Skip to content

નાયિકા દેવીનો ઇતિહાસ : History of Nayika devi

નાયિકાદેવીનો ઇતિહાસ
11319 Views

નાયિકા દેવી – રણભૂમિમાં દુશ્મનના દાંત ખાટા કરીને એને પલાયન થવા માટે પરવશ કરનારી પ્રથમ ભારતીય વીરાંગના ઘણાં જૂના લખાણોમાં એમના અલગ-અલગ નામ મળે છે. નાયિકાદેવી, નાયકાદેવી, નાયકીદેવી અને નાઇકીદેવી વગેરે… history of Nayikadevi, Nayikadevi itihas. The warrior Queen of Gujarat Nayikadevi.

રણભૂમિમાં દુશ્મનના દાંત ખાટા કરીને એને પલાયન થવા માટે પરવશ કરનારી પ્રથમ ભારતીય વીરાંગના કોણ હતી એ જાણો છો?

જવાબ છે : નાયિકા દેવી.

આજે વાત કરવી છે નાયિકા દેવીની. કમનસીબે સોશિયલ મીડિયા અને ઘણાં જૂના લખાણોમાં એમના અલગ-અલગ નામ મળે છે. નાયિકા દેવી, નાયકા દેવી, નાયકી દેવી અને નાઇકી દેવી વગેરે… પણ..

ધુમકેતૂ (સાચું નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીની ‘નાયિકા દેવી’ નામની ઐતિહાસિક નવલકથા ૧૯૫૧માં પ્રગટ થઈ હતી. આ સિદ્ધહસ્ત સર્જકે ઈતિહાસ પર ખૂબ લખ્યું છે – એટલે ‘નાયિકાદેવી’ નામ વધુ પ્રતીતિકર લાગે.

અગાઉ ઈતિહાસકાર અને જૈન મેરુતુંગ, મરાઠી કવિ સોમેશ્વર અને અમેરિકન ઈતિહાસ સંશોધક ટર્ટિયસ શેન્ડલરે નાયિકાદેવીના પરાક્રમના ભરપેટ વખાણ કર્યા છે. એટલું જ તેરમી સદીમાં પર્શિયન પ્રવાસી – ઈતિહાસકાર મિનહાજુદ્દીન સિરાજ (પૂરું નામ મિનહાજુદ્દીન અબુ-ઉમર-બિન સિરાજુદ્દીન અલ જુજિયાની)એ ‘તબકાક-એ-નાસિરી’ નામના પુસ્તકમાં નાયિકાદેવીની હિમ્મત, વહીવટ, શાસન અને યુદ્ધકળા વર્ણવ્યા છે.

ગુજરાતની મહારાણી. નાયિકાદેવી તરીકે જાણીતી. જેવું નામ એવું કામ. બારમી સદીમાં, ૧૧૭૮ના અરસામાં નાયિકાદેવીએ ખલનાયક એવા મુલતાનના સુલતાન મોહમ્મદ ઘોરીને કારમા પરાજયનો સ્વાદ ચખાડેલો. આક્રમણખોરને સમરાંગણમાંથી પોબારા ગણી જવા વિવશ કર્યો હતો.

નાયિકા દેવીનો પરિચય

પ્રાચીન ભારતનો એક પ્રસિદ્ધ રાજવંશ. તેમની રાજધાની બાદામી (વાતાપી). સાતમી સદીમાં પોતાના શ્રેષ્ઠત્તમ સમયે ચાલુક્ય સામ્રાજ્ય હાલના દક્ષિણ ગુજરાત ઉપરાંત હાલના સંપૂર્ણ મહારાષ્ટ્ર અને કર્ણાટક, પશ્ર્ચિમી આંધ્ર પ્રદેશ અને દક્ષિણી મધ્ય પ્રદેશ પર છવાયેલું હતું. કર્ણાટકમાં તો ચાલુક્ય કાળનો ઈતિહાસનો સુવર્ણયુગ ગણાવાય છે. તેલુગુ સાહિત્યનો આરંભ ચાલુક્ય યુગમાં જ થયો. ગુજરાતનો અત્યંત પ્રભાવશાળી સોલંકી વંશ પણ આ ચાલુક્ય વંશની જ એક શાખા. આ રાજવંશ ચૌલુક્ય તરીકે પણ ઓળખાય. આના નારી-રત્નો એટલે વાચિનીદેવી, ચૌલાદેવી, મીનળદેવી અને નાયિકાદેવી.


નાયિકા દેવી એટલે ગોવાના કદમ્બા રાજા શિવચિત્ત પરમાદિદેવ (૧૧૪૮-૧૧૭૯) અને નાયકા દેવી પરમારદિનના પુત્રી. નાનપણથી અશ્વ-સવારી અને શસ્ત્રો વાપરવાનો શોખ. નાયિકા દેવીએ તલવારબાજી, અશ્વસવારી, લશ્કરી વ્યૂહબાજી અને રાજદ્વારી સંબંધો જેવા કામમાં નિપૂણતા મેળવી લીધી હતી.
એમના લગ્ન અણહીલવાડ પાટણના મહારાજા અજયપાલ સાથે થયા હતા. આ અજયપાલ એટલે સિદ્ધરાજ જયસિંહના પૌત્ર અને કુમારપાળના પુત્ર અને અણહીલવાડની એક સમયે જાહોજલાલી પણ ગજબનાક.

અમેરિકન ઈતિહાસકાર ટર્ટિયસ શેન્ડલરે એને ઈ.સ. ૧૦૦૦માં વિશ્વના સૌથી મોટા દશ શહેરમાં ગણાવ્યું હતું. એ સમયે વસતિ હતી એક લાખની. આઠમી સદીમાં વનરાજે સ્થાપેલા ચાલુક્ય (કે સોલંકી) રાજવંશની રાજધાની એટલે આ અણહીલવાડ પાટણ, પરંતુ સમયાંતરે અણહીલવાડ પાટણની સ્થિતિ કંઈક અલગ હતી. આસપાસના મહામંડળેશ્વરો અને આધીન રાજ્યો સળવળાટ કરતા હતા.

ઈ.સ. ૧૧૭૬માં મહારાજા અજયપાલની મહેલમાં હત્યા થઈ. એ પણ અંગરક્ષક દ્વારા. આસપાસ સૂબાઓ અને મહામંડળેશ્વરો માટે સ્વતંત્ર થવાનો જ નહિ પણ પાટણ જીતી લેવાનો મોકો હતો.

મહારાજા અજયપાલના બે દીકરા હજી નાના. એટલા નાના નહિ કે ખોળામાં સુવડાવવા પડે કે કાખમાં તેડવા પડે. એટલા મોટાય નહિ કે રાજ્યની ધૂરા સોંપી શકાય. પાટણમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. ગમે ત્યારે ગૃહયુદ્ધ ફાટી નીકળવાનો ફફડાટ હતો. આર્થિક સ્થિતિ પણ બહુ સારી નહોતી. પાટણનો કિસ્સોય સમારકામ માગતો હતો. અધૂરામાં પૂરું, પટરાણી કર્પૂરદેવીએ મહારાજા સાથે ચિતા પર સતી થવાનો નિર્ણય જાહેર કર્યો.

પ્રજામાં મહારાજાના ખૂની સામે ભયંકર આક્રોશનો લાભ લેવા રાજરમત શરૂ થઈ ગઈ. કેટલાંક મહામંડળેશ્વર અને સામંતોને લાગ્યું કે આ તો આંકડે મધ ને મધમાખી વગરનું છે.

મોહમ્મદ ઘોરી સાથેનું યુદ્ધ

આફ્તોનું આ સૈન્ય જાણે ઓછું હોય એમ મહાઆફ્તના અમંગળ એંધાણ મળ્યા. અતિ મહત્ત્વાકાંક્ષી ધુરીડ રાજકુમાર મોહમ્મદ શહાબુદ્દીન ઘોરીએ અફઘાનિસ્તાન જીતીને ભારત તરફ નજર કરી હતી. મહાન એલેકઝાંડર, મોહમ્મદ ગઝની કે આરબો નહોતા કરી શક્યા કે એ તાકાત ઘોરીએ બતાવી હતી. ભારતમાં ઘૂસીને આગેકૂચ સાથે જીત મેળવતો જતો હતો. મુલ્તાન અને ઊંચ જીતી લીધા બાદ ઘોરીના લશ્કરે દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતને લક્ષ્ય બનાવ્યા, પરંતુ એનું સપનું સમૃદ્ધ કિલ્લેબંધ અણહીલવાડ પાટણ જીતવવાનું હતું. ઘોરી અને મુસલમાન આક્રમણખોરોને અણહીલવાડ બોલવાનું ફાવતું નહોતું એટલે એનું અપભ્રંશ ‘નેહરેવાલ’ કરી નાખ્યું હતું.

નાયિકાદેવી
નાયિકાદેવીનો ઇતિહાસ

રાજાવિહોણા પાટણનું અસ્તિત્વ જોખમમાં હતું. કોઈ ચમત્કાર જ બચાવી શકે. મહારાણી નાયિકા દેવીએ આસાનીથી પાટણ ન છોડવાનો દૃઢ નિશ્ચય કર્યો, પરંતુ એક સ્ત્રી અને એ પણ વિધવા, એ શું અને કેટલું કરી શકે? સૌને શંકા હતી.  

સમાચાર આવ્યા કે ગર્જનક ઘોરી આબુ પંથે પડવાનો છે. આબુ ઉપર જવાનું ઘોરીને ફાવે એમ હતું, કારણ એને મોટામાં મોટો ભય મેદાની લડાઈનો હતો. ઘોરી ડુંગરી લડાઈનો સ્વામી હતો. ડુંગરી લડાઈમાં ગુજરાતનું ગજદળ નકામું થઈ જાય – એ  ઘોરી ઈચ્છતો હતો. ઘોરી ગુજરાતના ગજદળના નામથી  ધ્રૂજતો! 


 ઘોરીએ ગુજરાતની હાથીસેનાને અવળે રસ્તે દોરવા અગન વરસાવતા મિનજનિક હથિયારનો ઉપયોગ કરવાનો નિર્ણય કરેલો. આગ ઓકતું એવું શસ્ત્ર જેની સામે ગુજરાતની ગજસેના નકામી નીવડે. મિનજનિક નિશાનબાજો આગગોળા અચૂક વરસાવવાની શક્તિ ધરાવતા. આગ વરસાવીને ગજસેનાને રોળીટોળી નાખે. ગજરાજો ગુજરાતની  સેનાને જ રોળી નાખે એવી આ યુક્તિ હતી, એથી નાયિકાદેવીના નેતૃત્વમાં મંત્રણા કરી રહેલી સભાએ અશ્વદળ પર આધાર રાખવાનો નિર્ણય કર્યો. અમરકથાઓ

વળતી પરોઢે ‘જય સોમનાથ’ના ગગનભેદી નાદ સાથે સૈન્યસવારી નીકળી. સો નરવીરોની પાછળ અશ્વદળ, પાછળ હાથીસેના… એની પાછળ સોનેરી-રૂપેરી અંબાડી લઈને આવતો એક મહાન ઉત્તુંગ ગજરાજ. નાનકડો ડુંગર જેમ અનેક ઝરણાંથી શોભે તેમ અનેક આભૂષણ-શણગારથી શોભતો. તેના ઉપર સોનેરી છત્ર નીચે મહારાણી નાયિકા દેવી પોતે બિરાજેલી. એક પડખે મૂળરાજદેવ. સ્વયં નાયિકાદેવી યુદ્ધનું સંચાલન કરનારી નાયિકા હતી!

આ પ્રસંગનું વર્ણન કરતાં ધૂમકેતુએ રસાળ શૈલીમાં લખ્યું છે કે, ‘જાણે સાક્ષાત્ મહિષાસુરને હણવા નીકળેલી દુર્ગા હોય એવો નાયિકા દેવીનો રણવેશ હતો. હાથમાં લાંબી તલવાર. એણે ધારેલો વીર સૈનિકનો વેશ અદ્ભુત જણાતો હતો. ખભા ઉપર ધનુષ્ય-બાણ. કમરમાં કટારીઓ અને ખંજરો. માથા ઉપર શિરસ્ત્રાણ. દૃષ્ટિમાં વીજળી. ચહેરા પર રણનેત્રીનો પ્રભાવ!
નોખું તેજ હતું નાયિકા દેવીના મુખ પર. મહારાણીને સેનાપતિપદે જોઈને સૈનિકોનો જુસ્સો વધ્યો. નાયિકાદેવીની એક હાકલે સૈન્ય આખું મારવા-મરવા તૈયાર થઈ ગયું. નાયિકાદેવીના નેતૃત્વમાં સૈન્ય આગળ વધ્યું. ગર્જનક ગુજરાત પ્રવેશ કરી ન શકે એવો વ્યૂહ ઘડ્યો એણે. એને આબુની તળેટીથી આગળ, વર્ણાસા નદીને કાંઠે રોકી દેવો. ત્યાં વિખ્યાત રણમેદાન હતું!

The warrior Queen of Gujarat Nayikadevi.
The warrior Queen of Gujarat Nayikadevi.


ભીમદેવ અને  સાથીઓ રણભૂમિની શોધમાં નીકળ્યા. ગિરવર છોડીને અર્બુદ પર્વતને એક બાજુ રાખી આગળ વધ્યા. થોડે દૂર વર્ણાસાનો વિશાળ પટ દેખાયો. આ નદીને ઓળંગે તો અર્બુદ પર્વતની તળેટી પાસેથી ખેડબ્રહ્મા, ખેરાલુ, સિદ્ધપુર, પાટણ એ રસ્તો મળી જાય. ગર્જનકને અહીં  રોકવાનું નક્કી થયું. પાછળના ભાગમાં આછી-પાતળી ડુંગરમાળા હતી, આગળ વર્ણાસા નદી. પીઠ પાછળ અર્બુદનું રક્ષણ. બંને બાજુએ ગાઢ જંગલ. ‘ગાડરારઘટ્ટ’ નામે જાણીતો આ ઘાટ વિજય અપાવશે એવું સૌને લાગ્યું.

ગુજરાતની સેનાએ ગાડરારઘટ્ટમાં પડાવ નાખ્યો. સેનાની પાછળ નાનકડી જોગનાથ ટેકરી ઉપર નાયિકા દેવીએ મુકામ કર્યો. ત્યાંથી રણક્ષેત્ર દેખાતું. ગર્જનક ગુજરાતને સ્પર્શી પણ ન શકે એવું આ સ્થાન હતું. તેની વિશેષતાનું વર્ણન ‘નાયિકા દેવી’માં આ પ્રકારે કરાયું છે:

ગુજરાતમાં પ્રવેશ કરવાનો એક જ માર્ગ દંતાળીને ઘાટ એ નામનો હતો. એ ઘાટ ઉપર બંને બાજુ સૈન્ય ગોઠવાયું. મોખરે પાંચસો ચુનંદા અસવારો હતા. ગાડરારઘટ્ટ પરથી એ ગામ તરફ જવા માટે ગર્જનક ધસે ને ગુજરાત પ્રવેશનો પ્રયત્ન કરે, તો એનું સૈન્ય નાળામાં જ રહી જાય, એવી ગોઠવણ ત્યાં કરી રાખી. મેદપાટ અને મરુભૂમિ વચ્ચે જેવી પ્રખ્યાત નાળો હતી, સોમેશ્વરની, ઝાલાવાડાની, હાથીવાડાની, ભાણપુરાની, એવી જ આ વિખ્યાત નાળ, અર્બુદ-ખેડબ્રહ્મા માર્ગ તરફની હતી. આ એક જોજન લાંબી નાળમાં સેંકડો ને હજારો હિસાબે માણસ સમાઈ જાય ને પત્તો ન ખાય તેમ હતું… હવે ગર્જનક આવે એટલી વાર!

ગર્જનકના મુકામ અંગે સાંઢણીસવાર ગુપ્તચરો સંદેશા લાવ્યા કરતા. ગર્જનકને પણ ગુજરાતના સૈન્યની હિલચાલ અંગે બાતમી મળ્યા કરતી. વર્ણાસાના પડાવ અંગે જાણીને એણે ચાલ બદલી. અગનગોળા વરસાવતી મિનજનિકોનો ઉપયોગ કરીને સોલંકીસેનાને વેરણછેરણ કરવાની યોજના ઘડી. હાથીસેનાને છિન્નભિન્ન કરતાં જે અંધાધૂંધી સર્જાય તેમાં પોતે ફાવી જશે એવી એની ધારણા હતી. અમરકથાઓ

બંને બાજુ વ્યૂહ ઘડાતા રહ્યા. મિનજનિકોને કારણે અશ્વદળ મોકલવાનો વ્યૂહ રચાયેલો, પણ મોડી રાત્રે ધોધમાર  વરસાદ વરસ્યો. નાયિકા દેવીએ વ્યૂહ બદલ્યો. વરસાદમાં ઘોરીના આગગોળાનું ધોવાણ થયું જ હશે એટલે વહેલી સવારે હાથીસેના લડવાને મોકલી. એની પાછળ અશ્વદળ. પહેલો ઘા રાણાનો!

જોગનાથ ટેકરી ઉપર નાયિકા દેવી રણક્ષેત્ર પર નજર રાખી રહેલી. એના નેતૃત્વમાં સેનાએ ઘોરીસૈન્ય પર ત્રણ બાજુથી હુમલો કર્યો. વ્યૂહ સફળ થયો. મિનજનિકો નકામી થઈ ગયેલી. એકેય આગગોળો નજરે ચડતો નહોતો. લાંબી મુસાફરી કરીને આવેલું ઘોરીનું સૈન્ય ઝીંક ન ઝીલી શક્યું. આખરે ઘોરી સૈન્ય સાથે ભાગી છૂટ્યો.
આ યુદ્ધ વિશે ‘પ્રબંધચિંતામણિ’માં લખ્યા મુજબ, ‘માતા નાઈકીદેવીએ બાલ સુતને ખોળામાં રાખીને ગાડરારઘટ્ટ નામના ઘાટમાં સંગ્રામ કરી મ્લેચ્છ રાજા પર વિજય મેળવ્યો.’ જોકે ‘ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ’ મુજબ, ‘એ સમયે મૂલરાજ ખોળામાં રાખવા જેટલો નાનો નહીં હોય, પરંતુ ઇન્દ્રના પુત્ર જયંતનો પાઠ ભજવી શકે એવડો ‘બાલ’ અથવા ઉત્તરાધિકારીઓનાં દાનશાસનો જણાવે છે એવો ‘બાલાર્ક-બાલ અર્ક’ અર્થાત્ નવજવાન હોવો જોઈએ.’

મૂલરાજ બાળક હોય કે જુવાન, ઘોરી સામેની ભવ્ય જીતનું શ્રેય એને જ મળેલું, પણ યશની સાચી હકદાર તો નાયિકાદેવી જ હતી. નાયિકાદેવી પછી ભારતના ઇતિહાસમાં અનેક વીરાંગનાઓ થઈ ગઈ, પણ પ્રથમ ક્રમાંકે તો નાયિકા દેવી જ રહેશે!

સૌજન્ય – મુંબઇ સમાચાર. પ્રફુલ્લભાઇ શાહ

આ પણ વાંચો. 👉 ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

👉 હીરા બુર્ઝ (મા ની મમતાની અદ્ભુત કથા )

The warrior Queen of Gujarat Nayikadevi moovie.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *