Skip to content

વડિયા દરબાર સુરગવાળાનો ન્યાય

વડિયા દરબાર સુરગવાળાનો ન્યાય
9890 Views

વડિયાનાં દરબાર શ્રી સુરગવાળાનાં અદ્ભુત ન્યાયની કથા. ઇતિહાસની અજાણી વાતો, વડિયા સ્ટેટ. Vadiya Darbar Suragvala no nyay. Gujarat no Itihas, vadiya darbar surag vala no nyay

વડિયા દરબારનો ન્યાય

વડિયા નામે એક અમરેલી જિલ્લાનું ગામ. ગામની બરોબર વચ્ચે નદી. નદીનું નામ ‘ સુરવો ’

ચોમાસામાં ઘણીવાર આ નદીમાં ઘોડાપુર પણ આવતા અને લોકોનાં ટોળા એ ધસમસતા પાણી જોવા ભેગા થતા. આવા પૂર અને ઘોડાપૂર જોઈને લોકો હાશકારો અનુભવતા કે ‘‘ હાશ , આ વખતે વરહ હારું થશે. ’’ હૈયે ટાઢકવાળીને સૌ પોતપોતાને ઘેર જતા.

પરંતુ એ વખતનું ટોળું તો કંઈક જુદું હતું. એ ટોળામાં અને આખાયે ગામમાં બસ ચોરે ને ચૌટે એક જ વાત ‘‘ હૈં … ઢોર ડબ્બે પૂરી દીધા ? હવે શું થશે ? ’’ ‘‘ હવે શું થશે ? ’’
‘‘ આ વાત સાચી ? ’’ ત્યાં તો બીજા ટોળામાંથી અવાજ સંભળાયો ‘‘ હા … હા … સાચી સાચી સોળ વખત સાચી. ’’

‘ પણ ઢોર ડબ્બે પૂરી કોણે દીધા ?’

‘ આપણા બાપુએ. ’

‘ બાપુ વિના કોઈની મજાલ છે ઢોરની સામુ પણ જોઈ શકે ?’

‘ પણ હવે શું થશે ? ’

‘ થાય શું રાજમાતા સો ઢોરનો ડબ્બાદંડ ભરે અને નિયમને કોઈ ન પૂગે. નિયમ એટલે નિયમ. ’

જેમ જેમ દિ‘ ચડતો ગયો એમ એમ વડિયા રાજ્યની વસ્તી ઉભરાતી હતી. બપોર થતા તો આખાયે વડિયા સ્ટેટમાં અને ગામડે ગામડે સમાચાર સ્વયં પહોંચી ગયા કે વડિયાનાં રાજવી નામદાર સુરગવાળા બાપુએ તેમનાં માતૃશ્રીનાં સો એક જેટલા ઢોરને ડબ્બે પૂરી દીધા અને બા રાધાબાઈનો ગોવાળ લાકડી ફેંકીને ભાગી ગયો એટલે તે ઉગરી ગયો નૈ તો જોયા જેવી થાત.

રાજાશાહીમાં તો એવી પણ લોકવાયકા છે કે રાજાને જેમ ગમે એમ થાય. પરંતુ સુરગરવાળા બાપુની તો વાત જ કંઈ જુદી છે. એ જમાનામાં રાજ્યની વસતીના સુખ – દુઃખ માટે એના દરબારગઢનાં બારણાં રાત દિવસનાં ભેદ વિના હંમેશા ખુલ્લા ને ખુલ્લા રહેતા.

સુરવો નદીની આ બાજુ દરબારનો ગઢ, સામે કાંઠે કોર્ટ કચેરી અને કચેરીની બાજુમાં માતુશ્રી રાધાબાનો બંગલો. રાજવી કચેરીએ જવા નીકળે એટલે ‘ મા ’ નાં આશીર્વાદ લઈને પછી જ કારોબારની શરૂઆત થાય. આ ક્રમમાં જો સૂર્ય – ચંદ્ર ન ઉગે તો ફેરફાર થાય.

હવે બનેલુ એવુ કે એ દિવસે દરબાર કચેરીએ જતા હતા ત્યારે નદીની આસપાસમાં લગભગ પચાસથી સાઈઠ જેટલાં ખેડૂતો ટોળે વળીને ઊભા – ઊભા રડતા જોવા મળ્યા. દરબારે જોયું પણ એક પછી એક બધા વીખરાઈ જવાની તૈયારીમાં જોવા મળ્યા. બાપુએ કહ્યું : ‘‘ કેમ ભાઈ શું આવ્યા’તા ? કંઈ મુશ્કેલી છે ? ’’ કોઈનાં મુખ પર નૂર જણાતા ન હતા. દરબાર કળી ગયા કે કાંઈક મુશ્કેલી ભરી વાત છે જ.

એક ખેડૂત બોલ્યો ‘‘ કંઈ નહીં બાપુ , ઈ તો અમે સુવાણ્યે.”

‘‘ ના ના અત્યારે તમે તો અષાઢ મહિને ઊભા મોલ મૂકીને થોડા સુવાણ્યું ક૨વા નવરા થાવ ? ’’

બીજા ખેડૂતે કહ્યું : “ બાપુ વાત તો મોલભર્યા ખેતરોની જ છે, પણ ..”

“ પણ શું ? જે હોય તે કહો. મુંજાવમાં. જરાય પણ સંકોચ રાખ્યા વગર વાત કરો. ગુન્હેગાર જે પણ હશે તેને યોગ્ય સજા મળશે જ મુંજાવમાં. ’’

અને બધા જ ખેડૂતો દરબારની કચેરીમાં આવ્યા માન – પાન આપીને બેસાડ્યા. ‘‘ બોલો ભાઈઓ, શી વાતની મુશ્કેલી છે ? ’’ દરબારે કહ્યું.

એક ખેડૂતે કહ્યું : ‘‘ ફરિયાદ તો છે, પણ બૌ ગૂંચવાળી છે. ’’

બાપુ કહે, ‘‘ ગૂંચ ઉકેલવા તો હું બેઠો છું , બોલો. ’’

‘‘ બા ના ગોવાળની … ’’

‘‘ શું છે બાના ગોવાળની ગૂંચ ? ’’ ‘

“ બા સાહેબનાં સો એક જેટલાં ગાય – ભેંસોને ગોવાળ છૂટ્ટા ચરાવે છે. ’’

‘‘ છુટ્ટા એટલે ? ’’

“ એટલે અમારા સંધાયનાં ખેતરોનાં ઊભા મોલ ચરાવી દયે છે ? ’’

‘‘ તમારી ઊભી મોલાતમાં ? ’’ બાપુએ પૂછ્યું.

ખેડૂતોનાં હૃદય દ્રવી ઊઠ્યા : “ હા બાપુ ! ઊભી મોલાતમાં. અમારા દીકરાની જેમ ઉછેરેલા છોડવાને … અને … અને .…”

‘‘ અમારાથી એને કંઈ કહેવાતું નથી. જો ભૂલથી પણ કંઈ કહેવાય જાય તો વેણ – કવેણ માંડે બાલવા અને … “

‘‘ એટલું જ નહિ પણ અમને મારવા પણ હડી મેલે છે. ’’ બીજા ખેડૂતે કહ્યું : ‘‘ હા બાપુ હા, વળી એવુ પણ કહે કે ચારીશ – ચારીશ, એકવાર નહીં સાડીસત્તર વાર ચારીશ. જમીન ક્યાં તમારા દાદાની છે ?. અને આ તો મા સાહેબનાં ઢોર છે એને ખડનો ભાવે ઈ. તો મોલાત જ ખાય મોલાત. ’’

‘‘ એમ ? દરબારનું જાણે ભવન ફરી ગયું. તમે આ વાત આંખે – કાને જોઈ કે સાંભળી છે ? ’’

‘‘ ઘણીવાર બાપુ । ઘણીવાર, એકવાર નહીં આ તો હદ થઈ એટલે આપની પાસે આવ્યા. ને આપના કહેવાથી આવ્યા. ’’ ખેડૂતે જવાબ દીધો.

‘‘ બાપુ આ વાત કરવા આવવાનું કેટલા મહિનાથી તો પરિયાણ કરતા’તાં પણ … “

‘‘ પણ શું ? ’’

એમ થતું હતું કે બા સાહેબના ઢોર છે અને ફરિયાદ કોને કરવી વળી, એવું પણ હતું કે ગોવાળ આજે બંધ થશે એટલે નો’તા આવતા.”

તરત બાપુ જે ડાયરીમાં નોંધ રાખતા એ ડાય૨ી કાઢીને નોંધ કરી અને કહ્યું કે, ‘‘ હું તપાસ કરાવી નિર્ણય કરું છું, તમે બધાય નિરાંતે જાવ. ’’

ખેડૂતો ગયા પછી દરબારે પોતાનાં ખાસ માણસોને સૂચના આપીને સીમમાં મોકલ્યા. સવારથી સાંજ સુધી તેણે બધું જ જાતે નીરખીને સાંજે બાપુને અહેવાલ આપ્યો કે , “ બાપુ , બા સાહેબનો ગોવાળ તો સાવ માથાનો ફરેલ છે, એને જાણે કે રાજસત્તાનો નશો ચડેલ હોય, એમ ખરેખર બા સાહેબનાં બધાં જ ઢોર આડેધડ ખેડૂતોનાં ખેતરમાં ગમે ત્યાં ચરે છે ને પોતે ટાઢે છાંયે … ”

તરત દરબાર શ્રી સુરગવાળા સાહેબે પોતાની પોલીસને કડક સૂચના આપી કે, ‘‘ બા સાહેબનાં સો એ સો ઢોર સીમમાંથી હાંકી કાઢીને અહીંયા લાવો અને આપણાં દરબારી ડબ્બામાં પૂરી દ્યો. ’’

પોલીસ થોડી થરથરી : ‘‘ બાપુ રાજમાતાનાં ઢોર ને …

“ હા … હા … રાજમાતાનાં, મારી જનેતાનાં. ’’ દરબાર કડક અવાજે બોલ્યા : ‘‘ મારા હુકમનો અમલ કરીને મને તરત જાણ કરો. ’’

આમ ઢળતો પહોર થયો ત્યાં રાજમાતાનાં સો એ સો ઢોર દરબારી ડબ્બામાં પૂરાઈ ગયા. ગોવાળ બીકનો માર્યો ભાગી ગયો.

વડિયા ગામમાં અને રાજનાં ગામડાઓમાં જાણે કે બધા જ દંગ રહી ગયા. આપણા રાજવીએ પોતાની સગી માતાની સગી જનેતાની પણ શરમ ન ભરી … વળતા દિવસે દરબાર રાજમાતાને રોજનાં નિયમ પ્રમાણે વંદન કરવા ગયા ત્યારે હસીને બોલ્યા : ‘‘ તમે વાત સાંભળીને બા ??? ’’

‘‘ હા, બાપ ! ’’ રાજમાતા હસ્યા અને સો પશુઓનાં દંડની પહોંચ બતાવી.

‘‘ આપને માઠું તો નથી લાગ્યું ને મા … ? ’’

‘‘ માઠું લાગે બાપ મને. ’’ બા રાધાબાઈ પ્રસન્ન મુખે બોલ્યા : ‘‘ મારો પુત્ર તો આમ જ વર્તે ને … અને મને તો એનું ગૌરવ હોય ભાઈ … ’’

‘‘ અફસોસ તો એ વાતનો થયો કે આ વાત મારા કાન સુધી ન આવીને મારી વસ્તીને મારા થકી દુઃખ થયુ”

” વસ્તીની વાત … વસ્તીની વાત તો બા ? એના વહીવટકર્તાને મળે ને ? ’’ દરબાર ખડખડાટ હસ્યા અને એ વેળા માએ એનાં મોમાં સાકરની કણી આપી. ‘‘ હા … ભાઈ વસ્તી તો એના રાજાને જ ફરિયાદ કરે ને “

🌺 વડિયા દરબાર સુરગવાળા ન્યાય, શિસ્ત અને નિતીમત્તાનાં આગ્રહી હતા. ખેતી, પશુપાલન અને વિજ્ઞાન ને હમેશા પ્રોત્સાહન આપતા, તેઓ ગૌપ્રેમી દરબાર તરીકે ઓળખાતા હતા. તેમનાં રજવાડામાં ગૌશાળા બનાવી હતી. જેની દેખરેખ સ્વયં તેઓ પોતે જ રાખતા હતા. વિશેષ માહિતી માટે લેખક શ્રી પ્રદ્યુમન ખાચરનો વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલો લેખ આ સાથે મુકેલો છે.

દરબાર સુરગવાળાનો ન્યાય
વડિયા દરબાર સુરગવાળા વિશે લખાયેલ લેખ

મિત્રો આ વેબસાઇટ પર મુકવામાં આવતી કોઇપણ પોસ્ટની copy કરીને ઉપયોગમાં લેતા પહેલા અમારી પરમિશન લેવી અનિવાર્ય છે. અન્યથા લીગલી કાર્યવાહી થઇ શકે છે. આ પોસ્ટ અને વેબસાઇટની કોઇપણ પોસ્ટ share કરવા માટે પરમીશનની જરુર નથી. જે આપ 👇 થી કરી શકશો

અહીથી વાંચો : સંત દેશળભગત

દીકરો – ઝવેરચંદ મેઘાણી 👈

Gujarat na santo, Sorthi santo, Saurashtr na santo, Itihas, Gujarat Itihas, સાધુ સંતોનો ઇતિહાસ, Amreli Jillo, અમરેલીનો ઇતિહાસ, Amreli na santo

2 thoughts on “વડિયા દરબાર સુરગવાળાનો ન્યાય”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *