Skip to content

સિંદબાદ ની સાત સફર | Sindbad Ni Safar 1

Sindbad Ni Safar
7223 Views

અરેબિયન નાઇટસ્ ની વિશ્વ પ્રસિદ્ધ વાર્તાઓમાથી એક સિંદબાદ ની સાત સફર | Sindbad Ni Safar આ સીરીઝ આપની માટે મુકી રહ્યા છીએ. આશા છે. આપ સૌને ગમશે. sindbad jahaji ni saat safar book pdf, સિંદબાદ ની સાત સફર pdf download, સિંદબાદ ની varta,

સિંદબાદની પહેલી સફર – Sindbad ni safar

ઘણાં વર્ષો પહેલાંની વાત છે. બગદાદ એટલે કે આજના ઈરાકનું પાટનગર ત્યારે ધીકતું બંદર હતું. ખલીફ હારુન અલ રશીદ બગદાદની ગાદીએ રાજ્ય કરતા હતા. સારુંયે શહેર આલીશાન ઇમારતોથી શોભતું અને બંદરેથી દુનિયાભરનાં વહાણોની અવરજવર થતી.

સિંદબાદ બંદરની ગોદીની નજીક એક રોનકદાર હવેલીમાં પોતાના વિશાળ પરિવાર સાથે રહેતા હતા. મોટી સંખ્યામાં નોકર – ચાકર પણ રાખતા. રોજ ખાણીપીણીની મહેફિલ પણ જમાવતા.

બધાં બાળકોને સિંદબાદ ખૂબ પ્રિય હતા. સિંદબાદ બધાં બાળકોને ફળફળાદિ અને તેમને ભાવતી મીઠાઈખવડાવતા.

દરરોજ સાંજે પરિવારનાં બધાં સભ્યો વાળુ પાણી કરી રહે પછી બાળકો વચ્ચે બેસી એ પોતાની જુવાનીની વાતો કરતા હતા.

એવામાં હિંદબાદ નામે એક હમાલે પોતાના માથેથી બોજો હેઠો મૂકી દરવાનને પૂછ્યું , ‘ ભાઈ , આ હવેલીમાં કોણ રહે છે ?
દરવાને કહ્યું તું બગદાદમાં રહે છે ને આ હવેલીના માલિકને જાણતો નથી ? અહીં દુનિયા આખીના સાગરોની સફર કરી ચૂકેલ સિંદબાદ શેઠ રહેછે.

એકાએક હિંદબાદના મોઢેથી બોલ નીકળી ગયા : ‘ અરે ખુદા ! આ સિંદબાદ ને હું હિંદબાદ , નામ સરખાં. પણ શી તારી કરામત ! આ સિંદબાદ એવું શું કર્યું કે તે એમને આટલી બધી ધનદૌલત આપી અને મારી પાસે તનતોડ વૈતરું કરાવે છે ! તે સમ્રાટ જેવું સુખ ભોગવે છે અને હું કાળી મજૂરી કરુંછું. ’

હિંદબાદ અને દરવાનની વાત ચાલુ હતી ને કંઈક કારણસર સિંદબાદ હવેલીના છજામાં આવ્યા. તેમણે હિંદબાદની વાત સાંભળી.

દરવાન સાથે હિંદબાદની વાત ચાલુ હતી ત્યાં હવેલીમાંથી એક નોકર બહાર આવ્યો ને બોલ્યો , ‘ ચાલો ભાઈ , તમને સિંદબાદ શેઠ અંદર બોલાવેછે. ’

આ સાંભળી હિંદબાદના પેટમાં ધ્રાસકો પડ્યો. પોતાનાં ઉદ્દત વચનોથી પસ્તાતો એ બીતો બીતો હવેલીમાં દાખલ થઈ સિંદબાદ સામે હાજર થયો.

હિંદબાદે ગભરાતાં ગભરાતાં વાંકા વળી સલામ કરી. સિંદબાદે એને પાસે બોલાવી ભરપેટ ભોજન કરાવ્યું. મધુર ફળોનો રસ પાયો અને પછી એનું નામઠામ પૂછ્યું. વાત આગળ ચાલી.

સિંદબાદે કહ્યું , ‘ હિંદબાદ , તું બહાર ઊભો રહી ખુદાને જે ફરિયાદ કરતો હતો તે મેં સાંભળી છે. તને લાગે છે કે આ બધો વૈભવ મને વગર મુશ્કેલીએ મળ્યો છે તો તારો એ ખ્યાલ ખોટો છે. કેટલીયે જહેમત અને દુઃખો વેઠીને ખૂબ જ નાની ઉંમરેથી જીવસટોસટનાં સાહસ ખેડી મેં આ ધનદોલતમેળવીછે. ’

પરિવારનાં બધાં બાળકો ને મોટેરાં કહે, દાદાજી, અમને તમારી જીવસટોસટની સફરની વાત કરો ને ! ‘

સિંદબાદ કહે , ‘એ એક સફરની વાત નથી ; પરંતુ મેં સાતસાત વાર દરિયો ખેડ્યો છે. એક એકથી ખતરનાક એવી એ દરિયાઈ સફરો હતી. ’

બધાં એકી અવાજે બોલી ઊઠ્યા, ‘ અમારે તમારી બધી જ સફરોની વાત સાંભળવી છે. તમારે તે કહેવી જ પડશે. ’

સિંદબાદની પહેલી સફર – Sindbad Ni safar 1

Sindbad Ni Safar
Sindbad Ni Safar

સિંદબાદે પહેલી સફરની વાત શરૂ કરી :

‘ એ દિવસોમાં અમારું કુટુંબ સુખી ગણાતું. મારા પિતા એક મોટા સાગરખેડુ વેપારી હતા. કીમતી ચીજવસ્તુઓ અને હીરા- ઝવેરાતનો તેઓ વેપાર કરતા. તેઓ માનતા કે સાહસ કરનારનેસિદ્ધિમળેછે. ’

એક દિવસ અચાનક મારા પિતાનું અવસાન થયું. અમારા કુટુંબ ઉપર દુઃખનાં વાદળ તૂટી પડ્યાં. મારા જુવાનીના દિવસોમાં જ મારા કુટુંબને સંભાળવાની જવાબદારી મારા માથે આવી પડી. મારી ઉંમર તે વખતે નાની હતી. વળી હું બિનઅનુભવી હતો. તેથી મેં ઘણો પૈસો મોજશોખમાં વેડફી નાખ્યો. થોડા વખતમાં મોટા ભાગની મિલકત ગુમાવી બેઠો. મોડી મોડી મને અક્કલ આવી ને પિતાના બોલ યાદ આવ્યા કે, નિરાશ થઈ બેસી રહેવા કરતાં હાથ હલાવવા સારા.

મારી પાસે જે કંઈ કીમતી વસ્તુઓ હતી તે વેચી થોડી મૂડી ઊભી કરી કેટલાક વેપારીઓ સાથે હું એક જહાજમાં માલ ભરી નીકળી પડ્યો.

જહાજ ઠેકઠેકાણે લાંગરતું અને અમે અમારો માલ વેચી એ પ્રદેશનો માલ ખરીદતા અને એ રીતે નફો કરતા આગળ વધતા. થોડા દિવસોની મુસાફરીથી દરિયાની ભેજવાળી હવા લાગવાથી હું બીમાર પણ થયો. પણ ધીમે ધીમે હું દરિયાની મુસાફરીથી ટેવાઈ ગયો.

બગદાદથી બસરા થઈ આગળની સફરે અમે દરિયારસ્તે આગળ વધતા જતા હતા. આ દરિયાઈ સફરની મારી શરૂઆત હતી. અમારું જહાજ દૂરદૂર મધદરિયે જઈ પહોંચ્યું. સૂરજ આથમવાની હજુ વાર હતી. અમે દૂર એક નાનકડો ટાપુ જોયો. પવન ધીમો પડી ગયો હતો અને દરિયો શાંત હતો. કપ્તાને અમારું જહાજ એ ટાપુ પાસે લાંગર્યું.

અમે બધા ટાપુ ઉપર ફરવા નીકળ્યા. પણ નવાઇની વાત એ હતી કે ટાપુ પર ક્યાંય ઝાડપાન કે વૃક્ષો દેખાતા ન હતા. અરે ક્યાંય પથ્થર કે રેતી પણ નજરે ચડતા ન હતા. એટલે બધાને આ વિચિત્ર ટાપુ જોઇને જ મનમાં ભય લાગતો હતો. અમારી સાથેના રસોઇયાઓ લાકડાં સળગાવી રસોઈ બનાવવા લાગ્યા.

ટાપુ આખો માણસોની વસ્તી વિનાનો લાગતો હતો. કોઈ પશુ – પંખી પણ નજરે પડતાંનહોતાં.

થોડું ફરીને અમે ભોજન લેવા પાછા ફર્યા. હજુ તો માંડ ભોજન પૂરું કર્યું ત્યાં એકાએક ટાપુ ધ્રૂજી ઊઠ્યો. ‘ ભાગો … ભાગો … ધરતીકંપ થયો લાગે છે. ’ એવી બૂમો સાથે અમારામાં નાસભાગ મચી ગઈ. આખો ટાપુ જાણે ખળભળી ઉઠ્યો. અને ટાપુ આખો જાણે પાણીમાં ગરકાવ થઈ રહ્યો હતો.

જહાજના કપ્તાને બૂમ પાડી, ‘ બધા જહાજ પર પાછા આવી જાઓ. આ ટાપુ નથી પણ મહાકાય માછલી છે ! ’’

જે લોકો ઝડપથી જહાજ પાસે પહોંચી ગયા તે તેમાં ચડી જહાજ હંકારી ગયા. મારો પગ લપસી ગયો અને હુ દરિયામાં ખાબક્યો. હું રહી ગયો. હું પહોંચું તે પહેલાં માછલીએ દરિયામાં ડૂબકી લગાવી દીધી. હું દરિયાનાં મહાકાય મોજા વચ્ચે ફંગોળાઈ પડ્યો. દરિયાના પાણીમાં એક સૂકું થડિયું તણાઈ આવીને તરતું હતું. મારા સારા નસીબે તે મારા હાથમાં આવી ગયું ને એની મદદને કારણે હું ડૂબતાં બચ્યો. પણ દૂર નજર કરી તો જહાજ ઊપડી ચૂક્યું હતું.

લાકડાનું થડિયું હાથથી સજ્જડ પકડાયેલું હતું તેથી બચી ગયો. બે દિવસ ભૂખ અને તરસ સાથે પસાર થયા.

દરિયામાં મોજાં ચાલુ હતાં ને એક પ્રચંડ મોજાની થપાટથી મેં પકડેલું થડિયું ફંગોળાયું. ભયંકર શાર્ક માછલીઓ મને પોતાનો કોળિયો બનાવવામા મા૨ી આજુબાજુ ધસી આવી.

પણ નસીબ મારી સાથે હતુ તેથી જૂના જહાજનો ભંગાર મારી નજીક આવ્યો. મેં તેનો સહારો લીધો પણ ખૂબ થાકેલો અને ભૂખ્યો હોવાથી હું બેભાન થઈ ગયો. જાગ્યો ત્યારે જાણ્યું કે પ્રચંડ મોજાંઓને કારણે તણાઈ હું કોઈ ટાપુના કિનારે આવીપડ્યો હતો.

ભૂખ – તરસથી શરીરમાં નબળાઈ લાગતી હતી. મારી સામે જ એક ટેકરી જેવું દેખાયું. હું એના પર ચઢ્યો. ટોચ ઉપર સપાટ મેદાન હતું. છેવાડે થોડી મોટી શિલાઓ હતી. આજુબાજુ કોઈ માણસ દેખાતું ન હતું. ત્યાં ઘોડાની હણહણાટી જેવો અવાજ સંભળાયો ને હું તે દિશામાં ધસી ગયો.

એક સફેદ ઘોડો ચરતો હતો. થોડે દૂર એના ખાસદારો બેસીને વાતોએ વળ્યા હતા. હું એમને મળ્યો. તેમણે મારે વિશે જાણવા માગ્યું. મેં મારી ઓળખ આપી અને શાર્ક માછલીઓથી માંડ બચી અથડાતો કુટાતો કેવી રીતે આ ટાપુ પર પહોંચેલો તે કથની કહી.

પછી મેં તેમનો પરિચય માગ્યો. તેમણે કહ્યું, ‘ અમે આ ટાપુના રાજા મિહરેજના ઘોડા અહીં ચરાવવા આવ્યા છીએ આવતી કાલે અમે રાજધાનીમાં પાછા ફરીશું. ’

પછી તેમણે મને પોતાના ભાતામાંથી થોડો ખોરાક આપ્યો. મને કકડીને ભૂખ લાગી હતી. ખોરાક પેટમાં પડતાં મારામાં શક્તિનો સંચાર થયો.

તેઓ મને તેમની સાથે મિહરેજ રાજાના દરબારમાં લઈ ગયા. ત્યાં તેમણે રાજા સાથે મારી ઓળખાણ કરાવી. મુસીબતો સાથે ઝઝૂમી હું કેવી હિંમતથી ટાપુ પર પહોંચ્યો હતો તે બધી બિના સાંભળી રાજા ખુશ થયા. તેમણે મને શાહીમહેમાન બનાવ્યો અને થોડા દિવસ રોકી રાખ્યો. મિહરેજ રાજાની રાજધાની પાસે જ દરિયાકિનારે મોટું બંદર હતું. દેશવિદેશના મોટા વેપારીઓ પોતાનાં વહાણ લઈને ત્યાં આવતા. હું અવારનવાર બંદર પર ફરવા જતો હતો.

એક દિવસ હું બંદર ઉપર ઊભો હતો. ત્યાં એક જહાજ આવ્યું. જહાજમાં મેં કેટલીક પેટીઓ જોઈ જેના ઉપર મારું નામ લખેલું હતું. મેં તપાસ કરી તો જે જહાજમાં હું બગદાદથી નીકળ્યો હતો એ જ આ જહાજ હતું. જહાજના કપ્તાનને મળી મારી ઓળખાણ આપી તેથી પહેલાં તોતે અજાયબી પામ્યો.

પણ પછી મેં મારો ભૂતકાળ ને આપવીતી કહી સંભળાવ્યાં તેથી તેણે મને ઓળખ્યોને હું જીવતો હોવા બદલ મને મુબારકબાદી પણ આપી.

મને મારી કીમતી માલસામાનની પેટીઓ પાછી મળી. એમાંની કેટલીક ઉત્તમ ચીજો મેં મિહરેજરાજાને ભેટ આપી. રાજાએ પણ બદલામાં મને એમના ભંડારમાંનું થોડું કીમતી ઝવેરાત ભેટ આપ્યું.

પછી અમે વતન પાછા ફરવા જહાજ હંકાર્યું. કેટલાંયે બંદરો પર માલની અદલબદલ કર્યા કરી ને એક લાખ સોનામહોરનો નફો કર્યો.

ઘેર આવી ભૂતકાળનું દુઃખ ભૂલી મેં જમીન જાગીર ખરીદ્યાંને હું સુખથી જીવન ગાળવા લાગ્યો. ”

આટલું કહી સિંદબાદે થોડી સોનામહોરો હિંદબાદને ભેટ આપીને કહ્યું, ‘ હિંદબાદ, આ લઈ જા. પણ મારાં સાહસોની બીજી સફરની કથા સાંભળવા કાલે ફરી આવવાનુંછે એ ન ભૂલતો. ’

પોતાને મળેલાં માન અને ધનથી રાજી થતો હિંદબાદ પોતાને ઘેર ગયો.

સિંદબાદની બિજી સફર વિશે આગામી ભાગમાં …

મિત્રો પોસ્ટ પસંદ આવે તો અહીથી👇 share કરી શકો છો

Sindbad ni safar part 2

ભટુડીની વાર્તા વાંચવા અહી ક્લીક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *