5392 Views
હાજી કાસમ તારી વીજળી વેરણ થઇ, 101 best Gujarati stories collection, શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ pdf, gujarati varta pdf, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા pdf, ગુજરાતી વાર્તા pdf, હિતોપદેશની વાર્તાઓ pdf, મહેનત વાર્તા pdf, શ્રેષ્ઠ પ્રેરક કથા, બોધ વાર્તા pdf, ગુજરાતી બોધ વાર્તા pdf, ગુજરાતી સાહિત્ય વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા, ગુજરાતી વાર્તા સંગ્રહ
હાજી કાસમ તારી વીજળી વેરણ થઇ
આજથી ૧૩૩ વર્ષ પહેલાં TITANIC જેવી જ દુર્ઘટના ગુજરાતનાં દરિયાકાંઠામાં માંગરોળ પાસે બનેલ જેની સત્ય ધટના આજે વાંચો ” હાજી કાસમ તારી વીજળી વેરણ થઇ “
” હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ “
કચ્છના આ લોકગીતમાં એક સત્ય ઘટના સમાયેલી છે. એની આપની સમક્ષ રજૂઆત કરું છું.
આ ‘ વીજળી ‘ એટલે કાળાં વાદળોમાં ચમકારા કરતી વીજળી નહીં ! આ કથા છે ‘ વીજળી ‘ નામની એક સ્ટીમરની. વીજળી વિલાયતમાં તૈયાર થઈ હતી અને એના ગોરા માલિકે મુંબઈની ‘બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપની’ને વેચી હતી. એની લંબાઈ હતી સો મીટરની, એમાં પચીસ તો કેબિન હતી.
આ ‘ વીજળી ‘ સ્ટીમરના કપ્તાનનું નામ હતું ઈબ્રાહીમ. એ સાહસિક અને ચપળ હતો. કંપનીના બે માલિક હતા. એક ગોરો હતો અને બીજો ભારતીય ( હિંદી ) હતો. ગોરાનું નામ હતું જેમ્સ શેફર્ડ અને ભારતીયનું નામ હતું હાજી હાસમ જુસબ. હાસમના ભાઈનું નામ હતું કાસમ. હાસમ વતી કાસમ જઈ બધો કંપનીનો વહીવટ સંભાળતો હતો.
એ કારણે ‘બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપની’ને લોકો કહેતા હતા : ‘કાસમની કંપની’. આ કાસમની કંપનીએ વિલાયતમાં સ્ટીમર બનાવડાવી. એ ‘વીજળી’ની આ દર્દભરી અનોખી અને સાચી કહાણી છે.
આ સ્ટીમરને લોકો ‘ વીજળી ‘ એટલા માટે કહેતા હતા કે વીજળીના રંગીન બલ્બોથી એને ખૂબ જ શાનદાર ઢંગથી સજાવી હતી. સમુદ્રમાં એ દૂરથી એવી ચમકતી કે જાણે શણગારેલો કોઈ જળમહેલ તરતો — તરતો આવી રહ્યો છે !
વીજળીનું વાસ્તવિક નામ તો હતું ‘વેટર્ન’ એટલે કે ‘અનુભવી.’ પરંતુ આ બધાં નામ આમ – જનતાને યાદ ન રહ્યાં. સૌની જબાન પર એક જ નામ ગાજી ઊઠયું : ‘વીજળી ! વીજળી ! ‘
આ વીજળી હજુ તો ભારત પહોંચી પણ ન હતી ત્યાં તો દેશભરમાં એ ચર્ચાનો વિષય બની ગઈ.
જે લોકોએ વીજળીને નજરે પણ જોઈ ન હતી તેઓ એનું મન ફાવે એમ રોમાંચક વર્ણન કરતા હતા. જાણે કે તેઓ એ અનોખી સ્ટીમર પર કેટલીયે વાર મુસાફરી કરી ન આવ્યા હોય ! એનું વર્ણન કરતાં લોકો થાકતાં જ નહિ.
કેવી રોશની ચમકે છે ! એની ચાલ તો જાણે સાગરનો મગરમચ્છ ! આકાશને પણ હલાવી દે એવી તો એની એની સીટી વાગે છે ! એના કપ્તાન ઈબ્રાહિમ જેવો મરદ તો ક્યાંય થયો જાણ્યો નથી ! એની અણીદાર વાંકડી મૂછો પ૨ એ વારંવાર વળ ચડાવે છે વીજળી સાગરની છાતી પર એવીતો છપાક ! છપાક ! કરતી ડોલતી જાય છે. જાણે જોઈ જ રહીએ ! જેણે વીજળી જોઈ નથી એનું જીવત ધૂળ છે !
શિયાળાની મોસમ હતી. કારતક મહિનાની અજવાળી પાંચમ અને ગુરુવારનો દિવસ હતો. એ દિવસે કચ્છના માંડવી બંદર પર રાહ જોવાઈ રહી હતી. એ નવીનકોર વીજળીની.
વીજળી કરાંચી બંદરેથી રવાના થઈ હતી અને અરબ સમુદ્રને વલોવતી, છેલારા મારતી, માછલીને પણ શરમાવતી ગતિથી એ ઝપાટાબંધ જઈ રહી હતી. કચ્છના રેતાળ સાગરતટ તરફ.
માંડવી બંદરેથી તેર – તેર વરરાજા પોતપોતાના સાજન – માજન અને જાન સાથે વીજળીમાં બેસીને મુંબઈ પહોંચીને પરણવા અધીરા થઈને વીજળીની રાહ જોતા હતા.
માંડવીના બંદરે એકીસાથે તેર જાનો કદી જોઈ ન હતી. કોડભર્યા વરરાજા, ગીતો ગાતી જાનડીઓ અને હરખપદૂડા જાનૈયાઓ. વેવાઈને માંડવે જઈને પેટ ભરીને મીઠાઈ આરોગશું એવા શમણા સેવતા જાનૈયાઓમાં બાળકો અને વૃદ્ધો પણ હતા. જ્યાં જુઓ ત્યાં નકરા જાનૈયા જ જાનૈયા !
વરના બાપે જોષી પાસે મુહૂર્ત પણ એવું કઢાવ્યું કે જે દિવસે માંડવીમાં વીજળી આવે એ જ દિવસે જાન જાય. પહોંચે મુંબઈ અને કરીએ જલસા ! લોકો પણ પેઢી દર પેઢી એ યાદ કરશે કે વરરાજા વીજળી પર સવાર થઈને પરણવા ગયા હતા !
‘ આવી ગઈ ! આવી ગઈ !! વીજળી આવી ગઈ ! ‘ આખા બંદર પર શોર મચી ગયો.
પરંતુ નીલરંગી આકાશ ધીરે ધીરે બદલાઈને કાળાશ ધારણ કરતું જતું હતું. ચારે તરફ પવન ફૂંફાડા મારી રહ્યો હતો. લોકો હસી રહ્યા હતા : ‘ વાહ રે મોસમ ! તું પણ આજે જ બદલાઈ રહી છે.
અરે ! આજે તો વીજળી આવી રહી છે, વીજળી ! તોફાન હોય કે ભયંકર વંટોળિયો કે ઝંઝાવાત પણ આ વીજળીને કોઈ રોકી શકે એમ નથી ! નથી. ભાઈ ! આ તો વિલાયતી વીજળી છે. કોઈ મામૂલી દેશી જહાજ નથી !
‘ આવી ગઈ ભાઈ ! આવી ગઈ વીજળી રાણી ! આવી ગઈ … સાચે જ એ આવી પહોંચી હતી , પણ દેખાતી ન હતી. દેખાઈ રહ્યો હતો ફક્ત એનો ધુમાડો. ધીમે ધીમે એનાં ભૂંગળાં અને ચિમનીઓ દેખાવા લાગી અને પછી વીજળી પ્રગટ થઈ.
લગભગ સો મીટર લાંબી એની કાયા સમુદ્રના સીના પર લંબાઈ રહી હતી. છપ્પક … છપ્પક વીજળી ડોલી રહી હતી. સમજમાં આવતું ન હતું કે વીજળી સમુદ્ર દબાવી રહી છે કે સમુદ્ર વીજળીને ઉછાળી રહ્યો છે.
વીજળી પર સવાર થવા માટે ફક્ત તેર જાનો જ આવી ન હતી, અનેક વેપારીઓ પણ કચ્છના ખૂણેખૂણાથી મુંબઈ જવા આવ્યા હતા. એ જમાનામાં મેટ્રિકની પરીક્ષા આપવા કચ્છના વિધાર્થીઓને મુંબઈ જવું પડતું હતું.
મેટ્રિકની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ વીજળીની ટિકિટ કપાવી હતી. એ ઉપરાંત મુંબઈ પહોંચવા માટે બીજા મુસાફરોની સંખ્યા પણ ઠીક ઠીક હતી.
તોફાની અરબી સમુદ્રમાં લંગર નાખીને વીજળીએ ફરીથી સીટી બજાવી. શોર મચાવતા, હસતા – ખેલતા મુસાફરો નાનકડી હોડીઓમાં બેસવા માંડયા. બધી હોડીઓમાં જાનૈયાઓની ટોળીઓ ટોળ – ટપ્પા અને ખુશીનાં ગીત ગાતી દેખાતી હતી.
પણ આ બધામાં એક બાળક થર – થર કંપી રહ્યો હતો. ઉછાળા મારતા સાગરમાં ઊભેલી – ડોલતી વીજળીને એ આશ્ચર્યભરી નજરોથી તાકી રહ્યો હતો. એણે પોતાના પિતાનો હાથ જોરથી પકડી લીધો અને ભયભીત સ્વરમાં કહ્યું : ” ના , બાપુ ! હું નહિ બેસું. વીજળી ડૂબી જશે.”
” હટ બાયલા ! ” બાપે બેટાને ધમકાવતાં કહ્યું. “વીજળી જેવી સ્ટીમર ક્યાંય ડૂબતી હશે ? ચાલ જલદી કર. બેસી જા હોડીમાં.”
પરંતુ આ તો બાળહઠ ! બાપાની ધમકીથી એ જરાય ડર્યો નહિ. એણે એક જ જીદ પકડી : “હું હોડીમાં નહિ બેસું. ”
છોકરાની જીદ આગળ બાપને નમતું જોખવું પડ્યું. હોડીમાં મૂકેલો સામાન એણે ઉતારી લીધો. હોડીમાં બેઠેલાં મુસાફરો બાપ – બેટાની મજાક ઉડાવવા લાગ્યાં.
મુસાફરોને વીજળી સુધી લઈ જતી હોડીઓ પણ આમતેમ ડોલતી જતી હતી. પરંતુ મુસાફરોની વીજળી પર સંપૂર્ણ શ્રદ્ધા હતી. તેઓ જરા પણ ડરતા ન હતા. હોડીઓ ઉતરેલા યાત્રીઓને લઈ કિનારે જવા લાગી. આનંદભર્યા વાતાવરણ સાથે વીજળીએ લંગર ઉપાડવા માંડ્યું.
લોકોએ સગા — સંબંધીઓને ”એ … આવજો …. આવજો.” એવા પોકાર સાથે સીટીઓ મારી, રૂમાલ હલાવ્યા. સૌની આંખોમાં આંસુ હતાં– પ્રિયજનોનાં વિયોગનાં આસું … …
માંડવી પછી વીજળી પહોંચી રૂપેણ બંદરે. ત્યાંથી ચાલી તો દ્વારકામાં રોકાઈ. અહીંથી લગભગ પોણા બસો ( ૧૭૫ ) યાત્રીઓ વીજળીમાં ચઢયા સિત્તેર – એંસી ઊતર્યા પણ ખરા. ત્યાંથી ચાલી વીજળી, તો પોરબંદર આવીને રોકાઈ.
અહીં એક તમાશો થયો.
‘ ભોં … ઓઓ ….. ભોંઓઓઓ … ‘ વીજળી વારંવાર સીટી બજાવી રહી હતી. ઇશારા પર ઇશારા કર્યે જતી હતી. જેટલાને ઊતરવું હતું એ ઊતરી ચૂક્યા હતા, પણ વીજળીમાં ચઢવા કેમ કોઈ આવતું ન હતું ? એક પણ હોડી વીજળી તરફ આગળ વધતી ન હતી.
તો શું પોરબંદરેથી એક પણ યાત્રીએ આ મહાન સ્ટીમર વીજળીની ટિકિટ કપાવી ન હતી ? એમ તો ન બને, તો પછી એવી વાત શું હતી ? કપ્તાન ઈબ્રાહિમ રાતોપીળો થતો ડેક પર આવી ઊભો. આંખો ૫૨ દૂરબીન લગાવીને એણે બંદર તરફ જોયું. બંદરના કર્મચારીઓ કાળી ઝંડી હલાવી રહ્યા હતા. એનો અર્થ હતો : ‘ જશો નહિ, રોકાઈ જાઓ. આગળ જશો તો ખતરો છે.’
માંડવીની જેમ પોરબંદરેથી પણ સેંકડો મુસાફરો વીજળીમા બેસવા માટે થનગની રહ્યા હતા. મેટ્રિકની પરીક્ષા આપવા મુંબઈ જવું હતું એવા વિદ્યાર્થીઓનું ટોળું મિસ્ટર લેલની સામે હાથ જોડીને કરગરી રહ્યું હતું : ‘ સર ! અમને જવા દો, પ્લીઝ ! અમારું વરસ બરબાદ જશે વીજળી નહિ ડૂબે સર ! વીજળી કદી ડૂબે જ નહિ એવી અમને ખાતરી છે. ‘
લોકોની આવી વિનંતીઓ છતાં પોરબંદરના દિવાન લેલે એક જ વાત ઉચ્ચારી રહ્યા હતા : ‘ હું પોરબંદરના એક પણ મુસાફરને વીજળીમાં બેસવા નહિ દઉં. ‘ એમણે લોકોને તો બેસવા દીધા નહિ પણ વીજળીના કપ્તાનને પણ કાળી ઝંડીઓના ઇશારાથી ફરમાવી દીધું : ‘ આગળ જશો નહિ , રોકાઈ જાઓ. ‘
પણ આ તો હતો કપ્તાન ઈબ્રાહિમ. એની આવડત પર એને ઇતબાર હતો અને એથી વધુ ઇતબાર હતો એની વીજળી પર.’
અરે , આવાં તો કેટલાંયે દરિયાઈ તોફાનો હું જોઈ ચુક્યો છું, એમાં આની તો શી વિસાત ? ‘ આમ બોલી ઈબ્રાહિમ મૂછમાં હસ્યો અને એણે આદેશ આપ્યો : ‘ઉઠાવો લંગર ! ‘
વીજળીનું લંગર ઊપડ્યું. એ સાથે જ ઊપડવાની સીટી બજી. દરિયાની જબરદસ્ત લહેરોને ચીરતી વીજળી ઊપડી મુંબઈ તરફ પરંતુ વીજળી મુંબઈ પહોંચી ન શકી. અગાધ સમુદ્રના દરિયાઈ તોફાન સામે વીજળી જેવી સ્ટીમરની શી વિસાત ?
અરબી સમુદ્રનું તોફાન ક્ષણે ક્ષણે વધતું ગયું ઠંડીના દિવસોમાં હંમેશાં શાંત રહેનાર સાગર આજ ન જાણે કેમ મોતનો ખેલ ખેલી લેવા ઇચ્છતો હતો.
દરિયાનાં તોફાની મોજાં વીજળીને રમકડાની જેમ ઉછાળી રહ્યા હતાં. વીજળી દરિયામાં હાલકડોલક થવા લાગી, મોજાની થપ્પડોના મારથી વીજળીના તળિયે ફાટ પડી. એક તરફથી એમાં પાણી ભરવા લાગ્યું તો બીજી તરફથી એના એન્જિનમાં અાગ લાગી.
ધુમાડો અને વરાળના મોટા ગોટેગોટા ઊડીને આસમાન તરફ જવા લાગ્યા. એ વખતે વીજળીમાં સફર કરતાં અભાગિયાં મુસાફરોની ચીસો સાંભળનાર ત્યાં કોઈ ન હતું. કિનારેથી દૂરબીનો લગાવીને અનેક લોકોએ વીજળીનું મોત પોતાની આંખોએ જોયું.
પોરબંદર અને વેરાવળ વચ્ચે વીજળી સમુદ્રમાં થપ્પડો ખાતી ખાતી કેટલીયે વાર નજર પડી. કદી તરતી, કદી ડૂબતી તો કદી ગુલાંટો ખાતી વીજળી વેરણછેરણ બની ગઈ હતી. એનો એક પણ મુસાફર જીવતો રહ્યાનો સવાલ જ ન હતો.
અરબી સમુદ્રમાં તેર જાનો કોડભરી કન્યાઓમાંથી એક પણ પોતાના પતિને જીવતો મેળવી ન શકી. અનેક તેજસ્વી વિદ્યાર્થીઓએ વીજળીની સાથે જ જળસમાધિ લીધી. સેંકડો સાહસિક ભાટિયા અને લુહાણા વેપારીઓ મોતને ભેટયા.
વેરાવળ અને માંગરોળ વચ્ચે તોફાની સાગરમાં લોકોની માનીતી વીજળી સદાને માટે સમાઈ ગઈ.
કચ્છ – પ્રદેશના લગભગ દરેક શહેર અને ગામેગામથી કોઈ ને કોઈ વ્યક્તિ વીજળીમાં મુસાફરી કરી રહી હતી. વીજળી ડૂબવાથી સમસ્ત કચ્છ – પ્રદેશ ઘેરા શોકસાગરમાં ડૂબી ગયો.
કચ્છના ગામેગામમા સ્નેહીજનોના શોકનાં કરુણ વિલાપો સંભળાવા લાગ્યા. કચ્છનાં લોકગીતોમાં ‘કાસમની વીજળી’ અમર બની ગઈ.
હાજી કાસમ તારી વીજળી Pdf, Haji Kasam tari vijali re – full story, amarkathao
નોંધ – ‘વીજળી’ વિશે અનેક લોકકથાઓ અને દંતકથાઓ પ્રચલિત છે. વીજળી મધદરિયે ગરકાવ થઇ ત્યારપછી તેના કોઇપણ મુસાફરો જીવીત પાછા આવ્યા નથી કે વીજળીના કોઇપણ અવશેષો હાથ લાગ્યા નથી. એટલે નક્કર સત્ય શુ છે એ રહસ્ય કાળના ગર્ભમાં કાયમ માટે સમાઇ ગયેલ છે. જુદા જુદા લોકો અને વિદ્વાનોમાં મુસાફરોની સંખ્યાને લઇને ઘણા મતમતાંતરો છે. કોઇ આ સંખ્યા ૧૫૦૦ તો કોઇ ૯૦૦ તો કોઇ ૭૦૦ જેટલી ગણે છે.
મોટા ભાગનાં લોકો માને છે કે વીજળી એ નવીનકોર હતી અને મુંબઇનો આ તેનો પ્રથમ પ્રવાસ હતો. જ્યારે ઘણા લોકો એવા પણ છે એમના કહેવા મુજબ વીજળી ત્રણ વર્ષ જુની હતી. આ ઘટના ૮ મી નવેમ્બર ૧૮૮૮ નાં રોજ માંગરોળથી લગભગ ૨૫ કી.મી. દૂર બની હોવાની વાત મોટાભાગનાં લોકો સ્વીકારે છે.
બૂરી યાદ રહી ગઈ તારી, તે જખમ લગાવ્યો કારી
તારું નામ પડ્યું વૈતરણી, તે ધ્રૂજાવી દીધી ધરણી
તારું નામ જ છેક અકારું, કર્યું વીજ છતાં અંધારું
શું ઉલટ ગતિ નિરધારી, તે જખમ લગાવ્યો કારી‘
વીજળી વિશે ઐતિહાસિક પુરાવા ખુબ જ જુજ મળે છે. એકમાત્ર ‘વીજળી વિલાપ’ માં અને લોકગીત “હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ” દ્વારા ઘરેઘરે પહોચી છે. ત્યારપછી ગુણવંતરાય આચાર્ય દ્વારા લખાયેલ નવલકથા ” હાજી કાસમ તારી વીજળી ” અને એ પણ લોકકથાઓનાં આધારે. એટલે ખરેખર શુ બન્યુ હતુ તે જાણી શકવુ મુશ્કેલ છે.

વીજળીનુ ભુત – નવેમ્બર મહિનામાં આ ઘટના બની હોવાથી આ સમયગાળા દરમિયાન ઘણી વખત દરિયામાં વીજળીનું ભુત દેખાય છે. ઘણા દરિયાખેડુ અને માછીમારો આ વાતને સ્વીકારે છે. પરંતુ નિષ્ણાંતોના મતે શિયાળામાં ધુમ્મસભર્યા વાતાવરણમાં અન્ય જહાજો પણ દેખાય તો સ્પષ્ટ ન જોઇ શકવાને કારણે ભ્રાંતિ થાય છે. એટલે વીજળીનાં ભુતની વાતો ફક્ત અફવા જ છે.
જે હોય તે પણ કચ્છ અને ગુજરાતના લોકમાનસમાં અને તેનમાં હ્રદયમાં વીજળી કાયમ માટે અમર રહેશે. અંતમાં વીજળીની અત્યંત પ્રચલિત કવિતા દ્વારા લેખને પુર્ણ કરીએ. આ લેખ અંગે આપના મંતવ્યો જરુર આપશો.
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ – લોકગીત
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઈ શે’ર દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઈ શે’ર દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઈ શે’ર તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર અગ્યાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઈ શે’ર બાર બજે તો બરોબર ચડિયાં, જાય છે મુંબઈ શે’ર ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય ચહમાં માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઈ શે’ર હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર ફટ ભૂંડી તું વીજળી મારાં તેરસો માણસ જાય વીજળી કે મારો વાંક નૈ, વીરા, લખિયલ છઠ્ઠીના લેખ તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યાં કેસરિયા વર ચોકે ને કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ મુંબઈ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ દેશ, દેશથી કંઈ તાર વછૂટ્યાં, વીજળી બૂડી જાય વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય પીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઊઠી આગ સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ મોટા સાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર સાબ, મઢ્યમ બે દરિયો ડોળે, પાણીનો ના’વે તાગ હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ
🍁 જીવ – જયંતિ ગોહિલ (માય ડિયર જયુ)
🍁 જુમો ભિસ્તી – ધૂમકેતુ
🍁 પોસ્ટ ઓફિસ – ધૂમકેતુ
આ લેખને share કરી શકો છો. copy કરવા માટે પરમિશન લેવી જરુરી છે.