Skip to content

સંસ્કાર સાહ્યબી – નટવરભાઈ રાવળદેવની વાર્તા 1

સંસ્કાર સાહ્યબી - નટવરભાઈ રાવળદેવ
5344 Views

સંસ્કાર સાહ્યબી – લેખક – નટવરભાઈ રાવળદેવ થરા, લેખક શ્રી નટવરભાઈ શિક્ષક છે, સાથે જ ઉત્તમ ગુજરાતી ટૂંકી વાર્તાઓ, નવલીકાઓ, લઘૂકથાઓ અને કાવ્યો લખે છે.. તેમની વાર્તાઓ એક સાથે એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય એ હેતુથી તમામ રચનાઓ આ વિભાગમાં મુકવામાં આવશે. લખાણનાં તમામ કોપીરાઈટ લેખકશ્રીનાં રહેશે.. લેખકનાં નામ સિવાય તેમની રચનાઓ અન્યત્ર મુકવી ગેરકાયદેસર છે.

સંસ્કાર સાહ્યબી

ભુમિકા વિધવા માતાની દિકરી.તેણે બાર સાયન્સ ઉંચી ટકાવારી સાથે પાસ કર્યું એના એક મહિના પહેલાં જ એના પિતાજી અતુલભાઈનું હ્રદયરોગના હુમલામાં મોત થયું.માતા કંચનબેન પર દુ:ખના ડુંગર તુટી પડ્યા.

હજી દશ વરસ પહેલાં તો ભુમિકાના પિતાજી એમના સગા પિતરાઈ ભાઈના કહેવાથી સુરતમાં રહેવા આવ્યા હતા.ગ્રેજ્યુએટ થયેલા અતુલભાઈ ભાઈ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા અને આ ધંધામાં સારી એવી ફાવટ ધરાવતા હતા.તેમના પિતરાઈ ભાઈ મનસુખને શહેરમાં કાપડની દુકાન હતી પરંતુ જે ઠીકઠીક ચાલતી હતી એટલે મનસુખે અતુલભાઈનો લાભ લીધો.વગર રોકાણે નફામાં અડધો અડધ ભાગના કરાર સાથે મનસુખ અતુલભાઈને શહેરમાં ખેંચી ગયો અને દશ વર્ષમાં દુકાને એ વિસ્તારમાં નામના મેળવી લીધી પરંતુ બરાબરની પ્રગતિના સમયે જ અતુલભાઈ હ્દયરોગના હુમલામાં દુનિયા છોડી ગયા.ભુમિકા ધોરણ બારમાં ને નાનો ભાઈ આરવ હજી ધોરણ દશમાં જ હતો.

ઉંચી ટકાવારીના કારણે ભુમિકાને સરકારી કોલેજમાં એડમિશન તો મળી ગયું પરંતુ તે ખાસ્સી ત્રણસો કિલોમિટર દૂર હતી.આરવ પણ સુરતમાં અભ્યાસમાં સેટ થઈ ચુક્યો હતો એટલે સુરત છોડવાનું મા દિકરીને યોગ્ય લાગ્યું નહીં.વળી મનસુખભાઈનો પણ સધિયારો હતો એટલે ભુમિકાએ સુરતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જ બે વરસની ફી ની માફીની શરતે એડમિશન લઈ લીધુંં.

અતુલભાઈ પણ થોડીઘણી બચત કરીને ગયા હતા એટલે બાળકોનું શિક્ષણ પુરુ થાય ત્યાં સુધી તો કોઈ વાંધો નહોતો પરંતુ કુદરતના કેવા લેખ કે અતુલભાઈના મોત પછી કંચનબેન સાતમા મહિને જ અચાનક બિમાર પડ્યાં.એક નસ નેવું ટકા બ્લોક થયાનું નિદાન થયું ને ખાસ્સો ખર્ચ થઈ ગયો.વિધિની વક્રતા પણ કેવી? મનસુખભાઈના પુત્ર અને પત્નિએ મનસુખભાઈને એમ કહીને ટેકો કરવાની ના પાડી દીધી કે,” આપણે એમને વગર રોકાણે દશ દશ વરસ અડધો અડધ નફો આપ્યો જ છે એટલે ખબરદાર હવે એક રૂપિયોય આપ્યો છે તો!”કુટુંબના વિરોધ આગળ મનસુખભાઈના હાથ હેઠા પડ્યા.

કંચનબેન હિંમતવાન સ્ત્રી હતાં અને આમેય હતાશ થયે થોડો મેળ પડવાનો હતો?એમણે ભવિષ્યમાં તકલીફ ના પડે એટલે બે ત્રણ ઘરનાં કામ બાંધી દીધાં.તો આજ સુધી ક્યારેય કામ નહીં કરેલ ભુમિકા સાડી પર ટીકી ચોંડવાનું કામ શીખી ગઈ અને મહિને બે ત્રણ હજારનો ટેકો કરતી થઈ ગઈ.મહિને આઠ હજારનું મકાનભાડું પોસાય તેમ ના હોવાથી ચાર હજારવાળા નાનકડા મકાનમાં આ પરિવાર શિફ્ટ થઈ ગયો.

બે વરસનો સમય ચપટી વગાડતાં જ જાણે વહી ગયો.આરવે ઉંચી ટકાવારી સાથે ધોરણ બાર પાસ કર્યું.આરવનું અગિયાર બારનું મોઘુંદાટ ટ્યુશન અને સ્કૂલની ઉંચી ફીમાં અતુલભાઈએ કરેલી બધી જ બચત વપરાઈ ચુકી હતી.એટલું જમા પાસું જરૂર હતું કે આરવને એના પસંદગીના ક્ષેત્ર સિવિલ એન્જિનિયરિંગ કોર્સમાં એડમીશન મળી ગયું હતું અને ત્યાં શિષ્યવૃતિ પણ મળવાની હતી.

સંકટ હોય તો હવે ભુમિકાના અભ્યાસનું હતું. બાકીનાં બે વર્ષની વાર્ષિક સાઈઠ હજાર ફીનું શું કરવું? કંચનબેને પિયરમાં પણ પૃચ્છા કરી જોઈને સાસરી પક્ષમાં પણ આજીજી કરી જોઈ પરંતુ ક્યાંય મેળ ના ખાધો.અતુલભાઈએ સુખી દશકા દરમિયાન આ બન્ને પક્ષે ટેકો કરેલ હતો એ ભૂતકાળ કંચનબેનની આંખોમાં તરવરી ઉઠ્યો. એમની આંખે ઝળહળીયાં આવી ગયાં.મનસુખભાઈ તરફથી તો કોઈ આશા નહોતી એ કંચનબેન ખુબ સારી રીતે અનુભવી ચુક્યાં હતાં.અને એક દિવસ ખુદ મનસુખભાઈ કંચનબેન આગળ આવીને હાર્દિક અફસોસ વ્યક્ત કરી ગયા હતા,”ભાભી! હવે બધો વ્યવહાર મારા દિકરા અને પરિવાર પાસે ચાલ્યો ગયો છે.મારા હાથમાં કંઈ રહ્યું નથી. બની શકે તો માફ કરજો મને! ” સમાજના પ્રસંગોમાં પણ મનસુખભાઈ મોંઢું સંતાડી દેતા અને એમનો પરિવાર તો કંચનબેનને જોઈને જ મોંઢું મચકોડી દેતો હતો.

મા દિકરીની તનતોડ મહેનતથી તો ઘરખર્ચ માંડમાંડ પુરો થતો હતો.આરવના આચરકુચર ખર્ચની તો ચિંતા નહોતી પરંતુ ભુમિકાના બે વર્ષના અભ્યાસનું શું?

ત્રીજા વર્ષની કોલેજની શરૂઆત થઈ પરંતુ ભુમિકાને કોલેજે કઈ રીતે પગ મૂકવો? બરાબર ત્રીજા દિવસે કોલેજમાંથી ક્લાર્કનો ફોન આવ્યો.ફોન કંચનબેને ઉપાડીને ભુમિકાને આપ્યો.ક્લાર્ક અવનિબેને કહ્યું,”ભુમિકાબેન!કોલેજના મોટાભાગના સ્ટુડન્ટોએ ફી ભરી દીધી છે.આપે હજી કેમ ભરી નથી?”ભુમિકાની આંખમાં આંસુ આવી ગયાં.ઘડીભર તે ચૂપ રહી.છેવટે કઠણ કાળજું કરીને બોલી,”મેડમ! હું કોલેજ છોડી રહી છું મારાથી ફી ભરી શકાય તેમ નથી.”

ઘડીભર તો ક્લાર્ક મેડમથી પણ કંઈ બોલી શકાયું નહીં પરંતુ એ પણ ઘડીભર રહીને ભીના હૈયૈ બોલ્યાં,”ભુમિકાબેન! એકાદ અઠવાડિયું પ્રયત્ન કરી જુઓ.હું પ્રિન્સીપાલ સરને હકિકત કહું છું.હું એક અઠવાડિયા પછી ફોન કરીશ.”

ફોન મુકાઈ ગયો.કંચનબેન દિકરીને ભેટી પડ્યાં પરંતુ ઝડપભેર ભુમિકા બોલી,મમ્મી! તું ટેન્શન ના લે.ડોકટરે તને સ્પષ્ટ ના કહી છે.મારા નસીબમાં નોકરી નહીં હોય, બીજુ શું? “

બરાબર પાંચમા દિવસે ક્લાર્ક મેડમનો ફોન આવ્યો.મેડમ ખુશખુશાલ ભાવે બોલ્યાં,”ભુમિકાબેન!તમારી ફી પ્રિન્સીપાલ સર અને બધા પ્રોફેસરો સાથે મળીને ભરી દેવાના છે.આવતા વર્ષે પણ આ જ વ્યવસ્થા થશે. તમે આજે જ કોલેજ આવી જાઓ અને હા, આ બાબતે તમારે જાહેરમાં કોઈનોય આભાર વ્યક્ત કરવાનો નથી.”

ભુમિકાના આનંદનો કોઈ પાર નહોતો.એ દોડીને કંચનબેનને ભેટી પડી અને ખુશીના સમાચાર આપ્યા.બન્ને મા દિકરીની આંખોમાં હર્ષનાં આંસુ હતાં.ભુમિકા હરખનાં આંસુ સાથે ઝડપભેર તૈયાર થઈ ને કોલેજે પહોંચી ગઈ.બેવડા ઉત્સાહથી ભુમિકાએ બીએસસી નર્સિંગ પુરુ કર્યું.બન્ને મા દિકરીએ મહેનતમાં પાછું વળીને જોયું નહીં.

આજે સવારે દશ વાગે પરિણામ વિતરણ થવાનું હતું.સવારે નવ વાગે ખુદ પ્રિન્સીપાલનો ભુમિકા પર ફોન આવ્યો.હેલ્લો કહેતાં જ સામેથી ફોન પર સંભળાયું, “બેટા! તું ભુમિકા બોલે છે?”

પ્રત્યુતરમાં ભુમિકાએ “હા” કહેતાં જ પ્રિન્સીપાલ બોલ્યા,”બેટા ભુમિકા!હું પ્રિન્સીપાલ સર બોલું છું.તું દશ વાગે સીધી મારી ઓફિસમાં જ આવીને મને મળી જા.તારુ પરિણામ તો ખુબ ઉંચું જ છે.એની ચિંતા ના કરતી.”

ભુમિકાનો આનંદ હિલોળા લઈ રહ્યો હતો.એણે કંચનબેનને ફોન પરની વાત કહી.કંચનબેન પણ ખુશ ખુશ થઈ ગયાં.ભુમિકાને તો આજે પ્રિન્સીપાલ સર અને પ્રોફેસરોનો આભાર વ્યક્ત કરવાની તક મળી હતી.

બરાબર દશના ટકોરે ભુમિકા પ્રિન્સીપાલ સરની ઓફિસમાં “મી આઈ કમ ઈન સર.” -કહીને હાજર થઈ ગઈ પરંતુ ઓફિસમાં તો માત્ર પ્રિન્સીપાલ સર અને એક બીજો આ કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતો તિમિર ઉભો હતો.પ્રોફેસરોની હાજરી ઓફિસમાં નહોતી.

પ્રિન્સીપાલ સરે “આવ ભુમિકા.”-કહીને સીધી વાતની શરૂઆત કરી,”દિકરી ભુમિકા! તું ખુબ નસીબદાર છે.અહીં જે બાજુમાં ઉભેલ છે તે તિમિર છે.એક સાથે તમે બન્નેએ અભ્યાસ કર્યો છે એટલે એકબીજાથી પરિચિત તો હશો છતાંય તમે બન્ને મિતભાષી છો એટલે તમારો એકબીજાનો લાંબો પરિચય હશે કે નહીં એની મને ખબર તો નથી પરંતુ આજે હું તિમિર વિષે નહીં જણાવું તો મારો આત્મા મને કાયમ ડંખશે.

તિમિરના કહેવા મુજબ તે એક ખાધેપીધે પ્રમાણમાં સુખી પરિવારનો દિકરો છે અને તમે બન્ને એક જ સમાજનાં પણ છો.માનવતાના નાતે છેલ્લા બે વરસની ફી એણે ભરી છે, અમે નહીં.એણે એ વખતે મને વિનંતી કરીને કહ્યું હતું કે “સર,ભુમિકા સ્વમાની પરિવારની છોકરી છે.હું તેના પરિવાર પાસે જઈને મદદ માટે કહુ અને તેઓ ઈન્કાર કરે કે પછી મારો મદદ પાછળ કોઈ સ્વાર્થ ગણી બેસે તો!”

બસ, દિકરી!આજ સુધી હું કઈ પણ બોલ્યો નહી પરંતુ આજે હું આ વાત જાહેર ના કરુ તો ભગવાન પણ મને માફ ના કરે.”

પ્રિન્સીપાલ ખુરશીમાંથી ઉભા થઈને સજય નયને તિમિરના ખભે હાથ મુકીને બોલ્યા,”મને માફ કરજે તિમિર!તારુ વચન હું પાળી શક્યો નથી.આખરે હું પણ એક માનવી છું.”

તિમિર અને ભુમિકા પ્રિન્સીપાલ સરના પગે પડીને ઓફિસની બહાર નિકળી ગયાં.બન્નેને એકબીજા સામે જોવાની પણ અત્યારે હિંમત નહોતી.પરિણામ વિતરણ થઈ ગયું.તિમિર અને ભુમિકાનાં પરિણામ તો ખુબ સારાં હતાં.

કોલેજના દરવાજા બહાર તિમિરે પગ મૂક્યો ત્યાં જ રાહ જોઈને ઉભેલ ભુમિકાએ તિમિરના હાથમાં ચિઠ્ઠી પકડાવીને નીચા મોંએ તે ચાલતી થઈ.

ચિઠ્ઠી તો તિમિરે લઈ લીધી પરંતુ તે એકદમ વિહ્વળ થઈ ગયો. શું લખ્યું હશે ચિઠ્ઠીમાં ભુમિકાએ?એકદમ આછાબોલો અને સીધા સાદા સ્વાભાવના તિમિરે થોડે દૂર જઈને ચિઠ્ઠી ખોલી. કોઈ પણ સંબોધન વગરની ચિઠ્ઠીમાં ભુમિકાના ઘરનું સરનામું લખેલ હતું અને નીચે એક વાક્ય લખ્યું હતું,”અમારો આખો પરિવાર તમારો આભાર માની શકે એ માટે આવતી કાલે સવારે દશ વાગે લખેલ સરનામે આવશો એવી બે હાથ જોડીને વિનંતી.”

ઘેર આવીને ભુમિકા સીધી કંચનબેનના ખોળામાં આવીને બેસી ગઈ.મમ્મીને હાર્ટની થોડી તકલીફ છે એ યાદ આવતાં જ તે ઝડપભેર બોલી,”મમ્મી ચિંતા ના કરતી.મારુ પરિણામ તો એકદમ ઉંચું આવ્યું છે પરંતુ બે વરસની ફી બાબતે થોડું કહેવું છે.મારી ફી પ્રિન્સીપાલ સર અને પ્રોફેસરોએ નહીં પરંતુ આપણા જ સમાજના એક સામાન્ય પરિસ્થિતિના વિધવા માતાના પુત્રએ ભરી હતી અને તેમને મેં આવતી કાલે દશ વાગે આપણે ઘેર આભાર પ્રગટ કરવા માટે બોલાવ્યા છે.એમનું નામ તિમિર છે.એ કાલે આવશે તો તું પણ ઓળખી જઈશ.તું એમનો ચહેરો જોઈને જ ઓળખી જઈશ.ત્રણ ચાર વખત સામાજિક પ્રસંગોમાં તેં એમને અછડતી નજરે જોયેલ હશે. “

બન્ને મા દિકરીએ પોતપોતાના વિચારોના વમળમાં દિવસ પસાર કરી દીધો.રાત્રે કંચનબેન પથારીમાં પડ્યાં પડ્યાં સતત વિચારી રહ્યાં હતાં કે,’દિકરીએ મૂરતિયો પસંદ કરી લીધો લાગે છે.તે અને તેનો પરિવાર સંસ્કારી હોય’ એ જ મનોવ્યથા હતી થોડી.

ભુમિકાની તો ઉંઘ જ વેરણ થઈ ગઈ.તેના હ્રદયપટલ પર તિમિર છવાઈ ગયો.એણે ભૂતકાળમાં ડોકિયું કરી જોયું.

સૌ પ્રથમ વખત વતનમાં મામાની દિકરીની જાનમાં તિમિરને જોયો ત્યારે એ કોલેજના પ્રથમ વર્ષમાં હતી.તિમિરે એને જોતાં જ પાસે આવ્યો હતો અને કંચનબેનને નમસ્કાર કરીને બોલ્યો હતો, “હું અને ભુમિકા સાથે જ અભ્યાસ કરીએ છીએ.મારુ નામ તિમિર છે.હું કામલપુરનો છું.”

બીજી મુલાકાત કોલજના બીજા વર્ષ દરમિયાન એક લગ્ન પ્રસંગે થઈ હતી. એ વખતે કંચનબેને તિમિર અને તેની મમ્મી સુલોચનાબેનનો ઉંડાણથી પરિચય મેળવ્યો હતો.તિમિરના પિતાજી વર્ગ બે ના અધિકારી હતા અને અકસ્માતમાં મૃત્યુ પામ્યા એ ભુમિકાને એ વખતે ખબર પડી.કંચનબેનને પણ અહેસાસ થયો કે બન્ને પરિવારો સમદુઃખીયા છે.

ભુમિકા ત્રીજા વર્ષમાં આવી ત્યારે તો એણે પ્રત્યક્ષ નજરે તિમિરને એવી રીતે જોયો કે એની આંખમાં આંસુ આવી ગયાં.ઘેર ફોઈ આવેલ હોવાથી વહેલી સવારે ભુમિકા દુધ લેવા પાર્લર પર ગઈ તો એણે પાર્લર પર સાયકલસવાર તિમિરને વર્તમાનપત્ર ફેંકતાં નજરોનજર જોયો.સારુ થયું કે,તિમિરે એને જોઈ નહોતી.

એના પછી એક રવિવારને દિવસે હાથલારીમાં ફ્રુટ વેચતા તિમિરને જોતાં જ ભુમિકાનું હ્રદય રીતસરનું પોકારી ઉઠ્યું “કેટલો કર્મનિષ્ઠ યુવાન? અભ્યાસ ખર્ચ માટે કોઈ પણ શેહ, શરમ વગર કેવી મહેનત કરી રહ્યો છે? આજનો યુવાન આટલો મહેનતું?” તેને માન્યામાં નહોતું આવતું.

બિચ્ચારી ભુમિકાને એ ક્યાં ખબર હતી કે,તિમિરના પિતાજી તિમિર માટે એટલું મુકીને ગયા જ હતા કે તિમિરનો અભ્યાસ પુરો થઈ જાય અને તેનો લગ્ન ખર્ચ પણ નિકળી જાય. ભુમિકાને એ પણ ક્યાં ખબર હોય કે, તિમિરના પિતાજીના મોત પછી ગ્રેજ્યુએટી અને વીમાની બધી જ રકમ ખર્ચીને ઘડીનોય વિલંબ કર્યા વગર સુંદર મકાન લઈ લીધું હતું ને પેન્શનમાંથી ઘરખર્ચ સહેલાઈથી પુરુ થઈ જતું હતું.એકદમ સીધા સાદા તિમિરના જીવનમાં તો વધારાના એક રૂપિયાનોય ખર્ચ નહોતો એ વાતની જાણ ભુમિકાને તિમિર સાયકલ પર વર્તમાનપત્રો વેચતો હતો ત્યારની જરૂર હતી.

ભુમિકા એ વાતથી તો બિલકુલ અજાણ હતી કે,તિમિર આ વધારાની મજુરી એની પોતાની ફી ભરવા એની મમ્મી સુલોચનાબેનની અનુમતિ લઈને કરી રહ્યો છે.તિમિરે ભુમિકાની પરિસ્થિતિથી સરોજબેનને વાકેફ કર્યાં હતાં અને પોતાની મહેનતથી તે નિશ્વાર્થભાવે ભુમિકાની ફી ભરવા માગે છે એ માટે વિનંતી કરીને સપ્રેમ મમ્મીની મંજૂરી મેળવી લીધી હતી.બાપના સેવાભાવી જીવનના પગલે પગલે દિકરો પણ ચાલી રહ્યો છે એ જાણીને સુલોચનાબેન અતિશય ભાવવિભોર બની ગયાં હતાં અને તિમિરના સ્વ. પિતાજીની છબી સામે જઈને રડી પડ્યાં હતાં એ ભુમિકાને ક્યાંથી ખબર હોય?

એ તો પથારીમાં પડખાં ફેરવતી ફેરવતી સતત એ જ વિચારી રહી હતી કે,”તિમિરે એમના અભ્યાસ ખર્ચની સાથેસાથે મારી ફી પણ ભરી દીધી!ધન્ય છે તિમિર તમને.ધન્ય છે તમારા સંસ્કાર અને સેવાભાવને.ચાર ચાર વર્ષના સહાધ્યાયી રહ્યા તોય મારી સામે આંખ ઉંચી કરીને ક્યારેય જોયું પણ નથી તમે?તિમિર!તમે મારા હ્રદયમાં છવાઈ ગયા છો.હું તમારા ચરણોની દાસી બનીને રહેવા માગું છું.તમે મને સ્વિકારશોને તિમિર?”

વળી પાછી વિહ્વળ થઈ ગઈ ભુમિકા. એના મનમાં નવી વિટંબણાએ આકાર લીધો, “તિમિરનું સગપણ કે લગ્ન તો નહીં થઈ ગયાં હોય ને?” તેનું શરીર પરસેવો પરસેવો થઈ ગયું.એના મોંઢેથી અચાનક ઉંહકારો નિકળી ગયો.બાજુની પથારીમાં પડખાં ઘસી રહેલાં કંચનબેન ઞબડકીને બેઠાં થઈને રાત્રે બે વાગે બોલ્યાં, “શું થયું ભુમિ દિકરા? “

ભુમિકાથી ના રહેવાયું. એ ઝડપથી ઉભી થઈને કંચનબેનને બાઝી પડી. અચાનક તેને મમ્મીના હ્રદયનો ખ્યાલ આવતાં ઝડપથી બોલી,”તું કોઈ ટેન્શન ના લેતી મમ્મી! પરંતુ આજે હું મારુ દિલ હારી ચુકી છું.મને તિમિર મળશે ને? મને એક ચિંતા સતાવે છે.તિમિરનાં લગ્ન કે સગપણ તો નહીં થઈ ગયેલ હોય ને?”

કંચનબેન સમસમી ગયાં.એમણે બન્ને હાથે ભુમિકાના ગાલ દબાવીને કહ્યું, “ધન્ય છે દિકરી!તેં તો આ પરિવારની સાત સાત પેઢી ઉજાળી. મને તો એમ હતું કે, તમે બન્ને જણ બધું નક્કી કરીને બેઠાં છો. ધન્ય છે તિમિરને અને ધન્ય છે કે તેના સંસ્કારોને. આ હળાહળ કળિયુગની તમે બન્ને જળહળતી મિશાલ છો.મારો આત્મા કહે છે કે, તિમિર હજી કુંવારા જ હશે.” છતાંય કંચનબેન અંદરથી વિહ્વળ તો થઈ જ ગયાં.છેક સવાર સુધી એ પ્રભુને વિનવતાં રહ્યાં કે,’હે મારા નાથ! સૌ સારાં વાનાં કરજે.’

દશ વાગે ભુમિકાને ઘેર જવાની વાત તિમિરે આગલા દિવસે જ સુલોચનાબેનને જણાવી દીધી હતી.ત્યારથી જ સુલોચનાબેન ખુશખુશાલ હતાં. ભુમિકાને તો એમણે ચાર ચાર વખત જોઈ લીધી હતી.એના સંસ્કારો તો આપોઆપ પરખાઈ ગયા હતા.એમાંય દિકરાએ સ્વમહેનતે ભુમિકાની ફી ભરી એના પછી તો એમને નક્કી થઈ ગયું હતું કે, દિકરાએ ભુમિકાને પસંદ કરી લીધી છે.દિકરાની પસંદગી યોગ્ય જ હોય એટલો એમને ગળા સુધીનો વિશ્વાસ હતો એટલે તો સવારે નવ વાગે નિકળતાં જ તિમિરને ચમચી ભરીને દહીં ખવડાવીને કહ્યું,”દિકરા! બધું પાકું કરીને જ આવજે! કાલથી જ સગપણનાં કપડાં, દાગીના ખરીદવા મંડી પડું.”

મમ્મી! એવું કંઈ નથી. ભુમિકા હજી કુવારી છે કે પછી અેનાં સગાઈ, લગ્ન થયાં છે એય મને ખબર નથી.હું તો ફક્ત એમનો આભાર માથે ચડાવવા જઈ રહ્યો છું.”

ઘડી પહેલાંનો કંચનબેનનો ખિલખિલાટ ચહેરો થોડો વિલાયો. તેમના મોંઢેથી અનાયાસે શબ્દો સરી પડ્યા.”ધન્ય છે તારા નિશ્વાર્થ સેવાભાવને. હું તો મનમાં એવું સમજતી હતી કે, તું અને ભુમિકા બધું નક્કી કરીને બેઠાં છો પરંતુ તેં તો તારા બાપુજીનું નામ ઉજાળી દીધું.છતાંય ભુમિકા હજી કુંવારી જ હોય તો આજના દિવસે જ પાક્કુ કરીને આવજે.મારો આત્મા કહે છે કે, એની મરજીથી જ મેં તને દહીં ખવડાવ્યું છે એટલે મને ખુશીના જ સમાચાર મળવાના છે એ નક્કી. “

બરાબર દશ વાગે તિમિર ભુમિકાના ઘેર પહોંચી ગયો. કાગડોળે રાહ જોઈ રહેલાં કંચનબેન, ભુમિકા અને આરવ ખુશખુશ થઈ ગયાં.અશ્રુસહ કંચનબેને તિમિરનાં ઓવારણાં લીધાં.ભુમિકા નીચે બેસી જઈને તિમિરના પગ પકડીને આવેગભર્યા સ્વરે બોલી, હું તમારા ચરણની રજ બનવા માગું છું તિમિર!જો તમારુ ક્યાંય ગોઠવાયેલ ના હોય તો મને સ્વિકારશો તિમિર! “

તિમિરે ભુમિકાના બે હાથ પકડીને ઉભી કરી અને બોલ્યો,”ગાંડપણ ના કર ભુમિકા! મેં જે કંઈ કર્યું છે એ માનવતાને નાતે કર્યું છે.એમાં મેં કોઈ ઉપકાર કર્યો નથી.વાત રહી મારા સબંધની તો,હજી હું કુવારો જ છું.આજ દિવસ સુધી મેં તારી સામે એ દ્રષ્ટિથી જોયું પણ નથી પરંતુ ઘેરથી નિકળ્યો ત્યારે મારી મમ્મીએ મને આ ભલામણ કરીને જ મોકલ્યો છે.પરંતુ મારી એક શરત છે.”

“તમારી બધી જ શરતો અમને મંજુર છે.”કંચનબેન ઝડપભેર બોલ્યાં.

“ના મમ્મી! એ શરત તમારી આગળ નહીં પરંતુ ભુમિકા સામે છે.”-તિમિર ભુમિકા સામે જોઈને બોલ્યો.

પુરા પોણા છ ફુટ ઉંચાઈ ધરાવતી સપ્રમાણ બાંધો અને ગૌરવર્ણી ,સુંદર લંબગોળ ચહેરાની માલિક ભુમિકાનો ચહેરો થોડો મુરઝાયો એ ધ્યાને આવતાં જ તિમિરે ઝડપથી કહેવું પડ્યું,”ભુમિ!પતિ-પત્નિ તો સંસારરથનાં બે પૈડાં છે.બન્નેને સમાનતાનો હક્ક છે. સ્ત્રી તો પુરુષની અર્ધાંગિની છે.એ પુરુષની ચરણરજ કે દાસી નથી.મારી ચરણરજ બનીને તું રહે એ મને મંજુર નથી. મારા હ્રદયમાં બેસીને મને સતત માર્ગદર્શન આપવું હોય તો હું તારી સાથે લગ્ન કરવા સંમત છું પરંતુ આખરી ફેંસલો તો આજ સાંજે જ તમારા ઘરની મારાં મમ્મીને મહેમાનગતિ કરાવું ત્યારે જ થશે.”

છતાંય ભુમિકાએ તો ફરીથી તિમિરના પગ જ પકડ્યા.તિમિરે ભુમિકાને ઉભી કરીને બન્ને ગાલ પર બે હાથ મુકીને પ્રથમવાર ધરાઈ ધરાઈને જોઈ રહ્યો. હરખનાં આંસુ લુંછતાં કંચનબેન અંદરના રૂમમાં ચાલ્યાં ગયાં તો આરવ તો દોડતો દોડતો પાણીનું ગ્લાસ ભરી લાવીને ખુંખારો ખાઈને બોલ્યો,”જીજુ! આ પાણીનો ગ્લાસ ભરીને હું ક્યારનો ઉભો છું!”

==============================

લેખક-નટવરભાઈ રાવળદેવ થરા.

તારીખ-૧૦/૧૦/૨૦૨૨

મંગળસૂત્ર - ગુજરાતી વાર્તા
મંગળસૂત્ર – ગુજરાતી વાર્તા

આ વાર્તાઓ પણ વાંચો 👇

🍁 જન્મભૂમિનો ત્યાગ – ધૂમકેતુ

🍁 લાડુનું જમણ – પન્નાલાલ પટેલ

🍁 કાશીમા ની કૂતરી – પન્નાલાલ પટેલ

🍁 મળેલા જીવ – પન્નાલાલ પટેલ

નાથીયો - નટવરભાઈ રાવળદેવ થરા
નાથીયો – ગુજરાતી ટૂંકી વાર્તા નટવરભાઈ રાવળદેવ થરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *