Skip to content

Rani Lakshmi Bai | ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સંપુર્ણ માહિતી

Rani Lakshmi Bai
9453 Views

Rani Lakshmi Bai – ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નાં અદ્ભુત શોર્ય,પરાક્રમ અને વિરતાની ગાથા જે ભારતનાં ઇતિહાસ માં અમર બની ગઇ છે. – આ લેખમાં વાંચો.

Rani Lakshmi Bai

” નિઃસંદેહ મહારાણી લક્ષ્મીબાઈનું વ્યક્તિગત જીવન જેટલું પવિત્ર અને નિષ્કલંક હતું. તેટલું જ એનું મૃત્યુ પણ વીરોચિત હતું. જગતભરના ઈતિહાસમાં આવી સ્ત્રીઓના દાખલા વિરલ મળશે, જેમણે રાણી લક્ષ્મીબાઈની પેઠે આટલી નાની ઉંમરમાં આ પ્રકારનું આદર્શ જીવન વ્યતીત કરીને અલૌકિક વીરતા અને અસાધારણ યુદ્ધ કુશળતા બતાવી દેશની સ્વાધીનતા માટે યુદ્ધો ખેડ્યાં હોય અને પોતાના ધ્યેય માટે લડતાં લડતાં યુદ્ધક્ષેત્રમાં જ પ્રાણ અર્પણ કર્યા હોય !

અંગ્રેજોએ પૂના સર કર્યુ. પેશ્વા સાથે સંધિ કરી તેને વર્ષાસન બાંધી આપ્યું. ચીમનાજી પેશ્વા બ્રહ્માવર્ત જઈ રહ્યા. તેમનો કારભાર મોરોપંત તાંબે ચલાવતા હતા. મોરોપંતને એકની એક લાડકવાઈ દીકરી હતી. નામ મનુબાઈ. મનુનો જન્મ ઈ.સ. ૧૮૩૫ નવેમ્બરની ૧૧ મી તારીખે કાશીમાં થયો હતો. માતા ભાગીરથીબાઈનાં રૂપગુણનો તેને વારસો મળ્યો હતો. પરંતુ મનુની ઉંમર ત્રણ વર્ષની હતી તેવામાં માતાનું અકાળ અવસાન થયું. પિતાએ માતાના હેતથી મનુને ઉછેરી.

પેશ્વાના અંતરંગ મંડળમાં મનુબાઈ ખૂબ લાડકી હતી. બાજીરાવ પેશ્વાને તેની ઉપર ખૂબ વહાલ હતું. તેમના દતક પુત્રો નાનાસાહેબ અને રાવસાહેબ સાથે જ મનુબાઈનો ઉછેર થતો હતો.

રાજકુમારો સાથે શસ્ત્રાસ્ત્રો ચલાવવામાં તે પ્રવીણ બની. ખાસ કરીને ઘોડેસવારીમાં તે સર્વ શ્રેષ્ઠ હતી. રાજકુમારો સાથે ગૌરવભેર મોટી થતી જતી મનુબાઈના ભાવિ જીવનની પિતા મોરોપંતને ચિંતા થતી હતી.

એકવાર પેશ્વાના દરબારમાં ઝાંસીના જોશી તાત્યા દીક્ષિત આવી ચડયા તેઓ સમર્થ જ્યોતિષશાસ્ત્રી ગણાતા. તેમણે નાનાસાહેબનો હાથ જોઈને કહ્યું : “આ રાજકુમાર નવ ખંડમાં નામ કાઢશે. “

પાસે બેઠેલાં મનુબાઈએ જોષીને પોતાનો હાથ બતાવ્યો. જોષીજી હાથ જોઈને ઘડીભર એની સામે નીરખી રહ્યા. પછી ભવિષ્ય ભાખ્યું : “આ કુંવરી રાજરાણી થશે અને વીરાંગના તરીકે વિખ્યાત બનશે. “

સાંભળીને મોરોપંત હસ્યા અને બોલ્યા, ” એ રાજકુંવરી નથી, મારી દીકરી છે. “

” ભલેને તમારી દિકરી હોય. મારા જ્યોતિષમાં ફેર પડે તો જનોઈ બાળીને પી જાઉં. “

બાજુમાં બેઠેલા પેશ્વાએ પુછ્યું : ” તમારા ધ્યાનમાં કોઈ છે ? “

” જી હા, સરકાર ! ” દીક્ષિતજી બોલ્યા : ” અમારા મહારાજા ગંગાધરરાવ માટે હું આવી કોઈ ગુણગાન કન્યાની જ શોધમાં નીકળ્યો છું. એના પિતા અને આપ સંમતિ આપો એટલે શ્રીફળ વધાવી લઉં. ”

ઝાંસીના રાજા ગંગાધરરાવ વિધુર થયા હતા. તેમને સારું યોગ્ય કન્યા શોધવા જોષીજી નીકળ્યા હતા. જોષીની વાણી ફળી. મનુબાઈનું ભાગ્ય ઉઘડી ગયું.

મહારાજા ગંગાધ૨૨ાવ સાથે તેમનાં લગ્ન થયાં ( સને ૧૮૪૩ ). પેશ્વાના કારભારી મોરોપંતની પુત્રી ‘ મનુબાઈ ‘ બુંદેલખંડના સંસ્થાન ઝાંસીની ” મહારાણી લક્ષ્મીબાઈ ” બન્યાં. ગંગાધરરાવ વીર અને પ્રજા વત્સલ રાજવી હતા. રાજ્યમાંથી એમણે બહારવટિયાઓનો ત્રાસ દૂર કર્યો હતો. એમનો રાજકારભાર હમેશાં પ્રજાના કલ્યાણ અર્થે જ ચાલતો. પોતાના પતિને સર્વ વાતે અનુકૂળ એવાં લક્ષ્મીબાઈએ પણ એમાં તનમનથી સાથ આપવા માંડયો અને લક્ષ્મીને પગલે ઝાંસીનો સિતારો પણ ચમકી ઉઠયો. એની રિદ્ધિ સિદ્ધિ અને સતામા વધારો થયો.

પેશ્વાને અશ્વ અને શસ્ત્રવિધા બંનેમાં નિપુણ લક્ષ્મીબાઈએ ઝાંસીના સૈન્યની રૂખ બદલી નાખી. કેળવાયેલાં પાયદળ, હયદળ અને ચચ્ચાર તોપખાનાથી બળવાન બનેલું ઝાંસીનું સૈન્ય પ્રથમ પંક્તિનું ગણાવા લાગ્યું.

રાણી લક્ષ્મીબાઈ સાક્ષાત્ લક્ષ્મીજીનો અવતાર મનાવા લાગ્યાં.

કંપની સરકારે પણ ઝાંસીનો માનમરતબો વધારી દીધો.

રાજા ગંગાધરરાવ અને રાણી લક્ષ્મીબાઈના ગૃહ જીવનમાં ઈ.સ. ૧૮૫૨ માં કુમારના જન્મે આનંદ મંગળ વરતાવી દીધાં. પરંતુ દૈવ અનુકુળ ન હતું. માત્ર ત્રણ માસમાં જ શિવકુમારને કાળે ઝડપી દીધો.

ઝાંસી પર પણ અમંગળના ઓળા ઉતરવા માંડયા. કુમારના મૃત્યુથી રાજાને પારાવાર આઘાત થયો. એ આઘાતે એમનું સ્વાસ્થ્ય કથળાવી દીધું. પોતાનો કુળ દીપક થઈ શકે એવો પુત્ર મૃત્યુ પામ્યો હતો. શરીર દહાડે દહાડે વધુને વધુ નબળું પડતું જતું હતું.

એમણે કંપની સરકારના પ્રતિનિધિઓને બોલાવી સૌની સમક્ષ શાસ્ત્રોકત વિધિ પૂર્વક એક સંબંધીના ચાલાક સંતાનને પોતાના દતક પુત્ર તરીકે જાહેર કર્યો. રાણી લક્ષ્મીબાઈને, એ કુમાર પુખ્ત ઉંમરનો ન થાય ત્યાં સુધી રાજકારભાર ચલાવવા માટે નિયુકત કર્યો.

ગંગાધરરાવની તબિયત વધુને વધુ બગડવા માંડી અને અનેક ઉપચારો છતાં એમનું અવસાન થયું. પતિના મૃત્યુથી પારાવાર દુઃખ થયું હોવા છતાં રાણીએ સતાના સૂત્રો પોતાના હાથમાં જાળવી રાખ્યાં.

ઈ. સ. ૧૮૫૭ ની સાલ આવી પહોંચી. લોર્ડ ડેલહાઉસીની દેશી રાજ્યો ખાલસા કરવાની નીતિ હતી. તે પ્રમાણે રાજાઓનો દતક – હક્ક છીનવી લેવામાં આવ્યો. સૌ પ્રથમ અયોધ્યા પ્રાંતને અંગ્રેજો ભરખી ગયા. નાગપુરની મહારાણીઓને લૂંટી લીધી … રાજકુટુંબના જરઝવેરાતનું લીલામ કર્યું. આથી પ્રજામાં રોષ ફાટી નીકળ્યો.

એમાં એક જોરદાર ઘટના બની કે, કંપની સરકાર સિપાઈઓને ગાય અને સૂવરની ચરબીવાળી કારતૂસો આપે છે. એ કારતૂસો દાંતથી કરડીને બંદૂકમાં મૂકવાની હોય છે.

હિંદુ અને મુસલમાન સિપાઈઓને આમાં ધર્મ વટલાવવાની ગંધ આવી. ધૂંધવાતો અગ્નિ ભડકો બનીને ચારે કોર ફરી વળ્યો. રાજા , રજવાડાં , ઠાકોર , જાગીરદારો , નવાબો , સૌની ઉશ્કેરણી છાનીછપની એમાં વધારો કરી રહી.

બુહહાનપુરના દેશી પાયદળે સૌથી પહેલાં ‘ બળવા’ની જામગરી ચાંપી. એને મોરઠની દેશી પલટને ટેકો આપ્યો. એમાં વળી પીંઢારા ભળ્યા. જોતજોતા આખું ઉતર હિંદુસ્તાન સળગી ઉઠ્યું. અંગ્રેજોને ભોંય ભારે થઈ ગઈ.

દેશી સૈન્યોએ ખૂનનો બદલો ખૂનથી લેવા માંડયો. નિર્દોષ દેશીઓની જેમ નિર્દોષ પરદેશી સ્ત્રી – બાળકોની પણ કતલ થવા માંડી.

ઝાંસી એમાંથી મુકત કેમ રહી શકે ? અંગ્રેજોને બહારથી કુમક મળે તે પહેલાં સ્થાનિક અંગ્રેજી સૈન્ય ઘેરાઈ ગયું અને એને કાપી નાખવામાં આવ્યું. એની સાથે નિર્દોષ સ્ત્રી બાળકોનો બલિ પણ લેવાયો.

પરંતુ, મહારાણી લક્ષ્મીબાઈએ એમાં ભાગ લીધો ન હતો. એમણે તો એ નિર્દોષ અંગ્રેજ સ્ત્રી – પુરૂષોને બચાવવા માટે બધા પ્રયત્નો કર્યા અને તેઓને પોતાના કિલ્લામાં આશ્રય આપી રક્ષણ કર્યુ.
બંડખોરો રાણી પાસેથી એક લાખ રૂપિયા પડાવીને આગળ વધ્યા.

લક્ષ્મીબાઈએ ફરી વાર સતાના સૂત્રો, પોતાને હાથ કરી લીધાં. ક્રાંતિના સમયમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ફરીથી સ્થપાયાં. ઝાંસી પર અંગ્રેજોનું વર્ચસ્વ સ્વીકારીને એમણે રાજ્ય કરવા માંડયું. એમને આશા હતી કે કંપની સરકાર એમને અને એમના દતક પુત્રને ન્યાય આપશે. પરંતુ , કંપની સરકારે તો રાણી ‘ બળવાખોર ‘ સાથે ભળી ગયાં છે એમ માનીને ઝાંસી ઉપર હુમલો કર્યો.

બાદશાહ બહાદુરશાહ, નાનાસાહેબ પેશ્વા અને મહારાણી લક્ષ્મીબાઈ જેવાં સ્વાતંત્ર્યસેનાનીઓ હિંદના આઝાદી સંગ્રામ માટે મરણિયો જંગ ખેલતાં હતાં અને કંપની સરકારની સેના હારતી હતી તેથી બ્રિટિશ સરકારે સરહ્યુરોઝ નામના કુશળ સેનાપતિને ઈંગ્લેન્ડથી હિંદ મોકલ્યો.

સર હ્યુરોઝે ઝાંસી પર હુમલો કર્યો. ચારે બાજુથી ઝાંસીને ઘેરો ઘાલ્યો મહારાણી લક્ષ્મીબાઈએ ભારે વીરતા અને રણકૌશલ્ય દાખવ્યાં. કિલ્લાના ચારે બૂરજ ઉપર તોપો ગોઠવી. ધનગર્જ , કડકબજલી એવી ભયંકર તોપોએ શત્રુસેનાને છિન્નભિન્ન કરી નાખી. મુઠીભર સૈન્યની મદદથી મહારાણીએ આઠ આઠ મહિના સુધી કિલ્લાનું રક્ષણ કર્યુ.

આખરે ઝાંસી છોડવાની ઘડી આવી એટલે મહારાણીએ પાંચ વર્ષના પુત્રને પીઠ પાછળ બાંધી દીધો અને કિલ્લાના પાછળના ભાગમાંથી પોતાના તાલીમબાજ વફાદાર ઘોડા ઉપર સવાર થઈને નીચે કૂદી પડી.

તુરત કર્નલ વોકર અને એક બીજો અંગ્રેજ સેનાપતિ મહારાણીની પાછળ પડયા. ભાંડેર નજીક તેઓ લગોલગ થઈ જતાં મહારાણીએ પોતાનો ઘોડો હિંમતભેર થંભાવીને પાછો વાળી જોશભેર આવતા બંને સેનાપતિઓને તલવારના ઘાથી કાપી નાખ્યા અને પોતે કાલ્પી તરફ આગળ વધ્યાં.

રાણી કાલ્પીમાં જઈ રાવસાહેબ પેશ્વાને મળ્યા. સર હ્યુરોઝ ત્યાં આવી પહોંચ્યો. લક્ષ્મીબાઈએ રાવસાહેબના સૈન્ય વડે જબરદસ્ત સામનો કર્યો. અંગ્રેજી સૈન્ય સાથે લડતાં લડતાં મહારાણી બહાર નીકળી ગયાં અને તેઓ ગ્વાલિયર પહોંચ્યા. ત્યાં સિંધિયા પાસે મદદ માગી.

સિંધિયા અંગ્રેજો સાથે મળી ગયો હતો એટલે એણે સહાય કરવાની ના પાડી તેથી સિંધિયાને હરાવી ગ્વાલિયરનો કિલ્લો કબજે કર્યો.

મહારાણીના વીરત્વનો જયજયકાર થઈ રહ્યો.

મહારાણી લક્ષ્મીબાઈએ રાતદિવસ સૈન્યને સજજ કરવા માંડ્યું. કિલ્લાની મરામત ઉપર તેઓ જાતે દેખરેખ રાખતાં. અંગ્રેજ સેના ફરીથી ગ્વાલિયર ઉપર ચડી આવશે. એની એમને ખાતરી હતી. પરંતુ, રાવસાહેબ પેશ્વા અને બીજા સરદારોએ મહારાણીની સલાહ માની નહીં.

સેનાપતિ સર હ્યુરોઝ વિશાળ સૈન્ય સાથે એકાએક ધસી આવી ગ્વાલિયર પર વેગપૂર્વક તૂટી પડયો. મહારાજા સિંધિયા તેની સાથે હતા. સિંધિયાની ગાદી પાછી અપાવવા કંપનીનું લશ્કર મદદે આવ્યું છે, એવો દેખાવ કર્યો.

તાત્યા ટોપે અને રાવસાહેબ સૈન્ય સાથે બહાર પડયા, પણ કંપનીના કસાયેલા લશ્કર સામે ટકી ન શક્યા. એ વખતે લક્ષ્મીબાઈ પોતાની બે સાહેલીઓ સાથે પુરૂષવેશમાં મેદાને પડયાં અને વીરતાપૂર્વક આગળ વધ્યાં.

જનરલ સ્મિથ રાણીની સામે આવ્યો, પણ તેને પાછા પડવું પડ્યું. એ યુદ્ધના સાક્ષી એક ગોરા જનરલે સાક્ષી પૂરી છે : ” એ દિવસે સવારથી સાંજ સુધી ઘોડા ઉપર સેનાને મોખરે વીજળીની માફક રાણી ધૂમતી નજરે પડતી હતી.

આખરે જનરલ સ્મિથને પાછું હઠવું પડ્યું.

બીજે દિવસે તા. ૧૮ મી જુનના રોજ જનરલ સ્મિથ ફરીથી લશ્કર લઈને આવ્યો. સર હ્યુરોઝ તેની સાથે હતો. મહારાણી એ બંને રણકુશળ મહારથીઓની સામે પોતાના સૈન્ય સાથે વીરતાપૂર્વક યુદ્ધે ચડી.

પ્રચંડ વેગથી હ્મુરોઝના લશ્કરને તેણે છિન્નભિન્ન કરી નાખ્યું, પણ ચારે બાજુથી આવતી કંપનીની વિશાળ સેનાએ લક્ષ્મીબાઈના મૂઠીભર મરણિયાઓને ઘેરી લીધા.

લક્ષ્મીબાઈ પાસે માત્ર થોડી સાહેલીઓ અને પંદર વીસ ઘોડેસવાર રહ્યા હતા. શત્રુસૈન્યને ચીરીને બહાર નીકળી જવા રાણીએ ઘોડાને છૂટો દોર મૂકી દીધો. તલવાર વીંઝતી એ આગળ વધી. સામે જ એક નાળું હતું. નાળું કૂદવા ઘોડાએ છલાંગ મારી, પણ તે પાછો પડયો. રાણી ચોમેરથી ઘેરાઈ ગઈ.

એ અંતિમ ઘડીના ભવ્ય બલિદાનનું રોમાંચક હૃદય દ્રાવક વર્ણન ‘ ભારત મેં અંગ્રેજી રાજ્ય ‘ માં પંડિત સુંદર લાલજીએ કર્યુ છે :

“આ વખતે રાણી સાવ એકલી પડી ગઈ. તેણે એકલીએ બધા ઘોડેસવારોનો સામનો કર્યો. એક ઘોડેસવારે પાછળથી આવીને રાણીના માથા ઉપર ઘા કર્યો. માથાનો જમણો ભાગ ચિરાઈને પડી ગયો. છતાં લક્ષ્મીબાઈ પોતાના ઘોડા ઉપર સ્થિર આસન જમાવીને તલવાર ઘુમાવ્યા કરતી હતી.

એટલામાં બીજો ઘા રાણીની છાતીમાં લાગ્યો. માથું અને છાતી બંનેમાંથી રકતની ધારા છૂટી. બેહોશ થતાં થતાં પણ જે ગોરા સવારે રાણી ઉપર ઘા કર્યો હતો તેને કાપી નાખીને નીચે પાડ્યો. પરંતુ, પછી રાણી લક્ષ્મીબાઈની ભુજાઓમાં વધારે શક્તિ રહી નહીં. “

લક્ષ્મીબાઈનો એક વફાદાર નોકર રામચંદ્રરાવ દેશમુખ આ વખતે તેની પાસે હતો. પાસે જ ગંગાદાસ બાબાની ઝૂંપડી હતી.

રાણીને ઉઠાવીને રામચંદ્રરાવ એ ઝૂંપડીમાં લઈ ગયો. ગંગાદાસ બાબાએ રાણીને પીવા માટે ઠંડુ પાણી આપ્યું અને તેને સુવાડી.

થોડી ક્ષણોમાં જ રાણીનું શરીર ઠંડુ પડી ગયું. રામ ચંદ્રરાવે રાણીની અંતિમ ઈચ્છાનુસાર શત્રુથી છૂપી રીતે ઘાસની એક નાનીશી ચિતા તૈયાર કરી અને તેના ઉપર રાણીના શરીરને મૂકી આગ ચાંપી. થોડી વારમાં અગ્નિએ રાણીના દેહને ખાક ભેગો મેળવી દીધો.

ભારતમાતાની સ્વાધીનતાના સંગ્રામમાં મહારાણી લક્ષ્મીબાઈનું નામ સદાય સુવર્ણાક્ષરે અંકિત રહેશે. ભારત વાસીઓનાં હૃદયમાં રાષ્ટ્રીય શાયરની પંક્તિ ગુંજ્યા કરશે :

” ખૂબ લડી મરદાની વો તો ઝાંસીવાલી રાની થી ! “

Rani Laxmi bai, Rani of Jhansi, Jhansi ki rani History, ક્રાંતિકારી શહીદો.

મિત્રો આ લેખ આપને પસંદ આવ્યો હોય તો share કરી શકો છો. copy કરવા માટે પરમિશન લેવી જરુરી છે

મહારાણા પ્રતાપ અને દાનવીર ભામાશા 👇👇

Bhagatsinh nu baalpan

Maharana Pratap ane veer Bhamasha

Ramprasad Bismil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *