Skip to content

થીગડું વાર્તા : સુરેશ જોષી | Thigadu Best Gujarati stories collection

થીંગડું વાર્તા - સુરેશ જોષી
7213 Views

થીગડું વાર્તા, ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ – સુરેશ જોષી, નવલકથા, નવલિકા, ટૂંકીવાર્તા, ગુજરાતી સાહિત્ય વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા, ગુજરાતી વાર્તા સંગ્રહ, વાર્તા gujarati pdf, varta gujarati pdf, ગુજરાતી પ્રેરક વાર્તા pdf, નવી વાર્તા pdf, વાર્તા ગુજરાતી સાહિત્ય, બોધ વાર્તા ગુજરાતી, બોધ કથા pdf, ગુજરાતી પ્રેરક વાર્તા, પંચતંત્રની 75 વાર્તાઓ pdf, ગુજરાતી બાળ વાર્તા pdf, બોધ કથા ટૂંકી ગુજરાતી, 101 inspiring stories in gujarati pdf, varta gujarati, નવલકથા pdf, gujarati boos pdf downland

થીગડું – શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ

દીવાને અજવાળે પ્રભાશંકરે, આંખ ઠેરવીને, સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂંકથી ભીની કરીને છેડે વળ ચઢાવ્યો, ઘણા પ્રયત્નો કર્યા પણ સોયનું નાકું દેખાય તો ને!

એટલામાં શેરીના દીવા આગળ રમતા એક કિશોરની એ તરફ નજર ગઈ. થોડી વાર સુધી તો એણે પ્રભાશંકરના નિષ્ફળ પ્રયત્નોને કુતૂહલથી જોયા કર્યા. પછી એ પાસે આવીને બેઠો અને ભીંતના પોપડા ઊખેડતો પ્રભાશંકરના

પ્રયત્નોને જોઈ રહ્યો.

પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું: ‘કોણ છો બેટા? દયાશંકરનો મનુ કે?’ પેલા કિશોરે કહ્યું:

‘હા, દાદા.’

કિશોરના માનવાચક સમ્બોધનથી પ્રોત્સાહન પામીને પ્રભાશંકરે કહ્યું: ‘ભાઈ, મને જરા આ સોયમાં દોરો પરોવી આપ ને!’

મનુએ કહ્યું: ‘દાદા, એક શરત. તમારે વાર્તા કહેવી પડશે.’

પ્રભાશંકર હસીને બોલ્યા: ‘વાતો તો તારાં દાદીને કહેતાં આવડતી, હું તો …’

એમને વચ્ચેથી જ અટકાવીને મનુ બોલ્યો: ‘ના દાદા, એમ બહાનું કાઢો તે નહિ ચાલે, દાદીએ તમને તો ઘણી બધી વાતો સંભળાવી હશે. એમાંથી એક તો કહો.’

પ્રભાશંકર હાર્યા. એમણે કહ્યું: વારુ, તું દોરો પરોવી આપ, એટલે વાર્તા કહું.

મનુએ ઝટ દોરો પરોવી આપ્યો. પ્રભાશંકરે પેલા કપડાનો ટુકડો જોડીને જેવા સૂઝે તેવા બખિયા ભરવા માંડ્યા. મનુ પાસે સરીને કુતૂહલથી વિસ્ફારિત નેત્રે એમની પાસે બેઠો.

પ્રભાશંકરે વાર્તા શરૂ કરી: ઘણાં ઘણાં વરસ પહેલાંની વાત છે…

મનુએ પૂછ્યું: ‘ કેટલાં? સો, બસો…’

પ્રભાશંકરે કહ્યું: ‘ના, હજારેક વરસ પહેલાંની વાત છે.

ત્યારે એક રાજા હતો. એને એક રાજકુમાર. એનું નામ ચિરાયુ.

બાળપણથી જ એ ભારે ફૂટડો. જે એને જુએ તે એના પર વારી જાય. એ મોટો થતો ગયો તેમ વધારે ને વધારે દેખાવડો થતો ગયો. એને જોઈજોઈને રાજા અને રાણીની આંખમાંથી આંસુ વહી જાય …

મનુએ પૂછ્યું: ‘ એ તે કેવી નવાઈની વાત? આવા રૂપાળા કુંવરને જોઈને ખુશ થવાને બદલે રાજારાણી આંસુ પાડે!’

પ્રભાશંકરે કહ્યું: ‘હા ભાઈ, એ આવો રૂપાળો હતો તેથી જ એને જોઈને રાજારાણીને એમ થાય કે આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાઈ જ જશે ને! આથી એમને દુ:ખ થાય ને આંસુ આવે…’

મનુએ હોંકારો પૂરતા કહ્યું: ‘હં, પછી?’

પ્રભાશકરે વાત આગળ ચલાવી: ‘આમ મહિના વીતતા જાય છે, વરસ વીતતાં જાય છે. રાજકુમાર સોળ વરસનો થયો. વરસગાંઠ આખા રાજમાં ધામધૂમથી ઉજવાઈ. એ જ વખતે રાજાને કાને વાત પહોંચી કે રાજધાનીમાં કોઈ મોટા ચમત્કારી સિદ્ધ પુરુષ આવ્યા છે. નગરની બહાર, મોટા વડની છાયામાં, એઓ ધૂણી ધખાવીને બેઠા હતા. રાજા અને રાણી તો એમની પાસે ગયાં. સોનાના થાળમાં ફળ ધરીને કહ્યું: ‘મહારાજ, અમારી એક ઇચ્છા પૂરી કરશો?’

સિદ્ધ પુરુષે પૂછ્યું: ‘શી ઇચ્છા છે, બોલો?’

રાણી બોલી: ‘અમારો એકનો એક રાજકુમાર સદા છે તેવો ને તેવો ફૂટડો ને જુવાન રહે એવી અમારી ઇચ્છા છે.’

સિદ્ધ પુરુષે કહ્યું: ‘વારુ, એક વાર બરાબર વિચાર કરી લો.’

રાજાએ કહ્યું: ‘મહારાજ, અમે તો રાતદિવસ આ જ વાતનું રટણ કરીએ છીએ. અમારે હવે ઝાઝો વિચાર કરવાનો છે જ નહિ.’

સિદ્ધ પુરુષે કહ્યું: ‘વારુ, હું એને માટે એક ચમત્કારી રેશમી વસ્ત્ર આપું છું. તે એણે શરીરથી કદી અળગું નહિ કરવું. એ વસ્ત્ર જ્યાં સુધી એના અંગ પર રહેશે ત્યાં સુધી કાળની એના પર કશી અસર થશે નહિ. એની કાયા સહેજ પણ કરમાશે નહિ.’

રાજા અને રાણી આ સાંભળીને હરખથી ઘેલાં ઘેલાં થઈ ગયાં. એમણે લળીને સિદ્ધ પુરુષની ચરણરજ માથે ચઢાવી.

સિદ્ધ પુરુષે પછી કહ્યું: ‘પણ એક વાત છે. જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે. પછી એ મોટું ને મોટું થતું જશે.’ #અમર_કથાઓ

આ સાંભળીને રાજા અને રાણીનાં મોઢાં પર ચિન્તાની છાયા પથરાઈ ગઈ. પછી રાજા બોલ્યા: ‘ અમારા વહાલા દીકરાને માટે અમારા મનમાં ખરાબ વિચાર તો નહિ જ આવે, પણ ન કરે નારાયણ –’

રાણીએ વાત ઉપાડી લઈને કહ્યું: ‘હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહિ શકાય?’

સિદ્ધ પુરુષે કહ્યું: ‘સાંધી તો શકાશે, પણ તે ભારે વિકટ કામ છે.’

રાજારાણી એકીસાથે પૂછી ઊઠ્યાં: ‘કેમ?’

સિદ્ધ પુરુષ બોલ્યા: ‘ એ સાંધવાને જેટલા ટાંકા ભરવા પડે તેટલાં વરસ કોઈ આપી દેવા તૈયાર થાય તો તે એને સાંધી શકે. પણ એમાં વળી એક બીજી શરત છે. એ બધાં વરસો આપનારે એ વરસો દરમિયાન કશું પાપ ન કર્યું હોવું જોઈએ. એ વરસો કશાય કલંક વગરનાં હોવાં જોઈએ.’

આ સાંભળીને રાજારાણી ઘડીભર તો વિચારમાં પડી ગયા. પણ પછી તરત કહ્યું: ‘ભલે મહારાજ, અમને બધી શરત મંજૂર છે.’

સિદ્ધ પુરુષે કહ્યું: ‘હજુ એક વાર વિચાર કરી લો. જો એના વસ્ત્રમાં છિદ્ર પડશે તો એકસાથે બધાં વીતેલાં વરસોની અસર એની કાયા પર થશે; અને જ્યાં સુધી એને સાંધી નહિ લેવાય ત્યાં સુધી એ ધીમે ધીમે ગળાતો જ જશે. પણ જ્યાં સુધી એ વસ્ત્ર એના શરીર પર હશે ત્યાં સુધી એ મરશે નહીં.’

રાજારાણીને હવે કશું સાંભળવું જ નથી, એમણે તો આતુરતાપૂર્વક એ રેશમી વસ્ત્ર માંગ્યું . સિદ્ધ પુરુષે એ વસ્ત્ર એની બરાબર મધ્યમાં સ્વસ્તિક દોરીને આપ્યું. પછી

રાજારાણી તો રાજમહેલમાં આવ્યાં. મોટો દરબાર ભર્યો. એ દરબારમાં ભારે દમામથી રાજપુરોહિતોને હાથે રાજકુમારને એ રેશમી વસ્ત્ર પહેરાવવાનો વિધિ થયો.

મનુએ પૂછયું: ‘પછી?’

પ્રભાશંકર બખિયા ભરતા ભરતા બોલ્યા: ‘પછી તો વરસ પછી વરસ વીતતાં જાય છે, રાજા વૃદ્ધ થયા, રાણી વૃદ્ધ થયાં, પણ ચિરાયુ તો એવો ને એવો ફૂટડો સોળ વરસનો રાજકુમાર જ રહ્યો. ચિરાયુ તો ભારે મોજશોખમાં પડી ગયો. એક રાજકુંવરીને પરણે, ને એ મોટી ઉંમરની થાય એટલે એને છોડી દે ને બીજી રાજકુંવરીને પરણે. આનો કાંઈ પાર જ ન રહ્યો.

એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠાં હતાં. ત્યાં પાસેથી કોઈનું હૈયાફાટ રડવું સંભળાયું. એમણે જોયું તો રાજકુમારે તરછોડેલી રાણી જ રડતી હતી. રાજા એને સમજાવીને છાની રાખવા ગયા ત્યાં એ જીભ કરડીને મરી ગઈ.

રાજારાણી આથી બહુ ઉદાસ થઈ ગયાં. આથી એમનાથી બોલાઈ ગયું: ‘આના કરતાં તો જુવાની નહિ હોય તે સારું.’ ને તરત જ પેલા સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે થયું. ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું, ને કાણું પડતાંની સાથે જ રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો. એના શરીર પરની ચામડી ઝૂલી પડી, અને શરીરે પરુ દૂઝતાં ઘારાં ઊભરાઈ ઊઠ્યાં. એને જોઈને લોકો મોં ફેરવી લઈને નાસવા લાગ્યાં.

ચિરાયુ તો પડતો-આથડતો રાજારાણી પાસે આવ્યો ને કરગરી પડ્યો: ‘મને બચાવો, મને બચાવો.’

રાણીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. એણે એને ખોળે લીધો ને ફાટેલા રેશમી વસ્ત્રને થીગડું દેવા બેઠી. એ બખિયા ભરે, પણ વસ્ત્ર તો સંધાય જ નહિ. પછી રાજાએ સાંધવાનો પ્રયત્ન કર્યો, પણ વસ્ત્ર સંધાય જ નહિ. રાજારાણી પાપમુક્ત થોડા જ હતાં!

પછી તો રાજાના દરબારીઓએ પ્રયત્ન કર્યો, પણ ફોકટ!

આમ દિવસે દિવસે કાણું તો મોટું થતું ચાલ્યું. એને સાંધવા જેટલાં કલંક વગરનાં વરસ કોની પાસે હોય? રાજા અને રાણી તો કુંવરની આ દશા જોઈ ને મરણશરણ થયાં. પછી ચિરાયુ તો નીકળી પડ્યો…

મનુએ પૂછયું: ‘પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું?’

થીંગડું
થીંગડું વાર્તા

પ્રભાશંકર બોલ્યા: ‘એને મનમાં એવો લોભ ખરો ને કે કદાચ કોઈ સાંધનાર મળી જાય તો જુવાની પાછી મળી જાય. લોકો કહે છે કે કોઈક વાર રાતના અંધારામાં લથડતે પગલે કોઈ સાવ ખખડી ગયેલો ડોસો ચીંથરેહાલ દશામાં આવીને આંગણે ઊભો રહે ને બોલે છે: થીગડંુ મારી આપશો. પછી સહેજ રાહ જોઈને ઊભો રહે છે. જવાબ ન મળતાં આખરે ચાલ્યો જાય છે.’

મનુ વિચારમાં પડી ગયો. થોડી વાર સુધી એ કશું બોલ્યો નહિ. પછી કશોક વિચાર આવતાં એની આંખ ચમકી ઊઠી ને એ બોલી ઊઠ્યો: ‘દાદા, તમે તો મોડે સુધી જાગતા ઓટલે બેસી રહો છો. તમને જો એ કોઈ વાર દેખાય તો મને બોલાવજો. આપણે બે મળીને એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું. પછી એને રખડવાનું તો મટશે, ખરું ને?’

પ્રભાશંકરે કહ્યું: ‘હા.’

મનુ સન્તોષ પામીને ઊભો થઈ ચાલ્યો ગયો. એના તરફ જોઈ રહેલા પ્રભાશંકરે ઘડીભર સ્થિર થઈને બેસી જ રહ્યા. પછી બખિયો ભરતાં સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ, એટલે સોયદોરો કાઢી લઈને ઊભા થયા ને ઘરની અંદરના અન્ધકારમાં અલોપ થઈ ગયા… #અમર_કથાઓ

✍ સુરેશ જોષી

🍁 મારા બાળપણનું વન – સુરેશ જોષી

🍁 લોહીની સગાઈ – ઇશ્વર પેટલીકર

🍁 કાબુલીવાલા – રવિન્દ્રનાથ ટાગોર

🍁 રસિકભૈ રસો – યોગેશ જોશી

🍁 ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે

થીંગડુ વાર્તા નાં લેખક કોણ છે , થીગડુ નો સાહિત્ય પ્રકાર જણાવો. થીંગડું પાઠ ક્યા ધોરણમાં આવતો, ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ – સુરેશ જોષી, નવલિકા, ટૂંકીવાર્તા, ગુજરાતી સાહિત્ય વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા

4 thoughts on “થીગડું વાર્તા : સુરેશ જોષી | Thigadu Best Gujarati stories collection”

  1. Pingback: ગુજરાતી સાહિત્યની Best 101 વાર્તાઓનો સંગ્રહ | Gujarati Varta Pdf - AMARKATHAO

  2. Pingback: થીગડું | સૂરસાધના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *