10098 Views
हार की जीत આ વાર્તામાં ખુંખાર ડાકુ ખડગસિંહ જ્યારે એક સંત બાબા ભારતીનો મનપસંદ ઘોડા સુલતાનને છેતરીને લઇ જાય છે. અને પછી વાર્તામાં એવા વળાંકો આવે છે કે…. એ જાણવા માટે આ વાર્તા અવશ્ય વાંચો.
हार की जीत
( हार की जीत – Best Gujarati story )
🍀 માતાને પોતાનો પુત્ર જોઈને અને ખેડુતને પોતાનાં લહેરાતા ખેત૨ને જોઈને જે આનંદ આવે છે એવો જ આનંદ બાબા ભારતીને પોતાનો ઘોડો જોઈને આવતો. પ્રભુ ભજન માંથી જે સમય મળે તે સમય ઘોડા પાછળ વિતાવતા. તે ઘોડો ખુબ જ સુંદર અને બળવાન હતો. તેના જેવો ઘોડો આખા પંથકમાં મળવો મુશ્કેલ હતો. બાબા ભા૨તી ધોડાને સુલતાન કહીને બોલાવતા હતા. પોતાના હાથે જ સુલતાનની સેવા ચાકરી કરે, પંપાળે , વહાલ કરે સારામાં સારી દાણા-પાણીની વ્યવસ્થા કરે, ઘોડાને જોઈને ખુશખુશાલ રહે .
બાબા ભારતીએ ધન – દોલત , સંપત્તિ જમીન પોતાની તમામ વસ્તુ છોડી દીધી હતી , ગામ અને શહેરથી પણ તેઓ દૂ૨ રહેતા, સંસારની મોહ-માયા ત્યાગીને ગામથી દૂર એક નાનકડા મંદીરમાં રહેતા અને પ્રભુ ભજન કરીને સન્યાસીનું જીવન જીવતા.
“હુ સુલતાન વિના નહી જીવી શકુ.” એવું તે માનતા હતા જેમ વર્ષાૠતુમાં મોર નાચી ઉઠે એ રીતે ધોડાની ચાલ જોઈને નાચી ઉઠતા. દરરોજ સાંજના સમયે સુલતાન ૫૨ બેસીને પાંચ- છ માઈલનું ચકકર ન લગાવે ત્યા સુધી તેમને ચેન ન પડે. #અમર_કથાઓ
ખડગસિંહ આ પંથકનો ખુંખાર ડાકુ હુતો. લોકો તેના નામથી જ ધ્રુજતા હતા. ધીમે ધીમે સુલતાન ની ખ્યાતિ ખડગસિંહ નાં કાન સુધી પહોચી. તેનું હ્રદય સુલતાનને જોવા બેચેન બની ગયું –
તે એક દિવસ બપોરના સમયે બાબાભારતી પાસે પહોચ્યો. અને નમસ્કાર કરીને બેઠો.
બાબાભારતી એ પુછયું “શું હાલચાલ છે ?”
ખડગસિંહ માથુ નમાવીને બોલ્યો : “આપની દયા છે.”
“આ બાજું કેમ આવવાનું થયું ? “
“સુલતાન ને જોવાની ઈચ્છા મને અહી ખેચી લાવી.”
“ખુબ જ વિચિત્ર પ્રાણી છે, જોઈને ખુશ થઈ જશે.”
“મે પણ ખુબ જ વખાણ સાંભળ્યા છે.”
“તેની ચાલ તારૂ મન મોહી લેશે.”
“કહે છે કે જોવામાં પણ ખુબ જ સુંદર છે ?”
“શુ કહેવું ! જે તેને એકવાર જુએ છે , તેના હૃદયમાં કાયમ માટે તેની છાપ છોડી દે છે.”
“ઘણા દિવસોથી સુલતાનને જોવાની ઈચ્છા હતી આજે આવી શક્યો છુ.”
બાબાભારતી અને ખડગસિંહ તબેલામાં પહોંચ્યા.
બાબાભારતી એ ગર્વથી ઘોડો બતાવ્યો. ખડગસિંહ આશ્ચર્યથી જોઈ રહ્યો. તેણે અનેક ઘોડા જોયા હતા. પણ આવો અદભુત ઘોડો જીંદગી માં ક્યારેય જોયો નહોતો. તે મનમાં વિચારવા લાગ્યો આવો ઘોડો ખડગસિંહ પાસે હોવો જોઈએ. આ સાધુને આવી વસ્તુનો શો લાભ ?
ઘણી વાર આશ્ચર્યથી તે ચુપચાપ જોઈ રહ્યો, તેના હ્રદયમાં હલચલ મચી ગઈ. પછી બાળકની જેવી અધિરતાથી બોલ્યો “બાબાજી અાની ચાલ ન જોઈ તો શું કામનું ?”
બીજાનાં મોઢે વખાણ સાંભળવા બાબાજીનું મન અધીર થઈ ગયુ ઘોડાને છોડીને બહાર લાવ્યા.
ઘોડો તો જાણે પવનના વેગમા ઉડવા લાગ્યો. આ જોઈને ખડગસિંહ બળીને રાખ થઈ ગયો. તે ડાકુ હતો અને જે વસ્તુ તેને પસંદ આવે તેને પોતાની સમજતો.
-જતા જતા બોલ્યો , “ બાબાજી આ ઘોડો હુ તમારી પાસે નહીં રહેવા દઉ “.. #અમર_કથાઓ
બાબા ભા૨તી આ વાત સાંભળીને ડરી ગયા , ચિંતામાં તેની ઉંઘ પણ હરામ થઈ ગઈ, હવે તેને હરવખત ખડગસિંહની બીક લાગતી, આખી રાત ઘોડાની રખેવાળી કરવા લાગ્યા.
અામ ઘણા મહિનાઓ વિતી ગયા , પણ ખડગસિહ ન આવ્યો. એટલે બાબા ભારતીનો ડર ઓછો થયો , તેઓ થોડા નિસ્ફીકર બન્યા.
એક વખત સાંજના સમયે સુલતાન પર સવાર થઈનો તેઓ ફરવા નિકળ્યા, ઘણા સમય પછી તેઓ આજે ખુશખુશાલ હતા,
એટલામાં રસ્તાની બાજુ માંથી અવાજ આવ્યો, “ઓ બાબા આ કંગાળની વાત સાંભળતા જાઓ.”
અવાજમાં કરુણતા હતી. બાબા ભારતીએ ઘોડો રોકીને જોયુ. એક અપંગ માણસ ઝાડની છાંયામાં બેસીને કણસતો હતો.
” કેમ ભાઇ તને શું દુઃખ છે ? “
અપંગ હાથ જોડીને બોલ્યો “બાબા હું ખુબ જ દુ:ખી છું. મારા પ૨ દયા કરો. ૨ામગઢ અહીથી ત્રણ માઈલ દૂર છે , મારે ત્યાં જવું છે, મને ધોડા પર લઈ લો, ભગવાન તમારૂં ભલું કરશે.”
“ત્યાં તારૂ કોણ છે ?”
“દુર્ગાદત વૈદ્યનું નામ તો સાંભળ્યું હશે, તે મારા દૂરના ભાઈ થાય છે.”
બાબા ભારતી એ ઘોડા પરથી ઉતરીને અપંગને બેસાડયો અને પોતે લગામ ઝાલીને ચાલવા લાગ્યા. અચાનક એક ઝટકા સાથે લગામ હાથમાંથી છૂટી ગઈ તેને નવાઈ લાગી . જોયુ તો પેલો અપંગ ઘોડાને દોડાવીને લઈ જતો હતો.
બાબા ભારતીનાં મોઢામાથી ભય , આશ્ચર્ય અને નિરાશાયુક્ત એક ચીસ નિકળી ગઈ.
હા…..હા…..હા…. નાં અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ.
તે અપંગ જ ડાકુ ખડગસિંહ હતો. બાબા ભારતી આ ધટનાથી થોડા સ્વસ્થ થયા અને જોરથી સાદ પાડ્યો – ” ખડગસિંહ થોડી વાર ઉભો ૨હે “
ખડગસિંહ અવાજ સાંભળીને ઉભો રહયો , અને ઘોડાની ડોક પર પ્રેમથી હાથ ફેરવતા બોલ્યો “બાબાજી ઘોડો હવે નહી આપુ”
“પણ એક વાત સાંભળતો જા” ખડગસિંહ ઉભો રહ્યો.
બાબાભારતી પાસે પહોચ્યા અને કહયું “ આ ઘોડો તારો થઈ ગયો છે , હુ તેને પાછો નહી માંગુ , પણ ખડગસિંહ હું તને એક પ્રાર્થના કરૂ છુ , તેનો અસ્વીકાર ન કરતો નહી તો મારૂ દિલ તુટી જશે.”
“બાબાજી આજ્ઞા કરો , હું તમારો દાસ છું. માત્ર ઘોડો નહી આપુ “
“હવે ઘોડાનું નામ ન લે , હું તેના વિશે એક શબ્દ નહી કહું , પણ મારી પ્રાર્થના ફક્ત એટલી જ છે કે આ ઘટના તું કોઈને કહેતો નહી ”
ખડગસિંહ આશ્ચર્યથી જોઈ રહ્યો , તેને લાગતુ હતુ કે મારે ઘોડો લઈને ભાગવુ પડશે, પરંતુ બાબા ભા૨તીએ પોતે જ આ ઘટના કોઈની સામે રજૂ કરવાની ના પાડી , આનુ શુ કારણ હોય ? , ખડગસિંહે ઘણુ વિચાર્યું , માથુ ખંજ્વાળ્યું , પણ કાઈ સમજાયું નહી , એટલે છેવટે બાબાભારતીને પુછ્યું ” બાબાજી અેમાં તમને શેનો ડર છે ?”
સાંભળીને બાબાભારતીએ જવાબ આપ્યો ” લોકોને જો આ ઘટનાની જાણ થશે તો કોઈ દીન-દુ:ખીયા , અને અપંગ માણસો પર વિશ્વાસ નહી કરે ” આટલું કહીને તેમણે સુલતાન તરફથી એવી રીતે મોઢુ ફેરવી લીધુ કે જાણે સુલતાન સાથે એનો ક્યારેય કોઈ સંબંધ જ નહોતો.
બાબા ભા૨તી ચાલ્યા ગયા , પરંતુ તેના શબ્દો ખડગસિંહના કાનોમાં હજી ગુંજી ૨હ્યા હતા.
ખડગસિંહ વિચારવા લાગ્યો , કેટલા ઉંચા વિચા૨ છે , કેટલો પવિત્ર ભાવ છે. તેને ઘોડા સાથે પ્રેમ હતો, ઘોડાને જોઈને બાબાનું મુખ ફુલની જેમ ખીલી ઉઠતું , કહેતા હતા કે “હું સુલતાન વગર જીવી નહી શકું” ઘોડાની ૨ખેવાળી કરવા માટે તેઓ કેટલીય રાત સુતા નહી , ભજન – ભકિત ન કરી માત્ર ઘોડાની રખેવાળી માટે , પરંતુ આજે તેના મોઢા પર દુઃખની એક રેખા પણ ન દેખાઈ , તેને માત્ર વિચાર આવ્યો કે ” ક્યાંક લોકો દીન – દુઃખીયા પર વિશ્વાસ કરવાનુ ન છોડી દે” આવા મનુષ્ય એ મનુષ્ય નહી પણ દેવતા છે. #અમર_કથાઓ
રાત્રિના અંધકારમાં ખડકસિંહ બાબાભારતીના મંદીરે પહોચ્યો, ચારે બાજુ સુનકાર હતો, આકાશમાં તારા ટમટમતા હતા , દૂર ગામમાં કુતરા ભસી રહ્યા હતા , મંદિ૨ની અંદર પણ નિરવ શાંતિ હતી.
ખડગસિંહ સુલતાનને દોરીને ધીમે ધીમે તબેલાના ઝાંપા સુધી પહોચ્યો. ઝાંપો ખુલ્લો જ હતો. અગાઉ બાબા ભારતી પોતે લાઠી લઈને ત્યા પહેરો ભરતા, પણ આજે હવે તેને કોઈ ચોર કે ડાકુનો ભય નહોતો.
ખડગસિંહે આગળ વધીને સુલતાનને તેની જગ્યા પર બાંધી દીધો અને બહાર નિકળીને સાવધાનીથી ઝાંપો બંધ કરી દીધો. આ સમયે તેની આંખમાં પ્રામાણિકતાનાં આંસુ ચમકી રહ્યા હતા. Gujarati varta
રાત્રિના ત્રણ પહોર પુરા થયા, ચોથો પહોર શરૂ થતા જ બાબા ભારતી પોતાની કૂટી૨માંથી બહા૨ નિકળ્યા, ઠંડા પાણીથી સ્નાન કર્યું અને પછી જાણે કે કોઈ સ્વપ્નમાં ચાલતા હોય તેમ તેના પગ સુલતાનના તબેલા તરફ આગળ વધ્યા. પરંતુ ઝાંપા સુધી પહોંચતા જ એને યાદ આવ્યું , પોતાની ભુલ સમજાઈ , અને ધો૨ નિરાશાથી પગ જાણે કે ધરતી સાથે જડાઈ ગયા. Kahaniya
ત્યાંજ ઘોડાએ પોતાના સ્વામીના પગલાનો અવાજ સાંભળ્યો , અને જોરથી હણહણાટી કરી.
આ સાંભળીને બાબાભારતી આશ્ચર્ય અને આનંદથી દોડીને અંદ૨ પહોચ્યા. અને તેના વહાલા સુલતાનને ગળે લગાડીને રડવા લાગ્યા , જાણે કે વર્ષોથી ખોવાયેલો તેનો પુત્ર પાછો મળ્યો. #અમર_કથાઓ
બાબા ભારતીનાં આંસુ જમીન પર પડયા, જ્યા હમણા થોડી વાર પહેલા જ ખડગસિંહના આંસુ પડયા હતા.
બાબા વહાલથી સુલતાનની પીઠ પર હાથ ફેરવતા સંતોષથી બોલ્યા “હવે કોઈ દીન – દુઃખીયાથી મોઢુ નહી ફેરવે. ” (Copy કરવાની મનાઇ છે. અહીથી 👇 share કરી શકો છો.)
✍સુદર્શન.(હિન્દી) Har ki jeet – std 6 માં ભણવામાં આવે છે.
- ગુજરાતીમા ભાવાનુવાદ & ટાઇપિંગ
Kalpesh Dabhi
🌹 ઢોલા મારુ ની વાર્તા વાંચવા માટે 👇 click કરો.