Skip to content

Zohra | Heart touching story in Gujarati

Heart touching story
6184 Views

આજે amarkathao માં વાંચો ‘ઝોહરા’ હિન્દુ ભાઇ અને મુસ્લિમ બહેનની Heart touching story

ઘરનાં અને પાડોશનાં સૌની વિદાય લેતાં લેતાં જ આમ તો ખાસ્સું મોડું થઈ ગયું હતું. એમાં પાછું શેરીનો ઢાળ ચડતાં – ચડતાં ઝોહરાની માએ રોકયો.

‘ બેટા , આવ્યો છો ત્યારે મારી ઝોહરાને આલવા આટલું સંપેતરું ય લેતો જા. ’

ઉમરાવકાકીને તો શેરીનો ઢાળ ચડતાં હોઈએ કે પછી ઉતરતા હોઇએ, પણ કોઈ ને કોઈ વાતે રોકવા જોઇએ એમા ભુલ નહી. ગામ આવીએ ત્યારે જોઈ જાય તો તરત ઉભા રાખીને તેમની દિકરીનાં સમાચાર પૂછવા માંડે.
કહીએ કે હમણાં બેનના ઘર … તરફ જવાનું થયું જ નથી. એટલે કાંઇ સમાચાર તો લાવ્યો નથી, એટલે તરત આપણી ધૂળ ઝાપટાઈ જાય.

જવાનું થાય કયાંથી ? હવે તું કાંઇ નાનોસૂનો માણસ થોડો રહ્યો છે ? તે મારી ઝોહરાની ખબર પૂછવા જાય ? ’

નીકળતી વખતે ય ‘ મારી ઝોહરાને આમ કહેજે ને તેમ કહેજે ! આ લેતો જા ને તે લેતો જા, જોજે, ભૂલી જાતો નહીં, વખતસર જઈને બેનને ત્યાં આપી આવજે.’

કાયમ તો હું કાંઇ આનાકાની કરું તો બા કે ફોઈ તરત આંખના અણસારે સૂચવતાં, ‘ એમ ના નો પડાય, પાડોશીનું કામ તો કરવું જ

પણ આ વખતે તો ફોઈ જ સામેથી કહેવા લાગ્યાં, ‘ અલી ઉમરાવ, તુંય શું છોકરાને જાન જોખમમાં નાખવા ત્યાં મોકલે છે ? ખબર નથી , રમખાણ હજી માંડ શમ્યાં છે , આ છોકરો પાંચ દિવસથી અહીં આવીને સલવાઈ ગયો હતો, તે આજે હવે માંડ નોકરી ભેગો થવા નીકળ્યો છે, ને ઝોહરાના સગાંવહાલાં ને પાડોશી બધાંને ખબર છે કે આવડો આ હિન્દુનો છોકરો છે, કાયમ આવે – જાય એટલે.’

ઉમરાવકાકીનું મોં પડી ગયું, ‘ તે પણ હું કયાં કહું છું કે ભઈલો હમણાં ને હમણાં સંપેતરું આલવા જાય ? ’

‘ સારું ’ છેવટ ફોઈ પીગળ્યાં, ‘ લાવી દે ઝટ, જે મોકલવું હોય ઈ. ’
‘ છોકરીને બીજા શું હીરા – માણેક મોકલાવી શકવાનાં આપણે ? આ બે જોડી ભાણિયાનાં ચડ્ડી – બાંડિયા કટપીસમાંથી સીવ્યાં છે , તે લઈ જાવાનાં છે. ’

મારે હજી તો શાળાનો અભ્યાસ ચાલતો હતો, તે દરમ્યાન જ ઝોહરાની શાદી થઈ ગયેલી. આમ તો ઝોહરા અમને નિશાળિયાઓને કોઈ ને કોઈ રીતે પજવ્યા જ કરતી, એટલે ગામમાંથી તે જાય તો બધાને આનંદ થવો જોઈતો હતો, પણ થયેલો નહીં. પરણીને તે સાસરે શહેરમાં જતી રહી, પછી ગામમાં, સીમમાં, નદી – તળાવ કે પાદરનાં ઝાડવાઓમાં ગમે ત્યાં જઈએ કે તરત જ ઝોહરા યાદ આવ્યા વગર રહે નહીં.

એકવાર હું ચડ્ડી – બાંડિયું નદીકાંઠે મૂકીને ધરામાં નહાવા પડયો હતો, ત્યારે ઝોહરાએ મારી ચડ્ડીના ગજવામાં એક નાનકો દેડકો મૂકીને ગોટમોટ વાળીને ચડ્ડીને હતી તેમ મૂકી દીધેલી.

પછી ભીમલો એના ગધેડા ઉપર બેસીને નદીએ રેતી ભરવા જતો હતો, ત્યારે બાકસના ખોખામાં ભેગી કરેલી બગાઈઓ ગધેડાના કાનમાં છોડીને તેને એવું તો ભડકાવેલું કે તે ભીમલાને ચત્તોપાટ ભોંયે પછાડી દઈને કયાંયનું કયાંય પોબારા ભણી ગયેલું ! ફોઈ તો ઝોહરાનો કાન ઝાલીને તેના માથામાં વહાલથી ટપલી ય મારતાં.

આવડી મોટી ઢાંઢી થઈ, હવે તો સમજ, શું જ્યારે ને ત્યારે આ બાપડાંક નાનકા છોકરાની વાંહે પડી જાશ ?’

ઝોહરા ગઈ અને ગામની બધી રોનક જતી રહી. શાંતામાસી કહેતા, ‘ આ ઝોહરાએ જ જાણે ધીંગામસ્તી કરવાનો કંતરાટ રાખ્યો હતો. મારા પીટડિયા છોકરા ય હવે તો ઈના વગર ડાયા – ડમરા થઈ ગ્યા છે ! કેવો સોપો પડી ગ્યો ! ‘

મારાં લગ્ન થઈ ગયાં. પછી એકવાર પત્નીની સાથે શહેરની બજારમાં અમે કાંઇક ખરીદી માટે ગયાં હતાં, ત્યારે કોઈ બાઈએ શારદાની સાડી ખેંચીને તેને રૂઆબદાર અવાજે દાટી આપી :

‘ એ બાઈ, અહીં કેમ ઊભી છે ? ચાલ, તારે મારી સાથે આવવાનું છે. ’

શારદા તો બીકની મારી ધ્રૂજવા લાગેલી, મને આવીને કહે, ‘ પેલી જાડી મુસલમાન બાઈ મારો સાડલો ખેંચે છે. ’

‘ એ વળી કોણ છે ? ’ મેં જોયું તો ઝોહરા.

‘ અરે ! ’ મને હસવું માય નહીં, ‘ ખોટી ગભરાય છે તું તો આમને નથી ઓળખતી ? આ તો ઝોહરાબેન છે, આપણા ગામનાં છે.

‘ ચાલો ઘરે. ’ મારું બાવડું ઝાલીને ઝોહરાએ મને ખેંચ્યો. ‘ તને લઈ જાઉં પછી તારી વહુ તો પાછળ પાછળ આવવાની જ છે ને ? ’

ઘરે લઈ જઈને ચા – પાણી નાસ્તો કરાવ્યાં. શારદાને કહે, ‘ મારા પગે પડ, તારી મોટી નણંદ છું, સમજી ? ’

મેં સંકેત કર્યો તો શારદા તેના પગે પડી ને ઝોહરાએ તેના હાથમાં પૈસા આપ્યા, ‘ તું તો ઠીક છે , ઓળખે નહીં, પણ આ ગધેડાને ખબર નથી પડતી કે હાલો, પરણીને વહુ લઈ આવ્યા છીએ તો બહેનને પગે પડવા જઈએ ? જો, તારા વરને જ્યારે ચડ્ડી ય પહેરતાં નહોતી આવડતી, ત્યારે હું તેને ચડ્ડી પહેરાવીને બટન ભીડી દેતી, ત્યારની ઓળખાણ છે સમજી ?

શરમ નથી આવતી, ઘરની આટલે નજીક આવી – આવીને જતાં રહો છો અને મળવા ય નથી આવતાં તે ? એ તો સારું થયું કે હું બજારમાં ભાળી ગઈ. મનમાં કીધું હોય નો હોય, પણ લાગે છે ભઈના વહુ, લાવ સાડી ખેંચીને જરાક બીવરાવવા દે. ’

ઝોહરાને ઘેર જવા માટે એક સાંકડી ગલીમાંથી પસાર થવું પડતું. બે માણસ સામસામે માંડ પસાર થઈ શકે એવી સાંકડી ગલી આમાંથી તેને ત્યાં જતાં કોઈ માણસ એકવાર મને સામો મળ્યો હતો, જે મને ઘસાઈ ચાલ્યો હતો, એમાં તેનો વાંક નહોતો લાગ્યો. આવી સાંકડી ગલીમાં આવું ઘણીવાર બનતું.

પણ ઝોહરાને ત્યાં ચા – પાણી પીને પછી ભાણિયાના હાથમાં પૈસા આપવા માટે ગજવામાં હાથ નાખ્યો તો પાકિટ ના મળે. મારું મોં જોઈને ઝોહરા સમજી ગઈ.

‘ શું થ્યુ ભઈલા ? ’ કાંઇક અઘટિત બન્યાના અણસારે છેક ખભા સુધી ઝૂલતાં તેના કાનના સોનાના એરિંગ પણ જાણે ઘડીક માટે થંભી ગયા.

‘ બેન, પાકિટ ગ્યું. ’

‘ અરે ! કેટલા પૈસા હતા ભઈ ?’

‘ ગણ્યા નથી. પણ ખાસ્સા હતા. આજે શહેરમાંથી ખરીદી કરવાની હતી. ’

‘ ચિંતા ન કર, તારા બનેવીને આવવા દે, કાંઇક રસ્તો કાઢીએ છીએ. ’

તેણે કહ્યું, પણ મને ધરપત ના રહી. તે તો મને આશ્વાસન આપવા ખાતર કહે, પણ હવે શું , ગયેલા પૈસા કાંઇ થોડા પાછા આવવાના હતા ?

એટલામાં બનેવી આવ્યા. મેં ઝોહરાને તે પહેલાં કહેલું કે એ તો મિલમાંથી થાકયા – પાકયા માંડ ઘરે આવ્યા હોય, તેમને વાત કરીને ચિંતા ના કરાવીશ.

‘ તું જો તો ખરો ’ ઝોહરાએ ઘાંટો પાડીને મને ચૂપ કરી દીધો. ‘કહું છું સાંભળો, ગલીમાં પેઠો ત્યાં સુધી આના ગજવામાં પાકિટ હતું. પછી સામે કોક મળ્યું, ભટકાયું ને પાકિટને પાંખો આવી ગઈ, હવે તમે એનું કંઇક કરો. ’

‘ નૂરિયા સિવાય બીજું કોણ હોય ? ’ બનેવી લાલપીળા થઈ ગયા અને પાણી ય પીવા રહ્યા વગર તે ઘરની બહાર નીકળ્યા, ‘ કયારેક હું એને કબર ભેગો કરી દેવાનો છું. ’

બનેવી ગુસ્સે થાય એટલે થરથર કાંપવા લાગે. આંખો લાલ ટમેટા જેવી થઈ જાય. તેમના ગુસ્સાની મને પહેલેથી જ બહું બીક લાગતી. મેં ઝોહરાને કહ્યું, ‘ આમને કયાં વાત કરી ? જઈને કોઈનાં હાડકાં ભાંગી નાખશે તો પોલીસ કેસ થશે. ’

‘ કંઇ નહીં થાય, તું ખોટી ચિંતા ના કર. તારું પાકિટ તારે પાછું જોઈએ છે ને ? તો બસ , છાનોમાનો બેઠોબેઠો પંખાની હવા ખા. ’

થોડીવારમાં બનેવીએ પાકિટ લાવીને મારા ખોળામાં ફેંકયું, ‘ ગણી લેજે, ઓછા નથી થ્યાને ? એમ હોય તો હજી બીજી બે પાટુ એ કમબખ્ત નૂરિયાને જઈને ઝીંકી આવું. ’

ભણતર વખતે ઝોહરાએ મને દોરાથી એક ગુંજી ગુંથી આપી હતી, પછી જ્યારે મળવા જાઉં ત્યારે તે મારા ગળા આગળ ખમીસ આઘુંપાછું કરીને જોઈ લેતી, ‘ કેમ લ્યા, આટલી મહેનત કરીને ગુંજી ગુંથી આપી છે તોય પહેરતો કેમ નથી ? ’

એક – બે વાર તો મેં ‘હવે પહેરીશ’ કહીને વાત રફેદફે કરી, પણ પછી ચાલ્યું નહીં ને જાણ્યે – અજાણ્યે મોંમાંથી નીકળી ગયું, ‘એક વાર પહેરી હતી, તો બધા કહે કે કાઢી નાખ, આ ગંજી જોઈને કોણ કહે કે તું હિન્દુનો છોકરો છે ? ’

મોટો કારી ઘા સાથે આવી પડયો હોય એમ તે આઘાતથી બેવડ વળી ગયેલી. કાયમ આટલું બધું બોલ – બોલ કરતી ઝોહરાને ત્યારે કેટલીય વાર સુધી કોઈ શબ્દ જડ્યો નહોતો, થોડી કળ વળ્યા પછી તે ધીમેથી બોલી :

‘તું સમજણો માણસ ઊઠીને આવું બોલે છે લ્યા ? શરમ નથી આવતી ? તું શેરીમાં નાગડો – પુગડો રખડયા કરતો ને તને તેડીને બચીઓ ભરતી, ત્યારે તો મને કોઈએ એમ નહોતું કીધું કે આ તો હિન્દુનો છોકરો છે. એ તો અહીં શહેરમાં કોમી રમખાણો થાય છે ને હાલ તુરત કર્ફ્યુ થઈ જાય છે, બે ય કોમ એકબીજીના લોહીની તરસી થઈ જાય છે.

આપણા ગામમાં તેં એવું કોઈ દિ’ ભાળ્યું ? ભઈલા, આપણે જ અહીં શહેરમાં આપણું ગામ જીવતું રાખવાનું છે, ને એવાં થોડાં ઘણાં ય ગામ અહીં પોળેપોળે શ્વાસ લેવા લાગે તો આ તોફાને ય નો થાય ને ગરીબગુરબાંનો રોજી રોટલો ય નો ઝુંટવાઈ જાય. ’

મારી પાસે ત્યારે એની વાતનો કોઈ જવાબ નહોતો.

✍ ઉજમશી પરમાર – લાખમાંથી એક ચહેરો

🌺 આવી જ Heart touching story અહીથી વાંચો 👇 ઝેની