Skip to content

સિંહની દોસ્તી પાઠ ધોરણ 7 | Best Gujarati Story

સિંહની દોસ્તી પાઠ ધોરણ 7
12534 Views

સિંહની દોસ્તી – Sinh Ni Dosti માનવ અને પશુ વચ્ચેનાં પ્રેમની અદ્ભુત વાર્તા છે. જે હાલમાં ધોરણ સાતનાં અભ્યાસક્રમમાં આવે છે. Std 7 સિંહની દોસ્તી, Lion’s friendship, Best Gujarati varta, Gir Junagadh

સિંહની દોસ્તી વાર્તા

(માત્રા વાળા અને સિંહની દોસ્તીની અનોખી કથા)

ચોમાસું પૂરું થયું છે. જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે. લોકો લણણીના કામે લાગ્યા છે. આવા એક દિવસે , નમતા બપોરે દરબાર માત્રા વાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે. કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે. એકાએક દરબારની નજર નદીના ધૂના પર પડી. સામેથી સિંહ અને સિંહણનું બેલાડ ચાલ્યું આવે છે. બેપરવાઈથી ચાલ્યા આવતાં આ રાજા – રાણીને દરબાર જોઈ રહ્યા.

સિંહ અને સિંહણ પાણી પીવા ઊતર્યા ; પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો. એક પ્રચંડકાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણ કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી , પણ એની કારી ફાવી નહિ. મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ – પાછળ ગયો , પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેલૂરમાં બેસી ગયો. એના મોઢા પરની વેદના દૂરથીય વરતાઈ આવતી હતી.

દરબાર ક્યારનાય આ દૃશ્ય જોઈ રહ્યા હતા.
સિંહ હવે શું કરશે એ જોવા – જાણવાની એમની ઇચ્છા હતી. એમણે એમના માણસોને કહ્યું : “ તમતારે સૌ જાવ. સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે, એ મારે જોવું છે. મારે માટે વાળુય અહીં લેતા આવજો. ”

સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહિ. રાત આખી નદીના ખળખળ વહેતાં પાણી સામે એ સૂનમૂન બનીને બેસી રહ્યો. માત્રા વાળા પણ એ વિજોગીને જોતાં બેઠા રહ્યા. ‘’આ જાનવરનેય એકબીજા માટે કેવાં હેતપ્રીત છે ! ” દરબારના મનમાં વારેવારે આ વિચાર આવ્યા કરતો હતો.

આમ ને આમ બે – ત્રણ દી ’ નીકળી ગયા. સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીનાં ઘૂમરી લેતાં પાણી સામે મીટ માંડીને બેઠો રહ્યો. માત્રા વાળા પણ સિંહને જોતા – જોતા ખેતરમાં જ રાત – દી ‘ રહેવા લાગ્યા. સિંહ માટે એમના અંતરમાં વહાલ ઊભરાતું હતું.

બે – ત્રણ દી ’ થયા ને એક દી ‘ પાણીમાં ફરી ખળભળાટ થયો. સિંહ સાવધાન થઈ ગયો. માત્રાવાળા પણ અધ્ધર જીવે પાણી તરફ જોઈ રહ્યા . મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો. સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે સુધી આગળ ચાલ્યો ; પછી વળી થોડો પાછો આવ્યો ને પાણી પીતો હોય એવો ડોળ કરવા લાગ્યો. નવા શિકારની લાલચે મગર પણ વધુ ને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો .

સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો . જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો , પણ મગરનું જોરેય કંઈ ઓછું ન હતું . પોતાની પૂંછડીથી સિંહને ભિડાવવા એણે પૂરતો પ્રયત્ન કર્યો . બે બળવાન જીવો જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા . ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો , તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ઘસડતો હતો.

ગામનાં લોકો પણ ખબર પડતાવેંત રૂંવાડાં બેઠાં કરી દેતું આ દૃશ્ય જોવા સીમમાં દોડી આવ્યાં હતાં. દરબારના ખાટલાની આસપાસ ગોઠવાઈને સૌ અધ્ધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતાં હતાં. આશરે એક કલાક સુધી આ જીવસટોસટનો જંગ ખેલાયો.
આખરે સિંહ જીત્યો. મગરને મારીને એણે સિંહણના મોતનો બદલો લીધો. પણ આખા શરીરે એ લોહીલુહાણ થઈ ગયો હતો. પાણીની બહાર નીકળ્યો , તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો.
#અમર_કથાઓ

Amazing article about lions
Amazing article about lions click ☝

દરબાર માત્રા વાળા શૂરવીર હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી . સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠયું. જયાં સિંહ પડ્યો હતો , ત્યાં જવા એ ઊભા થયા .
ગામલોકોએ એમને વાર્યા , પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહિ. નદીની ઊંચી – ઊંચી ભેખડો ઊતરીને એ સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહનાં જખમ સાફ કર્યા , વનસ્પતિનાં પાંદડાં વાટી જખમ પર પાટા બાંધ્યા, સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો .

થોડીવારે સિંહે સહેજ આંખો ખોલીને જોયું. એક પ્રેમાળ માનવી એની સેવા – ચાકરી કરી રહ્યો હતો. સિંહ ક્યાંય સુધી આંખો મિંચીને પડ્યો રહ્યો. પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો, એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો. થોડી વારે સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો, ઊભોય થયો ; પણ એના શરીરમાં તાકાત રહી નહોતી. એ ફરી પાછો ફસડાઈ પડ્યો. દરબારે એક વાસણ મંગાવી, એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું. સિંહે થોડું પાણી પીધું ને પાછો સૂઈ ગયો.

દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભાપગે સિંહની સેવા – ચાકરી કરી. દરબારનાં પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે ?

એ તો માત્રા વાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જયાં જાય , ત્યાં સિંહ સાથે ને સાથે. દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય ; દરબાર ખેતરેથી ઘેર આવે, ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેર આવે. ભૂખ લાગે ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય, પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. આ રીતે થોડો વખત ચાલ્યા પછી રાત્રે એ દરબારને ઘેર જ રહેવા લાગ્યો. ઘણાં ઘરોમાં કૂતરાની ચોકી તો હોય , પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી !

એક વાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઇરાદે ચોર ઘૂસ્યા. દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા . સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ સંચળ થતાં જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો. એક – બે તો ત્યાં જ પૂરા થઈ ગયા ને બાકીના ઘાયલ થઈને ભાગ્યા.

આ વાતને ઘણાં વર્ષ વીતી ગયાં. માત્રા વાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. એક વાર દરબાર માત્રા વાળા બીમાર પડ્યા. સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આઘોપાછો ન થતો. દરબાર એ માંદગીમાંથી ઊઠ્યા જ નહિ .
જુમો ભીસ્તી વાર્તા 👈 અહીથી વાંચો www.amarkathao.in

એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા, પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. તે દી ‘ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સૌએ દીઠુ. દરબારની સ્મશાનયાત્રામાં સિંહ પણ જોડાયો ! સૌ સ્મશાને પહોંચ્યા. ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો. સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો બેઠો હતો. દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી જ, પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ.

અગ્નિસંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા. સિંહ જંગલ તરફ ચાલતો થયો. હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી. જેને માટે એ ગામમાં રહેતો હતો , તે હવે ત્યાં નહોતા.

આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી.


✍ ભાણભાઇ ગીડા.

( આ ઘટના સત્ય હોવાનુ જાણવા મળેલ છે, હાલમાં આ પાઠ ધોરણ-7 ગુજરાતીમાં આવે છે. કોઇપણ મિત્રોએ copy કે સુધારો-વધારો કરવો નહી- ગમે તો share કરી શકશો..)

ગિલાનો છકડો વાર્તા વાંચો 👈

કાશીમાં ની કુતરી 👈

લાડુનું જમણ

કદર ધોરણ 5 ગુજરાતી
કદર ધોરણ 5 ગુજરાતી

5 thoughts on “સિંહની દોસ્તી પાઠ ધોરણ 7 | Best Gujarati Story”

  1. Pingback: 7 લઘુકથાઓ - લેખક-નટવરભાઈ રાવળદેવ થરા - AMARKATHAO

  2. Pingback: ઈંટોના સાત રંગ - જુના અભ્યાસક્રમની વાર્તા - AMARKATHAO

  3. इन कहानियों को इंग्लिश और हिंदी में ट्रांसलेट कीजिए ताकि हमारे देश के सभी लोगों को इन कहानियों के बारे में पता चले । मेरी ये आपसे प्रार्थना है 🙏🏻 जय हिंद 🇮🇳।

  4. Pingback: સિંહ : ગીરના સાવજ વિશે આટલુ નહી જાણતા હોય ! - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *