7788 Views
ઈચ્છાકાકા – કડકડતી ઠંડીની રાત્રીમાં જાન પરણવા જાય ત્યારે જાનૈયાઓ ઇચ્છાકાકાને પાઠ ભણાવવાનું નક્કી કરે છે પણ… વાંચો. શરણાઈ નાં સૂર, વાની મારી કોયલ, મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ, જીવદયા ચુનીલાલ મડિયા, મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ pdf, અંત:સ્ત્રોતા વાર્તા, લીલુડી ધરતી, ચુનીલાલ મડિયાની નવલકથા, વ્યાજનો વારસ નવલકથા, ઘૂઘવતાં પૂર’, ‘શરણાઈના સૂર’, ‘ગામડું બોલે છે’, ‘પદ્મજા’, ‘ચંપો અને કેળ’, ‘તેજ અને તિમિર’, ‘રૂપ-અરૂપ’, ‘અંતઃસ્ત્રોતા’, ‘જેકબ સર્કલ સાત રસ્તા’, ‘ક્ષણાર્ધ’, ‘ક્ષત-વિક્ષત’ એ એમના નવલિકાસંગ્રહો છે. chunilal madia ni shreshth vartao
ઈચ્છાકાકા – ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ.
જાનૈયાઓ જાનીવાસમાં આવ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આકરી તરસ લાગી હતી; છતાં એમણે પહેલું કામ પાણી પીવાનું ન કર્યું; પણ પાગરણ ભર્યા હતાં એ ઓરડી પર જ હલ્લો લઈ ગયા.
કારણ હતું : પોષ મહિનો હતો. રીંગણી બાળી નાખે એવાં હિમ પડતાં હતાં. તેમાં વળી ભોગજોગે જાનને ઉતારો પણ ભાદર નદીના મધવહેણ ઉપર ઝળુબી રહેલા દરબારગઢમાં મળ્યો હતો. પછી તો ટાઢની કાતિલ અસરનું પૂછવું જ શું?
હજી તે સમી સાંજ હતી. જાનનાં સામૈયાં પણ નહોતાં થયાં. ત્યાર પછી જમી કારવીને સૂવા જવાને તે હજી ભવ એકની વાર હતી. પણ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે? અને વેવાઈએ આ પચ્ચાસ માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી ત્રીસ ગોદડી આપેલી એ કોને પૂરી થાય?
સૌએ બબ્બે ગોદડાં બગલમાં મારીને ઉતારાના મનગમતે ખૂણે સંઘરી દીધાં. ‘ખાવાનું ન જડે તો કાંઈ નહિ, પણ ઓઢવાનું નહિ જડે તો આખી રાત ઠુંઠવાવું પડશે.’ આ સૂત્રને નજર આગળ રાખીને જ આ ગોદડા-લૂટ ચાલી.
‘એલા એય, ઓલો ઈચ્છોકાકો, મારો દીકરો, વરનો બાપ હોય એટલો રૂઆબ કરે છે, તો એને આજે ગોદડા વિનાનો રખડાવીએ તો જ ખરા!’
‘હા. હો ! ઈ વાત સરસ સૂઝી. મારા બેટાને ગોદડા વગરનો રાખીએ તો એનેય ખબર પડે કે જડ્યા’તા ખરા જાનૈયા !’
‘ઈ જ લાગનો છે. જેતલસરને જંક્શને ચાના એકેક કપમાં પણ મારે દીકરે આડી જીભ વાવી. કહે કે, ઈ તો વેવાઈને માંડવે જઈને જ ચા પીશું. આંહી ટેશનમાં તો ચા મોંઘી દાટ જેવી હોય. એક તો પૈસા વધારે લ્યે, ને પાછી સાવ ભૂ જેવી ચા આપે. આમ કહીને આખી જાનને ચા વિનાની જ રાખી.’
‘તો તો આજે એના પર રીગડી કરીએ. વરઘોડિયાં ફેરા ફરી લેશે ત્યાં સુધી ઈચ્છોકાકો તો વેવાઈને માંડવે હશે, એટલે મોડો મોડો આંહી આવશે… ને આપણે તો બબ્બેની સોડ તાણી…ને ઘરડ… ઘરડ…’
પછી સામૈયાં થયાં. વરબેઢિયું આવ્યું અને વેવાઈને ઘેર જઈને વરરાજા તોરણ છબી આવ્યા.
પણ એ તો વરાજાને કન્યાનો લોભ હતો. જાનૈયાઓને તો જમ્યા સિવાય બીજો ક્યો લોભ હતો ? પણ ના, આજે તો જાનૈયાઓને જમવાને પણ એટલો લોભ નહોતો, જેટલો ગાદલાં-ગોદડાં સંભાળવાને લાભ હતો.
ખાધું ન ખાધું કરીને જાનૈયાઓ તો ઉતારે આવીને પોતપોતાનાં ડબલ ગાદલાં ઉપર પડ્યા. ઉંચે જીવે આવેલા, એટલે ઓડકાર પણ ગાદલાં ઉપર સૂઈને જ ખાધા. – અમરકથાઓ
પછી વેવાણો કલવો લઈને આવી, એમનાં મોં જોવા મથે પણ મારા વાલીડાઓ કોઈ ઊભા ન થયા. રખેને ડીલની હૂંફ આપીને હુંફાળું બનાવેલું ગાદલું બીજો કોઈ પચાવી પાડે !
છાબ લઈને જવા માટે વરના મામાએ જાનૈયાને પડકાર્યા ત્યારે એ પડકારથી જ કેટલાકનાં નાક ઘરડઘરડ બોલવા લાગ્યાં.
‘એલાવ, લાપશી કાંઈ બહુ દાબી છે, તી અટાણમાં સૌનું ઘારણ વળી ગયું ?’
પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ કોઈ કરે ખરું?
છાબ લઈને પણ વરરાજાના અંગત પાંચ માણસો જ ગયા.
ત્યાં તો પાછળથી બૂમ પડીઃ ‘પાગરણ ઓછું છે. એટલે વેવાઈને કહેજો, ઝટ મોકલી આપે. નહિતર જાનૈયા ટાઢે ઠરશે !’
વેવાઈએ અંતરિયાળ આડોશીપાડોશીઓના પટારા ઉઘડાવ્યા.
વાળંદ આવીને ગાદલાં ગોદડાંનો ઢગલો કરી ગયો.
‘એલા એય ! વેવાઈને ઘેરે ઓશીકાં–બોશીકાં છે કે પછી એમને એમ જ સૌ સૂએ છે?’
વાળંદે કહ્યું : ‘ભાઈશાબ, ઓશીકાં ન હોય એવું બને ? પણ આટલાં સામટાં માણહને ક્યાંથી પૂરાં પડે?’
‘પૂરાં ન પડે એનો અમને કાંય વાંધો નથી. ઓશીકાંની જગ્યાએ એકેકું ગોદડું મૂકવું પડશે; બીજું શું?’
સૌએ શહેનશાહના દીકરાઓની જેમ જ લંબાવ્યું.
વેવાઈને ત્યાંથી જાન બહુ મોડે જમીને ઊઠી, એટલે પાછળથી માંડવિયાઓ અને એમના પછી પીરસણિયાઓને જમતાં બહુ સમય લાગે. પછી વધ્યુંઘટ્યું માગણ-ભિખારીઓને આપવામાં અને ચોકો સાફ કરવામાં રાતના બાર વાગી ગયા.
વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું.
વરરાજાએ શણગાર સજવા માંડ્યો.
ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી ત્રણ ગણો વખત તો સાફાએ લીધો. આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણે રૂસણાં લીધાં. કેમે કર્યું વરરાજાના માથા ઉપર ફીંડલું બેસે જ નહિ. એક વખત બરોબર વીંટાઈ ગયું, પણ અરીસામાં જોતાં લાગ્યું કે કપાળ ઉપર વાળનાં વાંકડિયાં જરીકે દેખાતાં રહેવા જોઈએ એ નથી રહી શક્યાં. બીજી વખત માંડ માંડ એ વાળનું પતાવ્યું, ત્યાં છોગા માટે છેડો ટૂંકો પડ્યો.
છેવટે જેમતેમ ફીંડલું મૂકી. માથે પીંછી ખોસીને વરરાજા તૈયાર થયા ત્યારે રાતના એકનો શુમાર થયો હતો.
આ વખતે જાનૈયાઓમાંના ઘણાખરાઓએ તે એકેકી ઊંઘ પણ ખેંચી કાઢી હતી. આવી, ત્રણત્રણ ગોદડાં અને બબ્બે ગાદલાંની હૂંફ ક્યાંથી મળે ?
વરઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જાનૈયાઓ જાગતા હતા. વર, અણવર, વરના બાપ, ઈચ્છાકાકા અને લૂણ ઉતારનાર એક-બે છોકરીઓ. સારું થયું કે માંડવિયા સ્ત્રી-પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચ્યાં હતાં.
હથેવાળો થતાં પણ બહુ વાર લાગી. બે બ્રાહ્મણો સોપારીના ભાગ વહેંચવામાં વઢી પડ્યા, તે એક કલાકે તેમની વચ્ચે સમાધાન થયું. પછી કન્યાદાન દેવાયું. હથેવાળો પત્યો એટલે ચોરીના થાંભલા ખોડવા શરૂ થયા.
રાતના અઢી વાગ્યા હતા. ટાઢ કહે કે મારું કામ. વરરાજાએ તો લાંબા ડગલાની નીચે એક ગરમ બંડી ચડાવી લીધી હતી. એટલે બીક જેવું નહોતું; પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી, તેથી આ ઠારને લીધે થરથર ધ્રુજતી હતી. તેના વાંસાની ધ્રુજારીને લીધે, તે પર અઢેલીને પડેલ તેની બહેનને હાથ જ્યારે થરથર્યો, ત્યારે એણે શાલ લાવીને કન્યાને લપેટી લીધી. અમરકથાઓ
આ ટાણે જાનીવાસામાં જાનૈયાઓ એક પડખું ઊનું થવાથી સોડમાં હળવેકથી બીજું પડખું ફેરવતા હતા.
ઈચ્છાકાકા પાસે સોપારીની થેલી હોવાથી માંડવિયાઓ તેમનો જીવ ખાતા હતા. કેટલીક આઝાદ બાયડીઓએ તે ગીતમાં પણ ઈચ્છાકાકાને ઝડપ્યા :
જોયું જોયું રે ઈચ્છા ! તારું મોટપણું રે,
તેં તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે…
ઠંડીમાં ઈચ્છાકાકા ધ્રૂજતા હતા, છતાં આ ગીત સાંભળતાં ધન્યતા અનુભવી રહ્યા.
વરઘોડિયાં ફેરા ફરી રહ્યાં એટલે સૌ જાનીવાસા તરફ જવા ઊપડ્યા. સૌથી મોખરે વાળંદ કિટસનલાઈટ લઈને ચાલતો હતો. પાછળ વરઘોડિયાં, એની પાછળ અણવર, ઈચ્છાકાકા અને બીડાં લેવા માટે વેવાઈપક્ષનો સ્ત્રીવર્ગ ચાલતો હતો.
ઉતારામાં અત્યારે નસકોરાંનો અવાજ ન ગણીએ તો સાવ શાંતિ હતી.
ગોર મહારાજે ગોત્રજના થાનક આગળ દીવો કર્યો અને બે માટલીઓ ગોઠવી. વરઘોડિયાં કોડી રમવા બેઠાં. ઈચ્છાકાકાએ પિતાને સોંપાયેલો સોપારીનો હવાલો હજી છોડ્યો નહોતો.
કોડીની રમત રમાઈ રહી એટલે વેવાણોએ બીડાં માગ્યાં.
ઈચ્છાકાકા સિવાય બીજો કોઈપણ માણસ એવી શક્તિઓ નહોતો ધરાવતો, જેને નાણાવિષયક જવાબદારી સોંપી શકાય.
હવે બન્યું એવું, કે બીડાં લેનારી વેવાણોની સંખ્યા ધાર્યા કરતાં ઘણી મોટી નીકળી પડી, એ સૌને જુદી-જુદી રકમનાં બીડાં જમણા હાથની મૂઠીમાંથી ડાબી હથેળીમાં બરાબર બે વખત ગણીને આપવા જતાં ઘણો સમય વીતી ગયો.
વરરાજાને તો આખા દિવસનો નકોરડો ઉપવાસ હતો અને ઠેઠ મોડેથી ફરાળ મળ્યું હોવાથી એમાં કોઈ સોદરી વળી નહોતી. એ તો થાકોડાને લીધે કડકડતું ધોતિયું અને બોસ્કીના પહેરણ સોતા, ખાટલામાં પડ્યા.
અણવર પણ આખા દિવસની અવૈતની માનાર્હ મજૂરી કરી હોવાથી થાકીને ટેં થઈ ગયા હતા. તેમણે જગ્યા કરીને લંબાવ્યું.
વરના બાપ તો આગલી રાતે રૂપિયાની કોથળીઓ ગણવા આડે ઊંઘી જ નહોતા શક્યા. તેમાં વળી આજની પણ પોણી રાત ભાંગી. આજના ખરચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી, તેમણે પણ કબજો ઓશીકા નીચે મૂક્યો.
લુણાગરી છોકરીઓ તો આમેય ઊંઘતી જ હતી એ તો બિચારી આવતાવેંત જ ઢળી પડી.
ઈચ્છાકાકાને વેવાણોએ બીડાં માટે બહુ રોકી રાખ્યા. જો કે વધારે સાચું તો એમ કહેવાય કે ઈચ્છાકાકાએ જ વેવાણોને મોડે સુધી રોકી રાખી.
રાતના ત્રણને ટકોરે ઈચ્છાકાકા જાનીવાસમાં દાખલ થયા ત્યારે ઓરડામાં ત્રણસો કેંડલ પાવરની ફૂંફાડા નાખતી કિટસન લાઈટ સિવાય બીજું કોઈ જાગતું નહોતું. જાનૈયાઓ બધુંય પાગરણ વીણીચૂકીને દબાવી સૂતા હતા અને અત્યારે મીઠી ઊંઘ માણી રહ્યા હતા !
હવે પાંસળાં વીંધી નાખે એવી ટાઢમાં કરવું શું? સૂવાની તો ક્યાંય જગ્યા જ નહોતી. ઈચ્છાકાકાનું તેલ પણ પાતળું નહોતું નહિતર સાંકડેમોકળે પણ કોઈ બે જણની વચ્ચે સમાસ કરી શકત. પણ હવે ઊંઘ્યા વિના કાંઈ હાલશે ?….. ને સૂવાની જગ્યા તો ધારો કે કદાચ મળી હોત; તો પણ ઓઢવાનું શું? નવાબજાદાઓએ ઓશીકે પણ ગોદડાં જ મૂક્યાં છે !
અને આવી મોડી રાતે પગરણ લેવા વેવાઈને ત્યાં પણ કોણ જાય ? વાળંદ પણ હમણાં જ વીંઝણો લઈને માંડવે વહ્યો ગયો. પગલાંનો જ ફેર પડ્યો.
ઈચ્છાકાકા મૂંઝાય અને એનો તડ ન આવે એવું બને?
ખાળની ચોકડી પાસે જે બે જણ સુતા હતા તેમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામેલું. એમાં હળવે…ક રહીને ઈચ્છાકાકાએ પડખાભેર ઉભડક જેવી સ્થિતિમાં લંબાવ્યું.
પણ આમ જો આખી રાત પડ્યો રહું, તો તો હાડકાંના સાંધા જ રહી જાય ને ! ને એકથરાં નળિયાંવાળા ખપેડામાંથી સીધા વરસતા ઠારમાં ઠુંઠવાઈ જ જાઉં કે બીજું કાંઈ થાય?
છેવટે ઈછાકાકાએ એક તુક્કો અજમાવ્યા.
પડખામાં જે જણ સૂતો હતો એના વાંસા ઉપરથી પહેરણ ઊંચું કરીને હળવેક રહીને ત્યાં કાકાએ પોતાની જીભ ફેરવી !
પેલો ભડકીને જાગી ગયો. આંખમાં ભરેલી ઊંઘને કિટસનલાઈટનો ઉજાસ આંજી નાખતો હતો. પાછળ વાંસામાં કૂતરું જીભ ફેરવી ગયું હોય એમ ભીનું ભીનું લાગતું હતું. પણ કૂતરું તો અહીં, અત્યારે ક્યાંથી આવે? ત્યારે કોઈ માણસે….?
ઈચ્છાકાકાએ ફરીથી એના પગની ઘૂંટી ઉપર જીભ ફેરવી!
‘આ શું, ઈચ્છાકાકા? શું થયું છે ?’
ઈચ્છાકાકાના મોંમાંથી લાળ ચાલી જતી હોય એમ પેલો ઊંઘભરી આંખે પણ કળી શક્યો.
‘શું થયું છે ઇચ્છાકાકા?’
ઈચ્છાકાકાને હેડકી ઉપડી હોય એમ તેઓ હ…ક્ હ….ક્ હ…ક્ કરી રહ્યા હતા. તેમાં વચ્ચેવચ્ચે ત્રુટક શબ્દ બોલ્યા :
‘તમે કોઈ, હ….ક્, જરાય ગભરાતા નહિ હો ! હ….ક્, ઈ તો હું આજ સવારે ઢોલીને બરકવા ગ્યો’તો હ….ક્, તી ત્યાંથી, હ…ક્, ઓલ્યું કૂતરું…. હ…ક્ સહેજ દાઢ બેસારી…. હ….ક્… તમે કોઈ જરાય બીજો માં હ….ક્’
પેલાને સમજતાં વાર ન લાગી કે ઈચ્છાકાકાને હડકાયું કૂતરું આભડ્યું છે ને લબરકી શરૂ થઈ છે. તુરત એણે ઊભા થઈને ગોળામાંથી પાણીનો કળશ ભર્યો અને જ્યાંજ્યાં ઈચ્છાકાકાએ જીભ ફેરવી હતી ત્યાં ત્યાં સાફ કરી નાંખ્યું. ‘પાડ માનું ભગવાનનો કે બટકું ન ભર્યું, નહિતર ભેગાભેગી મને ય લબરકી–ને એમાંથી હડકવા જ થાત કે બીજું કાંઈ?’
હવે ઈચ્છાકાકાની પડખે સૂવાય ખરૂં ? ઊઠીને બટકું ભરી લે તો પછી એનો ટાંટિયો વાઢવો મારે ?
પેલો ગભરામણમાં જ બહાર નીકળી ગયો. ત્યાં એક ફાટેલું બુંગણ પડ્યું હતું : તેના અર્ધા ભાગ પર લંબાવી, બાકીનું અર્ધું માથે ઓઢી લીધું અને લબરકી ન થાય તો ઘેર જઈને શનિવારે હડમાનને નાળિયેર વધેરવાની બાધા લીધી.
આજે ઈચ્છાકાકા ઉપર અડી કરવાના આશયથી, અને એમની રીગડી થાય છે એ જોવાની મજા માણવા સારૂં કેટલાક જાનૈયાઓ ઊંઘ્યા જ નહોતા અને ગોદડાંમાં મોં સંતાડીને મૂછમાં હસતા હતા.
ઈચ્છાકાની હેડકીને હ….ક્ હ….ક્ અવાજ સાંભળીને તેમના જમણે પડખે સૂતેલો બીજો જણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો.
ઇચ્છાકાકાએ કહ્યું: ‘હ….ક્, કાં એલા કીરપા, હ….ક્, ઊભો કાં થ્યો ? હ….ક્, તું જરાય બીજે માં હો…. હ….ક્.’
અને વાક્ય પૂરું કરતાં તો તેમના પાન ખાધેલ મોંમાંથી લાળનો કોગળો નીકળી પડ્યો.
કીરપો કહે, ‘કાકા, આંહીં મારો સાળો ઘામ બહુ થાય છે, હું બા’રો ઓશરીમાં જાઉં છું.’
કીરપો બહાર ગયો. બધાએ બહાર જઈને કાકાની લબરકી વિષે બીતાં બીતાં ઘુસપુસ કરવા માંડી. તેમનામાંના કેઈ અનુભવીએ કહ્યું કે હડકવામાં દરદીને માથે ગોદડાં નંખાતાં મેં જોયાં છે ખરાં. એને માથે ગમેતેવું કાંઈક ભારે વજન નાખી રાખવું જોઈએ, એટલે ઊભો ન થઈ શકે ને બીજા કોઈને આભડે નહિ.
સૌનાં પેટમાં ફડક ફડક થતું હતું, કે આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું છે એટલે વાંધો નહિ; પણ ન કરે નારાયણ ને આ બીજા ઊંધનારામાંથી કો’કને ઈચ્છોકાકો દાઢ બેસાડી દીએ તો તો રામકહાણી જ થાય ને?
તરત સૌએ પોતપોતાનાં ઓઢેલાં, અને એ સિવાય ઓશીકે પાંગતે મૂકેલાં બધાંય ગોદડાં વીણીચૂણીને ઈચ્છાકાકાને ઓઢાડી દીધાં, અને બહાર ઓશરીમાં, ભાદરની પાટમાંથી વીંઝાતા હિમ જેવા સુસવાટામાં અને માથે ખપેડામાંથી વરસતા ઠારમાં ખેડચાની જેમ ઠૂંઠવાતા બેસી રહ્યા.
ઈચ્છાકાકાને હૂંફ વળી એટલે તેમની હેડકી બેસી ગઈ !
બબ્બે દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છાકાકા તે રાતે ઊંઘ્યા છે કાંઈ !!
✍ ચુનીલાલ મડિયા – ઘૂઘવતા પૂરમાથી..
👉 ચુનીલાલ મડિયાની અન્ય વાર્તાઓ પણ વાંચો 👇 અમરકથાઓ
🍁 શરણાઈનાં સૂર – ચુનીલાલ મડિયા
🍁 ખીજડીયે ટેકરે – ચુનીલાલ મડિયા
🍁 વાની મારી કોયલ – ચુનીલાલ મડિયા
🍁 ક્યા રાજા ભોજ અને ક્યા ગંગુ તેલી વાર્તા
gujarati varta pdf, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા pdf, ગુજરાતી વાર્તા pdf, હિતોપદેશની વાર્તાઓ pdf, મહેનત વાર્તા pdf, શ્રેષ્ઠ પ્રેરક કથા, બોધ વાર્તા pdf, ગુજરાતી બોધ વાર્તા pdf, ગુજરાતી સાહિત્ય વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા, ગુજરાતી વાર્તા સંગ્રહ, વાર્તા gujarati pdf, varta gujarati pdf, ગુજરાતી પ્રેરક વાર્તા pdf, નવી વાર્તા pdf, વાર્તા ગુજરાતી સાહિત્ય, બોધ વાર્તા ગુજરાતી, બોધ કથા pdf,
Pingback: ચુનીલાલ મડિયા ની ટૂંકીવાર્તા - અંત:સ્ત્રોતા - AMARKATHAO
Pingback: ગુજરાતી સાહિત્યની Best 101 વાર્તાઓનો સંગ્રહ | Gujarati Varta Pdf - AMARKATHAO