4827 Views
ભૂત હજી સુધી એવુ રહસ્ય છે કે જેને કોઇ ઉકેલી શક્યુ નથી… પરંતુ ભૂતની વાર્તાઓ, ભૂતની વાતો વાંચવી અને સાંભળવી દરેકને ખુબ જ ગમે છે.. આ વાર્તા કાલ્પનિક છે, આશા છે આપને આ Horror story પસંદ આવશે. જો આપને આવી ભુતની વાર્તાઓ ગમતી હોય તો કોમેન્ટમાં અમને જણાવો. જેથી વધુ વાર્તાઓ મુકી શકાય.
શુ ભૂત પણ સારા કે ખરાબ હોય છે ? વાંચો આ વાર્તા
જેસીકાને શંકા હતી કે નવા ઘરમાં ભૂત છે. કેમ કે એને ઘણીવાર ઘરમાં કોઈક અદ્રશ્ય તાકાતની હાજરીનો અહેસાસ થતો. પણ છતાંયે તેને ધરપત હતી. કારણ કે જો ઘરમાં ભૂત જેવું કાંઈ હોય, તો પણ એ ભૂતે આજસુધી ક્યારેય કોઈને નુકસાન ન હતું પહોંચાડયું.
જેસીકાએ એના પતિ ડેનિયેલને આ વાત જણાવી. પણ ડેનિયલ સંપૂર્ણપણે નાસ્તિક હતો. એટલે ડેનિયેલે એને અંધશ્રધ્ધાળુ ગણીને એની વાત પર ધ્યાન ન આપ્યું, પણ છેલ્લા થોડા દિવસોથી મામલો બદલાયો હતો. હવે એ ભૂતે પરચો દેખાડવાનો શરુ કર્યો. નહાતી વખતે એકદમ જ પાણીનું ગરમ થઈ જવું, આપમેળે ગેસ ચાલુ થઈ જવો, ઘરની લાઈટો, ટી.વી. વગેરે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ આપમેળે ચાલુ-બંધ થવી. વગેરે ઘટનાઓ ઘટવાની ચાલુ થઈ. ઘરમાં એક જાતનો ડરનો માહૌલ છવાઈ ગયો.
ઉપરાંત એક રાત્રે ભૂતે જેસીકાનું ગળુ દબાવી દીધું. એ અનુભવ સૌથી વધારે ડરામણો હતો. અને ખેદની વાત એ હતી કે આ બધી ઘટનાઓથી ડેનિયલ સાવ અજાણ હતો. જ્યારે ભૂતે જેસીકાનું ગળું દબાવ્યું અને પછી એને છોડી દીધી, ત્યારે મહામહેનતે સ્વસ્થ થયા પછી જેસીકાએ બાજુમાં જ બેડ પર ઊંઘતા પતિ ડેનિયલ પર નજર નાખી તો એ તો ઘસઘસાટ ઊંઘતો હતો. બીજે દિવસે જ્યારે એણે આ વિશે ડેનિયલને જણાવ્યું તો ડેનિયેલે એને જેસિકાનો એક ભ્રમ ગણી લીધો.
જેસીકા સમજી ગઈ કે ડેનિયલ પાસેથી આ બાબતે કોઈપણ અપેક્ષા રાખવાનો કોઈ અર્થ નથી.
એટલે આ સમસ્યાના સમાધાન માટે જેસીકા એકલી જ ફાધર જેમ્સને મળી. ફાધર જેમ્સે જેસીકાનો સંપર્ક કરાવ્યો મિશેલ સાથે. મિશેલ પેરાનોર્મલ એક્સપર્ટ હતી. વૈજ્ઞાાનિક ઢબે ભૂતની હાજરી શોધવાની કોશિશ કરતી હતી.
મિશેલ બપોરે લગભગ એક વાગ્યા આવી. કેમ કે એનું એવું માનવું હતું કે બપોરે ત્રણથી પાંચ અને રાત્રે બે થી ચાર વાગ્યા વચ્ચે ભૂતાવળ સર્જાવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે. વળી એ એવું પણ માનતી હતી કે મોટેભાગના ઘરોમાં ભૂત રહેતા જ હોય છે. પણ આપણને એ વાતની જાણકારી હોતી નથી. જો એ વાતની જાણ સામાન્ય જનતાને થાય, તો જનતા ભયભિત બની જાય.
મિશેલનું એમ પણ માનવું હતું કે મનુષ્ય અને ભૂતોની સમાંતર વિશ્વ હોય છે. આપણી આસપાસ સતત ભૂત ભમતા જ હોય છે. પણ આપણે તેમનો જોઈ શકતા નથી કે નથી અનુભવી શકતા અને એટલે જ શાંતિ છે. નહિંતર અરાજકતા વ્યાપી જાત.
મોટેભાગના ભૂતોને હંગામી ધોરણે પ્રેતયોનિમાં રહેવાની સજા મળી હોય છે. એટલે એ બધા તો એમ જ આમથી તેમ ભટકતા હોય છે. જેવી એમની સજા ખતમ, એવો એમને નવો જન્મ મળે કે પછી સ્વર્ગમાં પ્રવેશ મળે. પણ અમુક ભૂત એવા હોય છે કે જેઓ પ્રેતયોનિમાં પણ આતંક મચાવતા હોય. એ ભયંકર હોય. એમને જો કોઈ શરીર કે સ્થળમાં પ્રવેશ મળે તો એ લોકો ત્યાં આતંક મચાવી દે.
હવે સવાલ એ હતો કે જેસીકાના ઘરમાં કેવા પ્રકારનું ભૂત હતું?
મિશેલ પહેલેથી જ બધા સાધનો ગોઠવીને તૈયાર થઈ ગઈ. જેસીકા પણ ત્યાં જ હાજર હતી. બરાબર ત્રણના ટકોરે મિશેલ પાસે રહેલા તાપમાન માપવાના સાધનમાં તાપમાનનો પારો ગગડવા લાગ્યો. જેસીકા ધુ્રજવા લાગી. મિશેલ તેની સામે આંખો ફાડીને જોઈ રહી. એકદમ જ જેસીકા કમરેથી બેવડ વળી ગઈ. અને ઘોઘરા અવાજે, કોઈક વિચિત્ર ભાષામાં બબડાટ કરવા લાગી. મિશેલના ચહેરા પર પણ ગભરાટ છવાઈ ગયો. મિશેલે મોટા સ્વરે પ્રાર્થના ચાલુ કરી દીધી. સાડા ત્રણ વાગ્યા સુધી એવું જ ચાલ્યું. પછી બધું જ શાંત થઈ ગયું.
મિશેલના ચહેરા પર હવે હળવાશનો ભાવ આવ્યો. જેસીકા વિસ્ફારિત નયને એને તાકી રહી હતી. એ પરસેવે રેબઝેબ હતી. એણે ધૂ્રજતા સ્વરે સવાલ કર્યો, ”મને કાંઈ થયું હતું?”
જવાબમાં મિશેલે એને કેમકોર્ડરમાં રેકોર્ડ થયેલા દ્રશ્યો બતાવ્યા. પોતાની એવી વિચિત્ર હાલત જોઈને જેસીકા ગભરાઈ ગઈ. અને રડવા લાગી. એ સમજી ગઈ કે એના શરીરમાં જ ભૂત છે. એણે રડતાં રડતાં મિશેલને પૂછ્યું, ”હવે મારું શું થશે?”
”ડોન્ટ વરી. તમારા શરીરમાં જે આત્મા ઘૂસેલો છે, એ નિરુપદ્રવી છે. એ તમને કે તમારા પરિવારને કોઈ હાનિ નહીં પહોંચાડે.” મિશેલે એને આશ્વાસન આપ્યું.
”તમને કઈ રીતે ખબર પડે કે એ નિરુપદ્રવિ છે?”
”કેમ કે ડિજિટલ થર્મોમિટરથી ખબર પડે કે રૂમનું ટેમ્પરેચર વધ્યું કે ેઘટયું? તમારા કેસમાં તાપમાન ઘટી ગયું. મતલબ કે તમારા શરીરમાં જે આત્મા છે. એ બિલકુલ શાંત છે. જો તોફાની આત્મા હોત તો તાપમાન ખૂબ જ વધી જાત.”
”એ આત્માને કાઢવાનો કોઈ ઉપાય ખરો?” જેસીકાએ બીકથી ધૂ્રજતા સવાલ કર્યો.
”એકસોરસિઝમથી કાઢી શકાય. પણ એમાં ભારે ખતરો છે.”
”હું કોઈ પણ ખતરો ઊઠાવવા તૈયાર છું.”
”ચાર્જ પણ લાગશે.”
”આઈ એમ રેડી ટુ પે.”
”ભલે તો આપણે ચાર દિવસ પછી એકસોરસિઝમની પ્રક્રિયા કરીશું.”
”એટલા બધા દિવસ?”
”હા. મારે તૈયારી તો કરવી પડશે ને?”
”તો ત્યાં સુધી મારે આમ ને આમ ભૂત સાથે જ રહેવાનું?”
”આટલા દિવસથી રહેતા જ હતાં ને?”
”તે એ તો ખબર ન હતી મને એ વાતની એટલે.”
”સાચી વાત છે. ઘણીવાર જ્ઞાાન જ અભિશાપ બની જતું હોય છે. પણ તમારે આ સ્થિતીમાં ચાર દિવસ તો રહેવું જ પડશે.”
”આ ભૂત ચોવીસે કલાક મારા શરીરમાં જ હોય છે?”
”ના. એ દિવસે તમારી સાથે બહાર તડકામાં નહીં આવે. દિવસના સમયે જેવા તમે ઘરની બહાર પગ મૂકશો કે તરત એ તમારા શરીરમાંથી નીકળીને આ ઘરમાં જ રહી જશે. અને જેવા તમે ઘરે પાછા આવશો કે તરત જ પાછો તમારા શરીરમાં ઘૂસી જશે.”
”તો અમે આ ઘર જ બદલી નાખીએ તો?”
”કોઈ અર્થ નથી. જેવો સૂરજ ઢળશે કે તરત જ, તમે જ્યાં પણ હશો, એ આત્મા તમારી પાસે પહોંચી જ જશે. એને વિધિવત રીતે જ ભગાડવો પડશે.”
”પણ એ કરતાં તો ચાર દિવસ થશે. અને એ દરમિયાન મારા શરીરમાં રહેલા ભૂતે ધમાલ કરી તો? એ હિંસક બની ગયું તો? મને મારા કરતાં વધારે ડેનિયલની ચિંતા છે. ક્યાંક હું એને નુકસાન પહોંચાડી બેસીશ તો?” જેસીકાના સ્વરમાં દર્દ હતું. ડેનિયલ પ્રત્યેનો પ્રેમ હતો.
એ અનુભવિને મિશેલ પણ થોડી લાગણીશીલ બની ગઈ. એ બોલી, ”તમે એક કામ કરો. આ ડિજિટલ થર્મોમિટર તમારી પાસે રાખો. જો કોઈ ભૂત ધમાલ મચાવે તો એ એકદમ તો ધમાલ ના જ મચાવે. ધીરે ધીરે એ હિંસક બને. આપણને અનુભવથી ખ્યાલ આવી જ જાય. એટલે જો તમને લાગે કે તમારા શરીરમાં રહેલું ભૂત હિંસક બની રહ્યું છે. તો તમારે આ ડિજિટલ થર્મોમિટરમાં રૂમનું તાપમાન જોઈ લેવાનું.
જો તાપમાનમાં એકદમ જ વધારો થવા માંડે તો માની લેવાનું કે ભૂત હવે ખતરનાક બનવાની તૈયારીમાં છે. જો એવું થાય તો તમને પાંચ-દસ મિનિટ તો મળશે. તમારે પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દેવાની. અને મને ફોન કરી દેવાનો.” કહીને મિશેલે પોતાની બેગમાંથી હોલીવોટરની એક શીશી કાઢીને જેસીકાને આપી. અને કહ્યું, ”તમારા હસબંડને કહેવાનું કે એ સમયે તમારા પર આ હોલીવોટરનો છંટકાવ કરે. જેથી તમે કંટ્રોલમાં રહો.”
મિશેલની આ વાત સાંભળીને જેસિકાએ એક ઊંડો નિઃશ્વાસ નાખ્યો. કેમ કે એ જાણતી હતી કે ડેનિયેલ એની આ વાત કોઈ સંજોગોમાં નહિં માને.
અને બન્યું પણ એવું જ. આ વાત સાંભળીને ડેનિયલે જેસિકાની ભારે હાંસિ ઊડાવી. એ બોલ્યો, ‘એ ભૂતના નામે તને છેતરે છે. એ ભૂત ભગાડવાનું ધતીંગ કરીને તારી પાસેથી પૈસા પડાવવા માંગે છે. જો ને, તને ડિજિટલ થર્મોમિટર પકડાવી ગઈ. આખી દુનિયામાં રોજેરોજ તાપમાન માપવામાં આવે છે. તાપમાનમાં વધ-ઘટ તો નોંધાયા કરે. એમાં ભૂત ક્યાં આવ્યું?’
જ્યારે જેસિકાએ હોલીવોટરની વાત કરી તો ડેનિયલ એકદમ જ ગુસ્સે થઈ ગયો. અને એણે જેસિકાને રીતસરની ધમકી જ આપી દીધી કે જો એ હોલીવોટરની શીશી બહાર નહિં ફગાવી દે તો ડેનિયલ હંમેશા માટે એને છોડીને જતો રહેશે.
જેસિકાને ખબર હતી કે ધર્મમાં માનવું ના માનવું, એ ડેનિયલનો હક છે. પણ ધર્મનું અપમાન કરવું એ તો ખોટું ગણાય. પણ ડેનિયલ પ્રત્યેના પ્રેમને કારણે વિવશ થઈને એણે એ શીશી બહાર ફગાવી દીધી.
*****************
બે દિવસ તો શાંતિથી પસાર થયા. પણ જેસિકાના મનમાં ભારે ઊચાટ હતો. આ બન્ને દિવસ એ વારંવાર ડિજિટલ થર્મોમિટરમાં તાપમાન તપાસ્યા કરતી. પણ એ સામાન્ય જ રહેતું. એટલે એને ધરપત રહેતી હતી. પણ ત્રીજી રાત્રે મામલો બદલાયો.
રાત્રે લગભગ દોઢ વાગ્યે જેસિકાને કંઈક અવાજ સંભળાયો. એ ભડકી. પહેલા તો એ બીકની મારી પડી જ રહી. પણ પછી અવાજ ક્યાંથી આવે છે એ જાણવા એણે હિંમત કરીને આંખો ખોલી. અને અવાજની દિશામાં નજર ફેરવી. તો ડેનિયલ ઊંઘમાં બબડાટ કરી રહ્યો હતો.
એ જોઈને જેસિકાને ગુસ્સો ચડયો. પણ પછી હસવું પણ આવ્યું. તેને થયું કે આ ભૂત વાળી વાતે એના મગજ પર એવી અસર કરી છે કે એ શાંતિથી સૂઈ પણ નથી શકતી. ક્યાંક એવું તો નથી ને કે ડેનિયલ સાચો છે. મિશેલ પૈસા પડાવવા એના મગજમાં આવી વાતો ઘૂસાડી રહી હોય. એને થયું કે લાવ તપાસ તો કરવા દે.
એટલે એણે ડિજિટલ થર્મોમિટર લીધું અને તાપમાન તપાસ્યું. તાપમાનમાં જોતાં જ એ ભડકી. તાપમાનમાં સતત તીવ્ર વધારો-ઘટાડો થઈ રહ્યો હતો. અને એકદમ જ રૂમનું તાપમાન સખત વધી ગયું. જેસિકાને લાગ્યું કે જો એ રૂમમાં વધારે રોકાઈ તો દાઝી જશે. એણે ભાગવા માટે પલંગ પરથી કૂદકો માર્યો. અને એકદમ જ એને ડેનિયલનો વિચાર આવ્યો. એ ડેનિયલને ઊંઘમાંથી ઊઠાડવા માટે પલટી અને આંખો સામેનું દ્રશ્ય જોતાં જ એ ભડકી. ડેનિયલ તો પથારીમાં હતો જ નહીં.
”કોને શોધે છે?” છત પરથી ઘોઘરો અવાજ આવ્યો. જેસિકાના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. એણે ડરતાં ડરતાં છત તરફ જોયું. ડેનિયલ છત પર ચોંટેલો હતો. એનો ચહેરો લીલા રંગનો થઈ ગયો હતો. આંખો લાલ થઈ ગઈ હતી.
એ ફરી ઘોઘરા અવાજે બોલ્યો, ”એક ઘરમાં બે ભૂત ના રહી શકે. તે દિવસે રાત્રે ઊંઘમાં મેં જ તારું ગળુ દબાવી દીધેલું. એટલે તું મરી જાય. તારું શરીર ખતમ થઈ જાય તો તારી અંદર રહેલા આત્માએ અહીંથી જવું જ પડે. અને હવે તુ ભૂત ભગાડનારાઓને આ ઘરમાં બોલાવવા લાગી? મને ભગાડવા હોલી વોટર લઈ આવી? પણ એ તો મેં તારા હાથે જ બહાર ફેંકાવી દીધું. હવે તારો ખેલ ખતમ…”
”એટલી આસાનીથી હું નહીં જાઊં.” ઘોઘરા અવાજે બોલીને જેસિકા પણ હવામાં ઊંચકાઈ. એનો ચહેરો અને આંખો હીમ જેવા સફેદ થઈ ગયા હતાં. રૂમનું તાપમાન એકદમ જ ઘટી ગયું. એ બોલી, ”તું આવ્યો એ પહેલેેેથી હું આ ઘરમાં હતો. આમ તો હું કોઈને નડતો નથી. પણ કોઈ મને ખતમ કરવાની કોશિશ કરે તો એને છોડતો પણ નથી.” બોલીને જેસિકા ડેનિયલ તરફ ઝનૂનથી ધસી.
સવારે ચાર વાગ્યા સુધી એ ઘરમાં બિહામણી ચીસોનો અવાજ આવતો રહ્યો.
ચાર દિવસ પછી ભારે દુર્ગંધથી પરેશાન પડોશીઓની ફરિયાદથી પોલિસે એ ઘરનો દરવાજો તોડયો. એ ઘરમાંથી જેસિકા અને ડેનિયલની સફેદ પૂણી જેવી થઈ ગયેલી લાશો મળી.
જ્યારે એ લાશોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો ડોક્ટરો ભડક્યા. કેમ કે અંદરથી તો એ બંને શરીર એકદમ ખોખલા હતાં. જાણે કોઈએ એમને અંદરથી કોતરી ના કાઢ્યા હોય!
✍ જગદીશ મેકવાન
આ પણ વાંચો 👇
😱 બાબરો ભૂત – ઈતિહાસની જાણી અજાણી વાતો