Skip to content

શયતાની સાંકળ ભાગ 1 દરિયાલાલ નવલકથા | Dariyalal Navalkatha Read online

શયતાની સાંકળ - દરિયાલાલ નવલકથા
2591 Views

શયતાની સાંકળ ‘દરિયાલાલ’ નવલકથા ગુણવંતરાય આચાર્ય (ઘણા મિત્રોની ફરમાઇશ હતી, ‘દરિયાલાલ’ નવલકથાની… માટે પુસ્તક પરિચય અને કથાના થોડા અંશો મુકેલ છે.) Dariyalal Navalkatha, દરિયાલાલ પુસ્તક રીવ્યુ, દરિયાલાલ pdf book, ગુણવંતરાય આચાર્યના પુસ્તકો. મિત્રો અહી ફક્ત પુસ્તક પરિચયના હેતુથી દરિયાલાલ નવલકથાની શરુઆતનુ પ્રકરણ મુકવામા આવેલ છે.

શયતાની સાંકળ – દરિયાલાલ નવલકથા

ગાઢ જંગલમાં એક સાંકડી પગદંડી વહી જતી હતી. અખૂટ વિસ્તારના એક લીલા ભોંયરા સમું જંગલ ચોપાસ હલકતું હતું. એનાં ઊંચાં ઝાડોનાં ગાઢાં પાંદડાંઓમાંથી ચળાઈચળાઈને આવતા સૂર્યના પ્રકાશના નીચે કાળાધોળા દોરા પડતા. નીચે લાંબા વેલાઓ લીલી સાદડી જેવા પથરાયા હતા. ખરેલાં સૂકાં પાંદડાંઓ જાણે આ લીલી બિછાત ઉપર ફિક્કા સોનેરી રંગનું ભરત ભરતાં હતાં.

લાંબે ગાળે આ જંગલમાં વા – બારાં હતાં. નીચે ને નીચે અટવાઈને ધૂંધવાઈ રહેલા પવને બહાર નીકળવાને જ્યાં બાકોરાં પાડવાં હોય , ત્યાં ઉપરની અભંગ છતમાં જાણે એટલાં જાળિયાં પડતાં. એમાંથી નીચેના ભોંયરામાં પ્રકાશ આવતો , ચોખ્ખી હવા આવતી ને સદા ભેજવાળી ભૂમિની સડતી વનસ્પતિઓની ઝેરી બદબો પણ એવાં વા – બારાં વાટે બહાર નીકળી જતી.

ચોપાસ કુમારું જંગલ ધીમે રાગે ગાતું હતું. વસ્તીનું ક્યાંય નામોનિશાન ન હતું. રણમાં રેતીના કણ હોય એટલાં ઝાડોનું આ લીલું રણ નિર્જન હતું. એવા જંગલમાં એક પગદંડી વહી જતી હતી.

ને એ પગદંડી ઉપરથી થોડાં માણસોની એક કતાર ચાલી જતી હતી. માનવી જ્યારે માનવતા મૂકે છે, ત્યારે કોઈક કોઈક ટોળાં ખૂબ જ વિચિત્ર ને ભયકારી ભાસે છે. આ ટોળું એવું વિચિત્ર ને ભયકારી હતું.

વીસ હબસીઓની એક કતાર હતી. દરેકના ગળામાં લોખંડનો પહોળો પટ્ટો જડી લેવામાં આવ્યો હતો. દરેક પટ્ટાને આગળ અને પાછળ એકએક કડી હતી. એ કડીઓ ઉપર એકએક લોઢાની સાંકળ જડી હતી. ને એ સાંકળ આગળપાછળ ચાલતા હબસીના ગળાના પટ્ટા ઉપરની કડીમાં સામી જડી દેવામાં આવી હતી. આ વીસ હબસીઓ હતા તાજા પકડાયેલા ગુલામો. એને વેચી નાખવા માટે કાંઠા તરફ લઈ જવામાં આવતા હતા.

આ શયતાની સાંકળ જડનારને એથી ઘણો લાભ હતો. ગુલામ જડબેસલાક બંધનમાં પણ રહેતો ને એના હાથપગ પણ છૂટા રહેતા. એના હાથ વતી એ માથા ઉપર મૂકેલો બોજો ટેકવતો ને એના પગ વતી એ ચાલી શકતો. હાથમાં કોરડો લઈને એની સાથે ચાલનારા ચોકિયાતો આ બેય કામ એ બરાબર કરે છે કે નહીં એ જોતા. વારંવાર કારણ – અકારણ કોરડાનો , પક્ષપાત વગર ફાવે તે સ્થળે ને ફાવે તેના ઉપર ઉપયોગ કરીને , પોતે બરાબર ચોકી કરે છે એ ગુલામોને સમજાવતા પણ ખરા.

ગુલામોને આ શયતાની સાંકળ જ કોઈ શયતાનના પ્રપંચ સમી લાગતી. આગલો માણસ જરા જોર કરે તો સાંકળ એની દાઢી સાથે ઘસાઈને લોહી કાઢતી. પાછલો માણસ જો જરાક ધીમો પડે તો પટ્ટો એમની ગરદન છોલીને લોહી કાઢતો. કોઈ લથડે તો આગળપાછળના ગુલામોને પણ સાથે લથડવું પડતું ને વેદના સહેવી પડતી.

વળી જ્યારે ઉઘાડી જગ્યા આવે ને માથે સૂર્ય તપે ત્યારે આ લોખંડી બંધન સાચે જ રાક્ષસી બનીને જાણે એને ભરખી ખાતું હતું. બધાને સૂવાનું સાથે જ – આ પટ્ટાઓ પહેરીને. બધાને ઊઠવાનું સાથે – આ પટ્ટાઓ પહેરીને. એ પટ્ટો તો તૂટવાનો એ દૂરદૂરના દેશાવરમાં આખરે વેચાય ત્યારે. દરમિયાન મગદૂર કોની છે કે આ શયતાની સાંકળમાંથી નાસી શકે ? ભીંત સાથે જડાયેલાં ભાગી છૂટ્યાં સાંભળ્યાં છે, પણ માનવી સાથે જડાયેલાં માનવી ભાગીછૂટ્યાં હજી નથી સાંભળ્યાં.

આવી શયતાની સાંકળ સાથે બેચાર ચોકિયાતો ને એક મુખી અચૂક ચાલતા. એ વારાફરતી દેખરેખ રાખતા , ને એમની દેખરેખ ગુલામોનાં અંગમાંથી લોહીરૂપે વહેતી. આ સાંકળની સાથે પણ આવા ત્રણ ચોકિયાતો હતા ને એક મુખી પણ હતો. મુખીનું નામ રામજીભા !

‘ સાત ભડ ભાંગીને ભા પેદા કર્યો છે ‘ એવું જેને માટે કંઠાળના લોકમાં કહેવાતું એવો રામજીભા મુખી હતો. એની કમરમાં દશેક ચામડાની દોરીનો વચમાં – વચમાં ગાંઠો ગૂંથેલો ચાબુક હતો. ગુલામોની પીઠ ઝરતી હતી. એના ઉપર જેરબંધના લોહીના રેલા બાઝી ગયા હતા. રામજીભા કાંઈ નરમ મુખી નહોતો કે ગુલામોને ગરમ રાખવાની તક જરા સરખીયે જવા દે.

ઉંમર તો હતી આ જુવાનની પચીસ – છવીસ વર્ષની, પણ એના ચહેરા પર શિકારી નિષ્ઠુરતા સૂકો કાળો ચળકાટ બતાવી ગઈ હતી. આટલી નાની ઉંમરના આ જુવાનના નામની રાડ બોલી ગઈ હતી. અસંખ્ય ક્રાલો ઉપર સદાકાળને માટે ઝાપા દેવાઈ ગયા હતા.

જંગલમાંથી બિલ્લીપગે આવીને બોમાઓને રાતે – મધરાતે વાઘના નહોર જેવી ક્રૂરતાથી વીંખી – પીંખી નાખવામાં આ જુવાન પાવરધો થઈ ગયો હતો. હજાર – હજાર હબસી નારીઓ એના નામ પર કદુવા પુકારતી હતી, પણ એથી રામજીભા ઉપર ન તો કોઈ ભીતિ કે ન તો કોઈ દહેશત પાથરી શકી હતી.

રામજીભા એટલે ગુલામોના મોટા દલાલ જેરામ શિવજીની પેઢીનો ગુલામખાતાનો મુખી. ‘ સાત ભડ ભાંગીને ઘડેલો આ ભા ‘ કમરમાં જેરબંધ રાખીને જ ફરતો. રામજીભા હજી કોઈ દિવસ ખાલી હાથે પાછો ફર્યો નહોતો જાણ્યો.

શયતાની સાંકળ ચાલી રહી હતી, અનંત જંગલમાં અસહાય પશુઓ ચાલે એમ.

પ્રત્યેક ગુલામની પીઠ આળી હતી. ઉઘાડી પીઠ ઉપર , ઉઘાડી પિંડી ઉ૫૨, ઉઘાડા બાવડા ઉપર , મોટી મોટી ભરોળો ઊઠી હતી. ક્યાંક – ક્યાંક લોહીનાં ચાઠાં પડ્યા હતાં, એના ઉપર જ્યારે પરસેવાનાં ટીપાં પડતાં ત્યારે અંગેઅંગે કાળી બળતરા ઊઠતી, જંગલમાં ઊડતી જાતજાતની માખીઓ ને જાતજાતની જીવાત એના ઉપર બેસીને ડંખ મારતી, ને અંગમાં ભાલાં ભોંકાયાની વેદનાની ઝાળ ઊઠતી.

એકલદંતી

‘ હવે કોઈક સારું મોટું ઝાડ આવે ને સારું વા – બારું હોય ત્યાં મુકામ કરજો. ’ રામજીભાઈએ ચોકિયાતને સૂચના આપીઃ ‘ તમે ચાલવા માંડો. હું જરા ચલમ લગાવીને આવું. ‘

કોઈ જબરો અજગ૨ સંચરતો હોય એમ જીવતી સાંકળ આગળ ઘસડાવા માંડી. ને એક ઝાડના થડને અઢેલીને રામજીભા પોતાના પગ લાંબા કરીને , જેરબંધ બાજુમાં મૂકીને ચલમ તૈયા૨ ક૨વા બેઠા.

કમર ઉ૫૨ ધોતિયાની ઓટીમાંથી એમણે ચલમ કાઢી ખંખેરી , બંડીના અંદરના ખિસ્સામાંથી ચકમક અને લોઢું કાઢ્યાં. માથે ઓઢેલી લાલ મખમલની ટોપીમાંથી ખાસ નગરથી મગાવેલી કેળવેલી તમાકુ કાઢી. ચકમક ને લોઢું ઘસીને એમણે તણખા ખેરવ્યા, એક લૂગડાની બનાવેલી કળીમાં ઝીલ્યા, પછી ચલમ ઉપર મૂકીને બેચાર દમ ખેંચ્યા. ચલમ સળગી.

રામજીભાએ ચલમ સળગી કે તરત જ ચકમક ને લોઢું સંભાળીને ગજવામાં મૂક્યાં. કળીનો મોગરો હાથથી બુઝાવ્યો. ચકમક ને લોઢા માટે જંગલમાં સાવધાની રાખો એટલી ઓછી, એકાદ તણખો જો ભાગે ને ઘાસમાં પડે તો …. પણ ના, રામજીભાઈએ આસપાસ નજર કરી. ‘ પોરી ’ – ભોંયતળિયે ઊગતું અને સુકાઈ ગયેલું ઘાસ ચેતી ઊઠવાનો સંભવ જ નહોતો. હવે રામજીભાએ ઝાડના થડને કાયા અઢેલીને ચલમના દમ ખેંચવા માંડયા.

સંસ્મરણોની મીઠાશ અને એમાંથી પેદા થતાં આવતી કાલનાં દિવાસ્વપ્નોની ઝળકથી અંજાયેલા રામજીભાના કાન એકાએક ચમકી ઊઠ્યા. એણે બંદૂકનો ભડાકો સાંભળ્યો ; ને ભડાકાના અવાજમાં દબાતી છતાં ન દબાતી , કાળી ચીસ સાંભળી.

એ અવાજના પડઘા જેટલી ત્વરાથી રામજીભા ઊભો થઈ ગયો. ચલમ બુઝાવી નાખી. જેરબંધ કમરે લટકાવી લીધો. બંદૂક તપાસી લીધી. ને પછી ખભે બંદૂક ચડાવીને ઘોડા ઉપર એક આંગળી તત્પર રાખીને એ આગળ દોડ્યો – જે પગદંડી ઉ૫૨ થઈને એની શયતાની સાંકળે લોહિયાળ ચીલો ચીતર્યો હતો એ ઉપર.

દોડતાં એણે બીજી ચીસ સાંભળી. ગુલામોને વાગતા જેરબંધ કરતાં પણ વધારે તીખાશથી એ ચીસ જાણે એના પગની પિંડીએ વાગી. રામજીભાના દોડવામાં ઊડવાની ઝડપ આવી.

શું થયું હતું ? બંદૂકનો અવાજ તો ચોકિયાતો વગર બીજો કોણ કરે ? શા માટે એમણે અવાજ કર્યો ? આ ચીસ કોણ પાડે છે ? એવડી શી આપત્તિ હશે ? શું થાક , ભૂખ અને તાપને લીધે ગુલામોનાં માથાં ભમી ગયાં હશે ? જો એમ હશે તો …. વાક્ય પૂરું કર્યા સિવાય રામજીભાએ હોઠ પીસ્યા, દાંત કચકચાવ્યા – જાણે એકએક દાંત વડે એ એકએક ગુલામની ચામડી તોડતો હોય એવા ખૂનથી.

હવે તો કોલાહલ વધ્યો. ચીસો , હોકારા , બધાને પોતાના ઉદરમાં ભરતો , દાબી દેતો , હજારો માખીઓના ગણગણાટ જેવો કોલાહલ સંભળાયો. એક બંદૂકનો અવાજ – એક ચીસ – સાંકળોનો ખણખણાટ – એટલાં આ કોલાહલમાંથી જાણે અલાહેદાં તરી આવ્યાં.

દોડ્યો – રામજીભા દોડ્યો. શકરો જેમ શિકાર ઉપર ચડે એટલા વેગથી એ દોડ્યો. પંખીઓ એની દોડથી છળીને કલરવી ઊઠ્યાં. નાનાં રાની પશુઓ એની દોડથી ભય પામી નાસભાગ કરવા લાગ્યાં. ઝાડનાં સૂકાં પાંદડાંઓમાં મોઢું ફાડી બેઠેલા એક અજગરે એની સામે મ્લાન રોષથી જોયું , પણ રામજીભા દોડ્યો , કશું જોયા સિવાય , આસપાસ નજર કર્યા સિવાય જ દોડ્યો.

પાએક માઈલ દૂર જંગલના એક ઉઘાડા ચોકમાં એ આવીને ઊભો અને એણે એની આંખ સામે જે દૃશ્ય જોયું , એથી એની આંખો ફાટી ગઈ.

ઘનઘોર જંગલમાં ઉઘાડો ગોળ ચોક હતો ને એ ચોક ઉપર મધ્યાહ્નનો સૂર્ય સળગતા તેજથી સીધાં કિરણો વડે પ્રકાશતો હતો. એ ચોકની વચમાં આલનું એક મોટું ઝાડ હતું. કંઈક જમાનાઓ એ વૃક્ષરાજે જોયા હોય એમ એના ઘેરાવદાર થડને અવસ્થાનાં એંધાણ લાગ્યાં હતાં. એ ઝાડની નીચે એના વીસ ગુલામો હતા અને બે ચોકિયાતો હતા.

ને સામે – હવે તો માત્ર માંડ પચ્ચીસ વાર જેટલે દૂર – એક એકલદંતી ગેંડો ઝનૂની છીંકો ખાતો એ ટોળા ઉપર ધસતો આવતો હતો.

ગેંડો ! એકલદંતી ગેંડો ! આફ્રિકાના જંગલનો મૂર્તિમંત ભય ! યમરાજની જીવંત પ્રતિમા સમો ગેંડો ! એકલદંતી ગેંડો જ્યારે છંછેડાઈને માનવી સામે જુદ્ધે ચડે છે ત્યારે એનામાં વાઘની લોહીતરસ , સિંહની બેપરવાઈ , તરસની નિષ્ઠુરતા અને શિયાળની લુચ્ચાઈ એકસામટાં જાગે છે. ગેંડો જ્યારે અંગારઝરતી આંખે જમીનસરસું નાક રાખીને પાછળ પૂંછડી ઊભી સીધી ધરીને નાના સરખા દડતા ડુંગર જેવો ધસે છે , ત્યારે મહિષાસુરની કવિઓની સર્વ કલ્પનાઓ ફિક્કી લાગે છે.

બૂમોથી એ થડકતો નથી. બંદૂકની ગોળી એની ચામડી સાથે અથડાઈને નીચે પડી જાય છે. આગનો એને ડર નથી. લોકસંખ્યાનો એને ભય નથી. કશી – કશી જ દહેશત નથી એને. ગોફણ જેમ ઊડતા એ જીવતા પહાડમાં ખૂનની પ્યાસ રોમેરોમમાં અગન જલાવે છે.

એવો એકલદંતી ગેંડો – આફ્રિકાનાં અંધારા જંગલોનો અનામી ભય સજીવ બનતો હોય એવો – જ્યારે એનું એક શીંગડું ભાલાની જેમ આગળ ધરીને માનવી સામે દોડે છે , ત્યારે માનવી માટે એકમાત્ર સલામત સ્થાન , જોજન દૂરનું સ્થાન છે.

જંગલના યમ – નિયમથી અપરિચિત એવા એક ચોકીદારના સિસકારા ને પડકારથી છંછેડાયેલો ગેંડો માનવીના ટોળા ઉપર દોડતો આવ્યો હતો. ભયથી થરથરી ઊઠેલા ચોકિયાતો બંદૂકોના નકામા બાર કરીને જમીન સાથે જડાઈ ગયા. નર્યા ભયથી એમનાં અંગેઅંગ થથરી ઊઠ્યાં.

વીસ ગુલામોએ કાળી ચીસો પાડવા માંડી. તેઓ તો ભયના પ્રકારને પારખી શકતા હતા. નાસભાગ કરવાને ગુલામોએ ખેંચતાણ કરવા માંડી. અને એક સાંકળે બંધાયેલા વીરો ગુલામો ખેંચતાણથી નીચે ભોંય પર ઢગલો થઈને પડ્યા.

ને હૂહૂકાર કરતા ભૈરવ શો ગેંડો આવ્યો. એનું એકલશૃંગ એણે એ માનવઢગમાં ઘોંચ્યું. માનવઢગ ઉ૫૨ એ કૂધ્યો. માનવલોહીની ગંધથી એનું ઝનૂન ગાંડપણમાં પલટાયું. માનવીઓના ઢગલા ઉપર ઊભા રહીને ગેંડાએ વિજ્યના કેફમાં ભયાનક ભભકાથી પોતાના પગ પછાડ્યા ને ચોપાસ લોહીના છાંટા ઊડ્યા. વાંસમાંથી ઝંઝાવાતનો પવન તીણી લાંબી સિસોટી જેવો સૂસવતો હોય એવી સિસોટી એણે બજાવી , જંગલ જાણે મૂક ને મૂઢ બની ગયું.

જ્યારે લોહીની પ્યાસથી ગાંડા બનેલા ગેંડાની સિસોટી બાજે છે ત્યારે જંગલની સૃષ્ટિ થીજી જાય છે. ત્યારે હાથીઓ દૂર ભાગે છે. વાઘ ને સિંહ પોતાની બોડમાં લપાઈ જાય છે. પંખીઓ માળામાં ભરાઈ જાય છે. વહેતો પવન ને વહેતાં નીર પણ થંભી જાય છે. જીવનમાં એક વાર જેણે નર્યા ત્રાસનાં સત્વબિન્દુઓ સમી આ સિસોટી સાંભળી છે તેના કાનમાંથી મરણ સુધી એના ભણકારા જતા નથી. વરસો પછી મધરાતે પથારીમાંથી પરસેવે રેબઝેબ થઈને માણસોને ઊઠીને ભાગતાંયે સાંભળ્યાં છે.

સિસોટી બજાવીને ગેંડો નાચ્યો. એના ડુંગર જેવડા દેહે , એના વિકરાળ ઝનૂને અને એના અતૂટ ભાલા જેવા એકલશૃંગે જોતજોતામાં વીસ માનવીઓના દેહોને લોહી, માંસ ને હાડકાંના ઢગમાં ફેરવી નાખ્યો. આભના ટાંકા તૂટતા હોય એવી ગેંડાએ છીંકો ખાધી. અને પછી એ ચિરાયેલાં માંસ ને ભાંગેલાં હાડકાંના ઢગમાં એણે માથું નાખ્યું ને ખૂની મસ્તીથી એણે વપ્રક્રીડા ખેલવા માંડી.

ચોપાસ ઝાડનાં પાંદડાંઓમાં ને થડ ઉપર , જમીન ઉપર ને માળે લપાયેલાં પંખીઓ ઉપર લોહીના છાંટાઓ ઊડ્યા. હાડકાંની કાંકરીઓ ઊડી. માતેલા આખલાએ જાણે ખળું ખૂંદ્યું. અને પછી લોહીના ઢગમાં ગેંડો આળોટ્યો ને ફરીને એણે સિસોટી બજાવી. પછી પોતાની કાયાને ખંખેરીને ધીમે પગલે વિજયની છીંકો ખાતો ગેંડો આવ્યો હતો એ દિશા તરફ પાછો ચાલ્યો ગયો.

ફાટેલી આંખે રામજીભા આ દૃશ્ય જોઈ રહ્યો. એનું અંગેઅંગ લોહીના છાંટાઓથી ખરડાયું હતું. એના માથા ઉપર, એના પગ પાસે , માંસના તૂટેલા પિંડો વેરાયા હતા. એનો ચહેરો ઉજજડ બની ગયો હતો.

ગેંડો ગયો. બે ચોકિયાતો જીવ લઈને ભાગ્યા , પણ રામજી ઊભો રહ્યો. એની આંખો જાણે હજીયે એ ભયાનક દેખાવને નજરે નિહાળતી હોય એમ લોહી ને માંસના ઢગ ઉપરથી ખસતી ન હતી. વીસ માનવીઓને એણે ભંગાઈ – બૂંદાઈ જતા જોયા હતા. અસહાય પરવશતાથી મરણચીસો સાંભળી હતી. હજીયે સંભળાતી હતી. શું એની આંખ આગળથી કદી આ દેખાવ ખસશે ? શું એના મનમાંથી કદીય એ ચીસના પડઘા શમશે ?

‘દરિયાલાલ’ નવલકથા video

ચોકિયાતો ભાગ્યા હતા ને પોતેયે દૂર ઊભો હતો.
પણ વીસમાંથી કોઈ ન ભાગીછૂટ્યું. ક્યાંથી ભાગીછૂટે ? એમનાથી ભગાય એવું ક્યાં હતું ? લોઢાની સાંકળે એણે જ શું એમને નહોતા બાંધ્યા ?

રામજીભાએ કંઈક માણસોને કંઈ કેવાં કમોતે મરતાં જોયાં હતાં. પણ આવા બિભીષણ કમોતે તો કોઈ મરી શકે એવી કલ્પના પણ સેવી ન હતી. એવા મોતે એ મર્યાં – એને પોતાને કારણે ?

એના અંતરતમ અંતરમાંથી કોઈકે જાગીને ઊઠીને જાણે એને તમાચો માર્યો. અરે, જીતવા, તું કોણ ? કયા મુલકનો ? કયા માબાપનો ? આળસુ માણસોને પણ અનાજ આપીને જિવાડનાર દેશનો એ વાસી, જ્યાં ખોડાં ઢોરને પણ કોઈ સતાવતું નથી, હડકાયાં કૂતરાંને પણ મારતું નથી, વિષધર ફણિધરનેય કાંકરીચાળો કોઈ કરતું નથી , એવા મુલકનો એ … … …. … ભાટિયો !

ભાટિયો ! વૈષ્ણવજન ! ગળામાં કંઠી ને કપાળમાં લાલ તિલક કરનારો ! એનાં માબાપ કોણ ? રોજ દિવસમાં ચારચાર વાર હવેલીએ જનારાં. બાયડી – છોકરાંને હેરાન ન કરાય એ ખાતર હજારોની ઉઘરાણી માંડી વાળનારાં , કૂતરાને પણ વાગ્યું હોય તો ઘેર લઈ જઈને પાટો બાંધનારાં, એવાં વૈષ્ણવ સંત માબાપનો એ પુત્ર.

એવાં માબાપના દીકરાએ દેશાવરની દરિયાખેડ કરી, અને શી કમાઈ કરી ? અરે , એની મા એને જુએ તો જિંદગીભર એના હાથનું પાણી પણ ન પીએ, એનો બાપ એને જુએ તો જિંદગીભર એના મોઢા સામે ન જુએ ; અરે, ખંભાળિયાના એના લંગોટિયા ભાઈબંધો જો આ જાણે, તો એના મોં ઉપર થૂંકે.

પણ નહીં … કયો અંધાપો વળગ્યો હતો એની આંખને ? કયાં પડળ બાઝ્યાં હતાં એના હૃદય ઉપર જીતવા ! દેશાવરમાં આવીને તેં કોનાં દારિદ્ર ફેડ્યાં ? તેં શું કર્યું ?

ક્ષણભર, એક ક્ષણ એની આંખ આગળ એનું બાળપણ, એનું ગામ, એનાં માબાપ રમી ગયાં. ઘી નદીને કાંઠે એ નાનું ગામડું , મનોહર વાડી , મીઠાં માણસ, એ બધુંય છોડીને એ આ નરકાગારના અંધારામાં આવ્યો ને એના અંધકારમાં નરકના કીડાની જેમ આળોટ્યો ! કોઈએ એના હાથ ન રોક્યા ! કોઈએ એને બે વેણ પણ ન કહ્યાં.

રામજીભા ક્યાંય સુધી ઊભો રહ્યો. એની આંખો અત્યારે અંદર ઊતરી ગઈ હતી. હૃદયની ઊજળી ને અંધારી કંદરાઓ ઊઘડી હતી, ને એમાં ગાય ને ગેંડાઓ ઘૂમતાં હતાં.

ખાલી હાથે

એકાએક એણે મોટા કિકિયાટા સાંભળ્યા. એણે ચમકીને ઊંચું જોયું. શિયાળવાના મોટાભાઈ સમાં આફ્રિકાનાં હાયેનાનાં ટોળે વળ્યાં હતાં ને ગેંડાની ઝનૂની મસ્તીમાંથી ખોરાક શોધતાં – શોધતાં કાળો કિકિયાટો બોલાવતાં હતાં.

રામજીભાએ નિસાસો મૂક્યો : ‘ અરેરે ! આ બિચારાઓના અવશેષ પણ હાયેના ખાઈ જશે ! એક હાયેનાને એક ખોપરી હાથ આવી. એ એને દેડવવા લાગ્યું ને બીજાં એની પાછળ કિકિયાટા કરતાં દોડ્યાં. રામજીએ હોઠ પીસ્યા. ભોંય પર પડેલી બંદૂક ઉઠાવી. ખોપરી દેડવી – દેડવીને અંદરથી મગજ કાઢવા મથતા હાયેના ઉપર એણે નિશાન લીધું. ભડાકો થયો. હાયેના ઊછળીને નીચે પડ્યું , ને બીજાં જીવ લઈને ભાગ્યાં.

હાયેના તો નધણિયાતા ખોરાકનું શોખીન. ખોરાક સાથે જરાય જોખમ ભાળે તો એ દૂર ભાગે. ફરેબી મતલબનાં મેલાં હાયેના પૂંછડી પગમાં ભરાવી કાન સરવા કરી ભાગ્યાં. રામજીભાએ બંદૂક નીચે મૂકી. ‘ આટલાં વરસ અહીં રહ્યો , ’ એણે નિશ્વાસ મૂક્યો : પણ લોકોનાં રીતરિવાજ ન જાણ્યાં ! એના છેલ્લા સંસ્કાર કેમ થતા હશે ? ”

રામજીભા જાણે સ્મૃતિપટ ખોળી વળ્યો. માથું ધુણાવીને થોડી વાર રહીને મનમાં બોલ્યો, ‘ કોઈ ખબર નથી, ક્યાંયથી સાંભળ્યું યે નથી. કાંઈ નહીં. આપણા સંસ્કાર તો કરું ! ‘

દૂરદૂર ઝાડીમાં સંતાતાં ફરતાં હાયેનાનાં ટોળાં ઉપર નજર નાખી રાખીને રામજીભાએ વનરાઈમાંથી ઈંધન એકઠાં કરવા માંડ્યાં. નજીકમાં જ એક વા – બારુ પડ્યું હતું , એટલે નાનાંમોટાં ઈંધન એકઠાં કરતાં એને ઝાઝી વાર ન લાગી. ખભે બંદૂક રાખીને, ઘોડો ચડાવેલો રાખીને , હાયેનાનાં ટોળાં ઉપર એક આંખ માંડીને રામજીભાએ બીજા હાથે ને બીજી આંખે વેરણછેરણ થયેલા માંસના ટુકડા ને હાડકાંના કકડા એકઠા કર્યા.

એણે લોહી અને માંસના ઢગની આસપાસ ચિતા ગોઠવી, આગ રવરવતી હોય એમ એ ઢગ ૨વ૨વતો હતો. રામજીભાને પોતે આદરેલા કામથી કમકમાં આવતાં હતાં, પણ કાળજું કઠણ કરીને એ કામ કર્યે જતો હતો .

રામજીભા એકાએક ચમકી ગયો. શું ઢગ સળવળ્યો હતો ? ધ્યાનથી એણે આંખ અને કાન માંડ્યા. ખરે જ કાંઈક નિસાસા જેવું સંભળાયું કે ખાલી ભ્રમણા ? શું આમાંથી કોઈ જીવતું હોવાનો સંભવ છે ? રામજીભાએ ઢગ ખંખોળવા માંડ્યો. લોહી અને માંસ ઉથામતાં એને દિલમાં થડક આવી જતી હતી, પરંતુ એમ છતાં એણે ઉથામવાનું ચાલુ રાખ્યું. અંદરથી લોખંડના ટુકડા ને સાંકળના અંકોડા નીકળતા હતા. રામજીભાએ એ બાજુ ઉપર તારવવા માંડ્યા.

છેક જમીન સ૨સો એ આવી ચૂક્યો. એના હાથ જમીનને ઘસી રહ્યા, ને રામજીભાને રામનાં રખવાળાંનો એક અજબ પરચો નજરે દેખાયો. જે જગ્યાએ ગુલામોની સાંકળ આમતેમ ખેંચાઈતણાઈને ઢગલો થઈ પડી હતી એ સ્થળે એક નાનો ખાડો જમીનમાં હતો. તે ખાડામાં એક ગુલામ પડ્યો હતો ને બીજા એના માથે પડ્યા હતા. નાના ખાડાની બેય બાજુની કિનારીએ ખાડામાં પડેલા ગુલામોમાંના એકને ગેંડાના ઉત્પાતથી ઉગારી લીધો હતો. જ્યારે ઓગણીસનાં કલેવર રોટલાની કણકની જેમ ગૂંદાયાં – છૂંદાયાં હતાં , ત્યારે આ વીસમો માણસ ભયથી કેવળ બેભાન પડ્યો હતો.

એને વાગ્યું હતું, ગેંડાનું દંતૂશળ વીંધતું વીંધતું એને પણ ખોતરી તો ગયું હતું , બેચાર સ્થળેથી માંસ ને ચામડી પણ ઉત૨ડાયાં હતાં . એ બધું છતાં આ માણસ જીવતો તો હતો ! બેભાન હતો , પણ એનો શ્વાસ ચાલતો હતો. રામજીભાઈએ એને લોહીખાડામાંથી જુદો તારવ્યો. ચિતાની આસપાસનું સૂકું ઘાસ કાપી નાખીને પછી ચિતા જલાવી. ને ઓગણીસેયના અગ્નિસંસ્કાર કરીને રામજીભા વીસમા અવશેષના દેહસંસ્કાર વિચારતો બેઠો.

એણે એ બેભાન માનવીના મુખ ઉપર પાણી છાંટ્યું. એના સૂકા કંઠમાં પાણી રેડ્યું. એના જખમો ધોયા , અને એના ઉપર ઝાડનાં પાંદડાં બાંધીને પોતાની પછેડીના ચીરાના પાટા બાંધ્યા. અને પછી પોતાના બે ગોઠણો ઉપર માથું નાખીને રામજીભા એની પાસે બેઠો. પોતે ખાધું હતું ? ક્યારે ખાધું હતું ?

લેખક – ગુણવંતરાય આચાર્ય, ટાઇપીંગ અમરકથાઓ ગ્રુપ

નોંધ – આ પોસ્ટની કોપી કરીને કે પોતાના નામે રજુ કરવી ગેરકાયદેસર છે, તમામ કોપીરાઇટ લેખકશ્રીના છે.

આ વાંચવાનુ પણ ચુકશો નહી

અઘોર નગારા વાગે ભાગ 1

અઘોર નગારા વાગે (ભાગ -1) અમેરીકન યુવતી અઘોરીની જાળમા

દરિયાલાલ નવલકથા - ગુણવંતરાય આચાર્ય

દરિયાલાલ નવલકથા Pdf Book

માનવીની ભવાઇ

માનવીની ભવાઇ નવલકથા – પન્નાલાલ પટેલ (ભાગ 2) “ભૂખી ભૂતાવળ”

મળેલા જીવ નવલકથા - પન્નાલાલ પટેલ

મળેલા જીવ નવલકથા – પન્નાલાલ પટેલ | Malela Jiv 1941

પીળા રૂમાલની ગાંઠ

પીળા રૂમાલની ગાંઠ નવલકથા 1 – હરકિસન મહેતા Book

1 thought on “શયતાની સાંકળ ભાગ 1 દરિયાલાલ નવલકથા | Dariyalal Navalkatha Read online”

  1. Pingback: પરીક્ષા પાઠ | પન્નાલાલ પટેલ ધોરણ 7 - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *