Skip to content

15 મી પૂતળીની વાર્તા : મેના પોપટની વાર્તા

1256 Views

સિંહાસન બત્રીસીમાં આજે 15 મી પૂતળી વૃંદાની વાર્તા વાંચો જેમા મેના પોપટની રસપ્રદ વાર્તા છે. સિંહાસન બત્રીસી (બત્રીસ પૂતળી) ની વાર્તાના આગળના તમામ ભાગો અને હવે પછીના તમામ ભાગ અમારી વેબસાઈટ અમરકથાઓ પરથી મળી રહેશે.

15 મી પૂતળીની વાર્તા : મેના પોપટની વાર્તા

પંદરમે દિવસે પૂતળી ‘વૃંદા’એ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતાં અટકાવી, વિક્રમ રાજાના પરાક્રમની ને તેમનાં જનહિતનાં કાર્યોની નવી વાર્તા કહેવી શરૂ કરી.

એક દિવસ વિક્રમ રાજા જંગલમાં શિકાર કરવા નીકળ્યા. શિકારની શોધમાં ખૂબ જ આગળ નીકળી ગયા. રસ્તામાં તેમણે એક ઝાડ ઉપર મેના – પોપટને ઝઘડતાં જોયાં.
તેઓ પોતાની ચાંચો એકબીજાને મારતા હતા.
તેઓ પોતાની ભાષામાં જોર જોરથી બોલતા હતા.

વિક્રમ રાજા પક્ષીઓની ભાષા જાણતા હતા. તે પણ ક્યારના ઊભા ઊભા આ બંનેનો ઝઘડો સાંભળતા હતા.
તેઓ બંનેની આગળ આવ્યા અને પોતાની ઓળખાણ આપીને કહ્યું : “ તમે બંને મારા દરબારમાં ચાલો , હું તમારી બંનેની વાત સાંભળીને યોગ્ય ન્યાય કરીશ. ”

મેના – પોપટ વિક્રમ રાજાના ડાબા – જમણા ખભા પર બેસી ગયા અને ઉજ્જયિની નગરી પહોંચ્યા.
રાજાએ પહેલા તો બંનેની મહેમાનગતિ કરી અને તેમને મીઠાં ફળો ખાવા માટે આપ્યાં. પછી રાજાએ મેનાને પૂછ્યું : મેના , તું કયા કારણથી ઝઘડતી હતી ? ”

મેના બોલી : “ હું અને પોપટ નદીના સામસામે કાંઠે જુદા જુદા માળામાં રહીએ છીએ. અમે સુખદુ:ખમાં એકબીજાને મદદ પણ કરીએ છીએ. પરંતુ એક દિવસ રાત્રે ખૂબ જ વાવાઝોડું ફૂંકાતાં મારો માળો નદીમાં પડી ગયો, એટલે હું પોપટના આશ્રયે ગઈ, અને તેને આજની રાત માળામાં રહેવા માટે વિનંતી કરવા લાગી. પરંતુ તેણે મારી વિનંતીને ઠુકરાવી દીધી. અને મને તેણે માળામાં રહેવા માટે આશ્રય ન આપ્યો મારે આખી રાત પાંદડાંમાં પડ્યાં રહીને પસાર કરવી પડી. રાજન ! હવે તમે જ કહો કે આમાં મારો શો વાંક હતો ? ”

પછી રાજાએ પોપટ પાસે આનો ખુલાસો માગ્યો ત્યારે પોપટ બોલ્યો : “ મહારાજ ! મને સ્ત્રી જાત ઉપર વિશ્વાસ નથી.
વળી તે મધરાતે આવી અને માળામાં રાખું તો મારી હાંસી થાય. એટલે મેં તેને માળામાં આશ્રય ન આપ્યો. ”

વિક્રમ રાજાએ પોપટને પૂછ્યું : “તને સ્ત્રી જાત ઉપર કેમ વિશ્વાસ નથી ? તું મને એક દાખલો આપ. “

પોપટે કહ્યું : “એક રાજાને તેની રાણી ઉપર ખૂબ પ્રેમ હતો.
તે આખો દિવસ રાજ્યનું કામકાજ ભૂલીને પોતાની રાણી સાથે આનંદપ્રમોદ કરે. એક દિવસ રાણીને એક સાપે ડંશ દીધો અને તે મૃત્યુ પામી. રાજા તો કલ્પાંત કરવા લાગ્યો.
તેણે પોતાની પ્રિય રાણીના શબને અગ્નિસંસ્કાર પણ કરાવ્યો નહિ અને તેના શબ પર સુગંધિત દ્રવ્યોનો લેપ કરીને તેનો ગોળ વીંટો વાળીને તે પોતાના ખભે રાખી રાજપાટ છોડી તીર્થોની જાત્રા કરવા નીકળી પડ્યો. એવી આશામાં કે કોઇ એની પ્રિય રાણીને જીવીત કરશે.

તેણે ઘણાં તીર્થોની જાત્રા કરી ઠેરઠેર ભટકીને તેનું શરીર હાડપિંજર જેવુ બની ગયુ. ચહેરા પરનું તેજ ઉડી ગયુ. અને જાણે કે એકદમ વૃદ્ધ જેવો બની ગયો.
છેવટે એક પવિત્ર જગ્યાએ ચિતા રચાવી પોતાની પત્નીના શબ સાથે બળી મરવાનું નક્કી કર્યું અને તે ચિતાને પ્રગટાવે તે પહેલાં જ એક ચમત્કાર થયો.

એક સંત નિકળ્યા રાજાના રાણી પ્રત્યેના પ્રેમને જોઈ તેના પર પ્રસન્ન થયા અને તેમણે રાજાને કહ્યું : “ તું તારું અડધું આયુષ્ય જો તારી પત્નીને અર્પણ કર , એવો સંકલ્પ કરીશ તો તે ફરી સજીવન થઈ જશે. ”

રાજાએ તરત જ સંકલ્પ કર્યો , તેથી તેની રાણી સજીવન થઈ ગઈ અને બંને એકબીજાને ભેટી પડ્યાં .. પછી રાજાએ રાણીને બનેલી સર્વે બિના કહીને. તેના અડધા આયુષ્યને અર્પણ કરવાથી તે જીવતી થઈ હતી.

રાણી તો પહેલાં જેવી જ રૂપાળી હતી જ્યારે રાજા ઠેર ઠેર ભટકવાને કારણે કાળો, કદરૂપો અને અશક્ત થઈ ગયો હતો.

હવે રાજા અને રાણી બંને ફરી પોતાના નગર તરફ જવા નીકળ્યાં. રસ્તામાં બંને જણ એક ઝાડ નીચે આરામ કરવા બેઠાં. રાજાને તો થાકને કારણે આંખ મીંચાઈ ગઈ , પરંતુ રાણી તો ઝાડ નીચે આરામથી બેઠી હતી. ત્યાં જ એક વાણિયો પસાર થયો. તેની નજર આ રૂપાળી રાણી પર પડી.
તેણે રાણીને કહ્યું : “ તું આવા કદરૂપા ને અશક્ત માણસ જોડે તારી જિંદગી કેવી રીતે પૂરી કરીશ ? ચાલ મારી જોડે , હું તને સુખેથી રાખીશ. ”

રાણીએ વિચાર્યું કે ‘ આવા કદરૂપા પતિ સાથે રહીને મને કંઈ સુખ મળશે નહિ. આના કરતાં આ વણિક સાથે જતી રહું. ’ આમ વિચારી રાણી રાજાને સૂતેલા મૂકી વણિકની જોડે ચાલી ગઈ.

જ્યારે રાજા જાગ્યો ત્યારે તેણે રાણીને પાસે ન જોતાં વિચારમાં પડ્યો. તેણે ચારે બાજુ રાણીની ખોજ કરી , પણ તેને ક્યાંય રાણી મળી નહિ. તે નિરાશ થઈ પોતાના નગર તરફ ચાલવા માંડ્યો. રસ્તામાં પેલા વાણિયાનું નગર આવ્યું.
રાજા વાણિયાની હવેલી આગળથી નીકળ્યો કે તેણે હવેલીના ઝરૂખામાં પોતાની રાણીને જોઈ. રાણીને જોતાં જ તે આનંદમાં આવી રાણીને બૂમો પાડવા લાગ્યો.

રાણી તો પતિને જોઈને જાણે અજાણી થઈ ગઈ અને કહેવા લાગી : “ તું કોણ છે ? હું તને ઓળખતી નથી. ” થોડીવારમાં તો વાણિયો પણ હવેલીમાંથી બહાર આવ્યો અને તેણે અને ગામલોકોએ તેને હરામખોર માનીને ખૂબ જ માર્યો અને તેને આ નગરના રાજાને સોંપી દીધો. છેવટે માંડ માંડ પાછો પોતાના નગરમાં આવ્યો.
તેને સ્ત્રી પર એટલો તિરસ્કાર ઊપજ્યો કે તેણે ફરી લગ્ન કરવાનું વિચાર્યું નહિ. ”

આમ પોપટે સ્ત્રી ઉપર વિશ્વાસ ન કરી શકાય તેની વાત પૂરી કરીને કહ્યું : “ જોયુંને ! રાણીએ રાજા સાથે કેવો દગો કર્યો ? તો પછી હું આ મેના ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકું ? ”

આમ સાંભળી મેના ગુસ્સે થઈને બોલી : “ માત્ર એક સ્ત્રી દગાખોર હોવાથી બધી જ સ્ત્રીઓ દગાખોર બની જતી નથી. પુરુષો બેવફા છે. હું તમને એક બેવફા પુરુષની વાત કહું છું :

“એક ગામમાં રામચંદ નામે એક શેઠ હતા. આ શેઠને તિલક નામનો પુત્ર હતો. એના લગ્ન બાજુના નગરમાં આવેલ મૂલચંદ શેઠની દીકરી રૂપમતી સાથે થયાં હતાં. આ કન્યાં લગ્ન પછી પિયર રહેવા ગઈ અને તે સમય દરમિયાન તેના સસરા રામચંદ શેઠ ગુજરી ગયા. હવે ઘરનો બધો કારભાર તિલકના હાથમાં આવી ગયો. તે ખૂબ જ ઉડાઉ હતો. તેણે પોતાના બાપની બધી મિલકત મોજશોખમાં વાપરી નાખી અને ઘર પણ વેચી નાખ્યુ.

છેવટે બધુ ખતમ થઇ જતા તે પોતાના સસરાને ઘેર ગયો. સસરાએ પોતાના જમાઈને ખૂબ જ માન – પાનથી પોતાના ઘેર રાખ્યો. તે બે – ત્રણ મહિના સાસરીમાં રોકાયો. પછી મૂલચંદ શેઠે પોતાની દીકરીને પગથી માથા સુધી ઘરેણાથી લાદીને પતિની સાથે સાસરે વળાવી.

તિલક પોતાની પત્નીને લઈ જંગલને રસ્તે ઘેર જવા નીકળ્યો. રસ્તામાં તેને વિચાર આવ્યો કે ‘પત્નીને લઈને કયે ઘેર જઈશ !’
તેણે તો બધું જ વેચી કાઢ્યું હતું.

વળી તેની દાનત પત્નીના દાગીના પર ગઈ . તેણે પત્નીને જંગલમાં ચોરનો ભય બતાવીને બધા દાગીનાની એક પોટલી બંધાવીને પોતાની પાસે રાખી. બંને જણ ચાલતાં – ચાલતાં એક કૂવા પાસે આવ્યાં. કુવા કાંઠે જેવી સ્ત્રી પાણી ભરવા ગઈ કે ત્યાં પતિએ પાછળથી ખાવીને ધક્કો મારી દીધો ને ઘરેણાની પોટલી લઈને ભાગી ગયો. ”

આમ મેના અને પોપટે બંનેએ પોતપોતાની વાત વિક્રમ રાજાને કરી. તેમની વાત પરથી વિક્રમ રાજાને લાગ્યું કે બંને એકબિજાને ખૂબ જ પ્રેમ કરે છે ; પરંતુ બંને એકબીજાને વહેમની નજરે જુએ છે , માટે જ દુઃખી થાય.

વિક્રમ રાજાએ બંનેને અનેક દ્રષ્ટાંતો સંભળાવી બંનેને લગ્ન કરી એક સાથે માળામાં રહી સંસારસુખ ભોગવવાનું કહ્યું.

મેના – પોપટને રાજાની વાત સત્ય લાગી.
રાજાએ પોતાના જ મહેલમાં મેના – પોપટનાં લગ્ન કરાવીને તેમને રહેવા માટે રાજબાગમાં સુંદર માળો બંધાવી આપ્યો.

‘ વૃંદા ’ નામની પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “ હે : ભોજ રાજા ! વિક્રમ રાજા જેવા પ્રાણીમાત્ર ઉપર દયા રાખનાર રાજા આ સિંહાસન પર બેસી શકે છે. ”

આમ કહી આ પૂતળી આકાશમાં સ ૨૨૨ કરતી ઊડી ગઈ.

👉 ક્રમશઃ – આવતી કાલે અમરકથાઓ

(⚠ આ આખી સિરીઝ લેખકની અનુમતિથી મુકવામાં આવતી હોય અન્ય કોઇપણ જગ્યાએ copy કરવાની સખત મનાઇ છે. આપ ફક્ત share કરી શકો છો. છતા પણ આવી બાબત ધ્યાને આવશે. તો copy right ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.)
typing – અમર કથાઓ

જો આપને આગળનાં કોઇપણ ભાગ વાંચવાનાં બાકી હોય તો નીચેની લિંક પરથી વાંચી શકશો.

શકશો.

સિંહાસન બત્રીસી | બત્રીસ પૂતળીની વાર્તા ભાગ 1

સિંહાસન બત્રીસી | બત્રીસ પૂતળીની વાર્તા ભાગ 1

સિંહાસન બત્રીસી પ્રથમ પૂતળીની વાર્તા : વિધાતાના લેખ

"સિંહાસન બત્રીસી" બીજી પૂતળીની વાર્તા ભાગ 3

“સિંહાસન બત્રીસી” બીજી પૂતળીની વાર્તા ભાગ 3

“સિંહાસન બત્રીસી” ચોથી અને પાંચમી પૂતળીની વાર્તા ભાગ 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *