Skip to content

ચૈતન્ય મહાપ્રભુનાં બાળપણનાં પ્રસંગો

ચૈતન્ય મહાપ્રભુનાં બાળપણનાં પ્રસંગો
6031 Views

‘શ્રીરાધાજીનો અવતાર’ તરીકે ઓળખાતા મહાન સંત ચૈતન્ય મહાપ્રભુજીનાં બાળપણનાં પ્રસંગો તેમ જ તેમના જીવન વિશે માહીતી આપવાનો આ લેખમાં પ્રયાસ કરેલો છે. ચૈતન્ય મહાપ્રભુનો ઈતિહાસ

ચૈતન્ય મહાપ્રભુનું બાળપણ (નિમાઇ)

બંગાળામાં ગંગા નદીને કિનારે નદિયા શહેર છે. મધ્યયુગમાં એનું નામ નવદ્વીપ હતું. એ બંગાળની રાજધાનીનું શહેર હતું અને પંદરમી – સોળમી સદીમાં તો ત્યાં વીસેક લાખની વસતી હતી. વેપારવાણિજયના કેન્દ્ર ઉપરાંત એ વિદ્યાનું પણ કેન્દ્ર હતું. અહીં સેંકડો પાઠશાળાઓ ચાલતી જે દરેકમાં સેંકડો વિદ્યાર્થીઓ ભણતા.

આ વિદ્યાનગરમાં જગન્નાથ મિશ્ર નામે એમ બ્રાહ્મણ રહેતા એમનાં પત્નીનું નામ શચીદેવી હતું. જગન્નાથ મિશ્ર મૂળે આસામના સીલહટના રહેવાસી હતા, પરંતુ નવદ્વીપમાં જ સ્થાયી બન્યા હતા. આર્થિક સ્થિતિ સાધારણ હતી, પરંતુ વિદ્યા અને જ્ઞાનને જ વરેલા આ દંપતીને ધનની કશી તમા નહોતી.

જગન્નાથ મિશ્ર અને શચીદેવીને ઘરે એક પછી એક આઠ પુત્રીઓનો જન્મ થયો હતો. પરંતુ એ બધી થોડો વખત જીવીને મરણ પામી હતી. નવમાં સંતાન તરીકે એક પુત્ર થયો. એનું નામ વિશ્વરૂપ દસ વરસનો થયો ત્યારે વળી શચીદેવીએ એક બીજા પુત્રને જન્મ આપ્યો. આ બીજો દીકરો દેશના ઇતિહાસમાં અમર બની જવાનો હતો.

માતાપિતાની મોટી ઉંમરના આ સંતાનમાં જન્મથી જ કેટલીક અજાયબીઓ હતી. એનો જન્મ ૧૩ મહિનાના ગર્ભવાસ પછી થયો હતો એથી જન્મ સમયે એ ખૂબ મોટો જણાતો હતો. એની આંખોમાં એ કાળે પણ બુદ્ધિ અને સમજણનો અજબ ચમકારો વરતાતો હતો. જગન્નાથ મિશ્ને નામ રાખ્યું વિશ્વભર.

પરંતુ એની માતાએ એને ‘ નિમાઈ ’ નામ આપ્યું. ગુજરાતમાં જેમ ખોટના છોકરાને કે ઘણી બહેનો પછી જન્મેલા ભાઈને ‘ ભીખુ ’ કહેવાનો રિવાજ છે. યમના દૂતોને આ ભિખારીમાં કશો રસ ન પડે અને એને જલદી લઈ ન જાય , એવા ખ્યાલથી ‘ ભીખુ ’ નામ રખાય છે. એ જ રીતે ‘ નીમ ’ એટલે લીમડો અને ‘ નિમાઈ ’ એટલે લીમડો કડવો છે એમ માનીને યમદૂતો એનાથી છેટા જ રહે !

જો કે આ નિમાઈ કડવો જરાય નહોતો. ખૂબ જ મીઠો હતો. એની નાનપણની સુંદરતા વિષે તો બંગાળીઓએ સેંકડો કાવ્યો રચ્યાં છે. એના દેહનો વર્ણ તપાવેલા સોના જેવો ઊજળો હોવાથી એક નામ ‘ ગૌરાંગ ’ પણ હતું.

નિમાઈનું નાનપણ ખૂબ તોફાન – મસ્તીમાં વીત્યું. રખડુ તો એવા કે જરાજરામાં માતાની નજર ચુકાવીને નાસી જાય. પછી શોધતાં નાકે દમ આવે.

એને પશુ – પંખી – જીવજંતુ માટે ભારે સ્નેહ. એક વાર તો સાપના કણાને પકડી લીધો ! ત્યારથી માતાએ એક માણસને સદાય એની સાથે રાખવા માંડયો.

એના પશુ – પ્રેમની એક સરસ વાત છે. એકવાર એણે એક કુરકુરિયાને લાવીને ઘરમાં થાંભલા સાથે બાંધ્યું. એને એમ કે બધા જેમ ગાયો પાળે છે તેમ હું કુરકુરિયા પાળીશ ! એટલે કુરકુરિયાને ઘરમાં બાંધીને નિમાઈ રમવા બહાર ગયો કે તરત શચીદેવીએ તો કુરકુરિયાને છોડી મૂક્યું.

નિમાઈને આ વાતની ખબર પડતાં જ એ દોડતો દોડતો ઘરમાં આવ્યો અને ભારે ધાંધલ મચાવવા લાગ્યો. રડવા પણ માંડયું. બિચારા શચીદેવીને એવું જ રૂપાળું બીજું કુરકુરિયું લાવી આપવાનું વચન આપવું પડ્યું.

બીજી ઘણી રીતે નિમાઈ નાનપણમાં જ વિચિત્રતા દાખવતો હતો. નાચવું એ હલકું કામ ગણાતું. છતાં નિમાઈને કઠપૂતળીઓની જેમ નાચવું ખૂબ ગમતું અને એ એટલો સુંદર હતો કે એ નાચતો ત્યારે સૌ કોઈ મુગ્ધ બનીને એને જોઈ રહેતા.

એ છએક વરસનો થયો ત્યારે એક ગંભીર પ્રસંગ એના ઘરમાં બની ગયો.

મોટો ભાઈ વિશ્વરૂપ એ વેળા સોળેક વરસનો હતો. ઘણું ભણ્યો હતો. પરિણામે એને જ્ઞાન અને સાધનાની લગની લાગી હતી. સંસાર એને ગમતો નહિ. આથી એક મધરાતે કોઈને કહ્યા વગર એ ઘર છોડી નાસી ગયો.

જગન્નાથ મિશ્રને આ ઘટનાનો સખત આઘાત લાગ્યો. દસ – દસ સંતાનો પછી પોતાને ઘેર એકલો એક નિમાઈ જ રહ્યો હતો. અને વિશ્વરૂપ ઘર છોડીને જતો કેમ રહ્યો ? બહુ ભણ્યો અને બહુ જ્ઞાની બન્યો ત્યારે ને ? માટે છોકરાઓને ભણાવવા જ નહિ ! પોતે વિદ્વાન હોવા છતાં જગન્નાથ આવો વિચાર કરતા હતા ! કારણ કે જુવાનજોધ છોકરો ઘર છોડીને જતો રહ્યો હતો.

એ દિવસમાં તો નિમાઈને પણ નિશાળે જવું ગમતું નહોતું. માતા સાથે અને સરખેસરખા દોસ્તો સાથે એ આનંદ કર્યા કરતો. પરંતુ પછી પોતાના જેવડા બધા છોકરા નિશાળે જવા લાગ્યા એટલે એનેય ભણવાની ચપપટી થઈ. ત્યાં વળી બાપાની આજ્ઞા આડી આવી. આખરે કજિયો કામ કઢાવવાનો પોતાનો જૂનો ને જાણીતો ઉપાય એણે અજમાવ્યો. શચીદેવીએ પણ છોકરાને થોડુંક તો ભણાવવાનો જગન્નાથ મિશ્રને આગ્રહ કર્યો.

નવદ્વીપમાં ગંગાદાસની પાઠશાળા નામની જાણીતી નિશાળમાં એને મૂકવામાં આવ્યો. અને એની વિશેષતા ઝળકી ઊઠી. પોતાનાં તોફાનોને કારણે જે છોકરો ઘણી વાર ગાંડા જેવો લાગતો તે ભણવામાં તો સૌને ટપી ગયો. થોડો અભ્યાસ કરી લીધો. તેનો અભ્યાસ એટલો ઉત્તમ હતો કે એણે માત્ર ૧૪ વરસની ઉંમરે વ્યાકરણનું એક પુસ્તક લખ્યું. એ પુસ્તક સૌ વિદ્વાનોએ વખાણ્યું.

એ જેવો હોશિયાર હતો એવો જ લાગણીશીલ અને ઉદાર હતો. એનો એક પ્રંસગ તો સૌ વિદ્યાર્થીએએ જાણવા જેવો છે.

નિમાઈની શાળામાં રઘુનાથ નામનો હોશિયાર વિદ્યાર્થી હતો. તેણે ‘ દધિતિ ’ નામે ન્યાયશાસ્ત્રનો એક ગ્રંથ લખવા માંડયો હતો.

એટલામાં એને જાણવા મળ્યું કે નિમાઈ પણ ન્યાયશાસ્ત્ર ઉપર એક ગ્રંથ લખી રહ્યા છે. નિમાઈના વ્યાકરણના પુસ્તકને મહાન વિદ્વાનોએ પણ વખાણ્યું હતું. આ નવું પુસ્તક પણ એવુ જ નીવડશે એમ રઘુનાથને લાગતું હતું અને આથી રધુનાથ દુઃખી થતો હતો. એ વિચારતો હતો કે નિમાઈ જેવો હોશિયાર વિદ્યાર્થી જે પુસ્તક લખશે તેની સામે મારું પુસ્તક તો ફિક્કું જ લાગશે ને !

રઘુનાથને થતું કે, નિમાઈ કેવું પુસ્તક રચી રહ્યો હશે એ જોવું જોઈએ. આથી એકવાર બંને જણા નૌકામાં બેસીને ગંગા પાર કરી રહ્યા હતા ત્યારે રઘુનાથે કહ્યું નિમાઈ, તારું પેલું પુસ્તક મને બતાવ ને ! ’

નિમાઈએ રેશમી કાપડમાં વીંટાળેલા પોતાના પુસ્તકનાં પાનાં રઘુનાથને આપ્યાં. રઘુનાથે એ વાંચવા માંડયાં. થોડું વાંચતાં જ એવી આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં નિમાઈએ પૂછ્યું : ‘ કેમ રઘુનાથ , તમે કેમ રડી રહ્યા છો ? ’

રઘુનાથે કહ્યું, ‘ ભાઈ, હું એમ વિચારું છું કે સૂર્ય સમા તેજસ્વી તારા આ પુસ્તક આગળ મારું પુસ્તક તો ઝાંખું પડશે. પરિણામે મને કદી પ્રતિષ્ઠા નહિ સાંપડે. એ વિચારે હું રડું છું. ’

પશુ – પંખી અને જીવજતુંને પણ દુઃખી નહિ જોઈ શકતો નિમાઈ આવા વિદ્વાનનાં આંસુ કેમ જોઈ શકે ? એણે તો અક્ષરેય બોલ્યા વગર રઘુનાથના હાથમાંથી પેલી પોથી લીધી અને તરત જ ગંગાજીમાં પધરાવી દીધી !

આ ઉદારતા, આ લાગણીશીલતા, કોઈનેય જરાય દુઃખી જોઈને પીગળી જતું આ હૃદય — માનવીને આ ગુણો જ મહાન બનાવે છે.

નિમાઈ પણ મહાન બન્યો. મોટી ઉંમરે એ મહાન સંત તરીકે જાણીતો થયો. ભગવાન શ્રીકૃષ્ણના એક અવતાર તરીકે એની ગણના થવા લાગી. એ ગૌરાંગ મહાપ્રભુ કે ચૈતન્ય મહાપ્રભુ તરીકે દેશના ઇતિહાસમાં અમર બની ગયો છે.

✍ યશવંત મહેતા

ચૈતન્ય મહાપ્રભુ : દિક્ષા-ભક્તિ-ચમત્કારો

ચોવીસ વર્ષની ઉંમરે ‘કેશવ ભારતીજી’ પાસે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી સંસારનો ત્યાગ કર્યો. અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કેટલાય ભકતોને ચતુર્ભુજ રૂપે, દ્વિભુજ રૂપે, છડ્ભુજ રૂપે શ્રીકૃષ્ણ સ્વરૂપનાં દર્શન કરાવ્યાં હતાં.

તેમણે અનેક ચમત્કારો પણ કર્યા હોવાનું લોકોમાં પ્રસિદ્ધ છે. કેટલાક રોગી, કોઢીઓને રોગમુકત કર્યા હતા. દક્ષિણમાં એક તળાવના પાણીને ‘મધ’ બનાવ્યું હતું. આજે પણ તે તળાવ ‘મધુ પુષ્કરિણી’નામે દક્ષિણમાં પ્રખ્યાત છે.

ચૈતન્ય મહાપ્રભુએ આપેલો મંત્ર

શ્રી મહાપ્રભુજી પોતાના ભકતોને કહેતા, સર્વ શાસ્ત્રોનો સાર શ્રીકૃષ્ણ નામનો જપ કરવામાં છે. તેમણે ભકતોને મહામંત્ર આપ્યો ‘હરે કૃષ્ણ! હરે કૃષ્ણ! કૃષ્ણ, કૃષ્ણ હરે હરે! હરે રામ હરે રામ! રામ, રામ! હરે હરે!’ જેને મહા મંત્ર અથવા હરે કૃષ્ણ મંત્ર તરિકે લોકો વધુ સારી રીતે જાણે છે. આપણા પૂ. ડોંગરેજી મહારાજ તેમની કથામાં જયારે આ ધૂન બોલાવતા ત્યારે કથામંડપમાં હજારો ભકતોની આંખોમાં આંસુ છલકાઇ જતાં. નગર સંકીર્તનની શરૂઆત કરનાર શ્રી મહાપ્રભુ છે. કેટલીક વાર જગન્નાથપુરીની ગલીઓમાં શ્રી કૃષ્ણ નામનો નાદ કરતા ગલીએ ગલીએ ફરતા. તેમની આ પરંપરા આજે પણ ચાલુ છે. તેમણે લખેલું કૃષ્ણભકિતનું અષ્ટક (શિક્ષાષ્ટક) તેમનાં હૃદયનાં શુદ્ધ ભાવ પ્રગટ કરે છે.

ચૈતન્ય મહાપ્રભુ : મહાપ્રયાણ

કહેવાય છે કે મહાપ્રભુજીમાં સાક્ષાત્ ‘રાધાજી’ પ્રગટ થયાં હતાં. રાધાજી જેમ શ્રીકૃષ્ણના વિરહમાં રાત-દિવસ રડતાં હતાં તેવી જ રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુ પણ શ્રીકૃષ્ણના વિરહમાં ચોધાર આંસુએ રડતા. ક્યારેક નાચવા લાગતા, ક્યારેક દોડવા લાગતા. ક્યારેક મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડતાં.

આયુષ્યનાં છેલ્લાં 12 વર્ષ પ્રેમોન્માદ દશામાં અંતેવાસીઓને રાતદિવસ તેમની સંભાળ રાખવી પડતી. વિરહદશામાં તે ઉચ્ચ સ્વરે મહામંત્રનો સતત જાપ કર્યા કરતા અને વિરહદુ:ખે લોહી નીકળે ત્યાં સુધી ભીંતે ગાલ ઘસતા, ઘર બહાર દોડી જતા અને ભક્તોએ તેમને શોધી લાવવા પડતા. ગોવિંદ અને શંકર રાત્રે તેમની પાસે સૂઈ રહેતા. શંકર તેમના પગ પોતાની છાતીએ દાબી રાખતા, તેથી તે ‘પ્રભુપાદોપધાન’ (પ્રભુના પગનું આસન) એવું બિરુદ પામેલા.

આટલા જાપ્તા છતાં એક વખત બધાને થાપ આપી શ્રીચૈતન્ય સમુદ્ર તરફ જતા રહ્યા અને સમુદ્રજળમાં યમુનાજળનો ભાસ થતાં તેમાં કૂદી પડ્યા. બીજે દિવસે કોણાર્ક પાસે એક માછીમારની જાળમાં શ્રીચૈતન્યનો વિકૃત દેહ મળ્યો. આ પછી થોડાક સમયે શક સંવત 1455(1533)ના અષાઢ માસમાં શ્રીચૈતન્યે લીલાસંવરણ કર્યું. એક લોકશ્રુતિ પ્રમાણે તેમણે ફરી સમુદ્રમાં ઝંપલાવ્યું અને તેમાં મહાસમાધિ પામ્યા.

અન્ય લોકશ્રુતિ અનુસાર તે ભગવાન જગન્નાથના દર્શને ગયા ત્યારે અકસ્માત જ મંદિરના ગર્ભગૃહનાં બારીબારણાં બંધ થઈ ગયાં અને મંદિરના એક સેવકે તેમને ભગવાન જગન્નાથને આલિંગન આપતા અને મૂર્તિમાં લીન થઈ જતા જોયા.

શ્રીચૈતન્યના અંતરંગ મંડળમાં શ્રી નિત્યાનંદ મુખ્ય હતા. ‘નિતાઈ’ અને ‘નિમાઈ’નાં નામ સંકીર્તનમાં હંમેશ ગવાય છે.

આ લેખને સલંગ્ન લેખ અહીથી વાંચો 👇

ભગવાન બુદ્ધ

1 thought on “ચૈતન્ય મહાપ્રભુનાં બાળપણનાં પ્રસંગો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *