Skip to content

સિંદબાદની સફર – ભાગ 2 | Sindbad Ni saat Safar

sindbad ni saat safar
7320 Views

અરેબિયન નાઇટ્સ ની વાર્તાઓમાં સૌથી લોકપ્રિય વાર્તા એટલે Sindbad Ni saat Safar જેના પર Alif Laila સિરીયલ પણ બની છે. આશા છે આપને જરુર પસંદ આવશે. Sindbad Ni saat Safar નો (ભાગ 2)

સિંદબાદની બીજી દરિયાઈ સફર

બીજે દિવસે સુંદર વસ્ત્રો પહેરીને હિંદબાદ સિંદબાદને ત્યાં પહોંચી ગયો. થોડીવારે પરિવારના બધાં સભ્યો આવી ગોઠવાઈ ગયાં. એટલે સિંદબાદે પોતાની પહેલી સફરની સાહસકથા કરતાં પણ વધારે રસિક એવા બીજી સફરના સાહસની કહાણી શરૂ કરી :

‘‘ ગઈ કાલે તમને કહ્યું હતું તે પ્રમાણે પહેલી દરિયાઈ સફરમાં જ મને ઘણી સંપત્તિ મળેલી. મેં શાંતિથી જીવન ગાળવાનું નક્કી કર્યું હતું. પણ બગદાદમાં થોડો વખત બેઠાડું રહ્યા પછી મને કંટાળો આવવા લાગ્યો ને ફરી વેપાર માટે દરિયાઈ સફરનું મન થયું. જરૂરી માલ લઈ મારા કેટલાક વેપારી મિત્રો સાથે હું એક જહાજમાં બેસી બીજીવારની દરિયાઈ સફરે નીકળી પડ્યો.

શરૂઆતના દિવસોમાં અનુકૂળ પવનની દિશાને કારણે અમારું જહાજ કોઈ પણ જાતની મુશ્કેલી વિના ઘણા બધા નાના ટાપુઓ વટાવી આગળ વધી ગયું. પણ એક દિવસ પવનનું તોફાન ઊપડ્યું ને આકાશમાં કાળાં વાદળો ધસી આવ્યાં. બધે અંધારું છવાઈ ગયું. સુસવાટા મારતા ભયંકર વાવાઝોડાએ અમારા જહાજને પોતાના સપાટામાં લઈ એક અજાણ્યા ટાપુ તરફ ઢસડી જઈ ઊભું રાખી દીધું.

દરિયાઈ વાવાઝોડું શાંત થયું. અમે કાદવકીચડ ખૂંદતા કિનારાની જમીન પર પહોંચ્યા. અમે માંડ થોડું ચાલ્યા હોઈશું ત્યાં કેટલાક નાના ઠીંગુજીઓનું ટોળું અમને ઘેરી વળ્યું. અમને આટલા નાના ઠીંગુજીઓ જોઈ ભારે અચરજ થયું. તેઓ અમારા ગોઠણે પહોંચે તેટલા જ ઊંચા હતા.

બીજા સેંકડો કાળા, ઠીંગણા જંગલીઓએ ધસી આવી અમારું જહાજ કબજે કરી લીધું. તેમણે સઢનું કાપડ ચીરી નાખ્યું.

દોરડાં કાપી નાખ્યા. જહાજનો માલસામાન, અમારાં હથિયારો, ખોરાકનો સંગ્રહ તેમજ અમારા શરીર પરથી કીમતી વસ્ત્રો પણ લૂંટી લઈ તે બધા નાનાંનાનાં ટચૂકડાં હોડકાંઓમાં બેસી દૂર બીજા ટાપુ તરફ જતારહ્યા.

અમારા કપ્તાને કહ્યું, ” આ બધા ઠીંગુજી રાન્ટી જાતિના લોકો છે. તે નાના છે પણ ખૂબ જ શક્તિશાળી હોય છે. તરવામાં તેમને કોઈ ન પહોંચીશકે. ”

હું ને મારા સાથીદારો તેમજ કપ્તાન ઠીંગુજીઓના ચાલી ગયા પછી ટાપુના કિનારે થોડું ચાલી આગળ ગયા. ત્યાં ફળનાં ઘણાં ઝાડ હતાં. એ ઝાડનાં ફળ ખાઈ અમે ભૂખ સંતોષી. પાસે જ પહાડ પરથી પડતું ઝરણું હતું તેમાંથી પાણી પી તરસ પણ મિટાવી.

પછી આગળ ચાલ્યા. થોડું ચાલતાં અમે એક મહેલ જોયો. અમારે આશ્રયની જરૂર હતી. દરવાજે કોઈ ચોકીદાર નહોતો. એટલે અમે એમાં દાખલ થઈ ગયા. એક મોટો ચોક વટાવી ઘાસના મેદાનમાં પહોંચ્યા ને થાક્યા હોઈ ત્યાં જ આરામ માટે આડા પડ્યા. થોડી વારમાં તો અમે ઘસઘસાટ ઊંઘી ગયા.

ઊંઘમાં બધાને ધરતી ધ્રૂજતી લાગી. અમે સફાળા જાગી ગયાં. ત્યાં તો ભારે પગલાં ભરતો, ધરતી ધ્રુજાવતો એક મોટો રાક્ષસ નજરે પડ્યો.

ચોકમાંના પથ્થરના એક મોટા ઓટલા ઉપર બેસી તે અમારી સામે તાકી રહ્યો હતો. તેના માથે મોટા હાથીદાંત જેવાં શિંગડાં હતાં. ને બહાર નીકળી દેખાતા તીણા દાંતથી એ વિકરાળ લાગતો હતો. તેનું શરીર મોટા હાથી જેવું કદાવર હતું.

એની ને અમારી આંખો એક થઈ. અમે ભાગવા જઈએ તે પહેલાં જ એ રાક્ષસે ઊભા થઈ પાસે આવી એના એક હાથના કદાવર પંજાથી એક પતંગિયાની જેમ મને પકડી લીધો. બીજા હાથના પંજાથી એણે મારા સાથીદારોને પકડી ટપોટપ મોંમાં મૂકવા માંડ્યા. Sindbad Ni saat Safar Read online

તક મળતાં જ હું તેના પંજામાંથી કૂદીને નાઠો. સામે પડેલી મોટી કોઠીની ઓથ લઈ હું અને મારા બીજા સાથીદારોમાંથી જે હજુ એના મોંનો કોળિયો બનતાં બચ્યા હતા તે પણ નાઠા. અમે નાસીને મહેલના પાછલા ભાગમાં સંતાયા. કોણ જાણે કેમ પણ એ અમારી પાછળ ન આવ્યો ને મહેલની અંદર ચાલ્યો ગયો.

અમે મહેલમાં જ એક સલામત જગ્યા શોધી ડરતા ડરતા આખી રાત વિતાવી જો કે બહાર નિકળવાનો કોઇ રસ્તો પણ સુઝતો ન હતો.

બીજે દિવસે સવારમાં જાગીને અહીંથી બહાર કેવી રીતે નીકળવું એ વિચારવા લાગ્યા. એવામાં મહેલ તરફથી ઘરર ઘરર અવાજ સંભળાયો. અમે ચમક્યા. પણ પાસે જઈ જોયું તો રાક્ષસ ઊંઘતો હતો. ને એનાં નસકોરાં ઘ૨૨ ઘ૨૨ બોલતાં હતાં. તેનાથી છૂટવાનો એક ઉપાય અમે અજમાવ્યો. અમે અગ્નિ સળગાવ્યો અને લોખંડના સળિયાના છેડા લાલચોળ તપાવ્યા. તે લઈ ચૂપચાપ અમે રાક્ષસ પાસે આવ્યા.

રાક્ષસ અમારા આવવાથી સફાળો જાગી ગયો. જરાપણ વખત ગુમાવ્યા વગર તેણે મને પોતાની મુઠ્ઠીમાં પકડી લીધો. લાગ જોઈ મેં લોખંડનો તપાવેલો સળિયો રાક્ષસની આંખમાં ભોંકી દીધો.
રાક્ષસ મોટેથી ચીસો પાડી ઊઠ્યો. અમને પકડવા ખૂબ મથ્યો પણ આંખે આંધળો થવાથી અમને ન પકડી શક્યો. આંખોની પીડાથી દોડાદોડી કરતો તે એક ઊંડી ખીણમાં જઈ પડ્યો.

અમે પણ મહેલ છોડી બહાર નીકળ્યા. ઝાડ ઉપરથી ફળો અને કંદમૂળ મેળવી ખાધાં. થોડીવાર બેસી અમે સૌ નદી પાર કરી સામે કિનારે પહોંચ્યા.

થાક્યા પાક્યા એક ઝાડના છાંયે આરામ કરવા આડા પડ્યા ને થોડીવારમાં ઘસ ઘસાટ ઊંઘી ગયા.

ઊંઘ દરમ્યાન અચાનક હું જાગી ગયો. મેં સૂકાં પાંદડાં પર થઈ આવતો સૂ … ઉ … ઉ કરતો પવનના સુસવાટા જેવો અવાજ સાંભળ્યો. અવાજ ગૂઢ એટલો જ ભયાનક હતો.

હું સાવધ થઈ ગયો. મારા સાથીદારોને જગાડવા મથી જોયું પણ તેઓ તો ભર ઊંઘમાં જ સૂતા હતા. એકાદે કહ્યું પણ ખરું, ‘ સિંદબાદ , અમને શાંતિથી સૂવા દે ; તારે જે કરવું હોય તે કર ! ‘

અમે ખુલ્લામાં સૂતા હતા ત્યાં થોડે દૂર એક વિશાળકાય અજગર ફૂંફાડા મારતો અમારી તરફ આવી રહ્યો હતો. મેં એક વધુ વાર સાથીદારોને જગાડવા બૂમ મારી ને મારે નછૂટકે છલાંગ મારી નજીકના ઝાડના થડને પકડી લેવું પડ્યું. થડ પરથી ડાળ ઉપર જઈ મેં નીચે નજર કરી તો અજગર અમારા સૂવાની જગ્યા સુધી આવી પહોંચ્યો હતો. Sindbad Ni saat Safar pdf book

મારા સાથીદારો જાગ્યા ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું. તે લોકો બેઠા થઈ ભાગવા જાય તે પહેલાં જ અજગરે મારા સાથીદારોને એક એક કરી પોતાના મોંમાં ઝડપવા શરૂ કર્યા. મેં બૂમો માર્યા કરી પણ અજગર ધીરે ધીરે બધાને ગળવા લાગ્યો હતો. અજગરે મારી સામે જોયું. તે વધુ આગળ સરક્યો. હું ઝાડની છેલ્લી ટોચ ઉપર જઈ બેઠો. હું જે ઝાડ પર ચડ્યો હતો તેને જ અજગર વીંટળાઈ જોર લગાવી પોતાનો ખોરાક હજમ કરવા લાગ્યો.

પછી તેણે મને નિશાન બનાવી ઉપર ચઢવા માંડ્યું. પણ ડાળ પાતળી પડી ને હું ટોચના જે સ્થાને હતો ત્યાં એનાથી ન પહોંચાયું. એણે આગળ વધવાનું માંડી વાળ્યું હોય એમ એ પાછો વળ્યો ને નીચે ઊતરી ગયો. મેં ખુદાનો આભાર માન્યો. થોડી વારે નીચે ઊતરી નજર કરી તો અજગર દૂર ચાલ્યો ગયો હતો. એણે મારા સાથીઓને પૂરા કરી નાખ્યા હતા. હું એકલો જ બચ્યો હતો.

ઝાડ પરથી નીચે ઊતરી દૂર દેખાતાં દરિયા કિનારે જવા મેં પગ ઉપાડ્યા.

કિનારે પહોંચતાં જ હું આનંદથી નાચી ઊઠ્યો. દૂર એક જહાજ દેખાયું. મેં ખૂબ બૂમો પાડી તથા માથે બાંધેલો સાફો ખોલી હવામાં લહેરાવી એમનું ધ્યાન ખેંચ્યું.

જહાજ પરથી એક હોડી આવી. એમાં બેસી હું જહાજ પર ગયો. કપ્તાને મને એક જગ્યાએ મુકાયેલો માલ બતાવી કહ્યું, ‘ મારી પાસે આ એક વેપારીનો માલ છે. એ અમારાથી છૂટો પડ્યો હતો અને મૃત્યુ પામ્યો જણાય છે. ’

મેં એ માલ ઓળખી કહ્યું, ‘ આ મારો જ માલ છે અને હું મૃત્યુ નથી પામ્યો પણ મુસીબતોમાંથી ઊગરી પાછો ફર્યો છું. ’

કપ્તાને આખરે મને ઓળખી કાઢ્યો ને ખૂબ આનંદ વ્યક્ત કર્યો. તેમજ મારો બધો માલસામાન ઠીંગુજીઓએ લૂંટી લીધેલો તે મને પાછો આપ્યો.

તેમના જહાજ સાથે આગળ વધી મેં વેપાર ખેડ્યો ને એમાં હુ પુષ્કળ ધન પણ કમાયો. ઘણા દિવસો મુસાફરી કરી હું બગદાદ પાછો ફર્યો ને મારી બીજી સફરનો અંત આવ્યો. ’’

સિંદબાદે પોતાની બીજી સફરની વાત પૂરી કરી. હિંદબાદને થોડી સોનામહોરો ભેટ આપી અને વળતે દહાડે ત્રીજી સફરની વાત સાંભળવા આવવા કહી બધાને હેતભરી વિદાય આપી.

લેખન – વી. રામાનુજ

⚫ આ સમગ્ર લેખનું કોપી-પેસ્ટ કરી અન્ય જગ્યાએ ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. આપ અહીથી share કરી શકો છો.

3 thoughts on “સિંદબાદની સફર – ભાગ 2 | Sindbad Ni saat Safar”

  1. Pingback: Sindbad Ni Safar 3 | Alif Laila - AMARKATHAO

  2. Pingback: સિંદબાદની સફર 5 | Sindbad Jahaji part 5 - AMARKATHAO

  3. Pingback: સિંદબાદ ની સાત સફર | Sindbad Ni Safar 1 - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *