5176 Views
મારી લઘુકથાઓ – લેખક-નટવરભાઈ રાવળદેવ થરા, આ પોસ્ટ માં લેખક શ્રી નટવરભાઈની સાત લઘુકથાઓ એક સાથે મુકવામાં આવી છે. લેખક ની અન્ય વાર્તાઓ વાંચવા માટે પોસ્ટ નાં અંતમા જાઓ. gujarati laghu katha, Gujarati short story, બેસ્ટ પ્રેરણાત્મક વાર્તાઓ.
ગોરધન (લઘુકથા-1)
ગોરધન સાત વર્ષનો ભણવા બેઠો ને સતરમા વર્ષે ચોથું પાસ કર્યું.પહેલા ધોરણના ચાર વર્ષમાં કુલ 42 વિદ્યાર્થીઓનો સહાધ્યાયી બન્યો.બીજા ધોરણના 3 વર્ષમાં છવ્વીસ તો ત્રીજાના બે વર્ષમાં 12 અને ચોથાના એક વર્ષમાં 7 વિદ્યાર્થીઓ સહાધ્યાયી બન્યા.
પાંચમામાં આવ્યો ને કન્યા જોવા ગયો ત્યારે કન્યાનાં માબાપે ઉંમર પુછી તો ગોરધને કહ્યું, ‘પાંચમી ભણું છું, ઉંમર તમે ગણી લ્યો.સતર વર્ષની કન્યાનાં માબાપે ગોરધનને બાર વર્ષનો ગણીને સગપણ માટે ઈન્કાર કરી દીધો. ગોરધન વીસમે વર્ષે પાંચમી પાસ કર્યા વગર ઉઠી ગયો.
બસ, આમ ને આમ ગોરધન લગ્નની ઉંમર ચુકી ગયો. બેતાળીસની ઉંમરે માંડ મેળ પડ્યો.
કન્યાના પિતાજી એકદમ ઓછું સાંભળતા હતા ને ગોરધન જોવા ગયો ત્યારે ‘પાંચમી પાસ કરીને બાવીસ વર્ષથી કુવારો છું ‘ એનું અર્થઘટન કન્યાના પિતાજીએ એવું કર્યું કે ‘બાવીસ વર્ષનો કુંવારો છું.’
આમેય ગોરધનની બાળ બુદ્ધિ હજી ક્યાં ગઈ હતી!
હજીય એના સહાધ્યાયીઓનાં છોકરાં સાથે ગિલ્લી દંડો રમવા ઉપડી જતો હતો.
=========================
હુ તુ તુ તુ…. (લઘુકથા-2)
ગામના ચોકમાંથી સહાધ્યાયીઓનાં છોકરાં સાથે હુ તુ તુ તુ રમતો રમતો તેતાળીસની ઉંમરનો જગલો તરસ લાગતાં ઘેર પાણી પીવા દોડી આવ્યો, ‘હુ તુ તુ તુ ‘ બોલતો બોલતો!
એની વહુ ગલબીએ આ સાંભળીને કહ્યું, ‘શું તમેય સાવ છોકરાં જેવા છો! તમને હું અને તું જ દેખાય છે ખાલી? તમારાં મા અને મારાં સાસુ પણ ઘરમાં છે.’
સાસુ તો ખાટલામાં પડ્યાં પડ્યાંય આ સાંભળીને ફુલાઈ રહ્યાં હતાં, ‘કેવું રમકડા જેવું મારા દિકરા-વઉનું જોડલું છે!ભલે બાળબુદ્ધિનાં રહ્યાં! જગલાના બાપ હજી ઘણુંય કમાય છે! ‘
======================
રંગીન ધોતી (લઘુકથા-3)
ચુમાળીસની ઉંમરે જીવણે ધોતી પહેરવાનું શરૂ કર્યું.આ અખાત્રીજ ઉપર જ આખા કુટુંબ માટે નવાં કપડાં ખરીદાયાં હતાં એમાં આ ધોતી પણ ખરી.
પહેલો ધો ધોવા જીવણની ની વહુ મંછી આખા કુટુંબનાં કપડાં ઉપાડીને નદીએ ગઈ.મોટા તગારામાં પાવડર નાખીને બધાં કપડાં પલાળ્યાં.
જીવણની ધોતી અને પહેરણને મંછી અને તેની સાસુ નણંદનાં રંગીન કપડાંનો રંગ બેસી ગયો.
એ કાબરચિતરાં કપડાં પહેરીને જીવણ આખા ગામમાં હડીયાપાટી કાઢે.નાની વહુવારૂઓ તો ખિજવવાને બહાને જરૂર કહે, ‘જીવણ ભા! આ રંગીન ધોતી જબ્બર લાગે બાકી.’
જીવણ મૂંછ પર તાવ દેતાં બોલે, ‘એમાં તો એ તમારી મંછી કાકીના હેતનો રંગ ભર્યો છે પછી જબ્બર જ લાગે ને! ‘
========================
રંગીન ભરતકામ (લઘુકથા-4)
વૈશાખ મહિનામાં માવજીની બહેન સંતોકનાં લગ્ન હતાં એટલે નવાં કપડાં માટે કાપડની ખરીદી થઈ. છોટાભાઈ માવજીના પરિવારના કાયમના દરજી.
લગ્ન પ્રસંગો ઘણા હોવાથી એક દિવસ પહેલાં છોટાભાઈને ટાઈમ મળ્યો.માવજી ગાડું જોડીને છોટાભાઈને લઈ આવ્યો.
રાતના બે વાગ્યા સુધી મોટાભાગનાં કપડાં સિવાઈ ગયાં.માવજીની બંડી અને પહેરણ બાકી હતાં ત્યાં તો છોટાભાઈ ઝોકે ચડ્યા.છોટાભાઈને કોઈ જાતનું વ્યસન તો હતું નહી પરંતુ માવજીએ મહેમાનો માટે લાવેલ ધોળી બીડી સોગંદ આપીને છોટાભાઈને પીવડાવી દીધી.
છોટાભાઈની ઉંઘ તો ઉડી ગઈ પરંતુ ધોળી બીડીના નશામાં ને નશામાં માવજીની પહેરણની બન્ને બાંહ્ય ઉંધી સિવાઈ ગઈ.
સવારે છોટાભાઈ તો સંચો લઈને ઉપડી ગયા બે ગાઉં દૂરના ગામે.
માવજીની બહેને ઉપાય શોધી કાઢ્યો.ભરત ભરવાના રંગીન દોરાથી માવજીના પહેરણની ઉંધી બાંહ્યો પર ભરતકામ કરી દીધું.
પછી માવજીને પહેરણ પહેરાવીને બોલી,’વીરો મારો ઝગમગ ઝગમગ થાય.’
માવજીની માએ તો માવજીની વહુ ઝમકુને કહ્યું, ‘વહુ! મારા છોકરાને લમણે કાળું ટીલું કરજો!
=====================!=======
જાંમલી (લઘુકથા-5)
ચલીયાની બહેન મંગુના લગ્નમાં ચલીયાની વહુ જાંમલી ખુબ નાચી અને ગીતો પણ એટલાં ગાયાં.જાન પક્ષ, મોસાળ પક્ષ અને માંડવા પક્ષમાં બસ જાંમલી જ જાંમલી.
ગીતોના શબ્દો અને નાચવાનો તાલ તો એક જાંમલી જ જાણે! બાકી બીજાં તો બધાં એનો સાર પામવામાં જ ગેં ગેં ફેં ફેં થઈ ગયાં!
એનો ભેદ તો સૌ ચલીયાને પુછતાં’તાં.’ભાઈ તમારી બાયડી કેવી પડે હો! ‘
ચલીયાને તો એવો તોર ચડ્યો કે, મનમાં જ ગણગણ્યા કરે,ભલે ચાળીસની ઉંમરે પૈણ્યો પણ પૈણવામાં જરાય મોડો નથી પડ્યો હો! આવી બાયડી તો નસીબદારને મળે.
બાકી એ બાળ કુંવરને ક્યાં ખબર હતી કે સૌ મજાક મશ્કરી કરે છે?
જાન રવાના થઈ ગઈ. જાંમલી થાકીને લોથપોથ થઈ ગઈ.
ચલીયાની માને નક્કી થઈ ગયું કે, વહુને નજર જ લાગી છે.અડધો કલાક નજર ઉતારી જાંમલીની….
=======================
દેવલો (લઘુકથા-6)
અડધા ગાંડા જેવો ભગલો આમ તો સખત મહેનતું જીવ. ઘરના ખેતરમાં ઉંધા કાંધે મહેનત કરે.એની વહુ તારા પણ સ્વાભાવે ભગલા જેવી જ અને એય મહેનતું.આ અનોખા પરિવારમાં સોનાનો સુરજ ઉગ્યો.
પુરા એકાવન વરસે ભગલો દિકરાનો બાપ બન્યો. ભગવાને એકાવનનો ચાંલ્લો કર્યો જાણે!
છ વરસ સુધી તો ભગલાના દિકરા દેવલાના શરીર પર કપડાંથીય વધારે દોરડા-ધાગા અને માદળીયાં હતાં. કોઈ નજરનો તો કોઈ બાધા આખડીનો! દેવલાને ક્યારેક પેટમાં દુખવા ચડે કે સહેજ ઢીલો પડે, તાવ જેવું લાગે કે આફરો ચડે, બરાબર ખાય નહીં કે પછી ઝાડા થયા હોય! મંત્ર, તંત્રનો દોરો હાજર જ હોય!
ગમે તેમ પણ દેવલો છ વરસનો નિશાળે બેસવા લાયક થઈ જ ગયો…..
ચોથું પાસ કર્યું ત્યાં સુધી તો દેવલાના શરીર પરના દોરા ધાગા ઉતારવામાં જ સાહેબોનો સમય પસાર થઈ ગયો.
દેવલાને મેટ્રીકમાં ફર્સ્ટ ક્લાસ કઈ રીતે આવ્યો એ તો આખા ગામમાં ચર્ચાનો વિષય હતો….
===========================
ગગો નિશાળે (લઘુકથા-7)
પાટી પેન સાથે છ વર્ષની ઉમરે ગગાને ખભે બેસાડીને કાનજી પ્રથમ દિવસે નિશાળે મુકવા ગયો.
રજીસ્ટરમાં નામ ચડાવતી વખતે સાહેબે કાનજીને બધી વિગતો પુછી.
બાપનું નામ કાનજી સાંભળતાં જ સાહેબ આંખ ઉપર ચશ્માં સરખાં કરીને કાનજીને એકીટશે જોઈ રહ્યા.
આ શાળામાં એક થી ચાર ધોરણમાં સૌથી વધુ વર્ષ રહેનાર વિદ્યાર્થીનો રેકોર્ડ કાનજીના નામે હતો. પંદર વર્ષ પહેલાંની આ ઘટના શિક્ષકો બદલાવા છતાં અમર દ્રષ્ટાંતરૂપે કાનજીના નામે જ હતી.
આચાર્ય સાહેબે ગગાને પાસે બોલાવીને થોડી પ્રશ્નોતરી કરી.ગગાના ફટાફટ જવાબો સાંભળીને સાહેબ આશ્ચર્યચકીત થઈ ઉઠ્યા.
ચોથા ધોરણમાં ભણતો છગન બોલી ઉઠ્યો, ‘સાયેબ! ગગલાની મા રમીકાકી સાત ચોપડી ભણેલ છે.એ ઘરે ગગલા સાથે અમનેય ઘણું શીખવાડે છે.
સાહેબે કાનજી સામે નજર કરી.પાંત્રીસનો કાનજી પહેરણની બાંહ્ય મોઢામાં ઘાલીને ચાવવા લાગ્યો….
=====================
લેખક-નટવરભાઈ રાવળદેવ થરા.
આ પણ વાંચો 👇
🍁 પન્નાભાભી – જોસેફ મેકવાન
🍁 શરણાઈનાં સૂર – ચુનીલાલ મડિયા
🍁 ખીજડીયે ટેકરે – ચુનીલાલ મડિયા
🍁 વાની મારી કોયલ – ચુનીલાલ મડિયા
🍁 સિંહની દોસ્તી – ભાણભાઈ ગીડા