Skip to content

2 Heart Touching Story in Gujarati | ગુજરાતી ટુંકી વાર્તા

Haret Touching Story
9532 Views

Heart Touching Story in Gujarati (ગુજરાતી હ્રદયસ્પર્શી વાર્તા ) – આજે અમરકથાઓમાં વાંચો બે હ્રદયસ્પર્શી વાર્તાઓ. આ વાર્તાઓ અંગેના મંતવ્યો જરુરથી જણાવશો.

1 આને તમે પાગલ કહેશો ? – Heart Touching Story in Gujarati

(બે વાર્તાઓ જે આપના હ્રદયને સ્પર્શી જશે)

આને તમે પાગલ કહેશો Heart Touching Story in Gujarati ?
આને તમે પાગલ કહેશો ?

૨૫ ડિસેમ્બરની સાંજ હતી.
નાતાલના દિવસોની ઉજવણીના ઉત્સાહમાં સૌ હતાં.
જ્યાં જુઓ ત્યાં આનંદનો મહાસાગર લહેરાઈ રહ્યો હતો . આનંદ , ઉમંગ , ઉત્સાહ અને સાથે ઉતાવળ પણ ખરી.

અંકલ પિયર્સન અને મૅડમ પિયર્સન વેમ્બ્લીથી ઈલફર્ડ જઈ રહ્યાં હતાં. ક્રિસમસના એક શાનદાર ફંક્શનમાં પહોંચવાનું હતું. ઘણો ખ્યાલ રાખવા છતાં નીકળવામાં જ મોડું થયું હતું.
હવે તો સ્પીડ વધારી સમયસર પહોંચવા સિવાય બીજો કોઈ વિકલ્પ અંકલ પાસે નહોતો.

તેમણે કારની ઝડપ વધારી. આજુબાજુનાં દૃશ્યો તેજ ગતિથી પસાર થવા લાગ્યા.
એક વળાંક પર કારની સ્પીડ સહેજ ધીમી પડી એક ડૉક્ટરસાહેબની નેઈમ – પ્લેટ પર પિયર્સનની નજર પડી. વળી ગતિ વધી. અંકલ ઠરેલ હતા , અનુભવતી હતા . ડાહ્યો માણસ ઉતાવળમાં ન હોય એવું એ જાણતા હતા , છતાં ઉતાવળનો જે અંજામ હંમેશાં આવે છે તે જ આવ્યો.

એક બાળકને બચાવવા અંકલ પિયર્સને ટર્ન માર્યો , સામેની કારથી બચવા ફરી ટર્ન મારવો પડ્યો, પરિણામે કાર એક ઝાડ સાથે અથડાઈ પડી. અકસ્માતમાં મૅડમ પિયર્સનને વધુ પડતી ઈજા થઈ. પિયર્સનને પણ માથામાં લાગ્યું . ડાબો હાથ મરડાઈ ગયો. મહાપ્રયાસે અન્ય રાહદારીઓની સહાયથી તેમણે મૅડમને પાછલી સીટ પર સુવડાવ્યા. પોતે જમણા હાથે સ્ટીયરિંગ સંભાળ્યું.

આટલી ઉતાવળમાં પણ પાછળ એક ડૉક્ટરની ડિસ્પેન્સરી (દવાખાનુ) છે એવું તેમના ખ્યાલમાં રહી ગયું હતું એટલે મોટર પાછી લીધી , ઊભી રાખી , ઊતર્યા અને અંકલે ડોરબેલ વગાડી ,
બારણું ખૂલ્યું અને એક પડછંદ આદમી બહાર આવ્યો . તેણે ખૂબ જ વિવેકથી કહ્યું : ” આપની હું શું સેવા કરી શકું ? આપ મને જણાવશો ?”

અંકલ પિયર્સને સંક્ષેપમાં અકસ્માતની વિગત આપી.

ડૉક્ટરસાહેબ કહે , “ ગભરાવાની જરા પણ જરૂર નથી.” તેમણે બહાર આવી બાળક રમકડાને ઉઠાવે તેમ સાવ આસાનીથી મૅડમ પિયર્સનના બેભાન દેહને ઉઠવ્યો અને ડ્રેસિંગ – ટેબલ પર સુવડાવી દીધો.

અંકલે દવાખાનું , સાધનો , ડૉક્ટર – બધાંનું નિરીક્ષણ કર્યું. આ સ્થાન હતું વ્યવસ્થિત , પણ તેનો ઉપયોગ થતો હોય તેમ લાગ્યું નહીં .

ડૉક્ટરે તો ઝડપથી કામગીરી શરૂ કરી અંકલને જણાવ્યું : “આપ મને થોડી મદદ કરી શકશો ? “
અંકલે પ્રયાસ તો કર્યો પણ તેમને ચક્કર આવવાથી ડૉક્ટરે તેમને બહાર મોકલી ખુરશી પર આરામથી બેસવા જણાવ્યું. ‘ નો પ્રૉબ્લેમ ‘ કહી ફરી એ ટ્રીટમેન્ટ આપવા લાગ્યા. #અમર_કથાઓ

બહાર અંકલ પિયર્સન બેઠા હતા. એ જ વખતે એક આગેવાન અને તેની સાથેના થોડા માણસોએ ડૉક્ટરના મકાનમાં પ્રવેશવા પ્રયાસ કર્યા. ખૂબ સાવચેતી રાખી , આજુબાજુ બરાબર નિરીક્ષણ કરી. સૌ મકાનમાં દાખલ થયા. અંકલ પિયર્સને બેઠાંબેઠાં આ બધું જોયું .
જ્યારે આ આખી ટીમ એક લીડરની દોરવણી નીચે આગળ વધી કે તરત જ અંકલ પિયર્સને કડક શબ્દોમાં તેમને પડકાર્યા .

“ખબરદાર ! જ્યાં છો ત્યાં જ રહેજો ! જરા પણ આગળ વધશો નહીં ”

ટીમના આગેવાને કહ્યું : “ જેન્ટલમેન , આપ અમને શું ચોર ધારો છો. ? આપ આવું અનુમાન કરી શકો છો તેમાં આપનો દોષ નથી , પરંતુ હું આપને જણાવવાની રજા લઉં છું કે અમે બાજુના પાગલખાનાના કર્મચારીઓ છીએ . અમારો એક પેશન્ટ આજે પાગલખાનું છોડીને નાસી ગયો છે. તેની શોધ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ .”

પિયર્સન કહે , ‘’ આપની વાત સાચી હશે , પણ અહીં તો માત્ર એક સેવાભાવી ડૉક્ટરસાહેબ સિવાય બીજું કોઈ નથી . ”

અધિકારીએ કહ્યું , “એ જ … એ જ ડૉક્ટર અમારા પેશન્ટ છે.
વર્ષો પહેલાં તેમનાં મિસિસ સાથે તેઓ ક્રિસમસની પાર્ટીમાં જતા હતા. તેમની પાસે પૈસો , પ્રતિષ્ઠા , પ્રસિદ્ધિ , સુખ , સ્વાથ્ય , સંપત્તિ – બધું જ હતું . ડૉક્ટર ખૂબ જ સુખી માનવી હતા. તેમનાં પત્ની પણ એવાં જ સંસ્કારી , સુંદર અને સદાચારી હતાં , પરંતુ કુદરતને એમનું સુખ મંજૂર નહોતું . તેમની પત્ની સાથે ક્રિસમસની પાર્ટીમાં જતાં એક વૃક્ષ સાથે તેમની મોટર અથડાઈ. આ અકસ્માતમાં તેમનાં પત્નીનું અવસાન થયું.
આ દુ:ખ ડૉક્ટરસાહેબ સહન ન કરી શક્યા. આઘાત એવો ઊંડો હતો કે ડૉક્ટર પાગલ બની ગયા. પાગલખાનામાં પણ તેમનો કાંઈ ઉપદ્રવ નથી. બસ , આ દિવસોમાં (નાતાલના) એ ક્યારેક પાગલખાનું છોડી અહીં તેમના દવાખાને આવતા રહે છે અને દર્દીઓને સારવાર , આપવાના કામમાં લાગી જાય છે .

“ઑપરેશન સક્સેસ , જેન્ટલમૅન ! આપ આપનાં મિસિસને લઈ જઈ શકો છો. માફ કરજો , હું બીજી કાંઈ આપની સેવા કરી નથી શક્યો.”

આંખમાં આંસુ સાથે પિયર્સને ડૉક્ટરસાહેબનો આભાર માન્યો. મોટરમાં મૅડમને ધીરે રહીને સુવડાવી દીધાં .

અંકલ પોતે બેઠા ત્યાં તેમણે જોયું : પાગલખાનાના અધિકારીઓ ડૉક્ટરને પકડીને લઈ જતા હતા.
પિયર્સન ક્યાંય સુધી આ દ્રશ્ય જોઈ રહ્યા.
પછી પોતાના ફેમિલી ડૉક્ટર રિચાર્ડસનને મળવા રવાના થયા.

ડૉક્ટર રિચાર્ડસને મેડમને તપાસી જણાવ્યું ,
“મિ. પિયર્સન , મારે આપને જણાવવું જોઈએ કે આપ ભાગ્યશાળી છો. અકસ્માત પછી તરત જ કોઈ નિષ્ણાત ડૉક્ટરની મૅડમને સારવાર મળી ગઈ છે. નહિતર મામલો ગંભીર હોત, હવે ચિંતાનું કોઈ કારણ નથી .”

પિયર્સનની આંખો બિજીવાર ભિંજાઇ ગઇ….મનમાં બોલી ઊઠ્યા શુ આ ડોક્ટરને તમે પાગલ કહેશો ?
———— #અમર_કથાઓ———

2 એક દો તીન…. – Heart Touching Story in Gujarati

એક તો યુવાની હોય , સાથે સરખેસરખા મિત્રો, અને એમાં સાથે યુવતીઓનો સંગ હોય , કૉલેજ તરફથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું હોય , પછી શું બાકી રહે ? યુવાની હેલે ચડે , જોબન મસ્તીમાં મહાલે , હસી-મજાકની રંગત જામે.

આવો જ એક પ્રવાસ હતો.
યુવક – યુવતીઓ હતાં. એક નિવૃત્ત આચાર્ય બેઠા હતા ,

તેમની બાજુમાં કોઈ માજી (પૂર્વ) સૈનિક તેની પત્ની સાથે બેઠા હતા.
સૈનિકનો ચહેરો જીવતરના આઘાતો અને યુદ્ધના ઘાવ સહીસહી કરડો બની ગયો હતો. મૂછો તેની મર્દાનગી સૂચવતી હતી. તેની આંખોમાં ખુમારી હતી , પણ સાથે ઊંડી વેદનાનો પણ અણસાર આવ્યા વગર રહેતો નહોતો. તેની પત્ની વૃદ્ધ હતી, અશક્ત હતી.
એ આંખો બંધ કરી બેઠી હતી. સૂતી છે કે જાગે છે એ નક્કી નહોતું થતું. સાવ નંખાઈ ગયેલું શરીર , ચહેરા પર અંકાયેલી દુઃખની રેખાઓ વૃદ્ધાની લાચાર અવસ્થાની સાક્ષી પૂરતાં હતાં.

યુવક – યુવતીઓ મજાકમસ્તીમાં મશગૂલ હતાં. આચાર્યજી ‘પુસ્તક’ વાંચી રહ્યા હતા .
સૈનિક ભાવવિહીન આંખોથી બહારનાં દશ્યો જોઈ રહ્યો હતો.
ત્યાં વૃદ્ધાના મુખમાંથી ઉદગારો નીકળ્યા :એક, દો, તીન . . .

ફરી એ જ ઉદ્દગારો : એક…. દો…. તીન . . .

યુવક – યુવતીઓને મજાકનું સાધન મળ્યું.
વૃદ્ધા પહેલાં તેઓ બોલતાં : એક , દો , તીન .
યુવતીઓ પણ મજાકમાં સાથે હતી. બસ , એક , દો , તીન . . . એક રમત બની ગઈ.

નિવૃત્ત આચાર્યથી આ સહન થયું નહીં.
તેમણે સૈનિકને કહ્યું , “બહનજી બીમાર હૈં ? ”

સૈનિકે કહ્યું , “ હાં , માસ્ટરસાહબ , ઇસકા કોઈ ઠિકાના નહીં હૈ. સિર્ફ પાગલ કી તરહ રટતી હૈ : એક , દો , તીન . “

આચાર્યે કહ્યું , ” મગર કોઈ વજહ તો હોગી હી . ”

સૈનિકે કહ્યું , “વજહ તો ક્યા , સાહબ ! હમારે દેશકા જો આઝાદી કા જંગ શરૂ હુઆ હૈ ઉસમેં મેરે તીનોં બેટે સુભાષબાબુકી આઝાદ હિંદ ફૌજ મેં ભર્તી હો ગયે .
ફિર હમેં સમાચાર મિલે કિ હમારે તીનોં બેટે એક કે બાદ એક શહીદ હો ગયે …
ઉન્હોંને શહાદત કા લાલ સહેરા પહન લિયા હૈ. મેં ખુદ સિપાહી હૂં , જાનતા હૂં જંગમેં મરના – મારના હોતા રહતા હૈ ,
મગર યહ બૂઢિયાકા ‘માં’ કા દિલ હૈ ન, ઇસલિયે સહ ન સકી . વહ પાગલ હો ગઈ હૈ . કભી કભી ઈસ તરહ ખ્વાબ મેં અપને આપકો ખો દેતી હૈ . પાગલ હો ગઈ હૈ , સાહબ ! પાગલ … ”

સૈનિકની આંખો આંસુઓથી છલકાઈ ગઈ . આ સાંભળી યુવક – યુવતીઓનો સમૂહ આઘાત અને શરમથી સ્તબ્ધ બની ગયો .
આખા કમ્પાર્ટમેન્ટમાં સન્નાટો છવાઈ ગયો .

આચાર્યશ્રી ઊભા થયા. તેમણે વૃદ્ધાનો ચરણસ્પર્શ કર્યો અને અદબથી પ્રણામ કર્યા .

સૈનિકે તેમને પગે લાગવા ન દીધા, પણ લાગણીવશ ભેટી પડ્યો અને આચાર્યને ખભે માથું મૂકી ચોધાર આંસુએ ૨ડી પડ્યો. ત્યાં દેહરાદૂન આવ્યું. સૌ ભારે હૈયે ટ્રેનમાંથી નીચે ઊતર્યા….

👉 ઝોહરા ( Heart touching story in Gujarati )

👉 ઝેની – બાળપણનાં પ્રેમની હ્રદયસ્પર્શી વાર્તા.


—— #અમર_કથાઓ ——-

આ પોસ્ટને મિત્રો સાથે share કરવા માટે 👇👇👇

Gujarati short story, story in gujarati, ગુજરાતી ટુંકી વાર્તા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *