9141 Views
આજે અમરકથાઓમાં વાંચો મઢડાવાળા આઇ સોનલમાં પર ની શ્રદ્ધા નો અદ્ભુત પ્રસંગ. ડિસેમ્બર – 1971 મા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ દરમિયાન થર પારકર વિસ્તારના હિંદુ પરિવારો માદરે વતન ને છેલ્લી સલામ ભરી ભારતની ભુમિ તરફ ચાલી નીકળ્યા. કચ્છ, બનાસકાંઠા, બાડમેર, જેસલમેર વગેરે જિલ્લાઓની સરહદ પર જ્યાં પોતાના સગા સંબંધી હોય ત્યાં આવનાર પરિવારો સ્થાયી થતાં ગયા.
આવો જ એક ચારણનો પરિવાર પારકર ના દેદળાઇ ગામના વતની રઘાજી લાંગાજી ઝીબા રાજસ્થાનના બાડમેર જિલ્લા ના ચોહટન તાલુકાના સુહાગી ગામે આવી પહોંચ્યા. સુહાગી મહેડુ શાખા ના ચારણો નું ગામ, અહીંના તગજી હિંદુજી મહેડુ સાથે રઘાજી ના મોટા દિકરી ના લગ્ન કરેલા.
રઘાજી મોટા માલધારી, લગભગ ત્રણ સો જેટલી ગાયો ધરાવે. પણ ચુસ્ત વિચારો ના ચારણ. વિધર્મી ને કોઈ પણ કિમતે ગાય કે ગૌવંશ વેચાતું ન આપે, ત્યાં સુધી કે પોતાના ગૌધન ના વાછરડા ને ખસી કરીને બળદ પણ ન કરાવે. જગદંબા રવેચી ના અનન્ય ઉપાસક. પાકિસ્તાન મા રહેતા એ દરમિયાન પણ પોતાના ગામના સીમાડા માં શિકાર પર રોક લગાવેલી. કુદરત ને કરવું અને સુહાગી રઘાજી ઝીબા ની તમામ ગાયો એક રાતે ગોવાળ ને ખબર ન પડે તેમ સરહદ ઓળંગી પાછી પાકિસ્તાન જતી રહી.
એ દરમિયાન સીમલા કરાર થઇ જવાથી થર પારકર વિસ્તાર પાછો પાકિસ્તાની હકુમત ના તાબામાં આવી ગયો હતો. જેથી ગાયોને શોધવા પાકિસ્તાન જવું શક્ય ન હતું. બીજી તરફ યુદ્ધ પછી કોમી તંગદિલી જેવું વાતાવરણ હોઇ પોતાની ગાયોની પાકિસ્તાનની ધરતી પર શું વલે થશે તે ચિંતા રઘાજી ઝીબા કોરી ખાઇ રહી હતી. કોઈ ઉપાય સુઝતો ન હતો, રાતો ની રાતો રઘાજી ઝીબા જાગતા રહી વ્યથિત હ્રદયથી મા જગદંબા ને એકધારો સાદ કરી રહ્યા હતા ” *હે જોગમાયા! હું ચારણ છું, મારી સાત પેઢી થી મારા પુર્વજોએ ઉછેરેલી ગાયો વિધર્મીઓ ની ધરતી પર જતી રહી છે, મેં લાખો રૃપિયા દેતાં જે ગાયો વિધર્મીઓ ને ન આપી. એ ગાયો આજે બિનવારસી હાલતમાં પાકિસ્તાન મા છે. મારી ગાયોના રખોપા તું કરજે જોગમાયા.*”
આ રીતે દિવસો પસાર થતા હતા. ગાયોના કોઈ વાવડ મળતા ન હતા. ત્યાં એક દિવસ સુરેન્દ્રનગર ના રાવળીયાવદર ગામેથી આવેલા રાવળદેવ વાત કરતા હતા” *સોરઠ ના મઢડા ગામે આઇ સોનલ જાગતી જોગમાયા છે, મહાશક્તિ નો અવતાર છે* “. રઘાજી ઝીબા એ વાત સાંભળી. હ્રદય મા શ્રદ્ધા નો દિપક જાગી ઉઠયો.
રાત્રે સંધ્યા માળા કરતાં રઘાજી ઝીબા આઇ સોનલમાં ને યાદ કરી પવિત્ર હ્રદય થી ગદગદિત થઈ પ્રાર્થના કરવા લાગ્યા કે ” હે આઇમાં આપ કળયુગ મા ચારણ કુળ માં અવતાર ધારણ કરીને આવ્યા છો. હું મારા પૂર્વજો નું સર્વસ્વ ત્યાગ કરી ભારતની ભૂમિ પર આવ્યો છું. મારા પ્રાણોથી વધુ પ્રિય મારી ગાયો વિધર્મીઓના દેશમાં છે જેના દિવસો વીતવા છતાં કોઈ સમાચાર નથી મળતા. મા ખરા હ્રદય થી આરદાસ કરૂં છું જો મેં મન કર્મ વચન થી ચારણ તરીકે જીવન વિતાવ્યો હોય તો મારી ગાયો પાકિસ્તાન થી સહી સલામત પાછી ફરે. હે આઇ સોનલમાં મારી ગાયો સલામત આવશે તો હું એ જ ઘડીએ તારા દર્શન કરવા માટે સોરઠ આવીશ“
આને ચમત્કાર કહો, જોગસંજોગ કહો, કે એક પવિત્ર ચારણની શ્રદ્ધા અને આઇ સોનલમાં ની મહાશક્તિ નો પરિણામ કહો, વ્હેલી સવારે સુહાગી ગામનું પાદર ગાયોના મીઠા ભાંભરડા અને ટોકરીઓના રૂણઝુણ અવાજ થી ગાજી ઉઠયું. સાચો માલધારી પોતાના ઢોરના અવાજ ને ઓળખી જાય. રઘાજી ઝીબા વરતી ગયા કે આતો મારી ધમોળ , હિરેણ, કાબેર નો અવાજ છે. પોતાના દીકરાઓ ને કહ્યું ” એ હાલો આપણી ગાયો જોગમાયા પાછી લાવી છે.”
અને બધાએ જઈને જોયું તો ગામના પાદરે ગાયોનું ધણ હિલોળા લઈ રહ્યો છે. ચારણ તો ” વા જોગમાયા, વા સોનલમાં, ધન સોનલમાં” કહેતા ભાવાવેશ મા આવી ગયા છે. ચારેય દિકરાઓ ને રઘાજી એ કહ્યું બધી ગાયો સંભાળો કોઈ ઢોર રહી તો નથી ગયું ને. દીકરાઓ એ ઝીણવટભરી નજર કરી કહ્યું” બાપુ બધી ગાયો સહી સલામત છે, કોઈ ગાયનો ગળાનો દોરો કે ટોકરી પણ ઓછા નથી થયા એ જ વખતે રઘાજી ઝીબા એ કહ્યું ” હું આઇમાં ના દર્શને જાઉં છું, મારી જોગમાયા એ મારી લાજ રાખી. સોનલમાં એ મારૂં જીવન સુધાર્યું “
રાજસ્થાનના થી રઘાજી આઇમાં ના દર્શને કણેરી આવ્યા. સોનલમાં ને પગે પાઘડી ધરી બધી હકીકત કહી સંભળાવી. મા ખૂબ રાજી થયા. રઘાજી ને સાત દિવસ મા એ કણેરી રોક્યા, વિદાય લેતી વખતે આઇમાં કિધું” કંઈ ઇચ્છા હોય તો કહેજો, જોગમાયા પુરી કરશે. ” રઘાજી એ કિધું” આપ પ્રસન્ન છો પછી શું બાકી રહે, છતાં એક વિનંતી છે, બાપ દાદા ની જાગીર પારકર મા છોડી આવ્યો છું, દીકરી ના ગામમાં વધુ સમય રહેવાય નહીં. મા કોઇના આશરે નહીં પણ સ્વતંત્ર રહેણાંક કરી શકું એવા આશીર્વાદ આપો ”
આઇમાં એ રામાયણ નું પુસ્તક વાંચી રહ્યાં હતાં તેમાંથી પોતાની છબી લઈને રઘાજી તરફ લંબાવી કહ્યું” આ છબી રાખો, ચારણનો ધર્મ પાળજો, તમારા સંતાનોને પળાવજો . કોઇનો હક્ક દબાવતા નહીં. સારૂં લાગે ત્યાં આ છબી ને સાથે રાખી બેસજો , દુનિયાની કોઈ તાકાત તમને ઉઠાડી નહીં શકે” આઇમાં ને વંદન કરી રઘાજી ઝીબા એ વિદાય લીધી.
થોડા સમય પછી રાજસ્થાન છોડી પરિવાર સાથે કચ્છમાં આવ્યા. લખપત તાલુકાના પાન્ધ્રો ગામનો સીમાડો અનુકૂળ લાગતાં ત્યાં ગામ બનાવવાનું નક્કી કર્યું. ઇ. સ. 1987 સોનલપુર ગામની રઘાજી ઝીબા એ સ્થાપના કરી. પ્રથમ કાચી ડેરી બનાવી આઇ સોનલમાં ની છબી ની સ્થાપના કરી, પછી પોતાના પરિવાર ને રહેવા ઝુંપડા બાંધ્યા. સમય જતાં જુદા જુદા વિસ્તારોમાં વસેલા પાકિસ્તાન થી આવેલા ચારણ પરિવારો સોનલપુર આવી સ્થાઇ થયા, આઇ સોનલમાં નું શિખરબંધ મંદિર બનાવ્યું, અત્યંત દૈદિપ્યમાન મુર્તિની સ્થાપના કરી. આજે સોનલપુર મા લગભગ બસો જેટલા ચારણના ઘર છે. દર વર્ષે સોનલબીજ, નવરાત્રિ અને વિજયાદશમી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
આ ઘટના મેં સ્વયં મારા દાદા બાપુ સ્વ. રઘાજી ઝીબા ના સ્વમુખે સાંભળી છે. પાકિસ્તાન થી ગાયો પરત આવી તે ઘટના નો સમગ્ર સુહાગી ગામ અને મારો પરિવાર તથા ચારણ સમાજ સાક્ષી છે. આઇ સોનલમાં પ્રત્યે શ્રદ્ધા દૃઢ થાય તે આશયથી આ વાત આપ સૌ સમક્ષ રજૂ કરી છે. આઇમાં ની સદૈવ કૃપા દ્રષ્ટિ બની રહે એવી પ્રાર્થના સહ
જય સોનલમાં, જય માતાજી
- જયેશદાન ગઢવી
- કવિ જય
આવી અન્ય પોસ્ટ અહીથી વાંચો 👇
મઢડાધામ સોનલ માં નો ઇતિહાસ, આઇ સોનલમા, સોનલ માં ના પરચા, સોનલ આઇના ફોટા, સોનલમાં મઢડા નો ઇતિહાસ.
Pingback: શક્તિ માં નો ઈતિહાસ - 1 | SHAKTI MATA no Itihas - AMARKATHAO