Skip to content

ખોટી બે આની

ખોટી બે આની - જ્યોતીન્દ્ર દવે
6299 Views

ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે , ખોટી બે આની હાસ્યલેખ, લેખક પાસે આવી પહોચેલી ખોટી બે આની બિજાને પધરાવી દેવાની મથામણ ખુબ જ હાસ્ય પ્રેરક છે. ખોટી બે આની પાઠ જુના અભ્યાસક્રમમાં ભણવામાં આવતો. અને ખુબ જ યાદગાર અને મનપસંદ પાઠ હતો. Khoti be ani – Jyotindr dave

ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે

હમણાં થોડા દિવસ પર મારા હાથમાં, કોણ જાણે ત્યાંથી, ખોટી બે આની આવી ચઢી હતી. એ બે આની ખોટી છે એમ જયારે મોદીએ પાછી આપતાં અર્ધ તિરસ્કારયુક્ત અવાજે મને જણાવ્યું ત્યારે “કયો મોરલો આ કળા કરી ગયો? “એમ મને થયું. પરંતુ એ પ્રશ્નનું નિરાકરણ થઇ શકે તો પણ એથી એટલી બે આની પૂરતી મારી ગરીબાઈ ઓછી થાય એમ નહોતું. એ પ્રશ્ન પડતો મૂકી એ બે આનીને શી રીતે ચલાવવી તેનો વિચાર મેં કરવા માંડ્યો.

હાથમાં વર્તમાનપત્ર રાખી વાંચવાનો ડોળ કરી મેં ટ્રામના કન્ડકટરને એ બે આની જરા પણ ખચકાયા વગર આપી.

એણે ટિકિટ આપીને બે આની લેવા પ્રયત્ન કર્યો. જૂઠી વસ્તુને પોતાની જાહેરાત કરવાનું ઘણું મન હોય છે. એ ન્યાયે કન્ડકટરના હાથમાંથી એ ચંચળાની મૂર્તિ સરીને નીચે પડી. અને તેણે બે આની ઉપાડી, વિસ્મયથી તેને ફેરવી ફેરવીને જોઇ, રાજાની નિર્દોષ પ્રતિકૃતિ સામું થોડી વાર એ ઘૂરક્યો ને પછી કંઇ પણ બોલ્યા વગર બે આની મારા હાથમાં પાછી મૂકી.

એનું જ અનુકરણ કરીને મેં બે આની પાછી લીધી. વિસ્મયથી થોડી વાર હું તેના સામું જોઇ રહ્યો. ફેરવી ફેરવીને મેં તેનું બારીક અવલોકન કર્યું. રાજાની પ્રતિકૃતિ સામે ઠપકાભરી નજરે જોયું ને પછી કંઇ પણ બોલ્યા વગર એ બે આની ગજવામાં મૂકી બીજી કાઢી એને આપી. એક આનો પાછો આપી વિજયની નજર ફેંકી કન્ડકટર એને પંથે પડ્યો.
અમર કથાઓ

ચા પીવાની સામાન્ય ઇચ્છા તો મને હંમેશ જ રહે છે. પરંતુ હૃદયના ઊંડા ઊંડાણમાંથી ચા! ચા! નો પડકાર ન ઊઠે ત્યાં સુધી પૈસા ખર્ચીને રેસ્ટોરાંમાં ચા પીવા હું, બનતાં સુધી જતો નથી. પંદર-વીસ મિનિટ પૂર્વે જ ચાનો સંયોગ થયેલો હોવાથી હૃદયમાંથી ચાનો પોકાર ઊઠવાની હજી કંઇક- અર્ધા કલાક જેટલી વાર હતી છતાં આ પ્રસંગે હું એવા પોકારની વાટ જોયા વગર ખોટી બે આની ચલાવવા માટે આનો ખરચી નાખી મને કદી નહિ મળેલો એવો વ્યવહાર કુશળતાનો યશ મેળવવાની મહત્વાકાંક્ષી એક રેસ્ટોરાંમાં દાખલ થયો.

એકલી બે આની પકડાઇ જવાનો સંભવ વધારે એમ લાગવાથી મેં સાવચેતી વાપરી ચારેક આના જેટલો ખરચ કરવો એમ ધારી ચા ઉપરાંત બીજું કંઇ પણ મંગાવ્યું. ચા પૂરી કરી હું પૈસા આપવા ગલ્લા પાસે ગયો. ચાર આના લો, વેઇટરે બૂમ પાડી. પૈસા લેવા માટે ગલ્લા પાસે ઉભેલા પુરુષની આંખો ઘણી નબળી હોય એમ મને લાગ્યું અને એ ઉપકાર ગણી ઇશ્વરનો હું હરખાયો.
અમરકથાઓ

પરંતુ હિન્દુસ્તાનના હરખની પેઠે મારો હરખ પણ અકાલીન ને અકારણ નીવડ્યો. બે ખરા આના વચ્ચે ખોટી બે આની મેં એને આપીને રોફભેર ચાલવા માંડયું, પણ બે પુરુષ વચ્ચે ચાલતી હોય તો પણ સ્ત્રી તરફ જ જોનારની નજર ખેંચાય એમ એની નજરે બે આના વચ્ચે રહેલી બે આની જ પડી! શી? મિસ્ટર! એણે મને બૂમ મારી. આશ્ચર્ય પામતો હોઉં એવી રીતે હું પાછો ફર્યો.

`કેમ ?‘ મેં પૂછ્યું.

`ખોટી હૈ- ‘

`ખોટી શેની?‘

`દૂસરી દો.‘

`તું બીજા કોઇને પધરાવી દેજે.‘

`નહિ દૂસરી દો. ‘

`ખોટી શાથી થઇ? ‘

‘એના ઉપર છાપ નથી? ‘

‘આપણે એને ખરી માનીને ચલાવવા માંડીએ એટલે એ ખોટી હોય તોયે ખરી જ થઇ જશે-‘

પણ એના મોં સામું જોઇ વાક્ય પૂરું કરવા કરતાં બે આની બદલી આપી ચાલ્યા જવું વધારે સલામત લાગવાથી મેં તેમ કર્યું.

આ પછી મેં બે-ચાર દિવસ સુધી બે આની ચલાવવા માટે તનતોડ મહેનત કરી પણ વફાદારીની વધારે પડતી ભાવનાવાળી એ બે આનીએ મારો ત્યાગ ન જ કર્યો. આપણે લક્ષ્મીને અને સ્ત્રીને ચંચળ ગણીએ છીએ, પરંતુ ગરીબ, બિચારો પુરુષ, લક્ષ્મીને ને સ્ત્રીના પાશમાં સપડાયેલો, ગમે એટલાં ફાંફા મારે પણ એકેને પાશમાંથી છૂટો થઇ શકતો નથી. કદાચ તેટલા જ માટે માત્ર પોતાના માનસિક સંતોષને ખાતર એ સ્ત્રી તથા લક્ષ્મીને ચંચળ જાત કહેતાં શીખ્યો હશે.

આખરે અંતિમ ઉપાય તરીકે ભિખારીને આપી દઇને કે દહેરામાં નાખીને એની પીડામાંથી મુક્ત થવાના મરણિયા નિશ્ચય પર હું આવ્યો.

પરંતુ એટલામાં મને એક યુકિત સૂઝી, એક કાણા પાનવાલાની દુકાને જઇને બે પૈસાના પાન ખરીદી એક રૂપિયો આપ્યો. એણે બે પૈસા કાપી લઇ બાકીનું પરચૂરણ આપ્યું. પરચૂરણ ગણી જોતાં યુક્તિપૂર્વક પેલી ખોટી બે આની મેં એના ભેગી સેરવી લીધી. પછી જાણે અચાનક જ નજર પડી હોય એમ એ બે આની મેં બહાર કાઢી કંઇક સાશંક દ્રષ્ટિએ એના તરફ જોઇ `આ બે આની ખોટી છે, બીજી આપ‘ એમ કહીન પાનવાળાને પાછી આપી.

પાનવાળાએ બે આની પાછી લીધી અને કહ્યું `મારી પાસે બીજી બે આની નથી. તમે બે આના આપો તો હું પાવલી આપું.‘

મેં બે આના આપી એની પાસેથી પાવલી લીધી.

“જંગ જીત્યો રે મારો કાણિયો!”નું ગીત ધીમે અવાજે ગાતો હું ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં બે-ત્રણ મિત્રો મળ્યા. તેમને બે આનીની કથા કહી અને મારા વિજયનું અખંડ સ્મરણ જાળવવા તેમને ચા પીવા પાસેના રેસ્ટોરાંમાં લઇ ગયો.

ચા પી પૈસા ચૂકવવા પેલી પાનવાલાની પાવલી મેં રેસ્ટોરાંના માલિકને આપી એણે પાવલીને જમીન પર પછાડીને રૂપાનો ઢોંગ કરતી એ પાવલી કલાઇના અવાજે કકળી ઉઠી!

“એ પાવલી નહિ ચલેગી, દૂસરી દો.”

અનુભવે રીઢો બનેલો હું કંઇ પણ બોલ્યો નહિ અને બીજી પાવલી આપી. અપૂર્વ પરાક્રમ કર્યા પછી હારેલા વીર યોધ્ધાની પેઠે, ત્યાંથી પાછો ફર્યો. અને “જંગ જીત્યો રે મારો કાણિયો!” ની બીજી પંકિત “વહપ ચલે તબ જાણીયો રે!” હતાશ હૃદયે સંભારી.

“લાવો, હું એ ચલાવી આપીશ.” મારા એક મિત્રે કહ્યું. એ અતીત શ્રધ્ધાળુ હૃદયને આઘાત ન પહોંચાડવાના ઇરાદાથી મેં તેને પાવલી આપી.
થોડા દિવસ પછી એ મિત્ર મને પાછો મળ્યો. મેં પૂછ્યું, “કેમ પાવલી ચાલી ખરી ?”

“અરે હા, તે જ દિવસે મેં કોઇને પોરવી દીધી!”

અમરકથાઓ
આમ મારી પાવલી ચાલી ખરી, પણ તેથી મને કંઇ પણ લાભ થયો નહિ. એ મિત્રે મને પેલી પાવલીના બદલામાં બીજી પાવલી આપવી જોઇતી હતી, પરંતુ ત્યાર પછી અનેક વાર મળવા છતાં, મારી પાવલી ચલાવવાની પોતાની કળાની વારંવાર પ્રશંસાયુક્ત કથા કરવા છતાં, એણે એ પાવલીના મારા હક્ક વિશે શબ્દ સરખો ઉચ્ચાર્યો નથી.

(સૌજન્યઃ જ્યોતીન્દ્ર દવે -હાસ્યવૈભવ)

આ પણ વાંચો 👇

શિક્ષકોનું બહારવટુ – હાસ્યલેખ શાહબુદ્દીન રાઠોડ

આવ ભાણા આવ – હાસ્યલેખ – શાહબુદ્દીન રાઠોડ

જ્યોતીન્દ્ર દવે - હાસ્યલેખક
જ્યોતીન્દ્ર દવે – હાસ્યલેખક

best gujarati story and gujarati novel and gujarati books.. follow amarkathao.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *