Skip to content

કદર ધોરણ 5 ગુજરાતી | વાલા કેસરિયા ની સત્યઘટના

કદર ધોરણ 5 ગુજરાતી
5334 Views

કદર પાઠ ધોરણ 5 ગુજરાતીમાં લેવામાં આવ્યો છે, STD 5 Gujarati sem 2 Kadar , ધો. 5 ગુજરાતી કદર, વાલો કેસરિયો કોણ હતો ?, વાલા કેસરિયાએ શુ મદદ કરી હતી ? KADAR – standard 5 gujarati sem 2, ગુજરાતી પાઠ “કદર”, Gujarati textbook std 5, valo kesariyo, કદર શાયરી, કદર સુવિચાર

કદર – દોલત ભટ્ટ

કદર… એક સુંદર સત્યઘટના.

કરણુકી નદી આમ તો નાનકડી. પ્રવાહેય પાતળો પણ એનો કાંઠો બારેય માસ લીલો કુંજાર રહેતો.
કરણુકીનો કાંઠો ચરી એનાં ટોપરાં જેવાં પાણી પીને પશુઓ ગામમાં પાછાં વળતાં. આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂડપ ઊડીને આંખે વળગે એવી.

ગામમાં વસનારાં માણસો ઓલદોલ તેમાં સૌ કરતાં સવાયો એક આદમી વાલો જાતનો ચારણ , તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી , પંજાબી , કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે.

આવો વાલો કેસરિયો એક દિ’ વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંડાતાં જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જાતાં. હજાર રૂપિયાની વાંસણી કેડ્યે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસણીમાંથી વાટખરચીમાં પાંચ સો તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નો’તો. એની કિંમત સાંભળીને સૌ પાછાં વળી જતાં.

આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો.

વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાનાં તેજ પથરાવા માંડ્યાં છે. જાતવંત પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણીપંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના , પછી એની ચાલમાં પૂછવું શું ? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના પાંચેય ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન , હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી. કાન સોરીને દોઢ્યે ચડાવતા.
જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે.

વાલાનું મન આજ વડોદરા માથેથી ઊઠી ગયું છે. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ગરણી કાંય ઘોડાને ઘરે થોડું છે ?

વાટ ખરચીની વધેલી પાંચ સો રૂપિયાની વાંસણી કેડ્યે બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાત્ય થઈ જાશે એવી ધરપત હૈયામાં છે. અમરકથાઓ

વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડાં – ઠામ – વાસણ , ઘરની નાની – મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો. બે’ક ડગલાં આગળ હાલ્યો ત્યાં નાનાં છોકરાંનાં કાળજાં કંપાવે એવાં કાળાં બોકાસાં સંભળાણાં. કૂણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઊતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો.

જોતાં જ કેસરિયો મામલો પામી ગયો. લેણદારની ટાંપ ઊતરી હતી. ગાભા – ગોદડાં , ઠામ – ઠીકરાં ઠેબે આવતાં હતાં. યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધોબી સવાલ કર્યો.

” શેઠ કેટલા રૂપિયાનું લેણું ? આંકડો બોલો ? ”

“ ભાઈ , તારો મારગ તારી રાહ જોવે છે , હાલતો થા. ” શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો.

“ બાપ બોલો કેટલાનું લેણું , આ છોકરાંનાં આંહુડાં મારાથી જોવાતાં નથી. ”

શેઠનો મિજાજ તરડાયો : “ આવ્યો મોટો કેટલાનું લેણું ? દાતારનો દીકરો. ” ખેસ ફંગોળતાં શેઠે કહ્યું : “ બોલ રૂપિયા પાંચ સોનું બિલ ભરવું છે ? ”

એક પળને બીજી પળે કેસરિયાએ કેડ્યેથી વાંસણી છોડી મૂળાના પતીકા જેવા પાંચ સો ગણી દીધા. ઉપરથી ફિરસ્તો ઊતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા.

સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. “ તમારું નામ ! ”

“ નામ ભગવાનનું કામેય ભગવાનનું . ” બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો , તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. ” અમરકથાઓ

લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા , “ મારું નામ વાલો કેસરિયો. ગામ મારું ગરણી , અમરેલી પરગણાનું. લ્યો રામે રામ ” બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો.
મરાઠાનાં છોકરાંનાં આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખરચી કાઢી લીધી.

વાત ઉપર દોઢ દાયકો ગડથોલિયાં ખાઈ ગયો.
—-#અમર_કથાઓ—-
ગરણી ગામ માથે પ્રભાતનાં તેજ પથરાવા માંડ્યાં છે. કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઊઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યાં છે.

બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના દસ ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળ્યું ઝૂલતી આવે છે . મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઊડેલી છે. આંખ્યુંમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાનાં ખાખી છોગાં પવનમાં ફગફગી રહ્યાં છે.

અણધાર્યા રાજના સિપાયું ગામમાં આવેલા ભાળી માણસો હેબતાઈ ગયા.

“ વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે ? ” સિપાઈએ પૂછ્યું.

“બાપુ , આથમણા બારનું ખોરડું કળાય ઈ એનું. ”

આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતાં અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી : “ વાલા કેસરિયા. ”

દિ ’ ઊગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો. પણ દાતણપાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ નો દીધો.

ત્યાં તો બીજો સાદ સંભળાણોઃ “ વાલા ઘર મેં હૈ ? ”

બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતાં કેસરિયાનાં ઘરવાળાં આવીને બોલ્યાં : ” છે તો ઘરમાં ” , પણ રાજના સિપાયુંને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયાં. સાત પેઢીમાંય રાજના સિપાઈ આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું ?

“ ક્યું બોલતા નહિ ? ”

વાલાની માળા પૂરી થઈ ગઈ. ઊઠીને ડેલીએ આવ્યો.
“આવો બાપ આવો. ”

“ તુમેરા નામ વાલા કેસરિયા ? ”

“ હા બાપ , હું જ વાલો કેસરિયો. ”

“ તુમકો અભીને અભી સૂબાને અમરેલી બુલાયા હૈ. ”

“ મને ! ”

“ તુમકો સૂબા કા ફરમાન હૈ. અબી ને અબી વાલા કેસરિયા કો હાજર કરો. ”

“કાંક ભૂલ થતી લાગે છે , હું તો ઘોડાનો સોદાગર , સૂબો મને તેડાવે ઈ માન્યામાં નથી આવતું , મેં કાંઈ રાજનો ગુનો કર્યો નથી. ”

“ ફરમાન હૈ ચલો. ” સિપાઈની આંખ કરડી થઈ.

“ હાલો બાપ ! કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે. ” વાલાએ કસવાળું કેડિયું પહેર્યું , માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતાં જાતાં આઈને કે’તો ગયો કે સાંજે પાછો વળી આવીશ , ઉપાધિ કરતાં નંઈ. “

“જગદંબા તમારી ભેર કરે. ”

બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સૂબાની કચેરીમાં આવી પૂગ્યા.
કાગડોળે રાહ જોતા સૂબાએ વાલાને પગથિયાં ચડતો જોઈને દોટ દીધી.

“ આવો આવો કેસરિયા !” બોલતાં બાથ ભરી લીધી.

વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો. આ તે સૂબો મારી ઠેકડી કરે છે કે શું ? બાવડું પકડીને પડખોપડખ ગાદી માથે બેસાડી સૂબો બોલ્યો : “ કેસરિયા મને ઓળખ્યો ?

” મનમાં થયું , સૂબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે , પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહિ.

મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી , સૂબો બોલ્યો.

“ વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડ્યેથી વાંસણી છોડીને પાંચ સો ચૂકવ્યા ન હોત તો હું અમરેલીના સૂબો ન હોત. હવે મને ઓળખ્યો ? હું રાઘોબા ! આજ અમરેલીનો સૂબો છું બોલ , તારી શી કદર કરું ? ”

“મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાઉં. ”

“ અરે , હું શેર – શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો તો મલક મને ફટ્ય કયે. માગી લે કેસરિયા ! વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. ”

અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહિ.

“ એલા , તાંબાનું પતરું લાવો. ”

કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો.

“ ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચ્ચંદ્રદિવાકરૌ બક્ષિસ. ” તિથિ તારીખ ને રાજની મહોર લાગી. રાઘોબાએ હુકમ કર્યો. કેસરિયાને માન – મરતબા સહિત ગરણી પૂગાડો.

આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે.

✍ દોલત ભટ્ટ
અમરકથાઓ

કદર ધોરણ 5 ગુજરાતી
Kadar std 5 gujarati

આ જ ઘટના બાબરા તાલુકાનાં ગરણી ગામ સિવાય ચોટીલા પાસે આવેલા રેશમિયા ગામની હોવાનું પણ અમુક ઇતિહાસકારો માને છે. તેથી તે ઘટના પણ અહી રજુ કરી છે. જે નીચે આપેલ છે.

વાલો કેસરિયો

👉 આ પણ વાંચો – જ્યારે દરબારે જ પોતાના ખેડુતને ચોરી કરવામાં મદદ કરી – આનુ નામ તે ધણી

👉 હોથલ પદમણી અને ઓઢા જામની અમર પ્રેમકથા સંપુર્ણ

વાલો કેસરીયો

ગાયકવાડ સરકારનો સૂરજ સોળેય કળાએ ખીલી રહ્યો હતો. કોઈ એકલદોકલને યાદ કે બાદ કરતાં રૈયત એકંદરે સુખી હતી. રાવ-ફરિયાદ થઇ શકતી હતી અને ન્યાયાલય તરફ્થી યોગ્ય ન્યાય પણ મળતો હતો. આવા સારા ને સલુણા વખતે એક બાઈની આંખમાંથી ડળક…ડળક…આંસુ ખરવા લાગ્યાં હતાં.

આંસુ સુખ કે દુઃખના નહોતાં પણ પોતાની અમુલખ આબરૂ સાચવનાર પ્રત્યેની અબોલ લાગણીના પડઘા રૂપે હતાં. બાઈ સાડલાના છેડાથી આંખો લૂછીને આગળ બોલી હતી :’ભાઇ, તમારે ને અમારે આંખનીય ઓળખાણ નથી. કોઈ લેવાદેવા નથી તોય તમે નાણાં ચૂકવી આપ્યાં ને ગામવચાળે લીરા થાતી મારી આબરૂ સાચવી…’

આ લાખેણી વાતને સાંભળવા પવન પણ સરવા કાન કરી, સાંભળવા માટે થંભી ગયો હતો. બાઈએ ગળગળા સાદે આગળ કહ્યું હતું :’ભાઈ, મારા વીરા…તમારું સરનામું આપો !’ ત્યાં મુઠ્ઠી ઊંચેરા મનેખે સામે સવાલ કર્યો : ‘કેમ, સરનામાની શી જરૂર છે !?’
બાઈએ હૈયે રાખીને કહ્યું હતું :’મારો દીકરો મોટો થયે તમારાં નાણાં દૂધે ધોયને મોકલી દે એટલે !’

વાલો કેસરિયો લાગણીભાવે બાઈ સામે ટગર ટગર જોઈ રહ્યો હતો. શું કહેવું, શું જવાબ આપવો તે સૂઝતું નહોતું. છતાંય થોડીવારે કહ્યું હતું : ‘બેન ! હું તો ઘોડાનો વેપારી. આજ આયાં તો કાલ બીજે…મારાં કાંઇ ઠેકાણાં નો હોય.. માતાજીની દયાથી ઘણું કમાઉં છું, આ રકમ ભાઈ તરફ્થી બેનનાં કપડાંમાં આપી સમજો.’

‘ના, મારા વીરા…કરજ ચૂકવ્યું ઈને કપડાંમાં કેમ સમજું…!?’ પણ બાઈએ સરનામાનો આગ્રહ છોડયો નહોતો હતોઃ’ ઘર-આંગણે પ્રસંગ આવે ને આપે એને કાપડું કે’વાય…!’ બાઈના ઓછા શબ્દોમાં વાલો ઘણું સમજી ગયો હતો ને છેવટે તેમણે સરનામું આપ્યું હતું:’નામઃ વાલા ખીમા કેસરિયા, ચોટીલા પડખેનું રેશમિયા ગામ, મુલક કાઠિયાવાડ.’ આ સરનામું બાઈએ હૈયાના ખાનામાં સાચવીને મૂકી દીધું હતું.

વાલો કેસરિયો ઘોડાનો વેપારી હતો. તેમનો મોટાભાગનો વેપાર અને વ્યવહાર વડોદરા સાથે રહેતો હતો. તેથી વડોદરામાં એક આરબ જમાદાર સાથે ભાઇબંધી થઇ ગઈ હતી. આ આરબ જમાદારનો ધંધો ધીરધારનો હતો. તેણે એક જરૂરિયાતમંદ માણસને પૈસા ધીરેલા. કાળનસીબે એ માણસનું મૃત્યુ થયું હતું. પછીથી તેની વિધવાબાઈને બોલાવી આરબે પઠાણી ઉઘરાણી કરી હતી. બાઇ પાસે પરત આપવા રાતી પાઇ પણ નહોતી તેથી ના પાડી હતી.

આ વેળા જમાદારે કાંઈક ન સંભળાય એવાં આકરાં વેણ કહ્યાં હતાં, જે પડખે બેઠેલા વાલા કેસરિયાથી સહન થયાં ન હતાં અને તત્કાળ બાઈનું કરજ વાલાએ ચૂકવી દીધું હતું.

પછી તો આ વાતને વરસોનાં વહાણાં વાઈ ગયાં. કાળની ખેપટ ચઢી ગઈ હતી.

આ વેળા અમરેલી પ્રાંતમાં સૂબા વિઠોબાની ચારેકોર રાડ બોલવા લાગી હતી. કાઠિયાવાડની ખંડણી ઉઘરાવવા તે ગાયકવાડની ફેજ સાથે સોરઠી ઠકરાતો, જાગીરો અને રજવાડાંઓને ધમરોળવા લાગ્યો હતો. પણ જ્યારે વિઠોબાએ,વડોદરાની ધરતી છોડી, કાઠિયાવાડમાં પ્રયાણ કર્યાં હતાં ત્યારે તેમની માએ વાલા કેસરિયાની વિગત કહી, તેમના ઋણમાંથી મુક્ત થવા કહ્યું હતું.

આ વાતે વિઠોબાએ પણ વાલા કેસરિયાનું ઋણ ચૂકવવા પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે અમરેલી છોડી ચોટીલા પંથકમાં પડાવ નાખ્યો હતો. આવા કંટા ને કરડા સૂબાનો પાંચાળમાં પડાવ છે તે સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. આવા વસમા વખતે, ગાયકવાડી ફોજના સિપાઈઓ વાલા કેસરિયાના ફ્ળિયામાં આવીને ઊભા રહ્યા હતા ત્યારે આખું ગામ ડરના લીધે ધ્રૂજવા લાગ્યું હતું અને કહેતું હતું : ‘નક્કી કો’કનું આવી બન્યું સમજો !’

વાલા કેસરિયાને સૂબાનું તેડું આવ્યું હતું. કાંઇક નવાજૂની હશે, નો બનવાનું બન્યું હશે. નહીંતર વાલાને તેડાં ન આવે ! પણ વાલાએ સામેથી સૌને ધરપત આપી હતી ને મા ચામુંડાનું સ્મરણ કરવા કહ્યું હતું. પછી વાલાએ સૂબા પાસે જાવા ઘોડીએ પલાણ માંડયાં હતાં.

ચોટીલામાં સૂબાનો જ્યાં મુકામ હતો તેનાથી આઘે, ઘોડા પરથી ઊતરી, ઘોડાને હાથથી દોરી, સૂબાના દેરા-તંબૂથી થોડા આઘેરા ઊભા રહ્યા હતા. ત્યાં સૂબાનું ફરમાન થયું હતું ને વાલો અંદર પ્રવેશ્યો હતો.

દેવગણ જેવા ચારણને જોતાં જ સૂબો આભો થઇ, અદકા હેતથી કહે : ‘આપ પોતે જ વાલા કેસરિયા !!?’ વાલાએ વિવેક દાખવી વાણીની મીઠાશ પાથરતા કહ્યું હતું : ‘નામદાર, હું પોતે…વાલો કેસરિયો.’

સૂબાએ પ્રેમથી આવકારી વાલાને આસન દીધું. પછી માતાનું ઋણ ચૂકવવાની માંડીને વાત કરીને ગદ્ગદિત સ્વરે ઉપકારભાવ દર્શાવાયો. ત્યારે વાલાએ ગૌરવ ને આનંદ સાથે કહ્યું હતું:’મેં તો કાઠિયાવાડની ઉજળી પરંપરાને જાળવી, લોહીના સંસ્કાર દાખવી બેનને ગજાસંપન્ન કાપડું કર્યું હતું.’ પછી આદરભાવે પ્રત્યુત્તર પાઠવતાં કહ્યું હતું:’ પણ આપના આવા ઉજળા દિવસોમાં મારાં બેને મને યાદ કર્યો એ મારાં પરમ સદભાગ્ય કે’વાય..!’

પછી તો બેઉ વાતોમાં એવાં તો ડૂબી ગયાં કે વખતનું ઓહાણ જ રહ્યું નહીં, પણ વાલાને એકાએક યાદ આવ્યું કે નેસમાં સૌના જીવ અધ્ધર થઇ ગયા છે. ખરા ખબર નહીં મળે ત્યાં લગી મોંમાં અન્નનો દાણો નહીં મૂકે ! અને…નેસ, ગામના માણસો અને ખુદ ગામધણી પણ વાલાની વાટ જોતા હતા.

વાલાએ કહ્યું હતું : ‘સૂબો નહીં પણ બેનનો ભાણિયો, ભાણુભાએ મને બોલાવ્યો હતો..!’
‘ભાણુભા !?’ સાંભળનારાઓને ભારે નવાઇ લાગી હતી. પણ પછી વાલાએ વિગતે સઘળી વાત કરી ત્યારે સૌનાં મોંએથી ‘વાહ…વાહ…વાલા કેસરિયા!’ એવા ઉદ્ગાર નીકળી ગયા હતા.

લિલિપુટનો અતિથિ - વેંતિયાઓના દેશમા
લિલિપુટનો અતિથિ – વેંતિયાઓના દેશમા Click photo
વિક્રમાદિત્યનાં દરબારનાં નવરત્નો
વિક્રમાદિત્યનાં દરબારનાં નવરત્નો કોણ હતા ? click photo


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *