Skip to content

ઈંટોના સાત રંગ – જુના અભ્યાસક્રમની વાર્તા

ઈંટોના સાત રંગ
5317 Views

ઈંટોના સાત રંગ, લેખક મધુરાય. આ વાર્તા ધોરણ 12 ના જુના અભ્યાસક્રમમા આવતી હતી, ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ, ગુજરાતી સાહિત્ય વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા, ગુજરાતી વાર્તા સંગ્રહ, વાર્તા, ગુજરાતી સાહિત્ય, બોધ વાર્તા ગુજરાતી, બોધ કથા pdf, ગુજરાતી પ્રેરક વાર્તા, ખતુ ડોશી વાર્તા, ઇંટોના સાત રંગ, khatu doshi gujarati varta, gujarati old textbook

ઈંટોના સાત રંગ

હરિયો ભણવામાં ઠોઠ હતો, અને એની મા એને રોજ કહ્યા કરતી ફાટીમૂઆ ભણ – ભણ, કંઈક કામ કર, કંઈક કામ કર. તે હરિયો એક દિવસ હાલતોહાલતો અમદાવાદ પહોંચી ગયો અમદાવાદ. –

અમદાવાદ એણે બહુ સાંભળ્યું હતું, અને એના ગામેથી અમદાવાદ શાકભાજી વેચવા જતાં એની પણ એને ખબર હતી. હરિયો સાવ એમ કાંઈ કાઢી નાખવા જેટલો નહોતો. અમદાવાદમાં કામ મળશે એની હરિયાને ખબર હતી. અને કામ ગોતતાં ગોતતાં એક દિવસ એક છોકરાની વાંસેવાંસ એ બસની લાઇનમાં ઊભો રહ્યો. છોકરાએ કંડક્ટરને કહ્યું, એક સટોડીયા કંસેસન, અને હરિયાએ કહ્યું , એક સટોડિયા કંસેસન.

કંડક્ટરે કંસેસનનો કાગળ માગ્યો એ હરિયા પાસે નહોતો, અને કંડક્ટરે કહ્યું, ભણતો નથી અલ્યા ? હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ એને જોયા કરતો હતો, અને હરિયાને થયું કે એ માણસ એને કામ આપશે. માણસે હરિયાને પૂછ્યું, છોકરા કામ જોઈએ છે ? હરિયાએ હા પાડી. માણસે છોકરાને બસમાંથી ઉતારી સાથે લીધો. અને પોતાને ઘરે લઈ ગયો.

માણસે હરિયાને પૂછ્યું, છોકરા , તારું નામ શું ? તો હરિયોએ કહ્યું, હરિયો.

માણસે કહ્યું, મારું નામ ખીમજીભાઈ છે. માણસે પૂછ્યું, છોકરા તું રહે છે ક્યાં ?

હરિયાએ કહ્યું, માસીને ઘેર, પાડાપોળમાં.

માણસે કહ્યું, કામ બહુ અઘરું નથી. તને ગણતાં આવડે છે ? હરિયે કહ્યું, સત્તર એકાં સુધી આવડે છે . માણસ ખૂબ રાજી થઈ ગયો. માણસે હરિયાને કહ્યું કે, જો તારી પોળમાં, તારી પડોશનું મકાન છે, એમાં કેટલી ઈંટો છે, એ ગણી આવ, એ તારું કામ. અમે તને ખાવા – પીવાનું આપશું, કપડાંલત્તાં આપશું, અને તારું બધી વાતે ધ્યાન રાખશું

હરિયાએ કહ્યું, કાં ? માણસે કહ્યું કે અમારા એક ફ્રેંચસાહેબ છે, એને પૈસાનો કમીનો નથી. એનું એવું માનવું છે કે દુનિયા આખીમાં જેટલી ઈંટો છે, એ બધી જો ગણાઈ જાય, તો દુનિયાની બધી મુશ્કેલીઓ પૂરી કરવાનો ઇલાજ જડી જાય. હરિયાએ કહ્યું કે અમારી પાડોશના મકાનની બધી ઈંટો હું ગણી દઈશ. માણસે એને એક ફૉર્મ આપ્યું. એમાં ઈંટ વિષેની બધી વિગત ભરવાની હતી.

હરિયો બીજા દિવસથી હોંશભેર કામે લાગી ગયો. પાડોશના મકાનમાં એક મા – દીકરી રહેતાં હતાં. ઘર બહુ મોટું નહોતું, હરિયાને થયું, એક દિવસ માંડ થશે. બારીબારણાં વગરની આખી ભીંતથી એણે શરૂઆત કરી, અને મંડ્યો ફૉર્મમાં લખવા. ફૉર્મમાં ઘરના માણસોની વિગત લખવાની હતી. એક મા, એક દીકરી, એક પરણેલો છોકરો – વહુ હતાં, જે શનિ – રવિ કલોલથી અપ – ડાઉન કરતાં હતાં. એ લોકો માટે માળિયું હતું, જે આમ બંધ રહેતું. આખી ભીંત હતી. એમાં અડધી ઈંટો પણ હતી, એકબે બાકોરાં હતાં, અને એક ઈંટ તૂટેલી હતી, જે આખી પણ નહોતી કે અડધી પણ નહોતી.

બીજે દિવસે હરિયાએ માણસને વાત કરી. માણસે એને એ માટેનું બીજું ફૉર્મ આપ્યું – બંધ રહેતા માળિયા માટે, અડધી – પોણી તૂટેલી ઈંટો માટે. એક પાણિયારું હતું, એક તુલસીનો ક્યારો હતો. એ બધાંમાં ઈંટો વપરાયેલી હતી. થોડા જ વખતમાં છોકરીનાં લગ્ન લેવાનાં હતાં, એટલે ખાળચોકડી નવી બનતી હતી. બધાં માટે વળી બીજું ફૉર્મ હરિયો લઈ આવ્યો. ધીમે ધીમે હરિયાને ધ્યાનમાં આવ્યું કે બધી ઈંટો એક જ છાપની નથી. એને કુતૂહલ થયું કે, જુદી જુદી છાપની ઈંટો ક્યારે ક્યારે આવી હશે, અને એ માટેનું ફૉર્મ લઈ આવી, એણે એમાં એની વિગતો ભરી ;

ઘરનો અડધો ભાગ દીકરાના બાપુજી જીવતા હતા ત્યારે ચણાવેલો, બાકીનો દીકરાએ કલોલના ધાસલેટના ડીપોમાં કામ કરતાંકરતાં પૈસા બચાવી પૂરો કર્યો હતો, અને છેવટે દીકરાનાં લગન વખતે ધન આવ્યું એમાંથી માળિયું સમું કરાવ્યું હતું. અને અગાશી જૂની હતી ત્યાં નવેસરથી ઈંટો મુકાવડાવી પ્લાસ્ટર કરાવ્યું હતું. હરિયાને થયું આરસની લાદી ઈંટ ગણાય કે નહીં ? ગણાતી હતી, અને તેને માટેનું અલગ ફૉર્મ હતું, એ લઈ આવી એણે ભરવા માંડ્યું હતું.

માણસે હરિયાની હૈયાસૂઝનાં ધીમેથી હસીને વખાણ કર્યાં હતાં, અને હરિયાએ કહ્યું હતું, ના ના, પણ મને મઝા આવે છે. દીકરો શનિ – રવિ ઘરે આવતો ત્યારે હાથે હજામત કરતો, અને બેસીને અરીસો રાખવા માટે એક ઈંટ મૂકી, એનું મોં બરાબર દેખાય એટલે. એક ખાટલો ડગમગતો હતો, એટલે એક ઈંટ વપરાતી હતી ; એને દુનિયાની બધી ઈંટો ગણવાની હતી, હરિયો ગણતો હતો. ઘરની જમણી બાજુની ભીંત ઉપર એક કેલેન્ડર હતું, અને એની નીચે ઊખડી ગધેલી દીવાલ હતી, એની નીચે ઈંટની જગ્યાએ છાણ ભરીને ઢાંકેલું હતું, એક દીવાલની એક ઈંટ ખૂબ ઘસાયેલી હતી, કારણ કે ત્યાં અરીસો હતો, અને વારંવાર ત્યાં હાથ ઘસાતો. હરિયો એને માટે બીજું ફાર્મ લઈ આવ્યો.

ઘરમાં કોઈકોઈ વાર તાપણા માટે બે ઈંટોનો ચૂલો વપરાતો, કોલસા તોડવા માટે મા – દીકરી એક ઈંટ વાપરતાં અને એના ઉપર કોલસા તોડતાં. ઘરમાં ખાંડણિયું હતું. એ જમીનની ઈંટો અડાડીને બનાવેલું હતું, એટલે થોડીક ઈંટો ગોળાકાર કપાયેલી હતી. હરિયો રોજ નવું જાણતો, અને નવીનવી વાત માટેનું રોજ નવું ફૉર્મ લઈ આવતો. પાડોશના એ ઘરના કામમાં હજી તો અડધે પહોંચ્યો હતો ;

ત્યાં વળી છોકરીનાં લગન લેવાયાં, ચોરી બંધાઈ, અગ્નિકુંડ બન્યો, એમાં ઈંટો વપરાઈ, ઘરનો ઓટલો નવો બન્યો, બારીમાં આગળિયો દેવાયો, અને ત્યાંની ઈંટ ખસી ગઈ. કેલેન્ડર નીચે સાજી ઈંટ મુકાઈ અને એ જગ્યા ઓછી થઈ. માળિયું લાકડાનું હતું એની જગ્યાએ પાકો માળ બંધાયો. અગાશીમાં સીડી પૂરી થતાં નાનકડી બંગલી બની. સીડી પોતે લાકડાની હતી, એની જગ્યાએ ઈંટોની બની અને બારણાંના, બારીના ટોડલા, ઝરૂખા નીચેના નકશીકામને હરિયો લાકડાનાં સમજતો હતો એ વળી ઈંટોનાં નીકળ્યાં, અને હરિયો ફૉર્મ નવાંનવાં લાવતો ગયો, અને ભરતો ગયો.

કઈ ઈંટ, ક્યાં વપરાઈ, ક્યારે વપરાઈ, કોણ વાપરે છે, શા ઉપયોગમાં છે, ક્યાં કોઈ બીજી વસ્તુને બદલે ઈંટ વપરાય છે, ક્યાં ઈંટને બદલે કોઈ બીજી વસ્તુ વપરાય છે, અને એકાએક હરિયાનું ધ્યાન ગયું કે બધું ચણતર, ગણતર પૂરું થઈ ગયા પછી થોડીક ઈંટો બચેલી, એમાંથી ઘરના આંગણામાં મહાદેવનું એક ટચૂકડું મંદિર બની રહ્યું હતું. હરિયાના ફૉર્મમાં બધી વીગતો અપ – ટુ – ડેટ હતી.

અથાણાની સિઝનમાં મા – દીકરી કેરીના કટકા કરી, મીઠાના પાણીમાં ભીંજાવી અગાશીમાં એક સાડલા ઉપર પાથરી ચારે છેડે એકએક ઈંટ મૂકતાં, શિયાળામાં બારીમાંથી પવન ફૂંકાતો ત્યારે બારીનો આગળિયો તૂટી ગયો હોવાથી એક ઈંટ બારી આડી મૂકતાં, ચાકુ ઉપર કાટ ચડી જતો એટલે એની ધાર કાઢવા માટે ઈંટનો એક કટકો વાપરતા, એ બધાની જુદી જુદી વીગતો માટેનાં ફૉર્મ હરિયો રોજ લઈ આવતો અને ભરતો.

રખાવટ : સૌરાષ્ટ્રની રસધાર
રખાવટ : સૌરાષ્ટ્રની રસધાર

કોઈ ઘરની આસપાસ વાડ માટે, કોઈ ફૂલની ક્યારી માટે, કોઈ કનડતા કૂતરાને મારવા માટે ઈંટો ર્વાપરતું. હરિયાએ બીજું ઘર શરૂ કર્યું, ત્યારે એની પાસે પાંસઠ જાતનાં ફૉર્મ થઈ ગયાં હતાં. એવામા વરસાદી ઋતુ આવી ગઈ અને હરિયાનું ધ્યાન ગયું કે ભરાયેલાં પાણી ઓળંગી ઘરમાં જવા માટે ઈંટો વપરાય છે, અને અભરાઈઓ, ગોખલાઓ, ભંડકિયાં, ભોંયરાં, ઉંબરા, પાળીઓ, પાણિયારાં, ઝાડની ક્યારીઓ, ઘરનાં આંગણાં માટે ઈંટો વપરાતી. એક છોકરો પોતાની ચોપડીઓની સીધી ઊભી રાખવા માટે બે ઈંટોનો ઉપયોગ કરતો. કોઈક ઘ૨માં ટેબલ ઉપર ખાલી રંગેલી ઈંટ પડી રહેતી. હરિયાનાં ફૉર્મ ભરાતાં ગયાં.

કઈ ઈંટ ક્યાં વપરાય છે, ક્યારે ખરીદાયેલી, કોણ વાપરે છે અને કેટલી વાર વાપરે છે. ફ્રેંચસાહેબને પૈસાનો કમીનો નહોતો, પોતાની માન્યતા માટે ગામેગામ માણસો રોકેલા અને હરિયાનું ભરણપોષણ થતું હતું, ઈંટો ગણવાનું કામ ધાર્યા કરતાં લાંબું હતું. પણ ધાર્યા કરતાં ઘણી મઝા આવે એવું હતું. ઈંટો હરિયો હોંશભેર ગણતો હતો, અને દરમિયાન મોટો થતો જતો હતો. ઈંટો ગણતાંગણતાં હરિયો પરણ્યો, અને હરિભાઈ થયો, અને હજી તો એ પોતાની પોળનાં માંડ પાંચ મકાન પૂરાં કરી શક્યો હતો. ખંતથી, ધીમેધીમે, ઝીણુંઝીણું કામ કરતાં, નવાંનવાં ફૉર્મ ભરતાં હરિયો હરિભાઈ અને પછી હરિલાલભાઈ થયો હતો અને હજી ઈંટો ગણાઈ ચૂકી નહોતી.

હરિયાનાં છોકરાં મોટાં થયાં, સ્કૂલ કૉલેજે ગયાં, અને માણસે એમને પણ બીજે મોકલી આપ્યાં. દુનિયામાં ઠેકાણેઠેકાણે બંધો બંધાતા હતા. રૉકેટ – સ્ટેશનો, પાવર હાઉસો, રેડિયો – સ્ટેશનો અને કો – ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ બંધાતી હતી, હરિયાનાં છોકરાંઓ એમાં ઉમંગભેર ગણવાના કામે લાગી ગયાં ; કારણ કે ફ્રેંચસાહેબનું એવું માનવું હતું કે દુનિયાની બધી ઈંટો ગણાઈ જાય તો દુનિયાની તમામ સમસ્યાઓ ઊકલી જાય.

હરિયાનાં છોકરાં મોટાં થયાં, કામે ચડ્યાં, હરિયાની જેટલી જ હૈયાસૂઝથી કામમાં આગળ આવ્યાં, ઉદ્યમ અને ખંતથી નવાંનવાં ફૉર્મ ભરતાં ગયાં અને માણસે કહ્યું, તમારાં છોકરાં પણ તમારા જેવાં ઉદ્યમી નીવડ્યાં છે, અને હરિયાએ કહ્યું હતું , ના , ના , પણ એમાં મઝા આવે છે. કામ કરતાં કરતાં હરિયાને ધોળાં આવ્યાં, અને એક દિવસ હરિયાને એની વહુએ લાપસી જમાડી ત્યારે એને યાદ આવ્યું કે એને બાવનમું બેઠું હતું, અને એની આખી પોળ પૂરી થઈ ગઈ હતી. બધાં મકાનોની બધી ઈંટો ગણાઈ ગઈ હતી, પાંસઠેય જાતનાં ફૉર્મ બરાબર ભરાઈ ગયાં હતાં.

પોળના નાકે ભાગવત – સપ્તાહનો મંડપ બંધાયો. એની નવી આવેલી ઈંટો ગણાઈ જાય એટલે એનું કામ પૂરું થવાનું હતું, અને હરિયો હરખઘેલો બની ગયો. ભાગવત – સપ્તાહના મંડપની નવી ઈંટોની વીગતો ભરી પૂરી કરી બધાં ફૉર્મ એક વાદળી લીલાં ફૂલ અને સ્કૂલમાં આભલાંવાળી કપડાની ઝોળીમાં ભરી, બંડી – ટોપી સાથે હરિયો પોળની બહાર નીકળ્યો. એની સામેની પોળમાંથી બંડી – ટોપી – ઝોળી સાથે એના જેવો જ એક બીજો માણસ બહાર નીકળ્યો અને બંને મૂંગામૂંગા ચાર રસ્તા તરફ જવા લાગ્યા.

ચાર રસ્તે સામેથી બીજા બે જણ એ જ રીતે આવતા દેખાયા, ચારે જણ ચાલવા લાગ્યા, બજારના ચોકમાં, બજારના ચોકમાં દસ રસ્તા ભેગા થતા હતા, અને દસે રસ્તાઓ ઉપરથી ચારચાર જણની ટોળી એ જ ટોપી – બંડી – ઝોળી સાથે આવતી હતી ; ચાલતાં ચાલતાં સ્ટેશને પહોંચ્યા, બધી જ પોળોની બધી જ શેરીઓ, બજારો, મકાનોની અને બધાં જ ગામોની બધી જ ઈંટો ગણાઈ ગઈ હતી.

બધા ઈંટ – ગણકોની સ્પેશિયલ ટ્રેન મુંબઈ જવાની હતી અને ત્યાંથી ફ્રેંચસાહેબને મળવા પૅરિસ, મુંબઈના પ્લૅટફૉર્મ ઉપર ટ્રેન ઊભી રહી એ જ વખતે ભારતભરનાં ગામોમાંથી બધી ટ્રેનો આવીને ઊભી રહી. સૌ શાંતિથી, શિસ્તથી ગોઠવાઈને બારા ઉપર પહોંચ્યા, જ્યાં ચારે તરફથી વધુ ને વધુ ગણકોની વધુ ને વધુ મોટી કતારો આવતી હતી, અને બધા સ્પેશિયલ સ્ટીમરમાં બેસી પૅરિસ જવાના હતા. પૅરિસના એફિલ ટાવર નીચેના મોટા મેદાનમાં ભારતના ઈંટ – ગણકો પહોંચ્યા ત્યારે છએ છ ખંડમાંથી બધા ગણકો સૌ સૌની દિશાઓમાંથી આવતા હતા, અને ચૂપચાપ ગોઠવાતા હતા, ટાવર નીચે લાઉડસ્પીકરો, અને બત્તીઓ ગોઠવાયાં હતાં.

ચમારના બોલે - ઝવેરચંદ મેઘાણી
ચમારના બોલે – ઝવેરચંદ મેઘાણી

ફ્રેંચસાહેબ આવ્યા અને ચૂપચાપ વિશ્વની સમસ્યાઓનો ઉકેલ સાંભળવા બેઠા. ફ્રેંચસાહેબને ચિબુક ઉપર નાની ગુલાબી દાઢી હતી અને એની આંખમાં એક ન સમજાય એવી કંઈક વાત હતી. હરિયાને થયું, ફ્રેંચસાહેબની આંખ આકાશના તારા જેવી છે, જે કંઈક કહે છે, પણ શું કહે છે, એ તો ઈશ્વર જ કહી શકે છે. ફ્રેંચસાહેબે વિશ્વના તમામ ઈંટ – ગણકોનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો.

એમણે ગદ્ગદ કંઠે કહ્યું : ‘ મારા એક વિચાર પાછળ આપે સૌએ તમારી જિંદગીનાં આટલાં વર્ષો રોક્યાં એ માટે અંગત રીતે હું આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. દુનિયાની ઈંટો ગણાઈ ગઈ નહોતી, ત્યારે મને ખાતરી હતી કે ગણાઈ ગયા પછી વિશ્વની સમસ્યાઓ પૂરી થઈ જશે, અને એ વાત આજે પૂરી થઈ છે. આજે દુનિયાના ખૂણેખૂણાની પાયાના પથ્થરોથી માંડીને અટારીના ટોડલાઓની ઈંટોની માહિતી મારી પાસે છે. ત્યાંના લોકોની, આબોહવાની, અને મનોદશાની સંપૂર્ણ રૂપરેખા મારી પાસે કરોડોના કરોડો ફૉર્મ રૂપે ચીતરાયેલી પડી છે, અને એકાએક, હું મારી જાતને આખી દુનિયા પાસે પામર તરીકે જોઉં છું.

એકાએક, આજે મને સમજાય છે કે કોઈ એક માણસ, આખી સૃષ્ટિની સંપૂર્ણ લીલાનો કોઈ તોડ કાઢી આપે કે એનો પાર પામી જાય એ અશક્ય છે. એકાએક આજે મને સમજાય છે કે મેં આપ સૌની આખી દુનિયાના અસંખ્ય માણસોની જિંદગીઓનાં અમૂલ્ય વર્ષો મારી એક ધૂન પાછળ ખર્ચ્યા છે ; એક તદ્દન બિનજરૂરી, તદ્દન નિરુપયોગી અને વાહિયાત પ્રવૃત્તિમાં મેં આપ સૌનાં જીવનો નષ્ટ કર્યાં છે. માફી માગવા માટે મારી પાસે શબ્દો નથી. હું ખોટો પડ્યાનું મને જેટલું દુઃખ છે, એથી વિશેષ આપ સૌને ખોટા પાડ્યાની દોષભાવના મને શરમિંદો કરે છે અને એની શિક્ષા રૂપે હું એ ટાવર ઉપરથી કૂદી આત્મહત્યા કરીશ ; કરોડો માણસોનાં જીવન નિષ્ક્રિય કર્યાનું પ્રાયશ્ચિત્ત મારું શેષ જીવન પૂરું કરીને કરીશ.

સભામાં સોપો પડી ગયો. અને એકાએક હરિયો અચંબામાં પડી ગયો. એ ઊભો થઈ ગયો અને પાસે બેઠેલા આફ્રિકાના ઈંટ – ગણકને કહેવા લાગ્યો : આપણું જીવન ‘ નષ્ટ ‘ ક્યાં થયું છે ? ઈંટો ગણવામાં મને ખૂબ મઝા પડી હતી. ઈંટો ગણવાની પ્રવૃત્તિમાં મારું ચિત્ત ચોંટેલું રહેતું, અને ખંતથી હું મારું કામ કરતો હતો. ઈંટોએ મારી જિંદગીમાં સાત રંગ પૂર્યા છે અને મારા બધા સવાલોનો જવાબ ઈંટોએ આપ્યો છે. એમાં નષ્ટ શું થયું ? એ સૃષ્ટિની લીલાનો તોડ નથી ? અને એથી તો શું થઈ ગયું ?

બધા હરિયાની સામું જોવા લાગ્યા અને ફ્રેંચસાહેબની આંખમાં ફરીથી પેલા તારલા જેવી ચમક દેખાઈ.

હરિયો મૂરખની જેમ ભરીસભામાં બોલી ગયો : ફ્રેંચસાહેબ, કૂદશો નહીં, આ ટાવર ક્યાં ઈંટોનો બનેલો છે ?

✍ મધુરાય [ ‘ રૂપકથા’માંથી ]

ટાઈપીંગ અને સંકલન – અમરકથાઓ
આ વાર્તા ની કોપી કરીને અન્ય જગ્યાએ ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. આપ share કરી શકો છો.

આ વાર્તાઓ પણ વાંચવાનું ભુલશો નહી.

ખતુડોશી

🍁 સિંહની દોસ્તી – ભાણભાઈ ગીડા

🍁 માતૃહ્રદય- કનૈયાલાલ રામાનુજ

🍁 હીરો ખૂંટ – જયંત ખત્રી (બે પશુઓનાં પ્રેમની વાત)

gujarati varta pdf, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા pdf, ગુજરાતી વાર્તા pdf, હિતોપદેશની વાર્તાઓ pdf, મહેનત વાર્તા pdf, શ્રેષ્ઠ પ્રેરક કથા, બોધ વાર્તા pdf, ગુજરાતી બોધ વાર્તા pdf, ગુજરાતી સાહિત્ય વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા, ગુજરાતી વાર્તા સંગ્રહ, વાર્તા gujarati pdf, varta gujarati pdf, ગુજરાતી પ્રેરક વાર્તા pdf, નવી વાર્તા pdf, વાર્તા ગુજરાતી સાહિત્ય, બોધ વાર્તા ગુજરાતી, બોધ કથા pdf, ગુજરાતી પ્રેરક વાર્તા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *