Skip to content

જાણો ભગવાન બુદ્ધનાં જીવનની મહત્વપુર્ણ ઘટનાઓ અને બુદ્ધ પૂર્ણિમા વિશે સંપુર્ણ માહિતી

ભગવાન ગૌતમ બુદ્ધ
11625 Views

મિત્રો ભગવાન બુદ્ધ આપણને પ્રેમ,શાંતિ અને માનવતાનો સંદેશ આપે છે. આજે આ લેખમાં ગૌતમ બુદ્ધનાં બાળપણ વિશે, ભગવાન બુદ્ધની વાર્તાઓ, બૌદ્ધ ધર્મની સ્થાપના, ભગવાન બુદ્ધનાં વિચારો, પંચશીલ સિદ્ધાંતો અને બૌદ્ધ ધર્મનાં મુખ્ય તહેવાર વિશે જાણીશુ.

ભગવાન બુદ્ધનો જન્મ અને માતાપિતાનો પરિચય.

બુદ્ધનો જન્મ ઈસવી સન પૂર્વે 544 માં એટલે આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં થયો હતો. એમના પિતા શુદ્ધોધન શાક્ય વંશના બહુ જાણીતા રાજા હતા. ભગવાન રામની જેમ એ સૂર્યવંશી હતા, એટલે કે પુરાણો પ્રમાણે એ સૂર્યમાંથી ઊતરી આવેલા હતા.

વૈશાખી પૂર્ણિમાને દિવસે, બુદ્ધની માતા રાણી મહામાયા રાજધાની કપિલવસ્તુથી એમને પિયર દેવદહ જતાં હતાં. રસ્તામાં લુંબિની પાસે બે શાલનાં ઝાડની છાયામાં એ રોકાયાં અને ત્યાં જ એમણે બુદ્ધને જન્મ આપ્યો. એ જ્યારે કપિલવસ્તુ પાછાં આવ્યાં ત્યારે અસિત નામના સંન્યાસી કે જેઓ રાજ્યના જ્યોતિષી પણ હતા, તેઓ મહેલમાં આવ્યા અને ભવિષ્ય જોઈને કહ્યું કે આ બાળક કાં તો મહાન ચક્રવર્તી રાજા બનશે અથવા તો મહાન સંત બની જગતનો ઉદ્ધાર કરશે.

ભગવાન બુદ્ધ નું બાળપણ

બાળકનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું પણ એમની જાતિનું નામ જે ગૌતમ હતું તેનાથી તેઓ ઓળખાવા લાગ્યા ગૌતમ બુદ્ધ — એટલે ગૌતમ પ્રજ્ઞાવન તરીકે એમને કીર્તિ મળી. રાજકુંવરના જન્મનો આનંદ ઉત્સવ એકાએક બંધ કરવામાં આવ્યો. કારણ કે જન્મના એક અઠવાડિયા પછી એમની માનું એકાએક અવસાન થયું. ગૌતમને એમની માસી કે જે એમનાં સાવકાં મા પણ થતાં હતાં, તેમણે ઉછેરીને મોટા કર્યા.

ગૌતમ ગંભીર પ્રકૃતિના બાળક હતા. એથી તેઓ બીજાં બાળકોની સાથે રમવા કરતાં એકલા બેસી રહેતા અને એમના વિચારોમાં ખોવાઈ જતા. એમના પિતાએ એમને જુદી જુદી પ્રવૃત્તિઓમાં રસ પડે એ માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ કંઈ વળ્યું નહિ. જ્યારે કુંવર ગૌતમ ઉંમરલાયક થયા ત્યારે રાજા શુદ્ધોધને સુંદર રાજકુંવરી યશોધરા જોડે એમનાં લગ્ન કર્યાં અને કુંવર જુદા જુદા આનંદ – પ્રમોદમાં તથા મનોરંજનમાં રોકાયેલા રહે તેની કાળજી લીધી. આમ છતાં એમનું મન જે સત્યની શોધમાં પરોવાયેલું હતું તેમાંથી એમને કશું પણ પાછું વાળી શક્યું નહિ.

ભગવાન બુદ્ધ વિશેની વાર્તાઓ (જે સત્યઘટનાઓ ખુબ જ પ્રસિદ્ધ છે.)

ગૌતમ ક્ષત્રિય હતા, અને એ જાતના બીજા લોકોની જેમ તેઓ પણ પશુપક્ષીનો શિકાર કરે, એવી અપેક્ષા રાખવામાં આવી હતી. પણ ગૌતમ બીજા ક્ષત્રિયો કરતાં જુદા જ પ્રકારના હતા. પશુપક્ષીઓને મારવા કરતાં તેઓ તો એમનું રક્ષણ કરવાની ઇચ્છા રાખતા. એકવાર એમના પિતરાઈ ભાઈ દેવદત્તે ઊડતા હંસને તીર માર્યું. પક્ષી ગૌતમના પગ આગળ આવીને પડયું. એમણે એ પક્ષીને ઉપાડયું, એના શરીરમાંથી તીર ખેંચી કાઢ્યું, એના ધાને મલમપટ્ટી કરી. જ્યારે દેવદત્ત ત્યાં આવી પહોંચ્યો અને એણે શિકાર કરેલું પક્ષી ગૌતમ પાસે માગ્યું, ત્યારે ગૌતમે જવાબ આપ્યો, “ એ પક્ષીને જેણે માર્યું તેના કરતાં એને જેણે બચાવ્યું તેનો એની પર વધારે હક છે.”

આ ઝઘડાનો નિકાલ કરવાનું શુદ્ધોધનને સોપયું. રાજાએ એ પક્ષીને દરબારમાં લઇ આવવા કહ્યુ. દરબારની વચ્ચોવચ એક મંચ પર એને ગોઠવવામાં આવ્યું. પછી એમણે બન્ને રાજકુમારોને કહ્યું, “એ પક્ષી જેના આમંત્રણનો સ્વીકાર કરે તેને એ સોંપવામાં આવશે. ”

પહેલાં દેવદત્તે એ પક્ષીને બોલાવ્યું, ત્યારે એ ચીંચી કરીને ધ્રૂજવા લાગ્યું. પછી ગૌતમે એને બોલાવ્યું. પક્ષી એમની પાસે ગયું. એમના ખોળામાં જઈને બેઠું. રાજા શુદ્ધોધને પોતાનો નિર્ણય જાહેર કર્યો કે “પક્ષીએ એના રક્ષકને પસંદ કર્યો છે એટલે એ એમનું છે.”

જગતની બીજી ઘણી બાબતો ગૌતમને અકળાવી મૂકતી હતી. એકવાર જ્યારે એઓ રસ્તેથી પસાર થતા હતા ત્યારે એમણે એક માણસની સ્મશાનયાત્રા જોઇ. અને વિચાર આવ્યો કે મૃત્યુ શુ છે ? તે કેવી રીતે આવે છે ? તેને રોકવાનો ઉપાય શુ ? એક વખત ઘરડા માણસને જોયો. તે એટલો ઘરડો થઈ ગયો હતો, કે ચાલી પણ શકતો નહોતો. બીજી એક વખતે એમણે એક રોગીને જોયો, એ જમીન ઉપર બેભાન થઈને પડયો હતો. એમણે પોતાની જાતને પૂછ્યું, “ દુઃખ શું છે ? દુનિયામાં આટલું બધું દુઃખ શા માટે છે ? એને ટાળવાનો કંઈ ઉપાય ખરો ? “

ગૌતમ બુદ્ધનો ગૃહત્યાગ અને તપસ્યા

પછી ગૌતમની એક સંન્યાસીની જોડે મુલાકાત થઈ. એ એટલો બધો શાંત અને સ્વસ્થ જણાતો હતો કે એને ઘડપણની, માંદગીની અને મૃત્યુની સમસ્યાઓનો ઉકેલ મળ્યો હોય એમ લાગતું હતું એથી ગૌતમે સંસારને છોડીને સંન્યાસી થવાનું નક્કી કર્યું.

હવે તો ગૌતમ એક બાળકના પિતા હતા. પણ એમના પુત્ર રાહુલનો પ્રેમ કે એમની રૂપાળી પત્ની યશોધરા માટેનું આકર્ષણ એમને એમના નક્કી કરેલા માર્ગથી ચળાવી શક્યું નહિ. એક રાતે, જ્યારે એમની પત્ની તથા પુત્ર ભર ઊંઘમાં હતાં ત્યારે એ મહેલ છોડીને નીકળી પડયા.

એમણે એમનો રાજાનો વેષ કાઢી નાંખ્યો. એમના લાંબા વાંકડિયા વાળ ઉતરાવ્યા અને અંધારી રાતે, જ્ઞાનનો પ્રકાશ મેળવવા એઓ નીકળી પડયા. ગૌતમ એક તીર્થસ્થાનેથી બીજા તીર્થસ્થાનમાં ગયા, એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં ગયા અને ત્યાં રહેતા માણસો પાસે પોતાના પ્રશ્નોના જવાબો મેળવવા પ્રયત્નો કર્યા. એમ કરતાં ગયા પાસે નિરંજના નદીને કિનારે એક જંગલમાં જઈ પહોંચ્યા. ત્યાં તેઓ છ વર્ષ રહ્યા. ત્યાં ભૂખ્યા રહીને એમણે જાતજાતનાં તપ કર્યાં, પરિણામે એમનું શરીર હાડકાંના માળા જેવું થઈ ગયું ત્યારે એમને ભાન થયું કે શરીરને પીડા આપવાથી દિવ્યજ્ઞાન મળશે નહિ.

ગૌતમ બુદ્ધ ની મધ્યમમાર્ગની પસંદગી અને જ્ઞાનદર્શન.

તપસ્વી બુદ્ધ
તપસ્વી બુદ્ધ

એ જ દિવસે સુજાતા નામની એક સ્ત્રીએ એમને ખીરનો કટોરો આપ્યો. એક ઘાસ વાઢતા માણસે સુવા માટે ઘાસની પથારી કરી આપી. ગૌતમે આ બન્ને ભેટોનો સ્વીકાર કર્યો. પછી ધીમેધીમે એમનું શરીર સુધરતું ગયું. એક પીપળાના ઝાડ નીચે એમણે આસન જમાવ્યું અને જ્યાં સુધી પોતાના પ્રશ્નોના જવાબ ન મળે ત્યાં સુધી ત્યાંથી ન ખસવાનો નિર્ણય કર્યો.

એક રાતે, પરોઢ થતાં પહેલાં, જીવનનાં ચાર સત્યોના એમને જવાબ મળી ગયા દુ:ખ અને વેદનાનું અસ્તિત્વ, તેનાં કારણો, એને દૂર કરવાની જરૂર અને તેના ઉપાયો. આમ ગૌતમમાંથી તેઓ ગૌતમબુદ્ધ એટલે કે જેમને જ્ઞાનનો બોધ થયો છે, જેમને પ્રકાશ મળ્યો છે બન્યા. આ એમની પાંત્રીશમી વર્ષગાંઠને દિવસે વૈશાખી પૂર્ણિમાની રાતે બન્યું.

બુદ્ધ ગયાથી વારાણસી પાસે સારનાથ ગયા. ત્યાં પાંચ જણ એમના શિષ્યો બન્યા. એમણે એમને જે સત્યો પોતે પામ્યા હતા તેનું જ્ઞાન આપ્યું. પહેલો સંઘ ( સમૂહ ) સ્થાપ્યો. પછી તો એમણે સતત દૂરદૂરના પ્રદેશોમાં ભ્રમણ કર્યું, એમણે મેળવેલાં સત્યોનો ઉપદેશ આપ્યો. એમનો શિષ્ય – સમૂહ વધતો જ ગયો. એમાં વિદ્વાનો હતા સન્યાસીઓ હતા, રાજાઓ તથા પ્રધાનો હતા. એમણે જેનો ત્યાગ કર્યો હતો એ ગૃહમાં પણ પાછા ગયા પણ આ ભિખ્ખુ આ વખતે પિતાના રાજ્યમાં રાજકુંવર તરીકે નહી પણ ભિખ્ખુ સાધુ તરીકે ગયા. ત્યાં એમના પિતા, સાવકી મા, પત્ની તથા પુત્ર સંઘમાં સામેલ થઈ ગયા.

બુદ્ધ પૂર્ણિમા નો તહેવાર અને મહત્વ

બુદ્ધ ધર્મના પંચાંગમાં બુદ્ધપૂર્ણિમા એ અત્યંત પવિત્ર દિવસ છે. એ બૌદ્ધોનો ઘણો અગત્યનો તહેવાર છે. તે ખૂબ ધામધૂમથી ઉજવાય છે. દરેક તહેવારના ખાસ ક્રિયાકાંડ હોય છે. એ તહેવાર ઊજવતા લોકોનાં જીવન, માન્યતાઓ, રિવાજો અને સંસ્કારની આપણને ઝાંખી કરાવે છે.
કોઈને એમ પૂછવાનું મન થાય કે બુદ્ધ પૂર્ણિમા બૌદ્ધધર્મના લોકો શા માટે ઊજવે છે ?

એનો જવાબ બહુ જ સાદો છે ; કારણ કે એ તહેવાર એ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધની જોડે સંકળાયલો છે. જોકે બૌદ્ધધર્મના અનુયાયીઓ દરેક પૂર્ણિમાને પવિત્ર માને છે, પણ વૈશાખ માસની પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે. કારણ કે એ દિવસે બુદ્ધનો જન્મ થયો હતો, એ દિવસે દિવ્યજ્ઞાનનો પ્રકાશ એમનામાં ઊતર્યો હતો, તેઓ મૃત્યુ પામ્યા ત્યારે નિર્વાણને પણ એ જ દિવસે પામ્યા. આ અદ્ભુત લાગે એવા ત્રણ પ્રસંગો એક જ દિવસે બન્યા હોવાથી બુદ્ધપૂર્ણિમાનો મહિમા અનેક ગણો વધી જાય છે.

બીજા ધર્મોના અનુયાયીઓ ધર્મના સ્થાપકનો જન્મ, એનું મૃત્યુ તથા મહત્ત્વના પ્રસંગોના દિવસો વિધિપૂર્વક ઊજવે છે, જ્યારે બૌદ્ધધર્મના અનુયાયીઓ માટે તો એ ત્રણે પ્રસંગો વૈશાખી પૂર્ણિમાને દિવસે જ બન્યા હોય છે, એટલે એક જ દિવસમાં બધું સમાઈ જાય છે. એ દિવસે તેઓ નાહીધોઈને સફેદ કપડાં પહેરે છે. એ લોકો વિહારોમાં પૂજા કરવા માટે એકઠા થાય છે અને સાધુઓને ભિક્ષા આપે છે. ઘણા તો આખો દિવસ વિહારમાં બુદ્ધના જીવન અને સંદેશાવિષયક વ્યાખ્યાનો સાંભળતાં સાંભળતાં જ વિતાવે છે અથવા ઉપદેશ આપવા માટે સાધુઓને પોતાને ઘેર આવવા આમંત્રણ આપે છે.

બુદ્ધ ના પાંચ મુખ્ય સિદ્ધાંતો (પંચશીલ સિદ્ધાંતો )

૧. જીવહત્યા ન કરવી.
૨. ચોરી ન કરવી.
૩. જૂઠું ન બોલવું.
૪. દારૂ કે બીજાં માદક દ્રવ્યો ન લેવાં.
૫. વ્યભિચાર ન કરવો

જે પંચશીલને નામે ઓળખાય છે, તેમાં પોતાની શ્રદ્ધા વ્યક્ત – કરે છે.

બુદ્ધ પૂર્ણિમા ની જુદાજુદા દેશોમાં ઉજવણી

બુદ્ધ પૂર્ણિમાને દિવસે બૌદ્ધો માંસ ખાતા નથી. તેઓ ગરીબોની સાથે ખીર ખાય છે. જાહેર જગ્યાઓમાં મંડપ બાંધીને ત્યાં પરબ માંડીને લોકોને ચોખું પાણી પૂરું પાડે છે. તે દિવસે દાન કરે છે, તેમાં પશુપક્ષી તરફ પ્રેમ અને મમતાનો સમાવેશ થાય છે. તેઓ પિંજરામાં પૂરાયેલાં પક્ષીઓને ખરીદે છે અને પછી પક્ષીઓને છોડી મૂકે છે. તેવી જ રીતે જે જનાવરોને ખાટકી કતલ કરવા માટે લઈ ગયો હોય છે તે જનાવરોને ખાટકીને પૈસા આપી છોડાવે છે.

જેવી રીતે દિવાળીને વખતે કેટલાંક ઘરોમાં કાગળના દીવા લટકાવવામાં આવે છે, તેવી રીતે બુદ્ધપૂર્ણિમાને દિવસે બૌદ્ધો વાંસમાંથી ‘ વૈશાખ વકાત ’ બનાવી એને તારાઓથી મઢે છે અને તેનાથી ઘરને શણગારે છે . કેટલાક લોકો પોતાના ઘરની દીવાલો પર કાગળ અથવા કપડું લગાડીને બુદ્ધ ગૌતમરૂપે જન્મ્યા તે પૂર્વેના એમના અવતારોના જીવનપ્રસંગો જે જાતક કથામાં આલેખ્યા છે તેને આધારે, ચિત્રો ચિતરે છે.

જુદા જુદા બૌદ્ધ દેશો આ મહાન દિવસ એમની પોતાની વિશિષ્ટ રીતે ઊજવે છે. શ્રીલંકામાં એ દિવસ આપણે ત્યાં દિવાળી ઉજવાય છે, તેમ જ ઉજવાય છે. ઘેર ઘેર દીવા પ્રગટાવવામાં આવે છે. ગરીબમાં ગરીબ માણસોને ત્યાં પણ તેલનો એકાદ દીવો પ્રગટાવેલો તો દેખાવાનો જ.

બુદ્ધ પૂર્ણિમા ઉત્સવ
બુદ્ધ પૂર્ણિમા ઉત્સવ

જાપાનમાં બૌદ્ધોએ આઠમી એપ્રિલને બુદ્ધના જન્મદિન તરીકે નક્કી કર્યો છે. એ દિવસે તેઓ વસંતઋતુનાં ફૂલોનું ચૈત્ય ( મંદિર ) બનાવી તેમાં બુદ્ધની નાની મૂર્તિ પધરાવે છે. તેઓ ખૂબ આદરથી એ મૂર્તિને સ્નાન કરાવી તેને શણગારીને પૂજા કરે છે.

બ્રહ્મદેશમાં બૌદ્ધો બુદ્ધના માનમાં મહિનાનો એક દિવસ અલગ રાખે છે. બુદ્ધને બોધિવૃક્ષની ( પીપળાનું વૃક્ષ ) નીચે તપ કરતાં દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું તેથી પીપળાને વાવવાનો અને એ વૃક્ષને પાણી પાઈને ઉછેરવાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવે છે.

કવિતામાં, નવલકથામાં, બુદ્ધપૂર્ણિમા દિવસની ઉજવણીની વાતો વિસ્તારથી લખાઈ છે અને બુદ્ધજીવન અનેક ચિત્રોમાં પણ અંકિત થયું છે, કારણ કે બુદ્ધપૂર્ણિમા માત્ર આનંદ માણવાનો જ દિવસ નથી પણ જગતના એક મહાન ગુરુના જીવન અને ઉપદેશ વિષે ચિંતન કરવાનો પણ દિવસ છે.

જો લખીએ તો પુસ્તકોનાં પુસ્તકો લખી શકાય. પરંતુ અહી ભગવાન બુદ્ધનાં જીવન વિશેની મુખ્ય ઘટનાઓને ટુંકમાં આપની સમક્ષ મુકવાનો પ્રયાસ કર્યો છે. આશા છે. આપને લેખ પસંદ આવ્યો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *