10854 Views
‘દરિયાલાલ’ નવલકથા ગુણવંતરાય આચાર્ય (ઘણા મિત્રોની ફરમાઇશ હતી, ‘દરિયાલાલ’ નવલકથાની… માટે પુસ્તક પરિચય અને કથાના થોડા અંશો મુકેલ છે.) Dariyalal Navalkatha, દરિયાલાલ પુસ્તક રીવ્યુ, દરિયાલાલ pdf book, ગુણવંતરાય આચાર્યના પુસ્તકો.
દરિયાલાલ
ગુણવંતરાય આચાર્ય પોતાની જોશીલી દરિયાઈ સાહસકથાઓ દ્વારા ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે કોતરી ગયા છે. એમની આ સાહસકથાઓનો પ્રેરણાસ્રોત સાગર, સમુદ્ર છે. તેઓ ઉચ્ચ માનવીય આદર્શો દ્વારા વડે રંગાયેલા હતા. તેમના પાત્રો એક યા બીજા મહાન આદર્શ માટે ઝઝૂમતા જણાય છે. તેમની પાસેથી ઘણી નવલકથાઓ પ્રાપ્ત થાય છે. એમાં ‘દરિયાલાલ’ એક મહત્ત્વની નવલકથા છે.
‘દરિયાલાલ’ એ વતનથી દૂર આફ્રિકામાં માનવી – માનવીના ભાઇચારાનો ઝંડો ફરકાવતા અને ગુલામી જેવી અમાનુષી પ્રથા સામે બંડ પોકારતા સાહસિકોની અને વિશેષ કરીને ઉચ્ચ આદર્શ માટે જીવસટોસટનાં સાહસો ખેડનાર રામજીની કથા છે.
પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવ્યા અનુસાર ‘દરિયાલાલ’માં દરિયાઈ અને અન્ય સાહસોનાં તત્ત્વો છે. ચાંચિયા, પ્રાદેશિક આધિપત્ય માટે ઝૂઝતા અંગ્રેજો અને આરબો, જંગલી ગેંડા અને પાડા, આફ્રિકાના અંતરિયાળમાં વસતી માનવભક્ષી જનજાતિઓ અને એમના રક્તપિપાસુ દેવ મંબોજંબો, એ અંધારા ખંડનું સંશોધન કરવા ફરતા પાર્ક અને ડંકર્ક જેવા સફરખેડૂઓ વગેરે…
નવલકથાની શરૂઆત એક જંગલમાં થાય છે.
રામજીભા ગુલામો તથા ચોકિયાતોને સાંકળે બાંધીને જંગલમાંથી પસાર થાય છે, ત્યાં અચાનક ગેંડો તેમના પર હુમલો કરે છે. તેમાં ઓગણીસ ગુલામો પોતાનો જીવ ગુમાવે છે. માત્ર એક, તે બધા નીચે દટાઈ જવાને કારણે બચી જાય છે. પરંતુ જ્યારે તેને હાડકા નીચેથી બહાર કાઢવામાં આવે છે ત્યારે તેની મનઃસ્થિતિ સારી રહેતી નથી. તે ગાંડો થઈ જાય છે ને ગેંડા જેવો અવાજ કરી ત્યાંથી ભાગે છે.
પોતાની આંખો સામે થયેલી ગુલામોની આવી દયનીય હાલત જોઈ તેમના મુખી રામજીભાનું હૃદય-પરિવર્તન થાય છે. દુ:ખી રામજીભા વેરણ-છેરણ થયેલાં માંસના ટુકડા ને હાડકાંના કકડા એકઠાં કરી તેનાં અગ્નિસંસ્કાર કરે છે. હવે તે ગુલામીની પ્રથા નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લે છે. બધા તેની આ પ્રતિજ્ઞા પર હસે છે, પરંતુ શિવજીની પેઢીના વહીવટકર્તા લધાજી તેને ઘણે ઠેકાણે મદદ કરે છે.
રામજીભા લવિંગની ખેતી દ્વારા ગુલામી નાબૂદ કરવાની યુક્તિ કરે છે. વળી, રૂખીને ચાંચિયાની કેદમાંથી છોડાવી પોતાની બહાદુરીનો પરચો આપે છે. અનેક પ્રયત્નને અંતે રામજીભા પોતાની પ્રતિજ્ઞા પૂરી કરે છે. એટલે કે દરેક ગુલામોને ગુલામીમાંથી મુક્તિ અપાવે છે. રૂખીની સાથે એના પતિની અસ્થિ ગંગામાં પધરાવવા માટે એ હિન્દુસ્તાન આવે છે અને કથા પૂરી થાય છે.
નવલકથામાં તત્કાલિન સમયના ઘણા સાંસ્કૃતિક સંદર્ભો સાંપડે છે. જેમકે, આ નવલકથામાં નિરૂપિત મનુષ્ય સમુદાયની જીવનશૈલી, ઉત્સવો, ખાણી-પીણી, રહેણાંક, પોશાક, શ્રદ્ધા-અંધશ્રદ્ધા, માન્યતાઓ, રીત-રિવાજો વગેરે વિશિષ્ટ હતા. દરિયાઈ તટ પર રહેતા લોકોને દરિયા પ્રત્યે ખૂબ જ આસ્થા હતી.
ચૈત્રી પૂનમને દિવસે દરિયાનાં ખારા પાણીમાં જેની મીઠી રોટી છે તે તમામ કાંઠે જાય. હાથમાં એક નારિયેળ લઈને વહાણના મોરા ઉપર નાળિયેર વધેરીને દરિયાલાલના ખોળામાં નાખે, દરિયા ઉપર કંકુ છાંટે, દરિયાની પૂજા કરે અને પાછે પગલે વિદાય લે. સાગરખેડૂઓને મન નીમ-અગિયારસનું ખૂબ મહત્ત્વ હતુ. નીમ-અગિયારસ એ તેમના માટે મહાપર્વ હતો. તે દિવસે આખા વર્ષમાં કરવાના શુભ કાર્યોના તથા જિંદગીની રસમાં બદલવાના માણસ વ્રત લે, પુણ્યકાર્ય કરવાનો નિર્ધાર કરે, વેપારીઓ પોતાના માણસોને બોણી આપે, ભોજન કરાવે. રામજીભા આ દિવસે જંગબારમાંથી ગુલામીની જડને નાબૂદ કરવાનો સંકલ્પ કરે છે.
આ નવલકથામાં ધાર્મિક સંદર્ભ પણ જોવા મળે છે. નીમ-અગિયારસ એ કોઈ એક કોમનું નહીં પણ સમગ્ર વસાહતનું જ પર્વ હતુ. વહેલી સવારે સૌ પોતપોતાની પેઢીએ મિજલસ ભરે, લાણી-બોણી કરે, નાતજાત-કોમના ભેદભાવ વગર. ખોજો હોય તોય કરે ને ભાટિયો હોય તોય કરે. વળી આપણને એ જાણીને આશ્ચર્ય થશે કે મંબોજંબોમાં સત્રોત્સવ નિમિત્તે ધર્મને ખાતર જીવતા માણસને સળગાવી દેવામાં આવતો. ત્યાં નરબલિ ચડાવતા પહેલા નાચ-ગાન પણ થતુ. આમ, તત્કાલીન સમયમાં જીવતા માણસને સળગાવી દેવાની જડ પ્રથા પણ આ નવલકથામાં જોઈ શકાય છે.
‘દરિયાલાલ’ નવલકથામાં તત્ત્વ પણ જોવા મળે છે. મંબોજંબોમાં સત્રોત્સવ નિમિત્તે જાતભાતની ચિત્ર-વિચિત્ર ગતિએ જાત્રાળુઓ એ વનવાટ કાપી આવતા. કોઈ પેટ ઘસતું-ઘસતું આવે, કોઈ નવસ્ત્રું આવે, તો કોઈ ઊનના ધાબળા ઓઢીને આવતું. કોઈ વાળ વધારી આવતુ, તો કોઈ વાળ ઊતરાવીને આવતુ. કોઈએ નખ વધાર્યા હતા, તો કોઈએ જીવતા નખ ઊતરાવ્યા હતા.
પાપની સજામાં મૃત્યુ બાદ દોજખ થવાના જેટલા પ્રકારની ભયભરી કલ્પના કલ્પી શકે, એટલા પ્રકારની આ જીવતા જગતમાં આપત્તિ વેઠીને, દેવાધિદેવની ચરણરજમાંથી અભય મેળવવા શ્રદ્ધાળુંલોક આવતુ. તત્કાલીન સમાજનો પહેરવેશ પણ વિશિષ્ટ હતો. જેમ કે, ડાકૂર મુલકના હોટેનોટ લોકો કડી પહેરતા. એ કાં તો કાનમાં પહેરે અથવા નાકમાં. સ્ત્રીઓ હોઠ વીંધાવીને એમાં મોટી કડીઓ પહેરતી. લોકો માથાની વચમાં વાળને અંબોડે બાંધતા. હાથમાં મોટો ભાલો અને ખભે ધનુષની કામઠી લઈને ફરતા.
ડાકૂર એ આફ્રિકાનું હૃદય હતુ. એ વહેમ, અજ્ઞાન, ઝનૂન અને એકાંતિક નશાથી ધબકતું હતુ. આફ્રિકાના મૂળ વતનીઓને અસંસ્કારી અને જંગલી તરીકે ઓળખવામાં આવતા હતા, પરંતુ જેઓ એમને જંગલી કહે છે તેઓ જાણતા નથી કે જંગલની પણ અનોખી સંસ્કૃતિ હોય છે. જંગલી વતનીઓના સંસ્કાર મંબોજંબોની સ્ત્રીઓમાં મૂર્ત થયા હતા, જે ‘દેવની દીકરી’ તરીકે ઓળખાતી.
‘દરિયાલાલ’ એ ગુલામોને મુક્ત કરવાની સાહસિક અને હૃદયસ્પર્શી કથા છે. તત્કાલીન ગુલામીપ્રથા વિશે પ્રકાશ પાડતાં લેખક જણાવે છે કે, ‘જીવતા માણસોને વેચી દેવામાં આવતા ને વેચાયેલો માણસ એના માલિક પાછળ ચાલી નીકળતો – એ કામ કરાવે તો કામ કરવા, મારે તો માર ખાવા, મારી નાખે તો મરી જવા, રખાત તરીકે રાખે તો રખાત બનીને રહેવા. ત્યાં કાયદાઓ પણ હતા. જેમ કે વેચાયેલો ગુલામ માલિકના કોઈપણ કાર્યની સામે વાંધો ઉઠાવે તો એને રાજદ્રોહી ગણવો; માલિકને ત્યાંથી ભાગી જાય તો શિકારી ગુના બદલ એને શિકારી જેમ તેતર વીંધે તેમ વીંધી નાખવામાં આવતો હતો.’
ગેંડા દ્વારા ઓગણીસ ગુલામો મરાયાના પ્રસંગથી રામજીભાનું હૃદય-પરિવર્તન થાય છે અને તે જંગબારમાંથી ગુલામી નાબૂદ કરવાનો સંકલ્પ કરે છે. તે આફ્રિકાના લોકોને ગુલામીમાંથી છોડાવવા સૌપ્રથમ પોતે લવિંગની ખેતી કરે છે અને બધા પાસે પણ કરાવે છે. આ લવિંગની ખેતી કરવા પાછળનું તાત્પર્ય એ હતું કે લવિંગ તો માણસ કરતાંયે મોંઘા એટલે લવિંગની ખેતી થાય તો માણસની પાછળ ઘેલા બનનાર વેપારીઓ લવિંગ ઉગાડનારને પકડે નહીં, ને પકડે, તો પકડાઈ જનારને છોડાવવાના રસ્તાયે નીકળે. વળી, લવિંગની ખેતી કરવાથી જૂથ બને, ને રાત-દિવસ જાગતા રહેવાય. પંડ જાગતું હોય તો કોઈ મધરાતે અચાનક છાપા ન મારે, તથા કોઈ પકડાય તો એને છોડાવાય વગેરે…
આ નવલકથામાં તત્કાલીન સમયની નારીની દરિદ્ર સ્થિતિનો પણ સંકેત મળે છે. અને એની સામે પુરુષપ્રધાન સમાજની પણ ઝાંખી થાય છે. જેમકે મંબોજંબો તો એકનિષ્ઠ તપોધ્યાન માંગનાર દેવ; એના પૂજારીથી લગ્ન થાય નહીં. વળી, સ્ત્રી નાગમંદિરમાં જઈ શકતી નહીં, એટલું જ નહીં સામાન્ય નારીથી પૂજારીના આમરણ બ્રહ્મચર્યના તેજ ઉપર ઓછાયા પણ નખાય નહીં. પરંતુ જેરામ શિવજીની પેઢી તેમા અપવાદરૂપ હતી.
આ પેઢી નાત-જાત, વર્ગ-વર્ણ, ઊંચ-નીચ, જાતિ-જ્ઞાતિ, સ્ત્રી-પુરુષના ભેદથી પર છે. તેઓ માણસને માણસ તરીકે જુએ છે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી. જેરામ શિવજીની પેઢીના દરેક વ્યક્તિ, એમાં પણ ખાસ કરીને રામજીભા અને લધાભા દીકરી અને વહુ બેયને લક્ષ્મી ગણે છે. તેમના દેશની દીકરી રૂખીને ચાંચિયાઓએ કેદ કરી હતી તેથી બધા મૃત્યુના ભય વિના, અને તેમાં પણ રામજીભા આગેવાન બને છે અને રૂખીને બચાવી લાવે છે.
આમ, રામજીભા આફ્રિકાને ગુલામીમાંથી મુક્ત કરવાનું લીધેલું વ્રત સાહસપૂર્ણ રીતે પાર પાડે છે અને આફ્રિકાને ગુલામીમાંથી મુક્ત કરે છે. તે સ્વાર્થી નહોતો. તેણે મહામહેનતે અંગ્રેજી પ્રવાસી ડંકર્કને શોધ્યો હતો અને તેના બદલામાં લધાભા પાસે જેરામ શિવજીની પેઢીમાં આઠ હજાર જેટલા ગુલામોને મુક્ત કરાવે છે. તો નવલકથાના અંતમાં પણ તેણે સુલતાન પાસે પોતાના માટે કંઈ ન માગ્યું અને પોતાના વ્રતને સફળ બનાવવા જંગબારના બધા ગુલામોને મુક્ત કરવા તથા હવે ગુલામીનો વેપાર ન કરવાનું કહે છે. ટૂંકમાં કહીએ તો ગુજરાતને ગૌરવ બક્ષે અને નવી પેઢીને પ્રેમશૌર્યના રંગથી રંગી દે તથા તત્કાલીન સમાજ અને સંસ્કૃતિનો સઘન પરિચય કરાવે તેવી કૃતિ છે ‘દરિયાલાલ’.
સંદર્ભ :
‘દરિયાલાલ’ – ગુણવંતરાય આચાર્ય, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
આ પણ વાંચો 👉 માનવીની ભવાઈ 2 ભૂખી ભૂતાવળ
દરિયાલાલ નવલકથા હમણા જ ફરીથી વાંચી બસ એક જ બેઠકે પુરી કર્યા સિવાય રહી ન શકાયુ. ગુજરાતી નવલકથાઓમાં આવી સાહસિક નવલકથાઓ ઓછી જોવા મળે છે. જો આવી નવલકથાઓ આપ મિત્રોનાં ધ્યાનમાં હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવશો. દરિયાલાલ નવલકથાનાં એક બે પ્રકરણો અમર કથાઓ website માં મુકવામાં આવશે. ખુબ જ રસપ્રદ છે. તો નિયમીત મુલાકાત લેતા રહેશો. વાંચતા રહેશો. આપનાં અમુલ્ય સુચનો મોકલશો તો અમને પ્રેરણા મળશે.
www.amarkathao.in
મિત્રો આવી અવનવી પોસ્ટ અમરકથાઓમાં મુકવામાં આવશે. તો જોડાયેલા રહો. આપની પસંદગી કોમેન્ટમાં જણાવો.
It’s very good task for our mother tunge
Pingback: શયતાની સાંકળ ભાગ 1 દરિયાલાલ નવલકથા | Dariyalal Navalkatha Read online - AMARKATHAO
Pingback: મળેલા જીવ નવલકથા - પન્નાલાલ પટેલ | Malela Jiv 1941 - AMARKATHAO