Skip to content

વાની મારી કોયલ – ચુનીલાલ મડિયાની વાર્તાઓ

વાની મારી કોયલ - ચુનીલાલ મડિયાની વાર્તાઓ
8267 Views

વાની મારી કોયલ – ચુનીલાલ મડિયા. ‘ઘૂઘવતાં પૂર’, ‘શરણાઈના સૂર’, ‘ગામડું બોલે છે’, ‘પદ્મજા’, ‘ચંપો અને કેળ’, ‘તેજ અને તિમિર’, ‘રૂપ-અરૂપ’, ‘અંતઃસ્ત્રોતા’, ‘જેકબ સર્કલ સાત રસ્તા’, ‘ક્ષણાર્ધ’, ‘ક્ષત-વિક્ષત’ એ એમના નવલિકાસંગ્રહો છે. ‘વ્યાજનો વારસ’, ‘ઈંધણ ઓછાં પડ્યાં’, ‘વેળા વેળાની છાંયડી’, ‘લીલુડી ધરતી’- ભા. ૧-૨, ‘પ્રીતવછોયાં’, ‘શેવાળનાં શતદલ’, ‘કુમકુમ અને આશકા’, ‘સધરા જેસંગનો સાળો’- ભા. ૧-૨, ‘ગ્રહાષ્ટક વત્તા એક’ , ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’, ‘ધધરાના સાળાનો સાળો’, ‘આલા ધાધલનું ઝીંઝાવદર’ વગેરે એમની નવલકથાઓ છે. vani mari koyal – chunilal madiya

વાની મારી કોયલ વાર્તા

ગયા વર્ષે રવા પટેલને બરાબર મનગમતાં બિયારણનો જોગ ન થઈ શક્યો એટલે હિંમત કરીને ચાર વીઘામાં શેરડીના બબ્બે આંખાળા માદળિયાં રોપી દીધેલા. પરિણામે, સાચાં પેટાળની સરવાણીઓવાળી તરકોશીમાંથી પાણી ખેંચી ખેંચીને બે જોડ નાડાંનો સોથ વળી ગયો પણ નોરતા ઊતરતાં તો ચાર ચાર આંગળના દળવાળા શેરડીના સાંઠા ક્યારામાં ન સમાતાં ત્રાંસા ઢળવા લાગ્યા અને દિવાળી ટાણે તો પડું પડું થતા એ લેલૂંબ માંડવાઓને ફરતી વાંસવળીઓની આડ બાંધવી પડી.

વેપારીઓએ રવા પટેલને બહુ બહુ સમજાવ્યો કે મુઠીમાં ન સમાય એવી જાડી કાતરીવાળી શેરડીને પીલવી રહેવા દિયો અને કાપીને પડખેના શહેરની શાકમાર્કિટમાં વેચી આવો, પણ રવા પટેલ તો છેવટ લગી ચારેચાર વીઘાને પીલવાનો જ આગ્રહ રાખ્યો.
શહેરની બજારમાં મળનાર દેખીતો નફો જતો કરીને ઘરઆંગણે ચાર વીઘાની વાડને ચિંચોડે પીલવાનો જગન આદરવા પાછળ રવા પટેલના જઇફ, અંધ દાદા નેણશી ભગતની એક અંતરતમ મુગ્ધ એષણા સંતોષવાની નેમ હતી.

નેણશી ભગતને રવા પટેલ સિવાય બીજું કોઈ સંતાન નહોતું અને રવા પટેલની અવસ્થા પણ પાકટ થવા આવી અને ત્રણ ત્રણ ઘર કરી ચૂક્યા તો પણ પહેલા ઘરવાળાને પેટે અઘરણીની સંતી અવતરી, એ સંતીને જ સાત ખોટની દીકરી અને દીકરો બધું ગણીને સંતોષ માનવો પડયો હતો. નેણશી ભગતની બંને આંખોમાં કૂવા પડયા અને શરીર આખામાં બુઢાપો પ્રવેશી ગયો તો પણ પોતાના એકના એક દીકરા રવાને ઘેર સંતીના ઘડિયા લગન પછી મંગળ અવસર આવી જ નહોતો શક્યો.

જે ગામની ભોંય ચૂમીને પોતાની કાયા ઘડાણી છે, અને પરસ્પરના સહકારના પાયા ઉપર રચાયેલ સમાજરચનાને ડગલે ને પગલે વહોરવા પડતા અનેક ઋણનું જેના ઉપર ભારણ વધી ગયું હતું, તે સામાજિક ફરજોનો જાગરૃક આદમી, એ ઋણ-ફેડનનો પોતાને ત્યાં અવસર નહિ સાંપડતા એ પોતે એ ઋણભારમાં ગુંગળાતો હતો. બરાબર ટાંકણે જ રવા પટેલે વાઢ વાવી દીધો અને નેણશી ભગતે વૈશાખે આવનાર સંતીના મોટા આણાના પ્રસંગને ચિચોડો ફરવાના પ્રસંગ સાથે જોડી દીધો અને પુત્રવિહોણા રવા પટેલને ઘેર પુત્રલગ્ન જેટલી ધામધૂમ મંડાણી.

ચાર વીઘામાં પથરાયેલ શેરડીનાં લીલાછમ પાંદડાના પડથારમાં ઉત્તર-દખણના વાયરા આવે ત્યારે એકમેકને આલિંગતા ઊભેલા સાંઠાઓના પોપટિયા રંગના સાગરમાં જાણે કે દરિયાઈ મોજાની લહેરો ઉત્પન્ન થતી. જોનારા આદમીઓની આંખો ઠારતી અને કહેતા : ‘ધરતીએ પણ પેટ કાઢ્યું છે ને કાંઈ! ધૂળમાંથી ધાન પકવે છે! ભોમકાને કુંવારી અમથી નહિ કીધી હોય!’
રવા પટેલે મન મોકળું મૂકીને મહેમાનોને નોતર્યા હતા. કુટુંબના સૌ ભાયાતોનાં સગાંસાંઈ, વેવાઈ વેલાઓને લોઠકા જોઈને બબ્બે બળદો સાથે લેતા આવવાનું કહેવરાવ્યું હતું.

ચાર બળદ ભેગા જોડે ત્યારે તો માંડ ચસ દીએ એવો તોતિંગ ચિચોડો માંડયો હતો. અને એમાંથી બે ધારે વરસતા મીઠામધ રસોનો ગોળ રાંધવા હાટે અડખેપડખેના પંથકમાં નામખ્યાત બની ચૂકેલ જુવાન ગોવા ગળિયારાને ભારે મોટું દનિયું ઠરાવીને બોલાવ્યો હતો.

ગોવામાં માત્ર જવાનીની રસિકતા અને રંગીલાઈ જ નહોતાં ભર્યાં, પણ સાવ તરુણ વયમાં જ સાધ્ય કરે ગળરાંધણના અનોખા કસબની દિપ્તી તેના સમગ્ર વ્યક્તિત્વમાં રંગ પૂરી જતી હતી. રસની કડાઈમાં એ ઘડા ભરી ભરીને રેડતો હોય કે કોઈ વખત ચૂલમાં આંધણ થઈ રહેલા સૂંડલો ફોફા ઓરતો હોય, કે ચાકીમાં ઢાળેલો ગોળ અજબ આસાનીથી પાવડી વડે ઉખેડતો હોય, પણ એના એકએક હલનચલનમાં રહેલી એક અચ્છા પાકશાસ્ત્રીની કસબજન્ય છટા મુગ્ધ કરતી હતી.
બંને આંખે આંધળા નેણશી ભગત શેઢા નજીકના ચાસટિયામાં ફાટયાં તૂટયા ખાટલો ઢાળીને ચોવીસે કલાક રામનામ લેતા પડી રહેતા.

તેમને ગામના માણસો કહેતાં : ‘ભગત, વાઢ તો સોળ આની ઊગ્યો. પણ આવો ગળિયારાં ન જડયો હોત તો ધાનને ધૂળ કરીને ખાવું પડત.’

‘ગળિયારો ઠાવકો જડયો છે, એમ કે?’ ભગત વળતા પૂછતા.

‘હા. ઠાવકો તો કેવો, કે ગોળ તમારે રવાદાર મેસૂબનેય ભૂલાવે એવો રંધાય છે.’

‘સારું, સારું ભાઈ, ખાઇને માણસ દુઆ દેશે. ખાવ, પીવો ને આનંદ કરો, સીતારામજી! સીતારામજી!’

સંતી બાળપણથી જ ડોસાની સેવા-શુશ્રૂષા કરવા ટેવાયેલી હતી. ભગતને પણ એ બાળકીની ચાકરીનું વૈરાગી અવસ્થામાં ય એવું તો વ્યસન થઈ ગયેલું કે હવે તો સંતીને મોટું આણું આવવાનું થયું અને સાસરે જવાની થઈ છતાં ભગતને એના વિના માળાનો બેરખો, પગના પગરખાં, હાથની લાકડી કે અફીણના અમલની વાડકી શોધવામાં મુશ્કેલી અનુભવવી પડતી.

સંતીને પણ રવા પટેલ દીકરી ન જાણતાં દીકરાની જેમ જ લાડચાગમાં ઉછેરી હોવાથી કોઈ કોઈ વાર એ વધારે પડતી છૂટ લેતી, તો એમાં કોઈ વાંધો ન ઉઠાવતું. તેના બાળપણનાં લાલનપાલન જોઈને ગામ લોકો કહેતા કે સંતીને રવો પટેલ હથેળીમાં થૂંકાવે છે ને પડયો બોલ ઝીલે છે, પણ અસ્ત્રીની જાતને આવા લાડચાગ કરીએ તો કોક દી એને જ વસમાં પડે.

વાની મારી કોયલ - ચુનીલાલ મડિયાની વાર્તાઓ
વાની મારી કોયલ – ચુનીલાલ મડિયાની વાર્તાઓ


સંતીને મળતું સ્વાતંત્ર્ય ઘણા માણસોની આંખમાં આવતું અને એમાંનું કોઈ વાલેશરી બનીને રવા પટેલને એ વિશે અણસારો કરે ત્યારે રવા પટેલ લાપરવાહીથી કહેતા : ‘સંતી મારી દીકરી નથી, ઇ તો વાની મારી કોયલ છે, ને કોઈ પૂરવભવની લેણાદેણી રહી ગઈ હશે તે મારે ઘેર ઊડીને આવી છે. આ કમુરતા ઊતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઊડી જશે…’
રવા પટેલ આકાશ તરફ તાકીને છેલ્લા શબ્દો બોલતા ત્યારે કોઈ કોઈ વાર તેમની આંખમાં ઝળઝળિયા આવી જતા;

પણ બન્યું એવું કે ગામ લોકો રવા પટેલના આ વાત્સલ્યની નાજુકાઈ સમજી ન શક્યા અને કેટલાક વરણાગિયા જુવાનિયાઓ, જેઓ પોતાને લાયકાત કે બિનલાયકાત જોયા કારવ્યા વગર લાંબા સયમથી સંતીનું સંવનન કરી રહ્યા હતા, તેમણે રવા પટેલના ભોળેભાવે બોલાયેલા ‘વાની મારી કોયલ’ શબ્દોમાંથી ‘કોયલ’ શબ્દ પકડી લીધો અને સંતીના નામ સાથે એ જોડી દીધો.

ગામના એ જુવાનોની કવિતા નહોતા કરતાં છતાં, તેમને ન્યાય કરવા ખાતર કહેવું જોઈએ કે તેમણે કરેલા સંતીના આ નામકરણમાં ભારોભાર કાવ્ય ભર્યું હતું. વહેલી પરોઢે ખેતરે જવા નીકળી હોય કે બપોરા ટાણે ભાત લઈને જતી હોય, કે સાંજે માથા ઉપર ભારી મૂકીને પાછી ફરતી હોય, પણ સંતીના પગરવે સીમનું યૌવન જાગી ઊઠતું.

અંગે અંગમાંથી અણબોટયું લાવણ્ય નિતારતી એ સુકુમાર દેહલતા આખી સીમના વાતાવરણને તાઝા-તાઝા આહ્લાદ વડે ભરી મૂકતી. એક ચૈતર મહિને જ્યારે ખેતરે જતા રસ્તા ઉપરના આંબાવાડિયાના આંબા લૂંબઝૂંબ શાખો વડે લચી પડતા હતા અને કોયલોએ બાર બાર મહિનાના રખોપા કર્યા છતાં મહોર મોર્યા ટાણે જ દાઢ આવી હોવા બદલ કુ…ઉ..ઉ…કુ…ઉ…ઉના દર્દભરપૂર ફરિયાદ- ટહૌકા ગાવા માંડયા હતા ત્યારે નમતી પહોરે નેણશી ભગત માટે અમલનું અફીણ લેવા નીકળેલ સંતીથી આપમેળે જ ગવાઈ ગયું :

ચૈતર ચંપો મ્હોરિયો ને મ્હોર્યા દાડમ દ્રાખ,
કોયલડી ટહોકા કરે, કાંઈ બેઠી આંબાડાળ.

અને એ આંબાડાળે અવિરત ટહૌકતી જતી કોયલડીને પજવવા સંતીએ જ્યારે કુ..ઉ..ઉ… ટહૌકો કર્યો, ત્યારે તેને ખ્યાલ સરખો પણ નહોતો કે પાછળ લપાતોછુપાતો આવતો ગામનો ઉખડેલ ગણાતો આઝાદ છોકરો વીરીઓ આ વાત ગામના ખસૂડિયલ કૂતરા સુધી ફેલાવશે અને ગામની રસિકતાએ કરેલું ‘કોયલડી’ નામકરણ સાચું ઠરાવશે. અમર કથાઓ

ચિચોડો ચાલવા માંડયો ત્યારથી ખેતરનું વાતાવરણ દિવસે ને રાતે ગહેકતું રહેવા માંડયું. ચાર એકઢાળિયાં તો ખેતરમાં હતા જ, છતાં બીજા નાના મોટા પાંચેક માંડવા અને બે છાંયડા ઊભા કરવા પડયા હતા. સારા સારા જાતવંતા બળદની દશેક જોડ ભેગી થઈ ગઈ હોવાથી ચિચોડો અવિરત ચાલ્યો જતો અને પરોઢિયેથી તે ગોરજ ટાણા સુધી પરવાહ લેવા આવનારાઓનો પ્રવાહ પણ ચિચોડાની જેમ જ ચાલુ રહેતો.

નેણશી ભગત મૂળથી જ રોટલે પહોળા તરીકે પંકાતા, તેમાં રવા પટેલના પહોળા હાથ અને મળતિયા સ્વભાવે ફરતા પંથકમાં તેમને ‘દુલા રાજા’નું બિરુદ મેળવી આપ્યું હતું.

આંખનીય ઓળખાણ વગરનો માણસ રવા પટેલની વાડીએ કોશ ચાલવા ટાણે અમથો ખંખોળિયા ખાવા આવે તો ઝીંઝરાં કે ડૂંડાંનો પોંક કે ખોબો ઓળા કે શેરડીનો સાંઠો ખાધા વિના ભાગ્યે જ પાછા ફરતો. પરિણામે ચિચોડો ફરવા જેવો મહામૂલો અવસર આવ્યો ત્યારે તો રવા પટેલની વાડી અને ખેતર આલાભાઈના દરબારમાં જ જાણે કે પલટાઈ ગયા.

માંડવો તો પરવાહ લેવા આવનારાઓથી ખીચોખીચ રહેવા લાગ્યો. રવા પટેલે મહેમાનો માટે તળાઈબંધ ઢોલિયા અને સંખ્યાબંધ ખાટલાઓ પથરાવી મૂકેલા એટલું જ નહિ, પણ સારી એવી સંખ્યામા સૂડીઓ પણ ભેગી કરી રાખેલી, જેથી મહેમાનોને ભાગે તો શેરડીના લઠ્ઠ માદળિયા ફોલી ફોલીને દાંત જ ચલાવવાનું રહે. ફોલી ન શકે એવા માણસો માટે પિલાયેલા સાંઠાનો તાજો રસ પીવા સારુ છાલિયાં અને તાંસળીઓ હાજર હતી, માથે ભભરાવવા સૂંઠનો ભૂકો તૈયાર હતો.
માંડવામાં જ્યારે ચસચસ શેરડીના પતીકાં ચવાતા હોય અને ગટાક ગટાક રસ- છાલિયાં ગટગટાવાતા હોય ત્યારે જીવતા જીવોનો મેળો જોઈને રવા પટેલની આંખો ઠરતી.

આંખે અંધ હોવા છતાં નેણશી ભગત આંખોના કૂવા વડે જાણે કે આખું દ્રશ્ય પી અને અનુભવી શકતા અને સૌની વતી પોતે જ તૃપ્તિજન્ય ઉદ્ગારો કાઢતા : ‘પીઓ મારા બાપ! પીઓ! ધરવ કરીને પીઓ! ધરતીના પેટની બધી માયા છે. ધરતીનું છોરું એનો ધરવ નહિ કરે તો બીજું કોણ કરશે? ધરતીને ધવાય એટલું ધાવી લ્યો; કોને ખબર છે કાલની?’

આમ કહી ભગત જમણા હાથની બે આંગળીઓ સૂંઘી જોતા અને સમસ્ત વાતાવરણની સ્વસ્થતા પારખી, એવી ખાતરી કરીને ફરી હાથમાંનો બેરખો ફેરવવા માંડતા.

કેટલાક ભાવિકો ભગતને સાચક માણસ ગણતા. તેઓ સંસારમાં હોવા છતાં સાધુ જેવા રહેતા હોવાથી ઘણાં માણસોને તેમની સાચકતામાં શ્રદ્ધા બેઠેલી. આંખો ગઈ હોવા છતાં આંગળી સૂંઘીને માણસને પારખી કાઢવાની ભગતની આવડતે ઘણા નાસ્તિકોને પણ મુગ્ધ કરેલા.
ઓણ સાલ ઉનાળામાં જેવા આકરા દનિયા તપ્યા હતા એવી જ અનરાધાર વરસાદની હેલીઓ પડી અને શિયાળામાં પણ માણસને થીજવીને ઠૂંઠવું કરી મૂકે એવાં સખત હિમ પડયા. પણ રવા પટેલના ખેતરવાડી ધમધોકાર પ્રવૃત્તિની ગરમીથી એવાં તો હૂંફાળો રહેતાં કે મકરસંક્રાંતિના કાંધા ઠારવા સારુ પડેલા હિમને પણ કોઈએ ગણકાર્યું નહિ.

સંતીનું આણું વાળવા માટે એના સાસરિયાઓ ખાસ્સા વીસ માણસોની ઢગ લઈને આવ્યા હતા એટલે ખાસ કામ સિવાય સંતીનો ખેતરે આવરોજાવરો ઓછો થઈ ગયો હતો- સિવાય કે ભગતની વાડીમાં અફીણ થઈ રહ્યું હોય અને એ આપવા આવવું પડે, અથવા તો સાંજે વાળુ મોડાં થયા હોય અને સાથી વહેલો ચાલ્યો ગયો હોય. અને થોડા દિવસ પછી થનાર પિતૃગૃહના ત્યાગનો શોક અને શ્વસુર ગૃહના મિલનના હર્ષની મિશ્રિત લાગણીઓના પ્રવાહમાં સંતી સેલારા લઈ રહી હતી.
આજે રવા પટેલે કથા બેસાડવાની હોવાથી રાતે ચિચોડો બંધ રાખવાનું નક્કી કર્યું હતું.

છેક સાંજે ભગતને ખબર પડી કે આજે અમલ મંગાવવાનું રહી ગયું છે. એટલે તેમણે એક દાંડિયા સાથે કહેવરાવ્યું. સંધ્યા ટાણે સંતી ડોસાને અફીણ આપવા આવી ત્યારે ચિચોડો બંધ થવાની તૈયારીમાં હતો પણ એક ક્યારાના અર્ધા ભાગના સાંઠા વઢાઈ ગયા હતા અને અર્ધા બાકી રહ્યા હતા; એટલે આમેય મોડું અને આમેય મોડું ગણીને એ ક્યારો પૂરો કરવાનું જ નક્કી થયું અને દાડિયાઓએ કામમાં ઝડપ કરવા માંડી.

એક તરફથી ક્યારામાંથી ફડાફડ સાંઠા વઢાયે જતા હતા. બીજે ઠેકાણે વઢાઈ રહેલા ઢગલામાંથી આંગળા પૂંછડા કપાતા જતા હતા અને ત્રીજી જગ્યાએ તૈયાર થયેલા કાતળાઓને મોગરી વડે ટીપી ટીપીને પોચા પાતળા ચિચોડામાં સહેલાઈથી પેસી શકે એવા બનાવવામાં આવતા હતા. સંતી પણ ઝટ દેતીકને ઘાઘરો સંકોરી, સાંઠા ટીપવા બેસી ગઈ.
સાથે કામ કરતી એક મજૂરણ સહિયરે સંતીને પછ્યું :
‘કાં સંતીબહેન, આજે તો કાંઈ કોરો કડકડતો ઘાઘરો પહેર્યો છે!’

હરખઘેલી સંતીએ ખુલાસારૂપે કંઈ બોલવાને બદલે આદત પ્રમાણે ગાવાનું જ ઉચિત ગણ્યું :

ફૂલ ફગરનો ઘાઘરો સિવડાવ્યો શુકરવાર
પહેર્યો ને વળી પહેરશું કાંઈ સાસરને દરબાર
કે આણાં આવ્યાં રે મોરાં રે

અજબ માર્દવભર્યા લહેરા સાથે ગવાયેલી આ લીટીઓએ પડખેના માંડવામાં ચૂલ ઉપરથી કડાઈ ઉતારીને ચોકીમાં ઠાલવતા ગોવા ગળિયારાના કાનને ચમકાવ્યા. ઉભડક થઈને એણે સંતી તરફ જોયું. તાઝગીભર્યા લાલચટાક મોં ઉપર, સામી પીપળમાંથી ચળાઈને આવતી છેલ્લા સૂર્યકિરણો ચકચક થતાં હતાં. ગોવા જેવા રસિયા જુવાન માટે એ દ્રશ્ય અસહ્ય હતું. તેણે પણ એવી જ હલકથી ગાવા માંડયું :

મારા વાડામાં ગલ-છોડવાં કોયલડી રંગભીની !
ઈ તો ફાલ્યો લચકાલાળ કોયલડી રંગભીની !

સામી પાર સૂરજે ડૂબકી મારી ત્યારે ફુલ્લઝપટ દાડિયા ચાલ્યા ગયાં હતા. ગોવો હાથમાં પાવડી લઈને ગોળને ચોકીમાં પાથરતો હતો.
સંતીના દિમાગમાં ‘કોયલડી રંગભીની’ લીટીઓ રમતી હતી. વાતાવરણમાં આથમતી સંધ્યાની માદક ઉત્તેજના હતી. એ માદકતાથી પ્રેરાઈને જ સંતી તરકોશી પડથાર ઉપર જઈ ઊભી અને હોઠે આવેલું ગીત ગાવા માંડયું :

કૂવાને કાંઠે ઊઘ્યો કેવડો, ગળિયારા!
કેવડો મહેકે મીઠો, ગળિયારા!
કેવડો લળી લળી જાય રે, ગળિયારા!

ગોવાના હાથમાં પાવડી થંભી ગઈ. દૂર દૂરનું ઘર, જુવાન પરણેતર બધું યાદ આવી ગયું અને બદલામાં આ પારકું ગામ, પારકાં ખેતરવાડી, પારકા આદમી એ બધું ઘડીભર ભૂલાઈ ગયું. લાગણીઓને એણે બેલગામ છૂટી મૂકી :

રંગભીના રે! અમે પરદેશી પોપટા,
રંગભીના રે! તમે ઢળકતાં ઢેલડી.
રંગભીના રે! અમે કળાયેલા મોરલા,
રંગભીના રે! તમે છો સરવર- નીર.
રંગભીના રે! અમે પરદેશી પંખીડાં,
રંગભીના રે! પંખીડાની ન્હોય પ્રીત.
રંગભીના રે! પંખીડા ઊડી ઊડી જાય,
રંગભીના રે! ઊડે એના ન્હોય ઓરતા.

દૂર શેઢા નજીક ખાટલામાં પડેલા ભગતે સંતી માટે ઉપરાઉપર બે-ત્રણ બૂમો મારી. કૈં જવાબ ન મળવાથી તેઓ અસ્વસ્થ થયા અને આદત પ્રમાણે આંગળીઓ સૂંઘવા માંડી.
સંતી ડોસાનો અવાજ સાંભળી શકે તેટલી નજીક નહોતી અને નજીક હોત તો પણ ગીતો ગાવા આડે કશું સાંભળવાની એને ક્યાં નવરાશ હતી?

ચાસટિયે ચડીને રે મેં ટોયાં પંખીડાં,
ગંઠેલ ગોફણિયે રે મેં ટોયાં પંખીડાં.

ગાતાં ગાતાં જ સંતી ગોવાના માંડવા નજીક પહોંચી ગઈ હતી.
ગોવો તો થોડી વાર પહેલાં છેલ્લા સૂરજ- કિરણોએ ગુલાલ છાંટી મૂકેલા ઘાટીલા ફૂલગુલાબી મોંની તંદ્રામાં ઊભો હતો.

પછવાડે બૂંગણનો છેડો ઊંચો કરીને સંતીએ ટહૌકો કર્યો :
‘એકલા એકલા જ ગોળ રાંધો છો ને? એકલપેટા!’
ગોવાએ પાછળ જોયું. એને ક્ષોભ થયો. શું બોલવું એ જ ન સમજાયું. અટાણે બધા જ મજૂર, દાડિયા, સાથી વગેરે વાળુ કરવા ચાલ્યા ગયા હતા. ઘડીવાર પહેલા માણસોથી ખદબદતું ખેતર અટાણે ખાલીખમ્મ લાગતું હતું. માત્ર શેઢા તરફથી ભગતની ઉધરસનો અવાજ આવતો હતો. ગોવાએ વિનય ખાતર પણ મર્મભર્યો ઉત્તર આપ્યો :

‘એકલ માણસ તો એકલપેટા જ હોય ને? એ બીજું પેટ ક્યાંથી કાઢે?’

સાંભળીને સંતી એવી તો શરમાઈ ગઈ કે અજાણ્યા આદમી પાસેથી દોડીને દૂર ખાટલો ઢાળીને પડેલા દાદા પાસે પહોંચી જવાનું મન થઈ આવ્યું. તેની ગભરુ છાતીમાં ફડક ફડક ફડકા થવા લાગ્યા. પવનપાંખે ઊડતું હરણબચ્ચું ઓચિંતુ જ સામે શિકારીને જોતાં ફફડી ઊઠે એમ ગોવાની હાજરીમાં સંતી ફફડી ઊઠી.

આ જગ્યાએથી ઝટ ઝટ ચાલ્યા જવા માટે એ ઘાઘરો સંકેલીને ચૂલા ઉપર ઊકળતી કડાઈ અને નજીક ઊભેલા ગોવાની વચ્ચેથી ક્ષોભ અને સંકોચ સહ પસાર થવા ગઈ ત્યારે વાંભ એકનો લાંબો તવેથો લઈને ઊભેલા ગોવાનો હાથ સંતીની ખુલ્લી કેડ સાથે ભટકાયો અને સંતી ધ્રુજી ઊઠી. એ ફટાફટ અને ધ્રુજારી ઓછી કરવી, સામી ચાકીમાં ઠરતા ગોળ તરફ જોઈને, જાણે કે બોલવા ખાતર જ બોલી : ‘ગોળ તો રૃપાળો સોનાની વીંટી જેવો રાંધ્યો છે ને!’

ખેતરમાં સંધ્યા આથમ્યા પછી સામી દિશાએથી દોડી આવેલ ચંદ્રના આછો ઉજાસ સંતીના ખુલ્લા હાથ-મોં ઉપર રમતો હતો.

ગોવાએ તેના કેફમાં જ કહ્યું : ‘ખાનારાં ક્યાં ઓછા રૂપાળા છે, તી ગોળ રૂપાળો ન રંઘાય?’

વીજળીનો આંચકો- ધક્કો લાગ્યો હોય એમ સંતી ચાર તસુ પાછળ હઠી ગઈ. એક ભયજન્ય, તીવ્ર ધ્રજ એના પેટ સોંસરવી પસાર થઈ ગઈ. ગોવાના શબ્દો સાંભળીને સ્વાભાવિક રીતે જ સંતીએ પોતાના હાથના કાંડાની કોણી લગી છૂંદેલા છૂંદણા ઉપર એક કૌતુકભરી નજર ફેરવી.
‘છૂંદણામાં શેનાં શેનાં ચિત્તર ચિતરાવ્યાં છે?’ ગોવાએ હાથ ઉપર નજર ઠેરવીને પૂછ્યું.

આવો સ્વાભાવિક પ્રશ્ન સાંભળતા સંતીના પેટનો ફફડાટ, ગભરામણ બધું શમી ગયું અને તેણે ભોળેભાવે જ જવાબ આપ્યો, ‘ઈ તો હું નાની હતી તંયે ચાર જણાંએ થઈને મને પરાણે પકડી રાખીને કૂંજડીનું ચિત્તર ત્રોફાવ્યું’તું. ત્રોફવાવાળી એના ભાલા જેવા અણિયાળા સોયા મઝીઠમાં બોળી બોળીને એવા તો સબસબ ખૂંચાડતી’તી!’ આટલું કહેતાં તો સંતીના મોંમાંથી આછી સિસકારી નીકળી ગઈ.

ગોવાએ થોડું સામીપ્ય અનુભવતાં કહ્યું : ‘સોયની અણી ય ન ખમી શકે એવી પોચી પારેવડી ક્યાંથી થઈ?’
સંતીએ ખુલ્લા દિલે કહ્યું : ‘હા બાપુ, હું તો ઘેરથી જ એવી પોચી પારેવડી જેવી રહી છું. ત્રોફવવાળી સબોસબ સોઈ ભોંક્યે જાતીં’તી, પણ હું તો જોર કરીને મારી આંખ્યુ બીડી ગઈ. પછી મારા હાથપગ છોડયા તંયે આંખ્યું ઉઘાડીને જોયું તો આખા હાથ ઉપર લોહીના ટશિયા ફૂટી આવ્યા’તા. હાથ ઘંહીને લોહી નાખ્યું તો અંદર મજાની નાનકડી કૂંજડી બેઠી’તી’
સંતી ગોવાની નજીક ગઈ, હાથ લંબાવીને છૂંદણાનું ચિત્ર બતાવ્યું.

ગોવાએ કુતૂહલથી એ હાથ નજીક ખેંચીને ચાંદાના અજવાળિયે છૂંદણાનું ચિત્ર જોયું.
મકરસંક્રાંતની ટાઢનો થિજવી નાંખતો ઠાર વરસવો શરુ થઈ ગયો હતો. હજી હમણાં જ ચાંદો ઊગ્યો હોવા છતાં શિયાળુ રાતની લંબાઈને લીધે મધરાત જેવો સોપો પડી ગયો હોય એવું વાતાવરણ હતું.
ગોવો પોતાના હાથના પોંચા ઉપર ત્રોફેલ ત્રાજવાં સંતીને બતાવતો હતો.

ભગતનો અમલ લેવાનો સમય વીતી ગયો હોવાથી એમની નસો તૂટતી હતી. માથુ ફરતું હતું. સંતીને ઉપરાઉપરી સાદ કરવા છતાં કોઈ સાંભળતું ન હતું. શેઢાના રખોળિયાઓ તો મોડે મોડે રાત ભાંગ્યા પછી જ આવતા, પણ ખેતરમાં કાયમી વાસો રહેનારા વસવાતીઓય હજુ વાળુપાણીથી પરવારીને આવ્યા ન હતા. ભગતને સંતી વિશે ભય લાગ્યો અને તેમણે બંને આંગલીઓ નાકે મૂકી આખા વાતાવરણનો તાગ લેવા માંડયો.

રવા પટેલને ત્યાં છેક સાંજે લાપસી ભરડવા માંડેલી એટલે એ રંધાતા, વાળુને બહુ વાર લાગી. તેમા વળી, આણાની ઢગનાં જાડા જણ જમાડવાના હોવાથી, મહેમાનોએ ચળુ કર્યા કેડે ઘરનાં માણસો અને એમના જમી ઊઠયા પછી વેવાઈના ગાડાખેડુઓ, સાથી વસવાતી વગેરેને પીરસાતા તો બહુ મોડું થઈ ગયું.
ગોરે કહ્યું હતું કે, આણું વળાવવા માટે પરોઢિયે એક જ ચોઘડિયું સારું છે એટલે રવા પટેલ વેવાઈના ગાડાંગતરાં અને ઢાંઢાઓને સાબદા કરતા હતા.

પરોઢે થનાર પુત્રીવિયોગની ગ્લાનિ તેમના મોં પર ફરી વળી હતી. ઢગવાળાઓ જમી કારવીને ફળિયામાં તેમને માટે બબ્બે ધડકીને નાખીને ઢાળેલ ખાટલાઓમાં જરા આડે પડખે થયા હતા.
ઘરમા અટાણે સંતીનાં આણાના કપડા સંકેલાતા હતા. એક ખાસ, મોંઘાપાડું ઓઢણું હજી નહોતું સંકેલ્યું. કારણ કે સંતીની બહેનપણીએ સૂચવ્યું હતું કે, પરોઢિયે ગાડે બેસાડતી વખતે એ પહેરાવવું છે. ઓચિંતી જ એક સહિયરે સંતીની પૃચ્છા કરી અને ત્યારે જ ખેતરના વસવાતીએ કહ્યું કે, ‘સંતીબહેન તો ભગતને અમલ આપવા ખેતરે ગયા છે.’

સાંભળીને ઘરના માણસોને પહેલાં તો જરા અચંબો ઉપજ્યો પણ રવા પટેલે એનો જરૂરી ઘટસ્ફોટ કર્યો : ‘સંતીને ઘરમાં સહુ માણસ કરતા આતાનો હેડો વધારે છે. આજ બિચારી પેટ ભરીને ડોસાને મળી લે… કાલ આવા ટાણે તો કોને ખબર છે, મારી કોયલ ઊડીને કોણ જાણે ક્યાંયે જઈ બેઠી હશે. ઈ તો વાની મારી કોયલ છે.’
આ સાંભળીને સંતીની જુવાન સહિયરો સામસામુ જોઈને છૂપું હસી પડી. એક જણીએ તો રવા પટેલ સુધ્ધાં સાંભળે એવી રીતે કહી પણ નાખ્યું : ‘કાલે આવા ટાણે તો બેનબા એ… ને મજાનાં… તમે તો કોઈ યાદેય નહિ આવતા હો ત્યાં…’

રવા પટેલે વાતનો વિષય બદલીને ખેતરે વાસો રહેવાવાળાને ખેતરે મોકલ્યો અને ઝટ ઝટ સંતીને ઘેરે મોકલવાનું કહ્યું.
વસવાતી રોજના નિયમ મુજબ ગોવા માટે વાળુ લઈને ખેતરે જવા નીકળ્યો. અમરકથાઓ

નીતરતી ચાંદનીમાં અટાણે આખું ખેતર પ્રશાંત લાગતું હતું. સંતી માટે બૂમો મારવા છતાં કૈંજવાબ ન મળવાથી ભગત પણ મૂંગા થઈ બંને આંગળીઓ વારાફરતી નાકે મૂક્યે જતા હતા. સમી સાંજે કલબલાટ કરતા પંખીઓ અટાણે ચૂપચાપ માળામાં પેસી ગયા હતા. સાંજે મરચીને પાણી પાઈ રહ્યા પછી તરકોસીના થાલા ઉપર નીગાળવા મૂકેલો કોશ પણ હવે નીતરી રહ્યો હતો અને વાવમાં પડતા ટપાક ટપાક ટીપાંનો અવાજે ય બંધ થયો હતો. રતાંધળાં છીપાં પણ તરકોશીના બે માથોડા ઊંડા બંધાણના બાકોરાઓમાં એકમેક સાથે ગોઠવાઈને બેસી ગયા હતા. માત્ર વાવમાં જ નહિ પણ જાણે કે આખા ખેતરવાડીમાં જળ જંપી ગયા હતા.

ઉગમણે ખોડીબારે, કોઈએ ખોંખારો ખાધો અને પછી પગરવ સંભળાયો ત્યારે સંતી સફાળી ઊભી થઈને ભગત પાસે જવા દોડી. હવે જ તેને ઓસાણ આવ્યું કે પોતે જે વસ્તુ આપવા સારુ અહીં આવી હતી એ અફીણનો ગાંગડો તો પોતાના કખમા વચ્ચે જ રહી ગયો છે! ઝટપટ તેણે પડીકું બહાર કાઢીને ભગતની અમલની વાડકીમાં મૂક્યું અને એ આપવા સારું નજીક ગઈ.
અંધ ભગતને આજે સંતીમાં કૈંક આકસ્મિક ફેરફાર લાગ્યો.

નવપલ્લવિત બટમોગરાની કળી શી તેની અણબોટી દેહલતામાંથી કોરી ધરતી પર વર્ષાછાંટ થયા પછીનો આછો આછો પમરાટ મહેકવાને બદલે ભગતને પહેલી જ વાર પરસેવાની ખાટી વાસ આવી.
તેમણે ફરી આંગળીઓ નાકે મૂકી વસ્તુસ્થિતિનો તાગ લેવા કરી જોયું.

અપરાધીનો અપરાધ ખુલ્લો પડતાં એને જે જાતની ભોંઠામણ, પશ્ચાત્તાપ અને ગભરાટ થાય એવી જ ભોંઠામણ, પશ્ચાત્તાપ અને ગભરાટ અત્યારે સંતી અનુભવી રહી. યંત્રવત્ જ એ ડગલું પાછી હઠી ગઈ.
ભગતે અફીણ લેવા હાથ લંબાવ્યો પણ ત્યાં સંતી નહોતી. તેમણે ફરી આંગળીઓ નાકનાં ફોરણાં ઉપર મૂકી.

સંતીનો ગભરાટ અનેકગણો વધી પડયો. તેનું પેટ ચૂંથાવા લાગ્યું. ડોસાની હાજરીમાં એ નાસીપાસ થઈ ગઈ.
ભગતે જરા આગળ વધીને અફીણ માટે હાથ લંબાવ્યો, પણ સંતી વધારે પાછળ હઠી. ભગતને આજે કૈં સમજ નહોતી પડતી. તેમણે આંગળીઓ સૂંઘવા માંડી.
સંતીને માટે એ અસહ્ય હતું. તેણે ખાટલાના પાયા નજીક પડેલી ભંભલીમાંથી વાટકીમાં થોડું પાણી કાઢ્યું અને અફીણનો ગાંગડો એમાં પલાળી દીધો.
થોડી વારે ભગતે પૂછ્યું : ‘સંતી, બેટા અમલ લાવી છો ને?’

સંતીની આંખોમાં એક ન સમજાય એવી ચમક આવી અને ચાલી ગઈ. એને જીવનનો રસ્તો સૂઝી ગયો. તેણે હિંમતપૂર્વક જવાબ આપ્યો : ‘આતા, અફીણ લઈ આવવાનું તો હું સાવ ભૂલી જ ગઈ છું.’
આટલું કહીને દૂર ઊભાં ઊભાં જ, ઓગળેલા અફીણની વાડકી હોઠે મૂકીને ગટગટાવી ગઈ, અને એક અક્ષરેય બોલ્યા વિના ખાલી વાડકીનો ઘા કરી, ઝટપટ ઘર તરફ ચાલી ગઈ.

વળતે દિવસે ગામલોકોને એક નહિ, બે નહિ, પણ ત્રણ ત્રણ આશ્ચર્યો અનુભવવા પડયાં.
પરોઢને શુભ ચોઘડિયે રવા પટેલની સંતી આણાનું ઓઢણું ઓઢીને ઝુલાળા બળદ જોડે માફાળા ગાડામાં બેસીને પાદરમાંથી નીકળશે એમ સૌએ ધાર્યું હતું, તેને બદલે ચાર આદમીઓને ખંધાલે ઊંચકાઈને, આણાના ઓઢણામાં વીંટળાયેલો સંતીનો મૃતદેહ નનામીરૂપે નીકળ્યો અને પાદરથી ઓતરાદે શેઢે પ્રસ્થાન કરવાને બદલે આથમણી દિશામાં સ્મશાન ભણી વળ્યો.

રોંઢા ટાણે સીમમાંથી પાછી ફરતી ભથવારીઓએ આવીને વાતો કરી કે, અંધ નેણશી ભગતના કોક અવળે ચોઘડિયે રથ ફરી ગયા છે. રાત આખી ઊંઘ્યા જ નથી ને બોખલું ફાડીને ખિ: ખિ: ખિ: કરે છે. ઇન્દ્રલોકની ને અપ્સરાની ને દેવદેવીઓની વાતો કર્યા કરે છે.

પડખેના ખેતરના વસવાતીઓ ભગતને મોંએ સંતીનો ખરખરો કરવા ગયા ત્યારે ભગતે પોતાના ફરી બેઠેલા રથના તોરમાં જ વાત કરી કે, ‘આ મૃત્યુલોકમાં ઇન્દ્રરાજાની અપ્સરા જોગણીઓને ભેગી લઈ ક્રીડા કરવા ઉતરી,
કંકુની પૂતળી જેવી અપ્સરાનું તેજ તેજના અંબાર જેવું રૂપ જોઈને આ મનખા દેહવાળો કોઈ માનવી અંધો બનીને ભૂલથી એના છેડાને અડી ગયો ને એના અડતાવેંત જ કંકુની પૂતળી રાખની ઢગલી થઈને છૂટી પડી! ખિ: ખિ: ખિ: સાવ ધોળી રાખ. ભભૂત જ જોઈ લ્યો! મસાણમાં ચેહ બની રહ્યા પછી મડાના ફૂલવાળી રાખ વધે એવી ધોળી ફક્ક રાખ જ જોઈ લ્યો! હે! હે! હે! સાવ, રોંગી રાખ જ!’

જાણકાર માણસોએ ભગતની આ લવરી સાંભળીને ચૂકાદો આપ્યો કે સંધ્યાના રથ ફરવા નીકળ્યા હશે એ વેળા ડોસાનો ઓશીકાફેર થઈ ગયો લાગે છે.
આ બીજા કૌતુકમાંથી ગામલોકો હજી પૂરો છુટકારો મેળવે એ પહેલાં તો ત્રીજા સમાચાર તૈયાર જ હતા કે ગોવા ગળિયારાનો ક્યાંય પત્તો નથી!


✍ચુનીલાલ મડિયા

શરણાઈ ના સૂર – મડિયાની વાર્તા

ખીજડીયે ટેકરે – ચુનીલાલ મડિયા

પીઠીનું પડીકુ – પન્નાલાલ પટેલ

ગોવિંદ નું ખેતર – ધૂમકેતુ