Skip to content

“સાચું સૌંદર્ય” રુપનું છે કે હ્રદયનું ? હ્રદયસ્પર્શી વાર્તા

"સાચું સૌંદર્ય" Heart touching story
8529 Views

“સાચું સૌંદર્ય” – વાસુદેવભાઇ સોઢા લિખીત એક હ્રદયસ્પર્શી વાર્તા છે. માણસનું સાચું સૌંદર્ય એના રુપનું છે કે હ્રદયનું ? એ અહી સુંદર રીતે વર્ણવવામાં આવ્યુ છે. Best Heart touching story in Gujarati.

સાચું સૌંદર્ય – વાસુદેવ સોઢા

ગામને પાદર પાણીના સેલારા લેતું તળાવ.
તળાવની બાજુએ પાકી બાંધેલી પાળ હતી. પાળને ઘસાઈને રસ્તો ગામના ઝાંપે આવીને અટકતો.

તળાવની બીજી બે બાજુઓ માટીના પાળાથી બંધાયેલી હતી. એ પાળા પર , વડ , પીપર , આંબલી અને લીમડાના ઝાડોની ઘેઘૂર ઘટા હતી. બન્ને પાળા પર વૃક્ષોની કૂંજાર હાર હતી. પાળા પર લીલી ઝાઝમ બીછાવી હોય તેમ ઘાસ ફૂટી નીકળ્યું હતું. અમરકથાઓ

પાળા પર ચાર – પાંચ બકરાં ચારતો મેરૂ એક ઝાડના છાયામાં ડાંગ લઈને બેસેલો દરરોજ નજરે પડતો.

મેરૂનું મોઢું ભયાનક લાગે તેવું હતું. મોટુંને પહોળુ નાક , નીચલો અર્ધો હોઠ તૂટી ગયેલો તેથી આગલાં બે દાંત મોંની બહાર નીકળેલા દેખાતા હતા. શીળીના ચાંઠાથી આખુંય મોઢું ગોબાઈ ગયેલું ને પાછો વધારામાં કાળો મેશ જેવો વાન.

મેરૂને જોનારનું હૃદય પેલી વખત તો ધરબાઈ જાય. ભૂત નો માસીયાઈ ભાઈ લાગે. અમરકથાઓ

આ ગામમાં થોડા વખત પહેલાં એ ફરતો ફરતો આવ્યો હતો. ભગવાન જાણે ક્યાંથી

પણ અહીં બકરાં માટે તેને ઘાસચારો મળી જવાથી પાદરમાં રાડાનું નાનું સરખું ઝૂંપડું કરીને પડયો રહેતો. આખો દિ તળાવની પાળે બકરાં ચારતો અને રાત્રે ઝૂપડાંમાં બકરાં અને મેરૂ લપાઈ જતા.

પણ આ અણગમતા દેખાવવાળો મેરૂ વગર કારણે ગામ લોકોની આંખે ચડી જતો. તેના ભય ઉપજાવે તેવા મ્હોરાને કારણે બધા વાતો કરતા.

“આના લખણ સારા દેખાતા નથી હો … જુઓની એની સિકલ કેવી છે ? “

વળી બીજો કહેતો , “વાત સાચી છે . કોકદિ ‘ કંઇક અવળું કરી બેહશે ત્યારે બધાયનું મોઢું ખોઇ જેવું થઈ જશે … “

ત્રીજો વળી ઉપાય બતાવતો. “આને ગામમાંથી કાઢવો જોઈએ. કંઇ કડાકૂટ જ ન રહે.”

બે ચાર માણસોએ ભેગા મળીને સરપંચ પાસે જઈને મેરૂને કાઢી મૂકવાની વાત કરી.

પણ કેટલાક ગળઢા માણસોને દયા આવી. એણે કહ્યું ,
“ભલેની પડયો … હજી કોઈને નડયો નથી … નાહકનો બિચારાને શું હેરાન કરવો ? પેટિયું રળી ખાય છે … તેમાં આપણે વચ્ચે ટાંટિયો ન નખાઈ …”

આમ છતાં બધાના મનમાં મેરૂ તરફ ધૃણા ફેલાતી હતી.

એક દિવસ નાના છોકરાઓ રમતા રમતા તળાવની પાળે જઈ ચડયા. દોડાદોડીમાં એક છોકરાનો પગ લપસ્યો. ને એક છોકરો તળાવમાં ઉથલી પડયો.

છોકરાઓએ ચીસાચીસ કરી મૂકી. પાળે બેઠેલા બીજા થોડાક માણસો દોડી આવ્યા. ડૂબતા છોકરાને બચાવવાની કોઈની હિંમત ચાલી નહિ. તળાવનું પાણી ખૂબ જ ઊંડું હતું. સૌ રાડો પાડીને છોકરાને બચાવી લેવા માટે કહેતા હતા. પણ તળાવમાં મરવા કોણ પડે ?

સૌ ભયથી એકબીજાના મોં સામે જોઈ રહ્યા.

‘ધબ્બ’ કરતો ધુબાકો થયો.
હડી કાઢીને એક જણે તળાવમાં ધૂબાકો માર્યો.

” કોણ પડયું ? કોણ પડયું ? ” સૌ એકબીજાને પૂછતા રહ્યા.

ત્યાં જ છોકરાને ખભે નાખીને તરતો તરતો મેરૂ તળાવના કાંઠે આવ્યો. છોકરો હેમખેમ ઉગરી ગયો હતો.

સૌ આશ્ચર્યથી મેરૂની સામે જોઈ રહ્યા. ત્યારે તેના ભયાનક દેખાતા ચહેરામાં કોઈને ભય ન દેખાયો. પણ પર દુઃખે દુઃખી થવાની આભા દેખાણી.

મેરૂનું મોં મલકી ઊઠયું . એ મલકાટમાં સૌને અનુપમ સૌદર્ય લાગ્યું.

“બાકી ભડ હો … ” સૌના મોંમાંથી મેરૂ માટે આનંદના ઉદગારો સરી પડયા …..

✍ વાસુદેવ સોઢા…
ટાઇપીંગ અને સંકલન અમર કથાઓ

આ પણ વાંચો 👉 2 Heart touching story – આઇ.કે. વિજળીવાલા

ઝોહરા – એક હ્રદયસ્પર્શી વાર્તા

વાસુદેવ સોઢા book
વાસુદેવ સોઢા book

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *