8114 Views
સિંહાસન બત્રીસી pdf book, અબોલા રાણીની વાર્તા વિક્રમ વૈતાળ pdf, બત્રીસ પૂતળીની વાર્તા, 32 putli ni varta Gujarati ma, vikram betal ni varta Gujarati, સિંહાસન બત્રીસીના લેખક કોણ ?, Batris putli ni varta gujarati pdf, વિક્રમ રાજા ની વાર્તા, વિક્રમ રાજા ની બત્રીસ પૂતળીની વાર્તા, અબોલા રાણીની વાર્તા, 32 પૂતળી ની વાર્તા pdf, Batris Putli ni Varta Gujarat, sinhasan battisi pdf, sinhasan battisi Gujarati ma, sinhasan battisi book pdf downland, sinhasan battisi, betaal aur sinhasan battisi
“સિંહાસન બત્રીસી” છઠ્ઠી પૂતળી : અબોલા રાણીની વાર્તા
(મિત્રો છઠ્ઠી પૂતળી ચિત્રાંગનાની વાર્તાની અંદર બિજી ચાર બિજી પેટા વાર્તાઓ આવતી હોવાથી ધ્યાનથી વાંચો ખુબ જ મજા આવશે. અગાઉનાં ભાગ વાંચવા માટેની લિંક અહીથી મળી જશે.)
છઠ્ઠે દિવસે છઠ્ઠી પૂતળી રાજા ભોજને ‘ ચિત્રાંગના’એ સિંહાસન ઉપર બેસવા જતાં અટકાવી, વિક્રમ રાજાની નવી વાર્તા કહેવી શરૂ કરી :
ઉજ્જયિની નગરમાં એક પાનવાળાની દુકાને દરરોજ સાંજના એક સ્ત્રી પાન લેવા આવે. પાનનો ભાવ પૂછ્યા વગર પાનનાં બીડાં લઈ તે સ્ત્રી દુકાનદારને એક સોનામહોર આપે. આમ ઘણા દિવસ ચાલ્યું. પાનવાળાને આથી કુતૂહલ થયું અને તેણે પોતાના ગોરને આ સ્ત્રીની તપાસનું કામ સોંપ્યું. બીજે દિવસે તે સ્ત્રી પાન લઈને જવા લાગી એટલે ગોરમહારાજ તેની પાછળ પાછળ તપાસ અર્થે જવા લાગ્યો.
તે સ્ત્રી જંગલમાં ગઈ. એક પહાડ ઉપર ચઢી, ગુફામાં દાખલ થઈ. ગોરમહારાજ તેની પાછળ ગુફામાં દાખલ થયો. અંદર એક વિશાળ મહેલ હતો. અનેક રૂપસુંદરીઓ હરતી, ફરતી અને રમતી હતી.
ચોકમાં એક કૂવો હતો ત્યાં સ્ત્રીઓ પાણી ભરવા ઘડાને કૂવામાં નાખતી અને કહેતી : ” ઘડા ઘડા કૂવામાંથી બહાર આવ, તને અબોલા રાણીની આણ.”
આશ્ચર્ય વચ્ચે ઘડો દોરડા વગર તેની મેળે ઉપર આવતો. ગોરમહારાજને અબોલારાણીને જોવાની ઇચ્છા થઈ. બીજી સ્ત્રીઓને પૂછતાં બધી સ્ત્રીઓ હસવા લાગી ને તેને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. છતાં ગોરમહારાજે આગ્રહ કરતા સ્ત્રીઓએ તેને કુંડમાં નાહવાનું કહ્યું.
ગોરમહારાજ કુંડમાં પહેરેલ કપડે નાહવા પડતાં બહાર નીકળ્યો જ નહિ, પણ તેમણે આંખ ઉઘાડી તો તે પાનની દુકાન સામે પડ્યો હતો. તે પોતાની સ્થિતિ ઉપર રડતો હતો. ત્યાં તેને વેશપલટો કરીને નીકળેલ વિક્રમ રાજા મળ્યા. પૃચ્છા કરતાં બનેલ વિગત જણાવી અને ‘ પોતે અબોલા રાણીને પરણવા ચાહે છે ‘ તેમ પણ જણાવ્યું.
વિક્રમ રાજાએ પોતાનો પરિચય આપી તેનું કાર્ય પાર પાડવા કટિબદ્ધ થયા. બીજે દિવસે તે સ્ત્રી પાનનાં બીડાં લેવા આવી તેની પાછળ જઈને વિક્રમ રાજા ગુફામાં દાખલ થયા.
વિક્રમ રાજાએ તે સ્ત્રીઓને પૂછ્યું : “ તે અબોલા રાણીને મળવા માગે છે. ” આથી સ્ત્રીઓએ ખુલાસો કર્યો “ અબોલા રાણી પોતાની આગળ ચાર પડદા રાખે છે. તે કોઈપણ પુરુષને મળતી નથી , વાતચીત કરતી નથી , ઉત્તર આપતી નથી. તેમની શરત પુરી ન કરનારને તે કેદમાં પુરે છે. તેમણે અનેક રાજકુમારોને પોતાની કેદમાં રાખેલ છે. ”
વિક્રમરાજાએ શરત વિશે જણાવવા કહ્યુ. ત્યારે તે સ્ત્રીઓએ કહ્યુ કે જે અબોલા રાણીને બોલાવી શકે. અને ચારે પડદા દુર કરાવી શકે તે જ એને જોઇ શકે અને શરત જીતી શકે.
આ બધી વિગત જાણ્યા પછી વિક્રમ રાજા અબોલા રાણીને મળ્યા. મનોમન યોજના ઘડી કાઢી.
રાજાએ રાત્રિના પહેલે પહોરે એક વાર્તા કહેવી શરૂ કરી અને અબોલા રાણીને હુંકારો આપવા કહ્યું.
અબોલા રાણીએ આ વાતનો માથુ હલાવીને ઇન્કાર કર્યો.
ત્યાર પછી રાજા વિક્રમે વીર વૈતાળને કુંડલમાં પ્રવેશ કરવા કહ્યું , અને પોતાનાં પ્રશ્નનો પ્રત્યુત્તર તે કુંડળમાં રહીને આપે તેમ કહ્યું. વૈતાળે અદ્રશ્ય સ્વરુપે કુંડળમાં સ્થાન લીધુ.
વિક્રમ રાજાએ વાર્તા શરૂ કરી એક ગામમાં ચાર મિત્રો બ્રાહ્મણ , સુથાર , સોની , સાળવી રહેતા હતા. તેઓ કંઈપણ કામકાજ કરતા નહિ તેથી તેમનાં માતા – પિતાએ ચારેને પોતાના ઘરમાં કાઢી મૂક્યા, તેઓ પરદેશ જવા નીકળ્યા. અને બરાબર બાર વર્ષે ફરી મળવાનું નક્કી કર્યુ.
એક ગામમાં સોની સોનીની દુકાને રહી ગયો.
બીજો ગામમાં સુથારને ત્યાં રહી ગયો ,
ત્રીજો સાળવી ત્રીજા ગામમાં સાળવીને ત્યાં રહ્યો.
ચોથો બ્રાહ્મણ એક નદી કિનારે આશ્રમમાં રહ્યો.
આ ચારે જણા બાર વર્ષ સુધી પોતપોતાની વિદ્યામાં નિપુણ બન્યા.. અદ્ભુત કારીગર બન્યા..
બાર વર્ષ બાદ ઘેર પાછા આવવા નીકળ્યા. જંગલમાં બધા ભેગા થયા.
રાત પડતાં દરેક એક – એક પહોર જાગે અને ત્રણ જણા સૂઈ રહે એવુ નક્કી કર્યુ.
પહેલા સુથારનો વારો આવતાં તેણે સમય પસાર કરવા બેઠા બેઠા લાકડામાંથી એક આબેહુબ પૂતળી તૈયાર કરી.
બીજા પહોરે સાળવીએ તે પૂતળીને વસ્ત્રો પહેરાવ્યાં.
ત્રીજા પહોરે સોનીએ તેને ઘરેણાં પહેરાવ્યાં અને
ચોથા પહોરે બ્રાહ્મણે મંત્ર ભણી તે પૂતળીમાં જીવ મૂક્યો.
(આ વાર્તા વિસ્તૃત હોવાથી ટુંકમાં મુકી છે.)
સવાર થતા જીવતી રૂપરૂપના અંબાર જેવી કન્યા જોઇ બધા તેને પરણવા તેના ઉપર હક્ક કરવા લાગ્યા.
રાજા વિક્રમે અહીથી વાર્તા અધુરી મુકી કુંડલને પૂછ્યું :
“ હે કુંડલ , તું જવાબ આપ કે ચારેમાંથી કન્યા કોની ? ”
કુંડલ કહે (કુંડળમાં રહેલ વૈતાળ): “ બ્રાહ્મણે જીવ મૂક્યો એટલે કન્યા બ્રાહ્મણની. ”
આ વાત સાંભળી અબોલા રાણી ગુસ્સો આવ્યો તેણે કુંડલ તોડીને દૂર ફેંક્યું અને કહ્યું : “ બ્રાહ્મણે જીવ મૂક્યો એટલે તે ઈશ્વર થયો , સુથારે પૂતળી બનાવી એટલે તેનો પિતા થયો , સાળવીએ વસ્ત્રો પહેરાવ્યાં એટલે તે તેનો ભાઇ થયો. સોનીએ ઘરેણાં પહેરાવ્યાં એટલે તે તેનો પતિ થયો. ”
આમ અનિચ્છાએ અબોલા રાણીને બોલવા ફરજ પડતાં તેણે એક પડદો હઠાવી લીધો.
બીજા પહોરે વિક્રમ રાજાએ બીજી વાર્તા શરૂ કરી.. અને વીર વૈતાળને હારમાં સ્થાન ગ્રહણ કરવા જણાવ્યું.
વિક્રમ રાજાએ વાર્તા શરૂ કરી : એક રાજા – રાણીને શિવજીની કૃપાથી એક પુત્ર થયો. તે અઢાર વર્ષનો થતાં એક રાજકુંવરી સાથે પરણાવવામાં આવ્યો. સારું મુહૂર્ત ન હોવાથી એક મહિના પછી તેડી જવા કુંવરીનાં માતા – પિતાએ કહ્યું. તે મુજબ એક મહિના પછી રાજગોર કુંવરીને તેડવા ગયા.
તેની સાથે કુંવરી જવા તૈયાર થઈ નહિ, પણ રાજકુંવર આવીને તેડી જાય તેમ જણાવ્યું.
રાજકુમાર અને તેનો મિત્ર પ્રધાનપુત્ર તે કુંવરીને તેડવા ગયા. રસ્તામાં એક શિવમંદિર આવ્યું. રાજકુમારે સરોવરમાં નાહીને કમળથી શિવપૂજા કરી અને સંકલ્પ કર્યો કે ‘ પાછી ફરતી વખતે પણ હું કમળપૂજા કરીશ. ’
કુંવરીને તેડીને બંને મિત્રો પાછા શિવમંદિર આવ્યા.
રાજકુમાર નાહીને એકલો શિવમંદિરમાં ગયો. આ સમયે સરોવરમાં એકે કમળ ન હોવાથી રાજકુમારે પોતાનું શીશ તલવારથી કાપી શિવજીને અર્પણ કર્યું.
રાજકુમારને પાછા ફરવાની વાર થતા પ્રધાનપુત્ર શિવમંદિરમાં ગયો. તે રાજકુમારનું શીશ અને ધડ જુદું જોતાં તેણે પોતે પોતાની તલવારથી માથું કાપી નાખ્યું.
બંને મિત્રો શિવાલયમાંથી પાછા ન ફરતા કુંવરી શિવાલયમાં ગઈ. બંને મિત્રોની હાલત જોતાં તે પણ મરવા તૈયાર થઈ.
આથી મહાદેવે પ્રસન્ન થઈને કુંવરીને તેમ કરતા અટકાવી અને કહ્યું : “ બંનેના ધડ – મસ્તક જોડી દો. એટલે બન્ને સજીવન થઇ જશે ” અમરકથાઓ
ઉતાવળમાં કુંવરીએ રાજકુમારના ધડ ઉપર પ્રધાનપુત્રનું મસ્તક મૂક્યું અને પ્રધાનપુત્રના ધડ ઉપર રાજકુમારનું મસ્તક મૂક્યું.
મહાદેવજીએ અંજલિ છાંટીને બંને જીવંત થયા.
વિક્રમ રાજાએ વાત અટકાવીને પુછ્યુ “બોલો રાણી કોની સ્ત્રી ગણાય ? ”
અબોલા રાણીએ કશો જવાબ ન આપ્યો.
કે તુરત જ હારે જવાબ આપ્યો : “ જેનું ધડ રાજકુમારનું છે, તેની સ્ત્રી ગણાય. ”
અબોલા રાણીએ હારને તોડીને દૂર ફેંકી દેતા કહ્યું : “ શિરથી માણસ ઓળખાય છે , માટે કુંવરી ધડની નહિ પણ જે શિર રાજકુમાર છે, તેની ગણાય. ”
અનિચ્છાએ અબોલા રાણીથી બોલાઈ જવાયું , તેથી તેણે બીજો પડદો દૂર હટાવ્યો.
ત્રીજા પહોરે વિક્રમ રાજાએ ત્રીજી વાર્તા શરૂ કરી.
આ વખતે વીર વૈતાળને ઝાંઝરમાં સ્થાન લેવા કહ્યું. એક રાજાને એક પુત્રી ઉંમરલાયક થતાં, તેને પરણાવવા વર શોધવાનું નક્કી થયું. રાજાએ એક રાજકુમારને , પ્રધાને એક બીજા રાજકુમારને ને કુંવરીના મામાએ એક ત્રીજા રાજકુમારને પસંદ કર્યા.
આ ત્રણે રાજકુમારો રાજકુંવરીને પરણવા ત્યાં આવ્યા.
તેવામાં ઓચિંતા સાપ કરડવાથી કુંવરી મૃત્યુ પામી.
તેને અગ્નિ દાહ આપવામાં આવ્યો.
ત્રણે રાજકુમારોને આથી વૈરાગ્ય આવ્યો.
એક સાધુ બની અડસઠ તીર્થ કરવા નીકળી પડ્યો.
બીજો કુંવરીના અસ્થિ પધરાવવા ગંગાજી ગયો.
ત્રીજો ચિતાની રાખ ભેગી કરી ત્યાં ઝૂંપડી બાંધીને રહ્યો.
સાધુ બનેલ રાજકુમાર અડસઠ તીર્થ ફરતાં ફરતાં દક્ષિણ દિશામાં આવ્યો. ત્યાં એક ગૃહસ્થને ત્યાં રોકાયો.
ત્યાંથી અનાયાસે તેમને સંજીવની મંત્ર મળ્યો. તે તરત જ પાછો ફર્યો એટલામાં ગંગાજી ગયેલ રાજકુમાર પણ ગંગાજીનું નીર લઇ ત્યાં પાછો ફર્યો અમરકથાઓ
મંત્ર જાણનાર રાજકુમારે બિજા રાજકુમારે એકત્ર કરી રાખેલ રાખ ઉપર ગંગાજીનાં પાણીનો છંટકાવ કરી સંજીવની મંત્ર દ્વારા કુંવરીને સજીવન કરી.
” હવે બોલો , આ ત્રણમાંથી કુંવરી કોને વરે ? ”
ઝાંઝર બોલ્યું : “ જેણે કુંવરીને સજીવન કરી તેને કુંવરી વરે. ”
આ સાંભળી અબોલા રાણી ગુસ્સે થઈ ઝાંઝરને ફેંકી દેતાં બોલી
“ગંગાજીમાં અસ્થિ પધરાવનાર તેનો પુત્ર થયો,
જેણે સજીવન કરી તે તેનો પિતા થયો.
જે રાખ સાચવીને બેઠો હતો , તે તેનો પતિ કહેવાય. ”
આમ ત્રીજી વખત પણ અનિચ્છાથી અબોલા રાણીથી જવાબ દેવાઈ ગયો. તેથી તેણે ત્રીજો પડદો હઠાવી લીધો.
હવે ચોથે પહોરે વિક્રમ રાજાએ ચોથી વાર્તા શરૂ કરતાં વીર વૈતાળને કંકણમાં જઈ સ્થાન લેવા કહ્યું.
એક ગામમાં એક આંધળો અને એક લંગડો રહેતા હતા. બંનેને ભૂખે મરવાનો વારો આવ્યો, એટલે આંધળાના ખભા ઉપર લંગડો બેસીને દોરવણી આપી બીજા ગામમાં લઈ ગયો.
અહીં રાજાની કુંવરીને ગળામાં મોટો મસો થયો હતો, તેથી તે કદરૂપી લાગતી હતી, તેથી કોઈ રાજકુમાર તેની સાથે લગ્ન કરવા તૈયાર ન હતો.
છેવટે રાજાએ હાથણી જેના ઉપર કળશ ઢોળે તેને પરણાવવા નક્કી કર્યું. નસીબજોગે આ પ્રસંગે આંધળો – લંગડો ત્યાં ઊભા હતા. તેના ઉપર હાથણીએ કળશ ઢોળતાં રાજકુંવરીને આ બંને સાથે પરણાવી, તેમને રહેવા એક મહેલ આપ્યો.
પરંતુ આ સુખ જાજુ ન ટક્યુ. અને આંધળા અને લંગડાને એકબિજાની ઇર્ષ્યા આવવા લાગી
એક દિવસ લંગડાએ આંધળાને મારી નાખવા માટે એક સાપને મારીને એક તપેલીમાં તેને ચૂલે મૂક્યો અને આંધળાને જમવા માટે લંગડો બોલાવવા ગયો.
બીજી બાજુ આંધળાને ખૂબ ભૂખ લાગવાથી તે રસોડામાં ચૂલા પાસે આવ્યો અને તપેલીનું ઢાંકણું એણે ખસેડ્યું. ઢાંકણ ખસેડતાં અંદરની ઝેરી વરાળ એની આંખે લાગતાં તેની અસરથી તે દેખતો થઈ ગયો.
પછી તેણે જોયું કે લંગડાએ તેને મારી નાખવા માટે આ ષડયંત્ર રચ્યું છે, તેથી તે ગુસ્સે થઈ બહાર આવ્યો અને લંગડાને ઊંચો કરી ફેરફુદરડી ફેરવીને ફેંકી દીધો. તે કુંવરી ઉપર જઈને પડ્યો. અને બરાબર ગળાના મસાનાં ભાગ પર અથડાયો આથી લંગડાના પગ સારા થઈ ગયા અને કુંવરીનો મસો પણ ફુટીને નાશ પામ્યો .
આમ , ત્રણે જણા નસીબજોગે સારા થઈ ગયા.
“હવે આ રાજકુંવરી કોની ? ”
કંકણે કહ્યું : “ લગ્ન વખતે આંધળો મંગળફેરા ફર્યો, તેથી તે કુંવરી આંધળાની થઈ. ”
આ જવાબ સાંભળી અબોલા રાણીએ ગુસ્સે થઈ કંકણને દૂર ફેંકી દઈને કહ્યું : “ આંધળો તો લંગડાનો ઘોડો ગણાય.
ઘોડા ઉપર બેઠો હોય તે અસવાર કહેવાય. આથી લંગડો વરરાજા ગણાય. અને રાજકુમારી લંગડાની ગણાય.”
અનાયાસે સત્ય બોલવા જતાં રાણીને ચોથો પડદો હટાવવો પડ્યો.
આમ ચાર વખત બોલવા જતા અબોલા રાણીને ચાર પડદા હટાવવા પડ્યા તેથી તેણે વિક્રમ રાજા સમક્ષ પોતાની હાર કબૂલ કરી અને વિક્રમ રાજા કહે તેમ કરવા તૈયાર થઇ.
વિક્રમ રાજાએ અબોલા રાણીને ગોરમહારાજની વાત જણાવી. પછી અબોલા રાણીને ઉજયિની લઈ જઈ ગોરમહારાજ સાથે ધામધુમથી પરણાવી. રહેવા માટે મહેલ ને તેમની આજીવિકા માટે વીસ ગામ ભેટ આપ્યાં.
વાર્તા પૂરી કરતાં ચિત્રાંગના પૂતળીએ જણાવ્યું : “હે રાજા ભોજ મહારાજ વિક્રમ આવા બુદ્ધિશાળી અને પરોપકારી હતા. તેમના જેવા ગુણ હોય, બુદ્ધિશાળી હોય અને પરોપકારી હોય તે જ આ સિંહાસન પર બેસી શકે. ”
આમ કહી તે પૂતળી સર૨૨ કરતી આકાશમાર્ગે ઊડી ગઈ.
(⚠ આ આખી સિરીઝ લેખકની અનુમતિથી મુકવામાં આવતી હોય અન્ય કોઇપણ જગ્યાએ copy કરવાની સખત મનાઇ છે. આપ ફક્ત share કરી શકો છો. છતા પણ આવી બાબત ધ્યાને આવશે. તો copy right ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.)
આગળનાં કોઇ પણ ભાગ વાંચવા માટેની લિંક નીચે આપેલી છે. ક્લીક કરીને વાંચો 👇
🌟 સિંહાસન બત્રીસી – ભાગ 1 – સિંહાસન પ્રાપ્તિ
🌟 સિંહાસન બત્રીસી – ભાગ 2 – પ્રથમ પૂતળીની વાર્તા
🌟 સિંહાસન બત્રીસી – ભાગ 3 – બીજી પૂતળીની વાર્તા
🌟 સિંહાસન બત્રીસી – ભાગ 4 – ત્રીજી પૂતળીની વાર્તા
🌟 સિંહાસન બત્રીસી – ભાગ 5 – ચોથી-પાંચમી પૂતળીની વાર્તા
Pingback: Batris putali ni varta in gujarati | 12 મી પૂતળીની વાર્તા - AMARKATHAO
Pingback: Batris Putli All stories in gujarati pdf book | 32 પૂતળીની વાર્તાઓ સંપુર્ણ - AMARKATHAO