2080 Views
Batris Putli last story, પચીસમી રાતે વિક્રમ રાજા ખભે મડદું ઉઠાવીને સ્મશાનમાંથી જઈ રહ્યા હતા, ત્યારે મડદાએ ફરી વાર્તા માંડી. વાર્તામાં રસ પડ્યો, એટલે મડદાએ વાર્તા અટકાવી રાજાને પ્રશ્ન કર્યો. પરંતુ વિક્રમ રાજાએ આ વખતે ઉત્તર આપ્યો નહિ.
Batris Putli last story – મડા પચીસીની વાર્તા
બત્રીસમે દિવસે બત્રીસમી પૂતળી ઇન્દ્રાણીએ સિંહાસન પર બેસવા જતાં ભોજ રાજાને અટકાવી બોલી : “હે રાજન! થોભો, આ સિંહાસન પર બેસશો નહિ. તેના પર તો પરોપકારી અને પરદુખભંજન વિક્રમ રાજા જ બેસી શકે.” આમ કહી તેણે વિક્રમ રાજાની વચનબદ્ધતા ને ઉદારતાની નવી વાર્તા કહેવી શરૂ કરી.
કાશીનગરીમાં એક બ્રાહ્મણ-બ્રાહ્મણી રહેતાં હતાં. બંને શિવજીની ખૂબ પૂજા કરતાં હતાં. તેમને એક પણ સંતાન ન હતું. તેથી તેઓ મનમાં ઘણાં દુખી રહેતાં.
એક દિવસ નગરની બહાર એક સિદ્ધ સંન્યાસી આવ્યા. આ સંન્યાસીના ચમત્કારોની વાતો આખા નગરમાં ફેલાઈ ગઈ હતી. તેથી બ્રાહ્મણને પણ પોતાનું દુખ દૂર થાય, તે અર્થે તે સંન્યાસી પાસે ગયો અને તેમની ખૂબ જ સેવાચાકરી કરી. સંન્યાસીએ તેને કહ્યું: “વિપ્ર હું તારી સેવાથી ખૂબ ખુશ થયો છું. તારી જે ઇચ્છા હોય તે તું માંગ.” બ્રાહ્મણે સંન્યાસીને પોતાનું દુખ જણાવ્યું.
સંન્યાસીએ બ્રાહ્મણને એક જડીબુટ્ટી આપી અને કહ્યું: ‘તું આ જડીબુટ્ટીને પાણી સાથે ઘસી તેનો રગડો તારી પત્નીને પિવડાવજે, એટલે તેને દિવસો રહેશે અને પૂરા માસે એક સાથે બે પુત્ર એટલે કે જોડિયા પુત્ર જન્મશે. પરંતુ છોકરા સાત વર્ષના થાય ત્યારે તે મને સોંપી દેવાના, જેથી હું તેમને ઘણી વિદ્યામાં પારંગત કરી શકું.
બ્રાહ્મણે કહ્યું: “હે મહાત્મન્ ! હું બંને પુત્રો તમને સોંપી દઉં તો પછી મારી ઇચ્છા ક્યાંથી પૂર્ણ થવાની ?”
સિદ્ધે કહ્યું : “હે વિપ્ર ! બાર વર્ષની ઉમરે હું તને એક પુત્ર પાછો આપીશ. તારે બંનેમાંથી ગમે તે એક પુત્રને પાછો લઈ જવો”
બ્રાહ્મણ તો રાજી થઈ ગયો. તેણે સિદ્ધની વાત કબૂલી. તે સિદ્ધ પાસેથી જડીબુટ્ટી લઈને ઘેર ગયો અને પોતાની બ્રાહ્મણીને જડીબુટ્ટી પાણી સાથે ઘસી તેનો રગડો પિવડાવી દીધો. સમય જતાં બ્રાહ્મણીને પૂરા માસે જોડિયા બાળક જન્મ્યાં. બ્રાહ્મણ-બ્રાહ્મણી તો હર્ષઘેલા થઈ ગયાં.
બંને છોકરાઓ જોતજોતામાં તો સાત વર્ષના થઈ ગયા. પેલો સિદ્ધ બ્રાહ્મણ પાસે આવ્યો. બ્રાહ્મણે પોતાના વચન મુજબ બંને છોકરાઓને સિદ્ધ સાથે મોકલી દીધા. સિદ્ધ તે બંને છોકરાને પોતાના આશ્રમે લાવ્યો. બંને છોકરાઓ દેખાવે એકસરખા અને એકસરખી અક્કલવાળા હતા. સિદ્ધ તે બંનેને ઘણાં શાસ્ત્રોનું જ્ઞાન તેમજ પોતાની વિદ્યા શિખવાડવા લાગ્યો. તેણે સરખી બુદ્ધિવાળા બંને છોકરાઓને ભણાવવામાં ભેદ રાખ્યો.
તે સિદ્ધ એક છોકરાને સારું ભણાવી મોટો પંડિત બનાવ્યો. પરંતુ તે શરીરે નબળો પડી ગયો, જ્યારે બીજા છોકરાને સામાન્ય ભણાવ્યો અને તેને સારું સારું ખવડાવી શરીરે હષ્ટપુષ્ટ અને દેખાવડો બનાવી દીધો. એક દિવસ શરીરે નબળો પડી ગયેલો છોકરો રમતો રમતો સંન્યાસીની ઓરડી તરફ ગયો. તેણે એકે-એક ઓરડો ઉઘાડ્યો ત્યાં હાડકાં પડ્યાં હતાં. તે છોકરાને જોઈ હાડકાં હસ્યાં ને કહ્યું: “આ સિદ્ધને એક ફરસો કરવો છે, તે માટે એકસો આઠ બત્રીસ લક્ષણા જોઈએ છે. તેમાં એકસો છ તો અમે છીએ હવે તારો વારો.”
આ શબ્દ સાંભળી તે છોકરો ચમક્યો, તેને હવે ખ્યાલ આવી ગયો કે ગુરએ એટલે જ અમારા બંને વચ્ચે ભેદ રાખ્યો છે. તેણે આ વાત કોઈને કરી નહિ.
બાર વર્ષ પૂરાં થયાં. બ્રાહ્મણ-બ્રાહ્મણી સિદ્ધના આશ્રમે આવ્યા, સિદ્ધે તેમનો સારો સત્કાર કર્યો. પછી બંને છોકરાઓને બોલાવીને બતાવ્યા ને કહ્યું : “આમાંથી ગમે તે એકને લઈ જાઓ.”
બ્રાહ્મણ-બ્રાહ્મણી તો પોતાના બંને છોકરાઓને જોઈ હરખાયાં. તેમને થયું કે આ બંનેમાંથી કયા છોકરાને પોતાની સાથે લઈ જવો. તે બંને મૂંઝાઈ ગયાં. સિદ્ધ તેમને મૂંઝાયેલ જોઈ કહ્યું : હું મારો પૂજા-પાઠ પતાવીને આવું ત્યાં સુધીમાં તમે તમારી પસંદગી નક્કી કરી લો.” આમ કહી તે પોતાના પૂજાખંડમાં ગયો.
સિદ્ધના ગયા પછી શરીરે દુર્બળ અને વધુ ભણેલો છોકરો બોલ્યો : “પિતાજી! તમે અમારા બંનેમાંથી મને તમારી સાથે લઈ જાઓ. કારણ કે આ સિદ્ધ પોતાની સિદ્ધિ માટે મને પસંદ કરેલો છે, એટલે તેણે અમારા બંનેમાં ભેદભાવ રાખીને ભણાવ્યા છે. તે મારો ભોગ લેવા માગે છે. જો તમે મારા આ ભાઈને અહીંયાં રાખશો તો તે સિદ્ધના કામમાં આવે તેવો નથી. માટે તે તો તેને કાઢી મૂકશે અને તે આપોઆપ પાછો તમને મળી જશે.
સિદ્ધ પૂજા કરીને આવ્યો ત્યારે બ્રાહ્મણ-બ્રાહ્મણીએ શરીરે નબળા છોકરાની માગણી કરી. સિદ્ધ સમજી ગયો કે આ દુબળા છોકરાએ મારી ગેરહાજરીમાં બધી વાત તેનાં માતા-પિતાને કરી દીધી લાગે છે. તે કંઈ બોલ્યો નહિ. તેણે દુબળા છોકરાને એક બાજુએ બોલાવ્યો ને કહ્યું : “તે મારી સાથે દગો કર્યો છે, પરંતુ એટલું યાદ રાખજે કે જ્યારે પણ મારે તારું કામ પડશે ત્યારે હું તને ગમે તે ભોગે અહીં લાવી દઈશ. હું તને ઘેર પહોંચવા નહિ દઉં.
છોકરાએ પણ સિદ્ધને રોકડું કહી સંભળાવ્યું: “ગુરુજી હું પણ તમારી પાસે બધા વિદ્યા-મંત્રો શીખી ગયો છું. એટલે હવે મને પણ કોઈ જીતી શકે તેમ નથી. તમે હવે મને પાછા પકડી પાડવાની આશા છોડી દો.”
સિદ્ધ ગુસ્સે થઈને નબળો બાળક તેના માતા-પિતાને સોંપી દીધો ચતુર છોકરાને મનમાં શંકા ગઈ કે હવે આ સિદ્ધ તેને ઘેર શાંતિથી જવા નહિ દે, તે તેની પાછળ જરૂર કંઈક કરશે. માટે તેણે તેનાં માતા-પિતાને કહ્યું : “આ સિદ્ધ ખૂબ જ ઝેરીલો છે તે મને શાંતિથી ઘેર આવવા નહિ દે. તે ગમે તે રૂપે મારો પીછો કરશે, તો હું પણ તેને મારી વિદ્યાથી હંફાવીશ. તમે મારી ચિંતા કરતા નહિ. હું તમને આપણા ઘેર મળીશ.”
આમ કહી તેઓ આગળ ચાલ્યાં. રસ્તામાં એક લારીમાં કોળું જોતાં તે ચતુર છોકરો પોતાની વિદ્યાથી બીજ સ્વરૂપે કોળામાં જતો રહ્યો. આ વાતની સિદ્ધને ખબર પડતાં તેણે તરત તે કોળું ખરીદી ને જેવું કાપ્યું કે તરત તે છોકરો બીજમાંથી પવન સ્વરૂપે બહાર નીકળ્યો.
પવન બનેલા છોકરાને પકડવા સિદ્ધ વાવાઝોડું બન્યો, તેથી તે છોકરો તરત સાપ બનીને એક ઝાડ પર લટકી ગયો. સિદ્ધ સાપને પકડવા ગરુડનું સ્વરૂપ લીધું. તે છોકરો સાપમાંથી માછલી બન્યો, તો સિદ્ધ તરત માછીમાર બનીને પકડવા ગયો કે પેલો છોકરો પાછો ઉંદર બન્યો, તો સિદ્ધ બિલાડો બન્યો. છોકરો ઉંદરમાંથી કૂતરો બન્યો તો સિદ્ધ વરુ બન્યો.
આમ ગુર અને ચેલો એકબીજાને હંફાવવા જાતજાતનાં રૂપ ધારણ કરીને થાક્યા. છેવટે તે છોકરો પોપટ બનીને તે નગરીની કુંવરીના ખોળામાં જઈને આશરો લીધો. અનેક કાવાદાવા કરી સિદ્ધ તે પોપટ કુંવરી પાસેથી મેળવવા પ્રયત્ન કર્યો. ત્યારે કુંવરીએ તે પોપટને છોડી દીધો. પોપટને પકડવા સિદ્ધ બાજ પક્ષી બનીને પોપટનો પીછો કર્યો.
ચતુર પોપટને યાદ આવ્યું કે નગર બહાર આવેલા સ્મશાનમાં એક સિદ્ધવડ છે. તેમાં હું ભરાઈ બેસું તો આ બાજપક્ષી આવી શકશે નહિ. માટે હું ત્યાં જતો રહું. આમ વિચારી પોપટ સિદ્ધવડની ડાળી ઉપર જઈને બેઠો.
થોડી વારે બાજ (સિદ્ધ) ત્યાં આવી પહોંચ્યો. પણ કંઈક કારણોસર તે સિદ્ધવડ પર આવી શક્યો નહિ. હવે પોપટ સ્વરૂપે રહેલા છોકરાને કાંઈક શાંતિ વળી. તેણે વિચાર્યું કે જો હું અહીંથી, બહાર જઈશ તો સિદ્ધ ફરી મારો પીછો કરશે, માટે હું આ સિદ્ધવડ પર મડદા સ્વરૂપે લટકી જાઉં તો મને કોઈ ચિંતા રહેશે નહિ.” આમ વિચારી તે છોકરો મડદા સ્વરૂપે ઊંધા મસ્તકે લટકી ગયો.
આ બાજુ સિદ્ધ પોતાના ચેલાને હંફાવીને કંટાળી ગયો. તેને પોતાની બધી વિદ્યા કામ ન લાગી. હવે અંતે તેણે પરદુખભંજન વિક્રમ રાજાની મદદ માગવાનું વિચાર્યું. આ માટે તેણે એક સંન્યાસીનું રૂપ લઈને વિક્રમ રાજાના દરબારમાં ગયો અને રાજાને અનેક ચમત્કારો બતાવી ખુશ કરી દીધા, તેમજ આખો રાજદરબાર પણ તેના ચમત્કારો જોઈ દંગ રહી ગયો.
વિક્રમ રાજાએ પ્રસન્ન થઈ સિદ્ધને કહ્યું : “હે સંન્યાસી ! તમારા ચમત્કારોથી હું અને મારી પ્રજા ખુશ થઈ ગઈ છે. માટે તમારી જે ઇચ્છા હોય તે માગો.”
(સિંહાસન બત્રીસીનાં કોઇપણ ભાગ વાંચવાનાં બાકી હોય તો આ અમરકથાઓ ગ્રુપની website પરથી મળી જશે 👇)
www.amarkathao.in
સિદ્ધે તે તક સાંપડી લીધી અને કહ્યું: “હે રાજન! તમારી કૃપાથી મારે કોઈ વાતની કમી નથી. મારે નગર બહાર આવેલા સ્મશાનમાં સિદ્ધવડ ઉપરથી ઊંધા મસ્તકે લટતું મડદું જોઈએ છે. આ કાર્ય અઘરું છે.”
રાજાએ કહ્યું: “બસ! આટલું જ. આ કાર્ય તો મારા માટે રમત જેવું છે. ઝાડ ઉપરથી મડદું લાવવું તેમાં શું મોટો વાઘ મારવાનો ?”
સિદ્ધે કહ્યું : મહારાજ! એ મડદાને જેવું તેવું ન સમજશો. તમે તેને હિંમત કરીને ઝાડ ઉપરથી ઉતારશો, પણ રસ્તામાં છટકી પાછું તે ઝાડ ઉપર લટકી જશે. જો તમે તે મડદાને અહીં લાવી આપો તો ખરા કહેવાવ.”
રાત્રીના સમયે સિદ્ધવડ આગળ જોગણીઓ ગરબાની રમઝટ મચાવતી. બાવન વીરનો વાસ પણ સિદ્ધવડમાં જ હતો. વળી સિદ્ધવડની ચોકી કરવાનું કાર્ય ભૈરવને માથે હતું. તેની ચોકીમાં માત્ર વિક્રમ રાજા દાખલ થઈ શકતા. એટલે તેમણે મડદું લાવી આપવાનું વચન આપ્યું.
રાત પડતાં વિક્રમ રાજા પૂજાની સામગ્રી લઈને સ્મશાનમાં ગયા અને સિદ્ધવડમાં રહેતાં બાવન વીર, ચોસઠ જોગણી અને ભૈરવની સ્તુતિ કરી. તેમને નૈવેદ્ય ધરાવ્યું કે બધાં તેમના ઉપર પ્રસન્ન થઈને સિદ્ધવડ પર જવાનો રસ્તો કરી આપ્યો. એટલે રાજા સિદ્ધવડ પર ચઢીને લટકતા મડદાને ઉતારી પોતાના ખભા પર નાખી ચાલવા માંડ્યું.
ચતુર છોકરો જે પોપટના રૂપમાંથી મનુષ્યના મડદાના રૂપમાં સિદ્ધવડ ઉપર લટકતો હતો, તેણે રસ્તામાં વિક્રમ રાજાને ડરાવવા વિચિત્ર ચિત્કારો કર્યા, પરંતુ વિક્રમ રાજા સહેજ પણ ગભરાયા વગર આગળ ચાલવા ગયા કે ત્યાં જ મડદું ઊડીને એકદમ સિદ્ધવડ ઉપર ડાળીએ લટકી ગયું.
વિક્રમ રાજા ફરીથી સિદ્ધવડ પર ચડ્યા ને મડદાને ખભે નાખી નીચે ઊતર્યા કે મડદું ઊડીને પાછું ઝાડ ઉપર લટકી ગયું. આ રીતે ઘણી વાર બન્યું. સવાર પડવાની તૈયારી થતાં વિક્રમ રાજા મડદાને ઝાડ ઉપર જ રહેવા દઈ પોતાને મહેલે પાછા ફર્યા.
સવાર થતાં રાજદરબારમાં પેલો સંન્યાસી આવ્યો ને રાજા પાસે મડદાની માગણી કરી ત્યારે રાજાએ બધી હકીકત કહી.
સિદ્ધે કહ્યું : “મહારાજ ! આજે તમે ફરી સ્મશાનમાં જાવ ને મડદાને ખભે નાખી જલદીથી ત્યાંથી નીકળી જજો. તે તમને બિવડાવવા ઘણા પ્રયત્નો કરશે, પણ તમે સહેજ પણ બીતાં નહિ અને તે તમને બોલાવવા ઘણા પ્રયત્ન કરે પણ તમે મૂંગા જ રહેજો.
બીજે દિવસે રાત થતાં વિક્રમ રાજા ફરી સ્મશાને ગયા અને સિદ્ધવડ પરથી મડદું ખભે નાખી ઝડપથી ચાલવા માંડ્યું. ત્યાં તો મડદુ બોલ્યું: “હે પરદુઃખભંજન વિક્રમ રાજા! તમે તો મહાજ્ઞાની અને પંડિતો સાથે વસનાર છો. વળી વાતચીતમાં રસ્તો પણ ખૂટશે, તે માટે હું તમને એક રહસ્યભરી વાત સંભળાવું છું. તેમાં મને જે બાબતની શંકા છે તેનું નિવારણ કરી આપજો.”
વિક્રમ રાજાએ તો મૂંગા રહેવાનું હતું. તેથી કંઈ પણ બોલ્યા નહિ, તો પણ મડદાએ વાત શરૂ કરી. વાત સારી હતી પણ વિક્રમ રાજાએ વચમાં હુંકારા ભણ્યા નહિ. કારણ જો બોલવા જાય તો મડદુ પાછું જતું રહે.
મડદાએ વાર્તા કહેવા માંડી વિક્રમ રાજા પણ ધ્યાનથી તે વાર્તા સાંભળતા હતા, પણ કશું જ બોલતા નહિ. વાર્તામાં જ્યારે રસ પડતો કે તરત જ મડદુ વાર્તા અટકાવી દેતું. તેથી વિક્રમ રાજાથી બોલી જવાતું. વિક્રમ રાજાના બોલતાંની સાથે જ મડદું ઊડીને સિદ્ધવડ પર લટકી જાય.
આમ ચોવીસ રાત મડાએ ચોવીસ વાર્તા વિક્રમ રાજાને કહી સંભળાવી. દરેક વખતે વિક્રમ રાજાથી બોલી જવાતું, એટલે દરેક રાતે તે ફરી સિદ્ધવડ પર લટકી જતું.
પચીસમી રાતે વિક્રમ રાજા ખભે મડદું ઉઠાવીને સ્મશાનમાંથી જઈ રહ્યા હતા, ત્યારે મડદાએ ફરી વાર્તા માંડી. વાર્તામાં રસ પડ્યો, એટલે મડદાએ વાર્તા અટકાવી રાજાને પ્રશ્ન કર્યો. પરંતુ વિક્રમ રાજાએ આ વખતે ઉત્તર આપ્યો નહિ. તે તો મુંગા મોંએ આગળ ને આગળ ચાલવા લાગ્યો.
આજે રાજા કંઈ પણ બોલ્યા નહિ એટલે મડદું બોલ્યું: “હે પરદુઃખભંજન વિક્રમ રાજા! હું તમારી ચતુરાઈ, ધીરજ અને ખંત જોઈ તમારા પર પ્રસન્ન થયો છું. હવે હું તમને એક ચેતવણી આપું છું તે સાંભળો.
નગરની બહાર એક સિદ્ધ ધૂણી ધખાવીને બેઠો છે. એ સિદ્ધ જ સંન્યાસીના સ્વરૂપમાં તમારા દરબારમાં આવ્યો છે અને તેણે તમને અનેક ચમત્કારો બતાવી વચને બાંધી લીધા છે. આ સિદ્ધ દુષ્ટ માણસ છે. તે રોજ તેની જગ્યાએ બેસીને એક પ્રકારની સિદ્ધિ મેળવવા મંત્ર-સાધના કરે છે.
તેને સાધના પૂરી કરવા માટે હવે બે બત્રીસલક્ષણા પુરુષની જરૂર છે. તે તમે અને હું છું. તેથી તે આપણા બેનો ભોગ આપીને પોતાની સાધના પૂરી કરશે. હવે તેની સાધના પૂરી થવા જ આવી છે. તમે મને લઈને સિદ્ધને આપશો, તો સિદ્ધ પોતાના ત્યાં એક ઊકળતા તેલની મોટી કઢાઈમાં મને નાખી દેશે. જેથી હું એ તેલમાં પડીને સોનાનું ઢીમ બની જઈશ.
ત્યાર બાદ તે તમને બીજા દિવસે પોતાના આશ્રમે બોલાવશે અને તે પોતાની સાધના બતાવવાના બહાને તમને એ તેલની કઢાઈની આજુબાજુ પ્રદક્ષિણા કરવાનું કહેશે અને તમે જેવા પ્રદક્ષિણા કરવા જશો કે તમને પણ તે ઊકળતા તેલમાં નાખી દેશે. આથી તે સિદ્ધની સાધના પૂરી થઈ જશે. તે સિદ્ધે સિદ્ધ કરેલ તેલથી ગમે ત્યારે ધારે તેટલું સોનું તે બનાવી શકશે. વળી તે તેલ મૃત્યુ સંજીવનીનું પણ કામ કરી શકશે.”
આ સાંભળી વિક્રમ રાજાને કમકમાટી છૂટી ગઈ. મડદું વિક્રમ રાજાને ખાતરી કરાવવા પળવારમાં સિદ્ધના આશ્રમે લઈ ગયો અને ઊકળતું તેલ, ખોપરીઓ, સોનાના ઢીમ વગેરે બતાવ્યા. વિક્રમ રાજાને મડદાની વાત પર વિશ્વાસ બેઠો. તેણે કહ્યું : આમાંથી બચવાનો કોઈ ઉપાય હોય તો તે જણાવ.”
મડદાએ વિક્રમ રાજાને સિદ્ધના હાથમાંથી બચવાના ઉપાય બતાવ્યો. તેના કહ્યા મુજબ વિક્રમ રાજા મડદાને લઈ રાજમહેલમાં આવ્યા અને તે સંન્યાસીને સોંપી દીધું. સંન્યાસી (સિદ્ધ) રાજાનો જય જયકાર બોલાવી મડદાને લઈ પોતાને આશ્રમે લઈ ગયો અને તેને ઊકળતા તેલમાં નાખી સોનાનું ઢીમ બનાવી દીધું અને રાજાને પોતાની સાધના જોવા માટે બીજા દિવસે આવવાનું કહ્યું.
વિક્રમ રાજા મડદાના કહ્યા પ્રમાણે બીજા દિવસે સિદ્ધના આશ્રમે પહોંચ્યા. સિદ્ધ તેને ઊકળતા તેલની કઢાઈ પાસે લઈ ગયો અને પછી પ્રદક્ષિણા કરવાનું કહ્યું. આથી વિક્રમ રાજાએ કેવી રીતે પ્રદક્ષિણા કરવી તે બતાવવા જણાવ્યું.
આથી સિદ્ધ ઊકળતા તેલની કઢાઈની આસપાસ પ્રદક્ષિણા કરવા લાગ્યો ત્યારે લાગ જોઈને વિક્રમ રાજાએ ઊંચકીને સિદ્ધને જ કઢાઈમાં નાખી દીધો. કઢાઈમાં પડતાં જ સિદ્ધ સોનાનું ઢીમ બની ગયો અને ઊકળતું તેલ સિદ્ધની યોજના મુજબ સિદ્ધ થઈ ગયું.
ત્યાર પછી વિક્રમ રાજાએ તે તેલ ત્યાં પડેલ દરેક બત્રીસ લક્ષણા પુરુષનાં હાડકાં પર છાંટી એમને સજીવન કર્યા. પછી સિદ્ધને પણ સજીવન કર્યો.
સિદ્ધે વિક્રમ રાજાની માફી માંગી અને કહ્યું : હે રાજન! તમે મને આ બધાની હત્યાના પાપમાંથી ઉગાર્યો છે. મને માફ કરો.”
રાજા વિક્રમે પછી સિદ્ધને કહ્યું: “તું તારા હાથે આ મડદાને સજીવન કર.” અને સિદ્ધ મડદાને સજીવન કર્યું.
સિદ્ધે રાજા વિક્રમની માફી માગી, પોતાનું બધું જ સોનું રાજાને સોંપી તે તીર્થધામમાં ચાલતો થયો.
મડદાએ પણ આટલા દિવસ વિક્રમ રાજાને હેરાન કરવા બદલ માફી માગી અને તે પણ પોતાના રસ્તે ચાલતો થયો.
રાજાએ બધું સોનું મહેલમાં ખાડો ખોદીને જમીનમાં દાટી દીધું.
વિક્રમ રાજાનું અપૂર્વ સાહસ અને અડગતા જોઈને દેવ-દેવીઓ પ્રસન્ન થયાં અને અંતરિક્ષમાંથી વિક્રમ રાજાનો જય જયકાર બોલાવ્યો.
ઇન્દ્ર રાજાએ વિક્રમ રાજાને કહ્યું : “હે મહાપ્રતાપી વિક્રમ રાજા, હું તારા પર પ્રસન્ન થયો છું. તો કંઈ વરદાન માંગ.
વિક્રમ રાજાએ હાથ જોડી કહ્યું: “હે દેવ! મારા અંગે રચાયેલી કથા-વાર્તાઓ જગતમાં પ્રસિદ્ધિ પામે એ જ મારી ઇચ્છા છે.”
ઇન્દ્ર રાજા બોલ્યા: “હે વિક્રમ રાજા ! ત્યાં સુધી પૃથ્વીમાં આકાશ, ચંદ્ર, સૂર્ય એટલાં વાનાં રહેશે ત્યાં સુધી સર્વત્ર તારા નામનો મહિમા ગવાતો રહેશે ને તારા નામની કથા-વાર્તાઓ પણ વંચાતી રહેશે.”
વાર્તા પૂરી કરતાં ઇન્દ્રાણી પૂતળી બોલી: “હે ભોજ રાજા ! આવા પરોપકારી રાજા તમે થઈ શકો તો જ આ સિંહાસન ઉપર બેસી શકો.”
આમ કહી પૂતળી સરરર કરતી આકાશમાં ઊડી ગઈ.
31મી પૂતળીની વાર્તા
સિંહાસન બત્રીસી ભાગ 1 થી વાંચો
સિંહાસન બત્રીસી | બત્રીસ પૂતળીની વાર્તા ભાગ 1
સિંહાસન બત્રીસી પ્રથમ પૂતળીની વાર્તા : વિધાતાના લેખ