2116 Views
Batris Putli Ni Varta Gujarati માં વાંચો આજે 16 મી પૂતળી પવિત્રાની કાષ્ઠ ઘોડાની વાર્તા. જો સિંહાસન બત્રીસીના કોઈપણ ભાગ વાંચવાના બાકી હોય તો પોસ્ટની નીચે લીંક મુકેલી છે ત્યાથી વાંચી શકશો.
16 mi Putli Ni Varta
સોળમી પૂતળી પવિત્રાની કાસ્ઠ ઘોડાની વાર્તા.
સોળમે દિવસે ભોજ રાજા સારું મુહૂર્ત જોઈ સિંહાસન ઉપર જેવા બેસવા ગયા, ત્યાં પવિત્રા નામની પૂતળી ભોજ રાજાને સિંહાસન ઉપર બેસવા જતાં અટકાવી બોલી : “હે રાજન ! થોભો, આ સિંહાસન ઉપર બેસશો નહિ, આની ઉપર તો પરદુખભંજન વિક્રમ જેવાં પરાક્રમ કરનાર રાજા જ બેસી શકે. હું તેમના ચતુરાઈની ને પરોપકારની એક નવી વાર્તા કહું છું તે સાંભળો.
માગશર મહિનાની કડકડતી ટાઢમાં એક રાતે વિક્રમ રાજા નગરચર્ચા જોવા નીકળ્યા. તેઓ ફરતાં ફરતાં એક શિવાલયમાં આવી પહોંચ્યા. શિવાલયમાં જઈને જોયું તો એક બ્રાહ્મણ આત્મહત્યા કરવાની તૈયારી કરતો હતો. વિક્રમ રાજા તેની પાસે ગયા અને તેને આત્મહત્યા કરતા અટકાવ્યો અને બોલ્યા: “ભાઈ ! એવું તો તારે માથે શું દુખ આવી પડ્યું છે કે તારે આજે આત્મહત્યા કરવાનો વારો આવ્યો?”
પેલો બ્રાહ્મણ બોલ્યો : “અરે ભાઈ! તું જ્યાં જતો હોય ત્યાં જા ને ! મારુ દુ:ખ તને કહેવાથી શો ફાયદો ? તે તો માત્ર વિક્રમ રાજા જ દૂર કરી શકે તેમ છે.”
વિક્રમ રાજાએ પોતાનો પરિચય આપ્યો. બ્રાહ્મણે રાજાને પોતાની વિતકકથા કહેવા માંડી :
હું કનોજી બ્રાહ્મણ છું. કમનસીબે હું કુંવારો છું. કેમકે મારી પાસે લગ્ન કરવા જેટલા પૈસા નથી. એક દિવસ મારે ત્યાં ઓચિંતા એક સાધુ આવી ચડ્યા. તેમણે મારે ઘેર ભોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. મેં તે સાધુને હાથે રાંધીને જમાડ્યા. આ વખતે મને થયું કે જો મારા ઘરમાં સ્ત્રી હોત તો કેવું સારું ! સાધુ મારી સ્થિતિ સમજી ગયા. તેમણે મને કહ્યું : “ભાઈ ! દક્ષિણદેશમાં સેતુબંધ રમેશ્વરની ય પેલી પાર કામરુ દેશ છે. ત્યાં કન્યાઓનો તોટો નથી. ત્યાંની કન્યાઓ પણ ખૂબ સુંદર હોય છે. ત્યાં પુરુષ ખૂબ ઓછા જોવા મળે છે. એટલે ત્યાંની સ્ત્રીઓ ઘોડે ચડીને પુરુષની શોધમાં નીકળે છે અને પુરુષને જોતાં તેને ઘોડા પર બેસાડી પોતાને ત્યાં લઈ જાય છે, અને તેની સાથે વગર ખર્ચે લગ્ન કરી લે છે.
માત્ર ચંદ્રકળા નામની એક કુંવરી એવી છે કે જે પુરુષનું મોં જોતી નથી. તે પુરુષોને ખૂબ નફરત કરે છે. માટે એણે તેના ઘરની આગળ ચાર પડદા રાખ્યા છે. જે બુદ્ધિમાન પુરુષ ચતુરાઈથી તેના આ ચાર પડદા છોડાવે તેને જ તે પરણે અને જીવનભર દાસી થઈને રહે. લોકોનું કહેવું છે કે ચંદ્રકળા રૂપરૂપનો અંબાર છે. તેની કાયા તો કંચનવર્ણી છે. કેળ જેવાં કોમળ એના અંગ છે. શશીના જેવું તેનું વદન છે. મૃગલી જેવાં લોચન છે. મોતી જેવાં દાંત છે.”
સાધુના મોંએ ચંદ્રકળાના આટલા બધા વખાણ સાંભળી મેં તરત નિશ્ચય કરી લીધો કે પરણવું તો ફક્ત કામરુદેશની ચંદ્રકળાને. હું તો મનોમન તેને વરી ચૂક્યો. મેં તો બીજા દિવસે કામરુદેશ જવાની તૈયારી કરી લીધી. હું ઘણી મુસીબતો ભોગવી એ દેશમાં પહોંચ્યો. ત્યાં જતાં મને એ દેશની ઘણી સ્ત્રીઓ આવીને વળગી, પણ મેં કોઈનાં સામું જોયું નહિ ને કોઈની વાત સાંભળી નહિ. મારા મનમાં એકમાત્ર ચંદ્રકળા જ વસી ગઈ હતી. હું બધે પૂછતો પૂછતો ચંદ્રકળાના મહેલે પહોંચ્યો.
આ કુંવરી ખૂબ ચતુર છે. તેણે મને કેટલાક અટપટા સવાલો પૂછ્યા, તેનો હું જવાબ આપી શક્યો નહિ તેથી હું વીલે મોંએ ત્યાંથી ભાગી છૂટ્યો, અને શરમનો માર્યો અહીં આવી આત્મહત્યા કરતો હતો. કેમકે હવે મને ચંદ્રકળા મળે તેમ લાગતી નથી, તેથી હું જીવવા ઇચ્છતો નથી.”
વિક્રમ રાજાએ તેને ધીરજ ધરવા કહ્યું. થોડા સમયમાં ચંદ્રકળા સાથે તેના લગ્ન કરાવી આપશે તેવું આશ્વાસન આપ્યું.
વિક્રમ રાજા શિવાલયમાંથી નીકળી મહેલે આવ્યા. રાજપાટ પ્રધાનને સોંપી મા હરસિદ્ધને યાદ કરી, વૈતાળને સાથે લઈ કામરુદેશ જવા ઊપડી ગયા. ત્યાં જઈ તેમણે ચંદ્રકળા વિશે પૂરતી માહિતી મેળવી ને ચંદ્રકળાના મહેલે પહોંચ્યા. મહેલ આગળ પડદા લટકતા હતા. કોઈ અજાણ્યા પુરૂષને મહેલ આગળ આવેલો જોઈ ચંદ્રકળાની સખીઓ અંજાઈ ગઈ. તેમને થયું કે આ કોઈ સાધારણ પુરુષ નથી. તેઓ વિક્રમ રાજા પાસે ગઈ.
રાજાએ ચંદ્રકળાની સખીઓ સાથે સંદેશો મોકલ્યો. સખીઓ એ પડદામાં રહેલી ચંદ્રકળા પાસે જઈને કહ્યું: “હે સખી ! આપણે આંગણે આજે કોઈ રાજવંશી પુરષ આવી ચડ્યો છે. તે તમને જીતવા આવ્યા છે. જો આપની આજ્ઞા હોય તો તેમને પહેલા પડદા પાસે બેસાડીએ.”
ચંદ્રકળા લોકોને સવાલો પૂછી-પૂછીને કંટાળી ગઈ હતી, કારણ કોઈપણ વ્યક્તિ તેના સાચા જવાબો આપી શક્યું નહિ એટલે તેણે પહેલાં તો આનાકાની કરી. પરંતુ વિક્રમ રાજા તો ઓટલા ઉપર અડીંગો લગાવીને બેસી ગયા. તેમણે મનમાં હરસિદ્ધ માતાનું સ્મરણ કર્યું ને વીર વૈતાળને યાદ કર્યો વૈતાળ તરત હાજર થઈ ગયો.
પહેલા પડદા આગળ એક રત્નજડિત પાંજરું હતું, તેમાં સોનાનો પોપટ પૂરેલો હતો. રાજાએ વૈતાળને એ પોપટમાં પ્રવેશ કરવા કહ્યું. રાજાનો હુકમ થતાં જ વૈતાળ પોપટમાં પ્રવેશ્યો ને મધુર વાણીમાં બોલવા માંડ્યો : “પધારો, પધારો વિક્રમરાય ! તમારા પગલાંથી આજે ઘરણી પાવન થાય છે. આજ અમારા કેવા ધનભાગ્ય કે આજે ઉજ્જયિનીના વિક્રમ રાજા અમારે ત્યાં ! અમારી શેઠાણીએ હજી આપને ઓળખ્યા નથી, નહિ તો તે તમારી આગળ જરૂર આવે ને આદરસત્કાર કરે. આપ માઠું ન લગાડશો. સુખેથી બેસો ને એકાદ જ્ઞાનની વાર્તા સાંભળવાનો અમને લાભ આપો.
સોનાના પોપટને બોલતો જોઈને ચંદ્રકળા અને તેની સખીઓ સ્તબ્ધ થઈ ગઈ. ચંદ્રકળાને બહાર આવેલ વ્યક્તિ કોઈ મહાન લાગી, કે જેના આવવાથી સોનાનો પોપટ પણ બોલતો થઈ ગયો ! તેણે તરત પોતાની સખી સાથે સંદેશો કહેવડાવ્યો કે “એકાદ જ્ઞાનની વાર્તા કહે.”
સખીઓએ બહાર આવી રાજાને વાર્તા કહેવાનું કહ્યું. ત્યારે રાજા બોલ્યા : “હું વાર્તા તો કહું પણ હુંકારો કોણ પૂરશે?
પોપટ બોલ્યો : “મહારાજ, હું પૂરીશ.”
રાજાએ વાર્તા શરૂ કરી :
કોંકણદેશમાં કનકસિંહ નામે રાજા રાજ કરતો હતો. તે પચાસ વર્ષનો થયો ત્યાં સુધી તેને એકપણ પુત્ર નહોતો. છેવટે પંડિતોની સલાહથી તેમણે મહાદેવજીની આરાધના કરી. મહાદેવજીની આરાધનાથી તેમને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. રાજા-રાણીએ આ પુત્રનું નામ બળવંતસિંહ પાડ્યું. તે નાનપણથી જ ખૂબ લાડકોડમાં ઉછરવા લાગ્યો. પુત્ર બળવંતસિંહ સાત વર્ષનો થતાં માતા-પિતાએ તેને નિશાળે ભણવા મૂક્યો. નિશાળમાં કુંવર બળવંતસિંહને એક સુથારના દીકરા ચંપક સાથે દોસ્તી થઈ. દોસ્તી તો એવી જામી કે બંનેને એકબીજા વગર ચેન પડે નહિ. તેઓ સાથે રમે, હરે, ફરે અને ભણે.
www.amarkathao.in
આ દોસ્તી રાજાને ગમે નહિ. તેમણે ઘણી વાર બળવંતસિંહને ઠપકો આપ્યો, છતાંય બળવંતસિંહ અવારનવાર ચંપકને મળતો. એક દિવસ બળવંતે ચંપકને કહ્યું: “હે મિત્ર ! તારી સાથે હું ફરું છું એ મારા પિતાને ગમતું નથી. તે તને હલકો ગણે છે. પરંતુ મારે મન તો તું જ મારો સાચો મિત્ર છે. તું એવી કંઈક અપૂર્વ કળા શીખી લાવ કે મારા પિતા પણ અચરજ પામી જાય અને તારી સાથેની દોસ્તી માન્ય રાખે.”
ચંપક નિશાળેથી ઊઠી ગયો અને તેણે પરદેશ જવાનું નક્કી કર્યું. ચંપક પરદેશ જતાં પહેલાં કુંવર બળવંતસિંહને મળવા આવ્યો બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા, ને મિત્રતા જાળવી રાખવા વચનથી બંધાયા. કુંવરે કહ્યું : “તું વિદ્યા શીખીને વહેલો આવજે અને મારા માટે કંઈક નવી વસ્તુ લેતો આવજે.”
“ભલે.” કહી સુથારનો છોકરો વિદાય થયો. તે પરદેશ ગયો. ત્યાં એક વિદ્વાન અને હોશિયાર સુથાર પાસે પોતાની કારીગરી શીખવા લાગ્યો. સાત વર્ષમાં તો તે બધી કલા-કારીગરી શીખી ગયો. હવે તેણે પોતાના ગુરુ પાસે પોતાના દેશમાં જવાની રજા માગી. ત્યારે સુથાર ગુરુએ તેને એક કાષ્ટનો ઘોડો આપ્યો અને તેમાં ગોઠવેલ અવનવી તરકીબોની માહિતી આપી : અમુક કળ દબાવો તો ઘોડો ઊંચે ઊડે, અમુક કળ દબાવો તો ઘોડો નીચે ઊતરે, અમુક કળ દબાવો તો ઘોડો જમીન ઉપર દોડે, અમુક કળ દબાવો તો ઘોડો ઊભો રહે, અમુક કળ દબાવો તો ઘોડો ધીમે ધીમે ચાલે. આમ અનેક કળવાળો આ કાષ્ટનો ઘોડો લઈને ચંપક પોતાના નગરમાં આવ્યો.
ઘણાં વરસે દીકરાને પાછો આવેલો જોઈ સુથારના બાપ અને સગાં-સંબંધીઓ ખુશ થયા. કુંવર બળવંતસિંહને ખબર મળતા તે તરત પોતાના મિત્રને મળવા સુથારને ઘેર આવ્યો. સાત-સાત વર્ષ બંને મિત્રો મળ્યા. બંને એકબીજાને ભેટ્યા ને ઘણા દિવસની વાતો કરી. પછી કુંવર બળવંતસિંહે પૂછયું : “મિત્ર ! તું મારે માટે શું લાવ્યો છે ?”
ચંપકે કહ્યું: “હું તારે માટે એક કાષ્ટનો ઘોડો લાવ્યો છું. એમાં ઘણી કળો છે. અને તે જુદી જુદી કળો દબાવવાથી તેની જુદી જુદી અસર થાય છે. પરંતુ આ બધી કળોને શીખતા છ મહિના લાગશે.”
“છ મહિના!” કુંવરે નવાઈ પામી પૂછ્યું.
ચંપકે કહ્યું: “હા, પણ પછી તમે એ ઘોડાને મન ફાવે તેમ દોડાવી શકશો ને ઉડાડી શકશો.”
કુંવર બળવંતસિંહે કહ્યું: “મારે એ ઘોડો જોવો છે.”
ચંપકે કહ્યું : “ઠીક, કાલે તું તારા ઘોડા પર સવાર થઈ નદીકાંઠે
આવજે.”
આખી રાત કુંવરને કાષ્ટના ઘોડાનાં સ્વપ્ન આવ્યાં. સવાર થતાં જ તે પોતાના પાણીદાર ઘોડા ઉપર સવાર થઈ નદીકાંઠે આવી ગયો. ચંપક ત્યાં કાષ્ટનો ઘોડો લઈને હાજર થઈ ગયો હતો. ચંપકે બળવંતને કાષ્ટનો ઘોડો બતાવ્યો, અને તેની ઉડાડવાની, નીચે ઉતારવાની, જમીન પર દોડવાની અનેક કળોની સમજણ પાડી. પણ આવો અદૂભુત કાષ્ટનો ઘોડો જોઈને બળવંત એવો તો હરખઘેલો બની ગયો કે તે પૂરું સમજ્યા વગર કાષ્ટના ઘોડા ઉપર બેસીને તેને ઉડાડ્યો. ઘોડો તો ઊડવા લાગ્યો. થોડી વાર પછી બળવંતને થયું કે તે ઉતાવળમાં નીચે ઊતરવાની કળ કઈ, તે સમજવાનું ભૂલી ગયો. પણ હવે શું થાય? “ઘોડો જ્યાં લઈ જાય ત્યાં જઈશું એમ વિચારી બળવંત ઘોડાને ચીટકીને બેસી રહ્યો.
આ બાજુ ચંપક બળવંતની પાછા ફરવાની રાહ જોતો ઊભો હતો. તેને મનમાં ધ્રાસકો પડ્યો કે હવે શું થશે ? રાજાને હવે શું જવાબ આપશે ? ગામના લોકો તેના વિશે શું વિચારશે ? ક્યાંય સુધી તેણે કુંવર બળવંતની પાછા ફરવાની રાહ જોઈ ઊભો રહ્યો. પણ તે પાછો ફર્યો નહિ. અંધારું થતાં રાજાના સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા. તેઓ શોધતાં શોધતાં નદીકાંઠે આવ્યા. ત્યાં તેમણે સુથાર ચંપકને એકલો બેઠેલ જોયો અને તેની પાસે બળવંતસિંહનો પાણીદાર ઘોડો જોયો. તેઓ તરત ચંપકને પકડીને રાજા સમક્ષ લઈ ગયા. રાજાને થયું કે લોભના માર્યા ચંપકે મારા કુંવરને નદીમાં ડુબાડી દીધો લાગે છે. તેમણે કંઈપણ પૂછપરછ કર્યા વિના ચંપકને મોતની સજા ફરમાવી.
આટલું કહી. વિક્રમ રાજાએ વાર્તામાં અટકાવી. ચંદ્રકળાને વાર્તામાં રસ પડ્યો હતો, તેથી તે પડદા પાછળથી બોલી : “રસ પડ્યો ત્યારે વાર્તા કેમ અટકાવી? વાર્તા આગળ ચલાવો.
વાર્તામાં પોપટ (વૈતાળ) હુંકારો દેતો હતો તે બંધ થયો. હવે વૈતાળ બીજા પડદે બેઠેલી મેનામાં પ્રવેશી બોલ્યો : “વાર્તા આગળ ચલાવો.” એટલે રાજાએ ચંદ્રકળાને એક પડદો ખસેડવા કહ્યું. જેથી તેણે સખીઓ પાસે એક પડદો ખસેડાવ્યો. હવે રાજા ત્રીજા પડદે બેસી વાર્તા કહેવા લાગ્યા:
કુંવરના પિતા કનકસિંહને પાછળથી પસ્તાવો થયો કે મેં સુથાર ચંપક પાસેથી કાંઈ હકીક્ત જાણ્યા વગર જ તેને મોતની સજા ફરમાવી તે યોગ્ય નથી. આમ વિચારી તેમણે ચંપકને બોલાવી પાસે બેસાડ્યો ને પૂછ્યું: “બેટા! કુંવર બળવંતસિંહ ક્યાં ગયો? તેનો ઘોડો તારી પાસે ક્યાંથી ?”
ચંપકે કહ્યું : “હે રાજન ! હું કુંવરની જીદ ખાતર જ પરદેશ કંઈક વિદ્યા શીખવા ગયો હતો. ત્યાંથી મારા ગુરુએ મને એક કાષ્ટનો ઘોડો આપ્યો. મેં તે રાજકુમારને બતાવ્યો. રાજકુમારે તેનો ઘોડો મને આપ્યો ને પોતે કાષ્ટના ઘોડા પર બેસી ગયા. તેઓ ઉતાવળમાં ઘોડાને નીચે ઉતારવાની કળ શીખવાનું ભૂલી ગયા. માટે તેઓ ઘોડો લઈને અદશ્ય થઈ ગયા.”
રાજાએ ચંપકને નિર્દોષ જાહેર કર્યો અને બળવંતસિંહની શોધમાં ચારે દિશાએ ઘોડેસવાર સિપાહીઓને મોકલ્યા.
આ બાજુ કુંવર બળવંતસિંહ ઘોડાને નીચે ઉતારવા માટે જુદી જુદી કળો દબાવવા લાગ્યા. તેમાંની એક કળ દબાતાં ઘોડો આકાશ માર્ગેથી નીચે કર્ણાવતી નગરીના રાજબાગમાં ઊતર્યો. ઘોડાને નીચે ઊતરતા આંચકો લાગતાં બળવંત નીચે જમીન ઉપર ફસડાઈ પડ્યો અને બેભાન બની ગયો. એવામાં એક માલણની નજર પડતાં તે આ યુવાનને બેભાન હાલતમાં જોઈ પોતાને ઘેર લઈ ગઈ. માલણે કુંવરની સારવાર કરી, ત્યાં થોડી વારમાં તે ભાનમાં આવ્યો. માલણે તેને ખાવા માટે થોડાં ફળો આપ્યાં. માલણને કોઈ સંતાન ન હતું. એટલે તેણે આ યુવાનને પોતાના પુત્રની માફક સારવાર કરી ને તેને ત્યાં થોડા દિવસ રોકાઈ જવા કહ્યું.
આ કર્ણાવતી નગરીના રાજાને એક કુંવરી હતી. તેનું નામ સોનલ હતું. તે રૂપરૂપનો અંબાર હતી. માલણ રોજ રાજાને ત્યાં ફૂલ આપવા જતી. તે ઘેર આવી બળવંતસિંહ આગળ રોજ કુંવરી સોનલના વખાણ કરતી. સોનલના આટલા બધા વખાણ સાંભળી બળવંતસિંહને તેની સાથે પરણવાની ઈચ્છા થઈ. પરંતુ આ ઇચ્છે તે સોનલ આગળ કેવી રીતે વ્યક્ત કરી શકે.
એક દિવસ તેણે માલણ સાથે ફૂલના ગજરામાં પોતાની હીરાની વીંટી મોકલી આપી. માલણે ફૂલનો ગજરો લઈ સોનલને આપ્યો. સોનલ જેવી આ ફૂલનો ગજરો ભરાવા જાય છે, ત્યાં તેમાંથી વીંટી નીકળી. આવી મૂલ્યવાન હીરાજડિત વીંટી જોઈ કુંવરી સોનલને આશ્ચર્ય થયું. તેને થયું કે આ મૂલ્યવાન વીંટી કોઈ સામાન્ય માણસની નથી. આ વીંટી પહેરનાર કોઈ રાજવંશી યુવાન જ હોવો જોઈએ. તેણે બીજે દિવસે માલણને આ વીંટી વિશે પૂછપરછ કરી ત્યારે માલણે કહ્યું: “બહેનબા ! મારે ત્યાં એક રાજકુમાર ઊતર્યો છે જેણે મને વીંટી ફૂલના ગજરામાં મૂકવા કહ્યું હતું. એટલે મૂકી.”
કુંવરી સોનલ ચાલાક હતી. તે સમજી ગઈ કે કુંવર પોતાને ચાહે છે અને વીંટીની સમસ્યામાં મારી આગળ પોતાની ઇચ્છા જાહેર કરી છે. એટલે સોનલને પણ બળવંત ઉપર પ્રેમ જાગ્યો. તેણે તરત એક સમસ્યાવાળો પત્ર લખી તેની ગડી વાળી એક લાડવામાં ખોસી તે લાડવો માલણને આપ્યો ને કહ્યું : “હે માલણ ! તું આ લાડવો વીંટીવાળા રાજકુમારને મારા તરફથી ભેટ આપજે.”
માલણ તો લાડવો લઈ ઘેર આવી અને તે કુંવર બળવંતસિંહને આપ્યો, તે સમજી ગયો કે જરૂર આમાં સોનલનો સંદેશો હશે. એટલે તેણે લાડવાને ભાંગ્યો તો વચ્ચેથી એક ચિઠ્ઠી નીકળી, બળવંતસિંહે તે ચિઠ્ઠી વાંચી. તેમાં કુંવર પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને પોતાને ગુપ્ત રીતે મળવાનો ઉપાય બતાવ્યો હતો.
હવે સોનલ અને બળવંત બંને અવારનવાર ખાનગીમાં બાગમાં મળવા લાગ્યાં. ધીરે ધીરે બંને વચ્ચે નિકટતા વધતી ગઈ. આ મિલનના પ્રતાપે સોનલ ગર્ભવતી થઈ. તેણે આ વાત બળવંતસિંહને જણાવી અને કહ્યું : “જો આ વાત મારા પિતાજી જાણશે તો અણધાર્યું વિઘ્ન આવશે. એટલે આપણે બંને અહીંથી ભાગી જઈએ.”
બળવંતસિંહ અને સોનલની આ બાબત માલણ જાણતી હતી, પરંતુ તેને પુષ્કળ સોનામહોરો આપી તેનું મોઢું બંધ કરી દીધું. એક રાત્રે માલણની હાજરીમાં જ બંને જણ કાષ્ટના ઘોડા પર બેસી ત્યાંથી પલાયન થઈ ગયાં.
બળવંતે ઘોડો જંગલમાં ઉતાર્યો. ત્યાં બંને જણ એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. અહીં સોનલે એક બાળકને જન્મ આપ્યો. એક દિવસ બળવંત બંનેને ઝૂંપડીમાં સુવાડી ઘરનો સરસામાન લેવા ઘોડો લઈને નજીકના નગરમાં ગયો. ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં એક જગ્યાએ આગ લાગી. આ આગમાં બળવંતસિંહ ફસાઈ ગયો. આ આગની જ્વાળાથી કાષ્ટના ઘોડાની કળની રસીઓ બળી ગઈ ને બળવંત બેભાન થઈને રસ્તામાં ઢળી પડ્યો.
બીજી બાજુ ઝૂંપડીમાં રહેલી સોનલને થયું કે હજી સુધી બળવંત પાછો ફર્યો નથી, તેથી તે ચિંતા કરવા લાગી. થોડી વાર સુધી રાહ જોતાં તે પોતાના બાળકને ઝૂંપડીમાં પાંદડાં ઉપર સુવડાવી બળવંતની શોધમાં નીકળી પડી. તે થોડે દૂર ગઈ હશે કે તેની ઝૂંપડીમાં એક વરુ આવીને તેના બાળકને મોંમાં પકડી ઉઠાવી ગયું.
એટલામાં મેનાએ હોંકારો આપવાનું બંધ કર્યું કેમકે વૈતાળ મેનામાંથી નીકળી માટીના મોરમાં જઈને બેઠો. વિક્રમ રાજાએ અહીં વાર્તા અટકાવી દીધી. ચંદ્રકળાએ રાજાને વાર્તા આગળ ચલાવવા કહ્યું, તેથી માટીના મોરે કહ્યું: હે વિક્રમ રાજા ! હવે તમે બીજો પડદો છોડી ત્રીજા પડધ આગળ જઈ વાત શરૂ કરો, તો હું વચમાં હુંકારો ભણતો રહીશ.” આથી ચંદ્રકળાએ તરત બીજો પડદો હટાવી લીધો. એટલે વિક્રમ રાજા ત્રીજે પડદે આવ્યા અને આગળ વાર્તા શરૂ કરી:
રસ્તામાં બેહોશ પડેલ બળવંતને એક વણઝારાએ પોતાની પોઠમાં લીધો. વણઝારાએ તેને પૂછપરછ કરી, પણ બળવંત તેને કંઈ જવાબ આપી શક્યો નહિ, કારણ કે તેણે પોતાની યાદદાસ્ત ગુમાવી દીધી હતી. હવે ભલો વણઝારો બળવંતને પોતાની પોઠમાં સાથે લઈ ગયો.
હવે પેલું વર બાળકને મોંમાં લઈને જતું હતું, ત્યાં શિકારે નીકળેલ રતનપુર નગરના રાજાએ આ દૃશ્ય જોયું. તેમણે તરત તીર મારીને વરુંને વીંધી નાખ્યું. પછી બાળકને લઈને તે પોતાને મહેલે આવ્યો. આ રાજાને કોઈ સંતાન નહિ હોવાથી આ બાળકને પોતાનું બાળક સમજી તેને ઉછેરવા લાગ્યો.
સોનલ પોતાના પતિને શોધી શોધી થાકી, પણ ક્યાંય પત્તો લાગ્યો નહિ, એટલે પાછી ઝૂંપડીમાં આવી. ઝૂંપડીમાં આવી જુએ છે તો પોતાનું બાળક ગુમ! તે બિચારી માથું કૂટીને રડવા લાગી. તે પોતાના પુત્રને શોધવા વનેવન ભટકવા લાગી. તે ભટકતી ભટકતી એક નજીકના નગરમાં પહોંચી ગઈ. એ નગરનું નામ રતનપુર હતું, જ્યાંના રાજા પાસે જ પોતાનું બાળક હતું. આ નગરને છેવાડે એક મોટો મહેલ હતો, અને તેમાં એક વૃદ્ધા રહેતી હતી. તેણે સોનલને પોતાના ત્યાં આશરો આપ્યો. લોકો આ વૃદ્ધાના મહેલને ભૂતિયો મહેલ અને વૃદ્ધાને ડાકણ કહેતા, પરંતુ આ વૃદ્ધા સોનલને પોતાની સગી દીકરીની જેમ રાખવા લાગ્યાં. સોનલ ધીરે ધીરે પોતાનું દુખ ભૂલવા લાગી.
આમ બળવંત, સોનલ અને તેમનું બાળક ત્રણે જુદા પડ્યે પંદર વર્ષ વીતી ગયાં. સોનલનો ખોવાયેલો બાળક પણ પંદર વર્ષનો થઈ ગયો. એટલે રતનપુરના રાજાએ તેને રાજગાદીએ બેસાડ્યો. આ સમય દરમિયાન પેલી વૃદ્ધા ગુજરી જતાં તેનો છૂપો ખજાનો સોનલને મળ્યો. આ ખજાનાના આધારે સોનલે સુંદર બગીચા સાથે એક વિશાળ મહેલ બનાવ્યો અને પુષ્કળ નોકરચાકરો રાખી તે રાણીની માફક રહેવા લાગી. તેની ઉમર બત્રીસ વર્ષની થઈ હતી, છતાં તે વીસ વર્ષની લાગતી હતી.
એક દિવસ રાજા બનેલ કુંવર (જે તેનો પુત્ર હતો) તે આ મહેલ આગળથી નીકળ્યો. તેણે ઝરૂખામાં ઊભેલી પોતાની માતા સોનલ એટલે કે સુદરાને જોઈને તેના પર મોહી પડ્યો. તેમ સુંદરી પણ કુંવરને જોઈને મોહ પામી. તેને થયું કે મારા પતિ તો વર્ષોથી ગુમ થઈ ગયા છે. હવે આખી જિંદગી કોને સહારે કાઢવી ! વળી તેણે પરણીને પણ કંઈ સુખ જોયું નહોતું, તેથી તેણે આ રાજા સાથે પરણી જવાનું વિચાર્યું. પરંતુ તે જાણતી નહોતી કે તે પોતાનો દીકરો છે. તેણે તો કુંવરને પોતાના મહેલમાં બોલાવ્યો ને તેની આગતાસ્વાગતા કરી. પછી ધીરે ધીરે બંને જણા વારાફરતી મળવા લાગ્યાં. છેવટે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. કુંવર વાજતે – ગાજતે સુંદરીને ત્યાં પરણવા નીકળ્યો.”
અહીં વિક્રમ રાજા વાર્તા કહેતા અટકી ગયા. ચંદ્રકળાએ વાર્તા આગળ ચલાવવા કહ્યું. ત્યારે વિક્રમ રાજા બોલ્યા : “મોર હુંકારો ભણતો બંધ થયો, એટલે વાર્તા અટકાવી. કોઈ હુંકારો ભણે તો જ વાર્તા કહેવાની મજા આવે.” આ સમયે મોરમાં રહેલો વૈતાળ ચોથા પડદા આગળ રૂપાના સળિયા ઉપર બેઠેલી સોનાની ઢેલમાં પ્રવેશ્યો ને બોલ્યોઃ “હે રાજન ! મોર હુંકારો ન ભણે તો હું ભણીશ, માટે તમે ત્રીજો પડદો છોડી ચોથા પડદા આગળ બેસી અધૂરી વાર્તા પૂરી કરો.”
રાજાએ ત્રીજો પડદો હટાવી લેવા સૂચન કર્યું. જેથી ચંદ્રકળાએ ત્રીજો પડદો હટાવી લીધો. આથી રાજા ચોથે પડદે બેસીને વાર્તા આગળ કહેવા લાગ્યા :
કુંવર વાજતે-ગાજતે સુંદરીના મહેલે આવી પહોંચ્યો. સુંદરી સોળ શણગાર સજીને લગ્નમંડપમાં આવી. કુંવર અને સુંદરી લગ્નમંડપમાં ગોઠવાયાં. માતા અને પુત્ર લગ્ન કરે તે કુદરત કેમ સાખી લે ! તેથી કુદરતી રીતે જ સુંદરી (સોનલ) માં પ્રેમે પલટો ખાધો. તેની નજર સામે ભાવિ પ્રિયતમ નહિ પણ પુત્ર બેઠેલો લાગ્યો. તેનામાં ઓચિંતા જ માતૃત્વ ભાવ જાગૃત થયો અને તેના સ્તનમાંથી દૂધની ધાર છૂટી, કે તરત તે વરમાળા તોડી ઊભી થઈ ગઈ. આ બાજુ કુંવર (જે સોનલનો દીકરો હતો) ના વિચારોમાં પણ પરિવર્તન થયું.
તેને સુંદરી સોનલ પોતાની માતા સમાન લાગી. તેણે પાલક પિતા પાસેથી સાંભળ્યું હતું કે પોતાને તે એક વરુના મોંમાંથી બચાવીને લાવ્યા હતા. એટલે તેને થયું કે જરૂર હજી પોતાની મા જીવતી હશે. કુંવર પણ લગ્નમંડપમાંથી ઊભો થઈ ગયો. બંને વાતચીત કરવા લાગ્યાં. બંનેએ પોતાનામાં આવેલા પરિવર્તનની વાત કરી. હવે બંનેને ખાતરી થઈ ગઈ કે તેઓ બને મા-દીકરો છે. કુદરતે તેમને અનર્થમાંથી બચાવ્યાં, તે માટે તેઓએ ભગવાનનો ઘણો ઉપકાર માન્યો. કુંવરને લાગ્યું કે જેમ કુદરતે મારી માતાનો ઓચિંતો મેળાપ કરાવ્યો તેમ મારા પિતાજીનો પણ અવશ્ય મેળાપ કરાવશે.
એક દિવસ રાજા (કુંવર) દરબાર ભરીને બેઠો હતો. તેની માતા અને પાલક માતા ઓઝલમાં બેઠાં હતાં. રાજકાજ ચાલી રહ્યું હતું. એવામાં આ નગરમાં એક સોદાગર આવ્યો. તે પોતાનો કીમતી માલ વેચવા રાજાને મળવા આવ્યો. દરબારીઓ અને રાજા બધાં જ આ સોદાગરને જોઈને સ્તબ્ધ થઈ ગયા. કારણ આ સોદાગરનું મોં બરાબર કુંવરના મોંને મળતું આવતું હતું. ત્યાં તો ઓજલમાં બેઠેલી કુંવરની માતાએ આ સોદાગરને જોયો. તે તરત પોતાના પતિ બળવંતને ઓળખી ગઈ.
બળવંતને પણ રાજા (કુંવરને) જોઈને થયું કે “જરૂર મારા જેવા ચહેરાવાળો આ રાજા મારો પુત્ર જ હોવો જોઈએ.” વળી તેણે કુંવરીની માતા સોનલને પણ જોઈને તેને ખાતરી થઈ ગઈ કે આ બંને મારાથી છૂટ્ય પડેલાં પત્ની-બાળક છે. પછી ત્રણે જણા વચ્ચે વાતચીત થતાં ખાતરી થઈ ગઈ કે ત્રણે જણા માતા-પિતા-પુત્ર હતાં. આમ, કુંવરને પિતા મળવાથી તે હર્ષઘેલો થઈ ગયો.
પરંતુ દરબારમાં બેઠેલા વિદ્વાનો અને નગરશેઠને હજુ આમાં શંકા લાગતી હતી. તેમણે પોતાની શંકા પંડિતોને જણાવી, એટલે પંડિતોએ કહ્યું : “એક સ્વચ્છ પાણી ભરેલી તાંબાકુંડી દરબારમાં લાવો અને તેમાં ત્રણે જણાનાં લોહીનાં ટીપાં નાખો, જો એક હશે તો ટીપાં ભેગાં થઈ મળી જશે.
ત્રણે જણે પંડિતોના કહેવા પ્રમાણે કર્યું. ખરેખર! ત્રણેનાં લોહી એકબીજામાં મળી ગયાં. પિતા, પુત્ર અને માતા એકબીજાને ભેટી પડ્યા. વર્ષોનો વિજોગ ઘડીમાં મટી ગયો. બધાંનાં દૃયમાં આનંદ છવાઈ ગયો.
બળવંતસિંહને પોતાનો બાળપણનો મિત્ર અને તેનો કાષ્ટનો ઘોડો ખબ જ યાદ આવતાં તે પોતાની પત્ની અને પુત્ર સાથે પોતાના દેશમાં જવા નીકળ્યા. તેઓ ઘણા સમયે કોંકણ દેશમાં પહોંચ્યા. કનકસિંહ અને તેની રાણીને પોતાના પુત્રને પાછો આવેલો જોઈને અનહદ ખુશી થઈ. તેમણે પોતાની પુત્રવધૂ અને પૌત્રને પણ ગળે વળગાડ્યાં. આમ, ઘણાં વર્ષો પછી પરિવાર ભેગું થતા બધાંના આનંદનો પાર ન રહ્યો.
બળવંત પોતાના મિત્ર ચંપક (સુથાર મિત્ર) ને મળ્યો. બંને મિત્રો ઘણાં વર્ષો પછી મળ્યા. બંનેએ એકબીજાના ક્ષેમકુશળ પૂછ્યા. બંને મિત્રોએ ઘણી ઘણી વાતો કરી.
કનકસિંહે પોતાના દીકરાં બળવંતસિંહને ગાદીએ બેસાડ્યો ને સુથારના છોકરા ચંપકને પ્રધાન બનાવ્યો. કનકે પોતાના કુંવરને તેના રાજ્યમાં મોકલી આપ્યો. આમ પિતા-પુત્ર નગરમાં રાજ કિરવા લાગ્યા.”
વાર્તા પૂરી થતાં ચંદ્રકળાએ ચોથો પડદો સ્વેચ્છાએ હટાવી લીધો. તે રાજાની બુદ્ધિ-ચતુરાઈ ઉપર મુગ્ધ બની ગઈ. તે બોલી: “હે વિક્રમ રાજા! તમે ચતુરાઈથી મને જીતી ગયાં છો, હવે તમે કહો તેમ કરવા હું તૈયાર છું.
વિક્રમ રાજાએ કહ્યું: “બહેન! આ બધું મેં એક બ્રાહ્મણ યુવાન માટે કર્યું છે. તે તને પરણવાની હઠ લઈને બેઠો છે. માટે મારી સાથે આવી, તમારે એ બ્રાહ્મણની સાથે લગ્ન કરવાના છે.
ચંદ્રકળાએ આ માટે સંમતિ આપી. વિક્રમ રાજા ચંદ્રકળાને લઈને ઉજયિની નગરીમાં આવ્યા, અને પેલા બ્રાહ્મણ સાથે ચંદ્રકળાના લગ્ન કરાવ્યાં. અને તેમને સાત ગામ કન્યાદાનમાં આપ્યાં. બ્રાહ્મણ અને ચંદ્રકળા રાજાની કપાથી સુખચેનમાં દિવસો વિતાવવા લાગ્યાં.
વાર્તા પૂરી કરતાં પૂતળીએ કહ્યું: “આવા ચતુર અને બુદ્ધિશાળી વિક્રમ રાજા હતા. તમે આવા કાર્ય કરી શકો તો જ આ સિંહાસન ર બેસી શકો છો.”
આટલું કહી પૂતળી સરરર કરતી આકાશમાર્ગે ઊડી ગઈ.
સિંહાસન બત્રીસી | બત્રીસ પૂતળીની વાર્તા ભાગ 1
સિંહાસન બત્રીસી પ્રથમ પૂતળીની વાર્તા : વિધાતાના લેખ
supar
Pingback: સિંહાસન બત્રીસી : 17 મી પૂતળીની અમરફળની વાર્તા - AMARKATHAO