Skip to content

આઇ શ્રી ખોડિયાર મા નુ પ્રાગટ્ય અને ઇતિહાસ

આઇ શ્રી ખોડિયાર મા નુ પ્રાગટ્ય અને ઇતિહાસ
12862 Views

જગત જનની આઇ શ્રી ખોડિયાર મા નુ પ્રાગટ્ય અને ઇતિહાસ. મામડિયા ચારણનું વાંઝીયામેણુ દૂર કરવા માતાજી સાત બહેનો સાથે અવતાર ધારણ કરે છે. અનેક લોકોના કષ્ટ હરે છે. MA KHODIYAR NO ITIHAS

જોગમાયા આઈશ્રી ખોડિયાર માતાજીની જયંતિ મહાસુદ આઠમ

➖➖➖🕉️➖➖➖

મા ખોડિયારનો ઇતિહાસ

ભાવનગર પંથકમાં બોટાદ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિ મા ખોડિયારનું પ્રાગટય સ્થાનક છે. વિ.સં. ૮૩૬ની મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મ દિવસ મનાય છે. આ નાનકડા ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો.

ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઇ મહાદેવે તેને આઠ સંતાનો આપી તેનું વાંઝિયામેણુ દૂર કર્યું હતું. સાત બહેનો અને એકભાઈએ અહિંયા પારણામાં જન્મ લીધો હતો. સૌથી નાની બેન એ જોગમાયા ખોડિયાર છે. આજે પણ આ નાનકડા ગામમાં ખોડિયાર જયંતિ ધામધૂમથી ઉજવાય છે.

વલ્લભીપુર (ભાવનગર)માં મૈત્રેય વંશના શિલાદિત્ય રાજા સાહિત્ય, સંગીત અને કળાકારીગરીના ઉપાસક હતા તેમના દરબારમાં રાજકવિ, ભાટ, ચારણ અનેગઢવી જેવા અનેક કલાકારને પ્રથમ સ્થાન મળતું હતું. મામડિયો ચારણ પશુપાલક હતો પણ ભક્તિ ભાવના અને નીતિ રીતિથી જીવનાર નેક ઇમાનદાર હતો. તે મહાદેવનો પરમ ઉપાશક હતો. આવા સદગુણોના સંબંધે રાજા શિલાદિત્યના દરબારમાં મામડિયા ચારણને પ્રથમ સ્થાન અને માન સન્માન મળતું હતું. તેઓ રાજાના પરમમિત્ર ગણાતા હતા. રાજ દરબારમાં કોઇકે રાજાને કહ્યું કે વાંઝિયાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય કે વિઘ્ન આવે છે. મામડિયો ચારણ વાંઝિયો છે. આ જાણીને ધીમે ધીમે મામડિયા સાથે રાજાનો પ્રેમ ઘટવા લાગ્યો.

એક દિવસ મામડિયાએ પૂછયું કે રાજા સાહેબ આપ મારા પ્રત્યે ઉદાસ લાગો છો ?

રાજાએ કહ્યું કે તું વાંઝિયો છે. વાંઝિયાનું મુખ જોવાથી કામમાં વિઘ્ન આવે અને અપશુકન ગણાય છે. એમ શાસ્ત્ર કહે છે.

મામડિયો નિરાશ થઇ ઘરે આવ્યો. પત્ની દેવળબાને વાત કરી. બંનેને દુઃખ થયું તેમણે ભગવાન શંકરની અખંડ આરાધના કરી અને મહાદેવને કહ્યું કે મને પુત્રફળ નહિ આપો તો કમળપૂજા કરીશ. મામડિયાએ અન્નજળનો ત્યાગ કર્યો. આઠ દિવસ પછી પ્રસન્ન થયેલાં મહાદેવે વરદાન આપ્યું કે તેં આઠ દિવસ સુધી આકરૂં તપ કર્યું છે તો હું તને આંઠ સંતાનો આપું છું. સાત દીકરીઓ અને એક દીકરો. સાત દીકરીઓમા સૌથી નાની દીકરી જોગમાયા મહાશક્તિનો અવતાર હશે તે દુનિયાના દુ:ખો મટાડશે. હે મામડિયા તું ઘરે જા અને આઠ પારણા બંધાવજે.

મહાદેવની કૃપાથી આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ (ખોડિયાર). સાત દીકરીઓ અને દીકરાનું નામ મેરખિયો.

ખોડિયાર મા પરચાધારી જોગમાયા તરીકે ઓળખાયા. નાનપણથી જ તેમણે અનેક દુખિયોના દુખો મટાડયા. અનેક પરચાઓ પૂર્યા. એકવાર ભાઈ મેરખિયાને સાપે ડંશ દીધો હતો. મા ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમરકૂપો લાવી તેમાનું અમૃત મેરખિયાને પીવડાવે તો સાપનું ઝેર ઉતરી જાય અને ભાઈ સાજો થઇ જાય.

મા ખોડિયારે તરત જ સમુદ્રમાં ઝંપલાવ્યું. તેમને સમુદ્રમાં મગરે મદદ કરી હતી. અમરકૂપો લઇને ઝડપથી આવતાં કોઇક પથ્થર સાથે તેમનો પગ અથડાયો જેથી માતાજી લંગડાતા ચાલવા લાગ્યાં. આ જોઈ બધી બહેનો કહેવા લાગી કે આ ખોડી આવી. ત્યારથી માતાજી ખોડિયાર મા કહેવાયા.

ભાવનગરના રાજાએ માતાજીને પોતાના મહેલમાં લઇ જવા માટે ખૂબ વિનંતી કરી. રાજાના અતિઆગ્રહથી માતાજીએ આવવા હા પાડી પણ શરત કરી કે હું તારી સાથે તારા સ્થાને આવીશ તે સમયે તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલતી આવીશ. જ્યારે તું પાછળ ફરીને મને જોઈશ ત્યાંથી હું આગળ નહિ આવું. તે જગ્યાએ મારું સ્થાનક હશે. રાજાએ આ શરત માન્ય રાખી.

રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યાં છે. સમય વહી જાય છે. માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં રાજાને શંકા ગઇ કે માતાજી મારી પાછળ આવતાં નથી. એટલે રાજાએ પાછળ ફરીને જોયું. માતાજી ત્યાં ઉભાં થઇ ગયાં અને રાજાને કહ્યું કે રાજા તે શરતનો ભંગ કર્યો છે. હવે હું અહિંથી આગળ નહિ આવું. આ મારું સ્થાનક છે.

આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ રાજપરા ધામ છે. આજે વિશાળ મંદિરમાં દરરોજ હજારો માઈભક્તો આવે છે. લાપસીનો પ્રસાદ ચઢાવી શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે. રાજપરામાં આજે પણ મા જોગમાયા ખોડિયાર સાક્ષાત દર્શન દેતાં મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. તાતણિયા ધરાવાળી, માટેલ ધરાવાળી અને ગળધરાવાળી મા આદ્યશક્તિ જોગમાયા ખોડિયાર કળિયુગમાં સાક્ષાત પરચાધારી મા છે. સૌની મનોકામના પૂરી કરનાર દયાળી મા છે.

દર વર્ષે મા ખોડિયારની જન્મજયંતિ ધામધૂમથી અને ભક્તિભાવથી માના મંદિરોમાં અને સ્થાનકોમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતિ મનાવીને માનીકૃપા અને આશીર્વાદ મેળવીશું.

✍ ભગુભાઈ ભીમડા

ખોડિયાર મા
Khodiyar ma photo

ગાંડી ગેલ ગાત્રાળ મા નો ઇતિહાસ

મઢડાવાળી આઈ સોનલ મા

ખોડીયાર મા ની આરતી, ખોડીયાર મા ના ફોટા, ખોડીયાર મા ની સાત બહેનોના નામ, ખોડીયાર માતાજીનો જન્મ, ખોડીયાર મા ના મંદિર, ખોડીયાર મા ના પરચા.

2 thoughts on “આઇ શ્રી ખોડિયાર મા નુ પ્રાગટ્ય અને ઇતિહાસ”

  1. Pingback: શક્તિ માં નો ઈતિહાસ - 1 | SHAKTI MATA no Itihas - AMARKATHAO

  2. Pingback: Shakti Maa History in gujarati Part 2 | શક્તિમા પાટડી - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *