12950 Views
ગુજરાતી નવલકથા માનવીની ભવાઇમાથી ‘ભૂખી ભૂતાવળ’ ધોરણ 10 જુના પાઠ્યપુસ્તકમાં આવતો એક પાઠ છે. આ પ્રકરણમાં છપ્પનિયા દુષ્કાળનું કારમું વર્ણન કરેલુ છે. ગુજરાતી શ્રેષ્ઠ નવલકથાઓમાં સ્થાન પામતી માનવીની ભવાઇ pdf book – Manvi ni Bhavai Novel Pdf, છપ્પનિયો દુષ્કાળ.manvi ni bhavai book pdf
ભૂખી ભૂતાવળ – માનવીની ભવાઇ
કાળુની વાટમાં આવતો વગડો, આ છપના કાળનો માર્યો જાણે ‘ ખાઉં ! ખાઉં ! ’ કરી રહ્યો હતો. પક્ષીઓય ભૂખેતરસે વલવલતાં હતાં. ચૈતરના વાયરા લૂય સાવ લૂખી ! ત્યારે બળીજળી ધરતી તો કાળુના પગને – દુશ્મન બની બેઠી હોય તેમ ખોયણાં જ ચાંપતી હતી.
પણ કાળુનું એ તરફ ધ્યાન જ ન હતું. મગજમાં એક જ વિચાર ઘૂમતો હતો : ‘ રાજુ, પેલા શાહુકારને પોતાની કાયા તો નઈ સોંપી દે ને ? ’
તો બીજી બાજુ એને ગળા સુધી ભરોસો હતો : “ધરતીનું પડ ભલે ફરે , પણ રાજુ નઈ ફરે ! … એ ભલેને ભૂખની મારી કાલ મરતી તે અત્યારે મરે, પણ… ‘
અને કાળુ આ શંકા લાવવા બદલ પોતાની જાતને તિરસ્કારી રહ્યો ‘ ફટ ગોઝારા ! તીં હજુય રાજુને નથી ઓળખી ? એ ચોરી કરશે , લૂંટ ચલાવશે – અરે વીફરે તો વાઘણની પેઠે કંઈક ભાઈઓના ઘાણ કાઢી નાખે ; પ … ણ, ‘ એ ’ વાત તો કાચી પડે … ‘
છતાંય કાળુએ પેલા અનાજની ગાંસડીઓનો ને ઘરનાં માનવીઓનો હિસાબ ગણ્યો … ‘ રાજુ કરકસર કરીનેય એક મઈનો તો ખેંચી કાઢશે ! ‘ અને એણે નક્કી કર્યું : તોય પંદર દનમાં તો એક આંટો મારી જ આવીશ. ’
આ સાથે ભલીના પગની ચૂડીઓ, કાંટો ને લોળિયું – અરે બલોયાંની ચીપો ને બે – ત્રણ વીંટીઓ ( ચાંદીની ) ય એણે ગણી કાઢી ; હોકે વીંટેલા આઠ – બાર આની ભારના વાળા ગણવાય ન ચૂક્યો, બબડ્યો : ‘ આ બધું ફૂંકી ખાતાં બીજો એક મઈનો નઈ નીકળે ? ને ‘
પેલી ગાંસડીઓ, ને દરદાગીના ઉપર બે માસ કાપી નાખતાં એણે સવાલ કર્યો : બાર બાર મઈનાનો ગયેલો વરસાદ જેઠના પાછલા પંદરોમાંય નઈ વળે કાંઈ ? ’
અને જાણે જેઠનું પાછલું પખવાડિયું અત્યારે જ ન આવી ઊભું હોય તેમ કાળુ બોલી ઊઠ્યો : ‘ ચોમાસું બેઠા પછી તો ઝખ મારે છે. ઝાડોની કૂંપળો ને ભાજી ખાઈનેય દન કાઢશું, પણ એકવાર વરસાદ વરસે છે ? …’
આ બધી ગણતરીને લીધે હોય કે પછી ગામની સીમ આવવાથી હોય , કાં તો ઢળી ચૂકેલા સૂર્યની ઓછી પડેલી ગરમીનેય આભારી હોય, એણે જોરથી પગ ઉપાડ્યો. – અમરકથાઓ
પણ એ ઊપડ્યો પગ અધ્ધર જ રહી ગયો ! ગામની ઓતરાતી પા નદીને પેલે છેડેથી ચીસ સંભળાઈ : દોડજો – ઢોરોમાં ધાડ પડી, દોડજો, ઈ … ‘
કાળુના અંગમાં એક આછી કંપારી ફરી વળી. અરે આસપાસનાં ઝાડ અને હવામાં શાંતિનો સન્નાટો બોલી રહ્યો
પણ ત્યાં તો પેલી બૂમનો જવાબ આપતા ગામે જાણે આભલાં ગજવી મૂક્યાં : હોઈ આવ્યા … હોઈ ! … હાય રે હાય ! … કેટલે જાય વેરી ! દોઢા ‘ લે દોઢા … સામી ડુંગરીએ નાખજો ખાંગા ઈ ! … ’
થાંભલો બની ઊભેલો કાળ ભાનમાં આવ્યો. એનું અંગપ્રત્યંગ કંપી ઊઠ્યું – શૂર ચડ્યું ! પગ ઉપાડ્યા ને ફંટાયો ડાબે હાથ. ન શેઢા ગણ્યા ન ગણી પાળો – એક – બે ઠેકાણે તો માથા ભરભરની વાડોય ‘ બિડંગ ’ કરતો ઠેકી ગયો. જ્યારે બાંટાં તો જાણે દોડતાં આવી પગ વચ્ચેથી જ નીકળી જતાં હતાં … નદી કાંઠે જતાં એણે એક જ રાડ પાડી : ‘ હા ……. ૨૨ વેરી ! ધીરો રે’જે – હોઈ આવ્યો. ગણી લેજે ઘડીઓ ગણવી હોય તો ! ‘ અને કિલકારી કરી : ‘ ઈ … ‘ –
ગામમાં બે જ જણના બુલંદ અવાજ હતા : એક કાળુનો ને બીજો વેચાતનો સૌ કોઈ એ અવાજ પારખતા હતા અને તેથી જ તો ડુંગરીઓમાં વેચાત રાડ પાડી ઊઠ્યો ને ? ‘ ભાર નથી ! આવ્યો છે મારો ભેરુડો ઈ ! … ‘
પણ આ ભેરુડો તો એ અવાજ તરફ જવાને બદલે બાજુમાં ફંટાયો … ઝાડીઝાંખરાંમાંય કાળુ ઉગડિયે ઉગડિયે ધપ્યે જતો હતો – સરતો હતો , વાળમાં જેમ જૂ સરે !
પણ એનો અર્થ એમ નથી કે કાળુ આ વનવગડાનાં માનવીઓ કરતાં વધારે દોડતો હતો. અરે એમનામાંના કોઈ કોઈ તો દોડતાં સસલાંને પકડી લેનાર હતાં. પણ શું કરે ? એક તો ભૂખનાં મારેલાં હતાં ને બીજાં માર્યાં ઢોરે ! લાકડી મારીને ભેંશોને ઘણીય દોડાવતા હતા, પણ એ ઠંડી જાત દોડી દોડીનેય કેટલી દોડે !
છતાંય ગામની વા’૨ આવે એ પહેલાં તો એ લોક ડુંગરીઓમાં પેસી ગયાં. અને પછી તો – કહેવત કંઈ ખોટી નથી : પિયરમાં પેઠેલી છોકરી ને ડુંગરે ચઢેલો ભીલ ! કદીય કોઈને ન બદે ( માને ).
દાંત પીસતા ને હાથ ઘસતા રામો , ભગો , નાનો , કોદર વગેરે જુવાનો અને શંકરદા , કાસમ સરખા આધેડ ‘ રોઈ ઊઠ્યા ભા ! હવે શું ટકવા દે આપણને ! .. … લૂંટાયા એને નથી રોતા પણ રોવાનું છે ઘર ભાળી ગયા એને … ‘ વગેરે બળાપો કરતા પાછા ફર્યા.
જ્યારે ગામમાં તો રો – પીટનો કાળો કેર થઈ રહ્યો હતો. પણ એય ગયું એને નહતાં રોતાં, રોતાં હતાં ‘ હતું ’ એને માટે. ભયંકર ભાવિ માટે મા રોતી હતી, મા રોતી હતી માટે બાળકો છળી જતાં હતાં …
કોણ કોને દિલાસો દે ? આભ ફાટ્યાં પછી થીંગડાં ક્યાં દે ? ડુંગરા રૂઠ્યા ત્યાં શરણું કોનું શોધે ? આખાય ગામમાં જો રોકકળ કમ થઈ હોય તો એક વેચાતને ઘેર ; કારણ કે એની સાત ભેંશોમાંથી બે પાછી લાવ્યો હતો. અલબત્ત આડીઅવળી રહી ગયેલી ગામની ચારેક ભેંશો સાથે.
તો પેલી બાજુ કાળુને ત્યાં ભલી બારણે માથાં પછાડતી હતી. ‘ વેચાતભાઈ તો એકલા આવ્યા ને કોઈ જાઓ રે … મારા આદમીની કોઈ ખબર કરો ! … હાય હાય ! હવે શું ! કાળનો માર્યો એ પીટ્યો ધાડમાં પડ્યો હશે ને ભીલાંએ…… હાય હાય રે ! કોઈ જાઓ. રામાભાઈ ! કોદરભાઈ ! ઘણા દન ભેગા બેસીને તમાકુ પીધી છે ને ભૂંડા ! કોઈ તો એની ખબર કરો ! … ‘
તો વળી વેચાતનેય વીનવી આવી.
વળી પાછા પંદરેક જુવાનો નીકળી પડ્યા …
www.amarkathao.in
બાજુમાં ફંટાયેલો કાળુ, એકી શ્વાસે ડુંગરી ચઢતો ને ઊતરી પડતો એક નાનકડી ઘાંટી આગળ જઈ પહોંચ્યો. મોટા મોટા પા’ણા લાવીને એણે એ ઘાંટીની ઉપલી ધાર પર ગોઠવી દીધા. મ્યાનમાં તલવાર ઢીલી કરી રાખી. ને કામઠા પર તીર ચઢાવી એક ખાખરીનું ઓથું લઈ ને ધાડની રાહ જોતો બેસી રહ્યો.
સરવા કરી રાખેલા કાળુના કાન પર કોઈ મરતા – કપાતા ઢોરનો છેલ્લો અવાજ પડ્યો : ‘ ભેં ! … ’ ને એ બબડ્યો : ‘ કાં તો આ ઘાંટી વટાવતા વટાવતામાં તો બધાંય ઢોર પૂરાં થઈ જાય ! ‘ વળી એ ઊઠ્યો ને દબાતો દબાતો બીજી ડુંગરી ચઢ્યો.
અને ચઢતાંની સાથે જે દૃશ્ય જોયું એ તો કાળુ એના અવતારમાં – અરે સાત અવતારેય નહિ ભૂલી શકે ! વીસ પચ્ચીસ હાડપિંજર, પેલા મરેલા ઢોર ૫૨ તૂટી પડ્યાં હતાં, દાંત જ છરીઓ હતી ને દેવતા તો પેટમાં ભડભડતો જ હતો ને ? કાળુ કંપી ઊઠ્યો. ક્ષણભર તો એને વહેમ પડ્યો : ‘ માણહ કે પછી ગીધડાં છે ? ’
ગીધની જેમ જ થઈ રહ્યું હતું : કોઈ પેલાં છોકરાંને હડસેલો મારતું હતું તો કોઈ ડોશી વળી ખૂન પીતી હતી. ઢોરના અક્કેક પગે બબ્બે જણ બચકાં ભરતાં હતાં, જ્યારે તલવારો સાથે ચડી બેઠેલા પેલા બે જણ તો કાપી કાપીને – લંગોટી ઉપરાંત કપડું હોય તો ખોળોય વાળે ને ? બગલમાં મારતા તો વળી પેટ ને સાથળ વચ્ચે દબાવતા હતા. તલવારનો ડર હતો તોય કોઈ કોઈ એકાદ લોચો તાણી લેતું.
કાળુ કમકમી ઊઠ્યો. રોમરોમ ખડાં થઈ ગયાં. મારવાનું તો સૂઈ ગયું, આંખમાં આંસુ આવી ઊભાં : ‘ અરે તારું મૂળ જાય ભગવાન ! મનેખનાં જણ્યાંની આ દશા ! ’ ડુંગરા ફાટી પડે એવો નિઃશ્વાસ નાખતાં બબડ્યો : ‘જગતમાં ભૂંડામાં ભૂંડું જો કાંઈ હોય તો એક આ ભૂખ જ છે ! ‘
માનવીની ભવાઇ વિડીયો સ્વરુપે જોવા સાંભળવા માટે 👇
કાળુના હાથ કરતાંય મનમાં બાપની જેમ નામ કરી જવાની પેલી તમન્ના વધારે સળવળતી હતી. પણ અહીં પેલું ઢોર ને માનવી બધાંય મરેલાં હતાં પછી કોને મારે ? અરે મારવાનું તો એક બાજુ રહ્યું, પેલાં હાડપિંજરોની આસપાસ ટળવળતાં બે – ત્રણ બાળકોને જોઈ ઊલટાનો બૂમ પાડવા ગયો : ‘ અલે એ કાંજરો ! પેલાં બાપડાં છોકરાંને તો આપો કોઈ ! ‘
અને રખેને ક્યાંય બોલી પડાતું ! – એ બીકે હોય કે પછી પેલું દૃશ્ય અસહ્ય થઈ પડવાથી હોય, એ ત્યાથી ખસી ગયો, ને ‘ શું કરવું ? ’ એમ વિચારતો હતો ત્યાં તો પચાસેક હાડપિંજરોનું ટોળું પંદરેક ઢોર સાથે પેલી નાળ તરફ જતું જોયું. પેલાં ઢોરમાં પોતાની ભેંશ જોઈને તો વળી પેલી તમન્ના જાગી : ‘ એકલે હાથે મારી ભેંશ વાળી લઈ જઉં તો જ હું વાલા પટેલનો દીકરો ખરો ! ‘
અને વળી કાળુ પેલી ઘાંટી ઉપર જઈ બેઠો. તલવાર મ્યાન બહાર કાઢી ખાખરીનું ઓથું રાખી જોઈ રહ્યો. એ પચાસ માણસોના ટોળાએ માંડ દસ જણની જગા રોકી હશે. એમાં જુવાન હતા ને યુવતીઓય હતી, પણ માત્ર લંગોટીને સ્થાને ઝાડની છાલ ને પાંદડાં વીંટાળ્યાં હતાં. છતાંય ઓળખવાં ભારે પડી ગયાં. આજથી આઠેક માસ પર એક ઘડો ધાવણ ભરી રાખતાં પેલાં સ્તન, છાતીમાં પાછાં પેસી ગયાં હતાં, ચામડી લટકતી હતી પણ તેય જાણે રંગની કાળી રેખાઓ ન દોરી હોય. જ્યારે પાછળ આવતાં ડોસાડોસી તો ઢસરડા જ તાણતાં હતાં, કાયાના ને જીવતરનાય ! આ બધાંના પગમાં અટવાતાં છોકરાં : ‘ ખાવું આઈ ! ખાવું ! મરી ગઈ રે … ઓ આઈયા ! … ’
આમ બોલવાનીય શક્તિ ખોઈ બેઠેલાં માત્ર આછા આછા આર્તનાદો જ કાઢતાં હતાં.
કાળુ જાણતો હતો કે એમના હાથપગમાં એક તણખલું તોડવા જેટલીય શક્તિ નથી પણ અત્યારે આગળ ચાલતાં પેલાં ચારપગાંના જોરે જ આટલુંય જોર આવ્યું છે … ને – અમરકથાઓ
એ ઢોર ને માનવી પેલી ઘાંટી લગોલગ આવે ન આવે ને એક જણાએ – બે પાંચ જણાના ના કહેવા છતાંય એક પાડીના ગળા પર ખાંડું ઝીંકી પાડ્યું. ને પેલા ‘ ના, ના, ’ કરનારાઓએ પણ એક્કેકું સુવરાવી દીધું. અને એ પડેલાં ઢોર પર – જાણે ગોળના ઢેફા પર મકોડા ફરી વળ્યા ! …
તો હથિયાર વગરના હાથ ઘસવા લાગ્યા. માગવા છતાં કરગરવા છતાંય કોઈએ તલવાર ન આપી. ને કેવી રીતે આપે ? પેલો ઢોર પર ઝીંકે એટલી વારમાં જ અહીં જીવ નીકળી ગયો તો ? પાંચ – દસ ક્ષણ આ નિઃશસ્ત્ર માનવી મૂંઝાઈ રહ્યું. પેલા લોક બચકાં ભરીને ને લોહી પીને જાફત ઉડાવતા હતા, જ્યારે આમને …
અને સાચે જ, જો પેલાં ઢોર શાંત ઊભાં રહે એમ હોત તો આ લોકો વાઘની જેમ વળગીને બચકાટી ખાત ! માણસ હોત તોય ગળે ફાંસો દઈને મારી નાખત. પણ આ આવડા મોટા ઢોરને તે …
એક ટોળીએ છરીથી કામ લીધું તો બીજી ટોળીએ કુહાડીનો ઉપયોગ કર્યો. તો હથિયાર વિનાની ત્રીજી ટોળીએ પેલી ઘાંટી વચ્ચે એક ધોળિયું ઢોર પૂર્યું. બેઉ બાજુથી પથ્થરોનો મારો ચલાવ્યો.
ખુન્નસે ચઢેલા અશક્ત માનવીની અધીરતા ને પેલા સશક્ત ઢોરના ધમપછાડા ! …
રાજુને જવાબ આપતો હોય તેમ નિઃશ્વાસ નાખતાં કાળુ બબડ્યો : ‘ તું કે’તી’તી, પણ આજ તો મીં ધરાઈને ભૂખ ભાળી ! …
અને કાળુ મારવાનું તો ભૂલી ગયો પણ ઊલટાનો આ લોકની લાયમાં ભરાઈ પડ્યો. ક્ષણમાં તો અનેક વિચાર આવી ગયા : ‘આ લોક ક્યારે મારી રે’શે ને ક્યારે ખાવા ભેગા થશે ? ને બિચારું ઢોર ક્યારે છૂટશે ? – ’
અને કોણ જાણે કે એ તો પેલા ઢોરના બરાડા સાંભળીને કે પછી મારનાર લોકનાં હવાતિયાં જોઈને કે કાં તો પાછળ પાછળ ટળવળતાં ને જમીન પર આળોટતાં આક્રંદ કરતાં બાળકોને લીધેય હોય ! એણે ‘ ડિંગ ’ દેતીકને તલવાર ફેંકી : ‘ લો તમારી માના ધણીઓ ! ‘ આ સાથે જ એ ઊઠતોકને ચાલતો થયો, ભગવાનને શાપ દેતો ને ગાળો ભાંડતો ‘ કાળના પાડનાર ભગવાન, તારું મૂળ જજો તે માનવીની આ દશા કરી ! ….
પણ વાટમાંય જ્યાં જુએ ત્યાં એની એ જ ઉજાણીઓ ! કાળુને તો ખાતરી થઈ ‘ ગામનું બસો ત્રણસોય ઢોર દન આથમતામાં જાણે છે જ નઈ ! ‘ અને એને થવા લાગ્યું : ક્યારે આ ડુંગરીઓમાંથી બહાર નીકળી જાઉં.
પણ ડુંગરીઓ પૂરી કરી વાટે ચઢવા જાય છે ત્યાં પેલી જાળ નીચે એની નજર પડી. વાઘને જોતાં જેમ ઘોડીના પગ બંધાઈ જાય એવું જ એ દૃશ્ય જોતાં કાળુને થઈ બેઠું. બે – પાંચ ક્ષણ સુધી તો ન આગળ પગ ઊપડ્યો કે ન પાછળ. અરે, નજર પણ ત્યાંથી નહોતી ખસતી … પણ ત્યાં તો જાણે તૂટેલી કરોડરજ્જુ ચાલુ થઈ. સસલાની જેમ એ બાજુનાં બાંટાંમાં અલોપ થઈ ગયો. મનનેય મનાવતો હતો : ‘ ના ના , એ તો ડાકણ હતી. અરે ભાઈ, બૈરું મનેખ હતું પણ ખાતી’તી એ તો સસલું જ હતું ! … ‘
સસલાની જેમ ભાગતો છટકતો કાળુ વાટ ભેગો થયો ત્યારે જ એના જીવમાં જીવ આવ્યો. પણ કાળુનો કંપ તો હજુય નહોતો મટતો. હૈયું જોરથી ધડક ધડક કરી રહ્યું હતું. જ્યારે મગજ તો જાણે બહેર મારી ગયું હતું. સગી આંખે દેખવા છતાંય એ પોતાની જાતને વારંવાર પૂછ્યા કરતો હતો : ‘ આ શું સાચું છે ? ના ના , સમણું છે. હું કાં તો ઊંઘું છું કે પછી આવું તે હોય વળી ! …
અને સાચેસાચ કાળુનું મગજ ફરી જાત પણ ત્યાં તો સામેથી આવતા વેચાત, કોદર વગેરેને જોયા. કાળુની બાવરી આંખો એમનો અવાજ સાંભળી – શું બોલતા હતા એનો તો ખ્યાલ જ ન હતો – કંઈક ઠેકાણે આવી. ભાન આવતાંની સાથે જ એ જમીન પર બેસી પડ્યો. બેસતાંમાં રુદન છૂટ્યું … જાણે આજે જ માબાપ ન મરી ગયાં હોય ! – અમરકથાઓ
જ્યારે પેલા મિત્રો, વધી પડેલા ગભરાટ સાથે પૂછી રહ્યા : ‘ શું થયું કાળુ ? વાત તો કર … અરે ક્યાંય વાગ્યું તો નથી ? … ‘ તો વળી ભગા જેવાએ તો અવળું જ ફૂટી બેસાડ્યું : ‘ અરે ભાઈ, એનાં ઢોર ગયાં એટલે રુએ છે. શું કામ અમથી માથાફોડ કરો છો ? ‘
હૈયું હળવું થતાં કાળુએ ઊંચે જોયું. એ આંખો તો હજુય આંસુ છલકતી હતી. સિકલ ઉપરથી પણ રુદન નહોતું સુકાયું. અને કાળુની અત્યારની સ્થિતિ જોતાં તો લાગતું હતું કદાચ આ જન્મમાં નહિ જ સુકાય !
ઊભા થતાં એણે પેલા લોકોને આટલો જ જવાબ આપ્યો : ‘ કાંઈ નથી ભાઈ, પણ ભૂખ … ‘ સ્વગત બોલતો હોય તેમ : ‘ ના ના ! ભૂખ તો હજુ ભાળી જ નથી. આ તો ભાળ્યાં છે ભૂખ્યાં માનવી … માનવીય નઈ – ભૂખી ભૂતાવળ ! ‘
અને વળી પાછી એ મોટી આંખો ડબ ડબ કરતી ચૂઈ પડી …
કોદર – ભગાને તો ફાળ જ પડી : ‘ આવો આ ગાંડો તો નથી થયો ? … એ વગર કાળુ જેવાની આંખમાં આંસુ હોય નઈ ! ‘
✍ પન્નાલાલ પટેલ
Typing – amarkathao
આ પોસ્ટ પુસ્તક પરિચય હેતુ અને વધુમાં વધુ મિત્રો આ નવલકથા વાંચે એ હેતુથી મુકવામાં આવી છે. માટે મહેરબાની કરીને copy કરીને અન્યત્ર મુકવી નહી. માત્ર share કરી શકો છો.
માનવીની ભવાઇ ભાગ – 1 👈 અહીથી વાંચો
Manvi ni bhavai Novel pannalal patel.
Pingback: મળેલા જીવ નવલકથા - પન્નાલાલ પટેલ | Malela Jiv 1941 - AMARKATHAO
Pingback: "સિંહાસન બત્રીસી" બીજી પૂતળીની વાર્તા ભાગ 3 - AMARKATHAO
Pingback: માનચતુર અને ધર્મલક્ષ્મી - સરસ્વતીચંદ્ર નવલકથા ગોવર્ધનરામ ત્રિપાઠી - AMARKATHAO
Pingback: શયતાની સાંકળ ભાગ 1 દરિયાલાલ નવલકથા | Dariyalal Navalkatha Read online - AMARKATHAO
Pingback: સુખ દુઃખનાં સાથી - પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ - AMARKATHAO
Pingback: પીઠીનું પડીકું | પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ
Pingback: ગુજરાતી સાહિત્યની 50 યાદગાર વાર્તાઓ - AMARKATHAO