Skip to content

જગન્નાથ મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ | jagannath temple history

જગન્નાથ મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ
8683 Views

જગન્નાથ મંદિર એ હિન્દુ સનાતન ધર્મનાં આસ્થાનાં પ્રતિક સમા જગન્નાથપુરી મંદિર ઓરિસ્સામાં આવેલુ છે. જેનો ખુબ જ પ્રાચીન ઇતિહાસ આપણને મળે છે. દરવર્ષે જગન્નાથ ભગવાનની રથયાત્રામાં લાખો લોકો ભક્તિભાવથી જોડાય છે. આ રથયાત્રા વિશ્વની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. આજે amarkathai માં જાણીએ ભગવાન જગન્નાથ મંદિરનાં ઇતિહાસ વિશે.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Jagannath temple history in gujarati

એક ઉત્સવ એવો છે કે જેમાં ભક્તિ તથા ખુશાલીની જોડે શારીરિક બળ પણ ઉમેરાય છે. એ છે ઓરિસ્સાની પુરીનગરીમાં ઉજવાતો ભગવાન જગન્નાથનો રથયાત્રાનો ઉત્સવ. એ સમયે ભક્તો એકબીજાની મદદથી એમના દેવદેવીનો પ્રચંડ રથ ત્રણ કિલોમીટર સુધી ખેંચી જતા હોય છે.

હિંદુ પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજનો દિવસ લગભગ જુન કે જુલાઈમાં આવે છે. પુરીમાં એનાં પગરણ મંડાયાં, પણ તે હવે પુરીનગરી પૂરતો જ મર્યાદિત નથી. ભારતના જુદાં જુદાં નગરો અને મોટાં સ્થાનોમાં તેમ જ હવે તો પરદેશમાં પણ અનેક સ્થળે ધામધૂમથી રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે.

જ્યારે ‘ જય જગન્નાથ’ના ગગનભેદી ઉચ્ચારો ઘંટો, ઝાંઝ, નગારાં, ઢોલક અને બીજાં વાજિંત્રોના ધ્વનિથી વાતાવરણ ગૂંજતું હોય છે, ત્યારે ભગવાન શ્રી જગન્નાથ, એમના મોટાભાઈ બલભદ્ર તથા નાની બહેન સુભદ્રા સાથે એમના નિર્ધારિત સ્થાન ગુંડીચા ઘર તરફ જતા હોય છે. ત્રણે દેવો જુદા જુદા રથોમાં પ્રયાણ કરતા હોય છે.

ગુંડીચા ઘરમાં પખવાડિયું રહ્યા પછી ત્રણે દેવ – દેવી પોતપોતાના રથમાં, ધામધૂમથી પોતપોતાના મંદિરમાં જતાં હોય છે. પુરીમાં હોય છે તેમ આ ત્રણ દેવતાઓનું અસ્થાયી નિવાસસ્થાન પણ ગુંડીચા ઘર તરીકે ઓળખાય છે.

પુરીમાં ગુંડીચા ઘર – રાણી ગુંડીચાનું નિવાસસ્થાન કે જ્યાં કોઈ રહસ્યમય શિલ્પીએ (એક આસ્થા પ્રમાણે સ્વયં વિશ્વકર્માએ) કાષ્ટમાંથી ભગવાન જગન્નાથની પ્રતિમા કંડારી છે , તે સ્થળનું નામ છે. ઓરિસ્સાના અને ભારતનાં બધાં મંદિરોમાં પથ્થરમાંથી કંડારાયેલી મૂર્તિઓ હોય છે. તો ભગવાન જગન્નાથની મૂર્તિ કાષ્ટમાંથી શા માટે કંડારાઈ હશે ?

જગન્નાથ ભગવાન, બલભદ્ર અને સુભદ્રા
જગન્નાથ ભગવાન, બલભદ્ર અને સુભદ્રા

જગન્નાથ મંદિર સાથે જોડાયેલ કથા – ૧

એની કથા આ પ્રમાણે છે : પ્રાચીન કાળમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. એના ચિત્તમાં એક વિચિત્ર વિચાર ઘોળાયા કરતો હતો કે પુરીની પાસે એક મૂર્તિ છુપાયેલી છે. તેમાં ભગવાન વિષ્ણુ સ્વયં બિરાજે છે અને એની બધાને ખબર આપવાનો સમય પાકી ગયો છે. એની નિષ્ઠા એવી તો તીવ્ર હતી કે એણે ભગવાન વિષ્ણુના નિવાસ માટે વિશાળ મંદિર બંધાવા માંડયું. ( જોકે દેવની મૂર્તિ જડે કે કંડારાય તે પૂર્વે મંદિર બાંધવાનું અસ્વાભાવિક છે. પણ એના કરતાં વધારે અસ્વાભાવિક તો રાજાએ દેવને પ્રાર્થના કરી તે છે. એની પ્રાર્થના એ હતી કે એના મરણની સાથે એના વંશનો ક્ષય થાય. કારણ કે એના વંશજો એની સિદ્ધિ માટે ગર્વ લેતા રહે અને પછી કશું મહત્વપૂર્ણ સિદ્ધ કરવાનો પ્રયત્ન ન કરે ).

રાજાએ ચાર વિદ્વાનોને ચાર જુદી જુદી દિશાઓમાં ગુપ્ત પ્રતિમાની શોધ માટે મોકલ્યા. એમાંનો વિદ્યાપતિ નામનો એક વિદ્વાન જંગલમાં ભૂલો પડયો, અને વિશ્વાવસુ નામના એક આદિવાસી સેનાપતિના ઘર આગળ આવ્યો. એ માંદો પડયો. સેનાપતિની સુંદર દીકરી લલિતાએ એની ખૂબ સેવા કરી. વિદ્યાપતિ એના પ્રેમમાં પડયો, અને એ તેને પરણ્યો.

પણ વિદ્યાપતિ પ્રતિમાની શોધમાં નીકળ્યો હતો એ બાબત ભૂલ્યો નહોતો. એણે જોયું કે રોજ સૂર્યાદય પૂર્વે વિશ્વાવસુ થોડાં ફૂલો ચૂંટીને એક કલાક માટે કયાંક ખોવાઈ જાય છે. ગમે તેવો વરસાદ હોય કે વાવાઝેડું હોય તોપણ એના એ ક્રમમાં જરાય ફેરફાર થતો નહિ.

એક દિવસ વિદ્યાપતિએ લલિતાને પૂછ્યું , “ તારા પિતા રોજ સૂર્યોદય પૂર્વે ક્યાં જાય છે ? “

લલિતાએ કહ્યું, “ કોઈને કહેવાની મને મનાઈ છે. પણ તમારાથી હું શી રીતે છુપાવી શકું ? ” ગુફામાં નીલમાધવ નામે અમારા વંશપરંપરાના દેવ છે. ગુફામાં કોઈ જઈ શકતું નથી. એ દેવને પૂજવાનો અધિકાર ફક્ત મારા પિતા, એમના પિતા, દાદા, વડદાદાને જ હતો.

વિદ્યાપતિએ ગુફામાં જવાની જીદ કરી. લલિનાના પ્રબળ આગ્રહને કારણે વત્સલ પિતા વિદ્યાપતિને આંખે પાટા બાંધીને એને ગુફામાં દાખલવા તૈયાર થયો. વિદ્યાપતિને જ્યારે આંખે પાટા બાંધીને ગુફાની અંદર લઈ જવામાં આવ્યો, ત્યારે એણે એને દોરીને લઈ જનારને ખબર ન પડે તેવી રીતે સરસિયાનાં બી સાથે લીધાં હતાં ને એ રસ્તામાં વેરતો વેરતો જતો હતો.

ગુફામાં પહોંચ્યા પછી એની આંખ પરના પાટા છોડી દેવામાં આવ્યા એને સાક્ષાત વિષ્ણુનાં દર્શન થયાં. અને તે પણ પ્રતિમા પર એની નજર પડી તે પૂર્વે. એને તરત જ સમજાયું કે આ પ્રતિમાની જ પુરીમાં બંધાવેલું મંદિર રાહ જોતું હતું.

થોડા દિવસ પછી વિદ્યાપતિએ વિશ્વાવસુની વિદાય લીધી અને જલદી પાછા આવવાનું વચન આપ્યું.

ચોમાસું શરૂ થઈ ગયું હતું. એણે વેરેલ સરસિયાંનાં બી ફણગ્યાં હતાં. એ છોડવા ગુફામાં જવાનો રસ્તો દર્શાવતાં હતાં. એણે એ નાની મૂર્તિને ઉપાડી પુરીનો રસ્તો પકડયો. વિશ્વાવસુને બીજે દિવસે સવારે મૂર્તિ ચોરાયાની ખબર પડી.

વિદ્યાપતિ મૂર્તિ લઈને આવી પહોંચ્યો તેથી ઇન્દ્રદ્યુમ્ન હર્ષઘેલો બની ગયો. રાજા એ મૂર્તિને એક વિશાળ મૂર્તિની અંદર મૂકવા ઇચ્છતો હતો. પણ વિશાળ નવી મૂર્તિની આકૃતિ અને રૂપરંગ કેવાં હોય, એ વિશે તેને મૂંઝવણ થઈ.

રાજાને સ્વપ્નમાં આજ્ઞા મળી કે નવી મૂર્તિ કાષ્ટની હોવી જોઈએ. એને સ્વપ્નમાં એમ પણ કહેવામાં આવ્યું કે જે કાષ્ટમાંથી મૂર્તિ ઘડાવાની છે તે લાકડું સમુદ્રકિનારા પર ઘસડાઈને આવ્યું છે. મોજાંએ એને ઘસડીને કિનારા પાસે ફંગોળ્યું છે. પછી રાજાના માણસોએ અથાગ પ્રયત્નો કર્યા, પણ કેમે કરીને એ લાકડાને કિનારા પર લાવી શક્યા નહિ.

રાજાના દુઃખનો પાર ન રહ્યો. એ ધ્યાનમાં બેઠો. ધ્યાનમાં એને દુઃખમાં ડૂબેલા વિશ્વાવસુની ઝાંખી થઈ. રાજા ઝડપથી જંગલમાં પહોંચ્યો અને એણે વિશ્વાવસુની ક્ષમા માંગી. પરિણામે વિશ્વાવસુને ખાતરી થઈ કે ભગવાનની ઇચ્છા ફળી છે, એ સ્વેચ્છાથી પુરી ગયા છે.

વિશ્વાવસુની મદદથી પેલું લાકડું પોતાની મેળે કિનારા પર આવ્યું.

હવે રાજાને નવી મૂર્તિ સ્વરૂપ વિષેની ચિંતા થવા લાગી. એના રાજ્યના શ્રેષ્ઠ શિલ્પીઓએ રાજાને કહ્યું કે અમે પત્થર અને ધાતુમાંથી મૂર્તિઓ ઘડવા ટેવાયેલા છીએ પણ કાષ્ટની મૂર્તિ ઘડવાની અમને કશી ગતાગમ નથી.

એ સમયે ખુબ થાકેલો લાગતો, ઘડપણને કારણે લથડતો લથડતો અજાણ્યો એક માણસ રાજા પાસે આવ્યો; પણ તેણે એક શરત મુકી કે જ્યા સુધી તેનુ કામ પૂરું થાય નહિ ત્યાં સુધી કોઈ તેના કામમાં કશીય દખલ ન કરે.

તેના અવાજમાં અને તેની આંખોમાં રાજાને કંઈ અગમ્યતા જણાઈ અને એ સંમત થયો.

તેમ છતાં ઇન્દ્રદ્યુમ્નની પત્ની રાણી ગુંડીચા દેવી પોતાની જિજ્ઞાસા રોકી શકી નહિ. એ રોજ શિલ્પી જ્યાં કામ કરતો હતો ત્યાં બારણા આગળ કાન માંડતી અને એના હથોડી તથા છીણીના અવાજો સાંભળતી. એક દિવસ સવારે કશો અવાજ સંભળાયો નહિ. બીજે દિવસે પણ બધું શાંત હતું. રાણીએ માન્યું કે શિલ્પી મરી ગયો હશે. એણે બારણું હડસેલ્યું તો આશ્ચર્યચકિત શિલ્પીએ ઊંચું મોઢું કર્યું અને તરત જ એ અંતર્ધ્યાન થઈ ગયો. એનું કામ શરતનો ભંગ થવાથી અધૂરું રહી ગયું. એ હતા વિશ્વકર્મા – દેવોના શિલ્પી અને સ્થપતિ. –

આખરે રાજાએ પ્રતિમા જેવી હતી તેવા જ સ્વરૂપમાં મંદિરમાં એની સ્થાપના કરવાનું નક્કી કર્યું. એ પ્રતિમાની નાભિમાં કમળ કંડારેલું હતું તેથી એ મૂર્તિને નીલમાધવ નામ અપાયું. એ નીલમાધવ પછીથી પુરુષોત્તમ તરીકે અને પાછળથી જગન્નાથ તરીકે ઓળખાયા.

આજે પણ દર બાર વર્ષે જ્યારે જૂની પ્રતિમાને જમીનમાં પધરાવવામાં આવે છે અને નવી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે નાભિપદ્મને નવી પ્રતિમામાં ગુપ્ત રીતે સ્થાપવામાં આવે છે. જે પૂજારીઓ નવી પ્રતિમાની સ્થાપના કરે છે તેઓ આંખો બંધ કરીને એ કરતા હોય છે.

ભગવાનનો સેવક વિદ્યાપતિ બન્યો એટલું જ નહિ પણ એનાં અને રાજકુંવરી લલિતાનાં સંતાનો અને તેમનાં વંશજો પણ ભગવાનના પૂજારી તરીકે વંશપરંપરાથી સેવા કરતા આવ્યા છે. તેમને દયિતાપતિ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે વિદ્યાપતિ અને લલિતાનાં આંતરજાતીય લગ્ન થયાં હતાં.

Jagannath Rathyatra
Jagannath Rathyatra.

આ દંતકથા પરથી એટલું સ્પષ્ટ થાય છે કે પુરીના મંદિરમાં મૂળ તો એક્લા જગન્નાથની જ મૂર્તિ હતી. બીજી બે મૂર્તિઓ બલભદ્ર અને સુભદ્રાની – જગન્નાથની અડોઅડ ક્યારે પ્રસ્થાપિત કરવામાં આવી તે વિષે કશી માહિતી હજી સુધી મળી નથી.

જગન્નાથ એ વિષ્ણુ અને શ્રીકૃષ્ણનું અત્યંત લોકપ્રિય સ્વરૂપ અને એમનો અવતાર છે. પુરીના મંદિરમાં ઉજવાતા ઘણા ઉત્સવો અને પૂજાવિધિ શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો જોડે સંકળાયેલાં છે. આ પ્રમાણે વાર્ષિક રથયાત્રાનો ઉત્સવ શ્રીકૃષ્ણની ગોકુળથી મથુરાની યાત્રા જોડે સંકળાયેલો છે.

રથયાત્રાનો ઉત્સવ ક્યારથી શરૂ થયો તેને વિષે કશી ચોક્કસ માહિતી મળતી નથી, પણ આ ઉત્સવ હજારો વર્ષથી ઉજવાતો હોવાના દસ્તાવેજી પુરાવા મળે છે. એવી આધારભૂત માહિતી મળે છે કે અત્યારનું ભવ્ય અને પ્રભાવશાળી મંદિર બારમી સદીમાં ગંગરાજાઓએ બંધાવ્યું હતું, ખાસ કરીને ચોલાવંશના ગંગદેવે – પણ એની પૂર્વેનું જે મંદિર હતું કે જેને ખસેડીને આ મંદિરનું નિર્માણ થયું હતું, તેના સમય અને નિર્માતા વિષે કરી માહિતી મળતી નથી.

ઘણાં પ્રાચીન મંદિરોનું ગૌરવ ઘટયું છે અને એમની જોડે સંકળાયેલા ઉત્સવોની ઉજવણીમાં ઓટ આવી છે. પણ પુરીના જગન્નાથ મંદિર અને રથયાત્રાની ઉજવણીમાં મંદિરના મહત્વનો ને ઉત્સવની ઉજવણીમાં લોકોના ઉત્સાહનો વધારો જ થતો ગયો છે. તાજેતરનાં વર્ષોમાં, રથયાત્રામાં લાખો લોકો ભાગ લે છે. પહેલાના સમયમાં ભક્તો જગન્નાથના રથ આગળ કૂદી પડતા કારણ કે એમ મનાતું હતું કે જગન્નાથના રથનાં પેંડાંની નીચે કચડાઈ જાય તો સીધા સ્વર્ગમાં જવાય.

ઘણી દંતકથાઓમાં જગન્નાથને મિત્ર, માર્ગદર્શક અને પરામર્શક રૂપે વર્ણવ્યા છે. એક રસપ્રદ દંતકથા એ રથયાત્રા જોડે સંક્ળાયલી છે તે કલિંગના પુરુષોત્તમ દેવ વિષે છે. તેઓ આજનું ઓરિસ્સા, જે પંદરમી સદીમાં કલિંગ કહેવાતું, તે પ્રદેશના રાજા હતા.

જગન્નાથ મંદિર સાથે જોડાયેલ કથા – ૨

દક્ષિણ ભારતની યાત્રા કરતાં યુવાન રાજાએ કાંચીની રાજકુમારી પદ્માવતીને જોઈ અને તે એના સંપર્કમાં આવ્યો ને એના પ્રેમમાં પડયો. એણે કાંચીના રાજા પાસે એક દૂત મોકલી પદ્માવતી જોડે લગ્ન કરવાની માગણી કરી . એની માગણી સ્વીકારાઈ કાંચીનો મંત્રી લગ્ન વિષેની બધી વિગતો નક્કી કરી બધી વ્યવસ્થા વિષે મંત્રણા કરવા પુરી આવ્યો.

એ રથયાત્રાના ઉત્સવનો સમય હતો. બધી વિધિની શરૂઆત થઈ. શરૂઆત જે રથમાં દેવ બિરાજવાના હતા તે રથને રાજા ઝાડુથી વાળી કાઢે અને સાફ કરે તે વિધિથી થવાની હતી. એ વિધિ થકી એમ દર્શાવાતું હતું કે રાજા ભગવાનનો નમ્ર સેવક છે. ( આ વિધિ હજી પણ ચાલુ છે અને પુરીના રાજાના વંશજો આજે પણ રથને વાળીઝાડીને સાફ કરે છે ).

પણ કાંચીના મંત્રીને લાગ્યું કે આવી રીતે વાળવાઝાડવાનું રાજાના ગૌરવને હાનિ કરનારું છે. એણે જઈને પોતાના રાજાને કહ્યું, “આપણે ઝાડુ કાઢનારને આપણો જમાઈ બનાવી શકીએ નહિ. ” આથી કાંચીના રાજાએ દીકરીને પુરીના રાજા જોડે પરણાવવાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો.

આથી પુરુષોત્તમ દેવ ઘણા રોષે ભરાયા. એમણે કાંચી પર ચઢાઈ કરી. પણ એમની હાર થઈ. પુરી પાછા આવીને ભગવાન જગન્નાથના ચરણમાં માથું મૂકીને એમણે ભગવાનને કહ્યું, “ભગવાન કાં તો મને જીતાડો અથવા મને મૃત્યુશરણે પહોંચાડો. ” ભગવાને એને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “બીજીવાર તું ચઢાઈ કરશે તેમાં તારો વિજય થશે.”

એમના વિજયની આગાહી બીજી રીતે પણ તરત જ થઈ. એ એના સૈન્યની પાછળ ચીલકા સરોવરની આગળથી જતા હતા ત્યારે એક ગોવાળણે એમને થોભવા કહ્યું એણે કહ્યું. કે એમનું સૈન્ય આવ્યું તે પહેલાં એક કાળા અને એક ગોરા સૈનિકે એનું માખણ ખાધું અને એને એક વીંટી આપીને જણાવ્યું કે થોડા વખતમાં એક ધોડેસવાર આવીને માખણના પૈસા આપશે ને વીંટી છોડાવશે. એ સૈનિકોને કાંચી પહોંચવાની ઉતાવળ હતી કારણ તેમને રાજા તરફથી લડાઈ લડવી હતી.

રાજાએ પોતાની હીરાની વીંટી ઓળખી. એ વીંટી એમણે હમણાં જ ભગવાન જગન્નાથને અર્પણ કરી હતી. રાજાને ખાતરી થઈ બે સૈનિકો તે બીજા કોઈ નહિ પણ ભગવાન જગન્નાથ અને બલભદ્ર હતા.

રાજા યુદ્ધમાં વિજયી થયા. એમણે પદ્માવતીને બંદી બનાવી અને એને પુરી લઈ આવ્યા. પરંતુ હજી એમનું જે અપમાન થયું હતું તેનો ડંખ રૂઝાયો નહોતો. એમણે એમના મંત્રીને કહ્યું, “ એને કોઈ ઝાડુ કાઢનાર જોડે પરણાવો. ”

મંત્રી બહુ શાણો હતો. એણે થોડા મહિના વીતવા દીધા. એવામાં રથયાત્રાનો સમય આવ્યો. રાજા જેવા રથ પાસેના મંચ પર ઝાડુ લઈને રથને વાળવા – ઝાડવા ચઢયા કે તે સમયે બે કોમળ હાથોએ એમના ગળામાં ફૂલહાર પહેરાવી દીધો. એ કોમલાંગિની પાછળ મંત્રી ઊભો હતો ; એણે કહ્યું, “ હે પ્રભુ ! રાજકુંવરી પદ્માવતી માટે આપના કરતાં વધારે યોગ્ય એવો ઝાડુવાળો બીજે ક્યાં મળવાનો હતો ?”

આમ કાંચીની રાજકુંવરી કલિંગની રાણી બની.

Jagannath temple
Jagannath temple

શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જેવા મહાન સંતો ( બન્નેએ પોતાના મઠો પુરીમાં સ્થાપ્યા છે.) નાનક અને તુલસીદાસે પુરીના જગન્નાથ ભગવાનમાં દિવ્યત્વની ઝાંખી કરી હતી. ચૈતન્યદેવ તો જગન્નાથ પર મીટ માંડતાં માંડતા જ ભગવાનમાં લુપ્ત થઈ ગયા હતા. કેટલાક માને છે કે મંદિરની પ્રતિમાઓ આદિવાસીઓની શિલ્પકળાના નમૂના છે, તો કેટલાક માને છે કે એ આધુનિક કળાનાં પ્રતીકો છે પરંતુ એમાં માત્ર સંતો જ જેનો પાર પામી શકે એવી આંતર – તેજસ્વિતા છે.

ધર્માનુરાગી કવિઓએ એ પ્રતિમાઓના આંતરસૌંદર્ય વિષે રસાળ પદો રચ્યાં છે. કદાચ

જગન્નાથ ભૂત અને વર્તમાનકાળના જ પ્રતિનિધિ નથી પણ ભવિષ્યના પણ પ્રતિનિધિ છે. રાત્રીની છેલ્લી પૂજાવિધિ વખતે રાગરાગિણીમાં જયદેવનું ‘ગીતગોવિંદ’ ગવાય છે, જેમાં વિષ્ણુના દશ અવતારો વિષેનાં ગીતો ગવાય છે. એમાં દશમો અવતાર કલ્કિનો છે જેનું ભવિષ્યમાં અવતરણ થવાનું છે તેનો ઉલ્લેખ આવે છે. કલ્કિ માનવમાં જે કંઈ અસંસ્કારી અને ક્રૂર તત્ત્વો છે તેનો વિનાશ કરશે અને માનવને પૂર્ણતા તરફ દોરી જશે. કદાચ અત્યારનું જગન્નાથનું અપૂર્ણ રૂપ, ભવિષ્યના માનવીની સાત્વિક સર્જક ચેતના દ્વારા પૂર્ણતાની અંતિમ સીમાએ પહોંચશે.

જગન્નાથ મંદિરના એવા રહસ્યો જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી.

જગન્નાથ ભગવાન નાં મંદિર સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. જેનું રહસ્ય આજનું વિજ્ઞાન પણ ઉકેલી શક્યુ નથી. – Mystery of Jagannath Temple

(1) જગન્નાથ મંદિરનાં શિખર પર એક સુદર્શન ચક્ર લાગેલું છે શહેરના કોઈ પણ વિસ્તારથી તમે આ ચક્ર જોઈ શકો છો છતા કોઈ પણ સ્થળથી આ ચક્ર જોવા પર તે આપણી સામે હોય એવું જ લાગે છે. અહીં દર 12 વર્ષે નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે આ મૂર્તિઓનો આકાર અને રૂપ એ જ હોય છે કહેવાય છે કે તે મૂર્તિઓની પૂજા કરવામાં નથી આવતી માત્ર દર્શન માટે મૂકવામાં આવે છે.

(2)  જગન્નાથ મંદિર આ દુનિયાનું સૌથી ભવ્ય અને ઊંચુ મંદિર છે. આ મંદિરનો વિસ્તાર આશરે 4 લાખ વર્ગફુટ છે, આની ઊંચાઈ આશરે 215 ફુટ છે. મંદિર પાસે ઉભા થઈ તેનું મુખ્ય ગુંબજ જોવું અસંભવ છે. આખા દિવસમાં ક્યારેય મુખ્ય ગુંબજનો પડછાયો દેખાતો નથી.

(3) સામાન્ય રીતે કોઇ પણ મંદિરોના શિખર પર પક્ષીઓ બેસતાં હોય છે પણ જગન્નાથ મંદિરના શિખરની આજુ બાજુ કોઈ પક્ષી ઉડતું નથી મંદિરની ઉપરથી વિમાન પણ પસાર નથી થતાં.

(4) આખા વિશ્વમાં જોઇએ તો સામાન્ય રીતે દરિયા કિનારા પર દિવસ દરમિયાન પવન દરિયાથી જમીન તરફ આવે છે અને સાંજે જમીનથી દરિયા તરફ જાય છે પણ જગન્નાથ પુરીમાં આનું વિપરિત થાય છે અહીં દિવસ દરમિયાન પવન જમીનથી દરિયા તરફ જાય છે.

(5) રોજ 500 રસોઈયા 300 સહયોગીઓ સાથે મળીને ભગવાન જગન્નાથનો પ્રસાદ બનાવે છે. કહેવાય છે કે પ્રસાદ 8 – 10 હજાર લોકો માટે જ બનાવવામાં આવ્યો હોય તો પણ આનાથી લાખો લોકો પેટ ભરીને જમી શકે છે. અહીં આશરે 20 લાખ શ્રદ્ધાળુઓ રોજ ભોજન કરી શકે છે. અહીં ક્યારે પણ પ્રસાદ ફેંકવો નથી પડતો. પ્રસાદ બનાવવા માટે 7 વાસણો એક ઉપર એક મૂકવામાં આવે છે પ્રસાદ લાકડીઓ ઉપર જ બનાવવામાં આવે છે. રસપ્રદ વાત છે કે સૌથી ઉપરના વાસણમાં મુકેલી વસ્તુ પહેલાં ચઢે છે પછી ક્રમશઃ નીચેના વાસણોમાં મુકેલી વસ્તુઓ ચઢે છે.

(6) શ્રી જગન્નાથ મંદિરની ધ્વજા હંમેશા હવાની વિપરિત દિશામાં લહેરાય છે આનું કારણ હમણા સુધી શોધી નથી શકાયું. આ ધ્વજાને રોજ સાંજે બદલવામાં આવે છે જે વ્યક્તિ ધ્વજા બદલે છે તે ઉંધો થઈને ઉપર ચઢે છે. આ ધ્વજા ખૂબ જ ભવ્ય અને સુંદર છે તેના પર ભગવાન શિવનો ચંદ્ર બનેલો છે.

(7) માન્યતા મુજબ દરિયાએ 3 વાર જગન્નાથ મંદિરને નુકશાન પહોંચાડ્યુ હતુ ત્યારે ભગવાન જગન્નાથે હનુમાનજીને અહીં દરિયાને નિયંત્રિત કરવા નિયુક્ત કર્યા હતાં. પરંતુ હનુમાનજી વારંવાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા નગરમાં જતા રહેતા હતાં અને તેમની પાછળ દરિયો પણ નગરમાં પ્રવેશ કરી જતો હતો. આ કારણથી ભગવાન જગન્નાથે, હનુમાનજીને અહીં સોનાની બેડીઓથી બાંધી દિધા હતાં. જગન્નાથપુરીના દરીયા કિનારે બેડી હનુમાનજીનું પ્રાચીન અને પ્રખ્યાત મંદિર છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

(8) કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો ભગવાન જગન્નાથના દર્શન કરવા આવ્યા હતાં. માનવામાં આવે છે કે પ્રભુ ઈસુ સિલ્ક રૂટથી કાશ્મીર આવ્યા હતાં ત્યારે બેથલહેમ પાછા જતા પહેલાં તેમણે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતાં. 9 મી શતાબ્દીમાં આદિ શંકરાચાર્ય અહીં આવ્યા હતાં અને ચાર મઠો પૈકી એક ગોવર્ધન મઠની સ્થાપના કરી હતી.

(9) મહારાજા રણજીત સિંહએ આ મંદિરને ઘણુ બધું સોનું દાન કર્યુ હતું તેમણે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આપેલા સોનાથી આ માત્રા ઘણી વધુ હતી.

(10) આ મંદિરમાં ગેર ભારતીય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. અગાઉ મંદિરને ક્ષતિ પહોંચડાવાના પ્રયાસ કરવામાં આવ્યા હતાં આ જ કારણથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

(11) આ મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે જ્યાં મોક્ષ પ્રાપ્તિ માટે મૃતદેહોનું અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, પણ તમે મંદિરની બહાર જશો ત્યારે જ તમને મૃતદેહોના સળગવાની ગંધ આવશે.

(12) મંદિરના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશ કરતાંની સાથે તમને દરિયાની કોઈ અવાજ નહી સંભળાશે પણ જેમ જ તમે મંદિરથી એક પગલું બહાર આવશો તમે તે અવાજને સાંભળી શકશો.

🌻 હાલમાં અમદાવાદમાં પણ અષાઢી બિજનાં દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. અને આખા ગુજરાતમાથી લોકો આ રથયાત્રાનાં દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે.

મિત્રો આ પોસ્ટ વિશેના આપના મંતવ્યો જણાવશો. કોઇપણ સંજોગોમાં કોપી કરવી ગેરકાયદેસર છે.

આવી જ બિજી પોસ્ટ વાંચવા માટે 👇 amarkathao

👉 મેકરણદાદાનો ઇતિહાસ

👉 રાજા ભરથરી (ભર્તુહરી) નો સંપુર્ણ ઇતિહાસ

👉 ખાપરો-કોડીયો કોણ હતા ? જાણો રસપ્રદ વાતો.