Skip to content

વાર્તા : એક હતો ભવાન ભીંડી – મુકેશ સોજીત્રા

2911 Views

“ભવાન ભીંડી” વિઠ્ઠલ તીડી, બે કપ ચા, ચોકલેટ વગેરે મુકેશભાઈ સોજીત્રાની ખુબ જ વંચાયેલી વાર્તાઓ છે, તેમની વાર્તાઓ ગ્રામ્ય પરિવેશ અને ગામઠી બોલી સાથે હ્રદય સોંસરવી ઉતરી જાય છે, આજે અમરકથાઓમાં વાંચો તેમની પ્રખ્યાત વાર્તા ભવાન ભીંડી – Bhavan Bhindi Gujarati story mukesh sojitra

ભવાન ભીંડી – લેખક મુકેશ સોજીત્રા

એક શેવરોલે ક્રુઝ કાર ગામને પાદર આવીને ઉભી રહી, પાછળ બીજી ત્રણ ગાડીઓ પણ આવી. ધૂળની ડમરી ઉડી!! ડમરી શમી એટલે ગાડીમાંથી એક ગોગલ્સ પહેરેલો, લીનનનો શર્ટ પહેરેલો એક આધેડ ઉમરનો એક માણસ ઉતર્યો!! એનાં હાથમાં મોબાઈલ હતો. પણ કવરેજ નહોતું તોય ફોન લગાડ્યો, મોઢું કટાણું કરીને ફોન ખિસ્સામાં નાંખ્યો પછી સામે આવેલા પાનના ગલ્લાં પાસે જઈને પૂછ્યું કે.

“ભવાન કરમશીનું ઘર ક્યાં આવ્યું”

“ત્રણ ભવાન કરમશી છે આ ગામમાં તમારે કોનું કામ છે?” માવો ચોળતાં ચોળતાં એક યુવાન બોલ્યો.

“ એજ ભવાનભાઈ કે જેનો છોકરો કિશોર ડોકટર છે” પેલાએ ખુલાસો કર્યો, અને પેલો તરત જ બોલ્યો,

“એમ કહોને તમારે ભવાન “ભીંડી”ને ત્યાં જવાનું છે, એક કામ કરો અહીંથી સીધા જાવ, ડાબી બાજુ એક રસ્તો આવશે એની સામે એક મંદિર છે તે ને ત્યાંથી ઉગમણા વળી જાવ એટલે મઢવાળી શેરી આવશે એ શેરીમાં છેલ્લે એક મકાન આવશે, કલર કર્યા વગરનો એક ખખડધજ ડેલો આવશે એ જ ભવાન ભીંડીનું ઘર છે. ના જડે તો મંદિરે કોઈને પૂછી લેજો પણ ભવાન કરમશીનું કોઈને ના પૂછતા પણ ભવાન “ભીંડી” કહેજો તો તરત જ ઘર બતાવી દેશે” પેલાં એ માવો નાંખ્યો મોઢામાં અને કીધું. અને પેલી ચાર ગાડીઓ આગળ ગઈ. જેવી ગાડીઓ આગળ ગઈ કે તરત જ ગલ્લાં વાળો બોલ્યો.

“આટલી બધી ગાડીઓ અને એ પણ ભવાન “ભીંડી”ને ત્યાં કોઈ ખાસ પ્રસંગ લાગે છે ત્યાં, બાકી એને ઘરે ભિખારી પણ ના જાય કોઈ દિવસ, ભિખારી તો શું કુતરું પણ એના ઘર આગળ ના નીકળે ” બીજો એક બેઠો બેઠો અઠવાડિયા અગાઉની પૂર્તિ વાંચતો હતો એ બોલ્યો.

“એનાં છોકરા કિશોરને આજ રૂપિયો નાળીયેર દેવા આવ્યાં છે, બહું મોટી પાર્ટી છે સુરતની, છોકરીય ડોકટર છે, ભવાન ભાઈ ને હવે તો બખ્ખા છે, ઘરે બબ્બે ડોકટર, અને ભવાન ભીંડીની કાપવા વાળા હજુ પણ એક સોડાના બે ભાગ કરીને પીવે છે” પેલો બોલ્યો કે તરત પાનના ગલ્લાં વાળો બોલ્યો.

“ઈ બધુય આ છોકરો ડોકટર થયોને એનાં પ્રતાપે બાકી ભવાન “ભીંડી” ને ત્યાં કોઈ દીકરી દે એ વાતમાં માલ નહિ, ગામમાં એની વેલ્યુ જ નથી. કોઈને કોઈ દી ચા ની રકાબી પાઈ છે?? કોઈ દી સત્યનારાયણ ની કથા કરી છે? કોઈ દી દસ રૂપરડીય ફાળામાં લખાવી છે? આ તો સારા પ્રતાપ એનાં દીકરાના કે એ ડોકટર થઇ ગયો ને સંબંધ થઇ જાશે, બાકી વાતમાં માલ નહિ!! અને પેલાં એ પાછો તરત જ જવાબ આપ્યો.

“ છોકરા તો વરસ દિવસ પહેલાં ડોકટર થયો , એની પહેલાં એણે ત્રણ દીકરીયું પરણાવી એ કોની શાખાથી,?? અરે ભાઈ એની રહેણી કરણી એવી હોય એમાં ગામ શું કામ બળતરા કરે છે?? એ કોઈને ચા પાતો નથી એમ કોઈની પીતો પણ નથી ને,? એણે કોઈના પૈસા ખોટા કર્યા ? એણે કોઈનું બુચ માર્યું ક્યારેય બાકી આપણા ગામમાં એક આખી શેરી “બુચ” શેરી છે, ઈ બધાય જેની જેટલી કેપેસીટી એટલું બુચ મારી મારીને સુરતથી આવતાં રહ્યા છે અને આહી આવીને જલસા કરે છે અને બધાને ચા પાય ,એને તમે વેલ્યુ કહો છો,? મને એ નથી સમજાતું નથી કે ગામને ભવાન”ભીંડી’ પર આટલી દાઝ શું કામ છે?”

“ ઈ તો અત્યારે છોકરીઓની તાણને એટલે એનાં સંબંધ તો થઇ જાય, બાપ ગમે એવો ચીકણો હોય તોય દીકરીયુંના સંબંધ તો થઇ જાય બાકી છોકરો પરણાવવો હોય ને તો ગામમાં આબરૂ જોઈએ બાકી સીતારામની આરતી મારા ભાઈ પણ હશે ભાગ્ય ભવાન ભીંડી ના કે હવે “થોરે કેળા લાગ્યાં છે થોરે કેળા” પાનના ગલ્લાં વાળો પણ ગાંજ્યો જાય તેમ નહોતો. આ પાનનો ગલ્લો એટલે એક જાતની વિશ્વ વિદ્યાલય જોઈ લો!! અહી આખા ગામની વાતું અને અલકમલકના વાવડ તમને સાંભળવા મળે. અને કાઠીયાવાડમાં જેટલા પાનના ગલ્લાં હશે એટલાં બીજે ક્યાય નહિ હોય એ પણ સત્ય વાત છે!!!

‘ ભવાન કરમશી’ આ ગામનું એક અફલાતુન પાત્ર!! જીવન જીવવામાં એટલો ચીકણો કે લોકો એને “ભીંડી” જ કહેતાં અને ભીંડી હોય પણ ચીકણી જ ને!! એક દમ કટ ગુંદીના ઠળિયા જેવો ચીકણો!! નાનપણમાં ગરીબી બહું જોયેલી અને બાપા મર્યા ત્યારે પાંચ વીઘા જમીન જ મૂકી ગયાં હતાં. અને પછી તો એ પોતાની રીતે જ પરણ્યો, મોટી ત્રણ દીકરીઓ અને ચોથા ખોળાનો દીકરો કિશોર અને એ પણ હવે ડોકટર હતો. કિશોરનો સ્વભાવ અને ભવાનનો સ્વભાવ એટલે ઓતર દખણ નો ફેર!! છોકરો હવે તો મોજ શોખથી રહે અને ભવાન “ભીંડી” એની રીતે રહે. દીકરીઓ પણ એવી જ હતી. સાત સાત ધોરણ ભણીને બધી દીકરીયું ઉઠી ગયેલ અને પછી હીરા ઘસવા બેસી ગયેલ અને એ વખતે બહેનો હીરા ઘસે એ નવાઈ ની વાત હતી.

ભવાન પાછો હીરાનો કારીગર પણ ખરો. વીસ વરસની ઉમરે સુરત ગયેલો બે વરસ રોકાયેલો. ઘાટ, તળિયા, મથાળા પેલ વગેરે શીખી ગયેલો પણ એને સુરતની મોંઘવારી નડી ગયેલ. પહેલેથી જ કરકસરવાળું જીવન જીવેલો એટલે સુરત ના ફાવ્યું અને આવ્યો પાછો અને સંભાળી ખેતી!!

વરસ દિવસમાં મા અને બાપ બેય ગુજરી ગયેલાં અને ઘરમાં એ સાવ એકલો!! બંને ફઈને સારું હતું પણ એનાં બાપાનો સ્વભાવ પણ ચીકણો જ હતો એટલે એ દાઝ બને ફઈએ રાખી અને કાઈ મદદ ના કરી. અને ભવાને ક્યારેય સગા સંબંધીને કાઈ કીધેલું પણ નહિ કે મને મદદ કરો, બધાં વાટ જોઈએને જ બેઠેલા કે સગપણ વખતે તો ભવાન કયા જાવાનો!!?? અમારી પાસે તો આવવું જ પડશે ને ત્યારે બધું સંભળાવવું છે!! પગે લાગેને પછી જ એનાં સગપણની વાત આગળ વધારવાની છે!!

અમારા કાઠીયાવાડ ની એક ખાસિયત છે કે જેમ લોકો ધન સંઘરે એમ પેઢી દર પેઢી દાઝ પણ સંઘરી રાખવાની અને પછી જયારે મોકો આવે ને ત્યારે એક પેઢીથી સાચવી રાખેલી દાઝ બીજી પેઢી પર ઉતારવાની અને એ પણ આ રીતે!!

“તારો બાપ પરણ્યોને ત્યારે એણે અમારું નામ કંકોતરીમાં નહોતું લખ્યું એટલે હવે અમારે તમારા છોકરાના લગ્નમાં કેમ આવવું અમને સોખમણ ના થાય” અથવા તો

“તારી ફઈ પરણીને ત્યારે હું બે બળદ ગાડા લઈને સરભંડાથી આવ્યો હતો અને ત્રણ દિવસ રોકાયો હતો. અને તારો બાપ અમારી હંસાના લગ્નમાં સવારે જ આવ્યો અને બપોરે ખાઈને સીધો વેતો પડી ગયો, આમ વેવાર હાલે જાવ અમે તમારા સીમંતમાં નથી આવવાના , અમારે પણ આબરૂ હોય કે નહિ.?”

પણ ભવાન કરમશીએ જાતેજ લગ્ન કરી નાંખેલા, પોતે જ સંબંધ જોઈ આવ્યો અને પોતેજ પરણી ગયો. ગામમાં જયારે કંકોતરી વહેંચાઇ ત્યારે જ ખબર પડી કે લે ભવાનની જાન તો અઠવાડિયા પછી જવાની છે!! આમ તો એ આખા ગામનાં પ્રસંગમાં જતો તનતોડ કામ કરતો એટલે લોકો તો એનાં પ્રસંગમાં આવેલા!! કોઈક સંબંધી આવેલ કોઈક ના આવેલ, આવ્યાં એનું સ્વાગત ના આવ્યાં એને બીજી વાર કીધેલું પણ નહિ કે કેમ ના આવ્યાં!!?? અને વહુ પણ એને એનાં સ્વભાવ રોખી મળેલી. એ પણ ગણી ગણી ને જ ડગલા ભરે!! કોઈ જાતનું વેરેનટાઈઝ જ નહિ!! કોઈ વધારાનો ખર્ચ જ નહિ!! જીવન જ સાદું અને ખેતી કરવાની!!

ઘરે એક ઘંટી રાખેલી હીરાની તે ખેતીમાંથી નવરા પડે એટલે હીરા ઘસે!! એની વહુ વસન ને પણ હીરા શીખવાડી દીધેલા!! અને પોતે ઓલરાઉન્ડર ખરોને એટલે ભાવનગર જઈ આવે કાચી રફ લઇ આવે ને પછી પોતેજ ઘાટ કરે, મથાળા મારે, પેલ કાપે, તરખુણીયા કાપે,તળિયા મારે અને એ માલ વેચી આવે!! ગામની બધી બાયું નવરાત્રીમાં રાસ લે, માતાજીના ગરબા લે ત્યારે વસન અને ભવાન રાતે હીરાની ઘંટી પર પેલ કાપતા હોય!! ગામમાં કોઈની પાસે ક્યારેય એક રૂપિયો ઉછીનો લીધેલો નહિ કે ક્યારેય કોઈને રૂપિયો દીધેલો નહિ.

ત્રણ છોકરીઓનો જન્મ થયો, ત્રણેય મોટી થઇ કિશોરનો જન્મ થયો એ મોટો થયો અને પછી કિશોર આગળ ભણતો ગયો. અને છોકરીઓ સાત પાસ કરીને હીરામાં ઘરે બીજી ઘંટી મૂકી દીધેલી અને આવક વધતી ગયેલી પણ શરીર પર સારું લૂગડું ના પહેરે!! કથામાં જાય પણ ઘરે કથા નહિ!! છોકરીઓ પરણાવી!! સારો એવો કરિયાવર કર્યો!! બીજી છોકરીના લગ્ન થયા ત્યારે આખા ગામે નક્કી કર્યું કે આપણે કામ કરવા નથી જાવું!!

બધાયે બહાના કાઢવા કે અમારે અમુક જગ્યા એ જાવાનું છે આ વખતે ગમે એ થાય પણ ભવાન ને પછાડી તો દેવાનો છે !! એ આપણે પગે પડવો જોઈએ અને એની પાસેથી વચન લેવાનું કે ગામને પાદર શિવ મંદિર છે ત્યાં શિવમહાપુરાણ થવાનું છે તે એક દિવસની રસોઈ આપ તો જ અમે કામ કરીશું.

આમ ગામલોકો એ એની પાસે પરાણે દાન કરાવવાનું નક્કી કરેલ!! પણ કોણ જાણે ભવાન ને એની ખબર પડી ગયેલી એટલે આખું રસોડું એણે એક રાંધવા વાળી ગેંગ ને આપી દીધેલું!! આ કેટરર્સ શબ્દ તો ગામડામાં પછી આવેલો શરૂઆતમાં સુરતથી ગેંગ આવતી ઈ બધું જ કરે!! તે ગામ જોઈ જ રહેલું!! જાન આવી વરઘોડો ચડ્યો જાન જમી ગઈ પછી ગામ જમવા ના આવ્યું.એને એમ કે ભવાન આવી ને બધાને વિનવણી કરશે બપોરના બે થવા આવ્યા પણ તોય ભવાન ના આવ્યો કે ના સમાચાર આવ્યા.અને બધાને લાગી હતી ભૂખ એટલે પછી ગામ જાય ક્યાં ??

દિવેલ પીધેલ મોઢે જમવા આવ્યાં. ભૂખ થોડી સગી થાય!! બધાં મને કમને જમ્યા પણ ખરા!! પણ મનની મનમાં રહી ગઈ!! ત્રીજી છોકરી પણ પરણાવી એમાં વળી ભવાને ચાંદલો લેવાનું જ બંધ કરી દીધું!! કંકોતરીમાં લખ્યું કે “ચાંદલા પ્રથા બંધ છે” ગામ પાછું સમસમીને જોઈ રહ્યું અને પછી બધાએ નક્કી કર્યું કે છોકરીઓ તો પરણી ગઈ. પણ આવા ચીકણા ભીંડા ને ત્યાં કોણ દીકરી દેશે!!?? ગમે એમ થાય પણ સંબંધ થવા દેવો જ નથી!!

કાઠીયાવાડની બીજી ખાસિયત કે કોઈ છોકરાનો સંબંધ થાય ને તોય અમુકને પેટમાં દુખે. ગામને પાદર કોઈ પરગામના માણસો હોય એટલે અમુક તો તરત જ એને પૂછી લે!

“કયું ગામ?? ઓહ માલપરા એમને તે મગન આતા ને ત્યાં આવ્યા હતાં એમને સાચું ભાઈ સાચું એના દીકરા ના દીકરાનો સંબંધ જોવા આવ્યા હતાં નહિ.. કરો કરો સંબંધ માણસ અને ખોરડું સારું જ છે એનો દીકરો લગભગ વરસ દિવસ પહેલા ઉધનામાંથી પકડાયો હતો. કઈક લફરું હતું પણ પછી તો બે મહિના જેલમાં રહીને છૂટી ગયો.પૈસા ખરાને એટલે ઘર અને છોકરો વરી જાય !! આમ માણસ અને ખોરડું સારું!! તમ તમારે વેવિશાળ કરો?” આવું કહીને થયેલાં સંબંધ તોડાવી નાંખનાર સ્પેશ્યલ માણસો ગમે ગામ હોય છે.

કિશોર ભણ્યે હોંશિયાર દસ ભણીને એણે સાયંસ રાખ્યું અને વલ્લભ વિદ્યાનગર મુક્યો અને સાયન્સમાં થયો પાસ!! પણ સરકારી મેડીકલ કોલેજમાં ચાર ગુણ ઘટ્યા અને હવે ખાનગી મેડીકલમાં તો ઘણાં બધાં ડોનેશનમાં દેવા પડે અને ઈ પણ મહારાષ્ટ્ર કે કર્ણાટક માં જાવું પડે. ભવાને હિસાબ માંડ્યો, વરસોની બચત કાઢી પણ તોયે ચારેક લાખ ઘટતા હતાં!! ક્યાંથી લાવવા!!? જીવનભર કોઈની પાસે હાથ લંબાવ્યો નહોતો કે નહોતી કરી કોઈને મદદ!! હવે શું કરવું?? સાંજે બેઠા બેઠા વાત કરી કિશોરે.

“બાપા એમ કરોને જમીન વેચી નાંખો અને આમેય હું ડોકટર થયા પછી તમારે તો જલસા જ છે ને”?

“શું બોલ્યો જમીન વેચવી એમ , પછી મારે ખાવું શું?? , કાલ ઉઠીને તું તારૂ કરી ખા તો મારે ને તારી બા ને જવું ક્યાં,?? એટલે એ વાત તો કરતો જ નહિ. તું આયુર્વેદિક માં જતો રહે એમાં તો તને મળી જ જાય છે ને ખર્ચો પણ ઓછો” ભવાને વાત કરી ને કિશોર ઉકળી ગયો.

“થાવું તો એમબીબીએસ જ બાકી તમે કહો તો હીરા ઘસવા છે મારે ભણવું જ નથી ચાલો વાત પૂરી” કિશોરે મોઢું બગાડીને કહ્યું.

“ આટલું બધું ભણાવ્યો અને હવે કહે એ નથી ભણવું તો અત્યાર સુધી ખર્ચો કરાવ્યો શું કામ?? પૈસા ઝાડ પર ઉગે છે? હજુ તો કમાતા નથી શીખ્યા અને સામું બોલો છો? પૈસા કેમ પેદા થાય એ બેટા માર્કેટમાં આવોને તો ખબર પડે ખબર?” ભવાન પણ ધગી ગયો અને પછી કિશોર બોલ્યો!! ઈ જે બોલ્યો એનાથી ભવાન સ્તબ્ધ થઇ ગયો..

“અત્યાર સુધી ગામને હું ગાંડું જ ગણતો હતો પણ આજે ગામ સાચું છે અને ગાંડા તો તમે છો!! તમને બધાં ભવાન ભીંડી કહે એ બરાબર છે!! એકદમ ચીકણી ભીંડી જેવા છો પોતાના સગા દીકરા માટે પણ જમીન વેચી શકતા નથી!! મરોને ત્યારે બધું સાથે લેતા જજો” બોલી તો ગયો કિશોર પણ પછી પસ્તાણો.. એની બાપની આંખમાં આંસુ હતાં, જીવનમાં પહેલી વાર આંસુ હતાં!! વસન પણ સાંભળતી હતી એ કશું બોલી નહિ!! એ બધું જ દુઃખ પી ગઈ થોડી વાર પછી ભવાન બોલ્યો.

“ જીવનભર કરેલી કમાણી મેં તારી માટે જ બચાવી છે, હું ક્યાય જાત્રાએ પણ નથી ગયો, કોઈ દિવસ સારું લૂગડું પણ નથી પહેર્યું અને બધું છોકરા માટે જ કર્યું છે તોય કદાચ ગામ સાચું હોય પણ ખરું કારણ કે આજ મારું લોહી જ બોલે અને પોતાનું લોહી ખોટું તો બોલે જ નહિ” સૌ સ્તબ્ધ થઇ ગયાં.

સવારે ભવાન ઉભો થયો કિશોરને કીધું કે

“એક જગ્યા એ જાવ છું તું ચિંતા કરતો નહિ. તને મેડીકલમાં એડમીશન મળી જશે એ પાકું જા, પૈસા લઈને જ આવીશ જા બસ હવે ખુશ ને કદાચ ચાર પાંચ દિવસ પછી પણ આવું પણ પૈસા લઈને જ આવીશ” કિશોરે માફી માંગી લીધી અને કીધું કે મારે આવું ના બોલવું જોઈએ પણ બોલાઇ ગયું શું થાય. ભવાન ગયો ચાર દિવસ પછી આવ્યો. સાથે ઘટતાં ચાર લાખ રૂપિયા હતાં. એડમીશન મળી ગયું કિશોર ખુશ!! ગામમાંથી પહેલો ડોકટર બની રહ્યો હતો!! ગામ પહેલેથી આભું જ હતું!! આજ વધારે આભું બની ગયું!! આટલા બધાં રૂપિયા કાઢ્યા ક્યાંથી ભવાન “ભીંડી” એ? પાછી વાતો થઇ.

“જીવન આખું ગરીબની જેમ જીવ્યા પછી તો ભેગું થાય જ ને?

“ આખી જીંદગી બળતરા કરી ને પૈસો ભેગો કર્યો છે આવા પૈસાને શું ધોઈ પીવો?”

“ પણ જોજો છોકરો ઉડાડી દેવાનો , ડોકટર થાશે એટલી વાર છે ઈ ભવાન ને ભેગા ના રાખે , અને આ ક્યાય ટકે એવો નથી એકદમ ફેવિકોલ!! ફેવિકોલ તો ઓછો ચીકણો હોય આ તો ફેવીક્વિક છે ફેવી કવીક!!

વસને પણ એક વાર પૂછેલું કે

“આટલા બધાં પૈસા તમે કોની પાસેથી લાવ્યાં છો મને તો કહો” અને ભવાને જવાબ આપેલો.

“હવે બેહ છાની માની તને ના ખબર પડે આમાં” અને પછી વસને કોઈ દિવસ પૂછેલું પણ નહિ ઈ વખતમાં બાયું પણ એવી કે તમે એક વખત ના પાડો એટલે લગભગ ના પૂછે…!!! આજના જેવી બાયું તો નહિ જ એ વખતે!!

ચોકલેટ - મુકેશ સોજીત્રાની હ્રદયસ્પર્શી વાર્તા

ચોકલેટ – મુકેશ સોજીત્રાની હ્રદયસ્પર્શી વાર્તા

કિશોર ડોકટર બની ગયો!! સાથે ભણતી સંગીતા સાથે પ્રેમ પણ થઇ ગયો!! અને તમે ભણવા જાવ મેડીકલમાં એટલે તમને પ્રેમ પહેલાં થાય અને પછી ડોકટર થવાય !! એક કારણ એ પણ ખરું કે ધોરણ બાર સાયન્સમાં ખુબ ઉંચી ટકાવારી લાવવી પડે. એટલે લગભગ બાર ધોરણ સુધી આ વિદ્યાર્થીઓ બધી જ ઈચ્છા દબાવીને બેઠા હોય તનતોડ મહેનત કરીને જયારે મેડીકલમાં જાય એટલે વરસોથી દબાવેલી પ્રેમ ઝંખના તરત જ જાગી ઉઠે ને પછી એ લોકો સીધાજ પ્રેમમાં ઝંપલાવે!! ઉંધે કાંધ ઝંપલાવે!!!

સંગીતાના પિતા સુરતમાં મોટા વેપારી, એને પણ કિશોર ગમી ગયો!! ભવાન પાસે વાત આવી એ પણ રાજી થઇ ગયો!! એ સુરત જઈને નક્કી કરી આવ્યો!!

તે આજ ચાર ગાડીઓ આવી હતી રૂપિયો નાળીયેર દેવા!! આમ તો એની કાઈ જરૂર જ નહોતી ને કારણ કે વરસ દિવસ થી કિશોર અને સંગીતા સાથે દવાખાનું ચલાવતા. સંગીતા ના પાપા એ સરસ મજાનું દવાખાનું કરી દીધેલું. એક સરસ મજાનો બંગલો લઇ દીધેલો અને એ પણ વેડ રોડ પર કિશોરકુમાર માથે સસરાજી ધનપતરાયના ચારેય હાથ હતાં!! એકની એક દીકરી હતી!! દીકરો હતો નહિ એને જે જોઈતો હતો એ જમાઈ મળી ગયો હતો.!! પછી તો સુરત લગ્ન ગોઠવણા!! ફાર્મ હાઉસમાં બધો જ ખર્ચ ધનપતરાય કરવાના હતાં!! ભવાને આખા ગામમાં કંકોતરી વેચી હતી અને એ પણ સાગમટે!! ભવાને પણ લાગ જોઇને સોગઠી મારતો હતો ને અમુક ને કહેતો હતો.

“જો સુરત લગ્ન છે , ફાર્મ હાઉસમાં છે, બધાએ આવવાનું છે , સાગમટે આવવાનું છે, ઈ એટલાં માટે કે તમને બધાને આવા લગ્ન જોવા મળે ને કે ના મળે !! જુઓ આ ૫૦૦ રૂપિયાની કંકોતરી છે!! વેવાઈનો જ ખરચો છે અને વેવાઈ એ કીધું કે આખું ગામ આવવું જોઈએ, ટિકિટ ભાડા ના પૈસા પણ વેવાઈ આપવાના છે જો કોઈને વેત નો હોય તો કેજો એમ વેવાઈ કહેતા હતાં હતાં, આવજો જરૂર ત્રણ દિવસનો જલસો છે જલસો અને મારે આ છેલ્લો પ્રસંગ અને હા ચાંદલા પ્રથા તો બંધ છે”

ગામ વળી પાછું આભું બની ગયું!! ભવાન ભીંડી એક એક પછી એક કુકરી એવી જ રીતે ચાલતો કે ગામને આભું બનવું જ પડતું . હવે ઘણાં એ સંબંધ સુધારવા માંડ્યા કારણ કે ડોકટર નું કામ પડે ને એટલે અમુક તો કેમ છો “ભવાન કાકા” એમ પણ કહેવા માંડ્યા!! પ્રસંગ પતાવ્યો ધામધૂમ થી પતાવ્યો. અઠવાડિયું ભવાન અને વસન રહ્યા વહુ પાસે!! સંગીતા એકદમ મોડર્ન અને વસન સાવ દેશી તોય એને તકલીફ ના પડી પણ ભવાનને એનો સ્વભાવ નડ્યો.

બહાર હોટેલમાં જમવા જાય અને બિલ આવે એટલે ભવાન બોલે

“ આ ચાર હજારનું બિલ આ ચાર જણાનું આ ના પોસાય, આની કરતાં ઘરે બનાવીને ખવાય તમે તો બંને ડોકટર બહારનું ખાવાની દર્દીને ના પાડો છો અને તમે બહારનું ખાવ એ કેવું ખરાબ”

“ઘરમાં એક ટીવી તો છે પછી રૂમે રૂમે શું કામ ટીવી”?

“ આ પીઝા અને ઢોસા કરતાં બાજરાના રોટલાં સારા દેશી ખોરાક ઈ દેશી ખોરાક સારો”

શરૂઆતમાં કોઈએ ધ્યાનમાં ના લીધું પછી એક દિવસ કિશોરે કીધું કે

“બાપુજી તમારે મૂંગા રહેવાનું જે થાય ઈ જોવાનું, હવે ઈ જમાના ગયાં, તમે જે રીતે જીવતાં એ રીતે હવે કોઈ ના જીવી શકે”

“ પણ હું એમ કહું છું પૈસા બગાડો નહિ, ભેગા કરો જરૂર હોય ત્યાં વાપરો એની ના નહિ પણ વેડફો નહિ, આતો પૈસા પણ બગડે અને શરીર પણ બગડે” ભવાને કીધું પણ કિશોર તો મોબાઈલ પર વાતોમાં હતો. પછી તો ભવાન એકાદ મહીનો સુરત હોય અને એકાદ મહિનો ગામડામાં પણ પછી તો ગામડામાં જ રહી ગયાં. ખેતી આપી દીધી હતી ભાગીયાને અને હવે કર રહ્યા નહોતા.

વસન અને ભવાન ઘરે જ હોય કિશોરે ઘરે એસી મુકાવેલું, એક ગાડી લઇ દીધેલી પણ વાપરે કોણ પેટ્રોલ બળે ને!! ઉનાળામાં ઘડીક એસી શરુ કરે ને પછી બંધ તે આખો દિવસ અને રાત ઠંડક રહે એવું ગણિત હતું ભવાનનું!! એક મોટું ટીવી અને ડીશ પણ ગોઠવી દીધેલ!!પણ તોય એ શરુ ના કરે કારણકે પાવર બળેને!! આમને આમ જીવન પસાર થાય છે અને એમાં ભવાન પડ્યો બીમાર!! તાવ આવ્યો ને ચાર દિવસ સુધી દવાખાને ના ગયો અને આ વખતે તાવ ઘરી ગયો મગજ સુધી તે રાતોરાત છોકરો આવ્યો. લઇ ગયાં સુરત અને વસન ને ખીજાણો પણ ખરો.

“બા તમે અમને શું કામ ભૂંડા લગાડો છો,? મને પહેલાં વાત કરી હોત તો, હું તરત આવી જાતને , હું કાઈ પારકો છું? અને અહી રહો એ તમને નથી ગમતું અને મારા બાપાને બોલ્યાં સિવાય ચાલે નહિ અને છેક રામાવતારનું કાઢે કે આમ હતું ને તેમ હતું, આમ હોય ને તેમ હોય”.

કિશોર ભવાનને પોતાની હોસ્પીટલમાં દાખલ કર્યો , તાવ મગજમાં ઘુસી ગયો હતો. રીપોર્ટ કરાવ્યા, આખા શરીર નું ચેક અપ કરી નાખ્યું. સાંજે રીપોર્ટ આવવાના હતાં પાંચ વાગ્યા ને ભવાન ભાઈ એ આંખો ખોલી. દીકરો બોલ્યો.

“જુઓ પાપા હવે હું હાથ જોડું છું કાઈ બોલવાનું નથી અને આહી જ રહેવાનું છે નહીતર હું અને સંગીતા ત્યાં આવી જઈએ બાકી હવે ખોરાક લેવાનો છે આખી જિંદગી સારી વસ્તુ નથી ખાધી અને હવે શરીર સાવ ટળી ગયું છે, એ જમીન છે ને ત્યાં ભાગીયો વાવશે બાકી તમારે ક્યાય જવાનું નથી”

ભવાન બોલ્યો..

“ઠીક છે પણ હવે મને નથી લાગતું કે હું વધારે જીવું અને આમેય મારું બોર્ડ હવે પૂરું થાવામાં છે “ આવી વાત થતી હતી ત્યાં જ રીપોર્ટ લઈને નર્સ આવી. આખા શરીરના ફોટા અને તમામ રીપોર્ટસ હતાં. એક ફોટો જોઈને સંગીતા ચોંકી ગઈ એ રાડ પાડીને બોલી.

“કિશોર આ જુઓ તો “ કિશોરે એ એક્ષરે જોયો અને બોલ્યો.

“ બાપુજી તમારે એક જ કિડની છે?? એક કિડની તો અગાઉ કાઢી લીધેલ છે. કોણે કાઢી લીધી તમને ખબર છે”??? આમ કેમ ?

“ હા બેટા તારે પૈસા ઘટતા તા ને ઈ વખતે મેં છાપામાં વાંચેલ કે કિડની જોઈએ છે અને હું અમદાવાદ ગયો કિડની વેચીને ચાર લાખ લાવેલ, તારી માને મેં વાત નથી કરી અને વાત શું કામ કરવાની!!?? દીકરા માટે માં બાપ કિડની તો શું આખે આખા વેચાય જાય!! તું બાપ થઈશ ને એટલે ખબર પડશે બેટા!! ઈ વખતે મેં બધું જ ભેગું કર્યું હતું એ કાઢ્યું તોય ઘટતા હતાં પૈસા!! પછી તો આજ ઉપાય હતો!! આ તો વળી ફોટા પાડ્યાને તને ખબર પડી બાકી હું નોતો કહેવાનો!! એટલે જ હું કહું છું કે પૈસા ભેગા કરજો ક્યારેક કામ લાગે” ભવાન કરમશી બોલતો હતો !! અને વસન , કિશોર અને સંગીતા સંભાળતા હતાં.

કિશોરના હાથમાંથી રીપોર્ટસ પડી ગયાં હતાં, આજ બાપને એને એક વખત “ભીંડી” કહ્યો હતો. અને એ સાંજે ભવાન અવસાન પામ્યો. કોઈ પણ કષ્ટ કે સેવા ચાકરી કરાવ્યા વગર અવસાન પામ્યો. ભીની આંખે સહુ એની સ્મશાન યાત્રામાં જોડાયા!!

અને આ બાજુ ગામમાં ખબર પડી કે ભવાન ભીંડી સુરત ગુજરી ગયો છે, ગામે જ્યારે એ જાણ્યું કે છોકરાને ભણાવવા માટે ભડ ના દીકરાએ કિડની વેચી હતી પણ કોઈની પાસે માંગ્યું નહોતું અને કોઈને કીધું પણ નહિ ત્યારે ગામ છેલ્લી વાર આભું બની ગયું હતું!!! આ વખતે ગામ આભું તો હતું જ પણ આખા ગામની આંખમાં આંસુ પણ હતાં!! અને વગર કીધે આખા ગામે સ્નાન કર્યું હતું!!!!!

ઘણી વખત માં બાપની મહાનતા આપણને ત્યારે ખબર પડે છે કે જયારે બહુજ મોડું થઇ ગયું હોય છે.

લેખક – મુકેશ સોજીત્રા

આ વાર્તાના કોપીરાઈટ લેખકશ્રીના છે, કોઈએ લેખકના નામ વગર કે પોતાના નામે કોપી કરીને પ્રસિધ્ધ કરવી ગુન્હો બને છે

ચોકલેટ – મુકેશ સોજીત્રાની હ્રદયસ્પર્શી વાર્તા

“વિઠ્ઠલ તીડી” મુકેશ સોજીત્રાની વાર્તા

ભીમ અગિયારસની જુની યાદો – મુકેશ સોજીત્રા

1 thought on “વાર્તા : એક હતો ભવાન ભીંડી – મુકેશ સોજીત્રા”

  1. Pingback: ગુજરાતી સાહિત્યની Best 101 વાર્તાઓનો સંગ્રહ | Gujarati Varta Pdf - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *