂપ બદલીને કિનારે ઊભેલા વિક્રમ રાજા પાસે આવી બે હાથ જોડી નમ્રતાથી બોલ્યા :
“હે પરદુઃખભંજન વિક્રમ રાજા ! તમે જીત્યા અને હું હાર્યો. હું તમારા આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરું છું. તમે કહો તો હું અત્યારે જ ઉજ્જયિની નગરી આવું. પણ તેમ થશે તો મારા કરોડો જીવ તરફડીને મરી જશે, વળી મારા ત્યાં આવવાથી કેટલાંય ગામો તણાઈ જાય, એટલે હું લાચાર છું. તમે તમારું સર્વસ્વનું દાન કરીને સાગરદાન કર્યું છે. હું તમારી પર પ્રસન્ન થયો છું. હું તમને અહીં આશીર્વાદ આપું છું, અને તમને મૂલ્યવાન પાંચ રત્નો ભેટ આપું છે. આ પાંચે રત્નો જુદા જુદા ચમત્કારિક છે. જેનાથી તમારી દરેક મનોકામના સિદ્ધ થશે.”
આમ કહી સાગરદેવે એક રત્ન બતાવીને કહ્યું : “આ રત્ન હાથમાં રાખવાથી ધારો તેટલું ધન મળે છે. બીજા રત્નને બતાવી કહ્યું : “આ રત્નને હાથમાં રાખવાથી ઘારો તેટલું સૈન્ય ખડું થઈ જાય.” ત્રીજું રત્ન બતાવતાં કહ્યું : “આ રત્નને હાથમાં રાખવાથી જેટલાં વસ્ત્ર અને આભૂષણોનો સંકલ્પ કરો તેટલાં મળી જશે.” ચોથું રત્ન બતાવીને કહ્યું : “આને હાથમાં રાખવાથી ઈચ્છા પ્રમાણે ભાવતાં ભોજન મળશે” ને પાંચમાં રત્નથી “મનુષ્ય મોક્ષ પામી શકશે.”
સાગરદેવ રાજાને પાંચ રત્નો આપી અદૃશ્ય થઈ ગયા. વિક્રમ રાજા પાંચે રત્નો લઈ મહેલે આવ્યા. મહેલે આવતાં તેમનો પેલો વૃદ્ધ પંડિત યાદ આવ્યો. તેમણે તરત પંડિતને બોલાવીને કહ્યું : મહારાજ ! તમારે કારણે હું આ પાંચ અમૂલ્ય રત્નો પામ્યો છું. માટે તેમાંથી ગમે તે એક રત્ન તમે લઈ જાઓ.” આમ કહી રાજાએ પાંચેય રત્નની ચમત્કારિતા બતાવી.
પંડિત તો પાંચે રત્નોની ચમત્કારિતા જોઈ અચરજ પામ્યો, તે મૂંઝવણમાં મુકાઈ ગયો. તેને થયું કે, “આમાં કયું રત્ન લઉ ને કયું ન લઉં. છેવટે તેણે ઘેર જઈને બધાની સલાહ પૂછવાનું નક્કી કર્યું.
પંડિત તો ઘેર આવ્યા. ઘેર આવીને તેમણે પાંચેય રત્નોની ચમત્કારિકતાની વાત કરી. ઘરમાં પાંચ જણ હતા, બધાએ અલગ-અલગ રત્નની પસંદગી બતાવી.
બીજા દિવસે પંડિત મહેલે આવ્યા અને રાજાને કહ્યું : “મહારાજ ! ઘરના બધા સભ્યોની પસંદગી અલગ અલગ છે. હું એક રત્ન લઈ જઈશ. તો ઘરમાં કકળાટ થશે અને તેથી કંઈ અર્થ સરશે નહિ. માટે ક્યાં તો એ પાંચેય રત્નો મને આપો, નહિતર એક પણ રત્ન ન આપો.”
વિક્રમ રાજા તો ઉદાર હતા. તેઓ પારકાના સુખ ખાતર પોતાના સુખનો ભોગ આપે તેવા હતા. તેમણે પંડિતની વાત સાંભળીને તેને પાંચેય રત્નો આપી દીધાં. પાંચે રત્નો પોતાને મળતાં બ્રાહ્મણના આનંદનો પાર ન રહ્યો.
માદલી પૂતળીએ વાર્તા પૂરી કરીને ભોજ રાજાને કહ્યું : “આવા ઉદાર રાજા જ સિંહાસન ઉપર બેસી શકશે.”
આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.
14 મી પૂતળીની વાર્તા – અહીથી વાંચો
સિંહાસન બત્રીસી – બત્રીસ પૂતળીની વાર્તાઓ – Sinhasan batrisi
વિક્રમ વૈતાળની વાર્તાઓ – (ભાગ 1 થી 9) – Vikram vaital
સિંદબાદ જહાજીની સાત સફર (ભાગ 1 થી 7) – Sindbad ni saat safar
Pingback: સિહાસન બત્રીસી - 14 મી પૂતળીની વાર્તા - AMARKATHAO