Skip to content

31 Putli ni varta – રાજા ભરથરીની વાર્તા

777 Views

રાજા ભરથરીએ આ ફળ પોતે ન ખાતાં પોતાની પ્રિય રાણી અનંગસેનાને આપી દીધું જેથી તે અમર બની શકે. રાણીને અશ્વપાલ સાથે પ્રેમ હતો. સિંહાસન બત્રીસી, 32 પૂતળી.

રાજા ભરથરીની વાર્તા – 31 મી પુતળીની વાર્તા

એકત્રીસમે દિવસે એકત્રીસમી પૂતળી સરસ્વતીએ સિંહાસન પર બેસવા જતાં ભોજ રાજાને અટકાવી બોલી : “હે રાજન ! થોભો, આ સિંહાસન પર તમે બેસી નહિ શકો. વિક્રમ રાજા જેવો પરોપકારી અને પરદુખભંજન રાજા જ આ સિંહાસને બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમ ને ઉદારતાની નવી વાર્તા કહેવી શરૂ કરી.

ઉજ્જયિની નગરીમાં રાજા ભરથરી રાજ્ય કરતા હતા. તેમને વિક્રમ નામે એક નાનો ભાઈ હતો. વિક્રમ નાનપણથી જ ખૂબ હોશિયાર. તે નાનો હોવા છતાં પણ મોટાભાઈને રાજકાજમાં ખૂબ મદદ કરતા.

મહારાજા ભરથરીને અનંગસેના નામની એક રાણી હતી. તે રાણી ખૂબ રૂપાળી હતી. તેના રૂપનો ક્યાંય જોટો જડે તેમ ન હતો. ચંદ્રમા જેવું બદન, મૃગના જેવી આંખો, કમળ જેવા હાથ હતા. જાણે સ્વર્ગની અપ્સરા રાણી અનંગસેનાએ પોતાના મોહમાં રાજા ભરથરીને એવા જકડ્યા હતા કે તેઓ સૂતા-જાગતા, ઊઠતાં-બેસતાં બસ અનંગસેનાને જ નિહાળ્યા કરે. તેઓ રાજકાજનું કામ ભૂલીને રાતદિવસ રાણીની પાસે સમય ગાળતા.

આવું ઘણા દિવસો સુધી ચાલ્યું. રાજકાજનું કામ લથડવા માંડ્યું. અંદરોઅંદર રાજા ભરથરીની ખરાબ વાતો થવા લાગી. વિક્રમથી આ સહન થયું નહિ. તેમણે એક દિવસ મોટાભાઈ ભરથરીને ટકોર કરી : “ભાઈ ! તમે આ નગરના રાજા છો, તમારે દરરોજ રાજદરબારમાં હાજરી આપવી જોઈએ ને લોકોની ફરિયાદ સાંભળીને યોગ્ય ન્યાય આપવો જોઈએ.”

રાજા ભરથરી જ્ઞાની અને સમજુ હતા. તેમને વિક્રમની વાત સાચી લાગી. તેથી તેઓ દરરોજ નિયમિતે રાજદરબારમાં આવવા લાગ્યા. રાજાને દરરોજ રાજદરબારમાં આવતા જોઈ પ્રજા પણ ખુશ થઈ ગઈ. લોકોને યોગ્ય ન્યાય પણ મળવા લાગ્યો.

પરંતુ રાણી અનંગસેનાને ભરથરી વિના જરાયે ચેન ન પડ્યું. તેને ખબર પડી કે રાજા ભરથરીને દરબારમાં હાજરી આપવા માટે વિક્રમે બહેકાવ્યો છે, તેથી તે વિક્રમ પર ગુસ્સે થઈ ગઈ ને તેણે વિક્રમનો કાંટો દૂર કરવાનો નિશ્ચય કર્યો. આ માટે તે લાગ જોઈને બેઠી.

એક દિવસ રાજા ભરથરી શિકારે ગયા ત્યારે આ તકનો લાભ લેવાનું રાણીએ વિચાર્યું. તેણે એક યુક્તિ રચી અને તે મુજબ તેણે પોતાના અંગ પરનાં ઘરેણાં આજુબાજુ નાખી દીધાં. કેશ પણ છૂટા કરી દીધા અને વસ્ત્રો અવ્યવસ્થિત કરીને પોતાના ઓરડામાં અંધારું કરી પલંગમાં સૂતી.

સાંજ પડતા રાજા ભરથરી શિકારેથી પાછા આવ્યા. તેમણે રાણીવાસમાં અંધારું નિહાળ્યું. તેઓ તરત રાણીવાસમાં રાણીને મળવા ગયા. તેમણે રાણીને કહ્યું : “અનંગસેના! આજે તમારા વાસમાં આમ અંધારું રહેવાનું કારણ શું?” રાજાને જોતાં રાણી અનંગસેના ધ્રુસકે ધ્રુસકે રડ્યા લાગી ને બોલી : “મહારાજ ! તમારો નાનો ભાઈ વિક્રમ મારી ઇજ્જત લૂંટવા આવ્યો હતો. હું તો મહામુસીબતે આજે બચી ગઈ છું. આજે આ મહેલમાં વિક્રમ નહિ કે ક્યાં હું નહિ!”

આટલું સાંભળતાં તો રાજા ભરથરીનો ગુસ્સાનો પાર રહ્યો નહિ તેને આખી રાત ઊંઘ ન આવી. સવાર થતાં રાજદરબારમાં વિક્રમને બોલાવ્યો ને કંઈ પણ તપાસ કર્યા વગર તેને દેશવટો આપી દીધો. વિક્રમ પણ મોટા ભાઈની આજ્ઞા માથે ચડાવી કંઈ પણ પૂછપરછ કર્યા વગર મહેલ છોડી તીર્થયાત્રાએ નીકળી પડ્યો.

હવે આ બાજુ એવું બન્યું કે નરપત શર્મા નામનો એક બ્રાહ્મણ ઉજ્જયિની નગરીમાં રહેતો હતો. તે કાલિકા માતાનો પરમ ભક્ત હતો. તેણે ઘણાં વર્ષો સુધી માતાજીની પૂજા કરી, ત્યારે માતાએ પ્રસન્ન થઈને તેને એક અલૌકિક અમરફળ આપ્યું. આ અમરફળ એવું તો અલૌકિક હતું કે તે ખાનાર સદાય અમર અને કાંતિવાન રહે.

આ બ્રાહ્મણે વિચાર્યું કે ભીખમંગા બ્રાહ્મણનો અવતાર છે, તેમાં આવું અમરફળ ખાઈને શું કરવું ? મારે તો અમર બનવું નથી. માટે આ ફળ પોતાના રાજા ભરથરીને આપું તો તે અમર થઈને રૈયતનું ભલું તો કરશે. આ વિચારે બ્રાહ્મણે અમરફળ રાજા ભરથરીને આપ્યું.

રાજાએ આ ફળ પોતે ન ખાતાં પોતાની પ્રિય રાણી અનંગસેનાને આપી દીધું જેથી તે અમર બની શકે. રાણી અનંગસેનાને અશ્વપાલ સાથે પ્રેમ હતો. તે હંમેશા ચોરીછૂપીથી અશ્વપાલને મળતી. રાણીએ તે અમરફળ પોતે ખાધું નહિ અને પોતાના પ્રેમી અશ્વપાલને આપી દીધું.

હવે આ અશ્વપાલ પણ કાંઈ ઓછો નહોતો. તે એક ગુણિકાને પ્રેમ કરતો હતો. તે હંમેશા રાતે ગુણિકાને ત્યાં જતો અને તેના નાચગાન સાંભળી લહેર કરતો. અશ્વપાલે પેલું અમરફળ પોતે ન ખાતાં ગુણિકાને આપી દીધું.

ગુણિકાએ વિચાર્યું કે હું તો એક પાપી જીવ છું. આ પાપની કાયાને અમર કરીને શું કરવી છે? વધારે જીવીશ તો વધારે પાપ કરીશ. પરંતુ જો આ ફળ મહારાજા ભરથરીને આપું તો તેઓ અમર થઈ પ્રજાનું ભલું કરશે. આમ વિચારી તેણે અમરફળ રાજા ભરથરીને ભેટમાં આપી દીધું.

અમરફળ પાછું હાથમાં આવતાં રાજા ચોંકી ગયો. તેમણે વિચાર્યું કે મેં રાણીને આપેલ અમરફળ ગુણિકાના હાથમાં કેવી રીતે આવ્યું? તેણે ગુણિકાને પૂછયું : “તું આવું ફળ કયાંથી લાવી ? સાચે સાચું કહી દે.”

ગુણિકાએ કહ્યું : “મહારાજ ! આ ફળ મને અશ્વપાલે આપ્યું છે.” આ સાંભળી રાજા તો વધુ નવાઈ પામ્યો. તેણે અશ્વપાલને બોલાવી પૂછ્યું : “અશ્વપાલ ! સાચું કહે આ અમરફળ તને કોણે આપ્યું? જો ખોટું બોલીશ તો તને સો કોરડા ફટકારવામાં આવશે.”

અશ્વપાલ તો રાજાને જોઈને જ થરથર કાંપવા લાગ્યો. વળી ઉપરથી ખોટું બોલવાના સો કોરડા. તે તરત સાચું બોલવા લાગ્યો કે, “મને આ અમરફળ રાણીએ આપ્યું.”

રાજા તો અશ્વપાલના મોંએ રાણીનું નામ સાંભળી હેબકાઈ ગયા. તેમને થયું કે મેં આપેલ અમરફળ રાણીએ શા માટે અશ્વપાલને આપ્યું! તેને રાણી ઉપર થોડો વહેમ પડ્યો. તે તરત જ પોતાની રાણી પાસે ગયા અને અમરફળ વિશે પૂછ્યું, ત્યારે રાણી બોલી : “એ તો હું ખાઈ ગઈ.”

રાજાને થયું કે રાણી જરૂર કાંઈ છુપાવવા માટે જૂઠું બોલે છે. તેથી તેણે કહ્યું: “તું તો અમરફળ ખાઈને અમર બની ગઈને ! માટે ચાલ હવે તારું મસ્તક કાપીએ. અમરફળને કારણે તે નહિ કપાય.” આમ કહી રાજાએ તો મ્યાનમાંથી તલવાર ખેંચી. રાણી તો ગભરાઈ ગઈ અને રાજાના પગમાં પડી રડવા લાગી. તે બોલી : “રાજન ! મારાથી અમરફળ ખોવાઈ ગયું છે.

રાજા તેની ઉપર વધુ ગુસ્સે થઈ ગયા. તેમણે પોતાની પાસેથી અમરફળ કાઢી રાણી સામે ધર્યું અને પૂછ્યું : “તો આ ફળ અશ્વપાલના હાથમાં આવ્યું કેવી રીતે ? રાણીને થયું કે રાજાને બધી ખબર પડી ગઈ છે. એટલે તે સાચું બોલી: રાજન ! મેં જ અમરફળ અશ્વપાલને આપ્યું હતું. હું અશ્વપાલને પ્રેમ કરું છું.”

રાણીનાં આવાં વચનો સાંભળી રાજા ભરથરીને ખૂબ જ આઘાત લાગ્યો. તેને સ્ત્રી જાત ઉપર ખૂબ નફરત થઈ ગઈ. તેને થયું કે જે રાણીના લીધે મેં ધર્મ, ન્યાય અને ભાઈ ખોયો; તે આજે બીજાને ચાહે છે. તે તરત ભગવાં કપડાં પહેરી રાજપાટ છોડી મહેલમાંથી નીકળી પડ્યો. “રાજા નગર છોડી ચાલ્યા જાય છે તે વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. આથી નગરજનો રાજાને ઘેરી વળી રડવા લાગ્યા. પ્રધાનો અને પુરોહિતો રાજાના પગે પડ્યા ને તેમને રાજપાટ ન છોડ્યા માટે ઘણી વિનંતીઓ કરવા લાગ્યા.

રાણીને પણ પોતાના આવા વર્તાવ બદલ ખૂબ પસ્તાવો થવા લાગ્યો. તે રાજાના પગે પડી ખૂબ રડી પડી, પણ રાજા કોઈની પણ સામું જોયા વગર નગરમાંથી નીકળી પડ્યો હવે પ્રધાને વિચાર્યું કે નગરનું રાજપાટ કોણ સંભાળશે? માટે ગમે ત્યાંથી વિક્રમને શોધી કાઢવા જોઈએ. તેથી તેણે વિક્રમની શોધ કરવા ચારેકોર માણસો મોકલ્યા.

વિક્રમ રાજા જ્યારે અડસઠ તીર્થની યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે તેમણે હરસિદ્ધ માતાની ખૂબ ભક્તિ કરી હતી અને તેમને પ્રસન્ન કર્યા. માતાએ તેને કંઈક માગવાનું કહ્યું ત્યારે વિક્રમે કહ્યું : હે મા! જ્યારે પણ હું આપત્તિના સમયે તમને યાદ કરું ત્યારે તમે મારી સામે પ્રગટ થઈ મને માર્ગદર્શન આપજો, જેથી હું લોકોનું કલ્યાણ કરી શકું.

તથાસ્તુ કહી માતાજી અંતર્ધાન થઈ ગયાં.

વિક્રમ રાજા અનેક જગ્યાએ ફર્યા અને છૂપાવેશે લોકોના પરોપકારનાં કામો કરતાં.

આ બાજુ એક દિવસ તીર્થસ્થાનોમાં રાજા ભરથરીનો ભેટો વિક્રમ સાથે થઈ ગયો. બંને ભાઈઓ ઘણા વર્ષે એકબીજાને મળ્યા. તેઓ બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા ને એકબીજાના કુશળ સમાચાર પૂછયા.

ભરથરીએ વિક્રમને પોતાની સાથે બનેલ બીના કહી સંભળાવી, ને પોતે નગર છોડીને નીકળી ગયા છે તે પણ કહ્યું. વિક્રમે રાજા ભરથરીને ફરીથી રાજપાટ સંભાળવા માટે ખૂબ સમજાવ્યા, છતાં ભરથરીએ કહ્યું : “ભાઈ ! મેં તો સંસાર તજી દીધો છે, માટે હવે તું જ પાછો ઉજ્જયિની જઈને રાજપાટ સંભાળ.”
www.amarkathao.in

મોટા ભાઈ ભરથરીની ફરીથી આજ્ઞા થતાં તરત વિક્રમ રાજા ઉજજયની પાછ ફર્યા. તે સમયે રાજ્ય રાજા વગર ચાલતું હતું અને તે સમયે ઉજ્જયિનીમાં વૈતાળ નામનો એક યક્ષનો ખૂબ કેર વર્તાતો હતો. તે ખૂબ બળવાન હતો. આખા નગરમાં બધે અંધાર વ્યાપી ગયો હતો. વૈતાળ દરરોજ ઉજ્જયિનીમાં આવતો ને રોજ દશ-વીશ માણસોને ભક્ષ કરતો.

આ જોઈ પ્રધાને વિચાર્યું કે જો આ રીતે માણસો મરશે તો ઘડીકમાં આખા નગરનો નાશ થઈ જશે.

તેણે વૈતાળની પૂજા કરી, ભાવતાં ભોજન ભોગ ધરી બે હાથ જોડી કહ્યું: “હે વીર, દયા કરો ને ઉજ્જયિનીનો વિધ્વંસ અટકાવો.”

વૈતાળે કહ્યું : “તો રોજ મને ઘેર બેઠા એક માણસનો ભક્ષ મોકલી આપો.”

પ્રધાને આ વાત કબૂલ કરી. તે રોજ વારા પ્રમાણે એકેક માણસ વૈતાળને મોકલતો હતો.

વિક્રમ ઉજ્જયિનમાં આવ્યા. તેમણે ઉજ્જયિનીનું રાજ્ય સંભાળ્યું. ને ફરીથી રાજકાજનું કામ ચાલુ થયું. તેઓ બીજા દિવસે છૂપાવેશે નગરચર્ચા જોવા ઉજ્જયિની નીકળ્યા. તેઓ ફરતાં ફરતાં એક કુંભારના ઘરમાં રોકકળ થતી સાંભળી. વિક્રમે અંદર જઈ પૂછયું : ભાઈ તમને એવું તે શું દુખ છે કે આટલા બધા રડો છો?”

કુંભારે કહ્યું : “ભાઈ ! આજે મારા એકના એક દીકરાને વૈતાળનો ભોગ બનવું પડશે અને ઘરડે ઘડપણ ભીખ માગતા થઈ જઈશું.” આ સાંભળી વિક્રમને તેમની ઉપર દયા આવી. તેમણે કહ્યું : “ગભરાશો નહિ, તમારા દીકરા વતી હું વૈતાળની પાસે જઈશ.”

તેણે વૈતાળનો ગમે તે ભોગે નાશ કરવાનો નિર્ણય કર્યો. તેણે આજે કુંભારના દીકરાને વૈતાળની સામે મોકલ્યો નહિ. વૈતાળને પોતાનો ખોરાક ન મળતાં તે ઉજ્જયિનમાં આવ્યો. વિક્રમ તો વૈતાળની રાહ જોઈને જ નગરના પ્રવેશવાના સ્થાને જ ખુલ્લી તલવારે ચોકી કરતો ઊભો હતો. થોડી વારમાં તો વૈતાળ નગર બહાર આવી ગયો.

વિક્રમે તેને પડકાર્યો. ત્યારે બંને વચ્ચે ખૂબ લડાઈ જામી. વિક્રમે તેને ખૂબ હંફાવ્યો, પણ વૈતાળ આગળ તેનું કશું ચાલ્યું નહિ. એટલે તેણે હરસિદ્ધ માતાનું સ્મરણ કર્યું. માતાજીએ તેને વૈતાળને હરાવવા માટેની શક્તિ આપી. માતાજીની શક્તિ મળતાં વિક્રમે વૈતાળને હરાવી દીધો. વિક્રમે તેને કબજે લીધો. ત્યારે વૈતાળે કહ્યું: “હે રાજન! હું તમારા પરાક્રમથી પ્રસન્ન થયો છે. તમે મને મુક્ત કરો. હું વચન આપું છું કે તમે ગમે તે સમયે મને યાદ કરશો તો હું હાજર થઈ જઈશ. હું ધારું તે સમયે આકાશ-પાતાળમાં જઈ શકું છું. માટે તમને જરૂર કામ લાગીશ.” રાજા વિક્રમે તેને મુક્ત કરી દીધો.

હરસિદ્ધ માતા અને વીર વૈતાળની મદદથી વિક્રમ રાજાએ ખૂબ જ કલ્યાણકારી કાર્યો કર્યા.

સરસ્વતી પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું: “હે ભોજ રાજા! આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર પરાક્રમી રાજા જ આ સિંહાસન પર બેસી શકે.”

આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.

32 મી પૂતળીની વાર્તા વાંચો

30 મી પૂતળીની વાર્તા વાંચો

પ્રેમનાં આંસુ - કુન્દનિકા કાપડિયા

પ્રેમનાં આંસુ – કુન્દનિકા કાપડિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *